સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૨૧. ત્રણ પાઉંડનો કર

← ૨૦. બાલાસુંદરમ સત્યના પ્રયોગો અથવા આત્મકથા
ત્રણ પાઉંડનો કર
મોહનદાસ કરમચંદ ગાંધી
૨૨. ધર્મનિરીક્ષણ →


૨૧. ત્રણ પાઉંડનો કર

બાલાસુંદરમના કિસ્સાને મને ગિરમીટિયા હિંદીઓના સંબંધમાં જોડ્યો. પણ તેમના ઉપર કર નાંખવાની જે હિલચાલ ચાલી તેને પરિણામે મારે તેમની સ્થિતિનો ઊંડો અભ્યાસ કરવો પડ્યો.

આ ૧૮૯૪ની સાલમાં ગિરમીટિયા હિંદીઓ ઉપર દર વર્ષે પાઉંડ ૨૫નો, એટલે રૂ. ૩૭૫નો કર નાંખવાનો ખરડો નાતાલની સરકારે તૈયાર કર્યો. આ ખરડો વાંચીને હું તો દિડ્મૂઢ જ બની ગયો. મે તે સ્થાનિક કોંગ્રેસ પાસે રજૂ કર્યો; કોંગ્રેસે તે બાબત જે હિલચાલ કરવી જોઈએ તે કરવાનો ઠરાવ કર્યો.

આ કરની હકીકત થોડી સમજીએ.

સુમારે ૧૮૬૦માં જ્યારે નાતાલમાં શેરડીનો સારો પાક થઈ શકે એમ છે એવું ત્યાં વસતા ગોરાઓએ જોયું ત્યારે તેમણે મજૂરોની ખોજ કરવા માંડી. મજૂર ન મળે તો શેરડી પાકે નહીં, સાકરખાંડ થાય નહીં. નાતાલના હબસીઓ આ મજૂરી કરે તેમ નહોતા. તેથી નાતાલવાસી ગોરાઓએ હિંદી સરકાર સાથે મસલત ચલાવીને હિંદી મજૂરને નાતાલ જવા દેવાની રજા મેળવી. તેમને પાંચ વર્ષ મજૂરી કરવાની બંધણી, ને પાંચ વર્ષને અંતે સ્વતંત્ર રીતે નાતાલમાં વસવાની છુટ, એવી લાલચો આપવામાં આવી હતી. તેમને જમીનની માલિકી ધરાવવાના પુરા હક પણ રાખ્યા હતા. તે વખતે ગોરાઓ ઈચ્છતા હતા કે હિંદી મજૂર પોતાનાં પાંચ વર્ષ પુરાં કર્યા પછી જમીન ખેડે ને પોતાના ઉધમનો લાભ નાતાલને આપે.

આ લાભ હિંદી મજૂરે ધાર્યા ઉપરાંત આપ્યો. શાકભાજી પુષ્કળ વાવ્યાં. હિંદુસ્તાનનાં કેટલાંક મીઠાં શાકો વાવ્યાં. જે શાક થતાં હતાં તે સોંઘાં કર્યા. હિંદુસ્તાનથી આંબો લાવીને વાવ્યો. પણ તેની સાથે તેણે તો વેપાર પણ કરવા માંડ્યો. ઘર બાંધવાને સારુ જમીનો ખરીદી ને મજૂર મટી ઘણા સારા જમીનદાર અને ઘરધણી થયા. મજૂરમાંથી થયેલા આવા ઘરધણીઓની પાછળ સ્વતંત્ર વેપારીઓ પણ આવ્યા. તેમાંના મરહૂમ શેઠ અબુબકર આમદ પ્રથમ દાખલ થનાર હતા. તેમણે પોતાનું કામ ખુબ જમાવ્યું.

ગોરા વેપારી ચમક્યા. તેમણે પહેલાં હિંદી મજૂરને વધાવ્યા ત્યારે તેમને તેઓની વેપારશકિતનો ખ્યાલ નહોતો આવ્યો. તેઓ ખેડૂત તરીકે સ્વતંત્ર રહે ત્યાં લગી તો તેઓને તે વખતે હરક્ત નહોતી. પણ વેપારમાં તેમની હરીફાઈ અસહ્ય લાગી.

આ હિંદીઓ સાથેના વિરોધનું મૂળ.

તેમાં બીજી વસ્તુઓ ભળી. આપણી નોખી રહેણીકરણી, આપણી સાદાઈ, આપણને ઓછા નફાથી થતો સંતોષ, આરોગ્યના નિયમો વિષે આપણી બેદરકારી, ઘરઆંગણાને સાફ રાખવાનું આળસ, તેને સમારવામાં કંજૂસાઈ, આપણા જુદા ધર્મ-આ બધું વિરોધને ઉતેજન આપનાર નીવડ્યું.

તે વિરોધ પેલા મતાધિકારને ખૂંચવી લેવારૂપે ને ગિરમીટિયા ઉપર કર નાંખવારૂપે કાયદામાં મૂર્તિમંત થયો. કાયદાની બહાર તો નાના પ્રકારની ખણખોદ ચાલુ થઈ જ ચૂકી હતી.

પ્રથમ સૂચના તો એ હતી કે ગિરમીટ પૂરી થવા આવે એટલે હિંદીઓને જબરજસ્તીથી પાછા મોકલવા, એવી રીતે કે તેનો કરાર હિંદુસ્તાનમાં પૂરો થાય. આ સૂચના હિંદી સરકાર કબૂલ રાખે તેમ નહોતું. એટલે એવી સૂચના થઈ કે,

૧. મજૂરીનો કરાર પૂરો થયે ગિરમીટિયો પાછો હિંદુસ્તાન જાય,
અથવા
૨. બબ્બે વર્ષની ગિરમીટ નવેસર કરાવ્યાં કરે ને તેવી દર વેળાએ તેને પગારમાં કંઈક વધારો મળે;
૩. જો પાછો ન જાય, ને ફરી મજૂરીનું કરારનામું પણ ન કરે તો તેણે દર વર્ષે પાઉંડ ૨૫ કરના આપવા.

આ સુચના કબૂલ કરાવવા સારુ સર હેનરી બીન્સ તથા મિ. મેસનનું ડેપ્યુટેશન હિંદુસ્તાનમાં મોકલવામાં આવ્યું. લોર્ડ એલ્ગિન વાઈસરોય હતા. તેમણે પચીસ પાઉંડનો કર તો નામંજૂર કર્યો; પણ તેવા દરેક હિંદી પાસેથી પાઉંડ ત્રણનો કર લેવો એમ સ્વીકાર્યુ. મને ત્યારે લાગેલું ને હજુ લાગે છે કે, વાઈસરોયની આ ગંભીર ભૂલ હતી. તેમણે આમાં હિંદુસ્તાનનું હિત મુદ્લ ન વિચાર્યુ. નાતાલના ગોરાઓને આવી સગવડ કરી આપવાનો તેમનો મુદ્લ ધર્મ નહોતો. ત્રણ ચાર વર્ષ બાદ આ કર તેવા હિંદીની સ્ત્રી પાસેથી અને તેમના દરેક ૧૬ વર્ષ અને તેથી વધુ ઉંમરના દરેક પુત્ર ને ૧૩ અને તેથી વધુ વર્ષની ઉંમરની દરેક પુત્રી પાસેથી પણ લેવાનું ઠર્યુ. આમ પતિપત્ની અને બે બાળકોનું કુટુંબ-જેમાંથી પતિને ભાગ્યે બહુ બહુ તો માસિક ૧૪ શિલિંગ મળતા હોય,-તેની પાસેથી પાઉંડ બાર એટલે રૂ. ૧૮૦ કર લેવો એ મહા જુલમ ગણાય. આવો કર દુનિયામાં કયાંયે આવી સ્થિતિના ગરીબ માણસો પાસેથી લેવાતો નહોતો.

આ કરની સામે સખત લડત મંડાઈ. જો નાતાલ ઈંડિયન કોંગ્રેસ તરફથી મુદ્લ પોકાર ન થયો હોત તો વાઈસરોય કદાચ ૨૫ પાઉંડ પણ કબૂલ કરત. પાઉંડ ૨૫ના પાઉંડ ૩ થયા, તે પણ કોંગ્રેસની હિલચાલનો જ પ્રતાપ હોવાનો પૂરો સંભવ છે. પણ આ કલ્પનામાં મારી ભલે ભૂલ થતી હોય. એવો ભલે સંભવ હોય કે હિંદી સરકારે ૨૫ પાઉંડની વાતનો પ્રથમથી જ ઈન્કાર કર્યો હોય, ને ભલે તે કોંગ્રેસના વિરોધ વિના પણ પાઉંડ ૩નો જ કર સ્વીકારત. તોયે તે હિંદુસ્તાનના હિતનો ભંગ તો હતો જ. હિંદુસ્તાનના હિતરક્ષક તરીકે આવો અમાનુષી કર વાઈસરોયે કદી કબૂલ કરવો નહોતો જોઈતો.

પચીસના ત્રણ પાઉંડ (રૂ. ૩૭૫ના રૂ. ૪૫) થવાને સારુ કોંગ્રેસ શો જશ લે ? કોંગ્રેસ ગિરમિટિયાના હિતની પૂરી રક્ષા ન કરી શકી એ જ તેને તો સાલ્યું. ને ત્રણ પાઉંડનો કર કોઈ દિવસે તો જવો જ જોઈએ એ નિશ્ચય કોંગ્રેસે કદી જતો નહોતો કર્યો. એ નિશ્ચય પાર પડતાં ૨૦ વર્ષ વીત્યાં. તેમાં નાતાલના જ નહીં પણ આખા દક્ષિણ આફ઼્રિકાના હિંદીઓને સંડોવાવું પડ્યું. તેમાં ગોખલેને નિમિત થવું પડ્યું. તેમાં ગિરમીટિયા હિંદીઓને પૂરો ભાગ લેવો પડ્યો. તેને અંગે કેટલાંકને ગોળીબારથી મરવું પડ્યું. દશ હજારથી ઉપરાંત હિંદીઓને જેલ ભોગવવી પડે.

પણ અંતે સત્યનો જય થયો. હિંદીઓની તપશ્ચર્યામાં સત્ય મૂર્તિમંત થયું. તેને સારુ અડગ શ્રધ્ધાની, ધીરજની અને સતત પ્રવૃતિની આવશ્યકતા હતી. જો કોમ હારીને બેસી જાત, કોંગ્રેસ લડતને ભૂલી જાત, ને કરને અનિવાર્ય સમજી તેને શરણ થાત, તો એ કર આજ લગી ગિરમીટિયા હિંદીની પાસેથી લેવાતો હોત, અને એની નામોશી સ્થાનિક હિંદીઓને તેમ જ સમસ્ત હિંદુસ્તાનને લાગત.