સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૩૭. ગોખલેને મળવા

← ૩૬. પ્રાયશ્ચિત્તરૂપે ઉપવાસ સત્યના પ્રયોગો અથવા આત્મકથા
૩૭. ગોખલેને મળવા
મોહનદાસ કરમચંદ ગાંધી
૩૮. લડાઈમાં ભાગ →


૩૭. ગોખલેને મળવા

દક્ષિણ આફ્રિકાનાં ઘણાં સ્મરણો હવે મૂકવાં પડે છે. સન ૧૯૧૪માં જ્યારે સત્યાગ્રહની લડતનો અંત આવ્યો ત્યારે ગોખલેની ઇચ્છાથી મારે ઇંગ્લંડ થઈને દેશ જવાનું હતું. તેથી જુલાઈ માસમાં કસ્તૂરબાઈ, કૅલનબૅક અને હું એમ ત્રણ જણ વિલાયત જવા ઉપડ્યા. સત્યાગ્રહની લડાઈ દરમિયાન મેં ત્રીજા વર્ગની મુસાફરી શરુ કરી હતી, તેથી દરિયારસ્તે પણ ત્રીજા વર્ગની ટિકિટ કપાવી. પણ આ ત્રીજા વર્ગમાં ને આપણા ત્રીજા વર્ગમાં ઘણો તફાવત છે. આપણામાં સૂવાબેસવાની જગ્યા પણ માંડ મળે છે. સ્વચ્છતા તો હોય જ શાની ? જ્યારે પેલામાં જગ્યા યોગ્ય પ્રમાણમાં હતી, ને સ્વચ્છતા સારી જળવાતી હતી. કંપનીએ અમારે સારુ વધારે સગવડ પણ કરી આપી હતી. કોઈ અમને પજવે નહીં તેટલા સારુ એક જાજરૂને ખાસ તાળું કરાવી તેની ચાવી અમને સોંપવામાં આવી હતી, ને અમે ત્રણે ફળાહારી હોઈ અમ્ને સૂકાં લીલાં ફળ પણ પૂરાં પાડવાની આજ્ઞા સ્ટીમરના ખજાનચીને આપવામાં આવી હતી. સામાન્ય રીતે ત્રીજા વર્ગના ઉતારુને ફળો ઓછાં મળે છે, સૂકો મેવો મુદ્દલ નહીં. આ સગવડોને લીધે અમે બહુ શાંતિથી દરિયાના અઢાર દહાડા કાપ્યા.

આ મુસાફરીનાં કેટલાંક સ્મરણો બહુ જાણવા જેવાં છે. મિ. કૅલનબૅકને દૂરબીનોનો સારો શોખ હતો. એકબે કીમતી દૂરબીનો તેમણે રાખ્યાં હતાં. આ વિશે અમારી વચ્ચે રોજ સંવાદો થાય. અમારા આદર્શને, અમે જે સાદાઈને પહોંચવા ઇચ્છતા હતા તેને આ અનુકૂળ નથી એમ હું સમજાવવા પ્રયત્ન કરતો. એક દહાડો અમારી વચ્ચે આની તીખી તકરાર થઈ. અમે બંને અમારી કેબિનની બારી પાસે ઊભા હતા. મેં કહ્યું, 'આ તકરાર આપણી વચ્ચે થાય તેના કરતાં આ દૂરબીનને દરિયામાં જ ફેંકી દઈએ ને તેની વાત જ ન કરીએ તો કેવું સારું?'

મિ. કૅલનબૅકે તુરત જવાબ આપ્યો, જરૂર તે ભમરાળી ચીજ ફેંકી દો.'

મેં કહ્યું, 'હું ફેંકું છું.'

તેમણે એટલી જ ત્વરાથી જવાબ દીધો, 'હું સાચેસાચ કહું છું જરૂર ફેંકી દો.'

મેં દૂરબીન ફેંકી દીધું. એ સાતેક પાઉન્ડની કિંમતનું હતું, પણ તેની કિઁમત તેના દામમાં હતી તેના કરતાં મિ. કૅલનબૅકના તેની ઉપરના મોહમાં હતી. છતાં મિ. કૅલનબૅકે તેને વિશે કદી દુ:ખ નથી માન્યું. તેમની ને મારી વચ્ચે આવા અનુભવ ઘણા થતા, તેમાંથી મેં આ એક વાનગીરૂપે આપેલ છે.

અમારી વચ્ચેના સંબંધમાંથી અમને રોજ નવું શીખવાનું મળતું, કેમ કે બંને સત્યને અનુસરીને જ ચાલવાનો પ્રયત્ન કરતા હતા. સત્યને અનુસરતાં ક્રોધ્, સ્વાર્થ, દ્વેષ ઇત્યાદિ સહેજે શમતાં હતાં; ન શમે તો સત્ય મળતું નહોતું. રાગદ્વેષાદિથી ભરપૂર માનવી સરળ ભલે હોઈ શકે, વાચાનું સત્ય ભલે પાળે, પણ તેને શુદ્ધ સત્ય ન જ મળે. શુદ્ધ સત્યની શોધ કરવી એટલે રાગદ્વેષાદિ દ્વંદ્વથી સર્વથા મુક્તિ મેળવવી.

અમે મુસાફરી શરૂ કરી ત્યારે મને ઉપવાસ પૂરા કર્યાને બહુ સમય નહોતો થયો. મને પૂરી શક્તિ નહોતી આવી ગઈ. આગબોટમાં હું રોજ ડેક ઉપર ચાલવાની કસરત કરી ઠીક ખાવાનો ને ખાધેલું પચાવવાનો પ્રયત્ન કરતો. પણ તેમ તેમ મને પગના પિંડમાં વધારે દુખાવો થવા લાગ્યો. વિલાયત પહોંચ્યા પછી મારો દુખાવો ઓછો ન થયો પણ વધ્યો. વિલાયતમાં દાક્તર જીવરાજ મહેતાની ઓળખ થઈ હતી. તેમને ઉપવાસનો અને દુખાવાનો ઇતિહાસ આપતાં તેમણે કહ્યું, 'જો તમે થોડા દહાડા તદ્દન આરામ નહીં લો તો પગ સદાયના ખોટા થઈ જવાનો ભય છે.' આ વખતે જ મને ખબર પડી કે લાંબા ઉપવાસ કરનારે ગયેલી તાકાત ઝટ મેળવવાનો કે બહુ ખાવાનો લોભ ન જ રાખવો ઘટે. ઉપવાસ કરવા કરતાં તે ઉતારવામાં વધારે સાવધાન રહેવું પડે છે, ને કદાચ તેમાં વધારે સંયમ પણ હોય,

મદીરામાં અમને, મહાયુદ્ધ ફાટી નીકળવાની ઘડીઓ જાય છે, એવા સમાચાર મળ્યા. ઈંગ્લંડની ખાડીમાં પહોંચતાં લડાઈ ફાટી નીકળવાના સમાચાર મળ્યા, ને અમને રોકવામાં આવ્યા.ઠેકાણે ઠેકાણે પાણીમાં ગુપ્ત ખાણો કરવામાં આવી હતી. તેમાંથી અમને લઈને સાઉધેમ્પ્ટન પહોંચાડતાં એક કે બે દિવસની ઢીલ થઈ. લડાઈ ચોથી ઑગસ્ટે જાહેર થઈ. અમે છઠ્ઠીએ વિલાયત પહોંચ્યાં.