સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૨. સંસારપ્રવેશ

← ૧. રાયચંદભાઈ સત્યના પ્રયોગો અથવા આત્મકથા
સંસારપ્રવેશ
મોહનદાસ કરમચંદ ગાંધી
૩. પહેલો કેસ →


૨. સંસારપ્રવેશ

વડીલ ભાઇએ તો મારા ઉપર ઘણી આશાઓ બાંધેલી. તેમને પૈસાનો, કિર્તિનો અને હોદ્દાનો પુષ્કળ લોભ હતો. તેમનુ હ્રદય બાદશાહી હતુ. ઉદારતા ઉડાઉપણા સુધી તેમને લઈ જતી. આથી તેમ જ તેમના ભોળપણાથી તેમને મિત્રો કરતાં વાર ન લાગતી. આ મિત્રવર્ગની મારફત તેઓ મારે સારૂ કેસો લાવવાના હતા. હું કમાણી ખુબ કરવાનો છુ એમ પણ એમણે માની લીધુ હતુ, અને તેથી ઘરખર્ચ વધારી મુક્યું હતુ. મારે સારૂ વકીલાત નુ ક્ષેત્ર પણ તૈયાર કરવામાં પોતે બાકી નહોતી રાખી.

જ્ઞાતિનો ઝગડો ઊભો જ હતો. બે તડ પડી ગયા હતાં. એક પક્ષે મને તુરંત નાતમાં લઇ લીધો. બીજો પક્ષ ન લેવા તરફ ચુસ્ત રહ્યો. નાતમાં લેનાર પક્ષને સંતોષવા ખાતર રાજકોટ લઈ જતાં પહેલાં ભાઈ મને નાસિક લઈ ગયા. ત્યાં ગંગાસ્નાન કરાવ્યુ, ને રાજકોટમાં પહોંચતા નાત જમાડી.

આ કામમાં મને રસ ન પડ્યો. વડીલ ભાઈનો મારા પ્રત્યેનો પ્રેમ અગાધ હતો, મારી ભક્તિ તેટલી રજ હતી એમ મને પ્રતીતિ છે; તેથી તેમની ઈચ્છાને હુકમરૂપ સમજીને હું યંત્રની જેમ વગર સમજ્યે તેમની ઈચ્છાને અનુકૂળ થતો રહ્યો. નાતનુ કામ આટલેથી થાળે પડ્યુ.

જે તડથી હું નાતબહાર રહ્યો તેમાં પ્રવેશ કરવા મેં કદી પ્રયત્ન ન કર્યો. ન મેં નાતના કોઈ પણ શેઠ પ્રત્યે મનમાંયે રોષ કર્યો. મારા પ્રત્યે તિરસ્કારની નજરે જોનાર પણ તેમાં હતા. તેઓની સાથે નમીને ચાલતો. નાતના બહિષ્કારના કાયદાને સંપૂર્ણ માન આપતો. મારા સાસુ-સસરાને ત્યાં કે મારી બહેનને ત્યાં પાણી સરખું ન પીતો. તેઓ છૂપી રીતે પાવા તૈયાર થાય, પણ જે વસ્તુ જાહેરમાં ન કરાય તે છૂપી રીતે કરવા મારૂ મન જ કબૂલ ન કરતું.

મારા આ વર્તનનું પરિણામ એ આવ્યુ કે નાત તરફથી મને કદી કશો ઉપદ્રવ થયાનુ મને યાદ નથી. એટલુ જ નહી પણ, જોકે હું હજુ આજે પણ નાતના એક વિભાગથી કાયદેસર બહિષ્કૃત ગણાઉં છું છતાં તેમના તરફથી મેં માન અને ઉદારતા જ અનુભવ્યા છે. તેઓએ મને મારા કાર્યમાં મદદ પણ કરી છે, અને નાત પરત્વે હું કંઈ પણ કરૂ એવી મારી પાસેથી આશા સરખી નથી કરી. આ મીઠું ફળ કેવળ અપ્રતિકારને આભારી છે એમ મારી માન્યતા છે. જો નાત મા દાખલ થવા ની મેં ખટપટ કરી હોત, વધારે તડો પાડવા નો પ્રયત્ન કર્યો હોત, નાતીલા ને છંછેડ્યા હોત, તો તેઓ અવશ્ય સામે થાત, ને હું વિલાયતથી આવતાં જ ઉદાસીન અને અલિપ્ત રહેવાને બદલે ખટપટની જાળમાં ફસાઈ કેવળ મિથ્યાત્વને પોષનારો બની જાત.

સ્રીની સાથેનો મારો સંબંધ હજુ હું ઈચ્છુ તેવો ન થયો. મારો દ્વેષી સ્વભાવ વિલાયત જતાં પણ હું ન મૂકી શક્યો. દરેક વાતમાં મારી ખાંખદ ને મારો વહેમ જારી રહ્યાં. આથી મારી ધારેલી મુરાદો હું પાર ન પાડી શક્યો. પત્નીને અક્ષરજ્ઞાન હોવું જ જોઈએ અને તે હું આપીશ એમ ધારેલુ, પણ મારી વિષયાસક્તિએ મને તે કામ કરવા જ ન દીધુ, અને મારી ઊણપનો રોષ મેં પત્ની પર ઉતાર્યો. એક સમય તો એવો આવ્યો કે મેં તેને એને પિયર જ મોકલી દીધી અને અત્યંત કષ્ટ આપ્યા પછી ફરી સાથે રહેવા દેવાનુ કબૂલ કર્યુ. આમાં કેવળ મારી નાદાની જ હતી એમ હું પાછળ થી જોઈ શક્યો.

છોકરાઓની કેળવણી વિષે પણ મારે સુધારા કરવાં હતા. વડીલ ભાઈને છોકરા હતાં ને હું પણ એક બાળક મૂકી ગયો હતો તે હવે ચાર વર્ષનો થવા આવ્યો હતો. આ બાળકોને કસરત કરાવવી, તેમને મજબૂત કરવાં, ને મારો સહવાસ આપવો, એમ ધારણા હતી, આમાં ભાઈની સહાનુભુતિ હતી. થોડે ઘણે અંશે હું આમા સફળતા મેળવી શક્યો. છોકરાઓનો સમાગમ મને બહુ પ્રિય લાગ્યો ને તેમની સાથે વિનોદ કરવા ની ટેવ આજ લગી રહી ગયેલી છે. છોકરાઓના શિક્ષક તરીકે હું શોભી શકુ એવું કામ કરૂ એમ મને ત્યારથી જ લાગેલુ.

ખાવામાં પણ સુધારા કરવા જોઈએ એ તો સ્પષ્ટ હતું. ઘરમાં ચાકોફીને તો સ્થાન મળી ચુક્યું હતું. ભાઈ વિલાયત થી ઘેર આવે તે પહેલાં ઘરમાં વિલાયત ની કંઈક હવા તો દાખલ થવી જ જોઈએ એમ મોટાભાઈએ વિચાર્યુ. એટલે ચીનના વાસણ, ચા વગેરે જે વસ્તુઓ ઘરમાં પ્રથમ રહેતી તો કેવળ દવા તરીકે ને સુધરેલા મહેમાન અર્થે, તે હવે તો બધાંને સારૂ વપરાવા લાગી હતી. આવા વાતાવરણમાં હું મારા 'સુધારા' લાવ્યો. ઓટમીલ પેરિજ (ઘેંસ) દાખલ થઈ, ચાકોફીને બદલે કોકો, પણ બદલો તો નામનો હતો, ચાકોફીમાં કોકોનો ઉમેરો જ થયો. બૂટમોજાંએ તો ઘર ઘાલ્યુ જ હતું. મેં કોટપાટલૂનથી ઘર પુનિત કર્યુ !

આમ ખરચ વધ્યું. નવીનતાઓ વધી. ઘેર ધોળૉ હાથી બંધાયો. પણ ખરચ લાવવુ ક્યાંથી ? રાજકોટમાં તુરત ધંધો શરૂ કરવામાં તો હાંસી થાય. રાજકોટમાં પાસ થયેલા વકીલ સામે ઊભાવા જેટલુ મને જ્ઞાન ન મળે ને ફી તેમના કરતાં દસ ગણી લેવાનો દાવો ! કયો મુર્ખ અસીલ મને રોકે ? અથવા એવો મુર્ખ મળી આવે તોયે મારે શુ માર અજ્ઞાનમાં ઉદ્દતાઈ અને દગાનો ઉમેરો કરી મારા ઉપરનું જગતનું કરજ વધારવુ ?

મિત્રની સલાહ એમ પડી કે મારે થોડો વખત મુંબઈ જઈ હાઈકોર્ટનો અનુભવ લેવો તથા હિંદુસ્તાનના કાયદાનો અભ્યાસ કરવો, ને કંઈ વકિલાત મળે તો મેળવવા કોશિશ કરવી. હું મુંબઈ જવા ઊપડયો.

ઘર માંડ્યુ. રસોઈયો રાખ્યો. રસોઈયો મારા જેવોજ હતો. બ્રાહ્મણ હતોં. મેં તેને નોકરની જેમ તો રાખ્યો જ નહીં. આ બ્રાહ્મણ નહાય પણ ધુએ નહીં, ધોતિયુ મેલું, જનોઈ મેલીં, શાસ્રનો અભ્યાસ ન મળૅ. વધારે સારો રસોઈઓ ક્યાંથી લાવું ?

'કેમ રવિશંકર (તેનુ નામ રવિશંકર હતું), રસોઈ તો ન આવડે, પણ સંધ્યા વગેરેનું શુ ?'

'શુ ભઈશોબ, 'શધ્યાંતર્પણ શોતીડું, કોદાળી ખટકરમ.' અમે તો એવા જ ભેઁમણ તો. તમારા જેવા નભાવે ને નભીએ. નીકર છેતી તો છે જ તો.’ હું સમજ્યો, મારે રવિશંકરના શિક્ષક થવાનું રહ્યુ, વખત તો પુષ્કળ હતો. અરધુ રવિશંકર રાંધે ને અરધુ હું. વિલાયતના અન્નહારી ખોરાકના અખતરાઓ અહીં ચલાવ્યા. એક સ્ટવ ખરીદ્યો. હું પોતે પંગતભેદ તો પાળતો જ નહોતો. રવિશંકરને પંગતનો આગ્રહ નહોતો. એટલે અમારો મેળ ઠીક જામ્યો. માત્ર આટલી શરત-આથવા કહો મુસીબત હતી : રવિશંકરે મેલની ભાઈબંધી છોડવાના ને રસોઈ સાફ રાખવાના સમ ખાધા હતા !

પણ મારાથી ચાર પાંચ માસથી વધારે મુંબઈ રહેવાય તેમ હતુ જ નહીં, કેમકે ખર્ચ વધતું જાય ને આવક કંઈ જ નહીં.

આમ મેં સંસારમાં પ્રવેશ કર્યો. બારિસ્ટરી મને વસમી લાગવા માંડી. આડંબર ઘણો, આવડત થોડી. જવાબદારીનો ખ્યાલ મને કચડવા લાગ્યો.