સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૧. રાયચંદભાઈ
← ભાગ પહેલો:૨૫. મારી મૂંઝવણ | સત્યના પ્રયોગો અથવા આત્મકથા રાયચંદભાઈ મોહનદાસ કરમચંદ ગાંધી |
૨. સંસારપ્રવેશ → |
આત્મ કથા : ભાગ ૨
૧. રાયચંદભાઈ
છેલ્લા પ્રકરણમાં મેં લખ્યું કે મુંબઈના બારામાં દરિયો તીખો હતો. જૂન-જુલાઈમાં હિંદી મહાસાગરને વિષે એ નવાઈની વાત ન ગણાય. દરિયો એડનથી જ એવો હતો. સહુ માંદા હતા, એકલો હું મજા કરતો હતો. તોફાન જોવા ડેક ઉપર રહેતો. ભીંજાતો પણ ખરો. સવારના ખાણા વખતે ઉતારુઓમાં અમે એક બે જ હોઈએ. અમારે ઓટની ઘેંસ રકાબી ખોળામાં મૂકીને ખાવી પડતી, નહીં તો ઘેંસ જ ખોળામાં પડે એવી સ્થિતિ હતી !
આ બહારનું તોફાન મારે મન તો અંતરના તોફાનના ચિહ્નરૂપ હતું. પણ બહારના તોફાન છતાં જેમ હું શાંત રહી શક્યો તેમ અંતરના તોફાન વિષે પણ કહી શકાય એમ મને લાગે છે. ન્યાતનો પ્રશ્ન તો હતો જ. ધંધાની ચિંતાને વિષે લખી ચૂક્યો છું. વળી હું સુધારક રહ્યો એટલે મનમાં કેટલાક સુધારા કલ્પી રાખ્યા હતા તેની પણ ફિકર હતી. બીજી અણધારી ઉત્પન્ન થઈ.
માનાં દર્શન કરવા હું અધીરો થઈ રહ્યો હતો. અમે ગોદીમાં પહોંચ્યા ત્યારે મારા વડીલ ભાઈ હાજર જ હતા. તેમણે દાક્તર મહેતાની અને તેમના વડીલ ભાઈની ઓળખાણ કરી લીધી હતી. દા. મહેતાનો આગ્રહ મને પોતાને ત્યાં જ ઉતારવાનો હતો, એટલે મને ત્યાં જ કઈ ગયા. આમ જે સંબંધ વિલાયતમાં થયો તે દેશમાં કાયમ રહ્યો ને વધારે દૃઢ થયો, તેમ જ બેઉ કુટુંબમાં પ્રસર્યો.
માતાના સ્વર્ગવાસ વિષે હું કંઈ નહોતો જાણતો. ઘેર પહોંચ્યા પછી તે ખબર મને આપ્યા ને સ્નાન કરાવ્યું. મને આ ખબર વિલાયતમાં જ મળી શકત; પણ આઘાત ઓછો કરવાને ખાતર મુંબઈ પહોંચું ત્યાં લગી ખબર ન જ આપવા એવો નિશ્ચય મોટાભાઈએ કરી લીધો હતો. મારા દુઃખ ઉપર હું પડદો નાખવા ઈચ્છું છું. પિતાના મૃત્યુથી મને જે આઘાત પહોંચ્યો હતો તેના કરતાં આ મૃત્યુના ખબરથી મને બહુ વધારે પહોંચ્યો. મારી ઘણી ધારેલી મુરાદો બરબાદ ગઈ. પણ મને સ્મરણ છે કે હું આ મરણના સમાચાર સાંભળી પોકે પોકે નહોતો રોયો. આંસુને લગભગ ખાળી શક્યો હતો. ને જાણે માતાનું મૃત્યુ થયું જ નથી એમ વ્યવહાર શરૂ કર્યો.
દાક્તર મહેતાએ જે ઓળખાણો તેમને ઘેર કરાવી તેમાંની એક નોંધ્યા વિના ન જ ચાલે. તેમના ભાઈ રેવાશંકર જગજીવનની સાથે તો જન્મની ગાંઠ બંધાઈ. પણ હું જેમની વાત કરવા ઈચ્છું છું તે તો કવિ રાયચંદ અથવા રાજચંદ્રની. દાક્તરના મોટા ભાઈના તે જમાઈ હતા ને રેવાશંકર જગજીવનની પેઢીના ભાગીદાર ને કર્તાહર્તા હતા. તેમની ઉંમર તે વેળા ૨૫ વર્ષ ઉપરની નહોતી. છતાં તે ચારિત્રવાન અને જ્ઞાની હતા એ તો હું પહેલી જ મુલાકાતે જોઈ શક્યો. તે શતાવધાની ગણાતા હતા. શતાવધાનની વાનગી જોવા દા.મહેતાએ મને સૂચવ્યું. મેં મારા ભાષાજ્ઞાનનો ભંડોળ ખાલી કર્યો ને કવિએ મેં કહેલ શબ્દો જે નિયમમાં કહ્યા હતા તે જ નિયમમાં કહી સંભળાવ્યા ! આ શક્તિની મને અદેખાઈ થઈ પણ હું તે ઉપર મુગ્ધ ન થયો. જેના ઉપર હું મુગ્ધ થયો તે વસ્તુનો પરિચય મને પાછળથી થયો. એ હતું તેમનું બહોળું શાસ્ત્રજ્ઞાન, તેમનું શુદ્ધ ચારિત્ર, અને તેમની આત્મદર્શન કરવાની ભારે ધગશ. આત્મદર્શનને જ ખાતર તે પોતાનું જીવન વ્યતીત કરતા હતા એમ મેં પાછળથી જોયું:
- હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે,
- મારું જીવ્યું સફળ તવ લેખું રે;
- મુક્તાનંદનો નાથ વિહારી રે,
- ઓધા જીવનદોરી અમારી રે.
એ મુક્તાનંદનું વચન તેમને મોઢે તો હતું જ, પણ તે તેમના હૃદયમાંયે અંકિત હતું.
પોતે હજારોના વેપાર ખેડતા, હીરામોતીની પારખ કરતા, વેપારના કોયડા ઉકેલતા. પણ એ વસ્તુ તેમનો વિષય નહોતી. તેમનો વિષય - તેમનો પુરુષાર્થ તો આત્મઓળખ - હરિદર્શન - હતો. પોતાની પેઢી ઉપર બીજી વસ્તુ હોય યા ન હોય, પણ કોઈને કોઈ ધર્મપુસ્તક અને રોજનીશી હોય જ. વેપારની વાત પૂરી થઈ કે ધર્મપુસ્તક ઊઘડે અથવા પેલી નોંધપોથી ઊઘડે. તેમના લેખોનો જે સંગ્રહ પ્રગટ થયો છે તેમાંનો ઘણો ભાગ તો આ નોંધપોથીમાંથી લેવાયેલો છે. જે મનુષ્ય લાખોના સોદાની વાત કરી લઈને તુરત આત્મજ્ઞાનની ગુઢ વાતો લખવા બેસી જાય તેની જાત વેપારીની નહીં પણ શુદ્ધ જ્ઞાનીની છે. તેમનો આવી જાતનો અનુભવ મને એક વેળા નહીં પણ અનેક વેળા થયેલો. મેં તેમને કદી મૂર્છિત સ્થિતિમાં નથી જોયા. મારી જોડે તેમને કશો સ્વાર્થ નહોતો. તેમના અતિ નિકટ સંબંધમાં હું રહ્યો છું. હું તે વેળા ભિખારી બારિસ્ટર હતો. પણ જ્યારે હું તેમની દુકાને પહોંચું ત્યારે મારી સાથે ધર્મવાર્તા સિવાય બીજી વાર્તા ન જ કરે. આ વેળા જોકે મેં મારી દિશા જોઈ નહોતી, મને સામાન્ય રીતે ધર્મવાર્તામાં રસ હતો એમ ન કહી શકાય, છતાં રાયચંદભાઈની ધર્મવાર્તામાં મને રસ આવતો. ઘણા ધર્માચાર્યોના પ્રસંગમાં હું ત્યાર પછી આવ્યો છું, દરેક ધર્મના આચાર્યોને મળવાનો પ્રયત્ન મેં કર્યો છે, પણ જે છાપ મારા ઉપર રાયચંદભાઈએ પાડી તે બીજા કોઈ નથી પાડી શક્યા. તેમનાં ઘણાં વચનો મને સોંસરા ઊતરી જતાં. તેમની બુદ્ધિને વિષે મને માન હતું. તેમની પ્રામાણિકતા વિષે તેટલું જ હતું. ને તેય હું જાણતો હતો કે તેઓ મને ઇરાદાપૂર્વક આડે રસ્તે નહીં દોરે ને પોતાના મનમાં હશે એવું જ કહેશે. આથી મારી આધ્યાત્મિક ભીડમાં હું તેમનો આશ્રય લેતો.
રાયચંદભાઈને વિષે મારો આટલો આદર છતાં, તેમને હું મારા ધર્મગુરુ તરીકે મારા હૃદયમાં સ્થાન ન આપી શક્યો. મારી એ શોધ આજ પણ ચાલુ છે.
હિંદુ ધર્મે ગુરુપદને જે મહત્ત્વ આપ્યું છે તેને હું માનનારો છું. ગુરુ વિના જ્ઞાન ન હોય એ વાક્ય ઘણે અંશે સાચું છે. અક્ષરજ્ઞાન આપનાર અપૂર્ણ શિક્ષકથી ચલાવી લેવાય, પણ આત્મદર્શન કરાવનાર અપૂર્ણ શિક્ષકથી ન જ ચલાવાય. ગુરુપદ તો સંપૂર્ણ જ્ઞાનીને જ અપાય. ગુરુની શોધમાં જ સફળતા રહેલી છે, કેમ કે શિષ્યની યોગ્યતા પ્રમાણે જ ગુરુ મળે છે. યોગ્યતાપ્રાપ્તિને સારુ સંપૂર્ણ પ્રયત્નનો દરેક સાધકને અધિકાર છે, એ એનો અર્થ છે. એ પ્રયત્નનું ફળ ઈશ્વરાધીન છે. એટલે, જો કે હું રાયચંદભાઈને મારા હૃદયના સ્વામી ન બનાવી શક્યો તોપણ તેમનો અશ્રય મને વખતોવખત કેમ મળ્યો છે તે આપણે હવે પછી જોઈશું. અહીં તો એટલું કહેવું બસ થશે કે, મારા જીવન પર ઊંડી છાપ પાડનાર આધુનિક મનુષ્યો ત્રણ છે : રાયચંદભાઈએ તેમના જીવંત સંસર્ગથી, ટૉલ્સ્ટૉયે તેમના ’વૈકુંઠ તારા હૃદયમાં છે’ નામના પુસ્તકથી, ને રસ્કિને ’અન ટુ ધિસ લાસ્ટ’ - સર્વોદય નામના પુસ્તકથી મને ચકિત કર્યો. પણ આ પ્રસંગો તે તે સ્થળે ચર્ચાશે.