સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૧૯. ઊજળું પાસું
← ૧૮. ગ્રામપ્રવેશ | સત્યના પ્રયોગો અથવા આત્મકથા ૧૯. ઊજળું પાસું મોહનદાસ કરમચંદ ગાંધી |
૨૦. મજૂરોનો સંબંધ → |
૧૯. ઊજળું પાસું
એક તરફથી સમાજ સેવાનું કામ , જે મેં ગયામ્ પ્રકરણોમાં વર્ણવ્યું છે, તે થઈ રહ્યું હતું, ને બીજી તરફથી લોકોનાં દુઃખની કહાણીઓ નોંધવાનું કામ વધતા પ્રમાણમાં ચાલી રહ્યું હતું. હજારો લોકોની કહાણીઓ લખાઈ તેની અસર થયા વિના કેમ રહે? મારે ઉતારે જેમ જેમ લોકોની આવજા વધતી ગઈ તેમ તેમ નીલવરોનો ક્રોધ વધતો ચાલ્યો. મારી તપાસને બંધ કરવાના તેમની તરફથી થતા પ્રયત્નો વધતા ગયા.
એક દિવસ મને બિહારની સરકારનો કાગળ મળ્યો. તેનો ભાવાર્થ આ હતો: ' તમારી ત્પાસ ઠીક લાંબી ચાલી ગણાય, અને ત્મારે ત્ બંધ રાખી બિહાર છોડવું જોઈએ.' કાગળ વિનયી હતો. પણ અર્થ સ્પ્ષ્ટ હતો. મેં લખ્યું કે તપાસ તો લંબાશે, અને તે થયા પછી પણ લોકોનાં દુઃખનું નિવારણ ન થાય ત્યાં લગી મારો ઈરાદો બિહાર છોડવાનો નથી.
મારી તપાસ બંધ કરવાને સરકાર પાસે યોગ્ય ઈલાજ એક જ હતો કે, તેણે લોકોની ફરિયાદ સાચી માની દાદ દેવી, અથવા ફરિયાદને માન આપી તપાસ સમિતિ નીમવી. ગવર્નર સર એડવર્ડ ગેઈટે મને બોલાવ્યો, ને પોતે તપાસ સમિતિ નીમવાનો પોતાનો ઈરાદો જણાવ્યો અને તેમાં સભ્ય થવાનું મને નિમંત્રણ આપ્યું. બીજા નામો જોઈને મેં સાથીઓની સાથે મસલત કરીને એ શરતે સભ્ય થવાનું કબૂલ કર્યું કે, મને સાથીઓની સાથે મસ્લત કરવાની છૂટ હોવી જોઈએ; ને સરકારે સમજવું જોઈએ કે, હું સભ્ય થવાથી ખેડૂતોનો હિમાયતી અન્થી મટતો અને તપસ થઈ રહ્યાં બાદ મને સંતોષ ન થાય તો ખેડૂતોને દોરવાની મારી સ્વતંત્રતા હું જતી ન કરું.
સરએડવર્ડ ગેઈટે આ શરતોને વાજબી ગનીને તેનો સ્વીકાર કર્યો. મરહૂમ સર ફ્રેંક સ્લાઈ તેના પ્રમુખ નિમાયા હતા. તપાસ સમિતિએ ખેડૂતોની બધી ફરિયાદો ખરી ઠરાવી, નીલવરોએ ગેરવાજબી રીતે લીધેલા નાણાંનો અમુક ભાગ પાછો આપવાની ને તીનકટઠિયાનો કાયદો રદ કરવાની ભલામણ કરી.
આ રિપોર્ટ સાંગોપાંગ થવામાં ને છેવટે કાયદો પસાર થવામાં એડવર્ડ ગેઈટનો બહુ મોટો ભાગ હતો. તે દ્રઢ ન રહ્યા હોત અથવા જો તેમણે પોતાની કુશળતાનો પૂરો ઉપયોગ ન કર્યો હોત, તો જે રિપોર્ટ એકમતે થઈ શક્યો તે ન થવા પામત અને જે કાયદો છેવટે પસાર થયો તે થવા ન પામત. નીલવરોની સત્તા બહુ પ્રબળ હતી. રિપોર્ટથવા છતાં તેમનામાંના કેટલાકે બિલનો સખત વિરોધ કર્યો હતો. પણ સર એડવર્ડ ગેઈટ છેવટ સુધી મક્કમ રહ્યા ને સમિતિની ભલમણનો સંપૂર્ણ અમલ કર્યો.
આમ સો વર્ષથી ચાલતો આવેલો તીનકઠિયાનો કાયદો તૂટ્યો ને તેની સાથે નીલવરરાજ્યનો અસ્ત થયો, રૈયત વર્ગ જે બબાયેલો જ રહેતો હતો તેને પોતાની શક્તિનું કઈંક ભાન થયું ને ગળીનો ડાઘ ધોયો ધોવાય જ નહીં એ વહેમ દૂર થયો. ચંપરણમાં આરંભાયેલું રચનાત્મક કામ જારી રાખી લોકોમાં થોડાં વર્ષ્હો સુધી કામ કરવાની અને વધારે નિશાલો કરવાની અને વધારેમાં ગામડાંમાં પ્રવેશ કરવાની મરી ઈચ્છા હતી. ક્ષેત્ર પણ તૈયાર હતું. પણ મારા મનસૂબા ઈશ્વરે ઘણી વાર પાર જ પડવા દીધા નથી. મેં ધાર્યું હતું કઈંક ને મને દૈવ બીજા જ કામમાં ઘસડી ગયું.