સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૪૪. વકીલાતનાં કેટલાંક સ્મરણો

← ૪૩. રવાના સત્યના પ્રયોગો અથવા આત્મકથા
૪૪. વકીલાતનાં કેટલાંક સ્મરણો
મોહનદાસ કરમચંદ ગાંધી
૪૫. ચાલાકી ? →


૪૪. વકીલાતનાં કેટલાંક સ્મરણો

હિંદુસ્તાનમાં આવ્યા પછી મારા જીવનની ગતિ કેમ ચાલી તેના વર્ણન પર આવતાં પહેલાં મેં ઇરાદાપૂર્વક છોડી દીધેલા કેટલાક ભાગમાંનો થોડો આપવાની જરૂર જણાઈ છે. કેટલાક વક્કિલ મિત્રોએ વકીલાતના સમયનાં ને વકીલ તરીકેનાં સ્મરણોની માગણી કરી છે. આ સ્મરણો એટલાં બધાં છે કે તે ભરવા બેસું તો તેનું જ એક પુસ્તક થઈ જાય. એવાં વર્ણનો મેં જે મર્યાદા આંકી છે તેની બહાર જાય છે. પણ કેટલાંક જે સત્યને લગતાં છે તે આપવાં કદાચ અનુચિત નહીં ગણાય.

મને યાદ છે તે પ્રમાણે, હું એમ તો જણાવી ગયો છું કે વકીલાતના ધંધામાં મેં કદી અસત્યનો પ્રયોગ નથી કર્યો, ને વકીલાતનો મોટો ભાગ કેવળ સેવા અર્થે જ અર્પિત હતો, અને તેને સારુ ખીસાખર્ચ ઉપરાંત હું કશું ન લેતો; કેટલીક વેળા ખીસાખર્ચ પણ જાતે કરતો. મેં માનેલું કે આટલી પ્રતિજ્ઞા એ વિભાગને અંગે બસ હતી. પણ મિત્રોની માંગણી તેથી આગળ જાય છે. તેઓ માને છે કે જો હું સત્ય જાળવ્યાના પ્રસંગોનું આછુંપાતળું પણ વર્ણન આપું તો વકીલોને તેમાંથી કંઈક જાણવાનું મળે.

વકીલાતના ધંધામાં જૂઠું બોલ્યા વિના ન જ ચાલે એમ હું વિદ્યાર્થી તરીકે પણ સાંભળતો. મારે તો જૂઠું બોલીને નહોતું પદ જોઈતું કે નહોતો પૈસો જોઈતો. એટલે આ વાતોની અસર મારી ઉપર નહોતી પડતી.

દક્ષિણ આફ્રિકામાં આની કસોટી તો ઘણી વાર થયેલી. હું જાણું કે સામા પક્ષના સાથીઓને ભણાવવામાં આવ્યા છે, ને હું જરાક પણ અસીલને કે સાક્ષીને જૂઠું બોલવામાં ઉત્તેજન આપું, તો અસીલનો કેસ જિતાય. પણ મેં હમેશાં આ લાલચ જતી કરી છે. એવા એક જ પ્રસંગનું મને સ્મરણ છે કે જ્યારે અસીલનો કેસ જીત્યા પછી મને એવો શક પડ્યો કે અસીલે મને છેતર્યો છે. મારા અંતરમાં પણ હમેશાં એમ જ રહેતું કે, જો અસીલનો કેસ સાચો હોય તો જીત મળજો અને ખોટો હોય તો હાર થજો. ફી લેવામાં મેં હારજીત ઉપર ફીનો દર મુકરર કર્યાનું મને સ્મરણ નથી. અસીલ હારે કે જીતે, હું તો હમેશાં મહેનતાણું જ માંગતો ને જીત થતાં પણ તેની જ આશા રાખતો. અસીલને પ્રથમથી જ કહી દેતો: 'જૂઠો કેસ હોય તો મારી પાસે આશા જ ન રાખશો.' છેવટે મારી શાખ એવી જ પડી હતી કે જૂઠા કેસ મારી પાસે ન જ આવે. એવા અસીલો પણ મારી પાસે હતા કે જેઓ પોતાના ચોખ્ખા કેસ મારી પાસે લાવે, ને જરા પણ મેલા હોય તો તે બીજા વકીલ પાસે લઈ જાય.

એક પ્રસંગ એવો આવ્યો કે જ્યારે મારી બહુ સખત પરીક્ષા થઈ. મારા સારામાં સારામાંના એક અસીલનો આ કેસ હતો. તેમાં નામાંની ભારે ગૂંચો હતી. કેસ બહુ લાંબો ચાલ્યો હતો. ઘણી અદાલતોમાં તેમાંના કંઈક ભાગો ગયેલા. છેવટે કોર્ટે નીમેલા હિસાબ જાણકાર પંચને તેનો હિસાબી ભાગ સોંપવામાં આવ્યો હતો. પંચના ઠરાવમાં અસીલની પૂરી જીત હતી. પણ તેના હિસાબમાં એક નાનકડી પણ ગંભીર ભૂલ રહી ગઈ હતી. જમેઉધારની રકમ પચની સરતચૂકથી ઊલટી લેવાઈ ગઈ હતી. સામેના પક્ષે આ પંચનો ઠરાવ રદ કરવાની અરજી કરેલી. અસીલ તરફથી હું નાનો વકીલ હતો. મોટા વકીલે પંચની ભૂલ જોઈ હતી. પણ તેમનો અભિપ્રાય હતો કે પંચની ભૂલ કબૂલ કરવા અસીલ બંધાયેલા નહોતા. પોતાની સામેની હકીકત કબૂલ કરવા કોઈ વકીલ બંધાયેલ નથી એમ તેમનો સ્પષ્ટ અભિપ્રાય હતો. મેં કહ્યું, 'આ કેસમાં રહેલી ભૂલ કબૂલ થવી જજોઈએ.'

મોટા વકીલે કહ્યું: 'એમ થાય તો કોર્ટ આખો ઠરાવ રદ કરે એવો પૂરો ભય છે, ને એવા જોખમમાં અસીલને કોઈ શાણો વકીલ ન નાખે. હું તો એ જોખમ વહોરવા કદી તૈયાર ન થાઉં. કેસ પાછો ઊખળે તો અસીલ કેટલા ખર્ચમાં ઊતરે, ને છેવટ પરિણામ શું આવે તે કોણ કહી શકે ?'

આ સંવાદ વખતે અસીલ હાજર હતા.

મેં કહ્યું, 'મને તો લાગે છે કે અસીલ અને આપણે બન્ને એવાં જોખમો તો વહોરવાં જ જોઈએ. આપણી કબૂલત વિના પણ કોર્ટ ભૂલભરેલો ઠરાવ ભૂલ જણાતાં બહાલ રાખે એવો શો વિશ્વાસ ? અને ભૂલ સુધારવા જતાં અસીલને નુકસાન વેઠવું પડે તો શી હરકત હોય ?'

'પણ આપણે ભૂલ કબૂલ કરીએ તો ના ?' મોટા વકીલ બોલ્યા.

'આપણે ભૂલ કબૂલ ન કરીએ તોયે કોર્ટ તે ભૂલ ન પકડે, અથવા સામેનો પક્ષ પણ નહીં શોધે, એવી પણ શી ખાતરી ?' મેં જવાબ આપ્યો.

'ત્યારે એ કેસમાં તમે દલીલ કરશો ? ભૂલ કબૂલ કરવાની શરતે હું તેમાં હાજર રહેવા તૈયાર નથી,' મોટા વકીલ દઢતાપૂર્વક બોલ્યા.

મેં નમ્રતાપૂર્વક કહ્યું, 'જો તમે ન જ ઊભા રહો, ને અસીલ ઇચ્છે તો હું ઊભવા તૈયાર છું. જો ભૂલ કબૂલ ન કરીએ તો મારાથી આ કેસમાં કામ થવું અસંભવિત માનું છું.'

આટલું કહી મેં અસીલ સામે જોયું. અસીલ જરા અકળાયા. કેસમાં હું તો આરંભકાળથી જ હતો. અસીલનો વિશ્વાસ મારી ઉપર પૂરો હતો. મારા સ્વભાવથી સંપૂર્ણ રીતે વાકેફ હતા. તેમણે કહ્યું : 'ભલે ત્યારે, તમે જ અદાલતમાં ઊભા રહેજો. ભૂલ કબૂલ કરજો. હારવાનું નસીબમાં હશે તો હારી જઈશું. સાચાનો બેલી ઈશ્વર તો છે જ ના ?'

હું રાજી તહ્યો. મેં બીજા જવાબની આશા જ નહોતી રાખી. મોટા વકીલે મને ફરી ચેતવ્યો. ને મારી 'હઠ'ને સારુ મારી દયા ખાધી ને ધન્યવાદ પણ આપ્યો.

અદાલતમાં શું થયું તે હવે પછી.