સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૪૩. રવાના

← ૪૨. દર્દને સારુ શું કર્યું ? સત્યના પ્રયોગો અથવા આત્મકથા
૪૩. રવાના
મોહનદાસ કરમચંદ ગાંધી
૪૪. વકીલાતનાં કેટલાંક સ્મરણો →


૪૩. રવાના

મિ. કૅલનબૅક દેશ જવાના નિશ્ચયથી અમારી સાથે નીકળ્યા હતા. વિલાયતમાં અમે સાથે જ રહેતા હતામ. પણ લડાઈને લીધે જર્મન લોકો ઉપર ખૂબ જાપ્તો હતો, ને કૅલનબૅક સાથે આવી શકવા વિશે અમને બધાને શક હતો. તેમને સારુ પાસ મેળવવા મેં ઘણો પ્રયત્ન કર્યો. મિ. રૉબર્ટ્સ પોતે તેમેને પાસ મેળવી આપવા ખુશી હતા. તેમણે બધી હકીકતનો તાર વાઇસરૉય ઉપર કર્યો. પણ લૉર્ડ હાર્ડિંગનો સીધો ને સટ જવાબ આવ્યો: 'અમે દિલગીર છીએ, પણ અત્યારે આવું કશું જોખમ વહોરવા તૈયાર નથી'. અમે બધા આ જવાબની યોગ્યતા સમજ્યા. કૅલનબૅકના વિયોગનું દુ:ખ મને તો થયું જ, પણ મારા કરતાં તેમને વધારે થયું એ હું જોઈ શક્યો. તેઓ હિંદ આવી શક્યા હોત તો આજે સુંદર ખેડૂત ને વણકરનું સાદું જીવન વ્યતીત કરતા હોત. હવે તેઓ દક્ષિણ આફ્રિકામાં પોતાનું અસલી જીવન વ્યતીત કરે છે, ને સ્થપતિનો ધંધો ધમધોકાર ચલાવી રહ્યા છે.

અમે ત્રીજા વર્ગની ટિકિટ મેળવવા પ્રયત્ન કર્યો. પણ પી. ઍન્ડ ઓ.ની આગબોટોમાં ત્રીજા વર્ગની ટિકિટ નહોતી મળતી, તેથી બીજા વર્ગની લેવી પડી. દક્ષિણ આફ્રિકાથી સાથે બાંધેલો કેટલોક ફળાહાર જે આગબોટોમાં ન જ મળી શકે એ તો સાથે લીધો જ હતો. બીજો આગબોટમાંથી મળે તેમ હતું.

દા. મહેતાએ શરીરને તો મીડ્ઝ પ્લાસ્ટરના પાટાથી બાંધી મૂક્યું હતું, ને તે પાટા રહેવા દેવાની ભલામણ કરી હતી. મેં બે દહાડા તો તે સહન કર્યા, પણ પછી તે સહન ન કરી શક્યો; એટલે કેટલીક મહેનતે તે ઊતરડી કાઢ્યા ને નાહવાધોવાની છૂટ લીધી. ખાવાનું તો મુખ્યત્વે સૂકો ને લીલો મેવો જ કરી નાખ્યું. તબિયત દિવસે દિવસે સુધરતી ચાલી, ને સુએઝની ખાડીમાં પહોંચ્યા તેટલા સુધીમાં બહુ સારી થઈ ગઈ. જોકે શરીર નબળું હતું છતાં મારો ભય ગયો, ને હું ધીમે ધીમે રોજ થોડી કસરત વધારતો ગયો. આ શુભ ફેરફાર માત્ર શુદ્ધ ને સમશીતોષ્ણ હવાને આભારી હતો એમ મેં માન્યું.

પુરાણા અનુભવને લીધે કે ગમે તે કારણસર હોય, પણ અંગ્રેજ ઉતારુઓ અને અમારી વચ્ચે હું જે અંતર અહીં ભાળી શક્યો તે દક્ષિણ આફ્રિકાથી આવતાં પણ નહોતું ભાળ્યું. ત્યાં પણ અંતર તો હતું, પણ અહીં તેથી જુદા જ પ્રકારનું લાગ્યું. કોઈ કોઈ અંગ્રેજની સાથે વાતો થતી પણ તે 'સાહેબ સલામ' પૂરતી જ. હ્રદયની ભેટ ન થઈ. દક્ષિણ આફ્રિકાની સ્ટીમરમાં તેમ જ દક્ષિણ આફ્રિકામાં હ્રદયની ભેટો થઈ શકી હતી. આવા ભેદનું કારણ હું તો એમ જ સમજ્યો કે આ સ્ટીમરોમાં અંગ્રેજને મન હું રાજ્યકર્તા છું, ને હિંદીને મન પરાયા શાસન નીચે છું, એ જ્ઞાન જાણ્યેઅજાણ્યે પણ કામ કરી રહ્યું હતું.

આવા વાયુમાંથી ઝટ છૂટવા ને દેશ પહોંચવા હું આતુર થઈ રહ્યો હતો. ઍડન પહોંચતાં કંઈક ઘેર પંહોચ્યા જેવો ભાસ આવ્યો. ઍડનવાળા સાથે અમને ઠીક સંબંધ દક્ષિણ આફ્રિકામાં જ બંધાયો હતો; કેમ કે ભાઈ કેકોબાદ કાવસજી દીનશા ડરબન આવી ગયા હતા, ને તેમની ને તેમનાં પત્ની સાથે મને સારો પરિચય થઈ ચૂક્યો હતો. થોડા જ દિવસમાં અમે મુંબઈ પહોંચ્યા. જે દેશમાં ૧૯૦૫માં પાછા ફરવાની આશા રાખતો હતો, ત્યાં દશ વર્ષે પાછો પહોંચી શક્યો તેથી મને બહુ આનંદ થયો. મુંબઈમાં ગોખલેએ મેળાવડા વગેરેની ગોઠવણો કરી જ મૂકી હતી. તેમની તબિયત નાજુક હતી, પણ મુંબઈ આવી પહોંચ્યા હતા. તેમની ભેટ કરી, તેમના જીવનમાં શમી જઈ, મારા ઉપરથી ભાર ઉતારી નાખવાની હોંશે હું મુંબઈ પહોંચ્યો હતો. પણ વિધાતાએ જુદો જ ઘાટ ઘડી રાખ્યો હતો.