સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૨૧. મુંબઈમાં સ્થિર થયો?

← ૨૦. કાશીમાં સત્યના પ્રયોગો અથવા આત્મકથા
૨૧. મુંબઈમાં સ્થિર થયો?
મોહનદાસ કરમચંદ ગાંધી
૨૨. ધર્મસંકટ →


૨૧. મુંબઈમાં સ્થિર થયો?

ગોખલેની ભારે ઇચ્છા હતી કે હું મુંબઈમાં સ્થિર થાઉં, ત્યાં બારિસ્ટરનો ધંધો કરું ને તેમની સાથે જાહેર સેવામાં ભાગ લઉં. તે વખતે જાહેર સેવા એટલે મહાસભા સેવા હતું. તેમણે ઉત્પન્ન કરેલી સંસ્થાનો મુખ્ય ધંધો મહાસભાનું તંત્ર ચલાવવાનો હતો.

મારી પણ તે જ ઇચ્છા હતી. પણ ધંધો મળવા વિશે મને આત્મવિશ્વાસ નહોતો. આગલા અનુભવોનું સ્મરણ વીસરાયું નહોતું. ખુશામત કરવી ઝેરે જેવું હતું.

તેથી, પ્રથમ તો હું રાજકોટમાં જ રહ્યો. ત્યાં મારા પુરાણા હિતેચ્છુ ને મને વિલાયત મોકલનાર કેવળરામ માવજી દવે હતા. તેમણે મારા હાથમાં ત્રણ કેસ મૂક્યા. કાઠિયાવાડના જ્યુડિશિયલ આસિસ્ટંટની આગળ બે અપીલો હતી, અને એક મૂળ કેસ જામનગરમાં હતો. આકેસ અગત્યનો હતો. મેં આ કેસ ઉઠાવવા આનાકાની કરી. એટલે કેવળરામ બોલી ઊઠ્યા, 'હારશું તો અમે હારશું ના? તમે તમારે થાય તેટલું કરજો. હું પણ તમારી સાથે તો હોઈશ જ ના?'

આ કેસમાં મારી સામે મરહૂમ સમર્થ હતા. મારી તૈયારી ઠીક હતી. અહીંના કાયદાનું તો મને બહુ ભાન નહોતું. કેવળરામ દવેએ મને એ બાબત પૂરો તૈયાર કર્યો હતો. હું દક્ષિણ આફ્રિકા ગયો તે પહેલાં, 'પુરાવાનો કાયદો ફિરોજશાને મોઢે છે ને એ તેમની સફળતાની ચાવી છે,' એમ મિત્રો મને સંભળાવતા, તે મેં યાદ રાખેલું, ને દક્ષિણ આફ્રિકા જતાં મેં અહીંનો પુરાવાનો કાયદો ટીકા સહિત વાંચી કાઢ્યો હતો. સિવાય, દક્ષિણ આફ્રિકાનો અનુભવ તો હતો જ.

કેસમાં જીત મળી. આથી મને કંઈક વિશ્વાસ બેઠો. પેલી બે અપીલોને વિશે તો મને મૂળથી જ ધાસ્તી નહોતી. એટલે મુંબઈ જવાય તો ત્યાં પણ હરકત ન આવે એમ મનમાં લાગ્યું.

આ વિષય પર આવતાં પહેલાં જરા અંગ્રેજ અમલદારોના અવિચાર અને અજ્ઞાનનો અનુભવ કહી જાઉં. જ્યુડિશિયલ આસિસ્ટંટ કંઈ એક જગ્યાએ ન બેસતા, તેમની સવારી ફર્યા કરે. ને જ્યાં તેઓ સાહેબ જાય ત્યાં વકીલઅસીલોએ જવું રહ્યું. વકીલની ફી જેટલી મથકમાં હોય તેના કરતાં બહાર વધારે હોય જ. એટલે અસીલને સહેજે બમણું ખર્ચ પડે. આનો વિચાર જડજને કરવાનો હોય જ નહીં.

આ અપીલની સુનાવણી વેરાવળમાં હતી. વેરાવળમાં આ વખતે ઘણી સખત મરકી ચાલતી હતી. રોજના પચાસ કેસ થતા એવું મને સ્મરણ છે. ત્યાંની વસ્તી ૫,૫૦૦ જેટલી હતી. ગામ લગભગ ખાલી થઈ ગયું હતું. મારો ઉતારો ત્યાંની નિર્જન ધર્મશાળામાં હતો. ગામથી તે કંઈક દૂર હતી. પણ અસીલોનું શું? તેઓ ગરીબ હોય તો તેમનો ઈશ્વર ધણી.

મારા ઉપર વકીલ મિત્રોનો તાર હતો કે, મારે સાહેબને અરજી કરવી કે મરકીને લીધે છાવણી ફેરવે. સાહેબને અરજી કરતાં તેમણે મને પૂછ્યું, 'તમને કંઈ ભય લાગે છે ?'

મેં કહ્યું: 'મારા ભયનો આ સવાલ નથી. મને મારું સાચવી લેતાં આવડે છે એમ હું માનું છું. પણ અસીલોનું શું ?'

સાહેબ બોલ્યા, 'મરકીએ તો હિંદુસ્તાનમાં ઘર કર્યું છે. તેનાથી શું ડરવું? વેરાવળની હવા તો કેવી સુંદર છે! (સાહેબ ગામથી દૂર દરિયાકિનારે મહેલ જેવા તંબૂમાં રહેતા હતા.) લોકોએ આમ બહાર રહેતાં શીખવું જોઈએ.'

આ ફિલસૂફી આગળ મારું શું ચાલે ? સાહેબે શિરસ્તેદારને કહ્યું, 'મિ. ગાંધી કહે છે તે ધ્યાનમાં રાખજો, અને જો વકીલો અથવા અસીલોને બહુ અગવડ પડે એમ હોય તો મને જણાવજો.'

આમાં સાહેબે તો નિખાલસપણે પોતાની મતિ પ્રમાણે યોગ્ય જ કર્યું. પણ તેને હિંદુસ્તાનની અગવડોનું માપ કેમ આવે ? તે બિચારો હિંદુસ્તાનની હાજતો, ટેવો, કુટેવો, રિવાજો કેમ સમજે ? પંદર રૂપિયાની મહોરના માપવાળાને પાઈનું માપ આપીએ તે કેમ ઝટ ગણતરી કરી શકે ? શુભમાં શુભ ઇરાદા છતાં, હાથી જેમ કીડીને સારુ વિચાર કરવા અસમર્થ હોય, તેમ હાથીની હાજતવાળા અંગ્રેજ કીડીની હાજતવાળા હિંદીને સારુ વિચાર કરવા કે નિયમ દોરવા અસમર્થ જ હોય.

હવે મૂળ વિષય પર આવું.

ઉપર પ્રમાણે સફળતા મળ્યા છતાં, હું તો થોડો કાળ લગી રાજકોટમાં રહી જવા વિચારી રહ્યો હતો. તેટલામાં એક દિવસ કેવળરામ મારી પાસે પંહોચ્યા ને બોલ્યા, 'ગાંધી, તમને અહીં નહીં રહેવા દઈએ. તમારે તો મુંબઈ જ જવું પડશે.'

'પણ ત્યાં મારો ભોજિયોય ધણી નથી થવાનો. મારું ખર્ચ તમે ચલાવશો કે ?'

'હા, હા. હું તમારું ખર્ચ ચલાવીશ. તમને મોટા બારિસ્ટર તરીકે કોઈ વાર અહીં લઈ આવશું ને લખાણબખાણનું કામ તમને ત્યાં મોકલીશું. બારિસ્ટરોને મોટાનાના કરવા એ તો અમારું વકીલોનું કામ છે ના? તમારું માપ તો તમે જામનગર ને વેરાવળમાં આપ્યું છે, એટલે હું બેફિકર છું. તમે જે જાહેર કામ કરવાને સરજાયેલા છો, તેને અમે કાઠિયાવાડમાં દફન થવા નહીં દઈએ. બોલો ક્યારે જાઓ છો ?'

'નાતાલથી મારા થોડા પૈસા આવવાના બાકી છે તે આવ્યે જઈશ.'

પૈસા બેક અઠવાડિયામાં આવ્યા ને હું મુંબઈ ગયો. પેઈન, ગિલબર્ટ ને સયાનીની ઓફિસમાં 'ચેમ્બર્સ' ભાડે રાખ્યા ને સ્થિર થવા લાગ્યો.