સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૨. બચપણ

← ૧. જન્મ સત્યના પ્રયોગો અથવા આત્મકથા
બચપણ
મોહનદાસ કરમચંદ ગાંધી
૩. બાળવિવાહ →


૨. બચપણ

પોરબંદરથી પિતાશ્રી રાજસ્‍થાનિક કોર્ટના સભ્‍ય થઈ રાજકોટ ગયા ત્‍યારે મારી ઉંમર સાતેક વર્ષની હશે. રાજકોટની ગામઠી શાળામાં મને મૂકવામાં આવ્‍યો. એ શાળાના દિવસો મને સારી પેઠે યાદ છે. મહેતાજીઓનાં નામઠામ પણ યાદ છે. જેમ પોરબંદરના તેમ ત્‍યાંના અભ્‍યાસને વિશે પણ ખાસ જાણવા જેવું નથી. હું ભાગ્‍યે સામાન્‍ય કોટિનો વિદ્યાર્થી ગણાતો હોઈશ. ગામઠી નિશાળમાંથી પરાની નિશાળમાં ને ત્‍યાંથી હાઈસ્‍કૂલમાં. આટલે સુધી પહોંચતાં મને બારમું વર્ષ વીતી ગયું. ત્‍યાં લગી મેં કોઇ પણ વેળા શિક્ષકોને છેતર્યાનું મને સ્‍મરણ નથી, નથી કોઇ મિત્રો કર્યાનું સ્‍મરણ. હું અતિશય શરમાળ છોકરો હતો. નિશાળમાં મારા કામ સાથે જ કામ હતું. ઘંટ વાગવાને સમયે પહોંચવું અને નિશાળ બંધ થયે ઘેર ભાગવું. ‘ભાગવું’ શબ્‍દ ઇરાદાપૂર્વક લખું છું કેમ કે મને કોઇની સાથે વાતો કરવાનું ન ગમતું. ‘કોઇ મારી મશ્‍કરી કરશે તો ?’ એવી બીક પણ રહેતી.

હાઇસ્‍કૂલના પહેલા જ વર્ષનો, પરીક્ષા વખતનો એક બનાવ નોંધવા યોગ્‍ય છે. કેળવણી ખાતાના ઇન્‍સ્‍પેકટર જાઇલ્‍સ નિશાળ તપાસવા આવ્‍યા હતા. તેમણે પહેલા ધોરણના છોકરાઓને પાંચ શબ્‍દ લખાવ્‍યા. તેમાં એક શબ્‍દ ‘કેટલ’ (kettle) હતો. તેની જોડણી મેં ખોટી લખી. માસ્‍તરે મને પોતાના બૂટની અણી મારી ચેતવ્‍યો. પણ હું શાનો ચેતું ? મને એમ ભાસી ન શક્યું કે માસ્‍તર મને સામેના છોકરાની પાટીમાં જોઇ લઈ જોડણી સુધારવાનું કહે. માસ્‍તર તો અમે એકબીજામાંથી ચોરી ન કરીએ એ જોતા હતા એવું મેં માનેલું. બધા છોકરાના પાંચે શબ્‍દ ખરા પડ્યા ને એકલો હું ઠોઠ ઠર્યો ! મારી ‘મૂર્ખાઈ’ મને માસ્‍તરે પાછળથી સમજાવી પણ મારા મન ઉપર તે સમજૂતીની કશી અસર ન થઈ. મને બીજા છોકરાઓમાંથી ચોરી કરતાં કદી ન આવડ્યું.

આમ છતાં માસ્‍તર તરફ હું મારો વિનય કદી ન ચૂકયો. વડીલોના દોષ ન જોવાનો ગુણ મારામાં સહેજે હતો. આ માસ્‍તરના બીજા દોષો પણ મારી જાણમાં પાછળથી આવેલા. છતાં તેમની પ્રત્‍યેનું મારું માન તો કાયમ જ રહેલું. વડીલોની આજ્ઞાનું પાલન કરવું એટલું હું સમજ્યો હતો. તેઓ કહે તે કરવું; કરે તેના આપણે કાજી ન બનવું.

આ જ સમયે બીજા બે બનાવો બન્‍યા તે મને હંમેશા યાદ રહ્યા છે. મને સામાન્‍ય રીતે નિશાળનાં પુસ્‍તકો ઉપરાંત કંઈ વાંચવાનો શોખ નહોતો. પાઠ કરવા જોઈએ, ઠપકો સહન ન થાય, માસ્‍તરને છેતરાય નહીં, તેથી પાઠ વાંચતો. પણ મન આળસ કરે. તેથી પાઠ ઘણી વાર કાચા રહે. ત્‍યાં બીજું વાંચવાનું સૂઝે શાનું ? પણ પિતાશ્રીએ ખરીદેલું એક પુસ્‍તક મારી નજરે ચડયું. એ ‘શ્રવણપિતૃભક્તિ નાટક’. આ વાંચવાનું મને મન થયું. તે હું અતિશય રસપૂર્વક વાંચી ગયો. એ જ દિવસોમાં કાચમાં ચિત્રો દેખાડનારા પણ ઘેર આવતા. તેમની પાસેથી શ્રવણ પોતાનાં માતાપિતાને કાવડમાં બેસાડી યાત્રા કરવા લઈ જાય છે એ દૃશ્‍ય પણ મેં જોયું. બંને વસ્‍તુની મારા ઉપર ઊંડી છાપ પડી. મારે પણ શ્રવણ જેવા થવું એમ મનમાં થાય. શ્રવણના મૃત્‍યુ સમયનો તેનાં માતાપિતાનો વિલાપ હજુ યાદ છે. એ લલિત છંદ મે તો વાજામાંયે ઉતાર્યો. વાજું શીખવાનો શોખ હતો ને એક વાજું પિતાશ્રીએ અપાવ્‍યું પણ હતું.

આ જ અરસામાં કોઈ નાટક કંપની આવેલ તેનું નાટક જોવાની મને રજા મળી. હરિશ્ચંદ્રનું આખ્‍યાન હતું. એ નાટક જોતો હું થાકું જ નહીં. એ ફરી ફરી જોવાનું મન થાય. એમ વારંવાર જવા તો કોણ જ દે ? પણ મારા મનમાં મેં એ નાટક સેંકડો વખત ભજવ્‍યું હશે. હરિશ્ચંદ્રનાં સ્‍વપ્‍નાં આવે. ‘હરિશ્ચંદ્રના જેવા સત્યવાદી બધાં કાં ન થાય ?’ એ ધૂન ચાલી. હરિશ્ચંદ્રની ઉપર પડેલી તેવી વિપત્તીઓ ભોગવવી ને સત્‍યનું પાલન કરવું એ જ ખરું સત્‍ય. જેવી નાટકમાં લખેલી તેવી જ વિપદો હરિશ્ચંદ્રને પડી હશે એમ મેં તો માની લીધેલું. હરિશ્ચંદ્રનાં દુઃખ જોઈ, તેનું સ્‍મરણ કરી હું ખૂબ રોયો છું. આજે મારી બુદ્ધિ સમજે છે કે હરિશ્ચંદ્ર કોઈ ઐતિહાસિક વ્‍યક્તિ નહીં હોય. છતાં મારે મન હરિશ્ચંદ્ર અને શ્રવણ આજે પણ જીવતા છે. હું આજે એ નાટકો વાંચુ તો આજે પણ મને આંસુ આવે એમ માનું છું.