સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૨૩. ઘરમાં ફેરફારો ને બાળકેળવણી
← ૨૨. ’જેને રામ રાખે’ | સત્યના પ્રયોગો અથવા આત્મકથા ઘરમાં ફેરફારો ને બાળકેળવણી મોહનદાસ કરમચંદ ગાંધી |
૨૪. ઝૂલુ ‘બળવો’ → |
૨૩. ઘરમાં ફેરફારો ને બાળકેળવણી
ડરબનમાં ઘર માંડેલું તેમાં ફેરફારો તો કર્યા જ હતા. મોટું ખર્ચ રાખેલું છતાં વલણ સાદાઈ તરફ હતું. પણ જોહાનિસબર્ગમાં 'સર્વોદય' ના વિચારોએ વધારે ફેરફાર કરાવ્યા.
બારિસ્ટરના ઘરમાં જેટલી સાદાઈ રાખી શકાય તેટલી તો દાખલ કરી જ. છતાં કેટલાંક રાચરચીલાં વિના ચલાવવું મુશ્કેલ હતું. ખરી સાદાઈ તો મનની વધી. દરેક કામ પોતાને હાથે કરવાનો શોખ વધ્યો, ને તેમાં બાળકોને પણ પલોટવાનું આરંભ્યું.
બજારની રોતી લેવાને બદલે ઘેર ખમીર વિનાની ક્યુનેની સૂચના પ્રમાણેની રોતી હાથે બનાવવાનું શરૂ કર્યું. આમાં મિલનો આટો કામ ન આવે. વળી મિલનો દળેલો આટો વાપરવા કરતાં હાથે દળેલો વાપરવામાં સાદાઈ, આરોગ્ય ને દ્રવ્ય વધારે સાચવતા હતાં એમ માન્યું. એટલે હાથે ચલાવવાની એક ઘંટી સાત પાઉન્ડ ખર્ચી ખરીદી. આને વજનદાર પૈડું હતું. તે બે માણસો સહેલાઈથી ચલાવે, એકલાને કષ્ટ પડે. આ ઘંટી ચલાવવામાં પોલાક, હું અને બાળકો મુખ્યત્વે રોકાતા. કોઈ કોઈ વેળા કસ્તૂરબાઈ પણ આવતી. જોકે તેનો તે સમય રસોઈ કરવામાં રોકાયેલો હોય. મિસિસ પોલોક આવ્યાં ત્યારે તે પણ તેમાં જોડાયા, આ કસરત બાળકોને માટે બહુ સારી નીવડી. તેમની પાસે આ કે કોઈ કામ મેં બળાત્કારે કદી નથી કરાવ્યું, પણ તેઓ સહેજે રમત સમજીને પૈડું ચલાવવા આવતા. થાકે ત્યારે છોડી દેવાની તેમણે છૂટ હતી. પણ કોણ જાણે શું કારણ હશે કે, આ બાળકો અગર બીજા જેમની ઓળખ આપણે હવે પછી કરવાની છે તેમને મને તો હમેશાં ખુબ જ કામ આપ્યું છે. ઠરડા બાળકો મારે નસીબે હતાં જ, પણ ઘણાખરા સોંપેલું કામ હોંશથી કરતા. 'થાક્યા' એમ કહેનારા એ યુગના થોડા જ બાળકો મને યાદ છે.
ઘર સાફ કરવાને સારું એક નોકર હતો. તે કુટુંબી થઈને રહેતો, ને તેના કામમાં બાળકો પૂરો હિસ્સો આપતા. પાયખાનું ઉપાડી જનાર તો મ્યુનીસિપાલીટીનો નોકર આવતો, પણ પાયખાનાની કોટડી સાફ કરવી, બેઠક ધોવી વગેરે કામ નોકરને સોંપવામાં નહોતું આવતું; તેવી આશા પણ નહોતી રાખવામાં આવતી. આ કામ અમે જાતે કરતાં ને તેમાં પણ બાળકોને ત્તાલીમ મળતી. પરિણામ એ આવ્યું કે, મૂળથી જ મારા એક પણ દીકરાને પાયખાનાં સાફ કરવાની સૂગ નથી રહેલી, ને આરોગ્યના સામાન્ય નિયમો પણ તેઓ સહેજે શીખ્યા છે. જોહાનિસબર્ગમાં કોઈ માંદા તો ભાગ્યે જ પડતા. પણ જો માંદગીનો પ્રસંગ આવે તો સેવાકામમાં બાળકો હોય જ; ને તેઓ આ કામ ખુશીથી કરતાં.
તેમના અક્ષરજ્ઞાનને વિશે હું બેદરકાર રહ્યો એમ તો નહિ કહું, પણ મેં તેને જતું કરતાં સંકોચ ન ખાધો. ને આ ઊણપને સારું મારા દીકરાઓને મારી સામે ફરિયાદ કરવાનું કારણ રહેલું છે. તેમણે કેટલીક વાર પોતાનો અસંતોષ પણ જાહેર કર્યો છે. આમાં કંઇક અંશે મારે મારો દોષ કબૂલ કરવો જોઈએ એમ માનું છું. તેમણે અક્ષરજ્ઞાન આપવાની ઈચ્છા ઘણી થતી, પ્રયત્ન પણ કરતો, પણ એ કામમાં હમેશાં કંઈક વિધ્ન આવી પડતું. તેમને સારુ ઘેર બીજી કેળવણીની સગવડ નહોતી કરી, તેથી તેમને મારી સાથે ચાલતો ઓફિસે લઇ જતો. ઓફિસ અઢી માઈલ હતી. એટલે સવારસાંજ માલી ઓછામાં ઓછા પાંચ માઈલની કસરત તેમને અને મને મળી રહેતી. રસ્તે ચાલતાં કંઇક શીખવવાનો પ્રયત્ન કરતો, પણ તેયે જો મહેતાઓના પ્રસંગમાં આવે, કંઇક વાંચવાનું આપ્યું હોય તે વાંચે, આંટાફેરા કરે, બજારની સામાન્ય ખરીદી હોય તે કરે. સહુથી મોટા હરિલાલ સિવાય બધા બાળકો આ રીતે ઊછર્યા. હરિલાલ દેશમાં રહી ગયો હતો. જો હું તેમને અક્ષરજ્ઞાન આપવા સારુ એક કલાક પણ નિયમિત બચાવી શક્યો હોત તો હું એમ માનત કે તેઓ આદર્શ કેળવણી પામ્યા છે. એવો આગ્રહ મેં ન રાખ્યો એ દુઃખ મને અને તેમને રહી ગયું છે. સહુથી મોટા દીકરાએ તેનો બળાપો અનેક વેળા મારી પાસે તેમ જ જાહેરમાં કાઢ્યો છે, બીજાઓએ હૃદયની ઉદારતા વાપરી એ દોષને અનિવાર્ય સમજી દરગુજર કર્યો છે. આ ઊણપને સારુ મને પશ્વાત્તાપ નથી; અથવા છે તો એટલો જ કે હું આદર્શ બાપ ન નીવડ્યો. પણ તેમના અક્ષરજ્ઞાનનો હોમ પણ મેં ભલે અજ્ઞાનથી છતાં સદ્દ્ભાવે માનેલી સેવાને અર્થે કર્યો છે એવો મારો અભિપ્રાય છે. તેમનાં ચારિત્ર ઘડવા પૂરતું જે કંઈ કરવું ઘટે તે કરવામાં મેં ક્યાંયે ઊણપ નથી રાખી એમ કહી શકું છું. ને પ્રયેક માબાપની આ અનિવાર્ય ફરજ છે એમ હું માનું છુ. મારી મહેનત છતાં તે મારા બાળકોના ચારિત્રમાં જ્યાં ખામી જોવામાં આવી છે તે અમ દંપતીની ખામીઓનું પ્રતિબિંબ છે એવી મારી દ્દઢ માન્યતા છે.
છોકરાંમાં માબાપની આકૃતિનો વારસો જેમ ઊતરે છે તેમ તેમના ગુણદોષનો વારસો પણ ઊતરે જ છે. તેમાં આસપાસના વાતાવરણને કારણે અનેક પ્રકારની વધઘટ થાય છે ખરી, પણ મૂળ મૂડી તો બાપદાદા ઈત્યાદિ તરફથી મળેલી હોય છે તે જ ખરી. એવા દોષોના વારસામાંથી કેટલાંક બાળકો પોતાને બચાવી લે છે એમ મેં જોયું છે. એ આત્માનો મૂળ સ્વભાવ છે, તેની બલિહારી છે.
પોલાક અને મારી વચ્ચે આ બાળકોની અંગ્રેજી કેળવણી વિશે કેટલીક વાર તીખો સંવાદ થયેલો. મેં અસલથી જ માનેલું છે કે, જે હિંદી માબાપો પોતાના બાળકોને બચપણથી જ અંગ્રેજી બોલતાં કરી મૂકે છે તેઓ તેમનો અને દેશનો દ્રોહ કરે છે. મેં એમ પણ માન્યું છે કે, આથી બાળકો પોતાના દેશના ધાર્મિક અને સામાજિક વારસાથી વંચિત રહે છે, ને તેટલે અંશે દેશની તેમ જ જગતની સેવા કરવા ઓછા લાયક બને છે. આવી માન્યતાને લીધે હું હમેશાં ઈરાદાપૂર્વક બાળકોની સાથે ગુજરાતીમાં જ વાતો કરતો.પોલાકને આ ન ગમતું. હું બાળકોના ભવિષ્યને બગાડું છું એવી તેમની દલીલ હતી. અંગ્રેજી જેવી વ્યાપક ભાષા બાળકો બચપણથી શીખી લે તો જગતમાં એમ ચાલતી જિંદગીની હરીફાઈમાં તેઓ એક મોટો ટપ્પો સહેજે ઓળંગી જાય, એમ તે મને આગ્રહ અને પ્રેમપૂર્વક સમજાવે. મને એ દલીલ ગળે ન ઊતરી. હવે મને સ્મરણ નથી કે અંતે મારો ઉત્તર તેમને ગળે ઊતરેલો કે તેમણે મારી હઠ જોઈને શાંતિ પકડેલી. આ સંવાદને લગભગ વીસ વર્ષ થયા. છતાં મારા આ વિચારો જે મેં તે વેળા ધરાવેલા તે જ અનુભવે વધારે દઢ થયા છે. અને જોકે મારા પુત્રો અક્ષરજ્ઞાનમાં કાચા રહી ગયા છે, છતાં માતૃભાષાનું સામાન્ય જ્ઞાન સહેજે પામી શક્યા તેથી તેમણે અને દેશને લાભ જ થયો છે ને અત્યારે તેઓ પરદેશી જેવા નથી થઇ રહ્યા. તેઓ દ્વિભાષિયા તો સહેજે થયા, કેમ કે મોટા અંગ્રેજ મિત્રમંડળના સહવાસમાં આવવાથી ને જ્યાં વિશેષ અંગ્રેજી બોલવામાં આવે એવા દેશમાં રહેવાથી અંગ્રેજી બોલતા ને સામાન્ય લખતા થઇ ગયા.