સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૭. માટી અને પાણીના પ્રયોગ

← ૬. નિરામિષાહારને બલિદાન સત્યના પ્રયોગો અથવા આત્મકથા
૭. માટી અને પાણીના પ્રયોગ
મોહનદાસ કરમચંદ ગાંધી
૮. એક સાવચેતી →


૭. માટી અને પાણીના પ્રયોગ

મારા જીવનની સાદાઈ વધતી ગઈ તેમ તેમ રોગોને સારુ દવા લેવાનો અણગમો જે મૂળથી હતો તે વધતો ગયો. જ્યારે હું ડરબનમાં વકીલાત કરતો ત્યારે દાક્તર પ્રાણજીવન મહેતા મને તેડવા આવેલા. તે વેળા મને નબળાઈ રહેતી અને સોજા પણ કોઈ કોઈ વાર રહેતા. તેને સારુ તેમણે દવા કરી હતી અને તેથી મને આરામ થયેલો. આ પછી દેશમાં પાછો આવ્યોત્યાં લગી મને નોંધ લેવા યોગ્ય વ્યાધિ થયાનું સ્મરણ નથી.

પણ જોહાનિસબર્ગમાં મને કબજીયાત રહેતી અને વખતોવખત માથું દુખવા આવતું. રેચની કંઈ દવા લઈને તબિયત ઠીક ઠીક રાખતો. ખોરાકનું પથ્ય તો હમેશાં હતું જ, પણ તેથી હું તદ્દન વ્યાધિમુક્ત ન થયો. રેચમાંથી પણ છુટાય તો સારું એમ મનને રહ્યા જ કરે.

માંચેસ્ટરમાં 'નો-બ્રેકફાસ્ટ ઍસોસિયેશન' સ્થપાયા વિશે વાંચ્યું. તેમાં દલીલ એ હતી કે અંગ્રેજો ઘણી વાર અને ઘણું ખાય છે, રાતના બાર વાગ્યા લગી ખાધા કરે અને પછી દાક્તરનાં ઘર શોધે. આ ઉપાધિમાંથી છૂટવું હોય તો સવારનું ખાણું-'બ્રેકફાસ્ટ'- છોડી દે. આ દલીલ મને તો જોકે પૂરેપૂરી લાગુ નહોતી પડતી, છતાં તેનો અંશ લાગુ પડતો હતો એમ મને લાગ્યું. હું ત્રણ વખત પેટ ભરીને જમતો ને બપોરની ચા પણ પીતો. હું કદી અલ્પાહારી નહોતો. નિરામિષાહારમાં અને મસાલા વિના જે જે સ્વાદો કરી શકાય તે કરતો. છસાત વાગ્યા પહેલાં ભાગ્યે ઊઠતો. આ ઉપરથી મને લાગ્યું કે, હું પણ જો સવારનું ખાણું છોડું તો માથાના દરદમાંથી અવશ્ય મુક્ત થાઉં. મેં સવારનું ખાણું છોડ્યું. થોડા દહાડા વસમું તો લાગ્યું, પણ માથાનું દરદ તો ગયું જ. એ ઉપરથી મેં ધાર્યું કે મારો ખોરાક હાજત કરતાં વધારે હતો.

પણ કબજિયાતની ફરિયાદ આ ફેરફારથી ન મટી. ક્યુનીના કટિસ્નાનના ઉપચાર કર્યા તેથી થોડો આરામ થયો, પણ જોઈતો ફેરફાર તો ન જ થયો. દરમિયાન પેલા જર્મન વીશીવાળાએ કે કોઈ બીજા મિત્રે મારા હાથમાં જુસ્ટનું 'રિટર્ન ટુ નેચર' ('કુદરત તરફ વળો') નામનું પુસ્તક મૂક્યું. તેમાં મેં માટીના ઉપચાર વિશે વાંચ્યું. સૂકાં અને લીલાં ફળ જ મનુષ્યનો કુદરતી ખોરાક છે એ વાતનું પણ આ લેખકે બહુ સમર્થન કર્યું છે. કેવળ ફળાહારનો પ્રયોગ તો મેં આ વેળા ન આદર્યો, પણ માટીના ઉપચાર તરત શરૂ કર્યા. તેની મારા ઉપર અજાયબીભરેલી અસર થઈ. ઉપચાર આ પ્રમાણે હતો. સાફ ખેતરાઉ લાલ કે કાળી માટી લઈ, તેમાં માપસર ઠંડુ પાણી નાખી, સાફ ઝીણા પલાળેલા કપડા પર લપેટી, પેટ ઉપર મૂકી ને તેને પાટાથી બાંધી. આ લોપરી રાતના સૂતી વખતે બાંધતો અને સવારે અથવા રાતમાં જાગી જાઉં તો ત્યારે કાઢી નાખતો. તેથી મારી કબજિયાત નાબૂદ થઈ. આ માટીના ઉપચારો મેં ત્યાર બાદ મારા ઉપર ને મારા અનેક સાથીઓ ઉપર કર્યા અને ભાગ્યે કોઈને વિશે નિષ્ફળ ગયાનું મને સ્મરણ છે.

દેશમાં આવ્યા બાદ હું આવા ઉપચારો વિશે આત્મવિશ્વાસ ખોઈ બેઠો છું. પ્રયોગો કરવાનો, એક જગ્યાએ સ્થિર થઈ બેસવાનો, મને અવસર પણ નથી મળી શક્યો. છતાં માટીના ઉપચાર મારી પોતાની ઉપર તો હું કરું જ ને મારા સાથીઓને પણ પ્રસંગ આવ્યે સલાહ દઉં છું. જિંદગીમાં બે સખત માંદગીઓ ભોગવી છૂટ્યો છું, છતાં મારી માન્યતા છે કે મનુષ્યને દવા લેવાની ભાગ્યે જ જરૂર રહે છે. પથ્ય અને પાણી, માટી ઇત્યાદિના ઘરગથુ ઉપચારોથી એક હજારમાંથી નવસેં નવાણું કેસ સારા થઈ શકે છે.

ક્ષણે ક્ષણે વૈદ્ય, હકીમ અને દાક્તરને ત્યાં દોડવાથી ને શરીરમાં અનેક વસાણાં અને રસાયણો ભરવાથી મનુષ્ય પોતાનું જીવન ટૂંકું કરે છે, એટલું જ નહીં, પણ પોતાના મન ઉપરનો કાબૂ ખોઈ બેસે છે, તેથી મનુષ્યત્વ ખોઈ બેસે છે, અને શરીરનો સ્વામી રહેવાને બદલે શરીરનો ગુલામ બને છે.

માંદગીના બિછાનામાં પડ્યો આ હું લખી રહ્યો છું તેટલા સારુ આ વિચારોને કોઈ ન અવગણે. મારી માંદગીનાં કારણો હું જાણું છું. મારા જ દોષોને લીધે હું માંદો પડ્યો છું એનું મને પૂરેપૂરું જ્ઞાન અને ભાન છે. અને તે ભાન હોવાથી હું ધીરજ નથી ખોઈ બેઠો. એ માંદગીને મેં ઈશ્વરનો અનુગ્રહ માન્યો છે ને અનેક દવાઓ કરવાની લાલચથી દૂર રહ્યો છું. મારી હઠથી દાક્તર મિત્રોને હું કંટાળો આપું છું એમ પણ હું જાણું છું, પણ તેઓ ઉદારવૃત્તિથી મારી હઠને સહન કરે છે ને મારો ત્યાગ કરતા નથી.

પણ મારે અત્યારની મારી સ્થિતિનું વર્ણન લંબાવવું ન ઘટે. એટલે આપણે ૧૯૦૪-૫ના સમય તરફ વળીએ.

પણ તેનો આગળ વિચાર કરતાં પહેલાં વાંચનારને થોડી સાવચેતી આપવાની પણ જરૂર છે. આ વાંચીને જેઓ જુસ્ટનું પુસ્તક ખરીદે તેમણે તેમાંનું બધું વેદવાક્ય ન સમજવું. બધાં લખાણોમાં લેખકની એકાંગી દષ્ટિ ઘણે ભાગે હોય છે. પણ દરેક વસ્તુને ઓછામાં ઓછી સાત દષ્ટિએ જોઈ શકાય છે; ને તે તે દષ્ટિએ તે વસ્તુ ખરી હોય છે. પણ બધી દષ્ટિઓ એક જ વખતે ને એક જ પ્રસંગે ખરી ન જ હોય. વળી ઘણાં પુસ્તકોમાં ઘરાકીની અને નામની લાલચનો દોષ પણ હોય છે. એટલે જેઓ મજકૂર પુસ્તક વાંચે તેઓ વિવેકપૂર્વક વાંચે અને કંઈ પ્રયોગો કરવા હોય તો કોઈ અનુભવીની સલાહ મેળવે અથવા ધીરજપૂર્વક આવી વસ્તુનો થોડો અભ્યાસ કરી પ્રયોગોમાં ઊતરે.