સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૨૧. આશ્રમની ઝાંખી

← ૨૦. મજૂરોનો સંબંધ સત્યના પ્રયોગો અથવા આત્મકથા
૨૧. આશ્રમની ઝાંખી
મોહનદાસ કરમચંદ ગાંધી
૨૨. ઉપવાસ →


૨૧. આશ્રમની ઝાંખી

મજૂરના કારણને આગળ ચલાવતા પહેલાં આશ્રમની ઝાંખી કરી લેવાની આવશ્યકતા છે. ચંપારણમાં રહેતો છતો આશ્રમને હું વીસરી શકતો નહોતો. કોઈ કોઈ વાર ત્યાં આવી પણ જતો.

કોચરબ અમદાવાદની પાસેનું નાનકડું ગામડું છે. અને આશ્રમનું સ્થાન એ ગામમાં હતું. કોચરબમાં મરકીએ દેખાવ દીધો. બાળકોને હું તે વસ્તીની મધ્યે સુરક્ષિત નહોતો રાખી શકતો. સ્વચ્છતાના નિયમો ગમે તેટલા સાવધાનીથી પાળાતાં છતાં, આસપાસની અસ્વચ્છતાથી આશ્રમને અલિપ્ત રાખવું અસંભવિત હતું. કોચરબના લોકોની પાસે સ્વચ્છતાના નિયમોનું પાલન કરાવવાની અથવા તેમની આવે સમયે સેવા કરવાની અમારી શક્તિ નહોતી. અમારો આદર્શ તો એ હતો કે, આશ્રમ શહેર અથવા ગામથી અલગ રાખવું, છતાં એટલું દૂર નહીં કે ત્યાં પહોંચતા બહુ મુશ્કેલી પડે. કોઈક દિવસ તો આશ્રમ આશ્રયરૂપે શોભે તે પહેલાં તેને પોતાની જમીન પર ને ખુલ્લી જગ્યામાં સ્થિર થવાનું હતું જ.

મરકીને મેં કોચરબ છોડવાની નોટિસરૂપે ગણી. શ્રી પૂંજાભાઈ હીરાચંદ આશ્રમની સાથે ઘણો નિકટનો સંબંધ રાખતા, ને આશ્રમની ઝીણીમોટી સેવા શુદ્ધ, નિરભિમાન ભાવે કરતા. તેમને અમદાવાદના વહીવટનો બહોળો અનુભવ હતો. તેમણે આશ્રમને સારુ જોઈતી જમીન તરત શોધી લાવવાનું બીડું ઝડપ્યું. કોચરબની ઉત્તર દક્ષિણનો ભાગ હું તેમની સાથે ફર્યો. પછી ઉત્તર તરફ ત્રણ ચાર માઈલ દૂર ટૂકડો મળે તો શોધી લાવવાનું મેં તેમને સૂચવ્યું. હાલ જ્યાં આશ્રમ છે તે જમીન તેઓ શોધી લાવ્યા. તે જેલની નજદીક છે એ મારે સારુ ખાસ પ્રલોભન હતું. સત્યાગ્રહ આશ્રમવાસીને કપાળે જેલ તો લખી જ હોય એવી માન્યતા હોવાથી જેલનો પડોશ ગમ્યો. એટલું તો હું જાણતો હતો કે, હંમેશાં જેલનું સ્થાન જ્યાં આસપાસ સ્વચ્છ જગ્યા હોય તેવે ઠેકાણે શોધવામાં આવે છે.

આઠેક દિવસમાં જ જમીનનો સોદો કર્યો. જમીન ઉપર એકે મકાન નહોતું; એક પણ ઝાડ નહોતું. નદીનો કિનારો અને એકાંત તેને સારુ મોટી ભલામણ હતી. અમે તંબૂમાં રહેવાનો નિશ્ચય કર્યો. રસોડાને સારુ એક પતરાનું કામચલાઉ છાપરું બાંધવાનું ને ધીમે ધીમે સ્થાયી મકાન બાંધવાનો આરંભ કરવાનું ધાર્યું.

આ વખતે આશ્રમની વસ્તી વધી હતી. આશરે ચાળીસ નાનાં મોટાં સ્ત્રીપુરુષો હતાં. બધાં એક જ રસોડે જમતાં હતાં એટલી સગવડ હતી. યોજનાની કલ્પના મારી હતી. અમલનો બોજો ઉપાડનાર તો શિરસ્તા મુજબ સ્વ. મગનલાલ જ હતા.

સ્થાયી મકાન બન્યા પહેલાંની અગવડોનો પાર નહોતો. વરસાદની મોસમ માથે હતી. સામાન બધો ચાર માઈલ દૂરથી શહેરમાંથી લાવવાનો હતો. આ અવાવરુ જમીનમાં સર્પાદિ તો હતા જ. તેવામાં બાળકોને સાચવવાનું જોખમ જેવું તેવું નહોતું. રિવાજ સર્પાદિને ન મારવાનો હતો, પણ તેના ભયથી મુક્ત તો અમારામાંથી કોઈ જ નહોતાં, આજેયે નથી.

હિંસક જીવોને ન મારવાના નિયમનું યથાશક્તિ પાલન ફિનિક્સ, ટૉલ્સ્ટૉય ફાર્મ અને સાબરમતી ત્રણે જગ્યાએ કર્યું છે. ત્રણે જગ્યાએ અવાવરુ જમીનમાં વસવાટ કરવો પડ્યો છે. ત્રણે જગ્યાએ સર્પાદિનો ઉપદ્રવ સારો ગણાય. એમ છતાં હજુ લગી એક પણ જાન ખોવી નથી પડી, તેમાં મારા જેવા શ્રદ્ધાળુ તો ઈશ્વરનો હાથ, તેની કૃપા જ જુએ છે. ઈશ્વર પક્ષપાત ન કરે, મનુષ્યના રોજના કામમાં હાથ ઘાલવા તે નવરો નથી બેઠો, એવી નિરર્થક શંકા કોઈ ન કરે. આ વસ્તુને, અનુભવે બીજી ભાષામાં મૂકતાં મને આવડતું નથી. લૌકિક ભાષામાં ઈશ્વરની કૃતિને મૂકતા છતાં હું જાણું છું કે તેનું 'કાર્ય' અવર્ણનીય છે. પણ જો પામર મનુષ્ય વર્ણન કરે તો તેની પાસે તો પોતાની તોતલી બોલી જ હોય. સામાન્ય રીતે સર્પાદિને ન મારતા છતાં સમાજે પચીસ વર્ષ લગી બચ્યાં રહેવું, તેને અકસ્માત માનવાને બદલે ઈશ્વરકૃપા માનવી એ વહેમ હોય તો તે વહેમ પણ સંઘરવા લાયક છે.

જ્યારે મજૂરોની હડતાળ પડી ત્યારે અશ્રમનો પાયો ચણાઈ રહ્યો હતો. આશ્રમની પ્રધાન પ્રવૃત્તિ વણાટકામ હતું. કાંતવાની તો હજી શોધ જ નહોતી કરી શક્યા. તેથી વણાટશાળા પહેલી બાંધવી એવો નિશ્ચય હતો. એટલે તેનો પાયો ચણાઈ રહ્યો હતો.