સત્યની શોધમાં/પ્રતિમાના ટુકડા

← રુખસદ સત્યની શોધમાં
પ્રતિમાના ટુકડા
ઝવેરચંદ મેઘાણી
‘ચોર છે ! ચોર છે !’ →


24
પ્રતિમાના ટુકડા

ખી રાત શામળે જાગરણ કર્યું; એક ઝોલુંય એને ન આવ્યું. ગોદડીમાં એનો તપેલો દેહ લોચ્યા કરતો હતો. એના અંતઃકરણમાં પ્રથમ તો વિશ્વબંધુ – ધર્મસમાજના ભક્તો સાથે સંગ્રામ જામ્યો. પછી એના વિચારો વિનોદિની તરફ વળ્યા.

એને – એ મારી જીવનદેવીને હું શું કહીશ ?

વિનોદિની વિશેના ચિંતને એના રુધિરના કણેકણમાં નવા દીવડા ચેતાવ્યા. ઘણા દિવસ વિચારો કર્યા પછી એક દિવસ આકાશને ઉંબરે ઉષા અને અરુણ જે વેળા પહેલવહેલા સાથિયા પૂરતાં હતાં તે વેળા ઊઠીને શામળ ફરવા નીકળી પડ્યો.

એનાં સાહસોની આ તમામ ઘૂમાઘૂમ વચ્ચે વિનોદિની પ્રત્યેના પ્રેમાવેશના તાંતણા નિરંતર વણાયે જ ગયા હતા. એના અંતઃકરણમાં બીજાં તમામ તોફાનો વચ્ચે પણ પ્રીતિનું પારેવું ઘૂઘવતું ઘૂઘવતું માળો નાખી રહ્યું હતું. શામળને કશી જ સમજ નહોતી પડતી કે આ ઉકળાટ શી રીતે શમાવવો. અગાઉ એણે કદી પણ કોઈ સ્ત્રીને સ્પર્શ કર્યો નહોતો. પણ એક વાર એ સ્પર્શ થતાં જ અરણીના કાષ્ઠના ઘર્ષણમાંથી જાગે તેવી જ્વાળા જાગી ઊઠી હતી. સૂતેલી લાગણીઓ સળવળી રહી હતી; પ્રાણનાં અતલ ઊંડાં પડો વચ્ચેથી અણધાર્યા ધસી આવતા ધોધમાં એ ખેંચાયે જતો હતો. તલસાટ અને ગભરાટનો એ ભોગ બન્યો હતો. ઘડી ઘડી ઉન્માદની લહરીઓ ચડે છે. ચકચૂર કોઈ નાવિકની નૌકા જાણે સુખના હીંચોળા ખાય છે, ને વળતી જ ક્ષણે પાછી જાણે એ હોડી ગમગીનીના ઊંડા ગર્તમાં ગરક બને છે. વિનોદિનીને મળવાના તલસાટ રોક્યા રોકાતા નથી, પણ એનો રસ્તો રૂંધીને લજ્જા ઊભી છે, જાહેર જીવનનો સંગ્રામ ઊભો છે. આ બધી રિબામણી શાને માટે ? નથી સમજાતું.

જો માત્ર પ્રેમમાં પડવા પૂરતો જ આ મામલો હોત તો તો બસ હતું; બે કિનારા વચ્ચે થઈને એ પ્રવાહ વહ્યા કરત. પરંતુ આ તો હતી વિનોદિની સમી વ્યક્તિની પ્રેમપ્રાપ્તિ; જેનો જોટો ન મળે, જેની જ્વાળા ન ઝિલાય, જેની કલ્પના કરતાં પણ તમ્મર આવે. એવી એક સુંદરીના અનુરાગમાં રંગાવું એટલે શું ! એ પ્રચંડ પૂર પાળો ભેદતું ચાલ્યું છે. જીવન મૂર્છિત બની પડ્યું છે.

સડક ઉપર ત્રણચાર કલાક ટહેલ્યા કરીને પછી અગિયાર વાગ્યે એ પોતાની સ્નેહ-રાણી પાસે પહોંચ્યો. ઉત્સુકતા અને કુતૂહલથી ઝલક મારતે મોંએ એ આવી પહોંચી. મરક મરક થાતે મુખડે એણે કહ્યું : “કાં, આવી પહોંચ્યા, શામળજી ? ઘણે દિવસે આવ્યા ! કહો, મને જલદી કહો, શું શું બન્યું ?”

આશ્ચર્યમુગ્ધ બનીને એ આખો પ્રસંગ સાંભળી રહી. “ખરેખર, શું તમે મારા બાપને ઝાડ્યા ? ખરેખર ? અને હરિવલ્લભ દેસાઈને સુધ્ધાં ? ખરેખર ? તમે ગભરાયા નહીં ? ગજબ, ગજબ હિંમત શામળજી ! વાહ, શામળજી ! ભારી બહાદુર !”

“પણ એ બધું જ સાચું નીકળ્યું !” શામળે આગ્રહભેર સત્યનો દાવો કર્યો.

“ખરું, પણ તમે એ સહુને મોઢામોઢ ચોડી શક્યા ! ગજબ હિંમત ! તમે થરથર્યા નહીં ?”

“ના, ના, પણ તેઓએ મને સમાજમાંથી કાઢી મૂક્યો.”

“ત્યારે હવે તમે શું કરશો ?”

“મને હજુ એ સૂઝતું નથી. એટલે જ મારે તમારી જોડે વાત કરવી છે.”

“પણ તમારો વિચાર શું કરવાનો છે ?”

“મારે તો એ લોકોને ઉઘાડા પાડવા છે.”

“નહીં, નહીં, નહીં, શામળજી, એવું કરવું ના છાજે તમને.”

“કેમ નહીં ?”

“કેમ કે – એમાં કશો સાર નથી.”

“પણ વિનોદિની –”

“નહીં નહીં શામળજી, એમાં દેખાવ સારો નહીં થાય. વળી આ તમે કરી રહેલ છો તે રીતે ખાનગીમાં જ એ લોકોને સમજાવવાની અસર પણ વધુ થશે.”

“પણ હવે સમજાવવા જેવું રહ્યું છે શું ?”

“એ તો આપણે વિચારી કાઢીએ.”

“અરેરે ! એ તમારા પિતા ને એ હરિવલ્લભ દેસાઈ, – એ બે હવે મારો શબ્દ પણ સાંખી શકે કે ?”

“વાત ખરી. પણ તમે આ જે કરી ચૂક્યા છો તે શું ઓછું છે ?”

“શું કરી ચૂક્યો છું હું ?”

“ઓહ, તમે એ લોકોને કેટલા ભોંઠા પાડ્યા ! કેટલું નીચું જોવરાવ્યું છે, શામળજી !”

“પરંતુ એથી શો ફેર પડવાનો હતો ? તમે જુઓ છો ને, કે ગરીબો કનેથી એ લોકોએ લૂંટેલા પૈસા તો એમની તિજોરીમાં સલામત જ પડ્યા છે !”

વિનોદિની પાસે કશો ઉત્તર નહોતો. થોડી ખામોશી બાદ શામળે ગંભીર ભાવે કહ્યું : “મારા અંતરાત્મા ઉપર આ વાતનો એક અસહ્ય બોજો લદાયો છે. હું ચંપાઈ રહેલ છું. મારે આ કર્તવ્ય તો અદા કરવું જ જોઈએ. આ મામલાનો મારે છેવટ સુધી પીછો લેવો રહેશે. મને બીક છે કે તમને કદાચ એ અત્યંત દુઃખદાયક થઈ પડશે. તમને કદાચ એમ પણ થઈ આવે કે આપણાં લગ્ન –”

“આપણ લગ્ન !” વિનોદિની જાણે કે ઓચિંતી દાઝી હોય તેમ ચમકી ઊઠી. “આપણાં લગ્ન !” એણે વિસ્મયથી બીજી વાર ઉચ્ચાર્યું.

“હા, હા,” એટલું કહ્યા પછી શામળે વિનોદિનીની મુખમુદ્રા નિહાળી. એ થંભી ગયો.

“આપણાં લગ્ન !” વિનોદિની અનિમેષ નેત્રે કોઈ હિંસક પશુની પેઠે તાકી રહી. રાત્રિએ કોઈ સ્મશાનમાંથી પસાર થતાં પ્રવાસીઓ હોય તેવાં મૂંગાં બેઉ બની રહ્યાં, સામસામાં તાકી રહ્યાં.

“આ તમે શું બોલો છો, શામળજી ?” વિનોદિનીએ પૂછ્યું.

“વિનોદિની !” શામળ શાંતિથી કહ્યું, “તમે જ કહેતાં હતાં કે તમે મને ચાહો છો.”

“એ સાચું,” એણે કહ્યું, “પણ એ પરથી –” વાક્ય પૂરું કર્યા પહેલાં જ એકાએક એણે હોઠ દબાવ્યા, ને ઉદ્‌ગાર કાઢ્યા : “આ તો હદ ઓળંગી –”

“વિનોદિની !” શામળ નીરખી રહ્યો.

“શામળજી ! આપણે તો નાનકડાં બે નાદાન બાળકોની રમત માંડી’તી. આપણાથી હવે આમ ન વર્તાય.”

શામળ ફરી એક વાર સ્તબ્ધ બની થીજી ગયો.

“તમે મારા આચરણનો આવો ગંભીર અર્થ લીધો હશે એ તો મને સ્વપ્નેય ખ્યાલ નહીં, શામળજી ! તમે મને અન્યાય કર્યો છે.”

“ત્યારે – ત્યારે તો તમે મને કદી ચાહતાં જ નહોતાં !” બોલતાં બોલતાં શામળનો શ્વાસ ખૂટ્યો.

“એ તો – હા કદાચ – પણ એ તો હું શી રીતે કહી શકું ?” વિનોદિનીની જીભમાં લોચા વળ્યા, “પરંતુ કોઈ ચાહતું હોય, એનો અર્થ એવો નહીં કે એ પરણી જ બેસે. સમજ્યા શામળજી ?”

શામળના મોંમાં શબ્દ ન રહ્યો. એની આંખો ફાટી રહી. વિનોદિનીએ વધુ સ્પષ્ટ કર્યું : “હું તો સમજતી હતી કે આપણે પરસ્પર આનંદ કરીએ છીએ. ને મેં માનેલું કે તમે પણ એ રીતે સમજતા હતા. હવે મને લાગે છે કે એ બધું ડહાપણભર્યું નહોતું –”

“પરસ્પર આનંદ કરતાં હતાં !” શામળના કંઠમાં શ્વાસ નહોતો.

“તમને તો શામળજી, હરેક વાતમાં ગંભીર ભાવ જ લેવાની ટેવ છે. તમને આવો કશો જ અર્થ બેસારવાનો અધિકાર –”

“વિનોદિની !” પોતાને ખંજર મારીને જખમમાં કોઈએ મીઠું છાંટ્યું હોય તેવી બળતરા સાથે શામળ બોલી ઊઠ્યો, “તમે જાણો છો? –”

ધ્રુજતે સ્વરે વિનોદિની બોલી : “શામળજી, હું તો હેરત પામી ગઈ છું. મને આવી વાતનો ખ્યાલ જ નહોતો. હું ભુલાવામાં પડી ગઈ. હવે તો અતિ મોડું થતાં પહેલાં આ વાતની સમાપ્તિ જ થવી જોઈએ.”

“પણ હું – હું તમને ચાહું છું, વિનોદિની !” શામળ અર્ધબેભાન બનીને બોલી ગયો.

“બરાબર – અને એ તમારી ભલાઈ છે. પણ કેટલીક બાબતો તમારે ન ભૂલવી જોઈએ, શામળજી !”

“તમે ! તમે વિનોદિની ! તમે જ મારામાં એ ભાવ, એ વિચાર મૂક્યો ! તમે જ એ અંકુર પોષ્યો. પછી – પુરુષ હોય તેણે શું કરવું ? એ ક્યાં જાય ? હું એનો બીજો શો અર્થ લઉં ? મેં – મેં એ અગાઉ કદી જ કોઈ સ્ત્રીને ચાહી નહોતી. મારો પ્રથમ પ્રેમ તમે જ જાગ્રત કર્યો, તમે જ મને ઘસડી ગયાં, ને હવે ! – હવે હું ક્યાં જઈ મારી વેદના ઓલવું ?”

“શામળજી, તમારે આવા ગેરવાજબી શબ્દો બબડવાના નથી અહીં. મારાથી હવે એ સાંભળ્યું જતું નથી. હું તમને કહી દઉં છું કે એ એક ગેરસમજ હતી, ને તમારે એ વાત ભૂલી જવાની છે. તમે ચાલ્યા જાઓ. ફરીને આપણે કદી જ ન મળવું જોઈએ.”

“વિનોદિની !” શામળે હતાશાની ધા નાખી.

“હા. બસ તમારે જલદી ચાલ્યા જવાનું છે.”

“તમે મને કાઢી મૂકો છો, વિનોદિની !” શામળ હાંફી રહ્યો, “ઓહ ! તમારી જીભમાંથી આવું વેણ કેમ નીકળી શકે છે ? તમે વિચાર કરો, તમે મારું સત્યાનાશ વાળ્યું –”

“શામળ !” એ કુમારીનો રોષ ભભૂકી ઊઠ્યો, “તમારી આ વર્તણૂક હદ બહાર ભયંકર છે. આવું બક્યે જવાનો તમને કશો જ હક નથી. તમને શો હક હતો આવું ધારી લેવાનો ? તમે તમારું સ્થાન ને તમારો દરજ્જો કેમ વીસરી ગયા ?”

કોઈએ ચાબુક ચોડ્યો હોય એમ શામળ ચોંક્યો : “મારું સ્થાન ?”

“હા. તમારું સ્થાન.”

“સાચું સાચું !” એનું દિલ ફાટી ગયું, “ફરી પાછા મારા ‘સ્થાન’ની જ વાત. ખરી વાત, મારી કને પૈસા નથી !”

“નહીં, હું ક્યાં પૈસાની વાત કહું છું ?”

“એ જ વાત કહો છો. પૈસા સિવાય બીજી વાત જ ન હોઈ શકે. હું ગરીબ છું, એ જ મારી નાલાયકીનું કારણ. તમે કહ્યું કે, શામળ, હું તને ચાહું છું ! ને મેં એ વાત પર વિશ્વાસ મૂક્યો. તમારું આવું રૂપ દેખીને મેં માની લીધું કે જેવાં રૂપાળાં છો તેવો જ પવિત્ર તમે હોવાં જોઈએ. આહાહા, તમારો ચરણો જ્યાં થઈને ચાલ્યાં તે ધૂળને પણ મેં ચૂમીઓ ભરી હતી. તમારે ખાતર હું જગતમાં જે કહેત તે કરત, મારા પ્રાણ કાઢી આપત. દિવસ ને રાત હું તમારું જ ધ્યાન ધરતો હતો – મારા સ્વપ્નમાં હું તમને જગતની સમગ્ર પવિત્રતા અને પૂર્ણતાની પ્રતિમા કરી પૂજતો હતો. અને આજ – આજ તમે મને સંભળાવો છો કે એ તો તમે કેવળ વિનોદ કરતાં હતાં ! ગમ્મત કરતાં હતાં ! એટલે કે બીજા તમામ ગરીબોને તમે વાપરી રહેલ છો એ રીતે જ તમે મને તમારી બે ઘડીની મોજ ખાતર વાપરી રહ્યાં હતાં, ખરું ?”

“શામળ !” વિનોદિનીએ હુંકારો કર્યો.

“તમારા પિતા જેમ નાનાં બાળકોને મિલમાં વાપરે છે, તમારો ભાઈ દિત્તુ શેઠ જેમ ગરીબ છોકરીઓને ભોળવીને ભોગવે છે, જે રીતે તમે જગતની હરકોઈ ચીજને ઘડીકના ઉપભોગ સારુ વાપરો છો, તે જ રીતે મને સુધ્ધાં વાપરતાં હતાં, ખરું કે ?”

વિનોદિની લાલઘૂમ બની ગઈ : “એમ, તું આટલી હદ સુધી બોલવાની હિંમત કરી રહ્યો છે ?”

“સત્ય તો હરકોઈને સંભળાવવાની મારી હિંમત છે; ને આ છે તમારા વિશેનું સત્ય ! તમે પણ બાકીના તમામથી – તમારા વર્ગના બાકીના કોઈથી – જુદાં નથી ! તમે તમામ એક જ બીબામાં ઢાળેલાં છો - પરભક્ષી છો, અન્યના શોણિતને છૂપાં છૂપાં શોષી જનાર વૈતાલો છો, ને એ સહુમાં તમે અધમ છો, કારણ કે તમે સ્ત્રી છો. તમે સુંદર છો, ને પ્રભુની વિભૂતિરૂપ એ સૌંદર્ય તમે મોહના ફાંસલા રૂપે વાપરો છો; એમાં ફસાવીને તમે અન્યના પ્રાણ હરો છો.”

“ચૂપ કર, શામળ !”

“ચૂપ નહીં કરું. તમારે પૂરેપૂરું સાંભળી જ લેવાનું છે. તમે ઈરાદાપૂર્વક મને તમારી મોહિનીમાં ખેંચ્યો - તમારે મારા થકી બે ઘડી મોજ-વિનોદ કરવાં હતાં. તેમને મારી લાગણીઓનો, મારા અધિકારોનો, કે મારું કેવું સત્યાનાશ વળશે તે વાતનો વિચાર જ નહોતો. પછી ? પછી હવે તમે મારાથી કંટાળી ગયાં – હવે તમે મને એ સંબંધનો અંત ફરમાવો છો ! તમે મને મારું સ્થાન યાદ કરાવો છો ! દુનિયામાં શું હું તમને વિનોદ અને ગમ્મત પૂરી પાડવા જ નિર્માયો હતો ? મજૂરો જગત પર સરજ્યાં છે તે શું કેવળ તમને સહુને શ્રમમાંથી બચાવી રૂડારૂપાળાં અને સુખિયાં રાખવા સારુ જ કે ? નાનાં બચ્ચાં જગત પર જન્મે છે તે શું બસ ફક્ત તમારા મુલાયમ શણગારો વણવા સારુ જ કે ? અને તમે - તમે એના જીવનની બરબાદીના બદલામાં – એની તમામ મહેનત અને પીડાના સાટામાં શું આપો છો ? – બોલો ! બોલો !”

“હવે એક પણ શબ્દ વધુ બોલ્યો તો તને –”

“હા, હા, મને તમારા ચપરાસી પાસે ધક્કો મરાવી બહાર કઢાવશો - એ જ ને ? તમારા પિતાએ પણ એ જ કહેલું. તમારા દિત્તુભાઈએ પણ એ જ કહેલું. પંડિત ધર્મપાલે પણ એ જ કહેલું. ખુશીથી કઢાવો મને. પણ યાદ રાખજો. આ વાતનો અંત એટલેથી જ નહીં આવે. અમે ગરીબો હવે લડી કાઢવાના નિશ્ચય પર છીએ. અમે પૂરેપૂરું લડી કાઢશું.”

આ ઉન્માદ–પ્રલાપની અંદર એકાએક શામળને ભાન આવ્યું કે પોતે આ બધો હુતાશન જેની સમક્ષ ઠાલવી રહ્યો છે તે તો વિનોદિની છે; પોતાની દેવપ્રતિમાના જ એ ટુકડા છે ! એટલી સાન આવતાં જ એની છાતીમાં ડૂસકાંનાં તોફાન જાગ્યાં. પોતાના બન્ને હાથ માં પર ઢાંકી દઈને એ રડી પડ્યો. ચોધાર આંસુ ચાલ્યાં : ત્યાંથી એ નાસી છૂટ્યો.

પાછળ શિકારી કુત્તા પડ્યા હોય એવા ત્રાસિત હરણ-શો શામળ, કોઈક સંતાવાની જગ્યા શોધતો રસ્તા પર વેગથી ચાલી નીકળ્યો. દોડતાં દોડતાં એણે છાતીમાં હાથ નાખ્યો, હૈયાને અડકીને ગજવામાં પડેલી બે ઝાંખી છબીઓ બહાર ખેંચી, એના ટુકડેટુકડા કરીને પવનમાં ફગાવી દીધા. કાંડે બાંધેલું ઘડિયાળ છોડીને પથ્થર પર પછાડી છૂંદી નાખ્યું.