← લીલુભાઈ શેઠ સત્યની શોધમાં
રુખસદ
ઝવેરચંદ મેઘાણી
પ્રતિમાના ટુકડા →


23

રૂખસદ

વારથી કશું ખાવાનું પામ્યો નહોતો, તે છતાં શામળ ભૂખ્યો નહોતો થયો. વેદના અને હતાશાથી એને આંખે અંધારાં આવતાં હતાં. મનુષ્યરૂપે આજ એક પાપનો બુલંદ કિલ્લો એણે દીઠો. એ કિલ્લાની કાંકરી પણ પોતે ખેસવી શક્યો નથી. એ પાપ-દુર્ગની પ્રચંડ કાળી દીવાલો સામે કેવળ નિર્વીર્ય રોષની નજરે શામળને જોવું રહ્યું !

ઘેર ગયો ત્યારે તેજુ ઉંબરમાં જ ઊભી હતી. એણે કહ્યું : “શામળભાઈ, આજ તો તમારે વહેલું વાળું કરવું છે ને ? મંદિરે જવું છે ને ?”

“હા,” શામળને યાદ આવ્યું, “આજ સમાજની કમિટીની સભા છે. મારે દીવાબત્તી કરાવવા ને બેઠક ગોઠવવા વહેલા જવું જોઈએ. પણ તેજુબહેન, હું તો મંદિરના કામથી થાકી ગયો હવે.”

“કેમ ભાઈ ? મંદિરના કામથી થાક્યા ?” મંદિરને જ પોતાનું સર્વસ્વ સમજનાર શામળનો આ નિર્વેદ દેખી તેજુ નવાઈ પામી.

“હા, બહેન !”

પછી એણે એ કૂંડાળે વળીને બેઠેલ કુટુંબને તે દિવસની આખી આપવીતી કહી સંભળાવી.

“અરે વાહ રે, ભાઈ !” તેજુ તો રોમે રોમે થનગનાટ અનુભવતી બોલી ઊઠી, “સાચે જ શું શામળભાઈ, તમે એ ડાઘા જેવા લીલુભાઈ શેઠની પાસે ગયા ? ઓહો, કેટલી હિંમત તમારી !”

“એણે મને ઘરમાંથી બહાર કાઢ્યો. ધર્મપાલે મને એકલો મૂક્યો. મને સાથ દેનાર કોઈ ન રહ્યું.”

“કેમ નહીં ?” તેજુ બોલી ઊઠી, “અમે છીએ ને ? અમે તમારી પડખે જ ઊભાં રહશું – કેમ નહીં, માડી ?”

“સાચું બેટા !” તેજુની મા બોલ્યાં, “પણ આપણું ગરીબનું શું ગજું ?”

“અને વળી શામળભાઈ !” તેજુને સાંભરી આવ્યું, “તમારી ભેરે તો વિનોદિનીબેન છે. પછી શું ?”

“એ કાંઈ એના સગા બાપ વિરદ્ધ મને સાથ આપે ?”

“ચોક્સ આપે. એણે જ કહેલું કે એને તમારા પર હેત છે; ને વળી તમારી ભેરે સાચ છે. ચોક્કસ એ તમારા સારુ પ્રાણ પાથરશે.”

આજે પહેલી જ વાર શામળને ભાન થયું કે તેજુનું મુખ કેવું રૂપાળું છે ! એ આ ગામડિયણ છોકરી સામે નિહાળી રહ્યો. તેજુના ચહેરા પર છૂપા કોઈ વિક્રમની લાલપ રમતી હતી. અને વિનોદિનીબહેનને ઘેર થોડા દિવસ પણ પેટપૂરતું ખાવાનું પામવાથી તેજુના ગાલના ખાડા બુરાઈ ગયા હતા. એણે ફરીને માને પૂછ્યું : “હેં માડી ! ભાઈએ બરોબર કર્યું, ખરું કે નહીં ?”

“ખરું, માડી !” મા ઠંડે સ્વરે બોલી, “પણ આમાંથી કાં’ક ફાટકો બોલશે ખરો. ને એમાંય જો વિનોદબહેન ખિજાશે, તો તો બાપ, તારી નોકરી જાશે.”

માએ આ વાત કહી ત્યારે તેજુ ને શામળ સામસામાં તાકી રહ્યાં. એ વાત તો એમને યાદ જ નહોતી આવી.

“નહીં, તેજુબહેન !” શામળ બોલી ઊઠ્યો, “તારું આમાં કામ નથી. મને એકલાને જ મારું ફોડી લેવા દે.”

“ના ભાઈ, એમ કાંઈ હોય ? તમારે એકલાને જ કાંઈ કાયમ દુઃખ વેઠવાનું હોય ?”

“પણ તેજુ,” માએ કહ્યું, “તારી ચાકરી જાય તો આપણે ખાશું શું ?”

ફરી વાર શામળ ને તેજુ ફાટી આંખે જોઈ રહ્યાં.

“સાચું છે, તેજુબહેન,” શામળે કહ્યું, “હું તને મનાઈ કરું છું. તારે આમાં પડવાનું જ નથી.”

લુછ લુછ કોળિયા ઉતારી જઈને શામળ પ્રાર્થનામંદિરે પહોંચી ગયો. પણ આજે એના પ્રાણમાં ઉલ્લાસ નહોતો. અત્યાર સુધી એને મન એ પ્રભુની સેવાનું કાર્ય હતું, પણ હવે તો એ સમજી ચૂક્યો હતો કે પોતે લીલુભાઈની અને દેસાઈસાહેબ હરિવલ્લભની જ ચાકરી ઉઠાવી રહ્યો છે.

કમિટીની બેઠકને થોડી વાર હતી. ધર્મપાલજીએ શામળને પોતાની ઑફિસમાં બોલાવ્યો. દીપડો બકરા પર છલંગ મારે તેમ એ શામળ પર તૂટી પડ્યા : “શામળજી ! આ નહીં ચાલી શકે.”

“શું ?”

“આ વર્તન અસહ્ય છે. હમણાં જ મારા સાળા આંહીં આવીને કહી ગયા કે તમે સમાજના સભાસદોની પાસે જઈ જઈ એની બદનક્ષી કરી રહેલ છો !”

“પણ સાહેબ, મેં એવું કર્યું જ નથી. હું તો લીલુભાઈ શેઠને મળવા ગયો હતો. તે સિવાય હા, મેં વિનોદિનીબહેનને આ વાત કરી છે.”

“બસ, એ જ મોકાણ થઈ ને ! વિનોદિનીએ સ્કૂલમાં જઈ પોતાની બહેનપણીને – હરિવલ્લભની દીકરીને કાને ફૂંક્યું. ને પછી એ તો સહુને કહેતી જ ફરે ને ! આમ તો કાલ થશે ત્યાં આખી વસ્તીમાં ફજેતી પ્રસરી જશે.”

“હું દિલગીર છું. મારો એવો ઇરાદો નહોતો.”

“એટલે તમે જુઓ છોને, કે મારે માટે કેવી મુશ્કેલી ઊભી થઈ રહેલ છે ? હવે તો ચોખ્ખી વાત છે. જો તમારે આ બધી અવળચંડાઈ છોડીને આંહીંનાં કામકાજ પર જ બેસી ન જવું હોય, તો પછી સમાજ છોડવો પડશે.”

“સમાજ છોડવો પડશે ?” શામળ ભયભીત આશ્ચર્યથી જોઈ રહ્યો.

“બેશક.”

“પણ સાહેબ, આપને એ હક નથી.”

“હક નથી ? કેમ નથી ?”

“આપ નોકરીમાંથી કાઢી મૂકી શકો, પણ સમાજમાંથી કેમ કાઢી શકો ?”

“હું સમાજનો અધિકારી છું.”

શામળ શાંત રહ્યો, પછી એણે પૂછ્યું : “હરિવલ્લભસાહેબને આપે એના પરના આરોપો સાચા છે કે ખોટા એ પૂછી જોયું ?”

“નહીં જ.”

“એટલી પણ પરવા આપે ન કરી ! ખેર. પણ મેં તો લીલુભાઈને પૂછ્યું. ને એણે એ પાપકૃત્યો કબૂલ કરેલ છે. એણે સાફ કહ્યું છે કે એ તો મૂડીની હરીફાઈ છે. એ તો નાણાં રળવાની રીત છે.”

“એટલે હવે તમે શું કરવા માગો છો ?”

“મને લાગે છે કે મારે એનો ફજેતો કરવો જ પડશે.”

“શામળજી !” ધર્મપાલે બીજો પેચ અજમાવ્યો, “તમને એટલુંય નથી થતું કે મારો તમારા પર અહેસાન છે ? મેં તમને બચાવ્યા, રસ્તે ચડાવ્યા, ને હવે મારા પર જ ભયંકર આફત ઉતારી રહ્યા છો ?”

“ધર્મપાલજી, તમારે માટે હું માથું દેવા તૈયાર છું. પણ આ બાબતમાં તો તમે મને મારા કર્તવ્યથી ભ્રષ્ટ થવા કહી રહ્યા છો, એ શી રીતે કરું ? આપની પાસે હું આવ્યો ત્યારે આપે મને પ્રેમ અને વિશ્વબંધુત્વ વિશે – સ્વાર્પણ અને સેવા વિશે – શિખામણો દીધી. મેં આપના પ્રત્યેક શબ્દમાં ઈતબાર મૂક્યો. ઈશ્વર મારા સાક્ષી છે, કે મેં તો આપે કહ્યું હતું તે જ આચરવા યત્ન કર્યો. મેં ગરીબોને અને પીડિતોને સહાય કરવા મહેનત માંડી. પણ મને શી ખબર કે આપની જીભ પર કંઈક હતું, ને આપના અંતઃકરણમાં બીજું કંઈક હતું ?”

“છોકરા ! તું મારા પર ભંયકર આળ ચડાવે છે. મેં તો હંમેશાં મારાથી બનતું કર્યું છે, કોઈ કોઈ વાર આ બાબત વ્યાખ્યાનો પણ આપ્યાં છે.”

“ના, ના, ના, આપે કદી જ આ શ્રીમંતોને સાફ સત્ય સંભળાવ્યું નથી. બોલો, આપે કદી કહ્યું છે એમને, કે ‘તમે ગરીબોને લૂંટો છો, તમે જ આ શહેરી દુઃખદારિદ્ર્યના કારણભૂત છો, તમારી છાતી પર પાપની ગાંસડીઓના ભાર છે, ને તમારે તૂટેલાં નાણાં પ્રજાને પાછાં વાળવાં જોઈએ – આવું કહ્યું છે કદી આપે ? ના, નથી કહ્યું. એટલે કે ધર્મસમાજ ને પ્રાર્થનામંદિર એનું કર્તવ્ય ચૂકેલ છે. એટલે કે એવા સમાજના ને એવાં મંદિરના પાયા ધોવાય છે, એ પડીને પાદર થશે. ને નવો સમાજ સ્થપાશે - ક્યાંઈક સ્થપાશે, હરકોઈ પ્રકારે સ્થપાશે. ઓ ધર્મપાલ ! આંહીં આ નગરમાં, આપણી નજર સામે, આ શ્રીમંતોની લૂંટણગીરીને પ્રતાપે લોકો ભૂખમરો વેઠે છે, ભૂખમરો ! કંઈ કલ્પના થાય છે ? – કારમો ભૂખમરો.”

“છોકરા, બહુ થયું. તને સમાજમાંથી રુખસદ છે, જા !”

 શામળની આંખોમાં અશ્રુધારા છૂટી. એણે ઉન્માદવશ બની પૂછયું : “ધર્મપાલજી ! ગુરુજી ! મને ન ફગાવી દો. હું પગે પડું છું.”

“બસ, મારો નિર્ણય બોલાઈ ચૂક્યો છે. જાઓ !”

“પણ આપ વિચારો તો ખરા, આપ આ શું કરી રહ્યા છો ? આપ આપના ખુદ અંતરાત્માને જ ફગાવી રહ્યા છો. આપ સત્યની સામે પીઠ દઈ રહ્યા છો.”

“જાઓ ! ચાલ્યા જાઓ !”

“આપ વિચાર તો કરો ! એનો અર્થ એ કે ધર્મનો, સમાજનો મંદિરનો નાશ થશે. કેમ કે હું નહીં છોડું; હું લડીશ, ભવાડો કરીશ, ને હું જ જીતીશ, કેમ કે મારે પક્ષે સત્ય છે, ને આપ સત્યને ફગાવી દો છો.”

“જાઓ ! જાઓ ! જાઓ, કહું છું.”

ધ્રુસકે ધ્રુસકે રડતો શામળ બહાર નીકળ્યો.

ઝાડમાંથી છેદાયેલી ડાળખી પણ થોડી વાર લીલી રહે છે. એ લીલાશમાં એનો તરફડાટ છે. એ ચીમળાય છે ત્યારે વેદનાની અકળ મૂંગી ચીસો પાડે છે.

એ રાત્રિના અંધકારમાં શામળ જ્યારે પોતાના પ્રિય માનેલા ધર્મમાંથી ને મંદિરમાંથી ધકેલાઈ ગયો, ત્યારે એને પણ અસહ્ય યાતના ચાલુ થઈ. પોતે સમાજમાંથી છેદાઈને છૂટો પડ્યો છે એ વાત એને સાચી જ નહોતી ભાસતી. એ પાછો મંદિરની સામે આવ્યો, ધ્રુસકે ધ્રુસકે રડતો એના સામે તાકીને બેઠો.

રાતના શિકારી પક્ષી જેવી એક મોટર આવીને મંદિરને દરવાજે અટકી, અંદરથી એક પુરુષ નીકળીને બૂટ ચમચમાવતો મંદિરમાં પેઠો. એ હતા લીલુભાઈ શેઠ. ઓળખાતાંની વાર જ શામળને ગાલે જાણે એક સખ્ત તમાચો પડ્યો : સમાજનો ચોર આ મદોન્મત્ત સમૃદ્ધિપતિ, કશી સજા પામ્યા વગર, દુનિયાને પડકાર દેતો ધર્મને અધિકારપદે બેઠો છે, ને હું શામળ, હું ગરીબ સત્યશોધક બહાર ધકેલાયો છું.

બંડનો ભડકો એના હૈયામાં સળગી ઊઠ્યો : ના, ના, મને ફેંકી દેનાર એ બધા કોણ ? આખર સુધી લડીશ. મંદિર તો પ્રભુનું છે, ને મને ત્યાં પ્રવેશવાનો હક છે. એના ઘુમ્મટ નીચે સત્ય બોલવાનો પણ મને અધિકાર છે.

કમિટીની બેઠક પૂરી થઈ, ને એણે કમાડ પર ટકોરો દીધો. કમાડ ખૂલતાં જ એણે અંદર ધસારો કર્યો; લીલુભાઈ, હરિવલ્લભ, ધર્મપાલ વગેરેની સામે એણે નજર ચોડી; બોલી ઊઠ્યો કે, “મહેરબાનો, મારું નામ શામળજી રૂપજી – મારી દાદ સંભળાવવા હું તમારી સમક્ષ આવ્યો છું. મને સાંભળ્યા પછી તમારાથી ઉઠાશે.”

– ને તે પછી એ વરુએ વીંટેલા હરણાએ શા શા પછાડા માર્યા, એને એક પછી એક સભ્ય કેવાં અપમાનોથી પોંખ્યો, તેની કલ્પના સરળ છે. છેલ્લા બોલ એ હતા કે, “બદમાશ ! નીકળ બહાર, નીકળ અહીંથી.” એ બોલીને શામળને ધક્કો મારનાર હતા ખુદ હરિવલ્લભ દેસાઈસાહેબ પોતે જ.

શામળે પોતાની આંગળી હરિવલ્લભ તરફ નોંધીને છેલ્લી વરાળ ખલ્લાસ કરી : “તમે હરિવલ્લભ શેઠ, તમે તો સહુથી નપાવટ છો. તમે ધુરંધર ધારાશાસ્ત્રી, નામાંકિત રાજપુરુષ ! દુનિયાની નીચામાં નીચી ગટરોમાં ભમ્યો છું, હું પીઠાવાળાઓને અને ડાકુઓને, વેશ્યાઓને અને ઉઠાવગીરોને મળ્યો છું. પણ તમારા સરખો દયાહીન અને લોખંડી માનવી મેં ત્યાંય નથી દીઠો; તમને હું નહીં છોડું.”

પોતાની પછવાડે કમાડને પછાડીને બંધ કરતો એ ત્યાંથી નીકળી ગયો. બે કલાક સુધી એ લક્ષ્મીનગરના રસ્તા પર પોતાનો ઉશ્કેરાટ શમાવવા ટહેલ્યો. પછી જ્યારે મોડી રાતે ઘેર ગયો, ત્યારે બીજાં સહુ સૂઈ ગયાં હતાં; વાટ જોતી બેઠી હતી એકલી તેજુ.

તેજુએ શામળની તે દિવસની આપવીતી શ્વાસ રૂંધીને સાંભળી. પછી એ બોલી : “ભાઈ, મેંયે મારાથી બનતું કર્યું છે.”

“તેં શું કર્યું બહેન ?”

“હું ધર્મપાલજીને ઘેર વીણાબહેન કને ગઈ’તી. એ તમારા પર વહાલ રાખે છે ખરાં ને, તેથી જ એને કહેવા ગઈ’તી.”

“શું કહેવા ?”

“એના બાપાજીને વીનવવા કે શામળભાઈને રજા ન આપે.”

“પછી ?

“મારી વાત સાંભળીને વીણાબહેન તો રડી પડ્યાં. તમારાં તો એણે કેટલાં વખાણ કર્યાં ! એણે કહ્યું કે બાપાજી શામળભાઈને પાછા નહીં રાખે ત્યાં સુધી પોતે જંપીને બેસશે જ નહીં.”

“સાચેસાચ, તેજુબહેન ?”

“સાચે જ, ભાઈ ! પણ ત્યાં તો વીણાબહેનનાં બા આવ્યાં. એણે મને ઠપકો દીધો. મારા પર એ બહુ જ ખીજે બળ્યાં. કહે કે મારી છોકરીના કાનમાં ઝેર રેડવા શાની આવી છો ? એણે મારું કશું જ સાંભળ્યા વિના મને ઘરબહાર કાઢી મૂકી.”

તે પછી લાંબી લાંબી ચુપકીદી ચાલુ રહી. આખરે તેજુએ જ કહ્યું : “મેં એ ભૂલ જ કરી છે, ભાઈ ! હવે તો આપણે પોતાથી જ બધું કરશું.”