← વકીલાત સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો
વિલાયતમાં
નરહરિ પરીખ
બૅરિસ્ટરી →


વિલાયતમાં

વિઠ્ઠલભાઈની પેઠે સરદારે પણ પોતાના વિલાયત જવાની વાત બોરસદમાં પહેલેથી કોઈને કરેલી નહીં. બોરસદથી ઊપડવાને દિવસે કોર્ટમાંથી ઘેર આવ્યા પછી પોતાના મિત્ર એક દાક્તરને અને બીજા બે ચાર જણને વાત કરી. છોકરાંની, તેમના ખર્ચની અને વિલાયતના પોતાના ખર્ચની બધી વ્યવસ્થા તો પહેલેથી કરી જ હતી. નાના ભાઈ કાશીભાઈ તાજા જ વકીલ થઈને બોરસદ આવેલા, તેમને ઘર અને કામકાજ સોંપી દીધું અને રાતે મુંબઈ જવા ઊપડ્યા. ત્યાંથી ૧૯૧૦ના ઑગસ્ટમાં સ્ટીમર ઉપર ચઢ્યા. સ્ટીમર કોઈ દિવસ જોઈ નહોતી. વિલાયતી પોશાક તો તે જ દિવસે પહેરેલો. ખુરશી-ટેબલ ઉપર છરીકાંટાથી કેમ ખાવું તે જોયું કે જાણ્યું નહોતું. એમ ને એમ જ ગામડિયા જેવા આગબોટ પર ચડી બેઠા. મુંબઈથી ઊપડતાં કાઠિયાવાડના એક નાના રજવાડાના ઠાકોરનો સાથ વિઠ્ઠલભાઈ એ કરી આપ્યો હતો. એડન સુધી દરિયો ખૂબ તોફાની હતો એટલે ઊલટીઓ ખૂબ થઈ અને બહુ બેચેની રહી. સરદાર કહે છે કે ચાર દિવસમાં આખું પેટ સાફ થઈ ગયું. પછી કાંઈક ઠીક લાગવા માંડ્યું. વિઠ્ઠલભાઈ પાસેથી થોડી કાયદાની ચોપડીઓ સાથે લીધેલી તેમાંથી જસ્ટીનિયનનો રોમન લૉ એડનથી માર્સેલ્સ પહોંચતાં સુધીમાં પૂરો વાંચી નાખ્યો.

લંડન પહોંચ્યા પછી પહેલે દિવસે તો પેલા ઠાકોરની સાથે હોટેલ સેસિલમાં ઊતર્યા. પણ તે એટલી મોંઘી હતી કે બદલીને બીજે જ દિવસે શ્રી જોરાભાઈ ભાઈબાભાઈ પટેલ જે બેઝ વૉટરમાં રહેતા હતા તેમને ત્યાં ગયા. પછી બોર્ડરોને રાખનારી એક બાઈને ત્યાં રહેવાની વ્યવસ્થા કરી.

બૅરિસ્ટરના અભ્યાસ માટે મિડલ ટેમ્પલમાં [] દાખલ થયા. થોડા વખતમાં જ પરીક્ષા થતી હતી અને રોમન લૉ તો તેમણે સ્ટીમરમાં જ વાંચી નાખ્યો હતો એટલે એ પરીક્ષામાં રોમન લૉના પેપરમાં બેઠા અને બહુ સારા માર્ક્સ મેળવી ઑનર્સ સાથે પહેલે નંબરે પાસ થયા.

પુખ્ત ઉંમરે અને જીવનનો અનુભવ લઈને વિલાયત ગયેલા હોવાને લીધે આપણા કેટલાક જુવાનની વિલાયતમાં જે દશા થાય છે તેવી થવાનો સરદારને ભય નહોતો. અહીં હાઈસ્કૂલમાં વિદ્યાર્થી હતા ત્યારે જેટલા તોફાની હતા તેટલા જ સ્થિર અને એકાગ્રતાવાળા વિલાયતમાં તેઓ બન્યા. એમને તો બેરિસ્ટર થઈને બને તેટલા વહેલા પાછા આવવું હતું. મા વિનાનાં બે છોકરાંને બીજી બાઈને સોંપીને તેઓ ગયા હતા. એટલે વિલાયતમાં બીજી કશી પ્રવૃત્તિમાં માથું માર્યા વિના એકાગ્રચિત્તે પરીક્ષાની જ તૈયારી કરવા માંડી. જ્યાં રહેતા હતા ત્યાંથી મિડલ ટેમ્પલની લાઈબ્રેરી અગિયાર બાર માઈલ દૂર હતી. પોતાની પાસે તો થોડી જ ચોપડી હતી અને ત્યાં નવી ખરીદવી નહોતી. એટલે દરરોજ એટલું ચાલીને ત્યાંની લાઈબ્રેરીમાં જઈને જ વાંચવાનું રાખ્યું. દરરોજ સવારે નવ વાગ્યે ત્યાં પહોંચતા અને છેક છ વાગ્યે ટેમ્પલની લાઈબ્રેરી બંધ થાય, બધા ચાલ્યા જાય અને પટાવાળો આવીને કહે કે, “સાહેબ, હવે બધા ગયા.” ત્યારે ત્યાંથી ઊઠતા. બપોરનું ખાણું તથા સાંજના ચા નાસ્તો વગેરે ત્યાં જ મંગાવીને ખાતા. આ દિવસોમાં તેમણે રોજ દસથી બાર કલાક વાંચ્યું હશે. રાતે પાછા ચાલતા જ ઘેર જતા. એટલે રોજ બાવીસ ત્રેવીસ માઈલ ચાલવાનું થતું અને વ્યાયામ ઠીક મળતો.

બૅરિસ્ટર થવા માટે કુલ બાર ટર્મ (દરેક ટર્મ ત્રણ માસની) ભરવાની હોય છે. દરેક ટર્મમાં અમુક ભોજનો (ડિનર્સ) થાય છે તેમાંથી ઓછામાં

ઓછાં અમુક તો દરેક ઉમેદવારો લેવાં જ પડે છે. એટલે સાધારણ રીતે ત્રણ વર્ષે બૅરિસ્ટર થવાય. પણ છ ટર્મ પૂરી કર્યા પછી એટલે દોઢ વરસ પછી કોઈને પૂરી પરીક્ષા આપવી હોય તો તેને આપવા દેવામાં આવે છે. આ પૂરી પરીક્ષામાં જે ઑનર્સમાં પાસ થાય તેને બે ટર્મની માફી મળે છે.

સરદારે છ ટર્મ ભરીને આખી પરીક્ષામાં બેસવાની તૈયારી કરી. આખી પરીક્ષા આપતા પહેલાં તૈયારીની પૂર્વકસોટીરૂપ (પ્રિલિમિનરી) એક પરીક્ષા થાય છે. તેમાં ઈકિવટી (Equity)ના વિષયમાં જે પહેલા આવે તેને પાંચ પાઉડનું ઈનામ મળતું. સરદાર આ પરીક્ષામાં બેઠેલા અને ઈક્વિટીનું ઇનામ તેમની અને મિ. જી. ડેવિસની વચ્ચે વહેંચાયેલું. આ મિ. ડેવિસ પછીથી આઈ. સી. એસ. થઈને હિંદુસ્તાન આવેલા અને અમદાવાદમાં ડિસ્ટ્રિક્ટ્ ઍન્ડ સેશન્સ જજ થયેલા. પાછળથી સિંધની વડી અદાલતના ચીફ જસ્ટિસ થયેલા. સરદારની અને એમની સારી મૈત્રી હતી.

છેવટની આખી પરીક્ષા તેમણે ૧૯૧રના જૂનમાં પસાર કરી. તેમાં પહેલા વર્ગ ઑનર્સમાં પહેલે નંબરે પાસ થયા અને તેમને પચાસ પાઉંડનું રોકડ ઈનામ મળ્યું.

પરીક્ષામાં આવો વિરલ યશ તેમને મળ્યો તેથી ત્યાંના હિંદીઓમાં તેમની બહુ નામના થઈ. ઍંગ્લો-ઇન્ડિયનોનું પણ તેમના તરફ ધ્યાન ખેંચાયું. મિ. શેપર્ડ નામના એક નિવૃત્ત આઈ. સી. એસ., જેઓ ઉત્તર વિભાગના કમિશનર તરીકે ગુજરાતમાં નોકરી કરી ગયેલા અને તે વખતે ગુજરાતની પાટીદાર કોમની સમાજસુધારાના કામમાં ખૂબ જ રસ લેતા, તેઓ આખા સામ્રાજ્યમાંથી બૅરિસ્ટર થવા આવનારાઓમાં એક ગુજરાતી અને પાટીદાર પહેલો આવ્યો અને તેને ઇનામ મળ્યું એ છાપામાં વાંચીને પોતાની મેળે સરદારને મળવા ગયા અને પોતાનું ઓળખાણ આપી તેમનું અભિનંદન કર્યુ તથા પોતાને ઘેર એમને જમવા બોલાવ્યા.

આમ આખી પરીક્ષા ખૂબ માન સાથે પસાર કરી બૅરિસ્ટર માટેની સંપૂર્ણ યોગ્યતા પ્રાપ્ત કરી અને છ મહિનાની માફી મેળવી. પણ હજી બે ટર્મ બાકી રહી હતી, તે દરમિયાન ભોજન લેવા ઉપરાંત કશું જ કામ કરવાનું સરદારને બાકી રહ્યું નહોતું. એટલે પોતાની ઈનના નિયામકમંડળને તેમણે અરજી કરી. તેમાં પોતાને થયેલા વાળાના દર્દને (પહેલા પ્રકરણને અંતે એની હકીકત આપેલી છે.) કારણે ઓપરેશન કરાવવું પડેલું તથા માંદગી ભોગવવી પડેલી એ હકીકત જણાવીને ઈગ્લેંડના શિયાળામાં વધુ રહેવું પોતાની તબિયતને જોખમકારક છે તથા નાહક ઈંગ્લંડમાં રહેવાનું ખર્ચ વેઠવું પોતાને ભારે પડે એમ છે અને પૂરેપૂરી પરીક્ષા તો ઑનર્સ સાથે પોતે પાસ કરી જ છે માટે બાકી રહેલી બે ટર્મ્સની માફી આપી એમને વહેલા બૅરિસ્ટર તરીકે નોંધવામાં આવે એવી વિનંતી કરી. નિયામકમંડળમાં આ અરજી ઉપર વિચાર ચાલ્યો. તેમાં જે બેન્ચરો ત્યાંના હતા તેમણે તો સંમતિ આપી પણ ઍંગ્લો-ઈન્ડિયન (હિંદુસ્તાનમાં લાંબો વખત રહી ગયેલા અંગ્રેજ) બેન્ચરોએ સખત વિરોધ કર્યો. તેમની દલીલ એ હતી કે એમ ટૂંક સમયમાં અને થોડા ખર્ચમાં બૅરિસ્ટર થઈ શકાશે તો હિંદુસ્તાનમાંથી બૅરિસ્ટર થવા વિલાયત આવનારાઓનો રાફડો ફાટશે. આ લોકોના વિરોધને લીધે સરદારની અરજી રદ કરવામાં આવી.

હવે અમુક ભોજન લેવાનાં હતાં તે ઉપરાંત બીજા કશાં ખાસ કામ વિના છ મહિના સરદારને વિલાયતમાં રહેવું પડ્યું. એટલે ઇંગ્લંડમાં તેઓ ઠીક ઠીક ફર્યા. તે વખતે બૅરિસ્ટર થવા ત્યાં ગયેલાઓ પૈકી ગુજરાતીઓમાં શ્રી મગનભાઈ ચતુરભાઈ પટેલ, શ્રી નગીનદાસ સેતલવાડ, શ્રી ઇન્દ્રવદન નારાયણભાઈ મહેતા, શ્રી સૂર્યશંકર દેવશંકર મહેતા વગેરે હતા. તેમને અવારનવાર મળતા, જોકે કોઈ સાથે ગાઢ પરિચય કે દોસ્તી જેવું થયેલું નહીં. બીજા વિદ્યાર્થીઓના પણ થોડાઘણા પરિચયમાં આવેલા. સરદારને પોતાને તો દેશના જાહેર જીવનનો બિલકુલ અનુભવ ન હતો. પણ ત્યાં ગયેલા બીજા હિંદી વિદ્યાથીઓ જાહેર જીવનની વાતો બહુ કરતા. જોકે તે વખતે હિંદી વિદ્યાર્થીઓ માટે ઇંગ્લંડમાં વાતાવરણ ગરમ હતું. ધિંગરાએ કર્ઝન વાઈલીનું ખૂન કરેલું, સાવરકરને રાજ્યવિરોધી કાવતરા માટે જન્મટીપની સજા થયેલી, બિપિનચંદ્ર પાલ ત્યાં ગરમાગરમ ભાષણ કરી ગયેલા એ બધું આ અરસામાં અથવા થોડા જ વખત પહેલાં બની ગયું હતું, એટલે હિંદી વિદ્યાર્થીઓ ઉપર ઠીક ઠીક જાસૂસી રહેતી. એકંદરે તો સરદારને ત્યાંના હિંદી વિદ્યાર્થીઓનું જાહેર જીવન દમ વિનાનું લાગેલું. ઘણા વિદ્યાર્થીઓ તો ત્યાં માજશોખમાં પડી ગયેલા જણાતા હતા. એક વિદ્યાર્થીએ પોતાની મુશ્કેલીઓની ખોટી ખોટી વાતો કરી સરદાર પાસેથી પંચોતેર પાઉંડ ઉછીના લીધેલા, તે પાછા મેળવતાં એમને બહુ મુશ્કેલી પડેલી. વિલાયતમાં જ્યારે સરદાર બીમાર હતા અને ઓપરેશન કરાવ્યું હતું ત્યારે પૈસાની જરૂર પડી અને એની પાસે આપેલા પૈસાની માગણી કરી ત્યારે એણે ગુસ્સે થઈને કાગળ લખ્યો અને સરદારને મળવા કરવાનું બંધ કર્યુંં. બાકી રહેલી રકમ તે હિંદુસ્તાનમાં આવ્યા બાદ તેણે મોકલી આપી. તે વખતે કાગળ લખ્યો તેમાં પોતાના અસભ્ય વર્તન માટે માફી માગી અને સરદારની સુજનતા તથા માયાળુપણાની કદર બૂજી. પણ એકંદરે મોટા ભાગના વિદ્યાર્થીઓથી સરદારને નિરાશા સાંપડેલી.

ત્યાં બૅરિસ્ટર તરીકેની નોંધણીનો સમારંભ અને વિધિ આપણી અહીંની યુનિવર્સિટીના પદવીદાન સમારંભ જેવો લગભગ હોય છે. બધી ટર્મ્સ પૂરી થતાં સરદારને બૅરિસ્ટર તરીકે નોંધાવાનો સમય આવ્યો. ત્યાંના રિવાજ પ્રમાણે એક ‘બેન્ચરે’ ઉમેદવારને બૅરિસ્ટર તરીકે નોંધવાની દરખાસ્ત કરવી પડે છે અને બીજા ‘બેન્ચરે’ તેને ટેકો આપવો પડે છે. સરદાર પોતાની ઈનના સઘળા બેન્ચરોનું લિસ્ટ જોઈ ગયા અને કશી ઓળખાણ કે ભલામણ વિના એક સિનિયર બેન્ચર પાસે પહોંચી ગયા અને પોતાની દરખાસ્ત કરવા તેને વિનંતી કરી. પેલા ભાઈએ હેતથી સરદારનું સ્વાગત કર્યું અને પોતે દરખાસ્ત કરવાનું સ્વીકાર્યું એટલું જ નહીં પણ ટેકો આપનારનું પણ નક્કી કરી આપ્યું. આ ભાઈ તે વખતના મુંબઈના ચીફ જસ્ટિસ સર બેસિલ સ્કૉટના પિત્રાઈ ભાઈ થતા હતા, એ વાત તે પાછળથી સરદારના જાણવામાં આવી.

આ દરખાસ્ત વગેરે વિધિની સભા જે હૉલમાં થાય ત્યાં બહુ દબદબાથી સરઘસના આકારમાં જવાનું હોય છે. પહેલે નંબરે પાસ થયેલા હોઈ સરઘસમાં સરદારને બહુ માનનું સ્થાન મળ્યું. સરઘસને મોખરે નિયામકમંડળનો ચૅરમૅન, તેની પાછળ ઑનર્સમાં પહેલે નંબરે આવેલા ઉમેદવાર તરીકે સરદાર, તેની પાછળ બધા બેન્ચરો અને તેની પાછળ નવા બેરિસ્ટર થનારાઓ — એ ક્રમે સરઘસ સભાગૃહ તરફ ચાલ્યું. સ્વાભાવિક રીતે જ સૌ પ્રેક્ષકોનું ધ્યાન સરદાર તરફ ખેંચાયું.

આ વિધિ પૂરો થયો એટલે એમના નામની દરખાસ્ત મૂકનાર પેલા બેન્ચરે સરદારને બીજે દિવસે પોતાને ત્યાં જમવાનું આમંત્રણ આપ્યું. પણ બીજે જ દિવસે ત્યાંથી ઊપડી જવા માટે સ્ટીમરની ટિકિટ વગેરે લઈ રાખી છે એમ સરદારે જણાવ્યું, અને આવી ઉતાવળ કરવાના કારણમાં મા વિહોણાં બે નાનાં છોકરાંને અઢી વર્ષ થયાં ઘેર મૂકીને આવ્યો છું એમ કહ્યું, એટલે પેલા બેન્ચર ભાઈએ જમવાનો આગ્રહ છોડી દીધો. પણ પોતાના ભાઈ જે મુંબઈમાં ચીફ જસ્ટિસ હતા તેમના ઉપર ચિઠ્ઠી લેતા જવાનું કહ્યું અને જણાવ્યું કે જો મુંબઈ રહેવા ઈચ્છતા હશો તો ચિઠ્ઠી ઉપયોગી થશે. મારા ભાઈ તમને જરૂર મદદ કરશે. સરદારે ભારે આભાર સાથે ચિઠ્ઠી લીધી અને પોતાની ગોઠવણ પ્રમાણે બીજે જ દિવસે ઈગ્લેંડનો કિનારો છોડ્યો.


  1. ❋બૅરિસ્ટરની પરીક્ષા લેનારી અને પરીક્ષામાં પાસ થનારને બૅરિસ્ટર તરીકે નોંધનારી ઇંગ્લંડમાં ચાર સેસાયટીઓ અથવા મંડળીઓ છે. લિંકન્સ ઈન, ઈનર ટેમ્પલ, મિડલ ટેમ્પલ અને ગ્રેઝ ઈન. આ ચાર સોસાયટીઓ સિવાય બીજા કોઈને બૅરિસ્ટર બનાવવાનો અધિકાર નથી. પરીક્ષા પાસ કરી હોય છતાં કોઈને બૅરિસ્ટર તરીકે નોંધવો કે નહીં તેની તથા એક વાર પેાતાની સોસાયટીમાં બૅરિસ્ટર તરીકે નોંધ્યા પછી તેનું વર્તન નાલાયક માલૂમ પડે તો બૅરિસ્ટર તરીકેની તેની નોંધણી રદ્દ કરવાની સત્તા આ ચારે સોસાયટીઓ ધરાવે છે.
    આ સોસાયટીઓ પોતાનો કારભાર પોતપેાતાનાં નિયામક મંડળ મારફત ચલાવે છે. દરેક સોસાયટીના નિયામકમંડળના સભ્ય તે તે સોસાયટીના બેન્ચર કહેવાય છે. આ બેન્ચરો ઘણું ખરું મોટા પ્રતિષ્ઠિત જજો તથા મોટા (સિનિયર) બૅરિસ્ટરો હોય છે.
    મિડલ ટેમ્પલની ખ્યાતિ એવી છે કે મોટા મોટા નામાંકિત બૅરિસ્ટરો એમાંથી બહાર પડેલા છે. ઈનર ટેમ્પલમાં ભણનારા મોટે ભાગે અમીર વર્ગના અને બહુ ફેશનમાં રહેનારા હોય છે. ગાંધીજી ઈનર ટેમ્પલના બૅરિસ્ટર હતા. એમને ૧૯૨૨માં રાજદ્રોહના આરોપ માટે છ વરસની સજા થઈ ત્યારે ઈનર ટેમ્પલે પોતાના પત્રકમાંથી એમનું નામ કાઢી નાખ્યું હતું.
    દરેક સોસાયટીના મકાનમાં એક મોટું ભોજનગૃહ, એક દીવાનખાનું (કૉમન રૂમ), એક પુસ્તકાલય તથા એક દેવળ એટલું તો હોય જ છે. તે ઉપરાંત પણ દરેક સોસાયટી બહુ સ્થાવર તથા જંગમ મિલકત ધરાવે છે. ચારે સોસાયટીઓ સમૂહમાં 'ઈન્સ ઑફ કોર્ટ' એ નામથી ઓળખાય છે.