સરદાર વલ્લભભાઈ ભાગ બીજો/ગુજરાતનો હરિજન ફાળો

← જેલમાંથી છૂટ્યા પછીનું દોઢ વર્ષ સરદાર વલ્લભભાઈ ભાગ બીજો
ગુજરાતનો હરિજન ફાળો
નરહરિ પરીખ
ફૈઝપુર કૉંગ્રેસ →


૧૬
ગુજરાતનો હરિજનફાળો, લખનૌ કૉંગ્રેસ અને પ્રાંતિક
ધારાસભાઓની ચૂંટણીની તૈયારીઓ

સને ૧૯૩૩-૩૪ની ગાંધીજીની હરિજનયાત્રા દરમ્યાન ગુજરાતમાં જે હરિજનફાળો થયો હતો તે ખર્ચાઈ ગયો હતો અને કામ તો સુંદર ચાલતું હતું. તેને માટે શ્રી પરીક્ષિતલાલ ગાંધીજીને લખ્યા કરતા હતા. તે ઉપરથી ’૩૬ના જાન્યુઆરીની શરૂઆતમાં હરિજનફાળો કરવા માટે ગાંધીજીએ ગુજરાતમાં આવવાનું નક્કી કર્યું. સરદાર મુંબઈથી અમદાવાદ આવી પહોંચ્યા. ગાંધીજી વર્ધાથી સીધા અમદાવાદ આવવાના હતા. પણ આગલે દિવસે મહાદેવભાઈનો સરદાર ઉપર તાર આવ્યો કે બાપુનું બ્લડ પ્રેશર (લોહીનું દબાણ) બહુ વધી ગયું છે એટલે ડૉક્ટર તેમને પ્રવાસ કરવાની મના કરે છે. સરદારે તરત જ ગાંધીજીને જવાબ આપ્યો કે તમે હરિજનફાળાની ચિંતા કરશો નહીં. હવે તે માટે તમારે ગુજરાતમાં આવવાની જરૂર નથી અને પરીક્ષિતલાલને જેટલા રૂપિયા જોઈતા હશે તેટલા કરી આપી હું બેત્રણ દિવસમાં જ વર્ધા આવું છું. પરીક્ષિતલાલને એક વરસના ખર્ચનો અંદાજ ત્રીસેક હજાર રૂપિયાનો હતો. સરદારે એટલી રકમ અમદાવાદમાંથી બે દિવસમાં કરવા ધારી હતી. મુંબઈના કેટલાક મિત્રોએ પણ મદદ કરી અને બે દિવસમાં ઓગણપચાસ હજાર રૂપિયા ભરાઈ ગયા. તેમાંથી થોડીઘણા વસૂલ કરવાના બાકી રહ્યા હશે તેની યાદી ભાઈ પરીક્ષિતલાલને સોંપી સરદાર વર્ધા જવા ઊપડી ગયા. ગાંધીજીનું બ્લડ પ્રેશર સહેજ ઓછું થયું એટલે તેમને મુંબઈ લઈ આવ્યા. ત્યાં ડૉક્ટરો પાસે ગાંધીજીની પૂરેપૂરી તપાસ કરાવી અને આરામ માટે તેમને તા. ૨૨મી જાન્યુઆરીએ અમદાવાદ ગૂજરાત વિદ્યાપીઠમાં લાવ્યા. સરદાર પણ તેમની સાથે જ વિદ્યાપીઠમાં રહ્યા અને તેમને પૂરેપૂરો આરામ મળે તે માટે તેમના ચોકીદાર બન્યા. બરાબર એક મહિનો વિદ્યાપીઠમાં રહી ગાંધીજીનું બ્લડ પ્રેશર ૧૫૦/૯૦ થયું અને તેમનું વજન સાધારણ રહે છે તેટલું એટલે કે ૧૧ર થયું એટલે તા. ૧૯મી ફેબ્રુઆરીએ ગાંધીજીને વર્ધા જવા દીધા. પણ વર્ધાની લાંબી મુસાફરી સામટી ન કરાવવાના હેતુથી ગાંધીજીને ત્રણ દિવસ બારડોલીમાં રોક્યા. પહેલાં એવી યોજના હતી કે ગાંધીજી ગુજરાતમાં આવે ત્યારે તેઓ ગુજરાતના તમામ કાર્યકર્તાઓને મળી શકે માટે તેમનું એક સંમેલન રાખવું. પણ આ વખતે તો ગાંધીજીને એક મહિનો પૂરો આરામ જ આપવો હતો એટલે સમેલન તા. ૨૦–૨–’૩૬ના રાજ બારડોલીમાં રાખ્યું. પણ બારડોલી આશ્રમ હજી જપ્તીમાંથી પાછો મળ્યો ન હતો, એટલે સંમેલન બારડોલીના એક જિનમાં ભરવામાં આવ્યું. ગાંધીજીનો મુકામ પણ જિનમાં જ રાખ્યો. સંમેલનનો કશો બોજો ગાંધીજી ઉપર ન પડે એટલા માટે સંમેલનનું બધું કામકાજ સરદારે જ ચલાવ્યું. ગ્રામસેવાનું મહત્ત્વ સમજાવતાં તેમણે કાર્યકર્તાઓને કહ્યું :

“લડાઈ જેવા ઉત્તેજનાના સમયમાં ઘણા સિપાઈઓ મળે, ચોમાસામાં સંખ્યાબંધ અળસિયાં નીકળે, કાતરા પડે, તેમ લડાઈ વખતે બધા ખેંચાઈ આવે છે. એ મહાસાગરના મંથનમાં સારા અને ખોટા બધા હોય છે. પણ ઊભરો શમી જતાં પેલા ખેંચાઈ આવેલાઓ શોધ્યા જડતા નથી. તે વખતે પણ સાચો ગ્રામસેવક મૂગું કામ કરતો જ રહે છે. લડાઈ અનિવાર્ય થાય ત્યારે લડતમાં પડે છે અને તેનો બોજો ઉપાડી લે છે. પણ ત્યાં સુધી શ્રદ્ધાપૂર્વક મૂંગી સેવા કરતા પોતાના ક્ષેત્રને વળગી રહે છે. એની સેવાના બદલામાં એને કોઈ હાર પહેરાવનાર, સરઘસ કાઢનાર, તાળી પાડનાર કે માંચડે બેસાડનાર નહીં મળે. ઊલટું એને તો રોટલા કાઢવા પણ મુશ્કેલ પડે અને હરિજનની સેવા કરે તો વળી પાણીનાયે વાખા પડે. આવી બધી અગવડોમાં જે માણસ અડગ રહે એ જ ગ્રામસેવક બની શકે છે, એ જ સાચો સિપાઈ છે. પણ ઘણા એ વસ્તુ સમજતા નથી અને લડાઈ શાંત હોય ત્યારે અધીરા થઈ જાય છે. બાબરા ભૂતની જેમ તમને ગમે તેની સાથે લડવાનું જોઈએ છે. સરકાર સાથે લડવાનું બંધ થર્યું એટલે તેઓ આપસઆપસમાં લડવા લાગે છે. એવા માણસ સેવક નહીં થઈ શકે.”

પછી ગ્રામઉદ્યોગની અને ગ્રામસફાઈની વાત કરીને અંતે કહ્યું :

“આખરે લોકો ઉપર છાપ તો આપણા ચારિત્ર્યની જ પડવાની છે. સેવક કેટલો ત્યાગી, સંયમી, સેવાપરાયણ અને ધીરજવાળો છે એની છાપ ગ્રામલોકો ઉપર પડે છે. અનેક તડકીછાંયડી આવી જાય છતાં ગ્રામસેવક આ ગુણો વડે લોકોના હૃદયમાં સ્થાન મેળવી શકશે.”

પણ બારડોલી આવેલા કાર્યકર્તાઓ ગાંધીજીને મળવા અને સાંભળવા ઈચ્છતા જ હતા. ગાંધીજીને પણ તેમને મળવાની ઈચ્છા હતી એટલે છેવટે સરદારે જાપ્તો જરા હળવો કર્યો અને કહ્યું કે, તમે પ્રશ્નો લખી આપો અને ગાંધીજી મહત્ત્વના પ્રશ્નોના જવાબ અડધા કલાકમાં આપશે. તે પ્રમાણે અડધા કલાકમાં બહુ મહત્ત્વની પ્રશ્નોત્તરી થઈ.

સરદાર બારડોલીથી ગાંધીજીની સાથે જ વર્ધા ગયા. કારણ વર્ધાની પાસે સાવલી ગામમાં માર્ચના પહેલા અઠવાડિયામાં ગાંધી સેવા સંઘનું સંમેલન રાખવામાં આવ્યું હતું.

ત્યાંથી યુક્ત પ્રાંત (અત્યારના ઉત્તર પ્રદેશ)ના પ્રાંતીય કિસાન સંમેલનનું પ્રમુખસ્થાન લેવા જવાનું તેમને થયું. એ પ્રમુખસ્થાન તેમણે બહુ સંકોચપૂર્વક સ્વીકાર્યું હતું. એ વસ્તુ જણાવતાં તેમણે સંમેલનમાં કહ્યું :

“આ પ્રાંતના કિસાનોની મેં કોઈ એવી સેવા નથી કરી કે જેથી આવું જવાબદારીભર્યું પદ સ્વીકારવાનો અધિકાર મને પ્રાપ્ત થાય. વળી મારા મનમાં ઊડે ઊંડે એવો પણ ભય હતો કે જે સ્થાનિક કાર્યકર્તાઓ પોતાની પૂરી શક્તિથી, તનમનધનથી રાતદિવસ તમારી સેવા કરી રહ્યા છે તેમની સાથે મારું કાર્ય પદ્ધતિમાં મતભેદ પડે તો ઊલટો હું તમને મદદરૂપ થવાને બદલે વિઘ્નકર્તા થઈ પડું. પણ તમારા આગેવાનોના પ્રેમભર્યા આગ્રહથી આ ભારે જવાબદારીનો બોજો ઉઠાવવા હું તયાર થયો છું.”

તે વખતે પંડિત જવાહરલાલજી એમનાં પત્નીની બીમારીને કારણે યુરોપમાં હતા. તેનો ઉલ્લેખ કરતાં સરદાર બોલ્યા :

“પંડિત જવાહરલાલજીની ગેરહાજરીમાં જો હું તમારી જરાસરખી પણ સેવા કરી શકું તો મારી જાતને મહા ભાગ્યશાળી માનીશ. તેમની ગેરહાજરીથી આ પરિષદ સુકાની વિનાના વહાણ જેવી લાગે છે. કિસાનોનાં દુઃખ, તેમની હાલત અને મુસીબતોનો તેમને પૂરો ખ્યાલ છે. એમણે અને એમનાં બીમાર પત્નીએ આપણા કિસાનોની જેટલી સેવા કરી છે એટલી આજ સુધી કોઈએ કરી નથી. આપણા કલ્યાણને ખાતર એમણે પોતાના બાદશાહી વૈભવોનો ત્યાગ કર્યો અને બંનેએ બાગબગીચા, ઘરબાર, કુટુંબ-કબીલો તથા પોતાની જાતને પણ બરબાદ કરી નાખી છે. રાતદિવસ જે આપણા દુઃખે દુઃખી થઈ રહ્યા છે, આપણી ગરીબાઈ જોઈ જેનું હૃદય સળગી રહ્યું છે અને જેણે આપણે ખાતર અમીરી છોડી ફકીરી સ્વીકારી છે એવા સહાયક વિના આપણે એક ડગલું પણ આગળ કેમ ભરી શકીએ ? ગેરહાજર હોવા છતાં પણ એમની આશિષ આપણા ઉપર વરસી રહી છે. તેમણે શિખવાડેલી વાતો આપણે ન ભૂલીએ એટલી શક્તિ પ્રભુ પાસે યાચીએ.”

જમીનદારો અને કિસાનો વચ્ચે કાયમ વર્ગવિગ્રહ હોવાની જરૂર નથી એ વિશેના પોતાના વિચારો સમજાવતાં તેમણે કહ્યું :

“આજના જમીનદારો ને તાલુકદારો આપણા દેશની સંસ્કૃતિની વિશિષ્ટતારૂપ નથી. આ પુણ્યભૂમિમાં ધનવાનો, જમીનદારો કે સત્તાધીશોની પૃજા કોઈ દિવસ નથી થઈ. ત્યાગી અને તપસ્વીઓનાં ચરણોમાં, ધનવાનો, જાગીરદારો અને સત્તાધીશો શિર ઝુકાવતા આવ્યા છે. ત્યાગી અને તપસ્વીઓનાં નામ અમર થઈ ગયાં છે અને ગામેગામ, ઘેરે ઘેર એમનાં ગુણગાન થઈ રહ્યાં છે. આજે આ કળિકાળમાં પણ પાશ્ચાત્ય સંસ્કૃતિની અગ્રણી સત્તાના તેજમાં તણાયા વિના અથવા એના ભપકાથી અંજાયા વિના હિંમત અને દૃઢતાથી પોતાની જાગીર અને વર્તનને જોખમમાં નાખીને, સરકારની ઇતરાજી વહોરી લઈને અને અનેક જાતનાં સંકટનો સામનો કરીને કોઈ કોઈ તાલુકદારે કે જમીનદારે આપણી સેવા કરી આપણી સંસ્કૃતિનો આદર્શ ખડો કર્યો છે. રાજસત્તા બદલાતાં જ આ
જમીનદારો પોતાનાં જીવન બદલીને કરોડો ભૂખે મરતા ઝુંપડાવાસીઓની વચ્ચે રહીને ભોગવૈભવને પાપ સમજશે અને આપણી સેવા કરવા તત્પર થશે, એ સંભવિત છે. આજે પણ જમીનદારને કિસાનોના સ્વાભાવિક પ્રતિનિધિ થવાની સલાહ આપનારી સરકાર (યુક્ત પ્રાંતના તે વખતના લેફ્ટનન્ટ ગવર્નર સર હેરી હેગે, જમીનદારોને સલાહ આપી હતી કે જમીનદાર કિસાનોનો સ્વાભાવિક પ્રતિનિધિ છે અને તેણે પોતાનું એ ગુમાવેલું સ્થાન ફરીથી મેળવી લેવું જોઈએ) પોતાની ચાલ બદલી નાખે અને કરોડોના અંદાજપત્રમાં કિસાનોનો ભૂખમરો ટાળવાનાં, તેમની કેળવણીનાં, તથા આરોગ્ય માટેનાં જરૂરી સાધનોનો સમાવેશ કરવા લાગી જાય અને પ્રજામતને માન આપવાની નીતિ સમજતી થઈ જાય તો એ જ જમીનદાર સમજી જશે કે કિસાનોનાં સુખદુઃખનો ખ્યાલ રાખવો તથા તેમની સેવા કરવી એ પોતાની પ્રથમ ફરજ છે. પણ આ બાબતમાં મારો મત સાબિત કરવા હું અહીં નથી આવ્યો. આ અગત્યના સવાલ અંગે આ પ્રાંતના સાચા આગેવાન પંડિત જવાહરલાલજીની સલાહ જ સાચી માર્ગદર્શક નીવડશે. હું તો તેમની ગેરહાજરીમાં તેમનો પ્રતિનિધિ બની તેમના પાછા આવતા સુધી મારી અલ્પ શક્તિ પ્રમાણે તમને તમારું કર્તવ્ય સમજાવી શકું તો મારી ફરજ પૂરી થઈ સમજીશ. છેવટે તો પંડિતજીના અનુભવોનો નિચોડ જ તમારે માટે શિરોધાર્ય હોવો જોઈએ. એમણે તમારે માટે જે સ્વાર્થત્યાગ કર્યો છે, જે દુખ વેઠ્યાં છે અને જે જહેમત ઉઠાવી છે એટલું કોઈએ નથી કર્યું. એમની સત્યનિષ્ઠા અને ગરીબો માટે એમના દિલમાં જલતી આગ વિષે દુશ્મનને પણ શક નથી.”

પછી ગઈ લડત વખતે આ કિસાનોએ કેટલી બહાદુરી બતાવી હતી, કેટલો ભોગ આપ્યો હતો અને કેટલી ખુવારી વેઠી હતી તેનું વર્ણન કર્યું :

“ગાંધી-અર્વિન કરારના અરસામાં અને તે પછીનાં એકબે વરસોમાં આપણા પર જે આફતો ઊતરી તેનું વિસ્તારથી વર્ણન કરવાની અહીં કશી જરૂર નથી. પણ બીજા પ્રાન્તોની માફક આ પ્રાન્તમાં પણ એ કરારનો અમલદારોએ ચોખ્ખો ભંગ કર્યો હોવા છતાં, પંડિત જવાહરલાલજી તથા આ પ્રાન્તના મુખ્ય કાર્યકર્તાઓને માથે દોષ ઓઢાડવામાં આવ્યો હતો. આ પ્રસંગે એ પગલાંનો જાહે૨ બચાવ કરવાને હું મારો ધર્મ સમજું છું. મારો દૃઢ અભિપ્રાય છે કે એ વખતે પંડિત જવાહરલાલજી, પંડિત ટંડનજી તથા આ પ્રાન્તના બીજા કૉંગ્રેસ કાર્યકર્તાઓએ તમને ગણોત ન ભરવાની સલાહ આપી ન હોત તો તેઓ પોતાની ફરજ ચૂક્યા ગણાત. તે વખતે હું કૉંગ્રેસનો પ્રમુખ હતો. મને જરા પણ શંકા હોત તો હું આ પગલાંને કદી મંજૂરી ન આપત. એ પ્રસંગે અહીંની કૉંગ્રેસ કમિટી તમારે પડખે ઊભી, તમારાં દુઃખોમાં ભાગીદાર બની અને પૂરી તાકાતથી તમારી તથા પ્રાંતની અમૂલ્ય સેવા બજાવી. આ પછી તમારી અને કૉંગ્રેસની બરબાદી કરવા સરકારે જે કંઈ કર્યું તેની વિગતમાં ઉતરવાની જરૂર જોતો નથી. તેમાંથી સરકારને અને આપણને સારો અનુભવ મળ્યો. આ પછી ગણોતમાં જે કંઈ છૂટછાટ મળી તેનો જશ જે લોકોએ પોતાની માલમિલકત ગુમાવીને અનેક મુસીબતો સહન કરી છે તેમને જ આપવો જોઈએ. તેમનો
ઉપકાર આપણે કદીયે ન ભૂલવો જોઈએ. આ ટાણે એ સૌને આપણે મુબારકબાદી આપીએ.”

કિસાનોનું બળ તેમના સંગઠનમાં રહેલું છે. તેઓમાં ધર્મને નામે અનેક વહેમ અને પાખંડ ઘૂસી ગયાં છે તે કાઢવાનાં છે, પોતાના સાંસારિક રીતરિવાજો સુધારવાના છે. સ્વચ્છતાના પાઠ શીખવવાના છે, વગેરે સલાહ આપી અને કહ્યું :

“તમે તમારું સાચું અને મજબૂત સંગઠન ખડું કરો. ઉપરાંત મેં જે નબળાઈઓ ચીંધી છે તે દૂર કરો, આળસ છોડી દો, વહેમો ફગાવી દો, કોઈનો ડર ન રાખો, કુસંપનો ત્યાગ કરો, કાયરતા ખંખેરી નાખો, હિંમત રાખો, બહાદુર બનો અને આત્મવિશ્વાસ રાખતાં શીખો. આટલું કરશો તો તમે જે ઇચ્છો છો તે એની મેળે આવી મળશે. જગતમાં જેને માટે જે લાચક હોચ છે તે તેને મળે જ છે. આપણી ઉમેદ મોટી છે. આપણે ગુલામીની બેડીઓ તોડી, સ્વતંત્રતા મેળવી રાજસત્તાની લગામ આપણા હાથમાં લેવા માગીએ છીએ. આવી મોટી ઉમેદ રાખવાનો આપણો અધિકાર છે. આ માટે અધિકાર પ્રાપ્ત કરવા માટે આપણે ભગીરથ પ્રયત્ન કરવો જોઈએ. પ્રત્યન કરનારને પ્રભુ મદદ કરે છે. પ્રભુ તમારું ભલું કરો.”

એટલામાં કૉંગ્રેસના અધિવેશનનો વખત આવી ગયો. અધિવેશન લખનૌમાં ભરાવાનું હતું. ૧૯૩૧ની કરાંચી કૉંગ્રેસ વખતથી જ નક્કી કરવામાં આવ્યું હતું કે કૉંગ્રેસનું અધિવેશન ડિસેમ્બરમાં ભરવાને બદલે માર્ચ અથવા એપ્રિલમાં ભરવું. મુંબઈમાં ’૩૪ના ઓક્ટોબરમાં જ કૉંગ્રેસનું અધિવેશન ભરાયું હતું. એટલે પછીનું અધિવેશન ’૩૬ના માર્ચમાં ભરવાનું રાખ્યું. મુંબઈની કૉંગ્રેસ વખતે જવાહરલાલજી જેલમાં હતા. તેમનાં પત્ની શ્રીમતી કમળાદેવીની માંદગીને લીધે તેમને સજા પૂરી થયા પહેલાં ’૩પના સપ્ટેમ્બરમાં છોડી દેવામાં આવ્યા હતા. કમળાદેવી યુરોપમાં હોવાથી, જવાહરલાલજી છૂટીને તરત જ યુરોપ ગયા. પણ ’૩૬ના ફેબ્રુઆરીમાં કમળાદેવીનું અવસાન થયું એટલે તેઓ માર્ચમાં ઈંગ્લેંડથી પાછા આવ્યા. જવાહરલાલજીના આ દુઃખમાં આખા દેશની સહાનુભૂતિ તેમના પ્રત્યે ઊભરાતી હતી. કમળાદેવીએ સ્વતંત્રતાની લડતમાં ભારે હિસ્સો લીધો હતો. એ બધાની કદર કરવા માટે લખનૌ કૉંગ્રેસના પ્રમુખ જવાહરલાલજીને નીમવામાં આવ્યા. જવાહરલાલજીનું વલણ પહેલેથી સમાજવાદ તરફ હતું એ જાણીતું હતું. પણ સમાજવાદી કાર્યક્રમને અમલમાં મૂકવા કરતાં બ્રિટશ શાહીવાદને નાશ કરી હિંદને પ્રથમ મુક્ત કરવું જોઈએ એ વસ્તુને તેઓ વધારે મહત્ત્વ આપતા હતા. જોકે સાથે સાથે એમ પણ માનતા કે આમજનતાની સામાજિક અને આર્થિક મુક્તિ ન થાય ત્યાં સુધી કેવળ રાજકીય મુક્તિથી દેશ સુખી ન થઈ શકે. તેઓ યુરોપથી સમાજવાદી વિચારોને તાજા મગજમાં ભરીને પાછા આવ્યા હતા. લખનૌમાં પ્રમુખ તરીકે તેમણે જે ભાષણ આપ્યું એમાં પણ પોતાને સમાજવાદી વિચારના પ્રજાસત્તાકવાદી તરીકે વર્ણવ્યા અને સમાજવાદી વિચારસરણીનો ઘણો પુરસ્કાર કર્યો. જોકે ગાંધીજી કૉંગ્રેસમાંથી નીકળી ગયા હતા તોપણ કૉંગ્રેસ ઉપર તેમનો પ્રભાવ જરા પણ ઓછો થયો ન હતો અને સરદાર, રાજાજી, રાજેન્દ્રબાબુ વગેરે નેતાઓ ગાંધીજીના જ કાર્યક્રમને વરેલા હતા. એટલે લખનૌની કૉંગ્રેસમાં સમાજવાદી વિચારસરણીનો એકે ઠરાવ પસાર ન થયો. કૉંગ્રેસના પ્રમુખ કૉંગ્રેસની કારોબારી સમિતિના સભ્યોની નિમણૂક કરે એવી પરિપાટી ચાલતી આવેલી છે, તે રીતે જવાહરલાલે ત્રણ સમાજવાદીઓને કારોબારી સમિતિમાં લીધા. તે ઉપરાંત સુભાષબાબુને પણ લીધા. પણ બાકીના દશ ગાંધીજીના વિચારવાળા હતા. એટલે કારોબારીમાં તેમની જ બહુમતી હતી. કૉંગ્રેસના પ્રમુખ તરીકે પોતાની સ્થિતિ કેવી હતી તે જવાહરલાલજીના પોતાના જ શબ્દોમાં આપી છે :

“પ્રમુખ તરીકે હું કૉંગ્રેસનો મુખ્ય કારોબારી અમલદાર હતો. સંસ્થાનું પ્રતિનિધિત્વ હું જ કરું એમ મનાય, પરંતુ કૉંગ્રેસની નીતિની કેટલીક મહત્ત્વની બાબતોમાં હું બહુમતીના દૃષ્ટિબિંદુનું પ્રતિનિધિત્વ કરતો ન હતો, એટલે કૉંગ્રેસના ઠરાવમાં બહુમતીના વિચારોનો જ પડઘો પડ્યો. કૉંગ્રેસની કારોબારી સમિતિ પણ એક તરફથી મારા વિચારોનું પ્રતિનિધિત્વ કરે અને બીજી તરફથી બહુમતીના વિચારોનું પણ પ્રતિનિધિત્વ કરે એ બેઉ વસ્તુ એકી સાથે બનવી શક્ય ન હતી.”

લખનૌમાં પોતાને કેવી મુશ્કેલીઓ પડી તેનું વર્ણન મિત્ર ઉપરના એક પરિપત્રમાં તેમણે નીચે પ્રમાણે કર્યું છે :

“હું માનું છું કે લખનૌમાં મેં સાફ સાફ વાતો કરી હતી અને પાછળથી કૉંગ્રેસ કારોબારી સમિતિમાં હું જે વિસંગત સ્થાન ભોગવું છું તે વિશે પણ મેં સાફ સાફ વાત કરી છે. આ કંઈક મૂંઝવનારી એવી વિચિત્ર સ્થિતિને સમાજવાદ ઉપરની મારી શ્રદ્ધા સાથે કંઈ લેવાદેવા નથી. લખનૌમાં અમારી વચ્ચેનો રાજકીય મતભેદ જાહેર થયો. અમારામાંના કોઈએ એ વસ્તુ છાની રાખી ન હતી. કારણ અમને લાગતું હતું કે આવી સિદ્ધાંતોની બાબતમાં અમારે પૂરેપૂરા ખુલ્લા દિલથી કોઈ પણ વાત છુપાવ્યા વિના એકબીજા સાથે વાત કરી લેવી જોઈએ. વળી કે, જેમના મત ઉપર અમે ત્યાં જઈએ છીએ, અને દેશના ભાવિનો નિર્ણય છેવટે તો લોકોએ જ કરવાનો છે, તેમની સાથે પણ પૂરા નિખાલસ થવું જોઈએ. એટલે એકબીજાથી ભિન્ન મત ધરાવવામાં અમે સંમત થયા અને અમારા ભિન્ન મતો ખુલ્લી રીતે પ્રદર્શિત કર્યા. પણ આટલું કર્યા પછી અમે એકબીજા સાથે સહકાર કરવાનું અને હળીમળીને કામ કરવાને પણ સંમત થયા. એટલા જ માટે કે અમારી વચ્ચેના મતભેદોના મુદ્દા કરતાં સંમતિના મુદ્દા ઘણા વધારે હતા. ઘણી બાબતોમાં અમારા દૃષ્ટિકોણમાં તફાવત હતો. કેટલીક બાબતોમાં
ભલે અમારા વિચારો જુદા પડતા હોય પણ દેશનું સ્વાતંત્ર્ય હાંસલ કરવાની બાબતમાં અમે એક હતા.”

બીજા સમાજવાદી કાર્યકર્તાઓ કરતાં ગાંધી વિચારના નેતાઓનું જવાહરલાલજી સાથે વધારે બનતું હતું તેનું કારણ તો જવાહરલાલજીએ નીચે પ્રગટ કરેલા વિચારોમાં રહેલું છે :

“મારે જે જોઈએ છે તે એ છે કે આપણા અર્થકારણમાંથી નફાનું તત્ત્વ નાબૂદ થાચ અને તેને સ્થાને સમાજની સેવા કરવાની વૃત્તિની સ્થાપના થાય. હરીફાઈનું સ્થાન સહકાર લે. ઉત્પાદન નફાની દૃષ્ટિએ ન કરવામાં આવે પણ સમાજને ઉપયોગની ચીજો પેદા કરવા માટે કરવામાં આવે. આ હું એટલા માટે ઇચ્છું છું કે હિંસા અથવા ખુનામરકીનો મને તિરસ્કાર છે. હું એને ધિક્કારવાજોગ વસ્તુ ગણું છું. અત્યારની આપણી તમામ વ્યવસ્થાના પાયામાં હિંસા રહેલી છે તેને હું રાજીખુશીથી સહન કરું એમ નથી. મારે એવી વ્યવસ્થા જોઈએ છે જે સ્થાયી સ્વરૂપની હોય; જેમાં કોઈના ઉપર દબાણ ન હોય, જેના મૂળમાંથી હિંસા નાબૂદ થયેલી હોય, જેમાંથી તિરસ્કારને કાઢી નાખી ભ્રાતૃભાવની લાગણીઓની સ્થાપના થયેલી હોય. આ બધાંને હું સમાજવાદ કહું છું.”

જવાહરલાલજીની વિચારસરણી સમાજવાદી હોવા છતાં તેમના આવા વિચારોને કારણે જ તેઓ સમાજવાદી પક્ષમાં ભળી શકતા નહીં. સમાજવાદી પક્ષની પ્રચાર કરવાની રીત ઉપરથી ઘણી વાર એમ દેખાતું કે તેમનું સાધ્ય ભલે શુદ્ધ હોય પણ તેને માટે શુદ્ધ સાધનોનો આગ્રહ રાખવા તેઓ તૈયાર ન હતા. જ્યારે જવાહરલાલજીની સત્યપરાયણતા અને અહિંસાપ્રેમ એવાં હતાં કે તેઓ અશુદ્ધ સાધનોની બરદાશ કરી શકતા નહીં. વળી ગાંધીજીની બધી વાતો તેમને માન્ય નહોતી, છતાં ગાંધીજીના નેતૃત્વમાં તેમને એટલી શ્રદ્ધા હતી કે પહેલાં પહેલાં ગાંધીજીની વાતનો તેઓ વિરોધ કરતા પણ છેવટે તો તેઓ ગાંધીજીના કાર્યક્રમને અનુસરતા. એટલે એકંદરે સમાજવાદી મિત્રો કરતાં સરદાર, રાજેન્દ્રબાબુ વગેરે જૂના કૉંગ્રેસી આગેવાનો સાથે તેમનું વધારે મળતું આવતું. આ આગેવાનોને પણ જવાહરલાલજીની કાર્યદક્ષતા, ત્યાગ, વીરતા વગેરે પ્રત્યે ઘણો આદર હતો, એટલે એમનાથી છૂટા પડવું એમને કોઈ રીતે ગમતું ન હતું. જવાહરલાલજી પણ જાણતા હતા કે પ્રાંતિક કાર્યોકર્તાઓમાં અને આમજનતામાં આ આગેવાનોનો પ્રભાવ વધારે પડતો હતો. એટલે તેઓ પણ આ આગેવાનોથી છૂટા થવા ઈચ્છતા નહોતા. આમ બંનેને એકબીજા પ્રત્યે પૂરો આદરભાવ હતો. આપણે આગળ જોઈશું કે ફૈઝપુર કૉંગ્રેસના પ્રમુખની ચૂંટણી વખતે આ વસ્તુ બંને પક્ષે જાહેર રીતે સ્પષ્ટ કરી.

લખનૌ કૉંગ્રેસ આગળ મુખ્ય બે પ્રશ્ન હતા. એક તો રાજકીય સુધારા વિષે એટલે કે નવા ગવર્નમેન્ટ ઑફ ઈન્ડિયા ઍક્ટ વિષે પોતાની નીતિ જાહેર કરવાનો હતો. એ કાયદાને કૉંગ્રેસે અનેક કારણોસર વખોડી કાઢ્યો હતો, છતાં એ કાયદા મુજબ થનારી ચૂંટણીઓમાં દરેક પ્રાંતે ભાગ લેવો એવું ઠરાવ્યું હતું. હોદ્દા સ્વીકારવા કે નહીં તે બાબતમાં જ્યાં સુધી ચૂંટણીનું પરિણામ જણાય નહીં ત્યાં સુધી કશો નિર્ણય ન કરવાનું કૉંગ્રેસે યોગ્ય ધાર્યું. બીજો મોટો પ્રશ્ન આપણા ખેડૂતો અને કિસાનો માટે નીતિ નક્કી કરવાનો અને કાર્યક્રમ ઘડવાનો હતો. ચૂંટણીઓમાં ભાગ લેવો હોય તો કૉંગ્રેસે એ બાબતમાં પોતાની નીતિનું જાહેરનામું બહાર પાડવું જોઈએ. એ જાહેરનામું તૈયાર કરવાનું તથા ખેડૂતો માટેનો કાર્યક્રમ ઘડવાનું કામ લખનૌ કૉંગ્રેસે મહાસમિતિને સોંપ્યું.

આ બધો વખત સરદારની તબિયત સારી રહેતી ન હતી. માર્ચના બીજા અઠવાડિયામાં તેઓ કાંગડી ગુરુકુલ (હરદ્વાર)ના પદવીદાન સમારંભમાં ગયા. ત્યાંથી મોટરમાં દેહરાદૂન કન્યા ગુરુકુલમાં ગયા. ત્યાંથી દિલ્હી આવ્યા. પદવીદાન સમારંભમાં જ વરસાદ પડ્યો અને કંઠે પવન લાગ્યો એટલે તેમને સખત શરદી અને ખાંસી થઈ. તા. ૨૨મી માર્ચે સખત તાવ આવ્યો અને ન્યૂમોનિયાથી બે ફેફસાં ઝલાઈ ગયાં એટલે ડૉ. અનસારીની સલાહથી હરિજન કૉલોનીમાંથી તેમને બિરલા હાઉસમાં ખસેડવામાં આવ્યા. લગભગ એક પખવાડિયું પથારીવશ રહ્યા. પૂરી શક્તિ પણ આવી નહોતી એવી સ્થિતિમાં ત્યાંથી જ એમને લખનૌની કૉંગ્રેસમાં જવાનું થયું અને ત્યાં તેમની તબિયત વિશેષ લથડી. એટલે એમને લાંબા વખત આરામ લેવાની જરૂર ઊભી થઈ હતી. છતાં કામનો બોજો એવો હતો કે તેઓ એકદમ તો આરામ લેવા જઈ શક્યા નહીં. છેવટે ગાંધીજીએ બહુ આગ્રહ કર્યો અને પોતે પણ સાથે આવવા તૈયાર થયા એટલે મે મહિનામાં તેમની સાથે બૅંગ્લોરની પાસે નંદીદુર્ગ ઉપર આરામ લેવા ગયા અને ત્યાં પૂરો એક મહિના રહ્યા.

’૩૭ માં ધારાસભાની ચૂંટણી થવાની હતી તેની તૈયારી માટે ચૂંટણીનું જાહેરનામું તૈયાર કરવાનું હતું. પંડિત જવાહરલાલજીએ બહુ સુંદર જાહેરનામું ઘડી આપ્યું અને મહાસંમતિએ તેને મંજૂરી આપી. હોદ્દાસ્વીકાર વિષે જ્યાં સુધી નિર્ણય થયો ન હતો ત્યાં સુધી પ્રધાનમંડળ રચીને અમે અમુક અમુક કામ કરીશું એમ તો કૉંગ્રેસથી કહી શકાય એમ ન હતું. છતાં અમુક નિશ્ચિત કાર્યક્રમ તો આપવો જ જોઈએ, એટલે કરાંચી કૉંગ્રેસમાં પસાર થયેલા મૂળભૂત હક્કોના ઠરાવને અનુસરીને જાહેરનામું ઘડવામાં આવ્યું હતું. ખેડૂતોની દશા સુધારવા માટે મહેસૂલ તથા ગણોતના કાયદાઓમાં સુધારા કરાવીને જે જમીન ખેડૂતો જાતે ખેડતા હોય તે જમીન ઉપર તેમને કાયમનો ખેડહક મળે એમ જાહેરનામામાં કહેવામાં આવ્યું. ગણોત ઘટાડવા ઉપરાંત ખેતમજુરોની રોજીના દર સુધારવા ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો. કારખાનાના મજૂરોની દશા સુધારવા માટે એમના સંઘો સ્થાપવાનું તથા એમનું સંગઠન કરવાનું પણ જાહેર કરવામાં આવ્યું. આ ઉપરાંત દેશમાં દારૂબંધી કરવાનું પણ વચન આપવામાં આવ્યું. જાહેરનામામાં બીજી પણ ઘણી બાબતો હતી પણ ઉપર જણાવી તે મુખ્ય કહી શકાય.

કૉંગ્રેસની ટિકિટ ઉપર ઊભા રહેનારા ઉમેદવારો પસંદ કરવાનું કામ ભારે કઠણ હતું. દરેક પ્રાંતમાં ઉમેદવારોની પસંદગી તો તે પ્રાંતની પ્રાંતિક સમિતિ જ યોગ્ય રીતે કરી શકે. પરંતુ છેવટનો નિર્ણય તેમના ઉપર રાખી શકાય એમ ન હતું. કારણ કેટલીક પ્રાંતિક સમિતિઓમાં પક્ષાપક્ષી હતી. વળી બધી જ પ્રાંતિક સમિતિઓ છેવટના નિર્ણયની જવાબદારી લેવા તૈયાર ન હતી અને ઈચ્છતી હતી કે આ કામ કૉંગ્રેસની કારોબારી સમિતિએ પોતાના હાથમાં રાખવું જોઈએ. એટલે કારોબારી સમિતિએ એક પાર્લમેન્ટરી બોર્ડ નીમ્યું. સરદારને એના પ્રમુખ બનાવ્યા અને પં. ગાવિંદ વલ્લભ પંત એના મંત્રી થયા. ઉમેદવારોની પસંદગી પ્રથમ તો પ્રાંતિક સમિતિની કાર્યવાહક સમિતિ જ કરતી, પણ કોઈ માણસ પ્રાંતના નિર્ણયથી નારાજ હોય તો પાર્લમેન્ટરી બોર્ડ પાસે તેની અપીલ આવતી. ચૂંટણી પ્રચારને અંગે સરદારને આખા હિંદુસ્તાનમાં ખૂબ ફરવું પડ્યું. સરહદ પ્રાંતમાં બહારના કોઈને સરકાર જવા દેતી નહોતી, તે માટે શું કરવું તેનો સરદાર વિચાર કરી રહ્યા હતા. તેવામાં છાપામાં તેમણે વાંચ્યું કે, જ. ઝીણા ચૂંટણીના પ્રચાર અર્થે ત્યાં પહોંચ્યા છે. એટલે પોતાને અને શ્રી ભૂલાભાઈને ત્યાં જવા દેવા માટે તેમણે સરકારને લખ્યું. વડી સરકારથી ના પડાઈ નહીં. રજા મળતાં તેઓ પેશાવર ગયા. પણ બન્નુ, કોહાટ અને ડેરાઈસ્માઈલખાન એ ત્રણ શહેરોમાં જવાની પ્રાન્તિક સરકારે મના કરી. ચાર દિવસ ત્યાંની કડકડતી ઠંડીમાં તેઓ પ્રાંતના બીજા ભાગમાં ફર્યા.

ઉમેદવારની પસંદગીમાં બે મુદ્દા ઉપર ધ્યાન આપવામાં આવતું. કૉંગ્રેસના સિદ્ધાંત અને કાર્યક્રમ મુજબ પ્રામાણિકપણે અને બાહોશીથી એ ઉમેદવારની કામ કરવાની લાયકાત કેટલી છે એ પ્રથમ જોવાનું હતું. બીજું એ પણ જોવું પડતું કે પસંદ કરેલા ઉમેદવારની સફળ થવાની શકયતા કેટલી છે. સરદારની દોરવણી હેઠળ આ પસંદગીને અંગે ઊભા થતા કોયડાઓનો ઉકેલ પાર્લમેન્ટરી બોર્ડ સંતોષપૂર્વક આણી શકી. પણ ઉમેદવારની ચૂંટાવાની શક્યતા કેટલી છે એ જોવા જતાં કેટલાક પ્રાંતોમાં કૉંગ્રેસની સ્વીકૃત નીતિ સાથે અસંગત વસ્તુઓ પણ ધ્યાનમાં લેવી પડી. રાજેન્દ્રબાબુ જે પાર્લમેન્ટરી બોર્ડમાં એક કરતાકારવતા સભ્ય હતા તેઓ આ વિશે લખે છે :

“ઉમેદવારો પસંદ કરતી વખતે અમારે એ ખ્યાલ રાખવો પડ્યો કે કયો ઉમેદવાર કઈ ન્યાતનો અથવા જૂથનો છે. કૉંગ્રેસને માટે એ સારું ન ગણાય. પણ પરિસ્થિતિને કારણે અમને એમ કર્યા વગર ચાલે એમ ન હતું. અમારા પ્રાંતને (બિહારને) માટે એ શરમ અને દુઃખની વાત છે કે ઉમેદવારોની પસંદગી કરતી વખતે અમે ન્યાતજાતને ભૂલી ન શક્યા. અમારે એ વિચારવું પડ્યું કે અમુક ન્યાતના ઉમેદવારો ચૂંટાવાનો વધુ સંભવ છે. અમારે એ પણ જોવું પડ્યું કે અમુક ન્યાતના ઉમેદવારને અમે નહીં લઈએ તો આખી ન્યાત ઉપર એની મોટી અસર થશે. એટલું જ નહી, ચૂંટણીઓ ઉપર પણ તેની ખરાબ અસર થશે. અમારે એ પણ ધ્યાન રાખવું પડ્યું કે જેટલા ઉમેદવારો લેવામાં આવ્યા તેમાં બધી ન્યાતોના ઉમેદવારો આવી ગયા કે નહીં, અને તે તે ન્યાતના લોકોને સંતોષ આપી શકીએ એટલા પ્રમાણમાં આવ્યા કે નહી. એક રાષ્ટ્રીય સંસ્થાને સારુ આ બધી વાતો ગૌરવભરી ન ગણાય. પણ અમારે ચૂંટણીઓ જીતવાની હતી. સમાધાન એટલું જ હતું કે બધી ન્યાતોમાં કૉંગ્રેસના એવા કાર્યકરો મોજૂદ હતા જેમને કૉંગ્રેસની નીતિને અનુસરીને પસંદ કરી શકાય એમ હતું. એટલે કોઈને પસંદ કરતાં અમને આઘાત ન લાગ્યો. કારણ તેઓ ઘણે ભાગે બીજી બધી દૃષ્ટિએ પણ યોગ્ય હતા. પરંતુ ન્યાતજાતનો વિચાર આવવા દેવો એ સિદ્ધાંતની દૃષ્ટિએ બરાબર તો નહોતું જ.”

રાજેન્દ્રબાબુએ મુખ્યત્વે કરીને બિહાર વિશે લખ્યું છે, પણ ઓછાવત્તા પ્રમાણમાં એ સ્થિતિ બધા પ્રાંતોમાં હતી એમ લાગે છે. રાજેન્દ્રબાબુનો બીજો એક અનુભવ અહીં નોંધવા જેવો છે :

“મારે ખેદપૂર્વક લખવું પડે છે કે ચૂંટણીઓના અનુભવે મને એમ માનવાની ફરજ પડી છે કે, ઘણા કૉંગ્રેસીઓ પોતાની સેવાઓની કિંમત આંકવા લાગ્યા છે અને તેના બદલામાં કંઈક ને કંઈક લાભ શોધવા મંડ્યા છે, પછી ભલે એ પ્રાંતિક ધારાસભાનું કે વડી ધારાસભાનું સભ્યપદ હોય, લોકલ બોર્ડ કે મ્યુનિસિપાલિટીનું સભ્યપદ હોય, અથવા તેમાં કંઈ હોદ્દો લેવાનું હોય અથવા કંઈ નહીં તો છેવટે કૉંગ્રેસની સમિતિઓમાં જ કઈક પ્રતિષ્ઠાવાળું અને અધિકારવાળું સ્થાન હોય. આ બધી જગ્યાએ જઈને માણસ સેવા કરી શકે એમાં શંકા નથી. કેટલીક જગ્યાએ કામ કરવાથી સેવાની શક્તિ વધે પણ છે. ને એ જ ભાવનાથી એ પદો કે હોદ્દા લેવાની ઇચ્છા રાખવામાં આવતી હોય તો ઠીક, પણ એ ઇચ્છાની પાછળ સેવાભાવનું બળ રહેલું છે, કે પોતાની અંગત મહત્ત્વાકાંક્ષાનું, તે કોણ કહી શકે ? એ તો કદાચ માણસ પોતે પણ બરાબર ન કહી શકે. કારણ કે આવી બાબતોમાં ઘણી વાર માણસ પોતાને છેતરે છે અને પોતાના મનને મનાવી લે છે કે તે મહત્ત્વાકાંક્ષાથી નથી ખેંચાતો, પણ સેવા કરવા જ જાય છે.”

પણ આવી બાબતોમાં સરદાર બહુ કડક રીતે તટસ્થ રહ્યા, અને તેથી તેમને ઘણા માણસોની સારી પેઠે નારાજી વહોરવી પડી. એ એક બાબતોમાં તેમના ઉપર અંગત આક્ષેપો પણ થયા એ આપણે આગળ જોઈશું. પણ એકંદરે તેમના ન્યાયીપણાની અને તટસ્થતાની એવી ધાક બેસી ગઈ કે ચૂંટણીઓનું આખું કામ કોંગ્રેસના ઉચ્ચ સિદ્ધાંતોને શોભે એવી રીતે પાર ઊતર્યું. ચૂંટણીઓની આ તૈયારીઓ ચાલતી હતી તેવામાં જ ફૈઝપુર કૉંગ્રેસનું અધિવેશન આવી રહ્યું.