સરસ્વતીચંદ્ર ભાગ ૩/વિષ્ણુદાસ બાવાની વિભૂતિ વચ્ચે.

←  સુવર્ણપુરના સમાચાર: કારભારીને શિક્ષાપાત્ર પુત્ર. સરસ્વતીચંદ્ર ભાગ ૩
વિષ્ણુદાસ બાવાની વિભૂતિ વચ્ચે.
ગોવર્ધનરામ ત્રિપાઠી
સંસ્કૃત પ્રકરણ: લક્ષ્યાલક્ષ્યરહસ્યવિવરણ: સ્વપ્ન, જાગૃત, અને પાછું સ્વપ્ન. →


પ્રકરણ ૫.

વિષ્ણુદાસ બાવાની વિભૂતિ વચ્ચે.

સુંદરગિરિ અને સુરગ્રામ અનેક ધર્મ અને પંથવાળાઓનાં પ્રિયસ્થાન થઈ પડ્યાં હતાં. ત્યાંનાં મંદિરો, મઠો, વગેરેની સંખ્યાં આ પ્રિયતાનું સ્પષ્ટ પ્રમાણ છે. ભરતખંડી આર્યોના ધર્મમાત્રના દેહમાં જ્ઞાન, યોગ, કર્મ, અને ભક્તિ એ ચારમાંનાં એક અથવા અનેક પ્રાણરૂપે સ્ફૂરે છે, અને એ સર્વ જાતના પ્રાણથી પ્રવર્તતા ધર્મ આ સ્થળે જુદે જુદે કાળે હતા અને તેમનાં સ્મરણસ્તુપ [૧] રૂપે મન્દિરો સુંદરનાં


  1. ૨. Monuments, સ્મરણાર્થ ઉભી કરેલી ઈમારતો.

શિખરો ઉપર તેમ તળેટી ઉપર વર્તમાન હતાં તેની પરિગણના જેવું સરસ્વતીચંદ્ર પાસે થયેલું તે આપણે જાણીયે છીયે. આ ચાર જાતના પ્રાણોમાંથી વિષ્ણુદાસ બાવાનો પંથ કેવા પ્રાણને ધારણ કરતો હતો તે જાણ્યાથી એ બાવાનો પરિચય કરવા આપણે અધિકારી થઈશું.

યોગ અને કર્મ, ઉભય આ યુગમાં ક્ષીણ થઈ ગયાં છે છતાં, તેમના ઉપર આર્યોની સાહજિક પ્રીતિ છે. તેમાં ભેદ એવો છે કે કર્મમાર્ગમાં પ્રવર્તવા શ્રદ્ધા અને અવકાશાદિ હોય તો એ માર્ગ સાધ્ય હોવાથી હજી પ્રવર્તે છે, અને યોગની સાધના એ ઐન્દ્રજાલિક પ્રયોગ જેવી હોવાથી તેનો પ્રવર્તક ક્વચિત જ મળી આવે છે અને જયાં મળી આવ્યો લાગે છે ત્યાં અસાધારણ આદર પામે છે. જ્ઞાનમાર્ગની વાર્તા સર્વ બુદ્ધિઓને ગમ્ય છે; અને કર્મમાર્ગનાં ફળની વાટ સ્વર્ગે પ્હોચતા સુધી જોવાની છે, અથવા સાધકના જીવનમાં કાંઈ મ્હોટો ચમત્કાર થાય અને તેની સાથે કર્મસાધનાને કારણ થયેલી માનવાનો શ્રદ્ધાળુને પ્રસંગ આવે, ત્યાંસુધી કર્મસાધનાનું ફળ શીઘ્ર અને હસ્તગત થતું નથી; તેનાથી વિરુદ્ધ પ્રકારે જ્ઞાનના સાધકને યથાશક્તિ ફળ મોડું વ્હેલું પણ નિશ્ચિતપણે આ જ ભવમાં મળે છે, એ જ્ઞાનમાર્ગની લોકપ્રિયતાનું આ ઈંગ્રેજી યુગમાં ઉઘાડું કારણ છે. પરંતુ એ જ્ઞાનમાર્ગ આર્ય સંપ્રદાય પ્રમાણે તે વેદાંત જ છે અને તેનું રહસ્ય પામતા સુધી પ્રયત્ન કરવાનું ધૈર્ય રાખનારા વિરલ હોય છે, માટે જ્ઞાનમાર્ગના પંથમાં બે ઉપપંથ છે એમ કહીયે તો ચાલે. એક ઉપપંથ સાધારણ ઉપપંથ જ લોકપ્રિય છે અને આપણા જ્ઞાનમાર્ગના મિત્રો અને શત્રુએ સર્વે પ્રાયશઃ આ સાધારણ ઉપપંથ સાથે જ મિત્રતા કે શત્રુતા રાખે છે. હવે આ સર્વ માર્ગોમાં – જ્ઞાનમાં, કર્મમાં, અને યોગમાં, સાધન જોઈએ છીયે, પણ સાધનનો પણ ખપ ન પડે એવો ચોથો ભક્તિમાર્ગ આર્યોએ પ્રવર્તાવ્યો છે; અને બુદ્ધિ આદિ કાંઈ પણ સાધન ન હોય તેને વાસ્તે સ્વર્ગનાં દ્વાર ઉઘાડવાનો આ માર્ગ અભિલાષ રાખે છે, આ જગતમાં સ્વર્ગના અમૃત જેવું અમૃત સાધનહીન સ્ત્રીપુરુષોમાં લ્હાય છે, અને રાસલીલાનું રહસ્ય જણાવનાર ગાય છે કે, કૃષ્ણબ્રહ્મને

“સબ સાધનને રહિત જ્યું અબલા,
“સો થેઈ થેઈ નાચ નચાવે;
“બીરપેંડો પ્રેમકો નોંખો કહાવે !”

આ ચારે માર્ગનો અભ્યાસ વિષ્ણુદાસ બાવાએ કર્યો હતો અને એ ચારેની મેળવણી પોતાના પંથમાં કરી હતી અને તેથી સાધનહીન તેમ સાધનવાન જીવો એ પંથમાં લલચાતા અને દ્રઢ ર્‌હેતા.

વિષ્ણુદાસસ્વામી પૂર્વાવસ્થામાં બ્રાહ્મણ હતા, તે કાળે કાશી અને બંગાળ દેશમાં ફરી, વ્યાકરણ, સાહિત્ય, ગણિત, મીમાંસા, ન્યાય, અને વેદાંતનો અભ્યાસ કર્યો હતો. હિમાચલનાં તીર્થો અને એકાંતસ્થાનોમાં જઈ યોગસાધનામાં ચંચૂપાત કર્યો હતો. અંતે શિવ, વિષ્ણુ, અને શક્તિના ઉપાસકોમાં ભળી ભક્તિમાર્ગની ઈયત્તા પણ મેળવી હતી. સર્વ કામ કરી આ બ્રાહ્મણે ઘેર આવી ગૃહસ્થાશ્રમ આરંભ્યો, અને માતા, પિતા, ભાઈઓ, બ્હેનો, સ્ત્રીપુત્રાદિ કુટુંબ - વિસ્તારનાં સુખદુ:ખ અને દ્રવ્યની પ્રાપ્તિ તથા હાનિના ક્લેશ એ સર્વના સ્વાદ ચાખ્યા. આ સર્વ અનુભવની પરિપાક દશા જેવું થતાં તેને બહુ વાર ન લાગી. બત્રીશેક વર્ષને વયે પોતાના ગામને પાદરે એક તળાવના આરા ઉપર બેઠો બેઠો આ બ્રાહ્મણ સ્નાન સંધ્યા કરવાનું આરંભતો હતો એવામાં ત્યાં એક મ્હોટું જોગીલોકનું ટોળું આવ્યું. તેમની સાથે એને સમાગમ થયો અને એ લોકનો સહવાસી થવા તેને મન થયું. પ્રવાસના પરિચયવાળો બ્રાહ્મણ ઘેર જઈ કુટુંબને સર્વ દ્રવ્યાદિ વ્યવહારસાધનની સુપ્રત કરી આવ્યો અન સ્ત્રીને એકાંતમાં બોલાવી તેને કહ્યું: “જો હું આજ જાઉ છું તે ઘેર પાછો આવવાનો નથી. ઘરમાં સઉ ખાવ પીયો એટલી સંપત્તિ ઈશ્વરે આપી છે, મ્હારે પુત્ર છે, માબાપને માટે મ્હારો ભાઈ છે, સઉના સ્વાર્થ સારવાનું નિમિત્ત હું થઈ ચુક્યો છું, માટે હવે અત્રે ર્‌હેવાનું મ્હારે શિર બંધન નથી, માટે હું જાઉં છું.” સ્ત્રીએ કલ્પાંત કર્યો, કુટુંબમાં સર્વને ખબર પડતાં રડારોળ થઈ રહી, અને બ્રાહ્મણ સંશયતુલામાં પડી સર્વને આશ્વાસન દેઈ જ્ઞાનમાર્ગ બતાવવા લાગ્યો, અને સર્વ રાત્રિયે નિદ્રાવશ થયાં એટલે સર્વ વસ્તુનો ત્યાગ કરી, લંગોટીભર ઘરમાંથી નીકળ્યો અને જોગીયોના ટોળામાં ભળી પ્રાતઃકાળ પ્હેલાં સર્વ સાથે કેટલાક ગાઉ સુધી આનંદ કરતો નીકળી ગયો. કુટુંબને દુઃખી કર્યાનો વિચાર થતાં મને મનનું સમાધાન કર્યું: “પ્રવાસ કરવા નીકળનારની પાછળ રડારોળ તો નિર્મેલી જ છે પણ પ્રવાસી પાછો આવવાની આશાથી સઉ વ્હેલાં શાંત થાય છે. આ જરા મોડાં શાંત થશે. મ્હારે મરણકાળે તેમને શોક થાત તેનાથી આ શોક ઘણો ઓછો થશે અને મ્હારું મરણ તેમને જાણવાનું નથી એટલે એ પ્રસંગના મહાશોકમાંથી હું તેમને ઉગારું છું. વગર વૈધવ્યે વૈધવ્યને પ્રાપ્ત થનારી મ્હારી સ્ત્રીને માથે દીર્ઘકાળનું દુઃખ તો ર્‌હેશે,”– આ દુઃખ દેવાનું પાપ પોતાને શિર કેમ નહી તેનું બરોબર સમાધાન થયું નહી. પણ “થયું તે ન થયું થનાર નથી” ગણી તે વાતનો વિચાર દૂર કર્યો અને વિષ્ણુદાસબાવાનું નામ ધારણ કરી, યજ્ઞોપવીતનું વિસર્જન કરી, જટા અને વિભૂતિ ધારણ કર્યાં. પોતાની વિદ્વત્તાથી અને પ્રવીણતાથી થોડે કાળે વિષ્ણુદાસ જોગીયોની ગુરુ–પદવી પામ્યો અને તેની સાથે યદુનંદનના મંદિરમાં ગુપ્ત રાખેલાં ભક્તિમાર્ગનાં રહસ્ય દર્શાવનાર પુસ્તકોનો સ્વામી થયો.

એ પુસ્તકોમાંથી વિષ્ણુદાસને ઘણું ઘણું મનન કરવાનું મળ્યું. આ મન્દિર ઘણું પ્રાચીન હતું અને તેના અધિકારી બાવાઓમાં પ્રસંગે પ્રસંગે સમર્થ વિદ્વાનો આવેલા હતા. બે ચાર પુરુષો સાધારણ નીવડે ત્યારે તેનો અનુયાયી કોઈક સમર્થ નીવડતો. આ ગોસાંઈઓ અલખવાદી હતા અને તેમાં યદુનંદનની પૂજા જોડાવાથી તેમના અસલ પુરુષોએ કંઈ કંઈ શાસ્ત્રાર્થ કરીને અને કંઈ કંઈ પુસ્તકો રચીને પોતાનો સંપ્રદાય સ્થાપ્યો હતો. પ્રાચીનતમ પુસ્તકોમાં અલખ એટલે અલક્ષ્ય એટલે નિર્ગુણ બ્રહ્મ એવો અર્થ કરેલો હતો. એક પુસ્તકમાંથી એવું જણાઈ આવ્યું કે તે કાળે આ મઠવાળા વેદાંતી હતા અને શુદ્ધ બ્રહ્મને બ્રહ્મ નામે માનતા. પણ પાસે જ જૈન આચાર્યો ર્‌હેતા તેમની સાથે આ ગોસાંઈઓને વાદ થતા, અને વેદાંતના મત વિરુદ્ધ જૈનોએ એવી તકરાર ઉઠાવી કે ખરી કે ખોટી માયા અને તેથી ભિન્ન બ્રહ્મ એમ બે વાનાં માનનારા વેદાંતીઓ પોતાને અદ્વૈતવાદી કહે તો वदतो व्याघात ના દોષમાં આવે છે. આ પક્ષનો પ્રતિપક્ષ સમર્થ ગોસાંઈઓએ શંકરાચાર્યના સમર્થ આધારે કર્યો અને ફાવ્યા; પરંતુ સાધારણ વર્ગના લોક એ વાદવિવાદ સમજી શક્યા નહી અને ઘણા લોક જૈન સંપ્રદાયને સ્વીકારવા લાગ્યા. નદીનું પૂર આણીપાસ વળતું જોઈ તેને અટકાવવા ગોસાંઈઓએ નવી યુક્તિ કરી, અને પોતાના મૂળ અલખ–વાદમાં લખ–વાદ ઉમેર્યો અને એમનો મત અલખ-લખ–વાદ ક્‌હેવાવા લાગ્યો. એક અલક્ષ્ય બ્રહ્મ સર્વવ્યાપી છે પરંતુ નામ-રૂપ-આદિ વિશેષણોથી તે અલક્ષ્ય ક્વચિત્ લક્ષ્ય થાય છે અને પોતે પોતાની લક્ષ્યતાનો સાક્ષી થાય છે ત્યારે લક્ષ્ય ક્‌હેવાય છે તેને ઈશ્વર ક્‌હો, માયા ક્‌હો, કે ગમે તે નામે ઓળખો. પરંતુ એ સર્વ લક્ષ્ય એટલે લખ છે, અને તેમાં વિવિધ પરિણામને અંતે મનુષ્ય લાખ થાય છે અને જ્ઞાનના સાધનથી એ લખમાં અલખ જાગે છે. આવી જાતનો સંપ્રદાય સામાન્ય લોકથી સમજાવા લાગ્યો તેની સાથે ગોસાંઈઓનું બળ વધવા લાગ્યું. વળી યદુનંદનની પ્રતિમા, બ્રહ્મા, વિષ્ણુ અને માહેશ્વર, વિષ્ણુના અવતાર, એ આદિ અનેક કથાઓનો લખ–વાદમાં અંતર્ભાવ બહુ સુલભ થઈ પડ્યો. કૃષ્ણાવતારનું રહસ્ય પણ અલખ જગાવનારને સમજાવવામાં આવતું. આવી રીતે સાધારણ માણસોને પોતાના પંથમાં ભક્તિ-માર્ગને પગથીયે પગ મુકાવી, તેમને રહસ્યના જિજ્ઞાસુ કરી, અંતે અદ્વૈત અલખના સંપ્રદાયરૂપ શિખર ઉપર લઈ જવામાં આવતા.

વિષ્ણુદાસ અધિકારી થયા તે કાળે ભિન્ન ભિન્ન પંથવાળાની આ ચસાચસી બંધ થઈ ગઈ હતી, અને જૈન લોકને બદલે શિવમાર્ગીઓ, શાક્તો, અને વૈષ્ણવો ઘડી ઘડી હુડુયુદ્ધો કરતા હતા. કેટલાક સારા માણસોને આથી આ સ્થળ ઉપર અનાસ્થા થતી હતી, અને વિષ્ણુદાસ અધિકારે ન આવ્યા હત તો સુંદરગિરિ તેમ સુરગ્રામ ઉભયનું માહાત્મ્ય અસ્ત થાત. પણ એ બાવાએ શાંતિથી, સહનશીલતાથી, ઔદાર્યથી, અને ચાતુર્યથી, અસ્ત થતું માહાત્મ્ય ટેકાવ્યું, ધર્મયુદ્ધોને ઠેકાણે ધર્મસમભાવ પ્રવર્તાવ્યો, અને नम्रत्वेनीन्नमंतः परगुनकथनैः खान् गुणान् ख्यापयन्त *[૧] આદિ પદેાવાળા શ્લોકને અનુસરી, સર્વને તારી પોતે તર્યા, સર્વની પ્રતિષ્ઠા વધારી પોતાના પંથનો ઉત્કર્ષ કર્યો, અને પોતે સર્વ દેવને નમસ્કાર કરી પોતાના દેવને સર્વપાસે નમસ્કાર કરાવવા લાગ્યા.

સરસ્વતીચંદ્ર મન્દિર પાસે આવ્યો એટલામાં એને ત્યાં લાવનાર બાવાઓએ પોતાના ગુરુજીના અને - તેમના પંથના આ ઈતિહાસનો કંઈક પરિચય કરાવ્યો અને ગુરુજીની સુજનતા અને શક્તિની સ્તુતિ એના શ્રવણમાં રેડી. આ નવીન અનુભવ અને નવીન વિનોદના બળથી મંદિરપાસે આવી ઉભો તે કાળે કુમુદસુંદરી એના મનમાંથી અગોચર થઈ ગઈ, ગોસાંઈઓના સુકીર્તિત સ્વામીને જોવા તેના મનમાં આતુરતા સજ્જ થઈ અને જેના સેવકોએ પોતાના ઉપર આટલો ઉપકાર કર્યો હતો અને આટલો વિદ્વદાનંદ આપ્યો હતો તેના આતિથેય અને સમાગમનું પાત્ર થવા એની ઉપકૃત વૃત્તિ વધારે ઉપકારના ભોગની કામુક બની. શોક-તિમિર અદ્રશ્ય થયું અને પ્રસન્ન મુદ્રા એના મુખ ઉપર સ્ફુરી આવી. મંદિર પ્રત્યક્ષ થયું તેની સાથે સર્વ બાવાઓ ગાજી ઉઠ્યા: “નંદકો નંદન એક આનંદ દેત હય !”


  1. *“નમ્ર થઈ તે જ સાધનથી ઉન્નત થતા, અને પારકાના ગુણોનું કથન કરવાથી જ પેાતાના ગુણને પ્રસિદ્ધ કરતા.”
"જય યદુનંદન ! જય યદુનંદન !” કરતું સર્વ મંડળ મંદિરના

૫ગથીયાં અાગળ અાવ્યું.

આ મંદિર દેવાલયના આકારનું ન હતું, પણ એક વિશાળ મઠના આકારનું હતું. આ મઠને એક માળ પણ ન હતો. આગળ ચુનાગચ્છીનો ઓટલો, તેમાંથી અંદર જવાનું એક દ્વાર, દ્વારમાં પ્રવેશ કરતાં એક મ્‍હોટી છાપરાવાળી ઓસરી, ઓસરીનાથી આગળ એક મ્‍હોટો છોબન્ધ ચોક, ચોક વચ્ચે મ્‍હોટી ચતુષ્કોણ વેદિ, વેદિ ઉપર ચાર હાથ ઉંચો તુલસીકયારો, ચોકની બે પાસે બે મ્‍હોટી શાળાઓ, તથા ચોકની પાછળ અને શાળાઓ વચ્ચે એક બીજી ઓસરી હતી, અને ઓસરીને મધ્યભાગે મ્‍હોટી ઓરડીના આકારનું મંદિર હતું. પૂજા પ્રસંગે દ્વાર ઉઘાડાં રાખી અને સમાધિપ્રસંગે દ્વાર બંધ કરી વિષ્ણુદાસ મંદિરમાં દ્હોડેક હાથ ઉંચી યદુનંદનની પ્રતિમાની એક પાસ દર્ભાસન ઉપર બેસતા, અને અન્ય પ્રસંગે જમણી પાસની ઓસરીમાં બેસતા, ફરતાં, અને સુતા. પ્રાતઃકાળે સમાધિ તથા પૂજા થઈ રહ્યા પછી, પોતાની ઓસરીમાં આવી કથા ક્‌હેતા; તે થઈ રહ્યા પછી એકલા બેસી શાસ્ત્રવિચાર કરતા; તે પછી આગળની ઓસરીમાં સર્વ ગોસાંઈઓની સાથે એક પંક્તિયે બેસી ભોજન કરી, તે થઈ રહ્યા પછી, પોતાની મંડળી લેઈ સુંદરગિરિ ઉપરથી નીચે ઉતરી, ચારે પાસનાં ગામમાં અલખ જગવવા તથા ભિક્ષા લેવા જતા; ત્યાંથી સંધ્યાકાળે પાછા ફરી પૂજાપાત્રી તથા જ્ઞાનવિચાર કરી, રાત્રે બાર વાગે નિદ્રાવશ થતા. બ્હારથી પાછા મોડા આવે ત્યારે પૂજા બીજું કોઈ કરતું.

વિષ્ણુદાસના અનુયાયી ગોસાંઈઓના ચાર ભાગ પાડેલા હતા. છેલો વર્ગ “અનધિકારી” પુરુષોનો હતો; તેમને માત્ર પૂજા પ્રસંગે સ્વામી સાથે ભક્તિ-ભજન કરવાનો અને ભોજન-પ્રસંગે તેમનાં વચનામૃત સાંભળવાનો અને શંકા-સમાધાન કરાવવાનો અધિકાર હતો. બીજો વર્ગ કનિષ્ઠ અધિકારીયોનો હતો; તેવા અધિકારીયો કથામાં અઠવાડીયામાં બે દિવસ શ્રવણ કરવા બેસતા અને બાકીના દિવસ શાસ્ત્રાભ્યાસ અને શાસ્ત્રમનનમાં ગાળતા. આ બે દિવસ સ્વામી ભક્તિમાર્ગનું રહસ્ય બતાવતા, મધ્યમાધિકારીઓ આ બે દિવસ શ્રવણ કરતા અને તે ઉપરાંત બીજા બે દિવસ સ્વામી પાસે યોગાધ્યયન કરતા ઉત્તમાધિકારી જુજ હતા; તેઓ આ સર્વ દિવસોએ શ્રવણ કરવું હોય તો કરે, અને તે ઉપરાંત બાકીના દિવસોએ સ્વામી પાસે વેદાંત શ્રવણ કરતા. સ્વામી પોતાનું મંડળ લેઈ નિમ્ન દેશમાં રોજ ફરવા જાય અને ઉગ્ર તાપને સમયે કોઈ છાયાવાળા મહાવૃક્ષ નીચે વિશ્રામ કરે અથવા કોઈ સરોવર અથવા નદીને તીરે સાયંકાળની રમ્યતામાં “લખ-આનંદ” પ્રગટ કરે તેવા તેવા પ્રસંગોએ ન્યાય, મીમાંસા, ગણિત, આદિ શાસ્ત્રોમાં ગોસાંઈઓને પ્રવેશ કરાવતા. કાળક્રમે સ્વામીને યોગ્ય લાગે ત્યારે અનધિકારીને અધિકાર આપતા, કનિષ્ઠાધિકારીને મધ્યમાધિકારી અને મધ્યમને ઉત્તમાધિકારીનું પદ આપતા, અને ઉત્તમાધિકારીમાં ઉત્તમ હોય તેને પોતાના એકાંત શાસ્ત્રવિચાર પ્રસંગે એકાંતમાં બતાવી પોતાના સમાન કરતા અને તેની સાથે ચર્ચા કરી જ્ઞાન આપી જ્ઞાન લેતા.

મંદિરની બીજી પાસની ઓસરીમાં ઉત્તમાધિકારીયો બેસતા, એક પાસની શાળામાં મધ્યમાધિકારીયો બેસતા, અને બીજી પાસનીમાં કનિષ્ઠાધિકારીયો બેસતા. આગળની ઓસરીમાં અનધિકારીયો બેસતા. મંદિરની પાછળ એક બીજી બે ઓરડીયો હતી તેમાંની એકમાં પૂજાની સામગ્રી અને બીજીમાં પુસ્તકો તથા મઠનું દ્રવ્ય ર્‌હેતું. પોતાની ઓસરી પાછળ એક દ્વાર હતું, તેમાં થઈ પાછળના ઉઘાડા ભાગમાં સ્વામીના સ્નાન-શૌચાદિનાં સ્થાન હતાં. એ ભાગ વિશાળ હતો, પણ તેની ચોપાસ પર્વતના ઉંચા ઉંચા ખડકની ભીંતો હતી અને મઠની બે પાસની ભીંતો તેને સાંધી દીધી હતી. આ વાડામાં પર્વતની સામી ભીંતે મ્‍હોટી ગુફા હતી, અને ગુફાને મુખે મહાન્. ન્યગ્રોધ [૧] વૃક્ષ હતો. આ વડ અને પર્વત વચ્ચેના ખુણામાં એક સુંદર નિર્મળ અને મીઠા પાણીનો ઝરો નિરંતર વ્હેતો હતો અને પ્રવાહ ભૂમિમાં જ લીન થઈ જતો હતો. અા ઝરામાં મ્હોટાં શતપત્ર કમળ થતાં. તેના ઉપર પર્વતની ભીંતોએ મધુર ગુંજારવ કરતા મધુકરોના બે પુડા બાઝેલા હતા. વડ શીવાય એટલામાં તમાલ, અાંબા, કેળ આદિ વૃક્ષો, કેટલાક વેલા, અને પરાગવાન્ સુંદર સુગન્ધી પુષ્પો મધુર પવનને વશ થતાં હતાં. ઝરા આગળ હંસો, બતકો, મેના, પોપટ આદિ પક્ષિઓ ર્‌હેતાં. ન્હાનાં હરણ અને સસલાં પણ હતાં. આમ સર્વ જ્ઞાનેન્દ્રિયોને તૃપ્ત અને શાંત કરનાર પદાર્થ અત્રે એકત્ર થયા હતા. કોમળ સ્પર્શવાળું બારે માસ લીલું ઘાસ, ઝરા અને પક્ષીઓનું ઝીણું ગાન, નેત્રને શીતળ કરનાર સૃષ્ટિનો રંગ અને ચિત્રો, નાસિકાને આલ્‍હાદ આપનાર પુષ્પગંધ, અને મિષ્ટ જળ અને ફળોઃ એ સર્વ આ વિશાળ વાડામાં મનુષ્યના મનને ક્ષોભ અને ઉદ્દીપન ન્‍હોતાં આપતાં, પણ શાંતિ અને આનંદ આપતાં હતાં, અને કુતર્ક ડાબી દેઈ સુતર્કને સપક્ષ


  1. ૧. વડ
કરતાં હતાં, આ ઉપવનમાં સરસ્વતીચંદ્રને ઉતારો આપવો એવી

વિષ્ણુદાસજીએ ગોસાંઈઓને આજ્ઞા કરી હતી, તેથી મન્દીર-મઠના દ્વારમાં પ્રવેશ કરી, આનંદગર્જના કરતા જોગીo, ગુરુવચન ઉપર શ્રદ્ધા રાખી, તેમના આદરના પાત્ર ઉપર જાતે આદર રાખી, આગળની ઓસરીમાંના આશ્ચર્ય પામતા અનધિકારિયો વચ્ચે થઈને, ચોકમાં તુલસી-ક્યારાની એક પાસે થઈને ગુરુજીવાળી ઓસરીમાં જઈ, ઉપવનમાં સરસ્વતીચંદ્રને લેઈ ગયા. ઝરાપાસે ન્યગ્રોધની શાખાઓની છાયામાં પાથરી રાખેલા મૃગચર્મ ઉપર એને બેસાડ્યો અને એ મંડળીમાંથી મોહનપુરી અને વિહારપુરી ગુરુજીની આજ્ઞા લેવા ગયા.

વિષ્ણુદાસ જયોતિશાસ્ત્ર ભણેલા હતા અને તેના ઉપર તેમ જ એવાં બીજા શાસ્ત્રો ઉપર અત્યંત શ્રદ્ધા રાખતા હતા!! તેમનું વય વૃધ્ધ થવા આવ્યું હતું અને પોતાનું સ્થાન સંભાળનાર કોઈ મહાત્મા જડી આવે તો હું અપશ્ચિમ-સમાધિને પ્રાપ્ત થઉં. એવી ઈચ્છાથી નિત્ય ગણિત કરતા અને ગઈ કાલ જે નક્ષત્ર-મુહૂર્ત-ક્ષણમાં કોઈ મહાત્મા જડવો જોઈએ એવું એમને ગણિતથી સિદ્ધ થયું હતું તે ક્ષણમાં જ સરસ્વતીચંદ્ર પ્રાપ્ત થવાથી તેમની શ્રદ્ધા દૃઢતમ થઈ હતી અને તેમને અત્યંત ઉત્સાહ થયો હતો. પ્રાત:કાળમાં અતિથિની સાથે થયેલા ગોષ્ઠી-વિનોદનું વિહારપુરીએ વર્ણન કર્યું હતું તેથી આ શ્રદ્ધા અને ઉત્સાહમાં વૃદ્ધિ થઈ અને આ નવા પુરુષની જાતે પરીક્ષા કરવા તેમને ઉત્સુકતા થઈ.

અત્યારે વિષ્ણુદાસ પૂજા કરી ર્‌હેવા આવ્યા હતા અને વિહારપુરી તથા મોહનપુરીએ સમાચાર નિવેદન કરતામાં જ આજ્ઞા આપી કે “એ પુરુષને સત્વર આ મન્દિરમાં લાવો–એને ગીર્વાણ ભાષા આવડે છે; હું તેની પરીક્ષા પળમાં કરીશ.”

પળવાર સરસ્વતીચંદ્રને આગળ કરી બાવાઓ લાવ્યા. મંદિરના દ્વારમાં પ્રવેશ કરી, વિષ્ણુદાસને પ્રણામ કર્યા, યદુનંદનથી પ્રતિમા ભણી દૃષ્ટિ ન કરી, અને દ્વારમાં જ ઉભો. સર્વને આ ખેલ વિચિત્ર લાવ્યો; ક્ષોભ ન પામતાં પોતાને સ્થાને બેસી રહી, અતિથિ ભણી ઉંચું જોઈ વિષ્ણુદાસ બોલ્યાઃ

"कस्त्वं शिशो कस्य कुतोऽसि गंता ।
"किं नाम ते त्वं कुत आगतोऽसि ॥[૧]

  1. ૧.હે બાળક ! તું કોણ છે ? કોનો છે ? ક્યાં જવાનો છે ? ત્‍હારું નામ શું ? કયાંથી આવ્યો? હે બાળક, આ મ્‍હેં કહ્યું તેનો ઉત્તર અાપ અને મને પ્રસન્ન કર, તું પ્રીતિને વધારનાર છેઃ -હસ્તામલક સ્તોત્ર.
" एतन्मयोक्तं वद चार्मक त्वं ।
" मत्प्रीतये प्रीतिविवर्द्धनोऽसि ॥"

આ અચીન્તયા વિચિત્ર ભાષાના પ્રશ્નને સજાતીય ઉત્તર મેધાવીએ ત્વરિત આપ્યોઃ–

" नाहं मनुष्यो न च देवयक्षौ ।
" न ब्राह्मणक्षत्रियवैश्यशूद्रा: ॥
" न ब्रह्मचारी न गॄही वनस्थो ।
" भिक्षुर्न चाहं निजबोधरुप: ॥"[૧]

એટલું બોલી હાથનો સ્વસ્તિક રચી ઉભો રહ્યો અને મનમાં હસી મનમાં બોલ્યો.

“ This is a correct answer, correct in a double sense, true to my philosophy, and true to myself – I alone know me and that I am. I belong to all castes or to none, and my stage of life comprehends all stages. I am my inner self and I know it. The words are true as they were first spoken and also as I speak them now.”

“વાહ, વાહ, વાહ, વાહ, ?” વિષ્ણુદાસજી ગાજી ઉઠયાઃ “દેખો, દેખો, મેરા શાસ્ત્રબચન સિદ્ધ હુઆ !”

–“ અચ્છા: નવીનચંદ્રજી.-”

પોતાનું નામ વિષ્ણુદાસ જાણે છે જાણી સરસ્વતીચંદ્ર કંઈક આશ્ચર્ય પામ્યો, પણ પ્રશ્ન સાંભળવા સામું જોઈ રહ્યો, વિષ્ણુદાસનો વચનપ્રવાહ ચાલ્યો:

“ નવીનચંદ્રજી, આ મંદિરમાં પ્રવેશ કરનાર પ્રથમ આ અમારા દેવ યદુનંદનને નમે છે.”

“ સત્ય છે – પણ હું મ્‍હારા ઈષ્ટદેવને જ નમું છું.”

“ ભૈયા, તમારા ઈષ્ટદેવ કોણ?”


  1. ૧. હું માણસ નથી. દેવ નથી, યક્ષ નથી, બ્રાહ્મણ નથી, ક્ષત્રીય નથી,વૈશ્ય નથી, શુદ્ર નથી, બ્રહ્મચારી નથી, ગૃહસ્થ નથી, વાનપ્રસ્થ નથી, સંન્યાસીનથી, હું એક “ નિજ-બોધ-રૂપ” છું. -હસ્તામલક સ્તોત્ર.

“તે નિરંજન નિરાકાર છે.”

“તો તો, નવીનચંદ્રજી, વ્યક્તિ અને આકૃતિ ઉભય તે નિરંજન નિરાકારથી જ થાય છે.”

“ સત્ય છે. પણ આપને તુલસીભક્તની મમતા વિદિત હશે.”

“ તે કઈ, ભૈયા ?”

સરસ્વતીચંદ્ર ઉત્સાહથી બોલ્યો: “આપ તો વિદ્વાન છો, પણ ભક્ત પણ છો, અને તુલસીદાસે કૃષ્ણચંદ્રને નમસ્કાર ન કર્યા ને કહ્યું કે,

“ભલી બની છબિ આજકી, બેશ બને ! હો નાથ,
“તુલસી–મસ્તક તબ નમે, ધનુષ્ય બાન લ્યો હાથ.”

યદુનંદનનો તિરસ્કાર થયો સમજી બાવાઓમાં કોપ સળગતો હતો તે આથી કાંઈક અટક્યો ને એટલામાં તેમની રગ વર્તી જનાર અને તેમનું ઔષધ જાણનાર વિષ્ણુદાસ તરત બોલી ઉઠ્યો:

“વાહ, વાહ, નવીનચંદ્રજી, બોત કીયા !” - બીજા મંડળ સામે જોઈ બોલ્યો; “દેખો ભૈયા, યહ પુરુષ તો શ્રી અલખકું પ્રાપ્ત હુવા હય – ઉસકુ તો અબ અલખ ઓર લખકા અભેદ દેખનેકા માત્ર બાકી હય; શ્રી તુલસીદાસજીસે નવીનચંદ્રજી શ્રેષ્ટ હુઆ; જો લખ અલખ હો કર દર્શન દેવે તો નવીનચંદ્રજી નમસ્કાર કરે. જો શ્રી કૃષ્ણચંદ્રજી શ્રી રામરૂપ હુવા તો શ્રી લખ અલખ હો જાય ઓ તો અપના ઉત્તમાધિકારીકા અધિકારીકી બાત હય – કેમ, વિહારપુરી, સાચું કે નહી ? "

“બહુત સત્ય, ગુરુજી ! ઓ તો ભક્તનકા ટેક હય.”

સર્વ ગોસાંઈમંડળ પ્રસન્ન થયું. સરસ્વતીચંદ્ર પણ પ્રસન્ન થયો ને મનમાં બોલ્યો:

“The man's pluck is equal to my wish. He has grasped my position and gracefully assisted me in extricating me from the perplexing conflict between my duty to my conscience and to such kind and gentle hosts as these. Far be it from me to speak a single syllable that will either be untrue for courtesy or for fear, or will happen to offend in the slightest degree the susceptiblities of such noble and innocent souls as these, Gracious God ! ”

એક ગોસાંઈએ વિષ્ણુદાસને પ્રશ્ન પુછ્યો.

“ગુરુજી, જો એમ હોય તો નવીનચંદ્રજીને આપણો ભેખ, જટા, અને વિભૂતિ ધરાવો.”

આ સૂચનાથી સરસ્વતીચંદ્ર ભડક્યો. વિષ્ણુદાસ પ્રશ્નની મૂર્ખતા અને અતિથિનો ગભરાટ ઉભય સમજી ગયા, અને ઉભયનું નિરાકરણ થાય એવો માર્ગ ક્‌હાડ્યો. પ્રથમ તો તેમણે પુષ્કળ હાસ્ય કર્યું અને પછી બોલ્યા: “ વિહારપુરી, આ ગોસાંઈ હજી અનધિકારી છે એટલે કનિષ્ઠાધિકારીને જાણવાની વાત પણ જાણતો નથી. પણ એને જિજ્ઞાસા થઈ તો તૃપ્ત કરશું, એ છે તો અનધિકારી, પણ અધિકારીયો, સર્વ બોલો.”

વિષ્ણુદાસે પ્રથમ પદ ગાયું તેની સાથે ઉભા થઈ સર્વ અધિકારી બાવાઓ હાથ ઉંચા કરી ઉછળી ઉછળી બુમો પાડી કપાળે કરચલીયો ચ્હડાવી ગાવા લાગ્યા.

“જુલમ મત કરના રે બચ્ચા !
“અલખકા ખેલન સબ સચ્ચા. - જુલમ૦ ( ધ્રુવ )
“ધોલે રે પ્હેરો, ભગવે રે પ્હેરો,
“પ્હેરો સુરંગી જામા;
“અબ્ધુત હો, અરુ હો સંસારી,
“નર હો, અરુ હો રામા ! - જુલમ૦ ૧
“અલખ લખત હય સબ હી ખેલન,
“હોને દો, હય જૈસા !
“અલખ જગાવનકો અધિકારી ન
“વિભૂત ધરેગા કૈસા? -જુલમ૦ ૨ ”

ચોપાસ તાળીયો પડી રહી અને ચપટીયો વાગી રહી. જોગીયોએ ત્રણવાર કુદી કુદીને ગાયું અને એવે ઉચ્ચ સ્વરે ગાયું કે પર્વતમાં અને ગુફામાં તેનો પડઘો ઉઠી રહ્યો, અને અલખ ગાજી રહ્યો. એ ગર્જનાથી જ પ્રશ્ન પુછનાર ગરીબ ગાય જેવો થઈ શાંત પડ્યો અને ગુરુજીની ક્ષમા માગી.

“Look at this strong doctrine of toleration !”

સરસ્વતીચંદ્રનું મન મનમાં બોલ્યું.

સઉ સંપૂર્ણ થતાં વિષ્ણુદાસ પ્રશ્ન પુછનાર સામું જોઈ બોલ્યા: “સમજયો, બચ્ચા? આપણે શું વિભૂત ધરાવવાના હતા ? જો કોઈ વિભૂત નહીં ધરે તો તે શ્રીલખનો ખેલ છે, અને જો શ્રી અલખ પરમાર્થે જાગશે તો તે વિભૂતને જ લખ કરશે ને ધરનાર વગર કહ્યે ધરશે. આ વિભૂત તો શ્રી અલખની માત્ર સંજ્ઞા છે; બાકી સત્ય વિભૂત તો માનસિક છે તે તો માત્ર ઉભયાધિકારીને જ છે, તું હાલ એટલું જ શીખ કે સર્વ જોવું અને સર્વ લખ – રૂપ અલખની વિભૂતિ છે જાણી તેનો તિરસ્કાર ન કરવો અને જુલમ ન કરવો. એવો જુલમ એ આસુરી માયાનો અહંકાર છે. પરંતુ આપ આપકા વિભૂતિ જો ધરતા હય ઔર સ્વધર્મકા ત્યાગ નહી કરતા હય યહ ભક્તનકો ટેક શ્રી લખ – આત્માકું બોત પ્રિય હય ઔર ઈસ લિયે તુલસીકી પાસ શ્રીકૃષ્ણચંદ્રને રામરૂપ ધર દિયા ! નવીનચંદ્રજીને ટેક છે ને તને અહંકાર થયો !! આજ તો ક્ષમા કરું છું. બીજી વાર એ દુષ્ટ અસુરનો સ્પર્શ તને થયો તો આ મઠના આશ્રયની યોગ્યતા ત્હારામાં નહી ગણું.”

આ વાર્તા પુરી થતાં વિષ્ણુદાસ બોલ્યાઃ “મોહનપુરી, પૂજા સંપૂર્ણ થઈ તો હવે આપણે ઉપવનમાં ચાલો. આજે અનધ્યાયનો દિવસ છે માટે માત્ર શાસ્ત્રવિનોદ કરીશું અને અતિથિને એ વિનોદનું આસ્વાદન કરાવીશું. આજ સર્વ અધિકારીમંડળને સાથે ર્‌હેવા અનુજ્ઞા છે.”

સર્વ મંડળ ઉપવનમાં ગયું. ત્યાં સ્થળે સ્થળે મૃગચર્મ, વ્યાઘ્રચર્મ, અને શિલાઓનાં આસન તૈયાર થઈ ગયાં અને એક શિલાપર વ્યાઘ્રચર્મ નંખાવી વિષ્ણુદાસ બેઠા અને પાસે બીજી શિલાઉપર મૃગચર્મ, નંખાવી અતિથિને બેસાડ્યો. બીજું મંડળ ચોપાસ વીંટાઈ વળ્યું. વિષ્ણુદાસે પ્રસન્ન વદનથી ગોષ્ઠીવિનોદ આરંભ્યો.

“ નવીનચંદ્ર, તમારા સંબંધમાં અત્યાર સુધીમાં જે જે સાંભળ્યું તેથી સર્વને પ્રસન્નતા થઈ છે. પણ મ્હારા સાંભળ્યામાં એમ પણ આવ્યું કે તમારા હૃદયમાં કાંઈક ઉડું દુઃખશલ્ય છે – ”

સરસ્વતીચંદ્ર હસ્યો અને વાક્ય પુરું થતાં પ્હેલાં બોલ્યો:– “સ્વામીજી, એ તો જેનું જેવું અનુમાન થયું તેવું તેણે કલ્પ્યું અને તેને કલ્પવાનું કારણ તેમને લાગે એમ હતું, એમ છતાં મને દુ:ખ જ હોય તો તેમાં મને કાંઈ બાધ લાગતો નથી. દુઃખના અનુભવ વિના સુખનું મૂલ્ય થતું નથી. અંધકાર વિના પ્રકાશનો મર્મ સમજાય એમ નથી : દુઃખનો અનુભવ વૈરાગ્યનું કારણ થાય છે. દુઃખનું અવલોકન દયા ઉત્પન્ન કરે છે, દયાથી પરમાર્થ થાય છે, અને પરમાર્થવૃત્તિ વ્યક્તિયોનો ભેદભાવ નષ્ટ કરી તેમના ઐકાત્મ્યનું ભાન કરાવે છે. शोभनं खमिति सुखं तद्यद्यपि शोभनं स्वात्तथापि स्वप्रतिमं शून्यमेव. માટે સુખ એટલે દૃષ્ટિને પ્રિય શૂન્ય આકાશ, અને દુઃખ એટલે અપ્રિય આકાશ. સુખ અને દુઃખ ઉભય શૂન્ય છે અને શૂન્ય વસ્તુઓ જુદી જુદી હતી નથી તો પ્રિય-અપ્રિય શી રીતે હોય ? એ તો આપણાં મન એ શૂન્ય પદાર્થને પ્રિય-અપ્રિય ગણે છે; માટે સુખદુઃખમાં ગ્રાહ્યતા હેયતા આવતી નથી અને તેમાંથી જે આવે તેનું હું આતિથેય કરું છું. પરંતુ દુઃખપર મ્હારો કાંઈ પક્ષપાત છે, કારણ દુઃખ મ્હારી બુદ્ધિને સતેજ કરે છે. મ્હેં દુઃખ શોધ્યું ન હત તો આપનાં દર્શન થાત નહી !”

આ વિચિત્ર ભાષણ પ્રવાહથી સર્વને આશ્ચર્ય લાગ્યું. સર્વ આશ્ચર્યસ્તબધ હતા તેમાં વિહારપુરી વચ્ચે બોલી ઉઠ્યો: [૧]“न रम्यं नारम्यं प्रकृतिगुणो वस्तु किमपि એ શ્લોકનું રહસ્ય આમાં આવી ગયું. વાહ ! નવીનચંદ્રજી, વાહ! પણ હું તમને એક પ્રશ્ન પુછું તેનું સમાધાન કરો. આ શ્લોક હું તમને જ ઉદ્દેશી કહું છું એમ સમજો –

“त्वया साधु समारम्भि नवे वयसि यत्तप: |
“हियते विषयै: प्रायो वर्षीयानपि मद्दश: ॥
“श्रेयसीं तव संप्राप्ता गुणसंपदमाकृति : ।
“सुलभा रम्यता लोके दुर्लभं हि गुणार्जनम् ॥
“शरदम्बुधरच्छायागत्वर्यो यौवनश्रिय: |
"आपातरम्या विषयां पर्यन्तपरितापिन: ॥[૨]

  1. *પ્રાચીન શ્લોક. – “પ્રકૃતિગુણથી કોઈ વસ્તુ રમ્ય નથી – અરમ્ય નથી.”
  2. કિરાતાર્જુનઃ ભાષાંતર –
    તમોએ યુવાવસ્થામાં જે તપનો આરંભ કર્યો છે તે શ્રેષ્ઠ કર્યું છે; કારણ કે મ્હારા સરખા અત્યંત વૃદ્ધ પુરુષો પણ ઘણું કરીને સંસારના વિષયોથી ઘસડાય છે. તમારી આકૃતિ ઘણી સુંદર છે અને ઉત્તમ ગુણરૂપી સંપત્તિને પ્રાપ્ત થઈ છે ! આ લોકમાં સુંદરતા ઘણી સુલભ છે, પરંતુ ગુણોનું સંપાદન કરવું એ ઘણું જ દુર્લભ છે, યુવાવસ્થાની શોભા શરદઋતુનાં વાદળાંએાની છાયા સરખી ચંચલ છે, અને વિષયો પ્રાપ્તિકાળે રમ્ય લાગે છે, પરંતુ તેનો જયારે પર્યંત આવે છે ત્યારે તે સર્વે દુ:ખરૂપ થઈ પડે છે.
“अन्तक: पर्यवस्थाता जन्मिन: संतत्तापद : |
"इति त्याज्ये भवे भव्यो मुक्तावुत्तिष्ठते जन : ǁ
"चित्तवानसि कल्याणी यत्ते मतिरुपस्थिता |
विरुद्ध: केवलं वेष: संदेहयति मे मन: ǁ[૧]

આ શ્લોકનો અર્થ તો સમજયા હશો.”

સરસ્વતીચંદ્ર સ્મિત કરી બોલ્યોઃ “વિહારપુરીજી, આપે એ શ્લોક કિરાતમાંથી કહ્યા. અર્જુનના વેષ વિશે સંદેહનું કારણ હતું તે સંદેહનું સમાધાન અર્જુને કર્યું હતું. મ્હારા વેષ વીશે કૌપીનના અભાવને લીધે આપને કાંઈ ન્યૂનતા લાગતી હોય તો મ્હારે તો એટલું ક્‌હેવાનું છે કે મ્હારામાં બીજી અનેક ન્યૂનતાઓ છે તેવી આ એક વિશેષ ગણજો, બાકી મ્હારે મન તો ધોળાં ને ભગવાં સર્વને સારુ સમદ્રષ્ટિ છે, આટલે આપને ઉત્તર આપું છું, અને બાકી હું હવે પ્રશ્ન પુછું છું. આપે કહેલા ત્યાગનું સાધન લઈ મુક્તિ સારું ઉત્થાન કરવાની વાત છે. પરંતુ જો આપના સંપ્રદાયમાં લખ-રૂપને પણ અલક વિભૂતિ ગણો છો તો ત્યાગ વિના મુક્તિ ન કેમ થાય તે સમજાવો; અને સર્વ લખરૂપનો આત્મા એક અલખ છે, રૂપ તો જડ જેવાં ઉત્થાનાદિ ક્રિયાનાં અનધિકારી છે, અને આત્મા એક પુરાણ છે, તો મુક્ત કોને થવાનું બાકી રહ્યું અને એ મુક્તિને વાસ્તે ઉત્થાન કરનાર એ એક આત્માથી બીજે કોણ છે, તે ક્યારે કોનાથી બંધાયો, અને કાલથી અનવચ્છિન્ન આત્માને ભૂતમાં બંધનકાલ અને ભાવિમાં મોક્ષકાલનો અવચ્છેદ કેવી રીતે અવસ્થિત છે એ સમજાવો.”


  1. *જે જન્મ લે છે તેની પાસે દુઃખ નિરંતર પથરાયલું ર્‌હે છે અને તેને માથે મૃત્યુ અવશ્ય ઉભેલું છે; એ વાત વિચારી સર્વથા ત્યાગ કરવાને લાયક જે આ સંસાર છે, તેમાં ભવ્ય પુરુષ મોક્ષ મેળવવા ઉત્થાન કરે છે.
    વાહ ! ઘણા જ ઉત્તમ તમારા વિચાર છે કે જે વિચારેાથી તમારી આવી કલ્યાણી મતિ ઉત્પન્ન થઈ છે; માત્ર તમારે જે (વૈરાગ્યથી ) વિરૂદ્ધ વેષ છે તે જ મ્હારા મનમાં સંદેહ ઉત્પન્ન કરે છે.
    (આ ગ્રંથમાં કેટલેક પ્રસંગે પૃષ્ઠો નીચે ચરણટીપ્પણમાં કાશીનગરીની પાઠશાળામાં આચાર્ય પદવી પામેલા વિદ્વાન શાસ્ત્રી જીવરાજ લલ્લુરામે સ્નેહભાવે આ તથા બીજાં ભાષાંતર આપેલાં છે; અને તે બીજા ભાષાંતરને અંતે એમના નામાક્ષર એમની અનુજ્ઞાથી મુકેલ છે.)
સર્વ બાવાઓ એક બીજાના સામું જોઈ રહ્યા અને ગુરુ વિના

આ પ્રશ્નનો ઉત્તર કોઈ નહીં આપે એમ સિદ્ધ થયું. વિષ્ણુદાસ ઉત્તર દેવા આતુર બની, પ્રસન્ન ઉત્સાહથી બોલ્યા: “વાહ, શો ઉત્તમ પ્રશ્ન છે ? નવીનચંદ્ર ! આ પ્રશ્નોનો ઉત્તર જાણનાર અમારા ઉત્તમાધિકારીની પૂર્ણ દશાને પામે છે અને અમારા અલખ લખ-સિદ્ધાંતનું આના ઉત્તરમાં રહસ્ય છે. અધિકારીયો, ઉત્તમાધિકારીયો અત્રે ર્‌હો અને બાકીના સર્વ નિવૃત્ત થાવ.”

પળવારમાં તેમ થયું. ચાર પાંચ બાવાઓ, સ્વામી, અને સરસ્વતીચંદ્ર રહ્યા. વિષ્ણુદાસે એક બાવાને કહ્યું: “અલખપુરી, અલખ રહસ્યમાંથી સિદ્ધાંત મંત્ર બોલો.”

અલખપુરી બોલવા લાગ્યોઃ “જેવી આજ્ઞા:

[૧]“नाहं जाये म्रिये नैव न वद्धो न च मुक्तिभाक् ǁ
“मुक्तवाणगतिप्राय: संसारस्तु शरीरिणाम् ǁ१ǁ
“एकोऽहमद्वितियोऽहं स्वस्मिन्नेव विहारवान् ǁ
“विहृत्य मायारूपेण शान्तिरुपेऽपि लक्ष्यद्दक् ǁ२ǁ
“न विहारेषु नो शान्तौ द्वेष्टि वा रज्यत्तेऽपि वा ǁ
"तमिमं निर्गुणं प्राहुनिष्कर्माणं च तत्वत: ǁ३ǁ
"लक्ष्य धर्मान समाद्दत्य लक्ष्यात्मा लक्ष्यते स्वयम् ǁ
"अल्क्ष्यं चावगाहेत सोऽयमात्मप्रबोधवान् ǁ४ǁ

  1. *હું ઉત્પન્ન થતો નથી; હું મરતો નથી; બંધાએલ નથી; હું મુક્ત નથી. પ્રાણીઓનો આ સંસાર છોડેલા બાણની ગતિ સરખો છે. ૧.
    હું એક છું. અદ્વિતીય છું, પોતાને વીશે જ વિહારવાળો છું; માયારૂપથી વિહાર કરી શાંતિરૂપ જ્યારે થાઉં છું ત્યારે પણ લક્ષ્યદૃષ્ટિ રહું છું, અર્થાત્ ત્યારે પણ લક્ષ્યનો સાક્ષી રહું છું. ૨.
    વિહારમાં અથવા શાંતિમાં જેને રાગદ્વેષ નથી તે તત્વત્ત: નિર્ગુણ અને નિષ્ક્રિય ક્‌હેવાય છે. ૩.
    લક્ષ્યધર્મને આદર કરી જીવરૂપ લક્ષ્યાત્મા જાતે જ લક્ષે છે, અને અલક્ષ્યમાં પણ પ્રવેશ કરે છે, એવો લક્ષ્ય આત્મા જે હોય તેમાં આત્મપ્રબોધ થાય છે એટલે તેમાં આત્મા અલખ-પ્રબોધ પામે છે – જાગે છે. ૪.
[૧]"लक्ष्यरुप: प्रबुद्धश्वेदलक्ष्यं लक्षयेन्न क: ǁ
"त्रयाणामित्थमद्वैतं युःञ्जत्तेऽलक्ष्ययोगिन: ǁ५ǁ
"गीतायामिदमेवाह भगवानर्जुनं प्रतिǁ
"युद्धे हि छोदयन्नेनं लक्ष्यधर्मधुरंधर: ǁ६ǁ
"कुर्वन्नेवेह कर्माणि जिजीविषेच्छतं समा: ǁ
"श्रुतिरेषाऽपि लक्ष्यान्वै धर्मान् लक्षयति स्फुटम् ǁ७ǁ
"अल्क्ष्ययोगी लक्ष्येऽस्मिन् विहरन्नात्मन्यात्मना ǁ
"अलक्ष्योसौ परानन्द: स्वप्रकाश: स्वयं न किम् ǁ८ǁ
"अबद्धमुक्त: केनापि न विरक्तो न रागवान् ǁ
"ईशान: सोऽमृतत्वयस्य स्फुलिंगोऽपि स पूरुष:ǁ९ǁ
"नित्यान्त:स्थोऽतिरोहोऽयमनित्यो लक्ष्यसंज्ञक:ǁ
"प्रज्वलन्यज्ञरुपेण द्वैताभासस्य कारणम् ǁ१०ǁ
"अह:कालो निशाकालो लोक: पश्यत्यहर्निशा:ǁ
"अनित्या एव नो कालं कालं पश्यन्ति सूरय:ǁ११ǁ

  1. *લખ જેનું રૂપ છે એવા અલખ આત્મા જીવાત્મામાં જાગ્યા હોય તેા તે જીવાત્મા એ અલખને લખ કેમ નહી કરે ? અને કોણ નહી કરે ? આવી રીતે જીવ, ઈશ્વર, અને અલખ બ્રહ્મ એ ત્રણેયના અદ્વૈતનો યોગ અલખના યોગીઓ યોજે છે. પ.
    અર્જુનને યુદ્ધમાં યોજતાં લક્ષ્યધર્મના ધુરંધર શ્રીકૃષ્ણે એને ગીતામાં આ જ કહ્યું છે. ૬.
    આ જગતમાં કર્મને કરતો કરતો સો વર્ષ સુધી તું જીવ એવી જે વેદની શ્રુતિ છે તે પણ લક્ષ્યના ઘર્મોને સ્પષ્ટ કરી લક્ષે છે. ૭.
    અલખનો યોગી આ લેખમાં આત્મા સાથે આત્માવડે વિહાર કરે છે. એ આ અલખ અને પરાનંદયોગી તે સ્વપ્રકાશ પોતે જ કેમ નહી ? ૮.
    તે કોઈ પ્રકારથી બંધાયેલ નથી અને મુક્ત નથી, વિરક્ત નથી અને રક્ત નથી; તે અમૃતત્વનો ઈશ છે અને સ્ફુલિંગ છે પણ પુરુષ છે. ૯.
    નિત્યની અંદર રહેલ આ લક્ષ્ય નામનો અનિત્ય અતિરોહ છે તે યજ્ઞરૂપે જ્વલન પામી દ્વૈતાભાસનું કારણ થાય છે. ૧૦.
    દિવસ પણ કાળ છે અને રાત્રિ પણ કાળ છે, તેમાં લોક અનિત્ય એવાં જે દિવસ અને રાત્રિ રૂપે તેને જ દેખે છે અને તેમાં ઓતપ્રોત કાળને દેખતા નથી. કાળને તો જ્ઞાનીઓ જ દેખે છે. ૧૧.
"प्राकृतास्त्व्वेवमीक्षन्ते द्वैधं ज्वलनशान्तिषु ॥
"न तत्संपृत्कमद्वैतमनित्यं तैस्तु लक्षितम ॥ १२ ॥
"अक्षिभिस्तै: सहस्त्राक्षः स्वयंभूरतिरोहते ॥
"अलक्ष्यात्मन्यालक्ष्येण न चासौ नाभिनन्दितः ॥
"लक्ष्यस्यान्तर्गतः स्थाणुर्लक्ष्यातिष्ठो दशाङ्गुलम् ॥
"अलक्ष्यः प्राकृतौर्नित्यो योगिलक्ष्यः परावरः ॥ १४ ॥[૧]

આ અનુષ્ઠુપ છંદ અલખપુરીએ ગાયા; તે આગળ આગળ આવ્યો તેમ તેમ બીજા યોગીયો તેની સાથે ગાવામાં પ્રથમ મનમાં, પછી કંઠમાં, અને અંતે મુખથી, ભળ્યા.

અંતે વિષ્ણુદાસ રહસ્ય-મંત્રનો અર્થ દર્શાવતાં વિસ્તારતાં બોલ્યાઃ “અમે વેદાંતના બે ભાગ પાડીયે છીયે. એક શ્રુતિ–ઉક્ત અને બીજું વૈયાસક, શાંકર, આદિ. શ્રુતભાગમાં સર્વ સંપ્રદાયરૂપ નદીઓનું મૂળ છે. શાંકર વેદાંતમાં સંન્યાસને ઉત્તમ પદ આપ્યો છે અને માયાને ત્યાજ્ય ગણી છે. ભગવાન શંકર અમારે પૂજ્ય છે, પણ આ ઉભય વાતમાં અલક્ષ્ય સિદ્ધાંત એ વેદાંતથી જુદો છે તે આ રહસ્યથી સમજાશે. એ વેદાંતમાં જીવ, ઈશ્વર, અને બ્રહ્મ એ ત્રણની ત્રિપુટી છે તે અમે સ્વીકારીયે છીયે, પણ એ ત્રિપુટીને સ્થાને લક્ષ્ય અને અલક્ષ્ય એવી દ્ધિપુટી અમને વધારે અનુકૂળ છે, કારણ તેમાં લાઘવગુણ છે. જીવ અને ઈશ્વર ઉભયને ઉપાધિને અવચ્છેદ છે માટે એ ઉભયને અમે એક પક્ષમાં મુકીયે છીયે અને ઈતર પક્ષમાં ઉપાધિથી


  1. * લક્ષ્યના જ્વલનમાં અને શાંતિમાં પ્રાકૃત જનો આવી રીતે દ્વૈત-બેપણું - દેખે છે; પણ તે બેમાં રહેલું અદ્વૈત દેખતા નથી, કારણ તેએાઅનિત્યને જ લક્ષે છે. ૧૨.
    તે અનેક લોકનાં અનેક ઈન્દ્રિયો તે જ જેની ઇન્દ્રિયો છે અને તેધરવાથી જે સહસ્ત્રાક્ષ કહેવાય છે એવું લક્ષ્ય સ્વયંભૂ છે તે લક્ષ્ય અક્ષ્યઆત્મામાં અતિરોહ પામે છે; અને એ અતિરોહ અલક્ષ્યને અભિનંદિત નથીએમ નથી. ૧૩.
    લક્ષ્યમાં અંતર્ગત, સ્થાણું, લક્ષ્યને ઓળંગી દર અાંગળ અવસ્થિતરહેતો, પ્રાકૃત જનોથી અલક્ષ્ય, અને યોગીજનોએ લક્ષ્ય એવા અલખપરાવર છે, ૧૪.
    (આ શ્લોકાર્થનો વિસ્તાર આ પછીના પ્રકરણમાં છે. )
અનવછિન્ન બ્રહ્મને મુકીયે છીયે. પ્રાકૃત જનોની ચર્મચક્ષુ ઉપાધિને

જ લક્ષી શકે છે માટે જીવ-ઈશ્વરને અમે લક્ષ્ય અથવા લખ કહીયે છીયે, અને એ પ્રાકૃત ચર્મચક્ષુ ઉપાધિહીન બ્રહ્મને દેખતું નથી માટે બ્રહ્મને અમે અલક્ષ્ય અથવા અલખ કહીયે છીયે. લક્ષ્ય અને અલક્ષ્ય એ અમારી દ્ધિપુટી છે.”

“જીવસૃષ્ટિ તે મનોરાજ્ય અને ઈશ્વરરુષ્ટિ તે માયા એ ઉભય જીવ અને ઈશ્વરના અવચ્છેદ છે અને તેને અમે લક્ષ્યથી જુદા ગણતા નથી, અમે માયાને ત્યાજ્ય અથવા હેય ગણતા નથી, હેયોપાદેયતા એ પણ રાગદ્વેષનો એક પ્રકાર છે અને એના સ્વીકારથી દ્વૈતગ્રાહનો દોષ આવે છે, માટે સંસાર અથવા માયાને સ્વીકાર અથવા ત્યાગ એક પણ ઉત્પન્ન ન કરવો અને જનક, કૃષ્ણચંદ્ર આદિનું જ્ઞાન-માહાત્મ્ય તેમના આ રીતના અદ્વૈતગ્રાહને લીધે અમે ગણીયે છીયે. આ પ્રમાણે વ્યવસ્થા કરવાથી અમને બીજો લાભ છે. લક્ષ્ય ઈશ્વરથી લક્ષ્ય જીવનો ભેદ કરવો એ અમને રુચતો નથી. જીવરૂપ લક્ષ્ય ઈશ્વરરૂપ લક્ષ્યયંત્રનું ચક્ર છે, અને ચક્ર યંત્રથી અવળું ચાલવા માંડે તો આખું યંત્ર નષ્ટ થાય. ઈશ્વર જે અલક્ષ્ય યંત્ર ચલાવે છે તેની સાથે જીવરૂપ લક્ષ્યચક્રનું અમે અદ્વૈત રાખીયે છીયે; સુખદુઃખ સંસાર-વૈરાગ્ય આદિ દ્વૈતભેદમાં અભેદ એટલે અદ્વૈત-બુદ્ધિ કરીયે છીયે; અને આ પ્રમાણે સંન્યાસ ઉત્પન્ન ન કરતાં લક્ષ્યધર્મ પાળીયે છીયે, અને લક્ષ્યધર્મ પાળવામાં ધુરંધર જે શ્રીકૃષ્ણ તેની પૂજામાં કનિકાધિષ્ઠારીયોને પ્રવર્તાવીયે છીયે કે કાળક્રમે પૂજ્યની ભક્તિથી પૂજ્યમાં જાગેલો અલખ-અગ્નિ પૂજકમાં જાગૃત થાય અને લક્ષ્યધર્મનો ભંગ થાય નહીં.”

“જયારે લક્ષ્યરૂપ જીવાભિધાન સ્ફુલિંગ પ્રબોધને પામે છે ત્યારે પ્રાકૃત દૃષ્ટિને સ્થાને દિવ્ય દૃષ્ટિ થાય છે અને તદવધિ સુપ્ત લાગેલો અલક્ષ્ય-રૂપ પરાવર પોતાના લક્ષ્યરૂપ સ્ફુલિંગમાં જાગૃત થાય છે, પ્રજ્વલે છે, અને ત્યાં અલખ જાગ્યો એમ અમે કહીયે છીયે.”

“લક્ષ્યરૂપ એટલે લક્ષ્ય છે રૂપ જેનું તે. લક્ષ્યરૂપ જીવનું લક્ષ્યરૂપ ઈશ્વર સાથે ઐક્ય; તે, ભક્તિથી, અને ગાર્હસ્થ્યધર્મ, રાજધર્મ, સ્ત્રૈણધર્મ આદિ જન્માદિથી પ્રાપ્ત થયેલા લક્ષ્યધર્મનું પાલન કરીને, જીવઈશ્વરનું અદ્વૈત રચી, જ્ઞાનથી – સમાધિથી - અલક્ષ્યયોગ કરી, અલખ જગાવી, એ લક્ષ્યને આ અલક્ષ્ય સાથે યોગ કરી, લખમાં અલખ જગાવી, લક્ષ્યાલક્ષ્યનું અદ્વૈત અનુભવીયે છીયે.”

“આ સર્વ ખેલમાં જીવ અને ઈશ્વર એ બ્રહ્મરૂપ અલખ-સાગરના લખ-તરંગ છે, અને સંસારમાં એમની લક્ષ્યતા એટલે લખતા છે. આ જીવ-ઈશ્વરના અવચ્છેદરૂપ દેહાદિથી આરંભી બ્રહ્માંડ સુધીના સંસાર, ધનુષ્યમાંથી છુટેલા બાણની ગતિ જેવા છે, તેની ગતિને આરંભ અને અંત છે. સ્થૂલમાં સૂક્ષ્મ, અને સૂક્ષ્મમાં કારણ, એ ત્રણ દેહની પરંપરા છે અને જન્મે જન્મે મરણે મરણે એ કારણ દેહના સ્થૂલ શરીરેથી સ્થૂલ શરીરે લક્ષ ચોરાશી જન્મ-રૂપ સંક્રાંતિ એટલે અવતાર થાય છે, પણ કારણનો ખરો આરંભ તો સૃષ્ટિ-કાળે માયાના જન્મ સાથે થયો ને કાર્ય સમષ્ટિનો ખરો અંત પ્રલયકાળે આવશે. એ આરંભકાળથી થયલો ને એ અંતકાળ સુધી ર્‌હેનારો અવચ્છેદ તેથી અવચ્છિન્ન સંસારના આરંભે બંધ અને અંતે મોક્ષ. પણ એ બંધમોક્ષ સંસારના છે; અથવા કેટલાક ક્‌હે છે કે એ બંધમોક્ષ બુદ્ધિના છે, જેમ કે શ્રીયોગવસિષ્ઠમાં ઉપદેશ છે કે:- संन्यासयोगयुक्तात्मा कुर्वन्मुक्तामतिर्भव. આમ ગમે તો સંસારના કે ગમે તો મતિના બંધમોક્ષ હો, પણ આત્માના તો નથી જ. એ બંધમોક્ષ એવાં એ આરંભ અને અંતની કોટિયોનાં નામ છે, એ બંધ કે મોક્ષનો કોઈ કરનાર નથી, એને વાસ્તે તદ્રૂપ એટલે તમે જે આત્મા છો તેનું ઉત્થાન થાય એમ જ નથી. બંધમોક્ષ સંસારના અવચ્છેદક છે, આત્માસાથે તેમને લેવા દેવા ન મળે. કિરાતમાંથી જે મુક્તિ સારુ ત્યાગના સાધનથી ઉત્થાન થવાનું તમને કહ્યું તે અમારા સિદ્ધાંતનું વચન નથી. અમારા સિદ્ધાંત પ્રમાણે પરાવર પરમાત્માના તરંગ-રૂપ જીવોમાં માત્ર પ્રબોધ થાય છે અને તેમાં અલખ જાગે છે, બાકી તેના બંધમોક્ષ તો છે જ નહી. શ્રી ગૌડપાદાચાર્યના વેદાંતમાં પણ આત્મા અબદ્ધ-મુક્ત છે.”

આ પ્રસંગે અધીરો થઈ સરસ્વતીચંદ્રથી પુછાયા વિના ર્‌હેવાયું નહીં: “ ત્યારે આ સર્વે મંડળ અને આપ ત્યાગી નહીં ?”

વિષ્ણુદાસ હસીને બોલ્યાઃ “બચા, સાચી વાત પુછી - તો સાંભળ. અલખપુરી ! અલખયોગીનું વેષરહસ્ય આને સમજાવ.”—

પ્રીતિ ઉપજતાં સરસ્વતીચંદ્રને તુંકાર બેોલથી ઉચ્ચાર્યો.

અલકપુરી બોલ્યો:

“ગોપીજનવલ્લભની ભક્તિ ઘર છોડી ગોસાંઈ કરે,
“વિભૂત લગાવે, અલખ જગાવે, ગોકુલને વશ રાખી ફરે.
“ગોવ્રજમાં પરિવ્રાજક જોગી જોગ ધરે હરિ અલખ તણો;
“અલખ કરે લખ, વિભૂત કરે ભવફેર જ લક્ષચુર્યાશીતણો.
“સઉ સંસાર જટિલ જટારૂપ બાંધી દીધો, શિરે રાખી લીધો;
“રક્ત દીસે પણ અરક્ત એવો એક જ ભગવો ભેખ કીધો.
“અજ્ઞાની જન સબ સોતે હય, ઉસમેં સંયમી જાગત હૈ,
“વિષ્ણુદાસજી લોટત લોટત સબમૈં અલખ જગાવત હે.”

અલખપુરીની પાસે આ વચન સરસ્વતીચંદ્રે ત્રણવાર બોલાવ્યાં અને અંતે અર્થ સમજી પ્રસન્ન થયો, અને મનમાં બોલ્યો: “This is true. Those are not apathetic to the world that show their right to live in it by being useful to their fellow-men in some form; and the ascetic, that deluges the world with his poetry and philosophy without destroying it, does a duty; and, if he dost, that, he is not bound to confine himself within the rooms where his father has left, his hoards of money and where his wife wants him to provide for her children. Duty in the best form is the motto of these men, and they are not bound to be home-keeping youths, with homely wits. The point is Duty, and, in this cage at least, asceticism does not murder Duty ! Beautiful ! ”

વિષ્ણુદાસ બોલ્યાઃ “નવીનચંદ્ર, અમે જેમ રક્ત નથી તેમ વિરક્ત પણ નથી; અમે તો માત્ર અરક્ત છીયે. પછી વ્યવહારમાં અરક્ત અને વિરક્ત પર્યાયરૂપ હોવાથી ગમે તે બોલીયે તે જુદી વાત. અમે કાંઈ સંસારનો ત્યાગ કરતા નથી - અમે તો તેને જટામાં બાંધી રાખીયે છીયે, તેને ભસ્મરૂપ બનાવી શરીરે ચોળીયે છીયે, અને એ વિભૂતિ ચોળી અલખ જગાવીયે છીયે. અલખ લખને ત્યજતું નથી. માત્ર ભસ્મના ભાર નીચે અગ્નિ જાગે તેમ લખના ભાર નીચે જાગતા અલખનો ભડકો કરી જોનારને દેખાડીયે છીયે ! અને એને સારું અમારી આ માથાકુટ; સંક્ષેપમાં લખને પૂજીયે છીયે, અલખને દશે દિશ જગાવીયે છીયે, અને તેને સારુ વાસનાઓના જાળમાં ગુંચવી રાખનાર, ગૃહસ્થધર્મરૂપ સંસારને વાસનાહીન સંસારનું રૂપ આપી ભસ્મ-સંજ્ઞાથી અમારે શરીરે ચોળી રાખીયે છીયે અને સંસારના જેવું જટાનું મ્હોટું ગુંચળું વાળી શિરપર રાખીયે છીયે એ પણ સંજ્ઞા જ છે. વ્યવહારમાં પણ કાંઈ મહાન્ કાર્ય સાધવામાં પણ કેટલોક ઉચ્છેદ આવશ્યક થાય છે તેમ અલખ જગાવવાને અમે કરીયે છીયે - પણ સંસારનો ઉચ્છેદ દુઃખનો ત્યાગ સાધવાને કરવો એ અમારો આશય નથી તે જણવવા આ સંજ્ઞાઓ રાખીયે છીયે, જગતનો નાશ કરી લક્ષ્યનાશ અમે કરતા નથી. અમે તો ગોવ્રજમાંના પરિવ્રાજક છીયે, ગોસ્વામી છીયે, અને શ્રી લખની વિભૂતિ ધરી, ગૃહાદિનો તે સાધનાર્થે ત્યાગ કરી, અજ્ઞાની લોકમાં અજ્ઞાન-નિશામાં જાગૃત રહી પોલીસવાળા પેઠે રોન ફરવા નીકળીયે છીયે, અને સર્વત્ર અલખ જગાવીયે છીયે; નવીનચંદ્ર, ત્હારા લખ જીવમાં અમે અલખ જગાવશું – બોલો અધિકારીયો - બોલો –

“વિર્ભૂત લગાવ્યો, અલખ જગાવ્યો,
“ખલક કીયો સબ ખારો વે !”

પાસે ઉભેલા જેગીયોએ આ શબ્દો ઝીલી લીધા, ગર્જના કરી ગાયા, અને ઉપવન બ્હાર મંદિરમાંના જ્યાં જે હતા ત્યાં તે સર્વ જોગીયોએ એ શબ્દો ઝીલી ગર્જના મચાવી અને ચારે પાસ અલખ ગાજી રહ્યો. ગર્જના શાંત થતાં વિષ્ણુદાસે સરસ્વતીચંદ્રને ખભે હાથ મુકી, તેના સામું જોઈ દૃષ્ટિકટાક્ષ કરી, પુછયું - “કેમ, બચ્ચા, ત્હારામાં અલખ જાગ્યો કે નહી ?”

ફરી એકવાર વિષ્ણુદાસ નિરાશ થયો. એણે યદુનંદનને નમવાનું કહ્યું હતું ત્યારે અતિથિ જડ જેવો દ્વાર વચ્ચે ઉભો રહ્યો હતો અને મસ્તક ઉંચું રાખ્યું હતું. અત્યારે નિરાકાર નિરંજન અલખ જગવવાનું કહ્યું તેના ઉત્તરમાં પણ આ વિચિત્ર અતિથિ સ્તબ્ધ રહ્યો. સરસ્વતીચંદ્ર હસ્યો અને બોલ્યોઃ “મહારાજ ! હું તો કોઈ સ્થાને પણ અલખને સુપ્ત દેખતો નથી તે આજ સુધી મ્હારામાં સુપ્ત હતો એવો સ્વીકાર કેમ કરું? અને એવો સ્વીકાર કર્યા વિના મ્હારામાં અલખ આજ જ જાગ્યો કેમ કહું ?” વિષ્ણુદાસના મુખ ઉપર કાંઈક ખેદ જણાયો, તે જણાતાં સરસ્વતીચંદ્રને દશ ગણો ખેદ થયો, અને આવા સુજન પુરુષને ખેદ થવાનું પોતે સાધન થયો તે અનિષ્ટનું નિવારણ કરવાનો માર્ગ મનમાં શોધવા લાગ્યો. “ સ્વામીજી, આપને લેશ પણ ખેદનું હું સાધન થયો હઉં તો ક્ષમા કરજો. આપના રહસ્ય-મંત્રનું શ્રવણ આજે કર્યું, પણ મનન કર્યા વિના ઉત્તર શી રીતે આપું? એ રહસ્યનું મનન કરી, આપને અનુવાદ કરી બતાવું, અને મને કાંઈ શંકા ઉત્પન્ન થાય તેનું આપ સમાધાન કરો તે સર્વ વિધિવડે મ્હારી બુદ્ધિ પરિપાક પામે ત્યાં સુધી અનુકૂળ અવકાશ મને મળે ત્યાં સુધી આપને નિરાશ થવાનું કારણ નથી.”

વિષ્ણુદાસ પ્રસન્ન થયો. મંદિરમાં ઘંટાનાદ થતાં દેવને નૈવેદ્ય- સમય આવ્યો સમજાતાં સર્વ યોગીયોને વિષ્ણુદાસે બ્હાર મોકલ્યા, અને એકલો પડતાં વિશ્રમ્ભથી વાર્તા કરવા માંડી.

“નવીનચંદ્ર, હું પૂર્વાશ્રમમાં બ્રાહ્મણ હતો અને તમારા જેવા વિદ્વાન બ્રાહ્મણને સ્વાભાવિક રીતે અલખ-મત સ્વીકારતાં વિચાર કરવો પડે તે હું સમજી શકું છું. પરન્તુ મ્હારે આ સર્વ જટાધર મંડળને વશ રાખવું પડે છે અને તેઓ મ્હારી આજ્ઞા પાળે છે ખરા, છતાં કીયે પ્રસંગે મ્હારી આજ્ઞાને પણ તેમનો ઉગ્ર સ્વભાવ નહી માને તે હું સમજું છું અને એ પ્રસંગ જ ન આવે તેની સંભાળ રાખું છું. કેટલાંક કારણથી મ્હારો તમારાપર પક્ષપાત છે તે આ મંડળ જાણે છે અને તમે તે પક્ષપાતને યોગ્ય નથી એવું તેમના મનમાં આવ્યું તો ગમે તો મ્હારા ઉપર અશ્રદ્ધા રાખશે અને ગમે તો તમને પીડશે. એમના વિચાર પ્રમાણે અને આ મઠના સંપ્રદાય પ્રમાણે જે કોઈ અલખ જગાવે નહી તેને આ મઠમાં બહુ રહેવાનો અધિકાર નથી. આ હઠવિચાર ઉપર મને તિરસ્કાર છે, પણ તે હાલ નકામો છે. તમે અત્રેથી જશો તો મને અતિશય ખેદ થશે માટે મ્હારી વિજ્ઞપ્તિ સ્વીકારવાની ના પાડશે નહી.”

“કેવે પ્રકારે ?” સરસ્વતીચંદ્રે આતુરતાથી પુછયું.

“સંન્યસ્ત લેનાર ગૃહસ્થાશ્રમમાં પાછો જઈ શકતો નથી, પણ અમારો ભેખ લેનાર પાછો ગૃહસ્થ થઈ શકે છે. આ વિભૂતિ આખે શરીરે ધારણ કરવી એવો કાંઈ મેળ નથી; એક વેળા મસ્તકપર વિભૂતિ ધરવાથી ચાલે છે. અમારી વિભૂતિમાં ગોપીચંદનનું મિશ્રણ છે, અમારા યદુનંદનને તમે નમશો નહી તે ચાલશે; તેમનો તિરસ્કાર ન થાય તે જોજો, છે એવાં ને એવાં વસ્ત્ર માત્ર ભગવાં કરી ધારશો તો બસ છે. બાકી સંપ્રદાય ગમે તે રાખજો; અલખનું નામ પૂજવું; અને આ મઠના ચાર અધિકારમાંથી ગમે તે સ્વીકારજો. ઉત્તમાધિકારમાં તમારો મત ગમે તે હશે ત્હોય ચાલશે. આટલું કામ કરી તમે પરણશો ત્હોયે આ મઠમાં બાધ નથી. પાસેના ઉપમઠમાં વિવાહિત વેરાગીયો અને વેરાગણો વસે છે, તે આ મઠનાં આશ્રિત છે, યદુનંદનનો પ્રસાદ લેવા અમારી સાથે અત્રે આવીને ભોજન કરે છે, અને તમને સંસારવાસના હશે ને ત્યાં ર્‌હેશો તોપણ ચાલશે. માટે હાલમાં આટલી વિજ્ઞપ્તિ સ્વીકારજો. અંતે તમારે આ સ્થાન છોડી તમારે ઘેર જઈ સંસાર આરંભવો હોય ત્યારે મને એકાંતમાં ક્‌હેજો. ત્યાંસુધી આટલી વિજ્ઞપ્તિ સ્વીકારજો - અલખબોધની દીક્ષા - શ્રવણદ્વારા તો તમારે લેવી પડશે - આજ પ્રસાદકાળે. પછી અલખ સ્વીકાર કરવાને મનનપર્યંત અવધિ છે.”

“ જો આટલાથી તમારું ચિત્ત પ્રસન્ન થતું હોય તો મને જીવનદાન દેનારનું એટલું વચન હું પાળીશ. માત્ર અલખવાદ સ્વીકારવો એ મ્હારા મતવિરુદ્ધ છે."

“એટલું નભાવી લેઈશું. તમને મનન કરવા અવકાશ આપેલો છે ને એવો અવકાશ અમે એક વર્ષાવધિ આપીયે છીયે.”

વિષ્ણુદાસને આટલાથી સંતોષ થયો. અતિથિને એકાંતમાં મુકી મંદિરમાં ગયો. જતાં ક્‌હેતો ગયો: “ભોજન પછી અમે સર્વ મંડળ ભિક્ષાપર્યટન કરવા બ્હાર જઈશું. થોડાક જોગી અત્રે ર્‌હેશે. તેની સાથે તમે પણ ર્‌હેજો. મરજી પડે તો કોઈને લેઈ સૂર્ય નમે ત્યારે નીચે સુરગ્રામ જોવા જજો. અમારા રહસ્યમંત્રનું વિવરણ છે તે અલખપુરી તમને આપી જશે.”

એકલો પડેલો સરસ્વતીચંદ્ર વિચારમાં પડ્યો, હસવા લાગ્યો, ઉભો થયો, ચારે પાસ ફરવા લાગ્યો; અંતે એક મહાન શિલા ઉપર વડની છાયા નીચે સુતો. પળવાર આંખ ઉઘાડી રહી એટલામાં ચંદ્રકાંત સાંભર્યો અને તેને પત્ર લખવાનો અને સુરગ્રામ જઈ તે ટપાલમાં નાંખવાનો વિચાર કર્યો. તે વિચાર પુરો થયો એટલે અલખના રહસ્યમંત્ર સાંભર્યા. આ મંત્ર બે ત્રણ વાર સ્મરી સ્મરણમાં ઉતાર્યા, રાત્રિયે તેને વિચાર કરી પ્રાતઃકાળે સ્વામીને એ શ્લોકના અર્થને અનુવાદ કરવા અને તે ઉપર પોતાનો અભિપ્રાય જણાવવા સંક૯પ કર્યો. નેત્ર મીંચાયાં અને નિદ્રા આવી તેની સાથે પોતે સુતો હતો ત્યાં એક પાસ હસતી હસતી કુમુદસુંદરી બેઠી છે એવું સ્વપ્ન થયું. સ્વપ્નની સહચરી સ્વપ્નના પુરુષનો હાથ ઝાલી બોલતી હતી:

“જોગી, તું જોગણનો ગુરુ થાજે,
“જોગણને તું જોડે સોડે સ્હાજે.
“જોગી, જ્ઞાન ભેગો તું રસ લ્હાજે !
“અલખ પ્યાલા લખરસના પાજે.
“રુડા સ્વપ્નસાગરમાં તરજે,
“જોગી, જોગ પ્રિયરસનો ધરજે.”