સરસ્વતીચંદ્ર ભાગ ૩/ સુવર્ણપુરના સમાચાર: કારભારીને શિક્ષાપાત્ર પુત્ર.
← મુંબાઈના સમાચાર: ધૂર્તલાલની શેઠ થવાની કળાઓ. | સરસ્વતીચંદ્ર ભાગ ૩ સુવર્ણપુરના સમાચાર: કારભારીને શિક્ષાપાત્ર પુત્ર. ગોવર્ધનરામ ત્રિપાઠી |
વિષ્ણુદાસ બાવાની વિભૂતિ વચ્ચે. → |
Every good political institution must have a preventive operation as well as a remedial. It ought to have a natural tendency to exclude bad men from Government and not to trust for the safety of the State to subsequent punishment alone; punishment, which has ever been tardy and uncertain; and which when power is suffered in bad hands, may chance to fall rather on the injured than the criminal.–Burke.
પોતાના પક્ષના માણસોના દોષ થતાં પ્રજા પોતાની પાસે ફરીયાદી કરવા નહી આવી શકે - બીચારી કચડાશે – પોતે પામ્યો હતો તેવી જ અવસ્થા કોઈને પામવા વખત આવશે તો એ પાપ કોને માથે? અધિકારનો નીશો પોતાનાં માણસોને ચ્હડશે અને કદી જાણ્યો અજાણ્યો જુલમ કરશે તો પ્રમાદધનનો – અથવા બીજાનો જ – દોષ: “બુદ્ધિધન ! ત્હારી પાસે કોણ ક્હાડશે ?” એ પ્રશ્ને એનું મસ્તિક ભમાવ્યું, આ પ્રશ્રે કારભારે ચ્હડતા બુદ્ધિધનનું મસ્તિક વિચારમાં જ ભમાવ્યું હતું; [૧] તે સમયે એને એવી ભ્રાન્તિ પણ થઈ ન હતી કે આ પ્રશ્ન મ્હારા ઘરમાં ઉઠશે, મ્હારા રાજયતંત્રમાં ઉઠશે, મ્હારા પુત્રને માથે આરોપ આવશે, અને કૃષ્ણકલિકાનો વર તો શું પણ મ્હારી ગરીબ કુમુદસુંદરી પણ મ્હારા પુત્ર સામે મ્હારી પાસે આરોપ નહીં મુકી શકે અને ઉલટી આરોપનું પાત્ર થશે ! પુત્ર, ભાઈ, મિત્ર, અને એવા બીજા નિકટના સ્નેહી–સંબંધીયોરૂપ પીછાંવાળા પક્ષથી ઉડનાર કારભારીયો અને અધિકારીયોને અંતઃકરણ હોય તો તે અંતઃકરણને જગાડવા આ પ્રશ્નનો પ્રસંગ સમર્થ છે; એટલું જ નહી પણ એ જાગૃત થયેલો અધિકારી જુના સ્નેહના સંબંધના પાત્ર થયેલા મનુષ્યને પ્રસંગ આવ્યે શિક્ષા કરવાની શક્તિનું અભિમાન ધરાવતો હોય તો એ જ પ્રસંગ એ અભિમાન ઉતારી દેવાની શક્તિનો પણ અનુભવ કરાવે છે. પ્રમાદધનની વધારે વધારે કથા જાણતાં બુદ્ધિધનને આ પ્રશ્નના પ્રસંગે વધારે વધારે કંપાવ્યો અને આ અનુભવે વધારે વધારે નરમ કરી નાંખ્યો. દુષ્ટરાય આદિ મંડળદ્વારા જુલમ કરનાર શઠરાયમાં અને પ્રમાદ દ્વારા જુલમ કરનાર પોતાનામાં કાંઈક સરખાપણું લાગ્યું, એ સરખાપણું લાગતાં તેના હૃદયને અત્યંત દુ:ખ થવા લાગ્યું, અને એ દુ:ખરૂપ કાર્યનું કારણ નષ્ટ કરવા બળ અજમાવવાની યુક્તિ શોધવા લાગ્યો, “ મ્હારામાં ને શઠરાયમાં શો ફેર ?” – “શું મને પડેલાં દુ:ખ બીજા ઉપર પડવાનું હું સાધન થઈશ?” આ અને એવા પ્રશ્નો કારભારને બીજે ત્રીજે દિવસે બુદ્ધિધનના મસ્તિકને ખાઈ જવા લાગ્યા.
બનાવો એવા બન્યા હતા કે આ દુ:ખી મગજમાં દુઃખની ભરતીનો પાર રહ્યો ન હતો. નવીનચંદ્ર જતા પ્હેલાં વનલીલાદ્વારા પ્રમાદધનની કેટલીક વાતો સૌભાગ્યદેવીને અલકકિશોરી પાસે ગઈ હતી, તેમની પાસેથી બુદ્ધિધન પાસે ગઈ હતી, અને તેથી ઉત્પન્ન થયેલા દુઃખમાં બુદ્ધિધન નવીનચંદ્ર જતી વેળા જ પડેલો હતો તે આપણે જાણીયે છીયે, પણ એ વાતો કરતાં પણ વધારે દુ:ખની વાત હવે આવી. જે દિવસે કુમુદસુંદરી ગઈ તે જ દિવસે કૃષ્ણકલિકા અને પ્રમાદધનના સર્વ સંકેતની કથા વનલીલા અલકકિશોરી અને સૌભાગ્યદેવી પાસે કહી આવી. એ બે જણે પ્રમાદધનને બોલાવી, કોઈનું નામ દીધા વિના, વીગત કહ્યા વિના, બાંધ્યે ભારે, એને
- ↑ ૧. ભાગ ૧. પ્રકરણ ૧૮, પૃષ્ઠ ૨૭૭.
મળતાં અપરાધી ચિત્તે પોતાના અપરાધ વીશે જ આ ઠપકો છે એ કલ્પના સ્વીકારી, અને તેમાંથી બચી જવા કૃષ્ણકલિકાએ આપી મુકેલું શસ્ત્ર ઉઘાડી વાપરવા માંડ્યું. “મર્મદારક ભસ્મ” વાળા કાગળના ખીસામાં રાખી મુકેલા કડકા બતાવ્યા, કોપાયમાન મુખે ગરીબ કુમુદ ઉપર આરોપ મુક્યો, અને તે સર્વે સાંભળતાં જ માદીકરીના મનમાં વનલીલાએ કહેલી વાતની પૂર્ણ ખાતરી થઈ
સૌભાગ્યદેવીની અાંખમાં અાંસુ આવ્યાંઃ “અલક, મ્હારાં પૂર્વ ભવનાં પાપ ઉગી નીકળ્યાં, બ્રાહ્મણીને પેટે રાક્ષસ અવતર્યો ! શિવ ! શિવ ! શિવ ! ગરીબ ગાય જેવી મ્હારી વહુને કપાળે આ દુ:ખ ! હું જાઉ છું, અા દીકરાનું મ્હોં હું નહી જોઉ, તું જાણે ને ત્હારો ભાઈ જાણે ! અરેરે ! રાંકની હું દીકરી મહાપુરુષ જેવા ત્હારા બાપના ઘરમાં આવી, પણ મ્હારું રાંક ભાગ્ય ક્યાં જાય કે આ એમને કારભાર મળ્યો ને આ આજ મ્હારું સર્વસ્વ ગયું !!” પાણીથી ઉભરાતી અાંખે દેવી ઉઠી ચાલતી થઈ અને અનેક દુ:ખ સ્હેનારીથી આ દુઃખ ન સ્હેવાતાં પરસાળમાં જઈ જમીન ઉપર લુગડું પગથી માથા સુધી હોડી રોતી રોતી સુઈ ગઈ.
દેવી ગઈ અને અલક ભાઈ ઉપર કુદી ઉછળી, અને ભાઈની હડપચી ઝાલી રાતી અાંખે ગાજીઃ “એ ચંડાળ ! આ બુદ્ધિ તને રાંડ કાળકાએ આપી છે તે હું જાણું છું – ભાભી ગયા પ્હેલાંની આપી છે કે ભાભી જાય એટલે આ ત્હારું કાળું કરજે ! ધિકકાર છે તને લાજ ! લાજ ! ” ભાઈને ધક્કો મારી બ્હેન , આઘી ખસી ઉભી અને એના સામી આંખો ફાડી ઓઠ પીસી જોઈ રહી.
પોતાની વાત ઉઘાડી પડી જાણી પ્રમાદ ગભરાયો, પરંતુ રંક સ્વભાવવાળા ચોરને પણ ચોરી પકડાતાં છટકી જવાનો માર્ગ શોધવાની બુદ્ધિ સુઝે છે અને તે સુઝતાં બળ આવે છે.
“બ્હેન, તું અને દેવી તો ભોળાં છો. હું જુઠો, મ્હેં તો ગમે તેમ કર્યું, પણ આ અક્ષર તો તું ઓળખે છે જરા જો કે મ્હારો પુરાવો ખરો છે કે ખોટો.”
ચીડીના કડકા અલકે વાંચ્યાઃ
“હા, ભાઈ હા ! તને દિવસ થયા છે એટલામાં મને વરસ થયાં છે. ભાભીને કવિતા જોડતાં આવડી પણ તને અર્થ કરતાં ન આવડ્યો. આવી કવિતા તો ભાભી રોજ લખતાં એમાં ત્હારો પુરાવો ક્યાં આવ્યો ?"
“અરે ઉતાવળાં બ્હેન, જુવો તો ખરાં કે આ ત્હારી ભાભીએ નથી લખ્યું પણ પેલા નવીનચંદ્રે લખ્યું છે !”
“ઓ ત્હારું ભલું થાય! એક ગોળો ન ફાવ્યો ત્યારે બીજો મુક્યો. નવીનચંદ્રે આ કાગળ ભાભીને આપ્યો હશે તે ભાભી એવાં મૂર્ખા કે તને આપ્યો હશે ખરો કની ?"
"ના, ત્હારી ભાભીના ટેબલ તળેથી હાથમાં આવ્યા !”
“તે ભાભી ગયા પછી આવ્યા કે એમની પુઠ પાછળ ત્હારા એકલાનું કહ્યું સાંભળીયે અને તું ક્હે તે સાચું માનીયે ને એમને પુછવાનો વારો પણ ન આવે ! એ તો, ભાઈ પેલી કાળકાની આપેલી અક્કલ ! પણ એ રાંડ જેવી તો સોને ત્હારી બ્હેન પ્હોંચે એવી છે. આ અક્કલ મ્હારા ભાઈની ન્હોય.!”
“ શાની હોય જે ? ભાઈની કાંઈ શરમ પડે? એ તો ભાભીની શરમ કે પછી નવીનચંદ્રની પડે ! હું પણ કંઈક જાણું છું.”
અલકકિશોરીને પોતાના ઉપર આરોપ આવ્યો લાગ્યો અને ક્રોધમાં ઉમેરો થયો. “બહુ સારું, ભાઈ આ બોલ ભાઈ નહીં સંભળાવે તો બીજું કોણ સંભળાવશે ? ખરી વાત છે. સોબત તેવી અસર. કાળકામાં હડહડતો કળિ હોય તો ત્હારામાં તેના છાંટા પણ ન આવે ? અરેરે ! ભાભી તો ગયાં, પણ આજ તો મને દેવીની દયા આવે છે ! – જા, જા –”
“લાવો પાછા અમારા કાગળના કડકા–”
“હં અં, ન્હાની કીકી છું ખરીકની?”
“ ત્યારે શું કરશો એને ?”
“એ તો દેવીને અને પિતાજીને બેને દેખાડીશ તે ત્હારો, મ્હારો, ને ભાભીનો બધાંનો અને ભેગો ત્હારી કાળકાનો પણ ન્યાય ચુકવશે. મને ક્હો છો તે બધું પિતાજીને ક્હેજો ને કાળકાને પણ ક્હેજો કે, રાંડ, ત્હારું ચાલે તે કરી લેજે – ભાઈ તો આખરે ભાઈ – પણ કાળકાને તો ગામમાંથી ક્હાડ્યા વગર રહું નહીં !”
“મ્હારી પાસે તો આ પુરાવો છે પણ તમારે શો પુરાવો છે?” “પુરાવો ને બુરાવો" – જોઈ લેજો ને કે બધુંયે નીકળશે ! રાંડ ત્હારી મેડીમાં આવી હતી ને આપે કેવડો ને સાંકળી એના પર રસ્તામાં ફેંક્યાં હતાં તે શાનું સાંભરે?”
કુમુદસુંદરીએ કુટતી સ્ત્રીયો વચ્ચે કૃષ્ણકલિકાપર ફેંકેલાં કેવડો અને સાંકળી[૧] સાંભર્યાં અને તે સાંભરતાં પ્રમાદધન નરમ થઈ ગયો. એની બુદ્ધિ ગુમ થઈ ગઈ ને બાજી હાથમાંથી ગઈ સમજી નીચું જોઈ ચાલતો થયો.
આ સર્વ હકીકત બુદ્ધિધનને પ્હોચી. તેણે શાંતિ રાખી સર્વ વાત સાંભળી નરભેરામદ્વારા પુત્રની પાસે ઉત્તર લીધો. સર્વ હકીકત ઉપરાંત એણે કૃષ્ણકલિકાનો સુઝાડેલો વધારે ઉત્તર એ આપ્યો કે નવીનચંદ્ર અને કુમુદ સંપ કરી પોતાની વાત ઉઘાડી પડતાં ભદ્રેશ્વર ગયાં છે એ મ્હારો વધારે પુરાવો. પોતે જે રાત્રે લીલાપુર સાહેબને મળવા ગયો હતો તે રાત્રે પોતાની મેડીમાં કુમુદ એકલી હતી અને જોડની મેડીમાં નવીનચંદ્ર એકલો હતો ને બે જણ ભણેલાં એટલે આ સર્વ યોગ અનુકૂળ થઈ ગયો એવું પણ ક્હાવ્યું.
શાંત વિચાર કરતાં પુત્રની કરેલી વાત પણ પિતાને છેક અસંભવિત ન લાગી. બધાંને એકઠાં કર્યા શીવાય ખુલાસો શી રીતનો થાય અને એકઠાં કરવાનો પ્રસંગ આવે તો કુટુંબની પ્રતિષ્ઠા જાય એ વિચારમાં આખો દિવસ ક્હાડી નાંખ્યો. છેક સાયંકાળે સુરસિંહને પકડી પોતાનાં માણસો આવ્યાં અને રાત્રિના નવ વાગતાં કુમુદસુંદરીવાળો રથ ઠાલો લઈ ગાડીવાન પાછો આવ્યો તેણે કુમુદસુંદરી નદીમાં તણાઈ ગયાના અને શોધ કરતાં પણ ન જડ્યાના સમાચાર કહ્યાથી કુટુંબમાં અત્યંત શોક વ્યાપી ગયો. કુમુદસુંદરી ઉપર મૂળથી હતી તે દયા અને પ્રીતિ દશગણાં થયાં, અને તેની સાથે કૃષ્ણકલિકા અને પ્રમાદધન ઉપર સર્વ કુટુંબનો ક્રોધ સોગણો વધ્યો.
રાત્રિયે બુદ્ધિધને નરભેરામને બોલાવી તેનો અભિપ્રાય માગ્યો.
નરભેરામે ઉત્તર આપ્યો:“બુદ્ધિધનભાઈ મને પુછો તો થયું તે ન થયું થનાર નથી. આ વાત ચોળીને ચીકણું કરવાથી ગઈ કાલ મળેલો કારભાર આવતી કાલ જવા બેસશે, અપકીર્તિ થશે,પોતાનાં છિદ્ર ઉઘાડવા જેવી મૂર્ખતા બીજી નથી તે મૂર્ખતા તમે કરશો, પ્રમાદધનભાઈનાથી તમારી પાસે
- ↑ ૧. ભાગ ૧. પ્રકરણ ૧૭ જુવો.
પાછળથી પસ્તાશે. ન્હાની વાત કોઈ જાણતું નથી તેને મ્હોટી કરી બધાંને જણાવશો. આ હું તો એમ ગણું છું કે આપનાં કુટુંબમાં સર્વ વાતે સંપૂર્ણતા થવા આવી હતી તે થાત અને છાજત નહી અને લોકની નજર પડત તો કાંઈ ભારે વિપત્તિ માથે પડત તેને ઠેકાણે આ સુળીનો ઘા સોયે ગયો સમજી સઉ વાત પડતી મુકો અને ઈશ્વરનો પાડ માનો. ઘેર ઘેર હોય છે તેમ તમારે ઘેર ન્હોતું તે આ થયું. જુવાનીનો કાળ છે તે પોતાનો સ્વભાવ બતાવ્યા વગર કાંઈ ર્હેતો નથી. ને ખરું પુછો તો લ્યો કહી દઉ છું કે હાડ જશો તો છોકરો કાંઈ ન કરવાનું કરી બેસશે ને પછી હાથ ઘસીને ર્હેશો. વહુ ગઈને છોકરો પણ ગયો તો પગ, હાથ, ને નાક ત્રણે વાનાં બગાડ્યાંનું થશે. માટે જે કરો તે વિચાર કરીને કરજો કે સાહસ ન થાય.”
“જોઈશું. પ્રાત:કાળે અવશ્ય આવજે. આવે ત્યારે સાથે વનલીલા અને કૃષ્ણકલિકાના વરોને લેતો આવજે.”
“ તેમનું શું કામ છે ?”
“ સવારે કહીશ.”
“એ તો હું કાંઈ ન સમજું એવું પ્રયોજન નથી. આપની આજ્ઞા પાળીશ. પણ सहसा विदधीत न क्रियाम्[૧] એ વાકય ભુલશે નહીં.”
“એ તો જે થશે તે તને પુછયા વગર કાંઈ થવાનું નથી. વારું, કુમુદનું શું કરીશું?”
“એ કામ કરવાનું પુછો તે તો ઉતાવળે કરવાનું ખરું. નદીમાં તણાયાં ને સાંજ સુધી જડ્યાં નહીં એટલે ગાડીવાન આવ્યો. આ શીવાય એને વધારે ખબર નથી.”
“એમણે નદીમાં દુઃખને માર્યે પડતું મુક્યું એ વાત એણે તને કહી ? ”
“એ તો અમસ્તો.”
બુદ્ધિધને નિઃશ્વાસ મુક્યો. “ઠીક છે, પણ પ્રાતઃકાળ પ્હેલાં એમની તપાસ કરવા પચીશેક હોંશીયાર માણસો મોકલવાં, વિદ્યાચતુરને પણ જઈને મળે.”
“ આ વાત બરાબર.”
- ↑ * કોઈ ક્રિયા સહસા કરવી નહી.
લે વાંચ.”
નરભેરામે પત્ર વાંચ્યો:
“પરમ સ્નેહી બુદ્ધિધનભાઈ.
“આપના મહારાણાશ્રીની આપના ઉપર સંપૂર્ણ કૃપા થઈ, દુષ્ટ વર્ગ અસ્ત થયો, અને આપને મંત્રીપદ મળ્યું જાણી મને આનંદ થાય એ ક્હેવા જેવી નવીન કથા નથી. રાજા, પ્રજા, અને આપ, ત્રણેનાં સુભાગ્ય આમાં રહેલાં છે એ સર્વને આનંદનું કારણ છે. અમારા મહારાજશ્રી મણિરાજજીના હસ્તાક્ષરનું અભિનંદનપત્ર મહારાણાશ્રી ભૂપસિંહજીને પહોંચશે.”
“આપના જેવા રાજકાર્યના ધુરંધરને મ્હારા જેવો અલ્પાનુભવી કાંઈ મંત્રીધર્મ કથવા બેસે તો તેમાં પ્રગલ્ભતાદોષ આવે છે. પરંતુ ચિ. પ્રમાદધન વીશે કાંઈ સૂચન કરું તો સંબંધસ્વભાવને પ્રતિકૂળ નહી ગણો એની વિજ્ઞપ્તિ છે.”
“ચિ. પ્રમાદધનને વિદ્યાર્થિઅવસ્થામાં ર્હેવા વધારે અવકાશ મળે તો ઉત્તમ છે, કારણ એ અવસ્થાના પરિપાકવાળાને અનુભવનો રંગ ઓર જ ચ્હડે છે, વળી અમે ઈંગ્રેજી ભણેલા એવું માનીયે છીએ કે જેમ પ્રધાનને રાજા પ્રતિ ધર્મ હોય છે, તેમ રાજ્ય પ્રતિ ધર્મ પણ હોય છે. પ્રથમ રાજધર્મ ને બીજો રાજ્યધર્મ, પોતાની સાથે પુત્ર, ભાઈ, ભત્રીજા, જામાતૃ વગેરે સંબંધવાળા પુરુષોને પ્રધાને પોતાના હાથ નીચે નીમવાથી રાજ્યધર્મનો ભંગ થાય છે એવું હું માનું છું, અને એ ધર્મભંગથી, રાજ્યનું હિત જાળવવાના પ્રયત્નમાં ન્યૂનતા રહે છે, પ્રજાને અન્યાયભય ર્હે છે અને ન્યાયકાલ જડવામાં કઠિનતા ર્હે છે તેમ નીમણુંકથી જે પુરૂષની ઉપર આપણે કૃપા કરવા ધારીયે છીયે તેની પરાક્રમ-શક્તિ કૃપાના આધારથી ક્ષીણ થાય છે, આથી રત્નનગરી તેમ સુવર્ણપુર ઉભય સ્થાન છોડી કોઈ ત્રીજે જ જળાશયે ચિ. પ્રમાદધનને તરવા મોકલવા જોઈએ, એવો મ્હારો અભિપ્રાય છે. પછી આ વાતમાં આપની ઈચ્છા પ્રમાણ છે.”
પત્રના બાકીના ભાગમાં કુટુંબકથા હતી તે નરભેરામ મનમાં ઉતાવળે વાંચી ગયો. પત્ર પાછો આપી બોલ્યોઃ
“ભાઈસાહેબ, વિદ્યાચતુરભાઈ તો મ્હોટા વિદ્વાન છે. આપણે જુદું શાસ્ત્ર ભણ્યા છીયે–” “પણ એમની વિદ્યા ખરી છે તેનો કાંઈક અનુભવ, પ્રમાદભાઈ આપે છે.” બુદ્ધિધન વચ્ચે બોલી ઉઠ્યો.
“હા જી, એ તો હોય. આપને આપના પુત્રથી અનુભવ મળે છે, તો બીજાને બીજાથી અનુભવ મળે છે. ભાઈસાહેબ, પ્રાકૃત ભાષા બોલવા દ્યો તો તુરત સમજાવું. આ આપણા વ્હેવાઈ તો વેદીયું ઢોર છે. પણ જુવો, આપણાથી પચાસ ગાઉ જે રાજા છે તેના કારભારીયે ડાહ્યા થઈ જમશેદજી માણેકજી શેઠને પેંગડે પગ મુકવા દીધો ત્યારે એ કારભારી પગે ચાલે છે ને જમશેદજી શેઠ ને બીજા નસરવાનજી શેઠ ને બધા ફલાણાજી ને ઢીકણાજી ને જીયે જી ઉભરાયા છે તે ઘોડે ચ્હડી મુછે તાલ દે છે. બીજા દાખલા ખોળીશું તો દક્ષણી જાય ત્યાં દક્ષણીયોનો વરસાદ, બ્રાહ્મણ પાછળ બ્રાહ્મણનો અને વાણીયા પાછળ વાણીયાનો વરસાદ, વરસવાનો જ ! હું કાંઈ તેમનો વાંક નથી ક્હાડતો. એ તો જગતનો કાયદો છે તે જગત પાળે છે ને આપણે બીજો પાળવો નથી. પણ આ તો સઉને, પારકે ભાણે લાડુ સારો લાગે છે. હું તો ત્હારે ઘેર લાડુ ખાઉં, ઘેબર ખાઉં, ને મ્હારે ઘેર તું આવે ત્યારે ત્હારે એકાદશી કરવી. ઠીક છે, એ ક્હે તે પણ સાંભળવું.જુઠો કબુલ કરે કે જુઠું બોલું છું ત્યારે જુઠો શાનો ? એ તો તેને લાગ ફાવે તે તે કરે ને આપણો ફાવે ત્યારે આપણે કરીયે. એ બધા ક્હે તે ક્હેવા દઈએ, આપણે પણ એમ જ કહીયે, ને આપણું ચાલે ત્યારે આપણું માણસને વર્તાવીયે ને જગત જખ મારે ! બધા બોલે તે સાચું માનીયે તો તે ડાહ્યા ને આપણે મૂર્ખ.”
બુદ્ધિધન દુ:ખ ભુલી હસ્યો. “વારુ, નરભેરામ, એ ભાષણ પણ ખરું. ત્હારે કારભાર કરવાનો આવે ત્યારે એમ કરજે.”
“તે એમાં કંઈ વાંધો ? ભાઈસાહેબ, હું તો આપને પણ કહું છું કે આ વેદીયાં ઢોરશાઈ વિચાર કરી પ્રમાદભાઈનો વાળ વાંકો કરશો તો હું જાતે રાણાજી પાસે જઈને કહીશ કે બુદ્ધિધનભાઈનું રાજીનામું લ્યો, એમનું કામ મને સોંપો, અને મ્હારું પ્રમાદભાઈને સોંપો ! આ જોઈ લેજો કે એ કારભાર પણ ચાલશે ને પ્રમોદભાઈ મ્હારી પુઠે કારભારી થાય ને એમના જસનો ડંકો વાગે એટલે આપણે બે સંન્યાસી થઈશું ને જગતને ખોટું ગણીશું અને સઉને અહંબ્રહ્મ કહીશું, બાકી હાલ તો હું, તમે, ને પ્રમાદભાઈ એટલામાં દુનીયા પણ આવી અને બ્રહ્મ પણ આવ્યું; અને બાકીનાં પારકાં તે માયા, તેનો ત્યાગ કરવો. બસ !”
બુદ્ધિધનનું હસવું રહ્યું નહીં. નરભેરામને ધક્કો મારી તકીયે પાડ્યો: “હવે કાંઈ બાકી છે ?”
“હા, હવે શાસ્ત્રનું વચન સાંભળો.–
- सुहृदामुपकारणात् द्विपतामप्यपकारकारणात् ।
- नृपसंश्रय इप्यते बुधैर्जठरं को न विभर्ति केवलम् ॥* [૧]
“આ લ્યો શાસ્ત્ર, વિદ્યાચતુરભાઈને ઉત્તર મ્હારીપાસે લખાવજો તે ફાંકડો ઉત્તર લખી આપીશ. અને હું કહું છું તે કરજો. લ્યો જાઉ છું.”
નરભેરામ પાઘડી માથે મુકી ગયો, નીચે સ્ત્રીમંડળનાં મન વાળવા ગયો, બુદ્ધિધન એની પુઠ ભણી દૃષ્ટિ કરી રહ્યો. “આ પણ શી મૂર્તિ છે ? કીયા બ્રહ્માએ મ્હારો ને એનો જોગ ઘડ્યો હશે ? એ ક્હે છે તે પણ છેક ક્હાડી નાંખવા જેવું નથી. બુદ્ધિમાને જડમાંથી પણ ઉપદેશ લેવાનો છે તો નરભેરામનું કહ્યું કેમ ન સાંભળવું જોઈએ? એ પણ અનુભવી છે.”
આ વિચાર કરે છે એટલામાં અલકકિશોરી આવી અને તેની પાછળ સોડીયામાં સંતાતી સંતાતી વનલીલા આવી. અલકકિશોરી કોપેલી વાઘેરના જેવી દેખાતી હતી. એની આંખોમાં કોપ માતો ન હતો, ઓઠ ફડફડતા હતા, અને હાથ ઉછાળા મારવા તત્પર થઈ રહ્યા હતા. પિતાની પાસે ઉભી રહી ત્યાં એનો અહંકાર ઉછાળા મારી છાતીમાંથી નીકળવાનું કરતો હોય તેમ છાતી ક્હાડી પિતાની સામી આવી ઉભી રહી અને ક્રોધમાં ને ક્રોધમાં વીજળી અચીંતી ભડાકો કરે તેમ ગાજી.
“પિતાજી હવે તો હદ વળી ગઈ.”
“કેમ, બ્હેન, શું કાંઈ નવું થયું છે?” શાંત સ્વરે બુદ્ધિધન બોલ્યો.
“ આ જુવો, ભાભીના સમાચારથી દેવી તો શીંગડું વળી સુતી
- ↑ *“ડાહ્યા માણસો રાજાઓનો આશ્રય ઈચ્છે છે તે મિત્રો ઉપર ઉપકારકરવા અને શત્રુઓ સામે અપકાર કરવા, બાકી પોતાનું એકલું જઠર ભરવાનું જ કામ તે તો કેાણ નથી કરતું ?”
છે. ને તમે પણ કાંઈ ભાભીની તપાસ નથી કરતા !” .
“અલક, ત્હારી ભાભીની તપાસ નહી કરીયે ત્યારે કોની કરીશું ? જા, પુછ નરભેરામને કે પ્રાતઃકાળે અંધારામાં માણસોએ શોધ કરવા જવું એવું બંદોબસ્ત કર્યો છે કે નથી કર્યો ?”
“તે કીયાં માણસોને મોકલો છો ? ભાઈના મળતીયાને ન મોકલશો. એ લોક તો એમને મારી નાંખશે.”
“એમ તે કોઈ કરતાં હશે ?”
“ના, ભાઈને તો તમે બસો રુપીયાનો પગાર કર્યો એટલે સારો ! એના પગારનું શું થાય છે તેનો હીસાબ કોઈ દિવસ જુવો છો ?”
“કેમ એ શું પગારનું કરે છે?”
“આ જુઓ, મ્હારામાં ને ભાભીનામાં ફેર છે. મ્હારે નાકે તો માખી બેસવા આવેકની તો હું મસળી નાંખું. ને ભાભીની પાસે તો ભમરો આવે ત્હોયે હળવે રહીને લુગડું આડે ધરે કે રખેને ભમરાને ઝાપટ વાગે ! આ બે રાંડો એક કાળકા ને બીજી કોક ગુણકા પદમડી છે તેણે ભાઈને ફોલી ખાધો ને એ બે ને ત્રીજો ભાઈ ત્રણેનાથી ભાભીયે છુટવા સારુ આ કર્યું છે – લ્યો – એ તો નક્કી એમણે નદીમાં પડતું મુક્યું અને આપણું રત્ન ગયું.” – અલકકિશોરી રોઈ પડી ને રોતી રોતી બોલી. “હવે તે કેમ જીવ્યાં ર્હેવાશે ? મ્હારા બાપ !” માથું પછાડી અલક પિતા પાસે ગાદી પર પડી, ઝીણું ઝીણું રોતી વનલીલા તેને ઝાલી રાખવા જતાં એની પાછળ પડી ને અલકના મ્હોટા શરીર નીચે એનો હાથ ડબાયો. બુદ્ધિધને બેને ઉઠાડ્યાં અને છુટાં કર્યા.
અલક બેઠી. “ પિતાજી, હવે તો એક તમે આમાંથી ઉગારો ત્યારે.ભાભી જવા બેઠાં તે રહેવાતું નથી; તેમાં આ ભાઈ એમની પાછળ ગમે તે બકે છે ને ઉલટો ચોર કોટવાળને દંડે તેમ થયું છે હોં ! તમે એને બ્હેંકાવસશો નહીં હોં ! આ ભાભી મરતાંને મેર ક્હે નહી તેને મુવા પછી આ મુકવાનો નથી ને સઉ ઉભાં ને ઉભાં બળી મરીશું, દેવીનો તો અત્યારથી જીવ ખસ્યો છે.”
“બ્હેન, સઉનો રસ્તો થશે.”
“પણ તમે શું માનો છો?” “જોઈશું હવે.”
“ના જોવાનું નહીં, ભાઈ તમારી પાસે આડી અવળી વાતો ભરવશે ને ભાભીના ભણીની વાત કોઈ ક્હેનાર નથી. માટે જુવો, જાણો નહી તે મને પુછજો.”
વનલીલા અલકકિશોરીને કાનમાં ક્હેતી ગઈ અને અલકકિશોરી સઉ વાત બુદ્ધિધનને, રખાય એટલો શરમનો પડદો રાખી, ક્હેતી ગઈ અને આખરે બે જણ ગયાં. બુદ્ધિધન એકલો પડ્યો.
“હે ઈશ્વર, આ જગતનાથી ઉલટો માર્ગ કે ભાઈનું સગપણ મુકી ભાભીની વકીલાત કરવા બ્હેન આવી. કુમુદસુંદરી ! મ્હારા ઘરની લક્ષ્મી ! આ સઉ તમારી પવિત્રતાનો પ્રતાપ !”
“નવીનચંદ્ર અને કુમુદસુંદરી સંકેત કરી ગયાં એવો આરોપ પ્રમોદે મુક્યો – તે ખરો ? – પણ અલકે કહ્યું તે સાચું. નવીનચંદ્ર ગયો તે પછી કુમુદસુંદરીને તેડવા માણસ આવ્યાં, ને કુમુદસુંદરી જવાનાં છે તેની તો નવીનચંદ્રને ખબર પણ ન હતી.”
“અરેરે! એ બે જણ નીચેથી ઉચું જોતાં ન હતાં - તેમાં આ ભરેલા ઘરમાં જ્યાં એકાંત મળવાનો પ્રસંગ જ નહીં ત્યાં – સર્વ આરોપ અસંભવિત જ !”
“કુમુદસુંદરી ગયા પહેલાં પ્રમાદ અને કાળકાના જે જે સંકેત કરેલા વનલીલાએ કહ્યા હતા તે સર્વ ખરા પડ્યા!” - “સાંકળીની વાત ખરી !” — “કાગળના કડકાપર નવીનચંદ્રના અક્ષર તો ખરા ! પણ -“હતો તાત!” “અને હતો ભ્રાત !” – શું આ અક્ષર જણવતા નથી કે કવિતા નિર્દોષ છે ?” – “ પુત્ર મૂર્ખ છે કે આટલા ઉપરથી વ્હેમાય છે ” - “હું નથી માનતો કે એ એવો મૂર્ખ હોય ? – ત્યારે શું ? એ તો એ જ - આરોપમાંથી બચવાનો પ્રત્યારોપ.”
“ખરા આરોપમાંથી બચવા ખોટો પ્રત્યારોપ કુમુદ જેવી નિર્મળ ગંગા ઉપર મુકવો એ શઠરાયને કુલમાર્ગ. મ્હારા પુત્રને એ ન આવડે - શઠરાયની સગી કાળકાએ જ એ શીખવેલું !”
“કાળકાની શીખવણી ખરી કે નહીં – તે જયાં જયાં વનલીલાનાં વચન ખરાં પડ્યાં ત્યાં ત્યાં નિશ્ચિત !”
“સાંકળી અને શીખવણી – બે વાનાં કૃષ્ણકલિકાનાં. બેની સાથે પુત્રની મલિનતા સિદ્ધ થઈ!”
8.3 ન્યાયવિચારના સંશોધનને અંતે સિદ્ધાંત બંધાતાં મનમાં પુત્રની મલિનતા સિદ્ધ થતાં, કુમુદનું દુઃખ અને તેને માથે ગુજરેલો અન્યાય સ્પષ્ટ થતાં, તેમના સગા આ ન્યાયાધીશનું મ્હોં ઉતરી ગયું – પ્રાતઃકાળ થતાં ચંદ્ર નિસ્તેજ થઈ જાય તેમ દીન થઈ ગયું. કૃષ્ણકલિકાના વરને પણ અન્યાય થયો છે - એ વિચારથી દીનતા વધી. કુમુદસુંદરી જીવતી જડો કે ન જડો પણ એણે આ દુષ્ટની કૃતિઓથી કંટાળી આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરેલો સંભવિત લાગ્યો તેની સાથે બુદ્ધિધનના મુખ ઉપરથી દીનતા પવનની ઉરાડેલી ભસ્મ પેઠે ઉડી ગઈ અને તેને સ્થાને ક્રોધના અંગારા ઉઘાડા પડી મુખ ઉપર ભભુકવા લાગ્યા.
“દુષ્ટ ! મ્હારી પ્રતિજ્ઞા છે કે મ્હારો સંબંધી હશે તેને માથે પણ આરોપ સિદ્ધ થતાં હું શિક્ષા કરીશ ! પ્રમાદ ! તું હવે મ્હારો પુત્ર નથી અને હું ત્હારો પિતા નથી !”
વળી વિચાર થયો કે પુત્રને શિક્ષા કરી મ્હારાથી દૂર કરીશ તો એનાં પુણ્યપાપની ભાગીયણ થવાને સૃજાયલી ગરીબ કુમુદને પણ વગર શિક્ષાએ જ શિક્ષા થવાની ! “ત્યારે એવી શિક્ષા શી રીતે કરવી કે અપરાધી પ્રમાદને શિક્ષા થાય અને નિર્દોષ કુમુદ એમાંથી બચે?” આ પ્રશ્ને એનું મસ્તિક વળી ભમાવ્યું. વિચાર થતાં થતાં ગાદીઉપર હાથ પછાડ્યો અને બડબડ્યો.“વિદ્યાચતુર, તમારું ક્હેવું ખરું છે, એવો શો કારભાર કરીયે કે અન્યાય કરીયે તો નિરપરાધી દંડાય ને ન્યાય કરીયે તો આપણે દંડાઈયે? ન્યાય કરવો હોય ને આપણે જાતે દંડાવું ન હોય તો દંડાવાનો પ્રસંગ જ આવવા દેવો ન જોઈએ ! એવો પ્રસંગ ન જોઈતો હોય તો સંબંધી પુરુષને શિક્ષા કરવાનું ઠેકાણું ન રાખવું જોઈએ – ભાઈ ભાંડુને તાબામાં પ્રથમથી જ સમજીને ન રાખવા ! આ તો પાણી પીને પુછે ઘર તે ક્હેવો તે બીજો ખર – તે ખર હું!”
“ત્યારે હું જ રાજીનામું આપું તો ! મને યે શિક્ષા અને પુત્રને પણ શિક્ષા ! શું હું પણ શિક્ષાને લાયક નથી ? ભવિષ્ય ગમે તેમ સુધારો, પણ ભૂતકાળમાં મ્હારી ભુલોથી જે જે અનર્થ થઈ ગયેલા હું દેખું છું – અને ઘણાક તો હું દેખતો પણ નહી હઉં – જે જે દુ:ખ કૃષ્ણકલિકાના વર જેવા અનેકને માથે અનેકધા પડવાનું સાધન – મ્હારી રાજ્યનીતિની ભુલો – થઈ પડી હશે - એ સર્વ ભુલોનું, અનર્થોનું અને દુ:ખોનું જોખમ અને પાપ – બુદ્ધિધન ! ત્હારે માથે નહી તો કોને માથે ? હરિ ! હરિ ! એ સર્વ પાપ મ્હારે જ માથે. અને એ સર્વના બદલામાં શિક્ષાને યોગ્ય તો હું જ છું ! રાજ્યને અંતે નરક તે આ જ !!”
“બુદ્ધિધનભાઈ! તમે પણ ત્યારે શિક્ષાને યોગ્ય તો ખરા. રાજીનામું આપું તો ? પણ યુદ્ધપ્રસંગે નોકરી છોડી તમારા પર પડવાની ખરી શિક્ષામાંથી બચી જવા માગો - એ રાજીનામું તો જાતે શિક્ષામાંથી બચવાનો રસ્તો ! હવે તો આજ સુધી મહારાણાનું અન્ન ખાધું તેનું ફળ તેમને આપો - ને તે આપવું હોય તો નોકરીમાં ર્હો, પુત્રને શિક્ષા કરો અને એ શિક્ષા કર્યાથી સ્નેહબંધનને જે દુ:ખ થાય, મહાન્ આત્મછિદ્ર અને કુટુંબછિદ્ર પ્રકટ થવાથી જે ગ્લાનિ થાય, અને લોકમાં જે અપકીર્તિ થાય – તે સર્વ કષ્ટ વ્હોરી લ્યો ત્યારે તમારું કર્તવ્ય થાય. અને એથી ગરીબ કુમુદનું જે મહાદુઃખવાળું દીન મુખ જોવું પડે તે જોવાનું દુ:ખ ખમવું પડે તે પણ - બુદ્ધિધનભાઈ – ખમો ને કુમુદને એ દુ:ખ દીધાનું પાપ બેસે તેનું પ્રાયશ્ચિત્ત કરો! મહારાણાને અધવચ ડુબતા મુકવાથી એ પ્રાયશ્ચિત્ત નહી થાય.”
“નરભેરામ ! ત્હારો શ્લોક ખોટો છે, સગાંસંબંધીને વર્તાવવાં અને શત્રુને મારવા – એને સારુ જો પ્રધાનપદ પર ચ્હડવું હોય તો એ અભિલાષમાં માલ નથી – એ અભિલાષ પામર જીવોને છે – પાપનો ભરેલો છે – અધર્મનો ઉત્પાદક છે – અને ધર્મિષ્ઠ હૃદયને આવાં મહાકષ્ટમાં ઝબકોળનાર છે - તે, વિદ્યાચતુર, તમારું કહેલું હું આજ અનુભવ પડ્યે સમજ્યો ! દેવી ! ત્હેં મ્હારું હૃદય ધર્મિષ્ઠ કર્યું છે તેમાં અધર્મને નહી પેસવા દેઉં !”
“ત્યારે હું કાલ પ્રાતઃકાળે આ કામ કરીશ – પ્રમાદને પદવીભ્રષ્ટ કરીશ, દરબારમાંથી એનો પગ ક્હાડીશ,– બીજી શિક્ષા - ન્યાયાધીશ પાસેની ?” –
આ વિચાર થતાં બુદ્ધિધનનું આખું શરીર ત્રાસથી કંપવા લાગ્યું. તેની આંખમાં આંસુ આવ્યાં. તે લ્હોતો લ્હોતો બોલ્યો :-“બધા વ્યભિચારીયોને હું કેદની શિક્ષા કરું ને આને ન કરું તે શું – એ મ્હારો પુત્ર - માટે?”
નિ:શ્વાસ ઉપર નિ:શ્વાસ મુકતો બોલ્યો: “હરિ ! હરિ ! તને જે ગમે તે ખરું ! સવારે જે બુદ્ધિ તું આપીશ તે હું કરીશ.”
“પ્રભુ, ત્હેં મ્હારું અભિમાન મુકાવ્યું, માતુ:શ્રીનું અપમાન – દેવીનું અપમાન - દુષ્ટરાયને હાથે થયેલું - એ અપમાનથી સળગેલા મ્હારા વૈરાગ્નિથી આજ શઠરાયનું કુટુંબ ભસ્મ થઈ ગયું – તે વૈરાગ્નિના પ્રચંડ તાપ અને તેજના અહંકારમાં હું મ્હારી રંક જાત ભુલી ગયો હતો અને એ અગ્નિના બળને મ્હારું પોતાનું બળ માનતો હતો. તે અગ્નિ હવે શાંત થઈ ગયો અને તે શાંત થતાં પ્રધાનપદ રાખવાને મ્હારું ગજું નથી તો મેળવવાનું તે ક્યાંથી હોય ? – એ વિચાર અત્યારે થાય છે. ઓ પ્રભુ ! એ વૈરાગ્નિ તે ત્હારી જ શક્તિ, ત્હારી જ ઈચ્છા,– કોઈ અતર્ક્ય ભેદ ભરેલા કારણથી ત્હેં એ શક્તિ - એ ઈચ્છા – પ્રવર્તાવી ને હવે શાંત કરી. તો હું તો એ અગ્નિની જડ સગડી જેવો રંક જીવ છું. એ અગ્નિના જન્મકાળથી બળવા માંડેલા શઠરાયના કુટુંબ પેઠે - એ બળી રહેલા કુટુંબ પેઠે – હું પોતે જ એ અગ્નિદેવતાને હાથ નહીં અરકાડું, હું એ અગ્નિદેવને નિર્માલ્ય નહી ગણું ! પ્રભુ ! એને અપમાન તે તને જ અપમાન છે - પ્રલયકાળની ઉત્પત્તિ ત્હારામાં છે તો આવા ક્ષુદ્ર અગ્નિની કેમ ન હોય ?”
“એ અગ્નિ પણ જડ છે – એક ચૈતન્ય તું પ્રભુ છે ! હું રંક વિધવાનો પુત્ર તેને ખોળે ત્હેં આ સંપત્તિ આપી, આ કુટુંબ આપ્યું, આ કીર્તિ આપી, એ સર્વ ત્હારી કૃપાનાં ફળ – તેમાંથી એક ફળ તને પાછું આપવાને સમય આવ્યો ત્યારે જે હું પાછી પ્હાની ક્હાડીશ - તો મ્હારા જેવો કૃતઘ્ન કોણ ? જેટલું આપ્યું છે તે સર્વે તું પાછું લેઈ લે ત્યાં સુધી તો હું એક ત્હારી સેવાનિમિત્તે એટલું કરવાને બંધાયલો છું !”
“આ સેવા કરતાં બડબડવું કે મનમાં દુઃખ પામવું એ શાને ? મને તેમ કરવા શો અધિકાર છે ?”
“દુષ્ટરાય ! શઠરાય ! તમારા કારભારરૂપ કારણના કાર્યરૂપ બંધાયલા દેહવાળો મ્હારો કારભાર – તમારા જેવો મ્હારો કારભાર - કાલ પ્રાતઃકાળે પુરો થશે; તમારા જેવો હું છું તે કાલથી મટીશ – કાલથી મ્હારા કારભારનું કારણ એક જ ર્હેશે - એ કારણ ઈશ્વરની સેવા, લોકની સેવા, મહારાણો શુદ્ધ હશે તેટલી તેની સેવા – આ કારણથી મ્હારા પ્રધાનપદનો દેહ કાલથી બંધાશે; બાકી હું તો હતો તેવો રંક - તસુ પૃથ્વી સુવા જોઈએ ને કોળીયો અન્ન ખાવા જોઈએ – તેનો અધિકારી...ઈ...”
એટલું મનમાં બોલતાં બોલતાં બુદ્ધિધન નિદ્રાવશ થયો. રાજા અને પ્રધાનની નિદ્રા ક્હેવાતી નથી, પણ કેવળ ધર્મને અર્થે પદ ભોગવનાર રાજા અને પ્રધાનને નિદ્રાનો અવકાશ ધર્મ જ આપે છે. આજ બુદ્ધિધન સ્વસ્થ અને ગાઢ નિદ્રામાં પડ્યો.
એ નિદ્રામાં પડ્યો તે વેળાએ પ્રમાદધન ઘેર આવ્યો ન હતો; આવવાનો ન હતો, અને પ્રાતઃકાળે સઉ ઉઠ્યા પણ એ આવ્યો ન હતો. લોકમાં તો અનેક વાતો ક્હેવાઈ સમુદ્રપર એક મડદું તણાતું દેખાયું હતું તે એનું ક્હેવાયું, કોઈ ક્હે એણે આપઘાત કર્યો, કોઈ ક્હે એને કોઈએ મારી નાંખ્યો, કોઈ ક્હે એ જતો રહ્યો. ગુપચુપ નિકટનાં સંબંધીયોમાં ત્રણ ચાર વાતો ક્હેવાઈ, કુમુદ પાછળ ઘેલો થઈ નાઠો ક્હેવાયો; એના ઉપર વ્હેમાઈ એનું ખુન કરવા, વેરનો માર્યો, ગયો, ક્હેવાયો. નવીનચંદ્રને મારવા ગયો ક્હેવાયો. પિતાની પાસેથી મળવાની શિક્ષાના ભયથી તેમ લજજાથી પણ ગયો ક્હેવાયો. એનું ખરેખરું શું થયું છે તે ઈશ્વર જાણે. “એ પુત્ર શોધી ક્હાડવા યોગ્ય નથી – ગયો તો ભલે” – “મ્હારે એનું કામ નથી”-“ જીવતો હો કે મુવો હો તે મ્હારે મન એક જ છે” – “ હું તો એનું સ્નાન કરી નાંખું છું”- ઈત્યાદિ વચન પુત્રના સંબંધમાં બુદ્ધિધને કહ્યાં ક્હેવાયાં.
વાંચનાર ! સુવર્ણપુરમાં હવે રહેલાં માણસોની કર્મકથા આથી આગળ જાણવાનું આપણે શું પ્રયોજન છે ? આટલું જાણવું બસ છે કે – ' एतद्वि परिभूतानां प्रायश्चितं मनखिनाम. . [૧]
- ↑ “પરિભવ પામેલા મનસ્વી જનેતાનું પ્રાયશ્રિત્ત આવું જ છે."