← ચન્દ્રકાન્તના ગૂંચવાડા. સરસ્વતીચંદ્ર ભાગ ૪
તારમૈત્રક.
ગોવર્ધનરામ ત્રિપાઠી
સુરગ્રામની યાત્રા. →


પર્વતના શિખર આગળનો ઉંંચો તટ હતો પૃથ્વીના શિખરગૃહ[] જેવા આ બે તટ વચ્ચે, ગયેલી રાત્રિના અંધકારને સ્થાને, રંકજનયોગ્ય અને સાદી પણ સુન્દર ચળકતી છત ઈશ્વરે આમ અત્યારે ચ્હડાવી દીધી હતી તે કાળે સાધુજનોના સથવારામાં કુમુદસુંદરી અર્ધો ઢોળાવ ચ્હડી ગઈ હતી, અને માર્ગની આશપાશની શિલાઓ ઉપર એ અને સર્વ સ્ત્રીઓ વિશ્રાન્તિ લેવા વાતો કરતી બેઠી હતી.

પર્વત ઉપર જવાના આ માર્ગનો આ સ્થાને મ્હોટો વાંક[] પડતો હતો, અને આ મંડળ એવે ઠેકાણે બેઠું હતું કે ઉપરથી ઉતરનાર છેક ત્યાં આગળ આવે ત્યાં સુધી એમને દેખે નહી પણ નીચે જનારના ઉપર ત્યાંથી ઘણે છેટે સુધી દૃષ્ટિ જાય. માર્ગમાં ઠેકાણે ઠેકાણે તર-સ્થાન[] હતાં. કેટલાંક તર-સ્થાન માર્ગની બે પાસે હતાં; કેટલાંક માર્ગના બેટની પેઠે આવી ર્‌હેતાં, કેટલાંક તરસ્થાન ગોળ અથવા લાંબા ઓટલા પેઠે ચણેલાં હતાં, પ્રસ્તુત તરસ્થાને માર્ગની બે પાસ શિલાઓ નાંખી હતી, એ તર-સ્થાન, વિશ્રામસ્થાન અથવા વીસામા ઉપર થાકેલા વટેમાર્ગુ થાક ઉતારતા.

કુમુદસુંદરી અર્ધો પર્વત ચ્હડી આવી હતી, પણ પ્રાતઃકાળના મધુર ઉત્સાહક[] પવનને બળે તેમ હૃદયના ઉત્સાહક પ્રસંગને બળે એને પડેલો અપરિચિત દીર્ધ શ્રમ જાણે તે અનુભવતીજ ન હોય તેમ સઉં સાથે વાર્તાવિનોદમાં ભળી જતી હતી. એના સુંદર ગાલ ઉપર આવેલી રતાશ, એના હાથ પગની અસ્વસ્થ શિથિલતા અને આંગળાનું ઘડી ઘડી વળવું, એના ઉરઃસ્થલ ઉપરના વસ્ત્રનો કંપ, એના અટકતા બોલ અને તેને ઘડી ઘડી અટકાવનાર શ્વાસ, એની સંકોચાતી આંખો, ભ્રૂભંગ અને કપાળની કરચલીઓ, અને એનાં વસ્ત્ર તથા કેશભારની કંઈક અવ્યવસ્થા, આ સર્વ એના શારીરક શ્રમના પરિણામ હતા કે એનો ઉત્સાહિત મનોરથે પ્રેરેલા ચાઞ્ચલ્યનાં કાર્ય હતાં તેનો નિર્ણય કરવો કઠણ હતો. વાસ્તવિકરીતે અર્ધી વાત આ ખરી હતી અને અર્ધી બીજી પણ ખરી હતી, પણ સૂક્ષ્મ વિચાર કરી જાણનારને જ આ બે અવસ્થાઓનું મિશ્રણ સમજાય એમ હતું.

સર્વ સાધુ સ્ત્રીઓ વચ્ચે એકલી કુમુદસુંદરી રૂપથી, વસ્ત્રથી, અને અલંકારથી જુદી પડતી હતી. ભક્તિમૈયા ઉંચી, પ્હોળી, કાળી, અને કદ્રૂપી


  1. ૧. માળીયું, રજોટીયું, કાતરીયું, Loft.
  2. ૨. વળવું, વાંકું થવું, curve.
  3. 3. માર્ગ “ઉતરવાનાં” સ્થાન, landing places, ચ્હડતાં ઉતરતાં બેસવાની જગાએા
  4. ૪. Bracing.
બાવી હતી. બીજી બાવીઓ એનાથી નીચી હતી અને એક વામનરૂપ

ઠીંગણી બાવીને બાદ કરતાં બીજી સર્વ કુમુદથી ઘણી ઉંચી હતી, અને ઠીંગણી હતી તે સટે ઘણીજ જાડી હતી. કુમુદનાથી કાળાં તો સર્વ હતાં, પણ પરસ્પર કાળાશ વધતી ઘટતી હતી. જો રંગમાં જ રૂપ આવી જતું ન હોય તો એકબે સ્ત્રીયોમાં સુન્દરતા અને લાવણ્યના ચમકારનો અતિશય હતો. સર્વ બાવીઓનાં વસ્ત્ર તો ભગવાં જ હતાં. માત્ર કુમુદે માતાની પ્રસાદીની ચુંદડી પ્હેરી હતી તે ધોળાં ટપકાંવાળી કસુમ્બલ અને રેશમી હતી, એનાં નિત્યનાં વસ્ત્ર એક ધોળા ન્હાના કડકામાં બાંધી ઠીંગણી બાવીએ સાથે લીધાં હતાં. સુવર્ણપુરમાં જે અલંકાર પ્હેરેલા હતાં તે પહેરીને જ એ ડુબી હતી અને તે અલંકાર અત્યારે પણ એના શરીર ઉપર હતા. શરદૃતુની વાદળીઓ વચ્ચે ચન્દ્રલેખા જેવી દેખાતી કુમુદ આ બાવીઓની વચ્ચે એક પથરા ઉપર બેઠી હતી.

ભક્તિમૈયા કુમુદની પીઠે હાથ ફેરવતી હતી.

"બેટા મધુરી, આજના જેટલો શ્રમ તો ત્હારે કોઈ દિવસ પણ લેવો નહી પડ્યો હોય?"

"ના, પણ અત્યારે સાધુજનની સંગતિ, અને થોડીવાર પછી પવિત્ર સ્થાનનાં દર્શનની આશા, એ બે લાભની પ્રાપ્તિથી આ શરીરનો શ્રમ તેમ મનનાં દુ:ખ બે વાનાં ભુલી જાઉં છું. મૈયા, યદુશૃંગ હવે કેટલે છેટે હશે ?" કુમુદે પ્રશ્ન પુછયો.

"હજી તો આપણે અર્ધો માર્ગ આવ્યાં. આવ્યાં એટલું ને એટલું બાકી રહ્યું."

"મધુરી મૈયા, ત્હારા કોમળ ચરણ શ્રાંત થયા છે – કમળની ચોળાયલી નાળો જેવા થયા છે - હું તેનું જરી મર્દન કરું": ઠીંગણી બાવી બોલી ને કુમુદના પગ ચાંપવા લાગી.

"વામની મૈયા, આપણા ચરણ સરખા જ છે. મ્હારા શ્રાન્ત થાય તો તમારા પણ શ્રાન્ત જ હશે. માટે રહેવા દ્યો." મન્દ લીલાથી તેના હાથ ખસેડતી ખસેડતી કુમુદ સ્મિત કરી બોલી.

મૈયા, મ્હારા ચરણ છે તો ત્હારા જેવડા પણ લોખંડના થાંભલા જેવા કઠણ છે. ને શ્રમ ઢાંકવા તું મ્હોં મલકાવે છે, પણ કમળપત્ર જેવા મુખમાં જે કોમળતા છે તે કંઈ કઠણ થઈ શકે છે ?" વામનીએ ચરણ છોડ્યા નહી. "વામની, ત્હારા હાથ-પગના જેવો મ્હારા હાથ-પગમાં દોષ નથી. માટે ત્હારું કામ મને કરવા દે": ભક્તિમૈયા હસતાં હસતાં વામનીના હાથ ખસેડી જાતે પગ ચાંપવા લાગી.

વામની આધી ખસતી ખસતી બોલી: "સંપૂર્ણપણે દોષ દૂર કરવો હોય તો તમે પણ ખસો અને સ્થાને મોહની મૈયાને બેસવા દ્યો કે સુન્દરને સુન્દરતાનો યોગ થાય."

શ્યામ પણ રૂપવતી મોહની કુમુદની પાસે બેઠી અને ભક્તિ ખસી. ખસતાં ખસતાં હસી અને બોલી.

"સત્ય વચન તો પાળવું જોઈએ તે પાળું છું, પણ આ બેમાં સુન્દર કોણ અને સુન્દરતા કોણ ?"

વામની અને ભક્તિ ઉભય કુમુદ અને મોહની સામે એક ટશે જોઈ રહ્યાં અને તેમની કીકીઓમાં વિનોદક હાસ્ય રમવા લાગ્યું.

આપણને મધુરી મૈયા સુંદર લાગે છે માટે તે સુન્દર. એનું રૂપ જેવું સુન્દર છે તેવા જ એના ગુણ સુન્દર છે માટે તે સર્વનો આત્મા પણ સુન્દરતારૂપ જ હોવો જોઈએ, માટે સુન્દર પણ એ અને સુન્દરતા પણ એ જ. એનું લખરૂપ સુન્દર અને અલખ આત્મા સુન્દરતા. કેમ બંસરી મૈયા ? કુમુદના હાથના કમળનાળ જેટલા બળથી ન અટકતાં તેના ચરણ ચાંપતી ચાંપતી મોહની બીજી રૂપવતી બાવીને પુછવા લાગી. પુછતાં પુછતાં એના શાંત પ્રેમનું લાવણ્ય એના મુખ ઉપર સ્ફુરવા લાગ્યું.

ભક્તિ૦– બાકીના માર્ગમાં એને આપણે તેડી લઈશું.

કુ૦- મૈયા, એ તો અઘટિત જ થાય. તમ સાધુજનને એવી રીતે ભારરૂપ હું નહીં થઈ પડું. હું ધીમી ધીમી જાતે જ ચ્હડીશ.

બંસરી બીજી પાસથી કુમુદને ભેટી પડી તેને છાતી સરસી ડાબી ચુમ્બન કરતી કરતી બોલી.

"મધુરી ! માજી તને યદુનન્દનના ધામમાં મોકલે છે તે પુણ્યકાર્યમાં તને આશ્રય આપવો એ તો અમ અલખના જોગીકુળમાં અમારું પોતાનું જ પુણ્યબીજ રોપાતું જોવાનો માર્ગ છે, સાંભળ–

“સાધુ સાધુનો સંગ કરીને
અલખ પ્રભુને પામે રે
અલખ પમાડી જગાડે તેને
લખ ચોર્યાશી ના'વે! - શુણ, મેરી મૈયા, તું !”

આ પુરું થાય એટલામાં તે તુમડી ઉપર બાંધેલી એક તારની સાજક[]એકજણી પાસથી લેઈ સજજ કરી તેમાં આ કડીઓ મોહની ઉતારવા લાગી. ગાયન અને વાદિત્રના સ્વર પ્રભાતની લક્ષ્મીમાં પ્રસરવા લાગ્યા ત્યાં વામની ઉઠી.

"બ્રહ્માણી, મહાલક્ષ્મી, અને રુદ્રાણી જેવાં તમે ત્રણ જણ એક બીજાને બાઝીને બેઠાં છો ત્યાં મને પણ આનંદની ઊર્મિ ચ્હડી આવે છે. મધુરી મૈયા ! મહાસાગર અને ગિરિરાજ વચ્ચે સૂર્યવિનાના આ કોમળ મધુર આકાશ જેવી તું અમને પ્રિય લાગે છે. ત્હારા હૃદયનાં દુઃખ અમે કાલ રાત્રે જ દીઠાં છે. અમ સાધુજનના સ્થાનમાં ત્હારાં જેવાં દુ:ખ છેક અપરિચિત નથી, પણ અમે દુ:ખને પણ યદુનન્દનનો પ્રસાદ ગણી ભોગવીએ છીયે. સુંદરતા અને પ્રીતિ એ પણ અમારે ત્યાં પરિચિત છે, એટલું જ નહી, પણ તમે સંસારી જનો જયારે પ્રીતિ કર્યા પ્હેલાં વિવાહ કરો છો ત્યારે અમો સાધુજન હરિભજનમાં લીન રહીયે છીયે, પુરુષને ન પરણીયે તો શ્રી અલખને શરણે રહીયે છીયે, અને શ્રીકૃષ્ણ પરમાત્માને ત્યાં મહાલક્ષ્મીની કુખમાં જન્મેલો મન્મથ અમારાં અંત:કરણમાં જાગે છે તો તેની પવિત્ર આજ્ઞાને વશ થઈ વિવાહ પણ કરીયે છીયે, ભગવાન્ મન્મથનાં દીધેલાં દુઃખમાં પણ કાંઈક જુદી જ મધુરતા છે, એનાં આપેલાં સુખદુઃખ અમે ભોગવીએ છીએ તેથી ત્હારી સ્થિતિ સમજીએ છીએ અને તને તેમાંથી ઉગારીશું. જો અમારા સ્નેહનો પરિણામ શ્રીઅલખમાં આવે છે તે સાંભળ અને જો સ્નેહ કરે તો અમારા જેવોજ રાખજે. દુઃખ, શ્રમ, ઇત્યાદિ વિચાર છોડી દે અને અમે જે પ્રદેશમાં તને લેઈયે છીયે તેના પ્રેમનું કીર્તન સાંભળ."

વામની કુમુદના સામી ઉભી રહી જરીક નૃત્ય કરતી ગાવા લાગી, બંસરી તેમાં રાગ ભેળવવા લાગી, અને મોહની સાજકનો સ્વર ભેળવવા લાગી.

[]જોની, સુંદરી મૈયા અલખની !
સુન્દર લખરૂપ તું !
નાચી રહી માયા લખતણી,
તેમાં મન્મથશર તું ! – જોની૦
હૃદય કોરે, મૈયા, પુરુષનાં,
પીતી લખરસ પાન તું;
એ રે હૃદયમાં સરી જતાં
ધર અલખને પ્રકાશ તું !- જોની૦
પ્રીતિ કરીને, મૈયા, પુરુષમાં
ત્હારો અલખ જગાવની !
યદુનંદન પ્રભુના આનંદમાં
શુદ્ધ સ્નેહોને નચાવની ! જોની૦
એ રે લ્હાવો સંસારનો,
એ છે સ્નેહને સારજી !
એ રે સુન્દર પન્થ મુક્તિનો
કોમળ અબળાને હાથ જી.–જેની૦ ”

વામનરૂપ પણ કિન્નરકંઠી સાધુસ્ત્રીનું ગાયન મોહનીની સાજકના કોમળ સ્વરમાં ભળ્યું, એનાજ વામન પણ ચતુર ચરણનું નૃત્ય અને લાલિત્યકળાવાળા શરીરના હાવભાવ એક થઈ ગયાં અને કણ્ઠ અને તન્ત્રી ઉભયના સ્વરોને પોતાનામાં લય પમાડવા લાગ્યાં. ગાય છે કોણ ને વગાડે છે કોણ ? ગવાય છે શું ને વાદિત્રમાં ઉતારાય છે શું ? બે સ્વર બોલે છે કે એક ? કંઠ બોલે છે કે તન્ત્રી ? આ સર્વે પ્રશ્ન નિષ્ફળ થાય, પ્રશ્નો સુઝે જ નહી – એમ ગાયનસામગ્રીનો સંવાદ થયો. નવા પ્રાતઃકાળનું કોમળ તેજ, મંદ પવનની મિષ્ટ શીતળ લહરી અને અનેક સ્વર અને ચિત્રોથી ભરેલા પણ સજીવ એકાકાર પટ જેવા લાગતા ગિરિરાજનો આનતિ–પ્રદેશ,- એ સર્વ સંગીતની આ મધુર કલિકાના પ્રસરતા પરાગથી તન્મય થવા લાગ્યાં. સર્વ સાધુ સ્ત્રીઓ તેનાં પવિત્ર રમણીય આનંદમાં ક્ષણવાર લીન થઈ ગઈ - નવીન રસથી ધૂર્ણાયમાન થવા લાગી. પણ તે જ પદાર્થ કુમુદસુંદરી ઉપર ભિન્ન અવસ્થાનું નિમિત્ત થઈ પડ્યા. વામનીના સંગીતમાંનાં લખ અલખમાં તેને કંઈ સમજણ પડી નહી, પણ તેમાં દર્શાવેલા પ્રેમાળ સ્ત્રીના ઉત્સાહનાં મર્મ એનાં મર્મને અચિન્ત્યાં વલોવવા લાગ્યાં. ક્ષણ ભુલાઈ ગયેલો પુરુષ ક્ષણમાં પાછો સ્ફુરી આવ્યો. એ પુરુષના પ્રિયતમ અભિલાષે પ્રથમાવસ્થામાં રસ અને ઉત્સાહથી પોતાના કાનમાં અને હૃદયમાં ભરાયાં હતા, એ અભિલાષ સિદ્ધ કરવાની શક્તિવૃત્તિવાળા સમર્થ સ્વામીની સાથે પ્રાણયાત્રા અને લોકયાત્રા કરી, તેની સહધર્મચારિણી થઈ તે સહચારકાળે ઉચ્ચાભિલાષી વિદ્વાન પતિના હૃદયમાં ગુપ્ત મંત્ર પ્રેરવાના પોતાને અભિલાષ થયા હતા. તે કાળ સ્મરણમાં ખડો થયો. વિધાતાની વિચિત્ર ઇચ્છાથી આવા શુદ્ધ સ્નેહની સૃષ્ટિમાં લેઈ જવા તત્પર થયલો પ્રિયજન ઉદાસીન થઈ ગયો, તેને સ્થાને માત્ર કામદેવના મંદિરમાંનાં અને શાંત ગૃહસંસારમાંનાં સ્વપ્ન દેખાડનાર પતિનો જ યોગ થયો, એ પતિ પણ શત્રુ થયો, એ સ્વપ્ન પણ નષ્ટ થયાં અને નત્રના પલકારા જેટલા કાળમાં કંઈકંઈ અનુભવ અને ચમત્કાર જોવા પડ્યા. આ સર્વ ચિત્ર વામનીના ગાને કુમુદના ચિત્તમાં ઉભું કર્યું. સુવર્ણપુરથી નીકળવું શું ? બ્હારવટીયામાંથી બચવું શું ? નદી શી ? સમુદ્ર શો ? ચંદ્રાવલી શી ? આત્મહત્યા શી ? તેમાંથી બચવું શું ? પર્વત શો ? આ નવી યાત્રાને આરંભ શો કરવો ? સરસ્વતીચંદ્ર સાધુઓમાં જવા શા ? તેના ઉપર તેમના ગુરુનો પક્ષપાત થવો શો ? એની પાસે હવે જવાની પોતાની વૃત્તિ શી થવી ? પોતે જઈને શું કરવાની હતી ? - ઇત્યાદિ અનેક પ્રશ્નો – સંકલ્પવિકલ્પો - ચોપાસ દેખાતા પથરાઓ પેઠે તેની પાસે ખડા થયા. એ પથરાઓ કાંઈ કામના ન હતા, ભાંગે નહીં એવા કઠણ હતા, હવે એના ઉપર ચાલવું અનિવાર્ય હતું, અને કોમળ પગને તે ખુંચે એમાં તે નવાઈ શી ? પોતાના વિચાર – પ્રશ્ન પણ કામના ન હતા, ઉત્તર મળે નહી એવા કઠણ હતા, અનિવાર્ય હતા, અને કોમળ હૃદયને અનેક શલ્ય તુલ્ય હતા. વામનીના ગાયનમાં વચ્ચે વચ્ચે સ્વર લંબાતા ત્યારે કુમુદના મનમાં આ વિચારો ઉઠતા, ગાયન-કાળે દીવાની વાટ પેઠે સંકેરાતા અને તેને લીધે જ પાછા સ્થિર જ્વલમાન થતા, અને સાજકના સ્વરથી કંપતા, બોલ્યા ચાલ્યાવિના, હાલ્યા વિના, સ્તબ્ધરૂપે અને મૌનથી એણે સર્વે સાંભળ્યાં કર્યું પણ પોતાના ચીરાતા હૃદયની ચીસો અનાહત નાદ પેઠે સંભળાવા લાગી અને નેત્રમાં અશ્રુધારા ચાલવા લાગી.

ગાયન અને નૃત્ય થઈ રહ્યું ત્યાં ભક્તિમૈયા ઉઠી અને ઉભેલી વામનીની હડપચી ઝાલી બોલી ઉઠી – “વામની, આ ગાન, આ સ્થાન, અને આ પ્રભાત અને આ સુંદર સ્વરૂપ: - એ સર્વ શું શ્રીકૃષ્ણપરમાત્માની રાસલીલા નીરખાવવા યોગ્ય નથી ?”

ઉત્તર મળતા પ્હેલાં તેા માર્ગનો વાંક ઓળંગી સરસ્વતીચંદ્રને લઈ વિહારપુરી અને રાધેદાસં ઉતરી આવ્યા. સ્ત્રીમંડળને જોઈ તેઓ સ્તબ્ધ થઈ સંકોચાઈ ઉભા. તેમને જોઈ સ્ત્રીઓ પણ વીજળીની ત્વરાથી સાવધાન અને સ્વસ્થ થઈ ઉભી. ભક્તિમૈયા માર્ગ આગળ જરા આગળ આવી અને તેણે તથા રાધેદાસે યદુશૃંગના સાંકેતિક અભિવંદનનો ઉચ્ચાર કર્યો. “નન્દકો નન્દને એક આનન્દ દેત હય !” આ ઉચ્ચારની ગર્જના સરસ્વતીચંદ્ર અને કુમુદ વિના બાકીના સર્વ મંડળે કરી અને વધારી તે ગર્જનાને કાળે તેમાં ન ભળેલાં બે જણની દૃષ્ટિ એક બીજા ઉપર સ્વાભાવિક રીતે વળી. ગર્જના તેનું જ કારણભૂત થઈ. ભગવાં વસ્ત્રમાં ઢંકાયલો પ્રિયજન તેને શોધનારીથી અલક્ષિત કે અનભિજ્ઞાત રહી શક્યો નહી. કુમુદે તેને ત્વરાથી ઓળખી લીધો, સરસ્વતીચંદ્રે તેને જોઈ, મુખમુદ્રા અને અન્ય સર્વાકારથી દૃષ્ટિ આગળ કુમુદસુંદરી જ ઉભી લાગી; પણ આ સ્થાને એ હોવાનો સંભવ કોઈપણ રીતે નથી એમ ગણી સ્ત્રીજન ભણીથી નેત્ર પાછું ખેંચી લેવા - નિવૃત્ત કરવા – પ્રવૃત્તિ થઈ, પણ સર્વરૂપે ઇષ્ટ પ્રતિભા જણાઈ તેના ભણીથી નયનને નિવૃત્ત કરવા હૃદયની શક્તિ રહી નહી, અને એ પ્રવૃત્તિનિવૃત્તિનો પરસ્પર વિરોધ ટાળવા કુમુદનાં અશ્રુપૂર્ણ નેત્રના દૃષ્ટિપાત અશક્ત નીવડ્યા.

श्यामास्वङ्गं चकितहरिणीप्रेक्षणे दृष्टिपातम्
वक्त्रच्छायां शशिनि शिखिनां बर्हभारेषु केशान् ।
उत्पश्यामि प्रतनुषु नदीवीचिषु भ्रूविलासान्
हन्तैकस्मिन् क्वचिदपि न ते चण्डि सादृश्यमस्ति ॥ *[]

વિયોગી નાયકોને જેનું સર્વદેશીય સાદૃશ્ય આમ જડતું નથી તેવા દર્શનનું સર્વતઃ સાદૃશ્ય આ સ્થાને જોઈ સરસ્વતીચંદ્ર સ્તબ્ધ થયો, સ્થિર થયો, અને માત્ર દૃષ્ટિને અસ્થિર ર્‌હેવા દેઈ ઉભો રહ્યો. યદુનંદનની ગર્જનાઓ શાંત થઈ એટલામાં આ સર્વે વિચારો અને વિકારો ગર્જનામાં ન ભળતાં શાંત ર્‌હેનારનાં હૃદયમાં અને શરીરમાં આવો ઉન્માદ રચી રહ્યા, સાધુજનોના મુખમાં ગર્જના હતી અને હૃદયમાં શાંતિ હતી. આ બે સંસારી જનોનાં હૃદયમાં મન્થન હતું અને મુખ ઉપર દેખાતી શાન્તિ હતી.

આ હૃદયમંથનનું કારણ થયેલી ગર્જના બંધ થઈ તેટલામાં કુમુદ સાથેનું સર્વ સ્ત્રીમંડળ પુરુષોને ઘેરીને ઉભું અને પ્રશ્નોત્તર થવા લાગ્યા.


  1. “ભરથરી”_ (ભર્તુહરિના અનુચર) લેાકમાં સાજક નામની સારંગી ઘણું ખરું વપરાય છે.
  2. "જનની જીવો ગોપીચંદની' - અને ‘જોગ લીધો રાજા ભરથરી’ – એ રાગ
  3. * માલતીમાધવ

ભક્તિ૦– વિહારીપુરી, ગુરુજીના નવીન જૈવાતૃકને લેઈ કીયા પ્રદેશમાં અલખ જગવવા જાવ છો?

વિહાર૦– સુરગ્રામની પવિત્ર રમણીય સ્થાન એમને દેખાડવાં એવી ગુરુજીની આજ્ઞા છે.

વામની૦– નવીનચંદ્રજી તે આ જ કે ?

કુમુદ જાણતી છતાં પળવાર કંપી.

વિહાર૦– હા, એ જ.

મોહની૦- ભવ્યતા અને સુન્દરતાનો સંયોગ પુરુષવર્ગમાં આજે જ પ્રત્યક્ષ કર્યો. વિહારપુરી, કંઈ કંઈ જનોની રમણીય લખ વાસનાઓની આશાએાને નષ્ટ કરી સ્ત્રીસૃષ્ટિથી આ રૂપને પરોક્ષ કરવું ગુરુજીએ શાથી ઉચિત ધાર્યું ?

કુમુદના હૃદયનો નિઃશ્વાસ મુખબ્હાર સાકાર થયો - પ્રત્યક્ષ થયો - લાગ્યો. એની અંતર્ની જિજ્ઞાસાને ઇષ્ટ જ્ઞાનને માર્ગે જવાનું વાહન મળ્યું. નીચી ર્‌હેતી દૃષ્ટિને પાંપણેામાંથી ઉંચી વળવા દેઈ એ વિહારપુરીના મુખ ભણું જોવા લાગી.

વિહારપુરી સ્મિત કરી બોલ્યો : "મોહનીમૈયા, એક સૃષ્ટિથી બીજી સૃષ્ટિને પરોક્ષ કરવી એકામ તો શ્રીયદુનંદનની માયાનું છે. ગુરુજી તો માત્ર અધિકારીઓને શ્રીઅલખનું સ્વરુપ પ્રત્યક્ષ કરાવે છે; અને સૂર્યના પ્રકાશથી ચંદ્ર અને તારાનો પ્રકાશ ઓછો થઈ જાય છે તેમ અલખના પ્રકાશથી લખ સૃષ્ટિ શાંત થવી ન થવી એ તો એ પ્રકાશના અને અધિકારીના બુદ્ધિક્ષેત્રના સંયોગનું પરિણામ છે.ગુરુજી એ વાતમાં સર્વદા તટસ્થજ ર્‌હે છે."

બંસરી૦– ત્યારે શું કૃષ્ણ કદમ્બમાં અલખ રહી ગોપિકાજનના હૃદયને અવશ કરનાર કૃષ્ણ-સ્વરૂપના અલખ જ્યોતિનું લખ ગાન આ પુરુષના હૃદયમાં ઉતરી શક્યું છે ?

વિહાર૦- બંસરી, ગુરુજી પાસે આવતા પ્હેલાંથી જ એ બંસરી એ હૃદયમાં પ્હોચેલી જણાઈ છે.

આ ઉત્તરથી કુમુદ વિના સર્વ સ્ત્રીઓનાં હૃદય તૃપ્ત થયાં. કુમુદનું હૃદય તો અધિક તપ્ત થયું. બંસરીએ સરસ્વતીચંદ્રને પ્રણામ કર્યો અને શરમાતી શરમાતી બોલી: "સાધુજન ! પુરુષ અને સ્ત્રી એ એકજ વૃક્ષ ઉપર ઉગતી ન્યારી ન્યારી કુસુમકલિકાઓ છે. તેમના રંગ અને સુવાસ ન્યારા છે પણ તેમનો પરસ્પર સહચાર અનેક ધર્મનો ધરનાર અને અનેક ફલનો દાતાર થાય છે. એ સહચારનું મધુરમાં મધુર સ્વરૂપ તમે સાધો એવો અમારો આશીર્વાદ છે.”

મોહની૦– એવું સુન્દરમાં સુન્દર સ્વરૂપ તમે સાધો એવી મ્હારી આશિષ છે.

ઉભય સુન્દરીઓને સરસ્વતીચંદ્રે માત્ર મસ્તક નમાવી મન્દ સ્મિત વડે ઉત્તર આપ્યો – આભાર માન્યો.

વામની હસતી હસતી બોલી : “વિહારપુરી, દક્ષિણામૂર્તિ પેઠે મૌન ધારી સ્મિત કરતા આ અતિથિનો અને સુન્દરગિરિનો સહવાસ કેટલો ધાર્યો છે? ગિરિરાજના કીયા શૃંગ ઉપર અને કીયા ધામમાં એમનો નિવાસ કલ્પ્યો છે ?”

રાધે૦- વામનીમૈયા, શ્રવણમનન કરતાં અતિથિના મનમાં સુન્દરગિરિ સુન્દર ભાસે ત્યાં સુધી એ બેનો સહવાસ છે, હાલ તો એ ગુરુજીના અંતેવાસી []છે. કાળક્રમે અનેક શૃંગોમાંથી જે ધામ ઉપર એમને પક્ષપાત થશે ત્યાં એ વસશે.

વામની – પણ એમના સ્વકંઠમાંથી કોઈ શબ્દનો ઉદ્ગાર અમને લખ થઈ શકશે કે નહી ? સહવાસ એમની ઇચ્છા ઉપર ગુરૂજીએ રાખ્યો તે ઉચિત છે. પણ એમની ઇચ્છા જાણવી તો બાકી રહી.

સરસ્વતીચંદ્રને હવે ઓઠ ઉઘાડ્યા વિના છુટકો રહ્યો નહી. તેનાં નેત્ર કુમુદભણી તણાતાં હતાં, હૃદય અંતર્માં ને અંતર્માં જ વળતું હતું, છતાં ભૂમિકાને ઉચિત વેશ ભજવવો એજ ઉચિત થયું. નેત્ર વશ કરી તે ધીમે ધીમે સ્મિતપૂર્વક બેાલ્યો.

“અલક્ષ્યના ભક્તિયોગમાં મગ્ન આર્યાઓ બોલાવશે ત્યારે આ શરીરને બોલવામાં જ સુન્દરતા લાગશે. સાધુજન ! ગુરુજીએ આ શરીરને જીવનનું દાન કરેલું છે ત્યારથી એ શરીર તેમની ઇચ્છાને જ વશ છે. આ ગિરિરાજ જેવો નામમાં અને દર્શનમાં સુન્દર છે તેવીજ એની જડ ચેતન સર્વ સમૃદ્ધિ સુન્દર છે. તે સર્વે સુન્દર વસ્તુઓમાંથી અને સુન્દર સ્થાનેમાંથી કોનો કેટલો સહવાસ મને આપવો એ વિચાર ગુરુજી જ કરશે અને તેમની વૃત્તિ તે જ મ્હારી પ્રવૃત્તિ સમજવી.”


  1. ૧. પાસે વસનાર, શિષ્ય.

વામની૦– વાહ, વાહ, નવીનચંદ્રજી, સુન્દર છો અને સુન્દર બોલો છો.

ભક્તિ૦– એવું સુન્દર બોલો છો કે તે સુન્દરતાથી લેવાયલી વામનીને પોતાના પ્રશ્નના ઉત્તરમાં કાંઈજ મળ્યું નથી, છતાં બધું મળ્યું હોય તેમ તૃપ્ત થઈ ગઈ. સુન્દરતાનો પ્રભાવ એવો જ લખ થાય છે. વારું રાધેદાસ, તમે સુરગ્રામમાં રાત્રિ ગાળવાના છો કે ગિરિરાજ ઉપર ? આ પ્રશ્નનો ઉત્તર આપવો તે તો તમારા હાથની જ વાત છે.

રાધે૦- તમે હાર્યાં. એ બે શીવાય ત્રીજું સ્થાન શું રાત્રિ ગાળવાને માટે નથી ?

સ્મિતપૂર્વક શરીર ઉછાળી વામની બોલી – “હા ! હો ! એ તો ભક્તિમૈયા ભુલ્યાં. ચન્દ્રાવલીનાં માજી વિહારપુરીના હૃદયમાં ઉતરે તો એ ત્રીજું સ્થાન ખરું.”

સર્વ સાધુ સ્ત્રીઓ સ્મિત કરવા લાગી. વિહારપુરી ગંભીર થઈ બોલ્યો – "રાધેદાસ, સુંદરતાના વિવાદમાં સ્ત્રીજન જીતે એ સ્વાભાવિક છે. એ વિવાદમાં પડવું એ આપણા ધર્મનો અતિક્રમ કરાવે એવો માર્ગ છે. એ છોડી આપણે અતિથિને લઈ માર્ગે પડીએ એ જ હવે વધારે ઉચિત છે.”

વામની૦- સુંદરગિરિ ઉપર ચરણ મુકી સુન્દરતાનો તિરસ્કાર કરવો એ કૃતઘ્નતા છે.

વિહર૦- સત્ય છે. માટે જ સુંદરતાનો પૂર્વપક્ષ સુંદરીઓની પાસેથી શ્રવણ કરવાનું રાખી અમે કર્કશ પુરુષો તેનો ઉત્તર પક્ષ છોડી દઈએ છીએ. વામની મૈયા, દિવસ ચ્હડશે અને ભગવાન સૂર્યનારાયણ તપશે અને શિલાઓને તપાવશે ત્યારે બીજા કોઈના ચરણને નહીં તો જે પુષ્પલતાને લેઈ તમે જાવછો તેને કરમાવી નાંખશે માટે હવે આપણે પોતપોતાને માર્ગે પડીએ.

'પુષ્પલતા' શબ્દ ઉચ્ચારતાં કુમુદ ભણી આંગળી કરી. સ્ત્રીમડળની દૃષ્ટિ એણી પાસ ગઈ અને દૃષ્ટિ જતાં એનું મ્લાન વદન સૌને ચિંતાનું કારણ થઈ પડ્યું. પુરુષો સાથેનો વિનોદ મુકી સર્વ કુમુદ ભણી વળ્યાં, તેએા તેમ જતાં યદુનંદનની ગર્જના કરતા ઉભય સાધુઓ અતિથિને લેઈ માર્ગે પડ્યા.“જી મહારાજ,આ માર્ગે નહી – આણી પાસ” - કરતા કરતા સાધુઓ અદૃશ્ય થયા. તેમની પાછળ ચાલતા સરસ્વતીચંદ્રના નેત્રેન્દ્રિયના મૂળ આગળના તંતુ કુમુદ ભણી સ્થિર રહ્યા, પણ નેત્રની બાહ્ય કીકીઓ માર્ગની દિશામાં બળથી વળી અને તેને કુમુદ પરોક્ષ થઈ માત્ર “મધુરી, બેટા મધુરી ” એટલા શબ્દો બે વાર કર્ણમાં પેઠા અને પછી તેના ભણકારા રણકારો કરી રહ્યા. સર્વ સ્ત્રીઓ પોતાની પાસે આવી છતાં કુમુદની દૃષ્ટિ હઠ કરી યોગીઓની પાછળ જ ગઈ સરસ્વતીચંદ્રના પગના પાછલા ભાગમાં ઠરી, પગ અદૃશ્ય થતાં તેના અંચળા ઉપર ચ્હડી, તે અદૃશ્ય થતાં તેના મસ્તકના પાછલા ભાગમાં ઠરી, અને તે અદૃશ્ય થતાં આંસુની ધારાઓમાં ઢંકાઈ જાતે અદૃશ્ય થઈ. સાધુજનોના કોમળ દયાળુ પ્રશ્નોને ઉત્તર આપવાને સટે તે વિકળવદનથી તેમના સામું જોઈ રહી. સર્વ સ્ત્રીઓ એક બીજાના સામું જોતી જોતી, પળવાર એક બીજાની સાથે ધીમે ધીમે કંઈક ચિંતાતુર વાતો કરતી કરતી એકમત થઈ અને તેને અંતે ભક્તિમૈયાએ કુમુદને ઉપાડી લીધી, છાતી સરસી ડાબી દીધી, અને જાતે પગે ચાલવાના હેતુથી એની પાસેથી ઉતરી પડવાના કુમુદના શરીરના આગ્રહી પણ કોમળ પ્રયાસને નિષ્ફળ કરી દેઈ આ ઉંચા બલવત્ શરીરવાળી ભક્તિ અન્ય સ્ત્રીઓ સાથે ગિરિરાજ ઉપર ચ્હડવા લાગી.

આ તરસ્થાનસુધી આવતાં જેટલો મ્હોટેથી તેમનો વિનોદ ચાલતો હતો તેટલીજ ધીમેથી અત્યારે એમની પરસ્પર ગોષ્ઠી અટકી અટકી જરી જરી થતી હતી અને તેમાંથી કંઈક શબ્દો ભક્તિના ખભા ઉપર પડેલી કુમુદના કાનમાં જતા હતા.

“તારામૈત્રક જ !” બંસરી મોહનીના કાનમાં ભણી.

“આંખના તારાઓનું કે આકાશના તારાઓનું ?”– તેમના મુખ અને કાન વચ્ચે માથું ઘાલતી પગની પ્હાની ઉપર ઉંચી થતી થતી વામની ઉતાવળું ઉતાવળું પણ ધીમેથી બોલી.

તેને ખસેડી નાંખતી નાંખતી બંસરી ગણગણી – “નક્ષત્રોનું મૈત્રક તો નક્ષત્ર જાણે, પણ કીકીયોને તો બળવાન વ્યાધિ લાગ્યો.”

વામની વળી ઉછળી અને તેમના કાનમાં બોલી –“ વ્યાધિ લાગ્યો આધિ લાગ્યો, લાગ્યો મદનઉપાધિ.”

મોહની સર્વને ખસેડી આંસુ સાથે બોલતી સંભળાઈ, “શ્રીકૃષ્ણ પરમાત્મા કરે તે ખરું. ક્યાં એ યોગીનો યોગ અને ક્યાં આની પ્રીતિની મધુરતા ? – બાકી તારામૈત્રક તો નિઃસન્દેહ જ!” નિ:શ્વાસ મુકતી મોહની ભક્તિની પાછળ ચાલી. સર્વ ચાલીઓ. તેમના મુખમાં ગોષ્ઠીના અને શ્લોકના ઉદ્‍ગાર થતા હતા.

મોહની – “દક્ષિણાનિલ જેવા મધુર યોગી !

[] "लवङ्गलतिकाभङ्गदयालुर्दक्षिणानिलः ।
कथमुन्मूलयत्येप मानिनीमानपर्वतान् ॥"

વામની – “રાત્રિએ જે પુરુષનું નામાદિ શ્રવણ કર્યું હતું તે આ જ યોગી છે ત્હોયે તે આ જ!

[] "लतां पुष्पवर्ती स्पृष्ट्वा स्त्रातो विमलवारिणा ।
पुनः संपर्कश्ङ्कीव मन्दं चरति मारुतः ॥"

આ સાંભળતાં જ ભકિતના ખભા ઉપર કુમુદે નેત્રકમળ ઉઘાડ્યાં જણાયાં. ત્યાં બંસરી ઉત્સાહમાં આવતી બોલી ;

[] "निसर्गसौरभोद्भ्रान्तभृङ्गसङ्गीतशालिनी।
उदिते वासराधीशे स्मेराऽजनि सरोजिनी ॥”

કુમુદને એક ખભેથી બીજે ખભે ફેરવતી ફેરવતી સામે ઉદય પામેલું સૂર્યબિમ્બ જોઈ રહી, ભક્તિમૈયા બોલી;

[] "क्षणमयमुपविष्टः क्ष्मातलन्यस्तपादः
प्रणतिपरमेवक्ष्य प्रीतमह्नाय लोकम् ।
भुवनतलमशेषं प्रत्यवेक्षिष्यमाणः
क्षितिधरतटपीठादुत्थितः सप्तसप्तिः ॥"

"એ સૂર્ય ક્ષિતિધરપર પાછો આવશે – મૈયા, આવશે. મધુરીને હવે મ્હારે ખભે આપો; એમ ક્‌હેતી ક્‌હેતી મોહનીએ કુમુદના શરીરને લેવા


  1. લવંગની લતાનો ભંગ કરતાં જેને દયા આવે છે એવા આ દયાળુ દક્ષિણાનિલ માનિનીના માનપર્વતનું ઉન્મુલન કેમ કરતો હશે?(પ્રકીર્ણ શ્લોક)
  2. પુષ્પવતી લતાના સ્પર્શથી અભડાઈ વિમલ જળથી ન્હાઈ, ફરીને રખે સંસર્ગ થાય એવી શંકાથી આ પવન મન્દ મન્દ ચાલે છે. (પ્રકીર્ણ)
  3. સ્વાભાવિક સુગન્ધથી આકર્ષાયેલા ભ્રમરના સંગીતની શ્રીથી શ્રીમતી કમલિની, દિવસપતિ ઉદય પામતાં, સ્મિત કરવા લાગી. (પ્રકીર્ણ)
  4. પૃથ્વીતલ ઉપર પાદ મુકી ક્ષણવાર (પર્વતતટ ઉપર) બેઠેલો આ સુર્ય, પોતાને પ્રણામ કરવામાં વ્યાપૃત થયેલા પ્રીતિથી પ્રસન્ન થયલા લોકને ઉતાવળથી જોઈ લેઈ નીચે ઉભેલા બાકીના અશેષ ભુવનતળને ઉપરથી, સામેથી, જોઈ લેવાને માટે, પર્વતના તટ ઉપરથી આ ઉઠે છે !–(પ્રકીર્ણ )

હાથ અરકાડ્યા. તેનો લાભ લેઈ જાતે ચાલવા ઉતરી પડવા ઇચ્છતી પોતાની પળવારની અવશતા સ્મરી શરમાતી કુમુદ બોલી;

“મૈયા, તમારે હાથે પરસેવો વળ્યો છે. મને હવે ઉતરવા દ્યો અને અમૃતપાન કરાવતા સર્વ શ્લેક ફરી ફરી સાંભળવા દ્યો.”

“મધુરી, એ પરસેવો ત્હારો પોતાનો છે - મ્હારો નથી.”.... ... ....