સરસ્વતીચંદ્ર ભાગ ૪/સુરગ્રામની યાત્રા.

← તારમૈત્રક. સરસ્વતીચંદ્ર ભાગ ૪
સુરગ્રામની યાત્રા.
ગોવર્ધનરામ ત્રિપાઠી
કુસુમનું કઠણ તપ. →


પ્રકરણ ૧૪.
સુરગ્રામની યાત્રા

તીર્થક્ષેત્ર સુરગ્રામમાં ઘણાંક દેવાલય હતાં પણ તે સર્વ ગામબ્હાર નદી અને સમુદ્રના તીર ઉપર અને તેમના સંગમ ઉપર હારોહાર ઠઠબંધ હતાં. ગામમાં માત્ર બે જ માર્ગ પાઘડીપને એકબીજાની આગળ પાછળ સમાંતર રેખામાં આવેલા હતા. એ બે માર્ગની વચ્ચે ઘરોની એક હાર હતી તેમ તેનાથી માર્ગની બીજી પાસ બે હારો મળી, ત્રણ હારો ઘરની હતી. વચલી હાર બેવડી હતી એટલે એક ઘર આ પાસ અને બીજું બીજી પાસ દ્વારવાળું હતું. એક માર્ગનું નામ ગુરુ માર્ગ અથવા ગોરની શેરી હતી. બીજો માર્ગ ચૌટાને નામે પ્રસિદ્ધ હતો. ગોરની શેરીમાં તીર્થના ગોર - બ્રાહ્મણો ર્‌હેતા. ચૌટામાં વસવાયા અને વ્યાપારી લોક તથા ખેડુતો ર્‌હેતા. શેરી અને ચૌટાની વચલી હારમાં એક મ્હોટું શિવાલય હતું અને તેની આશપાશ કઠેરાબંધ ઉઘાડો ચોક છોબન્ધના તળવાળો હતો. પૂજા અને દર્શન કરનારની ભીડ આછી થતી હતી. કારણ સ્નાન વગેરેમાંથી પરવારી ભોજનસામગ્રીનો આરંભ કરવા જવાની વેળા હવે સર્વને થતી હતી.

પ્રાતઃકાળે નવ વાગતામાં સરસ્વતીચંદ્ર પોતાના સાથ સાથે અંહી આવી પ્હોચ્યો અને આ શિવાલયના આ ચોકની એક પાસના ઓટલા ઉપર બેઠા બેઠા સર્વ થાક ઉતારવા લાગ્યા. મુંબાઈ નગરીના રોણકદાર બંગલાઓમાં રહેલાને ગામડુંજ નવાઈની વાત હતી તે આ સ્થાને કાંઈ વિશેષ લાગે એ સ્વાભાવિક હતું. સુંવર્ણપુરના કારભારીના ઘરમાં અને યદુશૃંગના મઠમાં તો કંઈક ભવ્યતા હતી અને રાજેશ્વરના દેવાલયથી આ દેવાલય બહુ જુદી જાતનું ન હતું; પણ ચારે પાસનો ગામડા ગામનો દેખાવ તેના મન ઉપર કંઈ વિચિત્ર મુદ્રા પાડતો હતો. કુમુદસુંદરીને દીઠા પછી તે એજ છે એવે નિર્ણય થવામાં ઘણો બાધ હતો, પણ તેના સ્વરૂપના સંસ્કાર મસ્તિકમાંથી ખસતા ન હતા, એટલુંજ નહી પણ અનેક વિચારોને ઉત્પન્ન કરતા હતા. શિવાલયને જોઈ રાજેશ્વર અને ત્યાંનાં અનેક ઇતિહાસઅનુભવ મનમાં તરવરવા લાગ્યા. સહચારી બાવાઓની સાથે તે ગોષ્ઠીવિનોદ કરતો હતો તેમાં આ સર્વ સંસ્કાર ખડા થઈ વિઘ્ન નાંખતા હતા. વાર્તા કરતાં વચ્ચે વચ્ચે અધ અધ ઘડી સુધી કોઈ પણ બોલે નહી એવી વેળા પણ આવતી હતી. આવી મૌનભરી ઘડીઓમાંની એક ઘડી વહી જતી હતી તેટલામાં એક બ્રાહ્મણ મહાદેવનાં દર્શન કરવા આવ્યો, ઘંટ વગાડવા લાગ્યો, અને દર્શન કરી, ચોખા નાંખી, મંડપના બ્હારના પગથીઆ ઉપર બેસી પાઘડી ઉતારી બેઠો. દર્શન કરવા આવનાર બે ચાર છોકરાં તેની આસપાસ વીંટાઈ વળ્યાં.

“અલ્યા છોકરાઓ, જુવો, કહું છું તે સાંભળજો ને જિવ્હાગ્રે કરજો. બધા દેવ તો કપટી છે, પણ આપણા શિવજી તો મ્હારા જેવા ભોળા છે. માથામાં અક્કલ ન હોય, હાથમાં સ્વભાવ ન હોય, ને કાળજામાં ભાન ન હોય તે લોક શું નરકમાં પડે છે? ના ! અક્કલવાળાની સંભાળ અક્કલ રાખે ને ભાનવાળાની સંભાળ તેમનું ભાન રાખે. પણ તે કાંઈ ન હોય તે ભોળાઓની સંભાળ ભોળોનાથ રાખે ! ભોળાઓનો ભોળોનાથ તો અવતાર કે આકાર વગરનો ગોળ મટોળ એટલા માટે છે કે તેને ભોળાઓ જેમથી ઝાલે તેમ ઝલાય અને રાંકના પાણીની પૂજાથી તૃપ્ત થાય. માટે ડાહ્યા હો તો ભોળાને જ ભજજો !

ભોળા ભોળા શંભુ, વિજયાનું પાન !
ઘરનું ય ખરચ નહીં - સુવાને શ્મશાન ! બમ્ ભોળા !”

આમ બુમ પાડી આ બ્રાહ્મણ ઉઠ્યો અને બાવાઓ પાસે આવ્યો “ક્‌હો, બાવાજી, આજ અત્યારે અંહી ક્યાંથી ?"

"મ્હેતાજી, આ અમારી બેની મધ્યે બેઠેલા અમારા અતિથિ છે તેમને ગુરુજીની આજ્ઞાથી તમારું ક્ષેત્ર બતાવવા લાવ્યા છીએ." વિહારપુરીએ ઉત્તર દીધો.

મ્હેતાજી -(સરસ્વતીચંદ્રને નમસ્કાર કરી) આપનું નામ ?

સરસ્વતી૦ - (સામો નમસ્કાર કરી). નવીનચંદ્ર. મ્હેતાજી – વર્તમાપત્રામાં એક... ચંદ્રની વાત આવે છે તે તો આપ નહી ?

સરસ્વતી૦– શી વાત આવે છે ?

મ્હેતાજી – મુંબાઈ છોડી એક વિદ્વાન અદૃશ્ય થઈ ગયા છે તેનું નામ ચંદ્ર ઉપર છે.

સરસ્વતી૦– વાત જાણીયે ત્યારે ઉત્તર દેવાય. તમે કીયા પત્રમાં વાંચ્યું ? અંહી વર્તમાનપત્રો આવે છે?

મ્હેતાજી - પાસે જ અમારી શાળા અને પુસ્તકશાળા છે તેમાં છે.

સરસ્વતી૦– ત્યાં ચાલશો ?

“જી મહારાજ” કરી તેના સહચારીઓ ઉઠ્યા અને સર્વજણ એક માળવગરની ઓરડી આગળ આવ્યા. તેને દ્વારે એક કાગળ ચ્હોડી તે ઉપર શાહીથી “પુસ્તકશાળા” એમ લખ્યું હતું: અંદર પુસ્તકોની પેટી, એક ગાદી, ત્રણ ચાર તકીયા, અને આખી ઓરડીમાં માયેલી જાજમ, એટલી સામગ્રી હતી. ટેબલ ખુરશી ન હતાં. ગાદી આગળ એક શેતરંજી ઉપર રાજ્યકર્તાએ મેકલાવેલાં બે વર્તમાનપત્ર હતાં, અને એક પુસ્તકશાળાના વર્ગણી આપનારાની વર્ગણીમાંથી રાખેલું પત્ર હતું. રાજ્યના નિયમ પ્રમાણે દરેક ગામડાની શાળાની પુસ્તકશાળામાં એક વર્તમાનપત્ર મફત અપાતું અને વર્ગણી આપનારાઓ વર્ગણીમાંથી જેટલા પઈસાનાં વર્તમાનપત્ર મંગાવે તેટલા જ ખરચનાં બીજાં પત્ર રાજ્યમાંથી મળતાં. પુસ્તકોની અમુક સંખ્યાઉપર પણ એવો જે નિયમ હતો. મુંબાઈના એક પત્રમાં લક્ષ્મીનંદનશેઠે, પ્રસિદ્ધ કરાવેલા ગદ્યપદ્યાત્મક લેખ હતા અને તેને મથાળે “સરસ્વતીચંદ્રનો શોધ - નંબર : ૧૦” એવા અક્ષર મ્હોટમ્હોટા હતા. એ અક્ષર ઉપર દૃષ્ટિ પડતાં સરસ્વતીચંદ્રનું હૃદય ધડકવા લાગ્યું અને ઉતાવળથી ફરી ફરી સર્વે વાત વાંચતાં આવતાં આંસુ મહાપ્રયત્નથી તે ડાબી રાખી શક્યો. “બીજા કંઈ પત્રો અને સમાચાર છે કે ?”

મ્હેતાજી – હા જી, આ રત્નપુરીમાં, નીકળતા પત્રમાં અમારા પ્રધાનજીના કુટુંબમાં બનેલા શોકકારક સમાચાર છે.

તે ઉતાવળથી વાંચતાં વાંચતાં સરસ્વતીચંદ્ર ગભરાયો. પ્રમાદધન મુવો, કુમુદસુંદરી ડુબી ગયાં, સૌભાગ્યદેવી ગુજરી ગયાં, અને બુદ્ધિધનને સંન્યસ્તનો વિચાર છે ! – આ સર્વ વાંચતાં સરસ્વતીચંદ્ર હબકી ગયો, છાતી ઉપર હાથ ફેરવવા લાગ્યો, અને નેત્રનાં આંસુ ખાળી ન શક્યો. પોતાની વાત ગુપ્ત રાખવાની શક્તિ ખસવા લાગી.

મ્હેતાજી – આપને આ સમાચારથી આટલું દુ:ખ થાય છે – આપ જ સરસ્વતીચંદ્ર તો નથી?

વિહાર૦- જી મહારાજ, જ્ઞાન અને વૈરાગ્ય એ શોકનાં શામક છે.

રાધે૦– જી મહારાજ, આ સમાચાર સાથે આપનો સંબંધ જાણીયે તો આપનાં દુઃખ હલકાં કરવાનો માર્ગ સુઝે.

વિહાર૦- ગુરુજી સંસારથી અને દુઃખથી મુક્ત છે, પણ એમના પ્રિયજનને દુ:ખથી મુક્ત કરવામાં સંસારને શૂન્ય નથી ગણતા.

સરસ્વતીચંદ્ર શોકને ડાબી શક્યો. તેનાં અશ્રુ દૂર થયાં, માત્ર મુખ ઉપર શોકની છાયા રહી. સર્વને એકઠો ઉત્તર આપવા પ્રયત્ન કર્યો, તેમ કરતાં કપાળે પ્રસ્વેદ - પરસેવો વળ્યો – તે લ્હોતો લ્હોતો બોલ્યો.

“સરસ્વતીચંદ્ર ન્હાસી ગયો તેની મને લેશ ચિન્તા નથી. આ મુંબાઈના સમાચાર નિષ્ફળ છે. પણ હું સુવર્ણપુરમાં ર્‌હેલો છું અને બુદ્ધિધનભાઈના સૌજન્યનું આસ્વાદન કરેલું છે તેનો આ ક્ષણિક શોક ક્ષણમાં શાંત થયો. સાધુજન, મ્હારું દુઃખ તો ગુરુજીએ દૂર કર્યું છે જ. હવે તેમને શ્રમ આપવાનો કંઈ અવકાશ નથી.”

મ્હેતાજીની જિજ્ઞાસા નષ્ટ થઈ. સાધુજન તૃપ્ત થયા. એટલામાં એક વણિક ગૃહસ્થ આવ્યો અને વિહારપુરીને નમીને બોલ્યો.

“મહારાજે મ્હારા ઉપર કૃપા ઓછી કરી દીધી કે પોતે અંહી પધારી મને ક્‌હાવ્યું નહી. પણ મ્હારી ભકિતઉપર પ્રભુએ જ નજર કરી ને મને આપનાં દર્શન થયાં. મહારાજ, ત્રણે મૂર્તિઓ રંકને ઘેર પધારી ભોજન લેવાની કૃપા કરે.”

વિહાર૦– શેઠજી, બ્રાહ્મણપાસે શુદ્ધ અન્ન કરાવો. પર્યટણ કરીને અમે પાછાં આવશું. – મ્હેતાજી, અમારી જોડે ચાલશો ?

મ્હેતાજી૦- શાળાની વેળા થતા સુધી સાથે આવી શકીશ. આપને ક્યાં ક્યાં જવું છે?

વિહાર૦– પવિત્ર અને રમણીય સ્થાન જેટલાં હોય તેટલાં જોવાં.

મ્હેતાજી– ત્યારે તો તેને માટે બે ત્રણ દિવસ જોઈએ. સરસ્વ૦– એક સ્થાન જોયે તેના જેવાં બીજાં અનેક જોયાનું વળે એવાં નમુનાનાં સ્થાન દેખાડો.

મ્હેતાજી– સાંજ સુધીમાં તેટલું થઈ શકે.

વિહાર૦– એવાં સ્થાન તમે કીયાં કીયાં ગણો છો ?

મ્હેતાજી૦- નદી અને મહાસાગર ઉપરનાં સર્વ દેવાલયોની પ્રદક્ષિણા કરી લ્યો અને માર્ગમાં મુખ્ય દેવાલય આવે તેનાં ગર્ભાગાર સુધી જોઈ લેવાં, રત્નાકરેશ્વરનું શિવાલય, રાધિકેશજીનું મંદિર, લક્ષ્મીજીનું મંદિર, અને અર્હતનાથનો અપાસરો એટલાં ધામ મનુષ્યે બંધાવેલાં બરાબર જોવાં. રત્નાકર સાથે નદીનો સંગમ, બેટનાં માતાજી, ગિરિરાજની તલેટી પરનો હરિકુંડ, બુદ્ધગુફા, મહાસાગરનો આરો, પેલી પાસનું બંદર, અને મ્હોટી વાવ – એટલાં સ્થાન પાસે સૃષ્ટિની સુંદરતા જોવાની છે.

સરસ્વતી૦– એ તો જડ સૃષ્ટિ બતાવી. પણ જોવા જેવી કંઈ ચેતનસૃષ્ટિ પણ હશે.

મ્હેતાજી- હાજી, જોવા જેવી જીવતી સૃષ્ટિમાં મુખ્ય વસ્તુ હું પોતે, બીજા અમારા ગોર અને ભટ, અને ત્રીજી ચોથી ચીજો અમ સંસારીઓને માટે છે, આ ભેખને માટે નથી.

“તમારાં દર્શન તો થયાં. હવે પાંચ છ દિવસનાં વર્તમાનપત્ર લેઈ સાથે કોઈને મોકલો તો અવકાશ મળ્યે વાંચીશું; બાકીનો સમય તમે અને વિહારપુરી લેઈ જાવ ત્યાં ગાળીશું.” સરસ્વતીચંદ્ર કંઈક સ્મિત કરી બેાલ્યો.

રાધે૦- બધાં સ્થાનોમાં જવાને ઠેકાણે એકલા રાધિકેશજીના મન્દિરમાં જઈયે, કારણ ત્યાં આજ ઠાકોરજીની પ્રતિષ્ઠાનો વાર્ષિક ઉત્સવ હશે.

તે પ્રમાણે ઠર્યું. માર્ગે ચાલતાં ચાલતાં મ્હેતાજીએ પુછયું.

“નવીનચંદ્રજી, તમને વર્તમાનપત્રની રસિકતા કયાંથી પ્રાપ્ત થઈ? એ તો અમારી નવી વિદ્યાની સૃષ્ટિ છે.”

સરસ્વતી૦– નવી વિદ્યાનો મને પણ કંઈક અનુભવ છે, ક્‌હો, રાજકીય વગેરે બીજા વર્તમાન શું છે ?

મ્હેતાજી– રાજકીય સમાચાર ત્રણ જાતના. આ સંસ્થાનના તમે જાણ્યા. કુમુદસુંદરી ગયાં. સામંતસિંહ ગયા. ને રાણો ખાચર રત્નનગરીમાં છે. મ્હોટા રાજ્યના સમાચાર તો જોઈએ તેટલા. કંઈક મ્યુનીસીપાલિટી ખરાબ તો કંઈક ઈંગ્રેજી અમલદાર ખરાબ. કંઈક ઇંગ્રેજી ધોરણ ખોટું તો કંઈક તેનો પ્રયોગ ખોટો. કંઇક હસવાનું તો કંઈક ક્રોધે ભરાવાનું ને કંઈક રોવાનું. ત્રીજા રાજકીય સમાચાર બીજાં દેશી રાજયોના. ત્યાં તો ગમે તો કોઈનાં વખાણનાં બુગાં ફુંકાય છે તો કંઈ કોઈને ગધેડે બેસાડાય છે. ત્હાડું ધાન ને ચાડીયું માણસ – બે વ્હાલાં લાગે તેમ પરનિન્દાની વાતો વર્તમાનપત્રોનો રોજગાર વધારનારી થઈ પડી છે. શું કરીયે ? જેવા રાજા તેવા લોક, ને જેવા લોક તેવા રાજા. એ બે જેવા તેવા તેમના કારભારી - એ ત્રણનાં જાન, જોડું, ને જાત્રા. પ્રજાઓ અભણ, રાંક અન્યાયી, અદેખી, અને વિઘ્નસંતોષી. અધિકારીયો સ્વાર્થી, ખુશામતીયા, પ્રમત્ત, ઉન્મત્ત, અને માણસથી ડરે પણ ઈશ્વરથી ન ડરનારા. રાજાઓ મૂર્ખ, આળસુ, દમ્ભી, સ્ત્રીલંપટ, દારુડીયા, પ્રજાને ડુબાવનારા, અને જાતે દેવામાં અને દાસેામાં ડુબનારા. વર્તમાનપત્રોની આ વાતો સાંભળી સાંભળીને હું કાઈ ગયો, અને કોઈ કોઈ વખત તો આ પુસ્તકશાળા બંધ કરાવવા પ્રધાનજી ઉપર લખવા વિચાર થાય છે, પણ બીજા વિચારથી કલમ અટકે છે. છાપુ વાંચવું ને મગજ ઉકાળવું. કાજી ક્યા દુબળા કે સારા શહેરકી ચિન્તા - તેવી આખી દુનીયાની ચિન્તા વ્હોરી લેવી.

સરસ્વતીચંદ્ર ગંભીર થઈ ગયો. ઉત્તર દીધો નહી. વાર્તા ચાલી નહી. માત્ર સઉને ચરણ ચાલતા હતા. આખા દેશના અનેક વિચારો એના મસ્તિકને અને હૃદયને વલોવવા લાગ્યા.

"મ્હારો દેશ ! મ્હારી કુમુદ ! મ્હારા પિતા ! મ્હારી મુંબાઈ ! - કુમુદ - દેશ" એવા અવ્યક્ત ઉચ્ચાર આના હૃદયમાં ઉછળવા લાગ્યા. આમ જતાં જતાં દેવાલયો માર્ગમાં આવવા લાગ્યાં અને શાંતિનો મેઘ ઝરમર ઝરમર વૃષ્ટિ કરવા લાગ્યો.

હવે માર્ગમાં બે પાસ ન્હાનાં મ્હોટાં દેવાલયની હારો આવવા લાગી. છેક ન્હાની દ્‌હેરીઓ ચાર પાંચ વ્હેંતની હતી તો મ્હેટાં દ્‌હેરાં એકાદ માળથી બબે માળ જેવડાં ઉંચા પણ હતાં. તેમની બાંધણી, તેમના ઘાટ, તેમનો ઇતિહાસ, તેમની વ્યવસ્થા અને વર્તમાન અવસ્થા – આ સર્વ વિષયની વાતો ચાલી ચાલનારાના પગનાં પગલાં જોડે પલટણોનાં પગલાં પેઠે સરખે વેગે આ વાતો ચાલી, અને સરસ્વતીચંદ્રના જાગેલા સાંસારિક સંસ્કારને ઘડી ઘડી ઝાંખા કરવા લાગી, “શું નવા યુગને બળે એક દિવસ આ દ્‌હેરા નવાં બંધાતાં બંધ પડશે અને જુનાંમાં પ્રતિમાઓને સ્થાને સમાજો ભરાશે અને સરકારની આફીસો બેસશે ?” પ્રશ્ન ઉઠ્યો તેવો ઉત્તર મેળવ્યા વિના જાતે સહજ શાંત થઈ ગયો. સુરગ્રામની વસ્તી એવી ન હતી કે આ સર્વ રચના ઉભી કરી શકે. પણ એક કાળે આ સ્થાને મ્હોટું તીર્થ હતું તેવામાં ઘણે છેટેથી આવનાર દ્રવ્યવાન્ યાત્રાળુઓની વાસનાઓએ આ ઠાઠ ઉભો કરેલો હતો. એ ઠાઠ વચ્ચેનો માર્ગ સાંકડો પણ સ્વચ્છ હતો. માણસની દશા બદલાય છે તેમ આ સ્થાનને પણ વારાફેરા અનુભવવા પડ્યા હતા. યાત્રાળુઓની મ્હોટી ભીંડનો અને મ્હોટા મેળાઓનો કાળ ગયો. પછી તીર્થ ગોઝારા જેવું થયું. વળી મલ્લરાજના સમયમાં તેનો જીર્ણોદ્ધાર થવા લાગ્યો. વચ્ચે આ દ્‌હેરાંઓ ઉપર લીલોતરી ઉગી હતી, અને લીલ બાઝી હતી, અને લુણો લાગ્યો હતો, તેને સ્થાને આજ સર્વ સાફ અને ધોળાવેલું હતું. માર્ગમાં પ્રથમ ઘાસ ઉગતું અને પથરાઓ નડતા તેને સ્થાને હવે ઘાસનું નામ દેખાતું ન હતું અને સટે સાફ બાંધેલા માર્ગ હતો. દ્હેરાંઓ પાસે કાગડા ઉડતા હતાં તેને સ્થાને બીજાં પક્ષીઓ જણાતાં હતાં. કુવાઓનાં થાળાં ભાગેલાં અને પાણી ગંધાતાં હતાં ત્યાં નવાં થાળાં અને મીઠાં નિર્મળ પાણી થયાં.દ્‌હેરાંનાં ભાગેલાં પગથીઆાં નવાં સમાં કરાવેલાં તેમાં વચ્ચે વચ્ચે દાણા વેરાયલા જોવામાં આવતા હતા તેથી શ્રદ્ધાળુ સ્ત્રીઓનો પગસંચાર જણાતો હતો. જુની નીશાનીમાં માત્ર એટલું જણાતું હતું કે લીમડા, પીપળા, વડ વગેરે પવિત્ર વૃક્ષાએ દ્હેરાંઓની ભીંતોમાં, ઘુમટમાં, અને નળીયાંમાં પોતાની શાખાએ પેસાડી દીધી હતી. તેને કાપી નાંખવાનું કામ વૃક્ષમાં પણ જીવ ગણનાર દયાળુ વસ્તીને ગમ્યું ન હતું, અને જેમ અનેક પ્રાચીન આચારને આપણે પ્રીતિથી આપણી આશપાશ વીંટાવા દેઈએ છીએ તેમ આ પ્રાચીન ડાળાંઓ અને પાંદડાઓને પણ દ્‌હેરાંઓની આશપાસ નીરાંતે વીંટાઈ ર્‌હેવા દીધાં હતાં. આ સર્વે કથા મ્હેતાજી અને સરસ્વતીચંદ્ર વચ્ચે માર્ગમાં ચાલતી હતી અને સાધુઓ તેમની પાછળ પાછળ અનુચર પેઠે પણ છાતી ક્‌હાડી બેાલ્યા ચાલ્યાવિના ચાલતા હતા. દ્‌હેરાંઓને શાખાઓ નીરાંતે ગમે ત્યાં વળગેલી જોઈ સરસ્વતીચંદ્ર બોલ્યો:

“મ્હેતાજી સાહેબ, આર્યોનાં ચિત્તની કોમળતા મનુષ્યજાતિનું રક્ષણ કરી પુરી થતી નથી. પશુપક્ષીને સંભાળી રાખી સંતોષ પામતી નથી પણ વૃક્ષ જીવનનું પણ આ પોષણ કરે છે. તેમાં તેમની ભુલ હશે પણ એ ભુલ પણ માહાત્મયની છે, આવાં કોમળ હૃદયવાળા મહાત્માઓની ભૂમિમાં જન્મ લીધાનું અભિમાન આ દેહથી છુંટતું નથી. એવા કોમળ મહાત્માઓનાં ચિત્ર પ્રત્યક્ષ કરાવતી આ રચના ઉપર પ્રીતિ થાય છે. વિહારપુરી !” વિહાર૦- જી મહારાજ !

સરસ્વતી૦– આ અભિમાન અને આ પ્રીતિ આ ભેખને પાત્ર ખરાં કે નહી ?

હસીને વિહારપુરી પાછળ ચાલતો ચાલતો બોલવા લાગ્યો. “જી મહારાજ, સત્પુરુષના હૃદયમાં જે પદાર્થ લખ થાય તે અલખને પ્રિય જ હોય, કારણ એવાં હૃદય શ્રીઅલખની વિભૂતિઓમાં શ્રેષ્ઠ છે.”

રાધે૦- ગુરુજી પાસે શ્રવણ કરેલું છે કે વિરક્ત જનોનાં મન અન્યથા શીર્ણ થાય છે અને વિકારમાત્ર શાંત થાય છે ત્યારે પણ રંક જીવ ઉપર દયા, સમૃદ્ધ સજજનનો અનુમોદ, દુર્જનોનાં દુષ્કૃત્યોની ઉપેક્ષા, અને અલખની વિભૂતિના દર્શનની પ્રીતિ - એટલે તેમના મનનો સ્વભાવ શેષ ર્‌હે છે.

વિહાર૦- જી મહારાજ, રાધેદાસ યથાર્થ ક્‌હે છે.

મ્હેતાજી– મહારાજ, ઈંગ્રેજી વિદ્યા એ સર્વનો અસ્ત કરશે.

સરસ્વતી૦- ઈંગ્રેજોની સત્તાના કાળમાં અને ઈંગ્રેજી ભણેલા રાજા- પ્રધાનની સંમતિથી આ જીર્ણોદ્ધાર થયો છે.

મ્હેતાજી – એ વાત તે સત્ય, કાનની બુટ પકડું છું.

આમ ગોષ્ટી ચાલે છે ને સર્વે ચાલ્યા જાય છે એટલામાં રાધિકેશજીનું મન્દિર આવ્યું. પંદરેક પગથીયાં ચ્હડી તેમાં જવાનું હતું. પગથીયાં ઉપર મ્હોટાં કમાડોમાં થઈ માંહ્ય જવાનું હતું. કમાડની માંહ્યલી પાસે બે સામસામી ન્હાની ઓટલીઓ હતી. તેમાં એક પાસ થોડા દિવસ થયાં એક પોળીયો રાખ્યો હતો, તે એક કપડાનો કડકો પાથરી ઉપર બેઠો બેઠો ચલમ ફૂંકતો હતો. મંદિરને કંઈક ઉપજ હવણાં હવણાંની વધી હતી અને એક સાધુને ભંડારી બાવો કરી અંદર રાખ્યો હતો. સરસ્વતીચંદ્રે આ મંદિરનાં પગથીયાં ઉપર પગ મુકયો ત્યાં ભડારીની ધંટ-ઘડીયાળમાં અગીયારના ટકોરા થયા. તે ગણવા સર્વ પળવાર ઉભા. મંદિરમાં આવી પ્હોચવું, ઘડીયાળનું વાગવું, ઇત્યાદિ નવી સૃષ્ટિએ ચાલતી વાર્તામાંથી સર્વને જગાડ્યા અને નવા જીવનને જોતા ઠર્યા.

એકપાસ મંદિરના આગળનાં મહાદ્વાર અને કોટ, અને બીજી પાસ મંદિરનો મંડપ, અને તેમની વચ્ચે મંદિરની આશપાસ ફરતો ચોક હતો. કોટ અને ચોક વચ્ચે ભંડારી વગેરે મંદિરના સ્થાપક, વ્યવસ્થાપક અને પૂજક વર્ગને માટે અને તેમના સેવકોને પોતપોતાના કામમાં ઉપયોગી થાય એવી એારડીઓ કરી હતી. મંદિરના આગલા મંડપને ત્રણ પાસથી કમાનોવાળા અને કમાડ વગરના ઉંચા દરવાજા હતા. તેની વચ્ચે આરસનો ચોક ને ઉપર ઘુમટ હતો. પાછળ ગર્ભાગાર હતું ને તેમાં સિંહાસન હતું. જોડે શય્યાખંડ તથા જલગૃહ વગેરે રચના હતી.

ન્હાનપણથી મુંબાઈ અને ઈંગ્રેજી અભ્યાસના જ પરિચિત પુરુષને આ દેખાવ નવીન લાગે તે પ્હેલાં તો અંદર હરતા ફરતા તથાં બેઠેલા ભક્તમંડળનાં ગાનકીર્તન એના કાનના પડદા સાથે અથડાવા લાગ્યાં અને એના હૃદયના નિત્ય સહવાસી સંસ્કારોને અદૃશ્ય કરી તેને સ્થાને ચ્હડી બેઠાં.

એક વૃદ્ધ પણ બળવાન બાંધાવાળી સ્ત્રી કોટમાં પાળીયા પાસે સાથરો નાંખી બેઠી હતી અને પોતાની જંઘા થાબડતી થાબડતી અને શરીર આગળ અને પાછળ વીંઝતી વીંઝતી ગાતી હતી.

“જાવું છે, જી, – જાવું છે – જાવું છે જરુર ! (ધ્રુ૦)
કાયા ત્હારી કામ ન આવે, ઝાંખું થાશે નુર;
એવા સરખા આથમી ગયા ઉગમતા અસુર ! જાવું૦
મ્હોટે ઘેર હાથી ધોડા હળ અને હઝુર,
એવા સરખા વહી ગયા – નદીયોનાં પૂર ! જાવું૦
રહ્યા નથી, ર્‌હેશે નહી, રાજા ને મજુર ;
એવા સરખા ઉડી ગયા – આકડાનાં તુર ! જાવું૦
એકી સાથે જમતા હતા દાળ ને મસુર !
દાસ જીવણ ક્‌હે, કર જોડી, “ભજી લ્યો ભરપૂર !” જાવું૦

જીવન અને મૃત્યુનો વિચાર સરસ્વતીચંદ્રના મનોરાજ્યમાં એકદમ ખડો થયો. ડોશી ગાઈ રહી તેની સાથે તેના સાથરા ઉપર રુપીયો રાંટો નાંખવાને હાથ ખીસું ખેાળવા લાગ્યો. અંચળાને ખીસું નહી અને રુપીયો તો સ્વપ્નમાં જ હાથે રહ્યાં. ઉદાર હાથે નિરાશ થઈ પાછો ફર્યો અને હૃદયના એક ભાગે બીજાને પુછવા માંડ્યું – “આવું સંસ્કારરત્ન આપનારી આ સ્ત્રીને બદલામાં આપવાનું દ્રવ્ય તે હવે મ્હારી પાસે ન મળે ! હાથ ધરીને કંઈ પ્રતિગ્રહ ન કરનારો હું – તે મ્હારું હૃદય સંસ્કારનો પ્રતિગ્રહ વગર પુછ્યે કરે છે. અથવા બ્રાહ્મણનું હૃદય જ્ઞાન અને સંસ્કારના પ્રતિગ્રહ કરવાને માટે જ સરજેલું છે."