સરસ્વતીચંદ્ર ભાગ ૪/બે યુગ વચ્ચેના પડદામાં પડતા ચીરા.

← મોહનીમૈયાનો ઉગ્ર અધિકાર. સરસ્વતીચંદ્ર ભાગ ૪
બે યુગ વચ્ચેના પડદામાં પડતા ચીરા.
ગોવર્ધનરામ ત્રિપાઠી
પુત્રી. →


liberal assistance and encouragement;but they have also, with genuine veneration, allowed to them all the sphere and privileges of self-government and all the protection against any trespasses by a depraved outside world, which a microscopic but nobly planned indigenous republic might have the rare luck of desiring and enjoying in the midst of the semi-barbarous age surging outside their castle-walls. The British Government has therefore wisely, not only confirmed, but even guaranteed the independence and integrity of this body of holy men, lest a change of views among the rulers of the State should ever tempt any future incumbents of the gadi to contaminate or crush so noble and well-deserving an institution.”- Extract from the Correspondence of the British Representative to H. H. the Maharaja of Nagaraja.”



પ્રકરણ ૪૮.
બે યુગ વચ્ચેના પડદામાં પડતા ચીરા.
Some force whole regions, in despite
Of geography, to change their site:
Make former times shake hands with latter,
And that which was before, come after.
Butler’s Hudibras.

ચાર તમ્બુઓમાંથી એક સ્ત્રીવર્ગને માટે હતેા; બીજો માનચતુરને માટે હતો, ત્રીજામાં સાધુ આદિના સત્કારને માટે યોજના હતી; અને ચોથો રાજ્યનાં માણસો અથવા પુરુષવર્ગના અતિથિયોને માટે હતો અને એમાં ચન્દ્રકાંતને રાખવા કલ્પના હતી. મોહની ગઈ તેની સાથે સુન્દર અને કુસુમને સાથે લેઈ ગુણસુન્દરી પોતાના તમ્બુમાં ધીમે પગલે ગઈ અને એને પગલે વૃદ્ધ માનચતુર આવ્યો ને પુછવા લાગ્યો. “ગુણસુંદરી, મોહની પાસેથી કાંઈ નવીન જણાયું ?”

ગુણ૦– ચંદ્રાવલી એને લેઈ થોડી વારમાં આવશે અને આપણાં નાક ર્‌હેવાનાં છે કે કપાવાનાં છે તે ક્‌હેશે.

માન૦– તમે અમસ્તો શોક કરો છો. સંસારને તો ઝુલાવનાર હોય તો ઝુલાવીયે તેમ ઝુલે એવો છે. આપણાં નાક બાક છે એવાં ને એવાં ર્‌હેશે ને દીકરીને નકામા ડ્હામ દેશો નહીં. બ્હારવટીયામાંથી બચી ને જળમાંથી જીવી તો સાધુઓમાં સમાશે ને જગતને તે જણવવાની કાંઈ જરુર નથી. માટે મુઝાશો માં ને હું સઉ સવળું ઉતારીશ.

ગુણ૦– બ્હારનાં નાકને આપ રાખશો પણ હૃદયમાં પડ્યા ઘા રુઝાવાના નથી. આપણે જેને અધર્મ ગણીયે છીયે તેને આ સાધુલોક ધર્મ ગણે છે ને કાંઈ કાંઈ ગાંડાં ક્‌હાડી બેઠા છે ને હજી ગાંડાં ક્‌હાડશે ને તેમને નિવારવાનું કાંઈ સાધન આપણી પાસે નથી. ખરું પુછો તો કુમુદનું નામ દેવું મને ગમતું નથી, એ આવશે તો જોવી નહી ગમે, ને બોલશે તો સાંભળવું નહી ગમે. મ્હારા મનની બ્હીક ખરી છે એવું મ્હારું કાળજું ક્‌હે છે ને મ્હારી કુખને લજવનારી આ પુત્રી ન પડી પેટ પથરો ને ન ગઈ મરી !

માન૦- તમે ભોળાં છો ને જગતની માયા સમજતાં નથી. એ દીકરીને મોઈ ઇચ્છો છો તે હવે તમ સ્ત્રીજાતને શું કરીયે ? પણ બોલોને કે એણે તે શો વાંક કર્યો ? એક જણની સાથે એનો જીવ જોડી પછી એના શરીરને બીજે ઠેકાણે આપણે ફેંકયું, ને ત્યાં આવે કર્મફુટ્યો માંટી મળ્યો. ગુણસુંદરી, ક્‌હેવું બધાંને સારુ છે પણ કરવું તે મહાકઠણ છે. તે છતાં આ છોકરીએ આટલી આટલી ટક્કર ઝીલી પોતાનું ને તમારું પણ સાચવ્યું. હવે જ્યારે ઈશ્વરે જ એને જોઈતો જન્મારો આપ્યો ત્યારે આપણે હજીયે આપણું નાડુ પકડી રહીયે તો આપણાં જેવાં મૂર્ખ કોણ ? ક્યાં બ્હારવટીયા, ક્યાં સુભદ્રા, ક્યાં માતાનો બેટ, ક્યાં સુન્દરગિરિ, ક્યાં સરસ્વતીચંદ્ર, ને ક્યાં એ ? જ્યારે ચારે પાસેથી આટલાં ચિત્રો ગોઠવાઈને મળ્યાં ત્યારે આ ઘડીયાળ ચાલવા માંડ્યું ત્યાં શું તમે જ મા થઈને કમાન તોડી નાંખશો ! લોક તો પારકા ઘરમાં હોળી સળગાવે ને ચારે પાસ નાચી નાચી તાળીયો પાડે, માટે આપણે પણ શું એ આપણું ઘર સળગતું જોવું ને લોકમાં ભળવું ? માટે ઉઠો ને આ ઘેલછા મુકી દ્યો. જુવો, બળી ઝળી મહામ્હેનતે કંઈ શીતળ થવા આવેલી રાંક દીકરી તમારી પાસે આવે ત્યારે એને પાછી બાળવા માંડશો નહીં, એને વ્હડશો નહી, એની સાથે અબોલા રાખશો નહી, મ્હોં ભારેખમ કરશો નહી, થોડબોલાં પણ થશો નહી, – એવું એવું કરશો તે એ ચકોર જાત તરત તમારા ગુપ્ત રોષને ચેતી જશે ને પ્રકટવા માંડેલી જ્યોત ચરચર થઈ હોલાવા માંડશે. માટે ડાહ્યાં થઈ એને ખોળામાં બેસાડી દીલાસો આપજો, એને એના સુખનો માર્ગ મા થઈને બતાવજો, ને એનાં આંસું લ્હોજો. ગુણસુંદરી ! તમે આમ મ્હારું કહ્યું કરવામાં ચુકો તો તમને મ્હારા – એટલે ગણતાં હો તો તમારાં વડીલના – સોગન છે. હું જાણું છું કે તમને હું બહુ વ્હાલો છું ને મ્હારા સમ તમે પાળ્યા વિના નહી રહો. તો તમારો આટલો વિશ્વાસ રાખી હું જાઉં છું ને પરિવ્રાજિકામઠમાંથી આવવાનો માર્ગ રોકી વચ્ચે બેસું છું ને એ આવશે તેની સાથે પાછો આવીશ. તમારી સાથે બધી વાત કરતાં એ શરમાશે, માટે એને ને કુસુમને સાધુજનોને માટેના તંબુમાં જવા દેજો ને બે બ્હેનો એક બીજાની વાત જાણી લેશે. બેટા કુસુમ ! બ્હેનની અમુઝણ ટાળજે ને પછી ગુણીયલને ક્‌હેવું હોય તો એકાન્તમાં ક્‌હેજે. - આપણે સઉ સવળું કરીશું ને બ્હેનને ક્‌હેજે કે કોઈ એના ભણી નહી ર્‌હે તો દાદાજી તો ર્‌હેશે જ ને જેમ બ્હારવટીયાઓમાંથી તેને ઉગારવા ઘોડે ચ્હડ્યા હતા તેમ હવે સંસારનાં દુ:ખમાંથી તેને ઉગારવા ત્હારા દાદાજી આખા સંસાર સામી બાકરી બાંધવાના છે, માટે એને ક્‌હેજે કે રજ ચિંતા કરીશ નહીં. ગુણસુંદરી, એ બે બ્હેનો વાતો કરે એટલી વાર તમે ને સુંદર ચન્દ્રાવલીને અંહી બેસાડી એની પાસેથી સઉ વાત જાણી લેજો ને એની સલાહ લેજો. એ પણ બહુ ડાહ્યું ને વ્હાલવાળું પરગજુ માણસ છે. કુમુદ અંહી આવે તેટલી વેળા કોઈ એની પુછપરછ ન કરે માટે આપણા માણસોને પણ તમ્બુઓની પેલી પાસ માંડવાઓમાં રાખ્યાં છે ને તમારા બેલાવ્યા વિના કોઈ આમ ડોકીયું પણ ન કરે એવો હુકમ આપ્યો છે. હું હવે જાઉં છું - ને - તમે જોજો હોં – મ્હેં કહ્યું છે તેમાં રજ ચુક ન થાય – મ્હેં મ્હારા સોગન દીધા છે!

માનચતુર ગયો.

ગુણસુંદરી નિ:શ્વાસ મુકી બોલીઃ “ સુન્દરભાભી, શું થવા બેઠું છે તે સમજાતું નથી. સંસારના સર્વ પ્રવાહથી અવળે માર્ગે આમ ખેંચાઈએ છીયે ને ઘરના વૃદ્ધ અને વિદ્વાન્ પુરુષો પણ આપણને ખેંચવામાં ભળે છે. તમારા દીયરની ઇચ્છા પ્રમાણે વર્તવામાં પતિવ્રત ર્‌હેલું છે ને તેમની ઇચ્છા આપણી વૃત્તિથી છેક અવળી ! તેમને નિવારવાનો અધિકાર વૃદ્ધોને રહે તેમાં મામાજીએ નિવૃત્તિનું મૌન ધાર્યું ને વડીલ તો ચાલતી વ્હેલમાં બેસી ગયા ! આ કાળે સાસુજી હત તો આપણી આ અવસ્થા ન થાત ! સુન્દર૦– ભાભીજી, કાંઈક યુગ જ નવો બેસવા માંડે છે જે આપણે સ્ત્રીઓએ કરવાનું કામ પુરુષોએ હાથમાં લેવા માંડ્યું !

ગુણ૦– ઈંગ્રેજી વિદ્યા સ્ત્રીઓની સ્વતંત્રતાનું સાધન ગણાય છે તેણે મ્હારા તમારા અધિકાર જડ મૂળથી કાપી નાંખવા માંડ્યા ને હવે તો દીકરીયો પણ બાપની ઠરી ને આપણી મટી !

સુંદર૦- અધિકાર ને લક્ષ્મીના તેજમાં સઉ તણાય ! મહારાજના પ્રધાને અને કમાતે દીકરે જે કહ્યું તે વડીલ પણ કરે તો દીકરીયો કરે તેમાં શી નવાઈ? એ કાલ દીકરીયોને મ્હેલ ચણાવી આપશે. પણ આપણ રંક જાતના હાથમાં શું હોય જે કોઈ આપણું કહ્યું કરે ? સંસાર સ્વાર્થનો સગો છે ને ભોગની તૃષ્ણામાં જવાનીયાં બધે સ્વાર્થ દેખે છે.

ગુણ૦– સુન્દરભાભી, સ્વામિની નિન્દા વિચારમાં પણ થાય તો પતિવ્રત ભાંગે છે. માટે આ વાત જવા દો. હવે તો આ કાળજું વલોવાઈ જાય છે ને કંઈક દોહ્યલું થઈ આવે છે તેમાંથી છુટાય તો સારું ! સૌભાગ્યદેવી ગયાં ને હું રહી !

બેાલતાં બેલતાં ગુણસુંદરીની આંખોમાં આંસુની ધારાઓ ચાલી રહી.

સુંદર૦– ભાભીજી, તમારે પતિવ્રત છે પણ હું તો કુમુદને સમજાવવાને છુટી છું, શું એ મ્હારું કહ્યું નહી માને ?

ગુણ૦- મેાહનીએ કહ્યું તે ન સાંભળ્યું ? સુન્દરભાભી, જવાદ્યો એ વાત. હવે પ્રાણ ને પ્રતિષ્ઠા સાથેલાગાં જ જશે, બીજો માર્ગ નથી. હું જાઉં છું - જરીક આ કનાત પાછળ જઈને આવું છું – જઈશ – રોઈશ ! મ્હારી જોડે ન આવશો – મને એકલી પડવા દ્યો.

ગુણસુંદરી ઉઠી ને એણે જવા માંડ્યું, એ ગઈ - “ભલે, જરા જઈ આવો, જરા મોકળું મુકશો ત્યારે કળ વળશે” :– સુન્દર બોલી, એક કોચ ઉપર બેસી રહી, ને ક્રોધ ભરેલા મુખથી, ઉછાળો મારી, એક ખુરસી ઉપર બેસી રહેલી કુસુમને ક્‌હેવા લાગી.

“તમને જન્મ આપ્યા તે આ માટે ! જા ! વડીલે આજ્ઞા આપી છે તે જોડેના તંબુમાં જઈને ત્હારી બ્હેનને જે પુછવું હોય તે પુછજે ને કાન ફુંકવા હોય તે ફુંકજે ! હવે તમે બે જણીઓ માની મટી છો ને બાપે બે બળદીયા આંક્યા તે મ્હાલાય તેમ મ્હાલો !"

કુસુમ ધીરે રહી બોલીઃ “કાકી, આકળાં શું કરવા થાવ છો ? બ્હારની વાત સાંભળી બ્હેનને માથે વગર ન્યાયનો આરેાપ શું કરવા મુકો છો? હજી એના મ્હોંની વાત તો જાણી નથી ને પુછી પણ નથી !”

સુન્દર– શું જાણવાનું હતું? ફ્લોરા, તું, મોહની, અને ચન્દ્રાવલી મળી જે ક્‌હો તે ખરું અને હું અને ત્હારી મા ખોટાં - ત્યાં સાંભળવાનું યે શું રહ્યું ? એ ને તું બધાં શું ક્‌હેશો તે ન સમજીયે એવી ન્હાની કીકી હું યે નથી ને ત્હારી મા પણ નથી ! વટલી જઈને બાવી થઈ તે વંઠી જઈને નાતરું કરશે ને ત્હારે બાવી થઈને મીરાંબાઈ થઈ નાચવું છે! દીકરો સપુત ઉઠ્યો તેણે સૈાભાગ્યદેવીને શ્મશાન દેખાડ્યું . ને દીકરીયો કુળદીપક નીવડી તે ગુણસુંદરીને શ્મશાન દેખાડશે ! કુસુમ ! અમારા હાથ નીચા પડ્યા ને હવે તો દીકરીઓ કરશે તે માવરો વેઠશે; માટે તું જા અને જેમ તને સુઝે તે કરજે ને કરાવજે !

કુસુમ૦– હા, હું જાઉં છું ! ને કુમુદ બ્હેનને બધાં તરછોડશે ત્યારે હું એની થઈશ. નથી તેને પુછતાં કે બેટા, શું થયું ? ને નથી તેને ક્‌હેતાં કે તું ગભરાઈશ નહી. મને મ્હારી રજ ચિંતા નથી – આ તંબુની પેલી પાસની ખોમાં કુસુમને ગગડાવી પાડશે તે ખમાશે - પણ આટલી આટલી દુઃખની ચ્હેમાં ગરીબડી કુમુદબ્હેનને નાંખી તેને હવે શાંતિ વાળવાની વાત તો રહી પણ દાઝ્યા ઉપર ડ્હામ દ્યો છો ને નથી કોઈ જોતું ન્યાય કે અન્યાય – તે તો કુસુમથી નહીં ખમાય.

સુન્દર૦- જા, બાપુ, જા.

કુસુમ૦- તે જાઉં છું જ, પણ સરત રાખજો કે ગુણીયલને શાંત કરવાને સટે નકામાં ઉકળવા દ્યો છો ને મા અને કાકી જ કુમુદબ્હેનની વાત સરખી સાંભળવાની વાટ જોતાં નથી તે સઉ પસ્તાશો !

“કળિયુગનું માહાત્મ્ય પૂર વેગથી બેઠું !” એવા શબ્દો કાકીના મુખમાંથી પોતાની પુંઠ પાછળ નીકળતા સાંભળતી સાંભળતી કુસુમ સુન્દરને મુકી બીજા તંબુમાં જઈ તેની બ્હાર માર્ગ ઉપર દૃષ્ટિ જાય તેમ ખુરશી માંડી બેઠી. બે પાસ ઝાડોવાળા લાંબા સાંકડા રસ્તાનો વાંક ઘણો આછો થઈને છેક આઘેથી દૃષ્ટિની હદ બાંધતો હતો. ઉપર ઝાડોની ઘટા, નીચે લાલ માટી વચ્ચે ડબાયલા પથરા ને પથરાઓની વચ્ચે માટી, આખે રસ્તે ઝાડની શીતળ લાંબી પથરાયેલી છાયામાં વચ્ચે વચ્ચે પાંદડાઓમાં થઈને આવતા તડકાની – કરોળીયાની હાલતી જાળ જેવી – જાળીઓ અને કંઈ કંઈ ડાળો વચ્ચેના માર્ગમાં થઈને આવતા તડકાના સાપ જેવા લીસોટાએ : કુસુમની આતુરતાને સ્થાને તૃપ્તિ ભરવા લાગ્યાં ન લાગ્યાં. રસ્તાની છેક પેલી પાસ તડકામાં કંઈક છાયાનો આકાર દેખાય કે ત્યાં થઈને કોઈ માણસે આવતાં હશે એવી કલ્પનાથી તે ચમકતી હતી ને ઉભી થઈ થઈને, આંખો ઝીણી કરીને, દૂર દૃષ્ટિ નાંખતી હતી; કોઈક વેળા કલ્પના ખોટી પડતાં બેસતી હતી; કોઈક વેળા માણસને સટે ગાયો, ઘેટાં, હરિણ, ને કુતરાં આવતાં દેખાતાં; કોઈ વેળા ભીલ, સાધુઓ, યાત્રાળુઓ, વગેરે આવજા કરતાં નીકળતાં; પણ બ્હેનને જોવાની આતુર આંખો થાકી નહી.

એ માર્ગના છેડાની પેલી પાસ માનચતુર રસ્તાની એક પાસ “માઈલ” દર્શાવવાના પથરા ઉપર, હાથમાં લાકડી ને લાકડીની ટોચ ઉપર હડપચી ટેકવી, બેઠો હતો ને જે આવે તેને તેની પાછળ કોણ છે એવું પુછતો હતેા.

અંતે ચન્દ્રાવલી અને કુમુદ માનચતુરની દૃષ્ટિમર્યાદામાં દેખાયાં. કુમુદે ભગવી કંથા ધારી હતી ને ચન્દ્રાવલીની આંગળીયે વળગી ધીરેથી વાતો કરતી કરતી આવતી હતી. એના મુખ ઉપર શોકને સ્થાને ધૈર્ય, શાન્તિ, સ્થિરતા, અને આગ્રહ હતાં, ને એના કપાળ વચ્ચે ઉભા તિલક પેઠે બે ત્રણ ઉભી કરચલીયે વળી હતી. થાકેલી લાગતી હતી પણ એના પગ થાકને ન ગાંઠતાં નવા પ્રાણથી ઉપડતા લાગતા હતા. એની દૃષ્ટિ છેટેથી માનચતુર ઉપર પડી તેની સાથે એ ઉભી રહી, વાતો કરતી અટકી, ને ચન્દ્રાવલીને ચાલતી અટકાવી.

“કેમ, બેટા, અટકી ? ” ચન્દ્રાવલીએ ચિન્તાથી પુછયું.

કુમુદ૦– મ્હારા વૃદ્ધ પિતામહ જેવું કોઈ છેટે દેખાય છે.

ચન્દ્રા૦- એ તો એ જ. બેટા, જે અતિવત્સલ ધર્મિષ્ટ પિતાની તું પુત્રી છે તેના પુણ્ય શરીરનું આ ઉદ્ભવસ્થાન તું પરમ તીર્થ જેવું ગણજે. સંસારના અભ્યાસ એમની પાસે બે કઠોર વચન બોલાવે તો હિમાચલના કર્કશ કઠિન પથરાઓ વચ્ચે વચ્ચેના અવકાશમાં ગંગાજીનું મિષ્ટ અમૃત જળ પોતાનો માર્ગ કરે તેમ, તું પણ મિષ્ટતા છોડ્યા વિના ચતુર ગતિથી ચાલજે.

કુમુદ૦- પ્રલયને પ્રસંગે સૃષ્ટિની ચિન્તા કરતા પરમપુરાણુ વૃદ્ધતમ નારાયણ એકલો જાગે છે તેમ એ મ્હારા પરમ વત્સલ વડીલ મ્હારી ચિન્તા કરતા જ બેઠા હશે.

તે બોલતી હતી એટલામાં તો માનચતુર જ તેની પાસે આવ્યો ને એનું મુખ જોવા નીચે વળી બોલ્યો: “મ્હારી કુમુદ !” “હા ! વડીલ ! આપ ખુશી છો !” બોલતાં બોલતાં કુમુદની આંખેામાં આંસુ ભરાયાં ને એ રોઈ પડી.–“મ્હેં આપને સર્વને બહુ દુ:ખી કર્યાં !”

માનચતુર એને માથે અને વાંસે પોતાને કરચલીઓવાળો વૃદ્ધ હાથ મુકતો ફેરવતો બોલ્યોઃ

“બેટા ! તું રજ ગભરાઈશ નહી. જેણે તને બ્હારવટીયાઓમાંથી ઉગારી તે જ હું છું ! કોઈ ત્હારું નહી થાય તો હું થઈશ - પણ ત્હારો આ ભેખ મ્હારાથી જોવાતો નથી !”

માનચતુરનાં વૃદ્ધ નેત્રમાં પણ આંસું ભરાયાં તે ઉંચું જોઈ ઉંચે હાથે લ્હોતી લ્હોતી પૌત્રી બોલી : “દાદાજી, વિધવાનાં વસ્ત્ર કરતાં આ ભગવી કન્થા વધારે સારી છે ને ચન્દ્રાવલીબ્હેન જેવાં સાધુજનના સત્સમાગમ મ્હારા સંસારના ઘા રુઝાવી બહુ શાન્તિ આપે છે-માટે આપ સ્વસ્થ થાવ ! આપે મ્હારા બાળપણમાં ગુણીયલની આટલી આટલી ચિન્તા કરી ને આટલે વર્ષે હજી પણ અમારી ચિન્તા કરવાનું આપને બાકી ર્‌હે એ મને ગમતું નથી. આપ સર્વે આટલે સુધી મ્હારે માટે આવો અને હું આપનાથી ગુપ્ત રહું તો કૃતઘ્ન થાઉં માટે આપને મળીને સાધુસમાગમમાં આયુષ્ય પુરું કરવા આજ્ઞા માગીશ તેની આપ ના નહી ક્‌હો !”

“કુમુદ ! બેટા ! ત્હારા સુખને માટે જે કહીશ તે કરીશું. આ ઉંચેથી આભ પડશે તેની ત્હારા દાદાને ચિન્તા નથી. પણ ત્હારી આંખમાં આંસુનું ટીપું સરખું દેખું છું ત્યાં મ્હારો જન્મારો ધુળ વળ્યો સમજું છું!”

શોક સમેટી વાતો કરતાં કરતાં સઉ તંબુ ભણી વાધ્યાં તે છેટેથી દેખાતાં, હરિણ પેઠે કુસુમ દોડતી દોડતી આવી ને –“બ્હેન! તમે આવ્યાં?” કરી બળથી કુમુદને વળગી પડી ને કુમુદે એને છાતી સરસી ચાંપી. બે બ્હેનોની આંખોમાં હર્ષનાં આંસું હતાં, પણ કુમુદનો હર્ષ અપ્રકટ હતો ત્યારે કુસુમને હર્ષ ઉછળતો હતો. બે બ્હેનોને અત્યંત પ્રેમથી મળેલી જોઈ ર્‌હેલા માનચતુરનું હૃદય નવા આનંદથી તૃપ્ત થતાં તૃપ્ત થયું નહી.

"કુસુમ ! બ્હેનની તું હવે એકલી જ રહી ! હવે એનાં ભગવાં ક્‌હડાવવાં એ ત્હારી ચતુરાઈની કસોટી !

કુસુમ કુમુદથી છુટી પડી, પળ વાર એનો ભેખ જોઈ રહી, ને વડીલ સામે કમળનાળ જેવો કણ્ઠ ફેરવી બોલી. “દાદાજી, અમે બે બ્હેનો જ હવે એક બીજાંની એકલી રહી એ તો ખરું કહ્યું. હવે ગુણીયલ પણ બ્હેનનાં નથી. બાકી ભગવાં તો મને પણ ગમ્યાં ને હવે તો આપના મ્હોંની વાણી ફળે ને બ્હેનના જેવાં ભગવાં મને પણ મળે એટલે હું મ્હારાં કુમુદબ્હેનની ને કુમુદબ્હેન મ્હારાં ! દાદાજી, ચતુરાઈ તો ભગવાં રાખવામાં છે – ઉતારવામાં નથી !”

વાર્તાવિનોદ આ નવા રૂપથી પ્રવાહ પામ્યો અને ચારે જણ વાતો કરતાં કરતાં આગળ ચાલ્યાં, તંબુ આવ્યો એટલે કુસુમ બોલી:

“દાદાજી, આપે ગુણીયલને શીખામણ દીધી તે શેઠની શીખામણ ઝાંપા સુધી રહી છે. માટે હવે આ ચન્દ્રાવલીમૈયાને ગુણીયલ પાસે બેસાડો કે બધી વાત કહી એમનો ઓરતો પુરો કરે ને એમને ને કાકીને ત્હાડાં પાડી માદીકરીને હસતાં મળવાનો પ્રસંગ આણે. બાકી હવણાં બ્હેનને ત્યાં લઈ જશો તો ગુણીયલ મનના ઉભરા ફહાડ્યા વિના નહી ર્‌હે, ને ઉભરો નહી ક્‌હાડે તો નહી બોલે ને નહી હસે, ને કંઈ નહી બોલવાનું બોલી બેસશે. આટલા દુ:ખમાંથી છુટી બ્હેન આવ્યાં છે તેમનાથી આ જોઈ નહી શકાય ને એમનું કાળજું કહ્યું નહી કરે ને હું આવીશ તો ગુણીયલ જોડે લ્હડી પડીશ. માટે અમે બે અમારી મેળે આ તંબુમાં બેસી વાતો કરીશું ને આપને ગુણીયલનો વિશ્વાસ પડે ત્યારે અમને બોલાવજો – તે વાતો કરી રહ્યાં હઈશું તે આવીશું. બ્હેન, ગભરાશો નહી - ગુણીયલને હવણાનું આવું આવું બહુ થાય છે ને પાછાં જાતે જ શાંત થાય છે. તે આપણે એ શાંત થશે ત્યારે જઈશું ને તે પછી આવું થવાનો એમને ફરી વારો નહીં આવવા દઈએ. આપણે ધારીશું તે કરીશું.”

ચન્દ્રાવલી ભણી જોઈ કુમુદ બોલી: “ચન્દ્રાવલી બ્હેન, મને લાગે છે કે કુસુમ યોગ્ય માર્ગ દર્શાવે છે. મ્હારે માટે અનેક ઉડતી કથાઓ સાંભળી અનેક સંકલ્પવિકલ્પથી મ્હારાં વત્સલ ગુણીયલનું ચિત્ત મન્થન પામતું હશે અને તેમની પાસે બધી વાત મ્હારે સ્વમુખે કહેવી તે સંસારની નીતિથી અને રીતિથી વિરુદ્ધ છે ને આપના સમાગમથી ચિત્તના પડદા તોડવાનો જે અધિકાર હું પામી છું તે અંહી તોડીશ તો સુલટાને સ્થાને ઉલટું પરિણામ આવશે. માટે તમે દાદાજી જોડે પ્રથમ ગુણીયલ પાસે જાવ અને મ્હારા સંબંધમાંનો સર્વ ઇતિહાસ તમે એમને અથથી ઈતિ સુધી જાણો છો તેવો કહી બતાવજો, ને પવનથી કમ્પતા દીવા પેઠે અનેક વાતેાથી કમ્પતા એમના કોમળ હૃદયને તમારી સાધુ વૃત્તિની દક્ષતાથી સ્થર કરજો ને તેની સ્થિરતા પ્રત્યક્ષ કરો એટલે તેની આજ્ઞા માગી મને બેાલાવજો. એમની પાસે તરત આવવાનું મને ભય નથી, પણ એમના પોતાના સ્નેહમર્મને મ્હારું દર્શન જ ત્રાસ આપશે તે મ્હારાથી જોઈ નહી શકાય. પણ તમારી અચલ પવિત્રતા ઉપર એમને પરમ પ્રીતિ છે, તમારાં વચન ઉપર એ અત્યંત શ્રદ્ધા રાખશે, અને તમારી સુજનતા એને શાંત કરશે.

"દાદાજી, ચન્દ્રાવલીબ્હેનને માટે આપને બહુ ક્‌હેવાની અગત્ય નથી. મને બે વાર એમણે આયુષ્ય આપ્યું અને ત્રીજી વાર આયુષ્યની સફળતા આપી. રાંક કુમુદને માટે આપે આ વૃદ્ધ શરીરને અત્યંત ભયમાં નાંખ્યું અને આપના મનને પરમ ચિંતામાં નાંખ્યું છે ને નાંખો છો તો હું વધારે શું કહું ? ચન્દ્રાવલીબ્હેને મ્હારી વીતેલી વાતો સર્વે પોતાના હૃદયમાં લખી રાખી છે તેમાંના લેખ આપ વાંચજો – ને આપ, પિતાજી, અને ગુણીયલ, ત્રણ જણ મળી મ્હારા ધર્મનો ન્યાય કરજો એટલે તે પછી મ્હારે કાંઈ જોઈતું નથી. સંસારનો ત્યાગ કરવો મ્હારે હવે બાકી નથી, પણ ત્યાગી જનેતાના સંપ્રદાયમાં સ્વસ્થતા પામી છું ને આ ભેખ એક વાર સ્વીકાર્યો છે તેનો હવે ત્યાગ થાય એમ નથી. દાદાજી, હવે મ્હારી ચિંતામાંથી સર્વને મુક્ત થવા વારો આવે છે ને હવે આપે મ્હારે માટે એક ચિંતા કરવી બાકી રહી છે તે ચિંતાને, ચંદ્રાવલીબ્હેન પાસેથી સર્વ વાત સાંભળીને, આટોપી લેજો. ગુણીયલને ક્‌હેજો કે કુમુદ જેવી રાંક હતી તેવી જ રાંક હજી છે, પણ એને માથે ધર્મ પ્રાપ્ત થયા છે તે ધ્યાનમાં લેઈ એનું મ્હોં દેખાડવાનો એને અધિકાર આપશો તો એ આપનાં પવિત્ર પ્રેમાળ દર્શનનો લાભ પામશે ને એ અધિકારને યોગ્ય કુમુદને નહી ગણો તો આજ સુધીનાં એનાં નવ્વાણું ટુંકાં ભાગ્યમાં સેામું એક ઉમેરાશે. દાદાજી, કુમુદ હવે પોતાનાં ટુંકાં ભાગ્યને કરેલાં કર્મનાં ફળ જ ગણે છે ને એ કડવાં ફળ ખાતાં મ્હોં બગાડતી નથી. દાદાજી, સાધુજનનો સમાગમ ફરીથી આવા અવતારમાંથી મને મુકત કરશે ને ધરેલાં ભગવાંનો ત્યાગ હવે કરું તો ફરી એવા અવતારના કુવામાં પડવા જેવું છે તે ન કરવું એ હવે મ્હારો નિશ્ચય છે, અને નિશ્ચય કર્યો છે તેટલી ક્ષમા કરજો.

“મ્હારાં વચનથી આપની વૃદ્ધ આંખોમાં આંસુ આવે છે તે ન આણશો ! દાદાજી, હું પરમ સુખી થઈ છું તે જાણી આનંદ પામો.”

પોતાનાં આંસુ લ્હોતો લ્હોતો માનચતુર નરમ પડી જઈ બેાલ્યો. “બેટા, ત્હારું અકેકું વેણ મ્હારું કાળજું કોરી નાંખે છે. મ્હારાથી નથી બોલાતું !”

ડોસો નીચે બેસી કપાળે હાથ દેઈ હૃદયમાં રોવા લાગ્યો ને કુમુદ એને ગળે વળગી એનાં આંસુ લ્હોવા લાગી. “દાદાજી, કુમુદને આવી વ્હાલી ન કરશો. આપે આવે આવે પ્રસંગે કદી આવું પોચું મન દેખાડ્યું નથી તે હવે આપના ઘડપણમાં આપના હૃદયને આમ હલમલાઈ જતું જોવાનું હું બાળકનું ગજું નથી."

કંઈક સ્વસ્થ થઈ, ઉભા થઈ માનચતુર બોલવા લાગ્યો : “ચિંતા નહી. કુમુદ, ત્હારે ભગવાં રાખવાં હશે તો હું પણ ભગવાં લેઈ આ સાધુઓમાં રહીશ. મ્હારા કુટુંબનો આટલો આટલો વિસ્તાર હતો તેમાંથી સર્વ હવે ત્હારા ને કુસુમના ઉપર આવી રહ્યું, ને તેમાં પણ ત્હેં ભગવાં ધર્યા ને કુસુમ - કોણ જાણે - શું કરશે ! બેટા, હવે હવણાં આ વાત નકામી છે. થોડી ઘડીમાં, અને થોડી ઘડીમાં નહીતો એક બે દિવસમાં, સઉ વાતનો ફેંસલો થઈ જશે તો હું એટલા માટે અધીરો નહી બનું, પણ તમે બે બ્હેનો મ્હારા ઘડપણને છેડો કેવી રીતે આણો છો તે જોઈશ, ને તે પછી ત્હારા જેવી બાળકને જ્યારે ભગવાં જ ગમશે ત્યારે હું પણ જ્યાં તું ત્યાં હું – મને પણ ભગવાં ગમશે, ભગવાં ધરીશ, પણ જે બે ચાર વર્ષ જીવવાનાં બાકી હશે એટલાં તને જોતો જોતો પુરાં કરીશ ત્યારે જ મ્હારો જીવ ગતે જશે.”

કુમુદ૦– દાદાજી, આપ સાધુ થશો તો સુખી થશો ને આપ અંહી વસશો તો હું વધારે સુખી થઈશ. હું મ્હારે માટે જે કહું છું તે સંસારથી કંટાળીને નહી પણ મ્હારા અંતઃકરણથી કહું છું તેની હવે આપને શંકા નહી રહે.

માન૦- ના, બેટા, હવે નહી રહે, તો કુસુમ, તું કુમુદને લઈ સાધુજનને માટેના તંબુમાં જા અને હું ચન્દ્રાવલીને લેઈ ગુણસુન્દરી પાસે જાઉં છું.

કુમુદ૦- ચન્દ્રાવલીબ્હેન, મોહનીમૈયાએ ગુણીયલને જે વાક્ય પ્રહાર કર્યો તેવા તમે નહી કરો એવું મને અભય–વચન આપીને જાવ. મને જન્મ આપી એણે અનેકધા દુ:ખ વેઠ્યું છે તે દુઃખોમાંથી એને મુક્ત કરી મ્હારે ઋણમુક્ત થવું છે.

ચન્દ્રા૦– મધુરી ! ચન્દ્રાવલીથી તને અભયવચનની સર્વથા પ્રાપ્તિ જ છે ને તે પણ વગર માગ્યે મળી સમજવી. માનચતુરજી, આપની મધુર પુત્રીનું નામ અમે મધુરીમૈયા પાડ્યું છે.