← કુળ સવિતા-સુંદરી
આશા ને નિરાશા
ઇચ્છારામ દેસાઇ
૧૮૯૧
નિશ્ચય →


પ્રકરણ ૪ થું.
આશા ને નિરાશા.
“ફલક તૂને ઇતના હંસાયા ન થા,

કિ જિસકે બદલ યોં ફુલાને લગા.

[હસન.

સવીતાશંકર હંમેશા જે સમયે પોતાના બનેવીની ખબર લેવાને જતો હતો, તે સમય ચુકાવીને તે આજે સંઝ્યા સમયે તેને ઘેર ગયો. સુંદરીના પિતાપર જે પત્ર લખ્યો છે તેને દશ દિવસ વિતિ ગયા છે, ને જો આજે તેનો પ્રતિઉત્તર આવ્યો નહીં તો સુંદરી સાથે પોતાના લગ્ન થશે એમ તે ખાત્રીપૂર્વક માનતો હતો. આવા વિચારમાં તે આખો દિવસ ચિંતાતુર રહ્યો હતો, તેથી આજે તે સંઝયાકાળે બેહેનને ઘેર આવ્યો; ને ધાર્યું કે સંઝ્યાકાળે ત્યાં બે ત્રણ કલાક બેસીને સુંદરીના પિતાના પત્રની ખબર કાઢ્યા પછી ત્યાંથી જવું.

રસ્તામાં તે વિવાહ-લગ્નનોજ વિચાર કરતો

હતો. તેના મનમાં આ શ્લોકનું સ્મરણ થઇ આવ્યું:

आवन्नविन्ह तेजायां तावदर्ध्दो भवेत् पुमान् ।

यत्रबालै: परिवृतं श्मशानमिव तद्‍गृहम् ॥

“નિશંક, આ સત્ય છે, જ્યાં સુધી સ્ત્રી ઘરમાં નથી ત્યાં સુધી ઘર નિસ્તેજ અને ખાવા ધાય તેવું છે.”

આવા વિચારમાં ગુંથાયલો તે પોતાના બનેવીના ઘર આગળ આવી પહોંચ્યો ને બારણું ઠોક્યું. સવીતાની બેહેને આવીને બારણું ઉઘાડ્યું, તો જણાયું કે આજે તેની બેહેનનું મોઢું ખીન્ન જણાય છે. પણ આ વખતે સવીતાશંકરનું મન સુંદરીમય હતું એટલે તેના મનમાં બીજા વિચારને રહેવાને સ્થાન હતું નહીં. તેથી તેના મનમાં, પોતાની બેહેનનું મન કંઈ વિલક્ષણ છે એમ આવ્યું જ નહીં. તે આગલા દિવસોની માફક પોતાના બનેવી પાસે જઇ બેઠો, ને પૂર્વાપેરે ગુણવંતગૌરી અથવા બીજા કોઇના મોઢાથી શું વૃત્તાંત બન્યો છે તે જાણવાને તે ઉત્કંઠીત થઈ રહ્યો. પણ આજે તેની પાસે આવીને કોઇ સમાચાર કહે તેમ જણાયું નહીં. સવીતાનું મન ઉથલપાથલ થઇ રહ્યું, ને તેથી તેનો બનેવી જે કંઇ બોલતેા હતો તેનો એક પણ શબ્દ તેના કાનમાં પ્રવેશ કરી શકતો નહોતો. તેનો બનેવી એકાદ પ્રશ્ન પુછીને તેના ઉત્તર માટે રાહ જોતો હતો. પણ સવીતાશંકરે વાત જ સાંભળેલી નહીં એટલે તે ઉત્તર શો આપે ? ઘણું થતું તો તે માત્ર “હાં, પછી,” એમ કહેતો અને વખતે તે હાની જગ્યાએ ના ને નાની જગ્યાએ “હા બરાબર છે,” એમ યદ્‌વા તદ્‌વા બોલાઇ જતું હતું.

સવીતાશંકરનો બનેવી આ પ્રમાણેનું તેનું ચંચળ-વિકળ મન જોઇને ઘણો આશ્ચર્ય પામ્યો; પણ તે આનું કારણ સારી રીતે જાણતેા હતેા. પરંતુ મુદ્દાની વાત કહીને સવીતાને દિલગીર કરવો નહીં એવા વિચારથી તે મૌન્ય ધરી રહ્યો પણ જે વાત ચાલતી હતી તે વાત બંધ કરી ને તે તુરત તો અબોલ રહ્યો. સાંઝ બરાબર થઇ. સઘળે દિવા બળવા લાગ્યા. અને સવીતા ને તેનો બનેવી જ્યાં બેઠા હતા ત્યાં આવીને એક ચાકરડી દીવો પ્રકટાવી ગઇ. તે પછી તેણે ચારે તરફ નજર કરી તો સૌ ચિંતામાં જ્યાં ત્યાં બેઠા હતા, ને કોઈ કંઈ બોલતું નહોતું. આવો રાહઘાટ જોઈને સવીતાએ પોતાના બનેવીને કહ્યું કે, “હવે હું તો જાઉ છું.”

તેના બનેવીએ કહ્યું, “હાં, ઠીક, વખત પણ ઘણો થઇ ગયો છે, જાઓ, ભાઈ." આ વાત સાંભળી સવીતા ઉભો થયો; પણ તેટલામાં તેના બનેવીને કોઇ વાતનું સ્મરણ અકસ્માત થઈ આવ્યું હોય તેમ મોઢું કરીને તે બોલ્યોઃ

“ભાઈ સવીતાશંકર, અરે તને એક વાત કહેવાની રહી ગઇ છે તે સાંભળતો જા.”

બનેવીનું આ બેાલવું સાંભળી, સવીતાનું હૃદય વૃક્ષસ્થળમાં એવું તો ઉછળવા લાગ્યું કે તેને એમ શંકા થઇ કે કદાચ તેનો બનેવી તેના ધપકારા સાંભળશે. પછી સવીતા જ્યાં ઉભેા હતેા ત્યાંજ બેસી ગયો ને બોલ્યો, “બોલો, શું કહો છો ?"

બનેવી બોલ્યો, “ભાઈ, તારો વિવાહ સુંદરી સાથે થવાનો હતો તેમાં વિઘ્ન આવ્યું છે, ને તેથી ધારૂં છું કે આ વિવાહ થાય તેમ નથી.”

સવીતાએ પુછ્યું, “એ તમને કોણે કહ્યું ?” તેનો બનેવી બોલ્યો, “સુંદરીની માતા ગુણવંતગૌરીએ પોતાની એક સગી સાથે આ સમાચાર કહાવ્યા છે. તેની તે સગીએ કહ્યું કે ગુણવંતગવરી ઘણા શરમાય છે તેથી આવ્યા નથી, ને મને મોકલી છે.”

આ સાંભળતા સવીતા જડવત્ થઈ ગયો; પણ પછી બેાલ્યો; “શું, લગ્ન નહીં થાય ?"

તેના બનેવીએ કહ્યું, “સુંદરીના પિતાનો પત્ર આવ્યો છે કે તે કોઇ કુલીન વરને લઈને ઘણો જલદી વડોદરે આવશે.”

આ સાંભળી સવીતાશંકરમાં ઉઠવાની પણ આય રહી નહીં; છતાં તે જેમ તેમ કરતા બોલ્યો, “આ વાત તો હું પહેલેથીજ જાણતો હતો કે મારા લગ્ન સુંદરી સાથે કદી પણ થશે નહીં તે તો કોઈ કુલીન સાથે થશે ! કુલીન લોકો પોતાની કન્યા મને કેમ આપી શકે વારૂ ? પણ જ્યારે તેઓ મને પુછતા હતા ત્યારે હું હુંકારો દેતો હતો કે 'ઠીક છે,' બાકી મેં આશા રાખીજ નથી. પણ સુંદરીને કોઈ સુંદર વર મળે તો ઘણું રુડું !" સવીતાશંકરનો બનેવી તેના આ બોલવા૫ર કંઇ બોલ્યો નહીં; તે મુંગોજ રહ્યો. થોડીવાર સવીતા ત્યાં મૌન્ય ધરી બેસી રહ્યો, ને પછી પોતાના બનેવીને કહીને પોતાને ઘેર આવ્યો. તેની તે રાત્રી કેવી વિતિ હશે તે માત્ર અનુમાનથીજ વિચારી લેવું જોઇયે. બીજે દિવસે પ્રભાતમાં ઉઠીને તેણે પોતાના પુસ્તકો ઉઠલાવ્યા, કેમકે હવે પરિક્ષાને ઘણા દહાડા નહોતા. પણ તેનું ચિત પાના પુસ્તકપર ચોંટ્યું નહીં, તેથી તેણે થોડા દિવસની રજા લઈને પોતાને સ્વગામ નડીયાદ જવાનો વિચાર કીધો. પોતાના ગાંસડા પોટલા બાંધ્યા, ને બપોરના ગાડી આવતા તે રેલવેમાં બેઠો. જ્યાં સુધી વડોદરા દેખાયું ત્યાં સુધી તો તે જેમ તેમ ધૈર્ય ધારી રહ્યો, પણ વડોદરા દૃષ્ટિથી દૂર થતા તે વસ્ત્રમાં મેાઢું છુપાવી અશ્રુપાત કરવા લાગ્યો. તેણે નિશ્વાસથી ઘણી લાંબી હાય મારી, ને માત્ર એકવારની આશાથી તેનું અંગ અડધું નંખાઈ ગયું. તેના મનમાં આવ્યું કે વિદ્યાસંપતિ કરતા આજકાળ તો કુળસંપતિ શ્રેષ્ઠ થઇ પડી છે.