સવિતા-સુંદરી/ઉપસંહાર
← ખુલાસો | સવિતા-સુંદરી ઉપસંહાર ઇચ્છારામ દેસાઇ ૧૮૯૧ |
तत्तस्य किमपिद्रव्यं यो हिस्यप्रियोजनः ॥
- ઉત્તરરામચરિત.
- ઉત્તરરામચરિત.
આજે સવિતા અને સુંદરીનાં લગ્ન થયાને ત્રણ વરસ વીતિ ગયાં છે; ને ગુણવંતગવરી
- ↑ * જો કે જે કાંઇ પણ કરતી નથી, પણ સુખોની વાતેાથી દુ:ખોને ભૂલાવી દે છે, તે તેનું કાંઈ દ્રવ્ય છે, કે જે જેને પ્રિય છે.
સૌભાગ્ય ભોગવતી, પણ મહાકષ્ટમાં રહીને પણ
પતિનું કલ્યાણ ઇચ્છતી સર્વ પ્રકારે દુઃખમાં દહાડા
ગાળે છે.
લગ્નને બીજે દિવસે વિગ્રહાનંદે ગાયકવાડી કચેરીમાં ફરીયાદ માંડી ને સવીતાને સપડાવવાનો ઘણો પ્રયત્ન કીધો હતો, પણ તેમાં તે કોઈપણ રીતે ફાવ્યો નહીં. નકામા ભિક્ષા માંગીને પાંચ દશ રૂપીઆ એકઠા કીધા હતા તે તણાઇ ગયા.
અને વિઘ્નસંતોષીરામે પોલીસમાં ફરીયાદ માંડી હતી કે ગોકુળરાયજીએ મારા દાગીના લુટી લીધા, પણ તેનું તદન તૂટ હતું તેથી તે જેવો ફરીયાદ કરવા ગયો હતો તેવોજ પાછો ફર્યો. પણ ઘેર ગયા પછી વળી એક બીજો આંધળો ને હૈયાફુટો ઐોદિચ મળી આવ્યો, તેણે પોતાની તેર વરસની કુમારી પુત્રીનાં લગ્ન કીધાં, લગ્નને છ માસ વિત્યા નહીં તેટલામાં વિઘ્નસંતોષીરામ, ખાવાના સાંસા પડ્યાને લીધે ને ત્રણ નકોરડા ખેંચી કાઢવાથી માંદો પડ્યો. ક્ષુધાપીડિત હોવાથી જ્વર લાગુ પડ્યો. તે કેટલાક દિવસ સુધી ખાટલા વશ રહ્યો. પૈસા ન હોવાથી ઐાષધ ઉપચાર પણ ન થાય, ને તેથી તે રાતમાં એકાએક મરણ પામ્યો, ને ૧૨ સ્ત્રીઓને સામટો રંડાપો આપી પોતાના ન્યાયકર્તા પાસે ન્યાય લેવાને સિધાવ્યો.
સવીતાશંકર ને સુંદરી પૂર્ણ સુખી હતાં પેહેલે વરસે તે સવીતા પરિક્ષામાં નાપાસ થયો. આ વેળાએ તેને ઘણો સંતાપ થયો, પણ સુંદરીએ તેના મનનું એવી તો ઉત્તમ રીતે સમાધાન કીધું કે તેના હૃદયના પૂર્ણ હુલ્લાસ સાથે તે સર્વે દુઃખ વિસરી ગયો ને તે બોલ્યો, “જેને સદ્ગુણી સ્ત્રી મળે છે તેને અમુલ્ય રત્નો પણ કુછ બિસાતમાં નથી.” બીજે વરસે તેણે પરિક્ષા પસાર કીધી, તે પોતાના સુશીલ સ્વભાવથી ગાયકવાડીમાંજ ઘણી સારી નોકરી મેળવી શક્યો છે.
સંધ્યાકાળનો સમય છે. સુંદરી ને સવીતા બંનો કામાટીબાગમાં ફરે છે. ફરતાં ફરતાં આરસના મંડપ આગળ બંનો આવી પહોંચ્યાં. પક્ષીઓનો ચોતરફથી આવતો મધુરો કીહૂં કીંહૂં ને ટીંહૂં ટીંહૂં, તેમાં ચલ્લીઓની ચીચી ને કાગડાઓનો વચેવચે સંભળાતો કા કાનો સ્વર, તેમાં આવતો વળી મંદમંદ પવન, નિર્મળ આકાશ, ડોલી રહેલી લતાઓ ને ઝુકી રહેતાં વૃક્ષો, કોઇ કોઇ સ્થળેથી આવતો સુગંધી સમીર, દૂરથી સંભળાતો ગાડીનો ગડગડાટ ને અશ્વનો હણહણાટ, ફાંકડાએાનું ફરતાં ફરતાં મરાતુ તાન, અને ચોમેર જણાતો લીલોતરીનો બહાર, સર્વેને એટલો બધો શોભાયમાન લાગતો હતો કે તે દંપતી આ લીલામાંજ એકતાર થઈ ગયાં, ને તે આરસની બંગલીમાં જઇને મૂંગાં મૂંગાં બેઠાં. સૃષ્ટિલીલા જોતાં બંનોનાં નેત્રતૃપ્તિ થતાં નહોતાં, તેવામાં પૂર્વ તરફથી ધીમેધીમે પ્રકાશ કરતો વટસાવત્રિ પૂર્ણિમાનો ચંદ્રપ્રકાશ જણાયો, કે દંપતીના પ્રેમાળ હૃદયનો પૂર્ણ પ્રેમ પ્રકાશ્યો. એકએકને અડીને સાથે બેઠાં છે, એક એકના મધુરા મુખનું પાન કરે છે, તેવામાં સવીતા મંજુળ સ્વરે બોલ્યો; “ સુંદરી, તારૂ પ્રફુલ્લીત મુખ કમળ જોતાં મને જનકલલીની પ્રેમ પ્રભાનું ગુમાન આવે છે, વનવાસમાં તે નવ યૌવના, પ્રેમ મૂરતિ, રાજકુંવરી, સતી સાધવી શશીમુખી સીતા, રામને કંઈ પાણી આપીને, કે પગ ચંપી કરીને, કે ગાન કરીને, કે રસોઇ કરી નિત્ય નિત્ય નવ નવાં ભોજન જમાડીને, કે પ્રેમ વાર્તા કરીને, કે વનલીલા નિરખવા નિકળતાં સાથે જઇને, કે રામના પરાક્રમનાં વખાણ કરીને કે પિતૃઆજ્ઞા પાળી તેને માટે સ્તુતિ કરીને, કે લુગડાં લત્તાની, કે રાજવૈભવની, કે પુત્રને પરણાવ્યા નહીં તેની, કે રાજપાટ ગયા તેની, કે કેકૈયીના અધર્માચરણની, કે લક્ષ્મણના બંધુ ભાવની, કે પોતે તે સંગે, સર્વે સુખવૈભવ વિસારી, સગા કુટુંબને છોડી આવી તેની વાર્તા કરીને સુખ આપતી નહોતી, પણ સુખાનંદનીજ, નિત્ય નિત્ય નૂતન નૂતન વાર્તાઓ કરીને, તેના મનને ઉદ્વેગ થતો તો સુખ વ્યાપે તેમ પ્રબોધીને આનંદ ઉપજાવતી હતી, ને તેના મનના સર્વે સંતાપોને ક્ષણમાત્રમાં ભૂલાવી દેતી હતી; એ તેનો પત્નિધર્મ મને અત્યાનંદ આપે છે; તેમજ તારી પ્રેમાળ સદ્વૃતિ સદ્બોધ, મને મારા સર્વે દુ:ખો ક્ષણમાં ભૂલાવી દે છે, એ મારૂં અહોભાગ્ય હું સમજુ છું. સુંદરી, જો પ્રભુ કૃપાએ તારા સુંદર સરોજસમાન સુખમય શોભા સ્વરૂપ સલુણા મુખડાને મનમાનતો મોહ વધારનાર, ચિત્તચોરનાર લાભ મને મળ્યો નહોત તો મારી અવસ્થા શી થાત ? બેશક, હું વિદ્યાથી ભ્રષ્ટ થાત, ને સંસારમાં તો એકલવાયો થઇ લુટાતજ. કાં તો મારી જીંદગી એકલવાઇ જાત, નહિ તો હું સદાનેજ પરલોકમાં વાસ કરત.”
“પણ ત્યારે સ્વામિનાથ ! ” સુંદરી બોલી “આપણા બ્રાહ્મણેમાં આવો દુ:ખદાયી રીવાજ કેમ પડ્યો હશે કે માતાપિતા પોતાનાં સંતાનના સુખ માટે તલમાત્ર પણ તમા રાખતાં નથી ?”
“કારણ બીજુ કંઈજ નહી પણ વિદ્યાહિનપણું;” સવિતાએ કહ્યું, “ જે કુટુંબો વિદ્યાથી કમભાગ્ય છે, તેઓ દિકરા દિકરીનાં લગ્ન કેમ કરવાં, તેઓ સુખ કેમ પામે, તેમનો સંસાર કેમ યશસ્વી નિવડે તેને માટે વિચારજ કરતાં નથી. તેઓના મનમાં તો એમજ છે કે ગમે તેમ ગળે ઝોતરૂં ભેરવ્યું કે બસ કૃતકૃત્ય થયા. તેમાં આપણા બ્રાહ્મણ વર્ગમાં તો એટલું બધું નિષ્ઠુરપણું વ્યાપી રહ્યું છે કે તેઓ કુળના ખોટા કુતર્કમાં તલ્લીન થઇને પોતાની પુત્રીનું લગ્ન હીત કે અહીત ક્યાં સમાયલું છે તેનો માત્ર યદ્વાત્દવા બકવામાંજ વિચાર સમાવી રાખે છે ? કુળ તે શું ? એ વંશપરંપરાનો વાર્સો છે. પણ જેમ કોઇને બાપદાદાના લાખો રૂપીયા મળ્યા પછી પાસે ખાવાને ખાખ પણ હોતી નથી, તે છતાં તે જેટલી પતરાજી રાખે છે તેટલીજ, આ કુળવાનના વારસાની પતરાજી સમજવી જોઇયે. કુળ, વંશપરંપરાનો વારસો નજ ગણાવો જોઈયે; કેમકે મૂળ પુરૂષો તો પોતાના સત્કર્મને યોગે કુળસંપત્તિ સંપાદન કરેલી છે, પણ પાછળના તો માત્ર ફોકટમાંજ ફુલણજી બને છે. તેઓ પાસે નથી ગુણ, નથી રૂપ, નથી સત્શાસ્ત્રજ્ઞાન, નથી વિદ્યા, કે નથી કોઇ બીજો પદાર્થ, તો પછી તેઓનું ગુમાન કેમ મિથ્યાભિમાન જેવું ન ગણાય? પણ ખરાબ રવૈયાને લીધે આજે કુળવાન પૂજાય છે: બીજામાં તો નહીં પણ કન્યા લેવાદેવામાંજ પણ હવે કાળ એવો આવ્યો છે કે કુળવાન કરતાં ગુણવાન વધારે પૂજાશે. બ્રાહ્મણોમાં જે અજાણપણું - અજ્ઞાનનો અમલ સર્વત્ર વ્યાપી રહેલો છે તે વખત જતાં નિકળી જશે, ત્યારે તું જોશે કે કુળપર ગુણ શ્રેષ્ટાસન સ્થાપી બિરાજશે, ને ગુણકીર્તિ યશ ગવાશે.”
“અસ્તુ !” સુંદરીએ કહ્યું, “જો મારી માતા અજ્ઞાન હોત, તે પણ મૂર્ખી હોત, કુળને પૂજનારી હોત, તો મારી અવસ્થા આજે એવી તો થઈ હતે કે હું જીવતી મરતે. પણ હશે, એ વાતનું આજે શું છે ? મારી માતા, મારા સૌભાગ્ય સુખથી સંતોષ પામી, આ સંસારમાં પોતાને જ સારરૂપ માને છે. અને મારા પર તે મહાપ્રતાપી પ્રૌઢ પદવીએ પટાભિષેક થયેલા પરમાત્માની પરમકૃપા હોવાથી મને મહાભાગ ગણે છે. હું તો એ માટે પ્રભુનોજ પાડ માનું છું, ને આજે આ સંધ્યાકાળે તે પરમ્ઉદ્ધારક પ્રભુનું સ્તવન કરીએ કે આપણા આર્ય અનાર્ય થતા અટકે, ને પોતાના સંતાનનાં સુખદુ:ખ યથાર્થ સમજે - ને જાણે કે કુળ એ મિથ્યા બડાઈ છે, ને ગુણ સતત સત્ય છે.
(પદ)
જયજય ભકત્તવચ્છળ ભગવાન,–ટેક.
નિજ જનનું નિત રક્ષણ કરતા,
સહજહિ કૃપાનિધાન;
અધમ ઉદ્ધારક ભક્તજન તારક,
વિસ્તારક જશ ગાન.-જયજય.
કરૂણામય કેશવ સુખદાતા,
જગના જીવણ પ્રાણ;
સુંદર શ્યામ મનેાહર મૂરતિ,
મમલોચનના ભાણ.-જયજય,
અગણિત ગુણ ગણ ગણ્યા ન જાયે,
નથી કો તુજ સમાન;
પ્રફુલ્લીત રૂપરાશી જગવલ્લભ,
મુકાવી દે અજ્ઞાન;-જયજય,
સહજ દીનહિતકારી નામે,
પવિત્ર થાએ કાન;
અહરનિશ હૃદયામાં રાખું,
મધુ મુરતિમાં માન ને ગુલતાન.-જયજય.
“અને મારે કહેવું જોઈએ કે તે માતા નથી કે જે સંતાનને સદુપદેશ દેતી નથી, તે પિતા નથી કે જે સંતાનના કલ્યાણ માટે વિચારતો નથી.”
“આ તે હું કહું છું કે તેજ માતા છે કે જે સંતાનને નીતિનો સર્વોત્તમ ઉપદેશ સદાસર્વદા આપે છે, અને તેજ પિતા છે કે જે સંતાનના શ્રીયશસુખ માટે પૂર્ણ કાળજી રાખે છે, તેવાં માતાપિતાનું પરમાત્મા ઇહલોક ને પરલોક સર્વ સ્થળે સદા કલ્યાણ કરે છે.” આમ બોલતાં દંપતી પ્રફુલ્લિત હૃદયે ઘર તરફ સિધાર્યાં.