← શયન મંદિરમાં સવિતા-સુંદરી
લગ્ન
ઇચ્છારામ દેસાઇ
૧૮૯૧
ખુલાસો →


પ્રકરણ ૧૩ મું.
લગ્ન.


જેહિ દિસિ બૈઠે નારદ ફૂલી,
તેહિદિસિ તેઈ ન બિલેાકેઉ ભૂલી.

કાર્તિક સુદ દ્વાદસીને દિવસે સુંદરીના લગ્ન નક્કી થયા છે. વિગ્રહાનંદ આનંદ સલિલમાં વહી રહ્યા છે, ને વિઘ્નસંતોષીરામ દુઃખમાં ડૂબી ગયા છે. વિગ્રહાનંદપર વિઘ્ન સંતોષીરામને ભારે કોપ થયો છે. તે મનમાં વિચાર કરવા લાગ્યોઃ “વિગ્રહાનંદે તો 'ધરના'નો ઢોંગ કીધો હતો. પ્રથમથી જ તેણે ધરના (મરણ) ધર્યો હોત તો મારી આબરૂની અવદશા આજ થતે નહીં, ને મારા કુળને આજે ઘરડે ઘડપણ લાજ લાગતે નહીં.”

ગેાકુળરાયજી આખો દિવસ વિવાહના કાર્યમાં રોકાઇ રહ્યા હતા, એટલે તેને પોતાના બનેવી પાસે જઇને કંઈ વાતચિત કરવાને વખત મળ્યો નહોતો સર્વ રીતની લગ્ન સામગ્રી તૈયાર થઈ હતી. મંડપ પણ ઠીક શણગાર્યો હતો. આવતી કાળે લગ્ન છે, આજે દેવઉઠી એકાદશી છે. એ આખી રાત વિઘ્નસંતોષીરામને નિદ્રા આવી નહોતી. તેના મનમાં તો ખાત્રી હતી કે સુંદરી સાથે કાલે સંઝ્યા કાળના તેનો હાથેવાળો મળશે. “જીયાવર તોરણે આવ્યા” ને “બાળાવર ઘોડલે ચઢ્યા,” એવા મંગળગીત જાનડીઓ ગાશે તેનો ઊત્સાહ તેના મનમાં અપાર છે; પણ વગર પહેરામણીએ પરણવું પડશે એ વિચારથી તે મનમાં બળ્યા કરે છે. વિગ્રહાનંદને, તો મનમાંથી હજારો હજાર ગાળો દે છે, તેને માટે હાથ પગ પછાડે છે, તેનું મોઢું જોતાં દાંત નથી તો પણ હોઠ પીસે છે, ને મનમાં કહે છે કે તે “મૂવો કાં નહીં, કે મારે વગર દ્રવ્યે કન્યા પરણવી પડત નહીં.”

લગ્ન દિવસે બ્રાહ્ણોણેના રીવાજ પ્રમાણે વિઘ્નસંતોષીરામે અને વિગ્રહાનંદે ઉપવાસ કીધો હતો. ચાર વાગ્યા કે બીજા ઘરમાં તેડી જઇને વરરાજાને નવડાવ્યા, ને લુગડાં પહેરાવ્યાં; ને હાથમાં નાળિયેર લઇને તેઓ માહેરામાં આવીને બેસવા માટે તૈયાર થઇ રહ્યા, ધીમે ધીમે ન્યાત જ્યાતના મનુષ્યો તથા દોસ્તદાર ભાઈબંધ આવી પહોંચ્યા. સૌ વિઘ્નસંતોષીરામનું ફુટડું રૂપ જોઇને મનમાં બહુ હસતા હતા. માથાપર ગોળમટોળ ગાગેર જેવી પાઘડી પહેરાવી દીધી હતી, ને લાલ જામો તથા પટકો લટકાવી દીધાં હતાં. પાન ખાતા ને પચપચ પિચકારી મારતા હતા ને નાકમાંથી સડક સડક સડુકા ભરતા હતા તે જોઇને સર્વે કહેતા કે, “વાહ: વરરાજાના ભાગ્યનો તો પાર નથી.” લગ્નકાળ રાત્રિના હતો વખત ઘણો હતો. તેવામાં જે કોઈ આવતા તે સર્વે વરરાજાને બનાવતાજ આવતા હતા. વિઘ્નસંતેાષીરામની ઠઠા મશ્કરીનો પારાવાર હતો. કોઈ આવીને કહેતા કે, “કમ પંડ્યાજી, તમારી ફોઇયે તમારૂ નામ ઠીકજ રાખ્યું છે ! નામનું સાર્થક કરજો. તમારા ઘર કંઇ જેવા તેવા નથી, પુરાણા છે પુરાણા ! ” બીજો કેહેતો, “ અરે પંડ્યાજી તો બાંકા છે બાંકા, દેખોની એમની પાઘડીમે કીતને ટાંકા હૈ !” તીજો કેહેતો કે, “ પંડ્યાજીને ત્યાં તો ગાયકવાડ મહારાજ આવશે ! ને તે કન્યાદાન દેશે !” આમ અનેક પ્રકારની ઠઠોલી ચાલતી હતી. શાસ્ત્રી મહારાજ મનમાં મલકાતા, વળી બળતા, અને વળી ફુલાઇને બોલતા કે, “હા, તમે કહો છો તે સત્ય છે. ભાઇએાએ આવીને મને શોભા આપી એ મારાં મોટા નસીબ. અમારા ઘરડા કંઇ જેવા તેવા નહોતા, પાંચ પાંચ સોમયાગ કીધા છે, દશ વારતો લહાણાં કીધાં છે, હજાર હજાર માણસોની ન્યાત જમાડી છે.” વગેરે વગેરે બોલતા ને ઘણા હરખાતા હતા. પણ મનમાં ચિંતા એ થતી હતી કે કંઇ રૂપીયા નહીં મળે એતો ઠીક નહીં. જેઓ આ લગ્નનો મર્મ જાણતા હતા તેઓ તો શાસ્ત્રી મહારાજની ફુલાસ જોઇને ઘણા હસતા હતા.

થોડીવાર પછી વિઘ્નસંતોષીરામે કહ્યું, “ગોકુળરાયજી ક્યાં છે ?”

વિગ્રહાનંદે પુછ્યું, “શું કામ છે ?”

વિઘ્નસંતોષીરામ ચીઢવાઈને બોલ્યા, “તેની સાથ મને કંઇ ખાસ કામ છે, એકવાર ઉતાવળથી બોલાવો તો ખરા.” ગોકુળરાયજી ઘરમાં કામકાજમાં રોકાઈ ગયા હતા, તેથી તેને આવતાં કંઈ વાર લાગી; એટલે વિઘ્નસંતોષીરામ ખીજવાઇને બેાલ્યા, “અરે ! હું આટલી વાર થયા બુમ મારૂં છું ને હજી ગેાકુળરાય કેમ આવતો નથી ?”

પાસે એક બ્રાહ્મણ બેઠો હતો તે તેનું આવું ચીઢ્યું બોલવું સાંભળીને મશ્કરીમાં બુમ મારી ઉઠ્યો, “ભુદેવ ગોકુળરાયજી, અરે દોડો દોડો, શિશુપાળ મહારાજ ક્રોધે ભરાયા છે !”

વિઘ્નસંતોષીરામ તે સાંભળીને બોલ્યો, “એ તમે શું કહો છો ?”

તે બ્રાહ્મણે કહ્યું, “મહારાજ, કંઇ નહીં, એ તો બેઘડીની વાત !”

વિઘ્નસંતોષીરામ મનમાં બહુ વિમાસણમાં પડી ગયા, પણ શું કરે ? એટલામાં ગોકુળરાયજી આવ્યા, તેને જોઇ સાઠ વરસના કોડીલા જીયાવર બોલ્યા, “આવી મજાક ઠઠાની જગ્યાએ હું પરણીશ નહીં, કોઇ મને અત્રે સુખે બેસવા પણ દેતું નથી. મારી ફોઈ બેહેનની કોઇ ખબર પુછતું નથી, એ શું લગ્નના ઢંગ છે કે ?"

ગોકુળરાયજીએ સૌને કહ્યું, “ભાઈઓ, તમે કોઈ વરરાજાની મજાક કરતા નહીં !” કેટલાક બ્રાહ્મણ છોકરા હોહો કરી ઉઠ્યા, તેઓને શાંત પાડીને પછી ગોકુળરાયજીએ કહ્યું, “આજે લગ્ન છે, તો વરરાજાને સૌ બનાવે, તેમાં ગુરસે શાના થાઓ છો ? તમે એમનું બોલવું સાંભળો છો શું કામ ?”

વિઘ્નસંતોષીરામ - પણ હું પહેરામણી વગર પરણીશ નહીં. મને મારી પઠ્ઠણના રૂ.૨૦૦ મળવાજ જોઇયે. શું મારૂ કુળ કંઇ નિચું છે કે હું વગર પહેરામણીએ પરણું ? દાયજો તો પ્રથમથી અહિંયાં મૂકો.

ગોકુળરાયજી - એમ કેમ બનશે ? તમોએ પ્રથમથીજ કહ્યું હતું કે હું પહેરામણી નહીં લઈશ; તો હવે એ કેમ બને ?

વિઘ્નસંતોષીરામ - મેં ક્યારે ના પાડી છે કે પહેરામણી નહીં લઉ ? મને પુછ્યું છેજ કોણે ? વિગ્રહાનંદે વરરાજાને પ્રથમથીજ શિખવી મુક્યું હતું કે લગ્ન ટાંણે જો તમે દમબમ કસશો તેા કંઈ મળશે, તેથી વરરાજાએ આ તાલ કીધી.

ગેાકુળરાયજી – પણ વિઘ્નસંતોષીરામજી, તમો એ વિગ્રહાનંદને તો ખુલ્લું કહ્યું હતું કે હું દાયજા વિના પરણીશ, તે કેમ ભૂલી ગયા ? શું તમે કહ્યું નહોતું ? વિગ્રહાનંદ, કેમ કહ્યું હતુંને ?

વિગ્રહાનંદ - હાં-નહીં-એ તો-અરે-એમ નહીં. પણ ગોકુળરાયજી, કુલીન જમાઇને લગ્ન વખતે આપણી આબરૂ પ્રમાણે કંઇ આપવું તો જોઇયેજ ! કંઇપણ આપ્યા વગર કેમ ચાલે ?

ગોકુળરાયજી – એ તો આપનો જુલમ થયો ?

વિગ્રહાનંદ – તો રહેવા દો એ વાત, પછી સૌ થઈ રહેશે. હમણાં તો તમે મંગળ કાર્ય કરો. કન્યાની માતાને બોલાવો કે તોરણે તેડીને વરને પુંખે. રાયજી, હવે એ આપણા જમાઇ થયા, પાંચ પચાસમાં શી બીસાત બળી છે.

ગોકુળરાયજી - એ વાત નિરાળી છે. વિઘ્નસંતોષીરામને કન્યા પરણાવીએ પછી બીજી વાત, ને પછી સગાકુટુંબની વાત, તે વેળાએ સૌ અપાય લેવાય, હમણાં કેમ અપાય ?

રાયજીના આ બેાલવાનો શુધ્ધભાવ સમજાતો હતો કે હજુ કન્યા તો આપીયે, પછી જમાઈ ને સગપણની વાત થાય. આ મર્મની વાત સમજીને, વિગ્રહાનંદ ને વિદનસંતોષીરામ બંનેએ સાથેજ પુછ્યું: “ રાયજી, એમ બેાલવાનો મર્મ શો ?”

ગોકુળરાયજી - તમે કહ્યું કેની, કે જો પહેરામણીમાં બસો રૂપીઆ નહીં મળે તો લગ્ન જ કરવાં નથી; તેથી મેં આમ કહ્યું.

પણ ગેાકુળરાયજીની વાત સાંભળીને તે બંનેનું હૃદય કંપી ઊઠ્યું. વિઘ્નસંતોષીરામે વિચાર્યું કે રૂપીયા માગીને મુર્ખાઈ કીધી. પછી રાયજી ને બે ચાર માણસો ઘરની અંદરના ચોકમાં ગયા; ને વિઘ્નસંતોષીરામ વિચારમાં પડી ગયા કે રૂપીયા શું કામ માગ્યા, પણ એટલામાં ઘરના ચોકમાંથી વેદની ધ્વનીનો શબ્દ નિકળ્યો, ઢોલ તાસાં વાગ્યાં, ને 'ઢોળાઢમક્યાં ને વરવહુના હાથ મળ્યા, એવા ગીતનો અવાજ આવ્યો. અને એટલામાં ગોકુળરાયજી ઘરમાંથી બહાર આવ્યા.

વિગ્રહાનંદે પુછ્યું, “શું લગ્નનનો વખત થયો ?”

રાયજી – એમ જણાય તો છે.

વિગ્રહાનંદ ટટ૫૫ ટટ૫૫ શબ્દથી પુછવા લાગ્યા ગયા, “એ બોલવાનો શો અર્થ ?”

ગોકુળરાયજીએ કહ્યું, “એનો અર્થ એજ કે લગ્ન તો થઇ ગયાં. હવે વળી એનો બીજો અર્થ શો પુછો છો ?" આટલું બોલીને સાજનીયા ગૃહસ્થોને મોટેથી કહ્યું, “ઉઠો ભૂદેવો, વરકન્યા મંગળ ફેરા ફરી રહ્યાં ને જમવાનો સમય થયો છે.”

આ વિવાહ મંડળમાં કેવા પ્રકારે કામ થનાર છે તે સાજનીયા તથા બીજા સર્વ સારી રીતે જાણતા હતા, ને કન્યાના ઘણા ખરા સગા પણ જાણતા હતા, એટલે કોઈ ચકિત થયું નહીં; માત્ર વિઘ્નસંતોષીરામ ને વિગ્રહાનંદજ અણજાણ હતા ને તેથી તેજ ચકિત થયા. સૌ ઉઠ્યા ત્યારે હસી હસીને વિઘ્નસંતોષીરામને હાથ જોડીને ઉઠતા હતા. ન્યાતિલા પણ જે હાજર હતા તેમાંનો ઘણો મોટો ભાગ આજના લગ્નથી રાજી હતો. આ સર્વે મામલો જોઈને વિઘ્નસંતોષીરામના ડોળા ચકલવકલ થઈ ગયા. તેઓ બુમ પાડી ઉઠ્યા, “રાણી સરકારના કસમ છે, મહારાજા ગાયકવાડની આણ છે. રે જુલમ, જુલમ, મારી સ્ત્રીને લઇ જાય છે, કોઈ ન્યાય કરો, ન્યાય કરો, પકડો, પકડો !”

વિગ્રહાનંદ બોલ્યા, “વિઘ્નસંતોષીરામ, જરા થોભો, જાણવા તો દો કે એ શું ગડબડ છે.”

પણ જેમ જેમ વિગ્રહાનંદ તેને બુમ મારતાં અટકાવે તેમ તેમ તે વધારે બુમ પાડે, તે બોલવા લાગ્યો, “ઓ બાપરે, મને લુટી લીધો, મને મારી નાંખ્યો. ઓ ન્યાતવાળાઓ, તમને મહાદેવની દુવાઈ છે, મારો ઈનસાફ કરો, મારી સ્ત્રી અપાવો.”

ગોકુળરાયજીએ વિગ્રહાનંદનો હાથ પકડી કહ્યું, “શી ગડબડ છે તે જોવા ઇચ્છા છે કે સાંભાળવા ?” વિગ્રહાનંદજીએ કહ્યું, “જોવા ને સાંભળવા બેય.”

રાયજીએ કહ્યું, “તો ચાલો મારી સાથે પાછલા ચોકમાં.” એમ કહી ગોકુળરાયજી, વિગ્રહાનંદને પોતાની સાથે તેડીને ઘરની અંદર ગયા. તેની પાછળ વિઘ્નસંતોષીરામ પણ ઘસડાયા, ને ન્યાતવાળા પણ સઘળા ગયા. સમજુક ન્યાતવાળા ઘણા રાજી થયા હતા, પણ કેટલાક બુઢાઓ આ બનાવ જોઇને ઘણા દિલગીર થયા, છતાં વિઘ્નસંતોષીરામનું વય હવે પરણવા યોગ્ય નહોતું ને તે પરણવા આવ્યો તે માત્ર પૈસાને માટેજ આવ્યો હતો તેથી તેની આ ફજેતીથી તેઓને કંઇ ઝાઝું લાગ્યું નહીં. વળી અમદાવાદી વડોદરીયા ઔદિચોને પેટલાદી સાથે બનાવ નહોતો, ને પેટલાદી આપણા આવા સુંદર કન્યારત્નને લઇ જાય તેથી તેઓને ઈર્ષા પણ આવતી હતી; ને તે કારણથીજ ગોકુળરાયજીની કોઈ વિરૂદ્ધ થયું નહીં. વળી સવિતાને સુદરીનું જોડું જુગતેજુગતું હતું તેથી પણ સૌ વધારે રાજી થયા હતા.

ઘરમાં ગયા પછી રાયજીએ વરરાજાને કહ્યું, “આ તમારા સસરાજી છે, તેમને પગે લાગો.” સવિતાશંકર પગે પડ્યો એટલે વિગ્રહાનંદ ક્રોધથી બોલ્યો, “હું તમને શું આશીર્વાદ દઉ ? હું એજ કહું છું કે તમારૂં સત્યાનાશ જાઓ !” વિઘ્નસંતોષીરામે કહ્યું, “તમે હમણાં મરો તેાજ મારો આત્મા ઠરે.”

રાયજીએ આ પ્રમાણે બનેવીના મોઢાથી મંગળ સમે અમંગલ વાત સાંભળી એટલે તેમને ધમકાવીને કહ્યું, “ચાલો હવે ટકટક કર્યા વગર ચાલ્યા જાઓ. તમો આ બાળકીના પિતા નથી, પણ પૂર્વજન્મનો શત્રુ છો. આજ આનંદને દિવસે અમંગળ શબ્દ કાઢતાં તમને શરમ નથી આવતી ? જેટલી મોટી જીભ નથી તેથી વધારે લાંબી વાત કરો છો, શરમ છે તમને !”

આમ કહેતાં, બંનેને પાછા હઠાવ્યા, પણ બંને આખા દિવસના ઉપવાસી હોવાથી વિગ્રહાનંદ ભીત સાથે અથડાયા, ને વિઘ્નસંતેાષીરામ જમીન પર પડી ગયા એટલે તે મોટે મોટેથી બરાડા પાડવા લાગ્યોઃ “રે કોઇ બચાવો, મને મારી નાંખ્યો; મારા પૈસા છીનવી લીધા. રે ગાયકવાડના ન્યાયીરાજ્યમાં મને આ પ્રમાણે માર માર્યો, હાય ! હાય ! કોઈ ન્યાતિલા પણ મને મદદ કરતા નથી.”

તેમની બુમ સાંભળીને બહારના સઘળા લોકો દોડ્યા આવ્યા. બંનેએ જણાવ્યું કે હમને ઘણાં માર્યાં છે, અમે ચોકીપર ફરીયાદ જઈશું, ને તમારે સાક્ષી આપવી પડશે. વિઘ્નસંતેાષીરામે કહ્યું, “જો ભાઈઓ, મારા બસો રૂપીયા લૂટી લીધા છે, પલ્લાના ઘરેણા પણ લઇ લીધા, ને મારી મા ને બેહેનના જડાવ દાગીના પણ લઇ લીધા છે. ઠીક છે, બચ્ચાજીઓ, હું ઠેઠ સુધી પહોંચીને તમારી ખબર લઇશ. યાદ રાખો, હું કોણ છું તે તમે જાણતા નથી, તેથીજ આ કાળું કીધું છે, પણ હવે જોજો તમાસો !”

ગોકુળરાયજીએ કહ્યું, “મહારાજો, તમને પસંદ પડે ત્યાં જાઓ, કોઇ અટકાવ કરતું નથી. પણ અહીંયાં તોફાન કરશો તો હું પોલીશને બોલાવી મુસકાટાટ કરાવીને મોકલાવી દઇશ. તમે જાણતા નથી કે હું કોણ છું ? અને ભલા થઇને હવે જે થયું તે ભૂલી જઈને ચાલો જમવાને હવે તે છેડાગાંઠ બંધાઇ ચુકી તે કોઇથી પણ મિથ્યા થનાર નથી, સમજ્યા ?”

પણ બંને જણ, હજારો ગાળો દેતા ઘરમાંથી બહાર નિકળી ફરીયાદ કરવાને દોડ્યા ગયા.