સાઠીના સાહિત્યનું દિગ્દર્શન/દ્વિતીય ખંડ/પ્રકરણ ૫

← પ્રકરણ ૪. સાઠીના સાહિત્યનું દિગ્દર્શન
પ્રકરણ ૫.
ડાહ્યાભાઈ દેરાસરી
૧૯૧૧
પ્રકરણ ૬. →




પ્રકરણ ૪.

ગદ્ય ગ્રન્થો.

(૧) કહેવતો ઇત્યાદિ:—

આ સાઠીની શરૂવાતમાં જ જમાનાના જમાનાથી સૂત્રરૂપે પ્રચલિત કહેવતો સંગ્રહ કરવા તરફ લખનારાઓનું ધ્યાન ગયું હોય એમ જણાય છે. ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી તરફથી સ્વ. મગનલાલ વખતચંદે સને ૧૯પ૧ માં 'કથનાવળિ' નામે નાની ચોપડી બહાર પાડી હતી. થોડાં વર્ષ પછી 'કથન સપ્તશતી' ગુજરાતી સાહિત્યમાં ઉમેરાઈ હતી. સને ૧૮૬૦ માં ગુજરાતી કહેવતો અને તેને મળતી અંગ્રેજી કહેવતોની ચોપડી પ્રગટ થઈ હતી. સુરતવાળા મંછારામ અને કીકાભાઇએ ' ગુજરાતી કહેવતોની ચોપડી ' લખી હતી. ત્યારબાદ કહેવતો સંબંધી સારૂં અને મોટું પુસ્તક રા. દામુભાઇએ પ્રસિદ્ધ કર્યું હતું. આ પુસ્તકમાં એ વિષયનો એક સારો નિબંધ પણ ઉમેર્યો હતો. 'કહેવત માળા’ , 'કહેવત સંગ્રહ' વગેરે પુસ્તકો પણ બહાર પડ્યાં છે. કોઈ પારસી ગૃહસ્થ તરફથી 'કહેવતોનાં મૂળ' નામે કેટલીક અશ્લીલતાભરી વાતોવાળું પુસ્તક પ્રગટ થયું હતું.

(૨) નિબંધો અને બીજા ફુટકળ વિષયના ગ્રંથો:—

આ સાઠીમાં ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી તરફથી ઘણા નિબંધો લખાવાયા છે. મર્હૂમ કરશનદાસ મૂળજીની 'નિબંધમાળા', રા. રણછેડભાઇનો 'વિપત્તિ વિશે નિબંધ', મર્હૂમ મનઃસુખરામનો 'અસ્તોદય’ અને મર્હૂમ યાજ્ઞિકનો ‘ દેશીરાજ્ય અને મનુસ્મૃતિમાંનો સાર ' એ પુસ્તકો ઘણાં વર્ષ પહેલાં પ્રગટ થયાં હતાં. ઓનરેબલ ડા. મેક્ષમ્યુલરના 'ધર્મની ઉત્પત્તિ'નું ભાષાન્તર થયું છે. 'અવસ્તા જમાનાની પારસી સંસારની બાબત' નામે પારસી કલમથી ભાષણ તરીકે લખાયલો નિબંધ પ્રસિદ્ધ થયો છે. ‘શંકરાચાર્યના સમયનો નિર્ણય’ નામે વિદ્રત્તા અને શ્રમભર્યો નિબંધ રા. કૃષ્ણલાલ દેવાશ્રયીએ બહાર પાડ્યો હતો. આ પ્રમાણે ઘણા નિબંધો પ્રગટ થયા છતાં પણ વિષયની સાધારણ ચર્ચા કરતાં વિશેષ નિરૂપણ કર્યું હોય એવાં પુસ્તકો લખાયાં નથી. તેમજ એક વિષયના વિસ્તારવાળા વિવેચનવાળાં નવાં સ્વકલ્પિત પુસ્તકો લખાયાં જાણ્યામાં નથી. એવા સાહિત્ય તરફ વલણ હોય એમ જણાતું નથી.

(૩) ગદ્ય ગ્રંથો:–નવલકથા વગેરે:—

ગુજરાતીમાં ગદ્ય ગ્રંથોને અભાવે શરૂવાતમાં શૈલીનું કોઈ ધોરણ નહતું. જોકે નર્મદાશંકરની પહેલાં કેટલાક ગ્રંથો અસ્તિત્વમાં આવ્યા હતા, પણ લેખક તરીકે જ જીંદગી અર્પણ કરનાર એજ પહેલા હતા. એમના જૂદે જૂદે સમયે લખાયલા ગદ્ય ગ્રંથોની શૈલી જૂદી દેખાય છે. કોઈ નર્મદની શૈલીના ત્રણ વર્ગ પાડે છે. પ્રથમ વર્ગમાં એમના પ્રથમ લખેલા લેખ–જેવા કે ‘મંડળી મળવાથી થતા લાભ', 'સ્વદેશાભિમાન’ અને ‘કવિ અને કવિતા' જેવાં લખાણો, બીજામાં એમનો ' રાજ્યરંગ ' અને ત્રીજામાં એમનો 'ધર્મવિચાર' અને કેટલાંક નાટકોનો સમાવેશ થાય છે. પહેલાની ભાષા ઉછળતી, ઉત્સાહ, ઉન્માદ ભરેલી અને જૂસ્સાદાર છે; બીજાની કાંક ગંભીર, પ્રૌઢી, સમગ્રતા અને રસની જમાવટવાળી અને ત્રીજાની ગંભીર, ટૂંકી સૂત્રરૂપ અને અર્થવચ્છદ છે. સ્વ. નવલરામ આ છેલ્લીને 'એકાગ્ર શેલી' કહે છે.

સ્વ. નવલરામે નર્મદ વિશે એક જગાએ કહ્યું છે કે ગદ્યમાં તો એને ( નર્મદનું ) હસાવવાનું જોર જબરૂં છે. વળી કોઈ આવી હાસ્યરસ ઉત્પન્ન કરવાની શકિતના ઉદાહરણમાં 'દાંડીઆ'નો દાખલો આપે છે. દાંડીઓ મુખ્યત્વે એમની કલમથી લખાતો. અમારો અદના અભિપ્રાય એવો છે કે દાંડીઓનો હાસ્યરસ એ રસ જ નથી. ગંજેરી અને ફક્કડ લોકોની અશ્લીલતા ભરેલી મજાકો માત્ર એમાં છે. વખતે કોઇક લેખ શુદ્ધ સમ ખાવા હશે તો હશે. દીલગીરી સાથે કહેવું પડે છે કે 'અશ્લીલતા' તરફ કવિનું વલણ જ લગાર વધારે જણાય છે. જેને અમારા કહેવાની લગીરે શંકા થાય તેમણે એમનો વ્યભિચાર વિશે નિબંધ, અને નર્મકવિતાની પ્રીતિ વિષયની ઘણી ખરી અને  તેમાંએ ‘શી આ તગતગતી તસ્વીર’ એ લીંટીથી શરૂ થતી લાવણી અને ‘કુમુદચંદ્ર પ્રેમપત્રિકા’ વાંચી જોવી.

સ્વ. દલપતરામના સઘળા ગદ્ય ગ્રંથો જોતાં એમની પણ શૈલી જૂદી પડે છે. સાદી સરળ ભાષા, મર્માળાં અને ઠાવકાં હાસ્ય અને બોધ—ઘણી મીઠી વસ્તુમાં મેળવીને આપેલી દવા જેવો–પ્રતિપક્ષીના ઉપર એક પણ કટાક્ષ કથન વગરની અને ધાર્યો મુદ્દો સચોટ સર કરે એવી એમની શૈલી છે.

જેમ વ્યક્તિ વ્યક્તિમાં હોય છે તેમ વ્યકિત વ્યક્તિની શૈલીમાંએ તફાવત હોવો જોઈએ. કોઈ બે માણસનું જ્ઞાન, ભાષાજ્ઞાન, વિચારશક્તિ, અને છેવટે પોતાના વિચાર ભાષાદ્વારા બીજાને સમજાવવાની શકિત એકજ સરખી હોય નહિ; અને તેથી જ કોઈ બે માણસની શૈલી–સઘળી બાબતમાં– સમાન હોતી નથી. વ્યક્તિપરત્વે હોતા આવા વિશિષ્ટ તફાવતને ન ગણીએ તો વનરાજ ચાવડો, અને સંધરાજેશંગની શૈલી ઘણે અંશે દલપતશાઈ છે.

નવલશૈલી વળી ઓરજ તરેહની છે. ધીમાશથી કહેતાં છતાં પણ તે ઉત્સાહી અને ઉન્માદક છે. રસિકપણું વાક્યે વાક્યે દૃષ્ટિગોચર થાય છે. કેટલીક વખત મસ્ત જણાય છે પણ સર્વત્ર ઠરેલ—વિચારશીળ-અને તૂલના શક્તિવાળી છે. એમનાં લખાણમાં બહુધા અર્થવચ્છદ ન હોય એવો–નકામો મુકેલો હોય એવો–શબ્દ મળશે નહિ. એમની લખવાની રીત અમે જાણીએ છઈએ. એમનાં લખાણોની મૂળ પ્રત જોઈ હોય તો જણાય કે એક વાક્ય લખીને તેમાં એટલા બધા ફેરફાર કરેલા જણાય કે અપરિચિત વાંચનારને તો ઉકલેએ નહિ. એક શબ્દ લખીને તેને ચાર પાંચ વાર ફેરવ્યો હોય. આમ તોળી તોળીને લખવાની એ વિદ્વાનને ટેવ હતી. વિષય પર અને વાચકપરત્વે આમ તૂલના થઈ થઈને મનન કરાઈ ને લખાયલું એમનું લખાણ છે.

સ્વ. ગોવર્ધનરામની પણ અજબ વિશિષ્ટ શૈલી છે.

સ્વ. મનઃસુખરામની પ્રત્યયાન્તરની મોહક શૈલીને માટે અગાઉ બોલી ગયા છઈએ. વધતાં વધતાં આ શૈલી કેવી આડંબરી થઈ ગઈ છે. તેનું ઉદાહરણ એજ વિદ્વાનના પુત્ર રા. તનસુખરામે લખેલા ‘સમાલોચક’ માંના એક લેખમાંથી અમે આપીએ છઈએ. “ગુર્જરભાષા જ્યારથી લિખાતી થઈ ત્યારથી તે દેવનાગરી લિપિમાં જ લખાતી હતી, અને સ્તોત્ર પાઠાદિ–સુધર્મનિરત સ્ત્રીવર્ગ પણ તેથી સુપરિચિત હતો. પરંતુ અલ્પ જ્ઞાનથી સંતુષ્ટ રહેનાર પ્રાકૃત વર્ગમાં જેમ ભાષાનાં વ્યાકરણ, શબ્દકોશ, હૃસ્વાદિ ભેદ, સંયુક્તાક્ષર આદિ અંગો પણ અલ્પિત થઈ લઘુભાવ તથા ભ્રષ્ટતા પામતાં ગયાં તેમ લિપિ પણ હીનવિકાર પામતી ગઈ. જ્યારે ગુજરાતીની બે મોટી સહોદરા ભાષાઓ–હિંદી તથા મરાઠી–ના ગ્રંથો એજ બાલબોધ લિપિમાં મુદ્રાપિતા થાય છે, ત્યારે એ ત્રણે સહોદરા ભાષામાં શબ્દરૂપ પ્રાણ સમાન છે અને વિભકત્યાદિ અંગમાં ભેદ છતાં તેઓનો કૌટુંબિક સંબંધ દૃશ્યમાણ અને અનુભૂત છે, ત્યારે–લિપિરૂપ વૈધર્મ્ય જે નિરક્ષરો દ્વારા અલ્પકાળથી પ્રવિષ્ટ થયું છે તેને દૂર કરી મૂલાગત નિકટ સંબંધિત્વ પ્રકાશવું એ જ સાક્ષરોને ઘટિત છે અત્ર કિં બહુના ? જે ઇંગ્લિશ લિપિમાં એકજ શબ્દ ચાર અત્યન્ત ભિન્નરૂપની લિપિમાં નયનગોચર થાય છે–તથા જેનાં ઉપાંગભૂત છવીસ અક્ષરોને એકસો ચાર રૂપે જાણવા પ્રયત્ન કરવો ગલે પતિત થાય છે તે જાણવા પારસી મુસલમાન અને આર્યવર્ગને શ્રમ પડતો નથી તો ગુજરાતીની પ્રાય:સમાનકારા અને શાસ્ત્રીયા એવી બાલબોધ લિપિનું જ્ઞાન સંપાદન કરવામાં કોઇને યત્કિંચિત્ પણ શ્રમ નથી કે ‘કંટાળો’ ન આવવો જોઈએ એ એકજ વિચારથી હાસ્યોત્પાદકતર્કોર્મિલો દેવનાગરી લિપિ વિરોધીઓ અલં અપહૃસ્તિત છે.”

શલી સંબંધી વિચાર કરતાં એક બીજી વાત લક્ષમાં રાખવા જેવી જણાય છે. ‘અંધેરી નગરી અને ગર્ધવસેન’ લખનારા વિદ્વાને ભાષાને છેક તળપદી કરવાનો પ્રયોગ કર્યો હતો ! એથી ઉલટું સંસ્કૃત શિખેલા હાલના લેખકો ભાષાને સંસ્કૃતમયી કરવા પ્રયાસ કરે છે. ‘સંસ્કૃતમયી’ ગુજરાતી ઘણા જૂના કાળથી ટીકાનો વિષય છે. ‘કુંજ વિહાર’ ની મનોહર રચના કરનાર અમારા ઇષ્ટ મિત્ર સ્વ. હ. હ. ધ્રુવની ભાષા એક કાળે કેવળ સંસ્કૃતમયી હતી. ‘ચિત્ર દર્શન’ નામના એમના એક કાવ્યનાં છૂટે મોંએ વખાણ કર્યા પછી સ્વ. નવલરામે ‘સંસ્કૃતમયી’ ગુજરાતી ઉપર એક લેખ લખ્યો હતો. અમારા મિત્રે પોતાની ભાષા તરત જ બદલી નાંખી  હતી. સ્વ. નવલરામે સંસ્કૃત શબ્દ વાપરવામાં જો કે પોતાને વિરોધ નથી એમ કહ્યું હતું; પણ તે રૂઢ, પ્રચલિત, પ્રેમાનંદાદિ કવિયોએ વાપરેલા એવા જોઈએ એમ એમનો અભિપ્રાય હતો. સંસ્કૃત શબ્દના ભરણાવાળી છતાં સુંદર ભાષાના નમૂના દાખલ ‘ઈશ્વર પ્રાર્થના માળા’ ને ગણાવી હતી. એમનો અભિપ્રાય શબ્દશઃ અમને માન્ય છે. હાલ સામાન્ય રીતે સમગ્ર શૈલી તરફ ઘણાનું વલણ છે.

ગદ્યગ્રંથો અને તેમાંએ નવલવાર્ત્તા તરફ હવે નજર કરીએ. ગુજરાતી ભાષામાં ‘નવલકથાનું સાહિત્ય ઇંગ્રેજી કેળવણી પછી ઉત્પન્ન થયું છે, અને ઇંગ્રેજી નવલકથાઓની આકૃતિ લઈને જ ગુજરાતી નવલકથાઓ રચાઈ છે. 'પ્રાચીન' ગુજરાતી સાહિત્યના સમયમાં એ પ્રકારની કથારચના જાણવામાં નહોતી.’ રા. ચતુરભાઈના 'અપ્રસિદ્ધ ગુજરાતી ગ્રંથો' માં એક જૂનો ગુજરાતી ગદ્યગ્રંથ પ્રસિદ્ધ થયો હતો. સંસ્કૃત સાહિત્યમાં પણ નવલકથાનો નમૂનો નથી અને નવલકથા રચવાના નિયમો નથી. સાહિત્યદર્પણકારે 'શ્રાવ્ય' કાવ્યની વ્યાખ્યા કરતાં કહ્યું છે કેઃ श्रोतव्यमात्रंतत्पद्यगद्यमयंद्विधा ।

'કથામાં' વસ્તુ રસવાળું અને ગદ્યમાં રચેલું હોય. 'આખ્યાયિકા' કથા જેવી હોય; 'કાદમ્બરી' ને સાહિત્ય દર્પણમાં 'કથા' કહી છે અને 'હર્ષચરિત' ને 'આખ્યાયિકા' કહી છે. દંડીના મત પ્રમાણે કથા અને આખ્યાયિકામાં કાંઇ ભેદ નથી. આ પ્રકારની સંસ્કૃત સાહિત્યની કથા કે આખ્યાયિકાના નમૂના ઉપર હાલની નવલકથાઓ રચાઈ નથી.

પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં કથાના બે પ્રકાર ઉદ્‌ભવ પામ્યા હતા. આખ્યાન અને વાર્ત્તા. પ્રેમાનંદનાં 'આખ્યાનો' માં દેવકથાના પ્રસંગ હતા. પુરાણોમાં કહેલી અદ્‌ભૂતતાના અંશવાળી કથાઓ એ આખ્યાનોમાં વર્ણવેલી છે; મનુષ્યોના વ્યવહારમાં દેવોના પ્રભાવવડે અલૌકિક વૃત્તાંત બને, એવી તેઓમાં રચના છે. સામળભટની વાર્તાઓમાં એવી દેવકથાને બદલે માનવકથા છે અને પુરાણોમાંના પ્રસંગ તેમાં નથી. આખ્યાનો અને વાર્ત્તાઓ એ બન્ને શાખાઓ પદ્યમાં હતી. કથા વર્ણવવી એ બન્નેનો ઉદ્દેશ હતો. સામળભટના પહેલાં ઇ. સ. ના સોળમા સૈકામાં જંબુસરના વછરાજ નામે કબીરપંથી લેખકે 'રસમંજરી' ની વાર્ત્તા પદ્યમાં લખી હતી, અને તે એ રીતે પહેલો વાર્ત્તા લખનાર છે. પ્રેમાનંદના પહેલાં પણ વસ્તો, તુલસી એમણે દેવ કથા લખેલી. પરંતુ આખ્યાન અને વાર્ત્તાની શાખાના પ્રવર્તાવનાર તો પ્રેમાનંદ અને સામળભટ જ છે.

યુરોપની કથાઓમાં 'રોમેન્સ' અને 'નોવેલ' એવા જે બે પ્રકાર છે તે વચ્ચેનો કેટલોક ભેદ આ આખ્યાન અને વાર્ત્તા વચ્ચે છે. 'રોમેન્સ' માં પાત્ર અમાનુષ કે ઐતિહાસિક હોય છે, અને તેમાં અલૌકિક ચમત્કારોવાળો અદ્‌ભુત વૃત્તાંત હોય છે. ‘નોવેલ' માં વર્તમાન સમયના સાંસારિક મનુષ્યોની લૌકિક જીવન કથા હોય છે. સામળભટની વાર્ત્તામાં દેવની નહિ પણ ભૂતપિશાચની અમાનુષ કથા કદી કદી આવે છે ખરી, પરંતુ એકંદરે તેની વાર્ત્તા રોમેન્સ કરતાં નોવેલને વધારે મળતી છે. પ્રેમાનંદનાં આખ્યાનમાં સામાન્ય સાંસારિક પાત્રો નથી અને તે રોમેન્સને વધારે મળતાં છે !

'વર્ત્તમાન ગુજરાતી નવલકથા આ 'આખ્યાન' કે 'વાર્ત્તા' ના નમૂનાને આધારે પણ રચાઈ નથી. રોમેન્સ અને નોવેલના મિશ્રણથી શરૂ થઈ હાલની ગુજરાતી નવલકથા નોવેલનું રૂપ ગ્રહણ કરતી જાય છે. નવલકથા શબ્દમાંનું નવલ પદ ઇંગ્રેજી નોવેલ ઉપરથી ઉપજાવેલું છે, અને સંસ્કૃત શબ્દ 'નવલ' નો આભાસ તેને આપી દેવામાં આવ્યો છે. આ શબ્દ આ અર્થમાં પ્રથમ કોણે વાપર્યો તે જણાતું નથી. અલબત્ત 'નવલ' સંસ્કૃત શબ્દ લેતાં 'નવલ કથાનો' કાંઈ વિશેષ અર્થ થતો નથી, અને સંસ્કૃતમાં આ 'નવલકથા' એવો શબ્દ પણ નથી. પરન્તુ એ શબ્દ ગુજરાતી ભાષામાં હવે 'નોવેલ' ના અર્થમાં રૂઢ થયો છે, અને તે સામે વાંધો લેવાનું કાંઈ કારણ નથી. ઇંગ્રેજી નોવેલ (Novel) શબ્દ લેટિન નોવસ્-નવું–ઉપરથી થયો છે; અને તે ઉપરથી ઇંગ્રેજી ભાષામાં ‘નોવેલ’ નો જે લાક્ષણિક અર્થ થયો છે તે જ 'નવલકથા’ નો ગુજરાતીમાં સમજવાનો છે.'

કરણઘેલો પ્રસિદ્ધ થયાની પૂર્વે રા. સા. મહીપતરામે હિંદુ ગૃહસંસારની હાલત વર્ણવતી 'સાસુ વહુની લઢાઈ' નામે નાની હાસ્યરસ કથા પ્રસિદ્ધ કરી હતી. સાંસારિક વૃત્તાન્તની એ પહેલવેહલી જ નવલકથા છે. અને તેમાં સામાન્ય હિંદુ કુટુંબમાં રહેતાં સ્ત્રીપુરૂષોના સ્વભાવ અને લાગણીઓનું હાસ્યજનક ચિત્ર ઉપહાસમાં આલેખ્યું છે. આ પુસ્તક પ્રસિદ્ધ થયું ત્યારે ગુજરાતી વાંચનારી પ્રજાએ એને સારો આવકાર આપ્યો હતો. હાથમાંથી પૂરૂં કર્યા વગર મુકવું ન ગમે એવું મઝા આપનારૂં આ પુસ્તક બીજી આવૃત્તિમાં કદમાં મોટું થયું છે. પણ કદના વધારા સાથે જાણે એની મઝા ઘટી હોય એમ બીજી આવૃત્તિ પહેલી આવૃત્તિ કરતાં ઉતરતી થઈ છે. વાંચનારાઓને પહેલી આવૃત્તિ મળતી નથી. અમે ઈચ્છીએ છઈએ કે રા. રમણભાઇ પ્રથમ આવૃત્તિ વધારા ઘટાડા સિવાય ફરી છપાવીને વાંરાનારાઓની આ ઈચ્છા પૂરી પાડશે.

ગુજરાતી ભાષામાં પહેલવહેલી લખાયલી 'નવલકથા' તે સ્વ. નંદશંકરનો 'કરણઘેલો' છે. વસ્તુતઃ એ ગુજરાતીમાં બીજી નવલકથા છે પણ કોણ જાણે કેમે પહેલી ગણાઈ છે. પોતાની પ્રસ્તાવનામાં સ્વ. નંદશંકર લખે છે કે 'આ પ્રાન્તના ઘણાખરા લોકોને ગુજરાતી કવિતામાં લખેલી વાર્ત્તાઓ વાંચવાનો ઘણો શોખ છે. પણ હજી સુધી વાર્તાઓ પદ્યમાં લખાયલી ગુજરાતી ભાષામાં ઘણી જ થોડી છે, અને છે તે લોકોમાં પ્રસિદ્ધ નથી. આ ખોટ પુરી પાડવાને તથા ઇંગ્રેજી ગાથા તથા વાર્ત્તાનાં જેવાં ગુજરાતીમાં પુસ્તકો તૈયાર કરાવવાને આ પ્રાન્તના માજી એજ્યુકેશનલ ઈન્સ્પેક્ટર મહેરબાન રસલ સાહેબે મારી આગળ પોતાની મરજી જણાવી તથા એવી એક વાર્ત્તા બનાવવાને તે સાહેબે મને કહ્યું. આ ઉપરથી આ પુસ્તક મેં રચ્યું.’ આ પ્રમાણે આ પુસ્તક સન ૧૮૬૮ માં પ્રસિદ્ધ થયું. ઇંગ્રેજી નવલકથાનો નમૂનો ગુજરાતી સાહિત્યમાં દાખલ કરવાના ખાસ ઉદેશથી આ પુસ્તક લખાયું હતું. અત્યારસુધીમાં 'સાસુ વહુની લઢાઈ’ નામે હાસ્યરસ વાર્ત્તા' સિવાય જે જે પ્રસિદ્ધ થયું હતું તે પરભાષાના તરજુમા જ હતા. ગ્રંથકર્ત્તાનો આ પહેલો જ પ્રયાસ હતો તેમ ભાષામાં એ પહેલું જ નવલકથાનું પુસ્તક હતું, તેથી તેમાં ખામીઓ હતી. નંદશંકરની રીતભાત વર્ણવવાની શક્તિ ખરેખરી અદ્‌ભુત છે. માધવના મહેલનું વર્ણન વાંચતાં તે આપણી નજર આગળ આવીને ખડો થઈ જાય છે. રાજદરબાર, સમીપૂજન, લશ્કરી રમતો, વાઘને હાથીની સાઠમારી, આતશબાજી, સ્મશાન, સતી થતી વખતનો દેખાવ, વગેરે વર્ણનો ઘણી રસભરી ભાષામાં જોઈએ તેવાં કર્યા છે. આમ છતાં પણ કેટલાંક વર્ણનો જોઈએ તેથી વધારે લાંબાં અને લખાણ તાલમેલીયું છે. ચોપડી વાંચવા પછી હાથમાંથી છોડવી ગમે નહિ એને સાધારણ રીતે રસ પડવો એમ કહે છે. નવલરામ એને મઝા કહે છે. આ પુસ્તકમાં મઝા સાધારણ છે, પણ મનોવિકારનાં ચિત્રોમાં સચ્ચાઇ જોવામાં આવતી નથી. અને મનોવિકારનાં સચોટ ચિત્રોને રસ કહીએ તો આ પુસ્તકમાં રસ નથી. કરણે રૂપસુંદરીનું હરણ કર્યું તે વખતનો દોઢ પાનાનો વિલાપ કેવળ તાલમેલીઓ છે. હિંદુ સ્ત્રીઓ કૂટતી વખત મલાવીને જૂઠા રાગડા તાણે છે તેના જેવો ઢોંગ ભરેલા અને દિલ વગરનો છે. તેમજ રૂપસુંદરીના હૃદયમાં માધવના વિયોગનું દુઃખ અને એ વિયોગના પડાવનાર દુષ્ટ કરણનો પ્રેમ જતો રહેશે એવી ચિંતા એ બે મનોવૃત્તિયો એક સાથે હોય નહિ. કરણના મરણના સમાચાર વખતે એ કીર્ત્તિ વિશે નિબંધ ભણી જતી હોય એવું દેખાય છે. સતી થવા જેવું ઉગ્ર કર્મ આરંભી બેઠેલી સ્ત્રીને વિધવાપણાનાં દુ:ખ, શૃંગાર અને સારાં સારાં લૂગડાંનો નાશ સાંભરી આવતો નથી. તેમજ સતી થતી બૈરીને ઈશ્વરપ્રાર્થના કરતાં સૂજે કે હે પરમેશ્વર, ભાનુ, ચંદ્ર, સાગર, ગિરિ ઝાડપાન એ સઘળી તારી કૃત્તિ છે; તેમજ લાંબી પ્રાર્થના કરે એ પણ સ્વાભાવિક નથી. નવલરામ કહે છે તેમ સતી થવાના અદ્‌ભુત ભયાનક રસની સાથે વનનું લલિત વર્ણન મુકવું એ સ્મશાનમાં બળતી ચિતા આગળ દાદરા ઠુમરી ગાવા બેસવા જેવું રસિકતાની વિરુદ્ધ છે. વાર્ત્તામાં જ્યાં જ્યાં ગ્રંથકર્ત્તા જાતે ચિત્ર છે અથવા વિચાર આપે છે–અને આવો ભાગ ઘણો જ છે — ત્યાં અક્ષરે અક્ષરે પણ થોડી ઘણી રમૂજ પડ્યા વગર રહેતી નથી, પણ જ્યાં એ બીજાને બોલાવવાનું કરે છે કે ગડબડગોટા વાળવા માંડે છે કરણ રાજા સિવાય ઘણું કરીને સઘળાં ગુણ–ચિત્રોનાં છૂટાં છૂટાં અંગને શણગારવામાં જેટલો શ્રમ લીધો છે તેટલો તે એકએકને અનુકુળ કરવામાં લીધો નથી. ઘણે ઠેકાણે રસભંગ થવાનું કારણ આ છે. આમ હોવા છતાં પણ ભાષા સાદી પણ અર્થવાહક છે અને શૈલી સબળ તથા  અસરકારક છે. ગ્રંથકર્ત્તાના વિશેષ બુદ્ધિપ્રભાવને લીધે એ પુસ્તક ઘણું રૂચિકર અને ચિતાકર્ષક બન્યું છે. કરણઘેલામાં રોમેન્સ અને નોવેલ બન્નેનાં અંશનું મિશ્રણ છે. આ પુસ્તક પછી ગ્રંથકર્ત્તાએ બીજું કઈ પુસ્તક રચ્યું નહિ એ શોચનીય છે. પરંતુ એ એકજ નવલકથાએ ગ્રંથકર્તાને નવલકથાકારનું ઉપપદ યોગ્ય રીતે અપાવ્યું છે. આ નમૂના પ્રમાણે ઐતિહાસિક વૃત્તાંતોને આધારે 'વનરાજચાવડો' અને ‘સધરાજેશંગ’ નામની બે નવલકથાઓ રા. સા. મહીપતરામે લખી છે. જે જનમંડળને સારૂ લખાઈ છે તેને રૂચતી સરળ ભાષા એ નવલકથાઓમાં છે. કેટલાંક વર્ણનો મઝા ઉત્પન્ન કરે એવાં અને કેટલાંક જોઈએ તે કરતાં લાંબાં છે. આખી કથાઓમાં જે કાળે એ લખાઈ છે તે કાળનો સુધારાનો ઉત્સાહ વ્યાપ્તમાન દેખાય છે. લોકોમાં ચાલતી વાતો, ટુચકા, જોડકણાં વગેરેનો એમાં છૂટથી ઉપયોગ કર્યો છે. કેટલીક જગાએ અશ્લીલતા પેસવા પામી છે છતાં પણ એ બે નવલકથાઓ લોકોને રૂચિકર થઈ પડી હતી અને ઘણી વંચાઈ છે.

ઈતિહાસના પાયા વગરની છતાં તેના આભાસવાળી 'અંધેરી નગરીનો ગર્ધવસેન' નામની નવલકથા રા. સા. હરગોવંદદાસ કાંટાવાળાએ લખી હતી. ‘દેશી કારીગરી’ અને ‘પાણીપત’ વાળા રા. હરગોવિંદદાસની બાની આ પુસ્તકમાં નજર પડતી નથી. ઉક્ત પુસ્તકોથી તદ્દન જૂદી અને વિચિત્ર શૈલીમાં આ નવલકથા બહાર પડી છે. ગુજરાતી ભાષાનો શબ્દભંડોળ વધારવા ગામડીઆ અને પ્રાંતભેદના શબ્દ વાપરવાની પ્રસ્તાવનામાં લાંબો બોધ કર્યો છે. ગામડીઆ બોલથી સુશિક્ષિત વાંચનારના મનમાં તિરસ્કાર ઉત્પન્ન થાય જ અને તેથી ગમે તેવા ગ્રંથની પૌઢીનો ભંગ જ થાય. ઘરખુણીઆ શબ્દોને વાક્યો વાપરવાની પોતે જ પ્રતિજ્ઞા કર્યા છતાં આ પુસ્તકમાં કર્ત્તાની હમેશની સરળતા જતી રહીને આડંબર અને ક્લિષ્ટતા પેશી ગઈ છે. આ વાર્ત્તાનું પહેલું વાક્ય જ અડધું પાનું ભરાય એવું છે !

કલ્પિત અંધેરી નગરીમાં ગર્ધવસેન કરીને રાજા હતો. ક્યારે હતો તે સમય આપ્યો નથી. તેમજ કાળચિત્ર આલેખવા કોઈ પણ રીતનો બંધ રાખ્યો  નથી, કે તેથી વાંચનાર કાળની અટકળ પણ કરી શકે. દેશકાળ વગરની આ વાર્ત્તા ‘ઉટંગ' જ છે. ગર્ધવસેન ખરેખરો ગધેડો અને નગરી ખરેખરી અંધેરી જ છે. પાત્રના ઉપર ગ્રંથકારનું કાંઈ પણ લક્ષ જણાતું નથી. પુસ્તકમાં લખેલી મૂળ વાત છેક અસંભવિત છે, એમ તો રજવાડાથી કોઈ વાકેફગાર હશે તે કહી શકશે નહિ, પણ દુનિયાનું સઘળું નઠારું એક ઠેકાણે બતાવ્યું છે. આ પ્રમાણે દુનિયામાં ન હોય અથવા ક્વચિત જ હોય એવા જ દુર્ગુણમય આ સૃષ્ટિને વર્ણવવાથી આ પુસ્તક આસુરી કાવ્યની પંક્તિમાં આવે છે; અને નિંદ્ય ઠરે છે. દુર્ગુણનાં રસભર્યા ચિત્રોથી ( પરિણામે દુઃખ વર્ણવ્યું હોય તોપણ ) જુવાન માણસોના મન ઉપર નઠારી અસર થાય છે, અને પ્રૌઢ બુદ્ધિવાળાને તો એ ચિત્ર રૂચતાં જ નથી. ઇંગ્રેજીમાં આ કોટીનો લખનાર રેનલ્ડ છે. આ પુસ્તકની સરખામણી રેનલ્ડ જોડે માત્ર આ એક જ બાબત–વસ્તુ–ને લઈને જ થાય. બાકી રેનલ્ડની અદ્‌ભુત ચિત્રણશક્તિ અને પાત્રભેદજ્ઞાનને ઠેકાણે અહિંયાં તો શુન્ય જ છે. મૂળ વાતમાં ગર્ધવસેનને છેક ગધેડો જન્માવવા કરતાં માણસ રાખ્યો હોત તો ફાયદો થાત. જો રાજવર્ગને બોધ કરવાની ઈચ્છા રાખી હશે તે તો ફળીભૂત થવાની જ નહિ. તેઓ તો પુસ્તકનું નામ સાંભળીને જ ચીડાશે અને અમારી નકામી નિંદા કરી છે એમ સમજશે.

કરણઘેલાથી મોહ પામીને એ ધાટીપર લખાયલી બે ત્રણ નવલકથાઓમાં સર્વોપરી સ્થાનને યોગ્ય રા. અનંતપ્રસાદની ‘રાણકદેવી' છે. વર્ણનશૈલી લગભગ કરણઘેલા જેવી પણ કલ્પનાજનિત રસ કાંઈ ઓછો, બોધ પણ ઘણો છતાં ઉંડાણ ઓછું. સંહાર પ્રકરણોમાં સારો રસ હોઈ આ પુસ્તક વાંચવા લાયક બન્યું છે.

ઐતિહાસિક વસ્તુ અને સ્વકલ્પિત કલ્પનાના મિશ્રણવાળી, રા. મણિલાલ છબારામની ‘પૃથુરાજ ચોહાણ અને ચંદ બરદાયી’ અને ‘ઝાંસીની રાણી’ બે સારી નવલકથાઓ છે. પહેલીનું શબ્દશઃ હિંદુસ્થાનીમાં ભાષાન્તર થયું છે. ગુજરાતીમાં પણ સહજ ફેરફાર કરી પોતાનું નામ ઘાલી બીજાએ છપાવી કાઢી છે, એ એની લોકપ્રિયતા બતાવે છે. ભાષા શુદ્ધ  અને મનહર વર્ણનોવાળી હોવાથી આ નવલકથાઓ ગુજરાતી સાહિત્યમાં સારો ઉમેરો કરે છે.

ઐતિહાસિક વસ્તુ ઉપરથી થયેલી આ નવલકથાઓની પૂર્વ ભાટ ચારણોને મ્હોડે રહેલી કથાઓનો મોટો ભંડાર અસ્તિત્વમાં હતો. 'ગુજરાત અને કાઠીયાવાડ દેશની વાર્ત્તાઓ', અને 'ગુજરાતની જુની વાર્ત્તાઓ' નામનાં ઉપયોગી અને સુંદર પુસ્તકોમાં એવી કેટલીક વાર્ત્તાઓનો સંગ્રહ થએલો છે. 'ગુજરાતની જુની વાર્ત્તાઓ' એ જુની વાર્ત્તાઓ સાંભળીને પોતાની સરલ અને રસભરી ભાષામાં રા. મણિલાલ છબારામે લખેલી ત્રણ વાર્ત્તાનો સંગ્રહ છે. 'ગુજરાત અને કાઠીઆવાડ દેશની વાર્ત્તાઓ' એક જાણીતા પારસી લેખકે સંગ્રહી છે. આ ગૃહસ્થ ઇંગ્રેજીમાં બે ત્રણ નાનાં પુસ્તકોલખીને જાણીતા થયેલા હતા. કેળવણી ખાતાના નિયમને અનુસરી અનીતિ તથા ધર્મ ભેદને લગતા વિચારોથી એ વાર્ત્તાઓને મુક્ત કરવાની સારી મહેનત કરી છે. પણ તેમ કરતાં તેનો રસ ઉડી ન જાય તે ઉપર પૂરતું લક્ષ રાખ્યું છે.

આવી વાર્ત્તાઓનો સંગ્રહ કરવો એ મહા મહેનતનું તથા ભારે ખરચનું કામ છે. એને માટે દેશના જૂદા જૂદા ભાગમાં રખડવું પડે છે. ભાટ ચારણોનાં મન મનાવવાં પડે છે; અને તેમ કરતાં કેટલી મહેનતે એક વાર્ત્તા પૂરી પાંસરી હાથ લાગે છે. લોકોની રૂચિ એવી વાર્ત્તાઓ ઉપરથી ઉઠી જવા લાગી હતી, ભાટ ચારણો ભૂખે મરવા લાગ્યા હતા અને કેટલીક વાર્ત્તાઓ ગુજરાતના કેટલાક ભાગમાંથી તદૃન ગૂમ થઈ ગઈ હતી; અને થોડાં વર્ષ બીજાં જાય તો એ જનવાર્ત્તાઓ દેશમાંથી બીલકુલ નાબુદ થશે એમ દહેશત હતી. આ પ્રમાણે આવી વાર્ત્તાઓનો સંગ્રહ કરવાનો ખરેખરો સમય હતો તે કાળે આ ગૃહસ્થે આ સંગ્રહ કરવા માંડ્યો હતો. જનવાર્ત્તાઓનો સંગ્રહ એ મહા ઉપયોગી અને નાના પ્રકારનું જ્ઞાન આપનાર છે. એની ખોટ પંડિતાઈના ગ્રંથોથી પૂરી પડતી નથી. પાછલા સમયમાંનું જ્ઞાન મેળવવામાં એ એક મહા અગત્યનું સાધન છે, અને તેથીજ યુરોપના મોટામોટા પંડિતો જે વાર્ત્તાઓ બૈરાંને તથા છોકરાંને, ગામડીઆને તથા અભણને વંશપરંપરાથી આનંદ આપતી આવે છે તેનો સંગ્રહ કરે અને તે ઉપર વિચાર કરવો એ કામ પોતાની યોગ્યતાને અનુકૂળ સમજે છે.  સ્વ. નવલરામ આ પુસ્તકની ભાષા સંબંધી લખે છે કે 'આવું શુદ્ધ આજ પર્યત કોઈ પારસીએ લખેલું અમે જોયું નથી.' તેઓ વળી ઉમેરે છે કે 'ભાષા એ જ આ ગ્રંથની ખુબી હોય એમ નથી. લખનારની વિદ્વત્તા તથા રસિકતા ડગલે ડગલે જણાઈ આવે છે. એ લખનાર ફક્ત વાર્ત્તાઓનો સંગ્રહ કરનાર જ હોય એમ નથી. જનવાર્ત્તાઓ જે રૂપે ચાલતી હોય તે જ રૂપે પ્રગટ થાય તો સારૂં કે તેમાં તેના સંગ્રહ કરનારે પોતાના વિવેક પ્રમાણે ફેરફાર કરી તેને બીજો આકાર આપવો એ સારૂ એ સવાલ જૂદો છે, પણ આ ગ્રંથકારે તો બીજો માર્ગ પસંદ કીધો છે. અને તેથી તેણે પોતાનું રસજ્ઞાન તથા પાંડિત્ય જાણવાનો વાંચનારને યથાસ્થિત અવકાશ આપ્યો છે. એ કાવ્યશાસ્ત્રનો જાણ, દેશદેશની વાર્ત્તાઓનો સારો અભ્યાસી તથા જાતે રસનો ખરો અનુભવી જણાય છે. એણે જે જે વાર્ત્તાઓ સાંભળી તેના રંગમાં બરાબર ઉતરીને જ તેને પાછી પોતાની વિદ્વતાવાળી વાણીમાં જન્મ આપ્યો છે. ઠેકાણે ઠેકાણે ગ્રંથકારની ઉલટ અને મસ્તી પ્રત્યક્ષ જણાઈ આવે છે. ”

આ ગ્રંથકારે પોતાના સંગ્રહને માટે ફાંકડી પ્રસ્તાવના લખીને પોતાને પડેલી મહેનત વગેરેનું રસિક બયાન કરતાં હિંદુ અને પારસીના જીવન વૈભવની તૂલના પણ કરી છે ! આ પુસ્તકો પ્રગટ થયાં ત્યારે એમાંની શુદ્ધ ગુજરાતીને માટે ઘણી વાહવાહ થઈ હતી.

આ તો નાટકની રંગભૂમિ ઉપરની વાત થઇ. બધા પ્રેક્ષકો આ જોઈ શકે છે. પ્રેક્ષકો, પાત્રવર્ગ જ્યાં પોતાનો શણગાર સજે છે ત્યાં જઈ અગર જોઈ શકતા નથી. વિનોદની ખાતર અમે અમારા વાંચનારાઓને પડદાની પાછળ પાત્ર વર્ગને તૈયાર થવાના ઓરડામાં લઈ જઈશું ! આ પુસ્તકના સંબંધમાં પડદા પાછળ શું બન્યું હતું તે જોવાનો અમને પ્રસંગ મળ્યો હતો ! ગ્રંથકર્તા ગામેગામ ફરીને ભાટ ચારણો અને વાતોડીઆની પાસેથી વાતો સાંભળતા. અને તે તેની ટુંકી નોંધ કરી લેતા. “ એક રાજા–બે રાણીઓ–એક અણમાનીતી–કુંવર થાય નહિ–ફીકર–દુઃખ–કુંવર થયો–ખબર જ નહિ–મોટો થયો–પરાક્રમી–શીકાર–રાજા જોડે અચબુચ મેળાપ–  ઓળખવું. ઈ. ઈ.' આવી આવી ટુંકી નોંધ પોતે ઉતારી લેતા. એઓ પોતે કારકુનો–લખનારા રાખતા. આ લોકો એમની નોંધ ઉપરથી પોતે પોતાની ભાષામાં વાત ઉપજાવી કાઢતા ! મી. ખબરદાર જેવા શુદ્ધ ગુજરાતી લખનારની ભાષામાં પણ જન્મના સંસ્કારી ગુજરાતી જેવી શુદ્ધતા ન આવતાં લખનાર બીજી જાતના છે એ જણાઈ આવે છે. પરંતુ આ પુસ્તકોની ભાષા શુદ્ધ ગુજરાતી હોઈને તેમાં પારસીસાઇનો સહજ ગંધ પણ નથી એનું કારણ અમારા વાંચનારા હવે જાણી શકશે. એમાંની કેટલીક વાતો જાણીતા ગુજરાતી લખનાર સ્વ. કેશવલાલ મોતીલાલ વકીલની છે. ગ્રંથકર્ત્તાને ગુજરાતી લખે એવો કારકુન જોઈતો હોવાથી અમારો એક ઓળખાણવાળો ઉમેદવાર તરીકે ગયો હતો. એની નોંધ ઉપરથી વાત લખી કાઢવાની શક્તિની પરીક્ષા કરવા એમણે એને આપેલી એક નોંધ ઉપરથી અમે પોતે પણ એક વાત લખી આપી હતી. આ વાત બીજા કે ત્રીજા ભાગમાં પ્રસિદ્ધ થઈ છે. આ ગ્રંથોની ભાષા આ પ્રમાણે જૂદા જૂદા હિંદુ લખનારાઓની છે. લક્ષપૂર્વક વાંચવાથી જૂદી જૂદી કલમથી લખાયલી વાર્ત્તાઓ જૂદી જણાઈ આવે એમ છે. ગમે તેમ હો પણ ભાષામાં આ પુસ્તક બહુ આદરણીય વધારો છે.

દિવસે દિવસે ઇંગ્રેજી કેળવણીના વધારાથી ઈંગ્રેજી નવલકથાનો ભંડાર વાંચનારાની દૃષ્ટિએ પડ્યો અને એવી કથાઓના પાયા ઉપર ગુજરાતીમાં નવલકથાઓ લખવાનું વળણ સાધારણ રીતે થયું. કરણઘેલો, સાસુવહુની લડાઈ, કુમુદા–સુરતમાં એક કાયસ્થ ગૃહસ્થે પ્રકટ કરેલી નાની પણ મઝાની વાર્ત્તા–વગેરે પુસ્તકોથી ઉત્તેજીત થઈ નવલકથા લખવા તરફ લોકોનું ધ્યાન ખેંચાયું. એકવાર એ તરફ લક્ષ ગયા પછી સારાં, સામાન્ય અને નઠારાં એમ ઘણાં પુસ્તકો બહાર પડ્યાં. મર્હૂમ ગીરધરલાલ દયાળદાસે 'રાસોલાસ’ નું ભાષાન્તર કર્યું અને 'નવી પ્રજા' નામની નવલકથા લખી. ભરૂચમાં કોઈએ 'ત્રણરત્ન' નામની નાની પણ રસિલી ચોપડી મરાઠી ઉપરથી તે અરસામાં લખી હતી. નવલકથા તરફ વૃત્તિ દોરાવાથી નાટક લખવાનું ચેટક મંદ પડ્યું. નાટકને બદલે ઠેર ઠેર બધાંની ચોટ નવલકથા ઉપર થઈ નાટકના સાહિત્ય કરતાં નવલકથાનું સાહિત્ય ઘણું જ વધી ગયું. પોતાના  એક ભાષણમાં રા. રમણભાઇ, ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીનાજ ગ્રંથાલયની હકીકત આપે છે કે તેમાં સને ૧૯૦૯ ના માર્ચ માસમાં ૯૯ નાટકો અને ૨૧૨ નવલકથાઓ હતી.

ઇંગ્રેજી નવલકથાના પરિચયને લીધે તેમાંની ઘણીકનાં ગુજરાતીમાં ભાષાન્તર, પ્રતિકૃતિયો અથવા રૂપાંતર, અને એમની ધાટીપર ઘણી નવલકથા થઈ છે. ઘણાં વર્ષો ઉપર “પોલ અને વરજીનિયા’ ‘ઈલિજાબેથ અથવા સૈબિરિયાનું દેશપાર થયેલું કુટુંબ’ અને ‘ઓત્રાંતોનો ગઢ’ એ નવલકથાઓ ભાષાન્તર રૂપે બહાર પડી હતી.

નિઝામ સરકારની નોકરીમાંના કર્નલ મેડોઝ ટેલરે સને ૧૬૫૭, ૧૭૫૭, ૧૮૫૭ એમ સૈકાવાર બનેલા બનાવનું રસિક વર્ણન આપતી નવલકથાઓ ઇંગ્રેજીમાં લખી હતી. તેમની ‘તારા’ માં શિવાજીને હાથે માર્યા ગયેલા અફઝુલખાનની અને વિજાપુરના રાજ્યની હકીકત બહુ સારી વર્ણવી છે. બીજી નવલકથા ‘સીતા’ માં પ્લાસીના સમયની વાત છે. અને નાયક મી. સીરીલ બ્રેન્ડનને હિંદવાણી સાથે લગ્ન કરાવ્યું છે. ‘રાલ્ફડાર્નેલ’ માં બે વાર્ત્તા જોડે જોડે ચાલે છે અને રસની જમાવટ ઠીક છે. ‘નોબલ ક્વિન’ ચાંદબીબીની હકીકત આપે છે. ‘ટીપુ સુલતાન’ એ પણ ઐતિહાસિક ‘વસ્તુ’ વાળી નવલકથા છે. આજ લખનારનું ‘કન્ફેશન્સ ઓફ એ ઠગ’ એ પણ હિંદુસ્થાનમાં તે કાળે ધમધોકાર ચાલતી ‘ઠગી’ નો ઈતિહાસ પૂરો પાડે છે. આ બધી નવલકથાઓનાં ભાષાન્તર ઘણું કરીને થયાં છે. કર્નલ મેડોઝ ટેલરની નવલકથાઓમાં ઐતિહાસીક ‘વસ્તુ’ આ દેશના હોવાથી, પાત્રો પણ આ દેશના હોવાથી, સ્થળચિત્રો અને વર્ણવેલી રીત રસમ લોકોનાં પરિચિત હોવાથી અને લખનારની લાગણી દેખીતી રીતે દેશીઓ તરફ હોવાથી આ પુસ્તકો પ્રજાને બહુ પસંદ પડ્યાં હતાં અને ઘણાં ખરાંનાં ભાષાન્તર થવાનું કારણ પણ એજ હતું. ‘પાંડુરંગ હરિ’ નામની રમુજી નવલકથાનું પણ ભાષાન્તર થયું હતું. લોર્ડ બુલ્વર લિટનની ‘લાઈલા’ અને ‘ઝેનોની’ નામની નવલકથાનાં ભાષાન્તર થયાં છે. સ્વ. મણિલાલે ‘ઝેનોની’ ને બદલે ‘ગુલાબસિંહ’ નામ આપ્યું છે. એમણે  પોતાની કૃતિમાં મૂળની છાયા માત્ર લીધી છે. ચાર્લ્સ ડિકન્સના પ્રખ્યાત ‘પિકવિક પેપર્સ’ નું ભાષાન્તર પણ નામ બદલાઈને થયું છે. મી. મર્ઝબાનનું ‘મબ્રુક લુંટારો’ એ એક બહુ વંચાયલું પુસ્તક છે. પ્રતિકૃતિ સંબંધી બોલતાં મર્હૂમ કે. ન. કાબરાજી અને બ. ન. કાબરાજીનાં નામો ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં નોંધવા યોગ્ય છે. એ બન્ને ગૃહસ્થોએ ઘણી અને તેમાંએ–મીસીસ હેન્રી વુડની–નવલકથાઓની પ્રતિકૃતિયો કરી છે. તેમની ‘ગુલી ગરીબ,’ ‘ભીખો ભરભરીઓ,’ ‘ભોલો દોલે,’ ‘વેચાયેલો વર,’ શિરિનનાં સંકટ,’ ‘ધિરજનું ધન,’ ‘દેલજંગ દિલેર,’ ‘દીની ડાહી,’ અને ‘કાવલાની કહાણી,’ વગેરે સંખ્યાબંધ વાર્ત્તાઓ બહાર પડી છે. આ પુસ્તકોમાં ઇંગ્રેજ પાત્રોને બદલે પારસી પાત્રો આવ્યાં છે. બીજો ફેરફાર સહજ અને નજીવો છે. ખરા પારસી સંસારનાં ચિત્ર ન હોતાં માત્ર નામફેરથી ઇંગ્રેજી સંસારચિત્ર જ હોવાથી ઘણી કૃત્રિમતા જણાઈ આવે છે. વાર્ત્તામાંથી મળતા બોધનો લાભ ખરચાળા જીવનવૈભવની તૃષ્ણા ઉત્પન્ન થવાથી ગૌણ થઈ જાય છે. ભાષા, શૈલી, વગેરે વખાણવા લાયક નથી. સ્વાભાવિક નવી કલ્પનાનો ઉદ્‌ભવ પણ ન હોતાં માત્ર તેના કથા ભાગને લીધેજ મૂળ વાર્ત્તા રસિલી હોય અથવા ન હોય તેના પ્રમાણમાં વંચાય છે અને વખણાય છે. પારસી પાત્રો યુરોપિયન સંસાર ચલાવતાં હોય એમ દેખાય છે. આવાં આવાં પુસ્તકોનાં ઘણાં વાંચનથી વાંચનારની અભિરૂચી પણ એવી થઈ જાય છે અને એવાં વાંચનની માગણી જારી રહે છે. આ માગણીની તૃપ્તિ થાય એટલી ઝડપથી આવા લખનારાઓ આવું સાહિત્ય પૂરૂં પાડે છે. આમ દિવસાનુદિવસ આ જાતનું સાહિત્ય વધતું જાય છે.

ઇંગ્લંડમાં સુશિક્ષિત વર્ગમાં રેનલ્ડની નવલ–કથાઓ વંચાતી નથી, તેમજ પ્રતિષ્ટીત પુસ્તક વેચનારાને ત્યાં મળતીએ નથી. રસિલી ભાષા, વિષયોત્તેજક ચિત્રવર્ણન, અને પાત્રતા જાળવવાની વિચિક્ષણ કળાને લીધે રેનડ જાણીતો છે. અમે અગાઉ એક વખત કહી ગયા છઈએ તેમ એની કથાઓના વાંચનથી લાભ કરતાં ગેરલાભ વધારે થાય છે. એ શોચનીય છે  કે આપણા લોકોમાં એની નવલકથા તરફ અભિરૂચી ઉત્પન્ન થઈ છે. અમારા ઓળખાણવાળા એક વકીલને ત્યાં પાંચ છ કાયદાનાં પુસ્તકો અને સાહિત્યમાં માત્ર રેનલ્ડનાં મિસ્ટરીઝ્નાં સુશોભિત પૂંઠાવાળાં પુસ્તકો જ ભર્યા છે ! વાંચનથી જ ન અટકતાં એવી નવલકથાઓનાં ભાષાન્તરો પણ થયાં છે. એના ‘લવઝ ઓફ ધી હેરમ’નાં ‘જનાનખાનાની બીબીઓ’ અને ‘અંતઃપુરની રમણીઓ’ એવાં બે ભાષાન્તર છે. ‘લંડન રાજ્ય રહસ્ય,’ ‘લંડન રહસ્ય,’ ‘સીપાઈ બચ્ચાની સજની,’ ‘એગ્નીસ,’ ‘એની બેન,’ વગેરે ઘણી નવલકથાઓ ગુજરાતીમાં પ્રગટ થઈ છે.

કર્નલ મેડોઝ ટેલરની વાર્ત્તાઓને નમુને મી. જહાંગીર તાલેયારખાંએ ‘મુદ્રા અને કુલીન’ અને ‘રનલક્ષ્મી’ નામની નવલકથાઓ લખી છે. આ પુસ્તકોમાં શુદ્ધ ગુજરાતી ભાષા લખવાનો સબળ યત્ન કેટલેક અંશે ફળીભૂત પણ થયો છે. ગુજરાતીનો અભ્યાસી હોય, અને હિંદુઓ જોડે ગાઢ સંબંધમાં આવેલ હોય તો પારસી લેખક કેટલે અંશે શુદ્ધ ગુજરાતી લખી શકે એનો આ વાર્ત્તાઓ ઉપરથી ખ્યાલ આવી શકે છે. એવી જ ઢબની નવલકથાઓ બીજી પણ નીકળી છે. ‘અઢારમી સદીનું હિંદુસ્થાન,’ ને ‘વિક્રમની વીસમી સદી’ વગેરે નવલકથાઓનો સમાવેશ આ વિભાગમાં થાય છે. ‘સુંદર અને વિદ્યાનંદ’ નામની મઝાની નવલકથા ગુજરાતી વાંચકવૃંદને આનંદ આપે છે.

આ સાઠીના પાછલા ભાગમાં ઉદ્‌ભવેલા ગુજરાતી સાહિત્યની જોડે લગીર પણ સંબંધ ધરાવનાર ગૃહસ્થને સ્વ. નારાયણ હેમચંદ્રનું નામ જાણીતું છે. એ સાધુપુરૂષે પોતાની જીંદગીનો મોટો ભાગ બંગાળામાં બંગાળી વિદ્વાન લેખકોના સમાગમમાં વ્યતિત કર્યો હતો. એમની મારફત અને એમના અનુકરણથી ગુજરાતી સાહિત્યપર બંગાળીના સાહિત્યની અસર થઇ છે. આમ એમના વડે બંગાળી સાહિત્યની સ્હેજ ઝાંખી થઈ હતી, તેવામાં વળી બંગભંગને લીધે બંગાળી પ્રજા હિંદુસ્થાનની દરેક પ્રજાના સહવાસમાં આવી; આમ આપણો સહવાસ વધવાથી ગુજરાતી સાહિત્યપર બંગાળી સાહિત્યની કેટલીક સ્થાયી અસર થઈ છે. બંગાળી માસિકોમાં  આવેલા લેખોનાં ભાષાન્તર તેમ જ બંગાળી પુસ્તકોનાં ભાષાંતર થયાં જાય છે. સાધુ નારાયણ સિવાય રા. કૃષ્ણલાલ ઝવેરી, અને મર્હુમ કૃપાશંકર દોલતરામે બંગાળીમાંથી ભાષાંતર કર્યાં છે. રા. કૃષ્ણરાવ દીવેટીઆની સ્વતંત્ર કલ્પનાની નવી નવલકથા ‘મુકુલ મર્દન’ માં આ અસર સાફ જણાઈ આવે છે.

નવલકથાની વૃદ્ધિ કરનારૂં બીજું બળ તે સંસારસુધારાની ભાવના રૂપ હતું. મર્હુમ કરશનદાસ મૂળજી, રા. ભવાનીશંકર કવિ અને બીજા ઘણાક લખનારાઓએ એ ઉદ્દેશથી કેટલીક કથાઓ લખી છે. આ જ ભાવનાથી લખાયલી સ્વ. કેશવલાલ મોતીલાલની ‘બુદ્ધિ અને રૂઢીની કથા’ કદમાં નાની, પણ ગુણમાં મોટી છે. માત્ર બત્રીસ પાનાની છતાં આજકાલનાં ઘણાંખરાં પુસ્તકો છપાય છે તેનાં ત્રણસેં અને વીશ પૃષ્ટ કરતાં પણ એ વધારે કિંમતી છે એ સ્વ. નવલરામનો અભિપ્રાય હતો. ‘વાર્તા’ના રૂપમાં છતાં એ વાર્તા નહિ પણ રૂપકગ્રંથી એટલે મહારૂપક છે.’ રૂપકગ્રંથ અને મહારૂપક એ નામો સ્વ. નવલરામનાં છે; એનાં લક્ષણ એમના જ બોલમાં આપીશું.

‘રૂપકગ્રંથ એટલે માણસના ગુણ, સ્વભાવ, આચાર વિચાર, વગેરે અદૃશ્ય નિરાકાર ભાવમાં સજીવનારોપણ કરી તે હરતા ફરતા દેહધારી જ હોય તેમ તેનું વર્ણન, તેનાં લક્ષણ તથા કાર્ય કારણોને અનુસરીને કરવું તેને અમે રૂપકગ્રંથ કહીએ છીએ. બીજો વિષય ચાલતો હોય તેમાં પ્રસંગોપાત કોઇ ગુણને આવું રૂપ આપવું તેતો માત્ર રૂપકાલંકાર જ થાય છે, પણ જ્યારે આ રૂપક સર્વાંગે વિસ્તાર પામી એક વાર્ત્તાનું રૂપ પકડે, ત્યારે તે રૂપકગ્રંથી કહેવાય. આપણી ભાષામાં સર્વજનપ્રિય આવી રૂપકગ્રંથીનું પુસ્તક પ્રેમાનંદકૃત ‘વિવેક વણઝારો’ છે. સંસ્કૃતમાં પ્રબોધચંદ્રોદય નાટક અને ઇંગ્રેજીમાં પેલા અભણ પણ ભકિતમસ્ત કંસારા બનીયનનો ‘ભક્તપર્યટણ’ (Pilgrim's Progress) છે. રસશાસ્ત્રમાં આવાં કાવ્યને પ્રથમ પંક્તિ મળતી નથી એ વાજબી છે પણ જે સારૂ લખતાં આવડે તો મહારૂપક સરસ કાવ્ય છે.’*[]  ‘સારી રૂપકગ્રંથી ગુંથવી એ કાવ્યકળામાં અઘરામાં અઘરૂં કામ છે. એમાં રસ કલ્પનાદિનો જેટલો ખપ પડે છે તેટલો જ બલ્કે તેથી પણ વધારે તોલન પ્રથક્કરણાદિક શક્તિનો પણ પડે છે. રૂપક ગુંથનાર એક કવિ તેમ જ સારો તત્ત્વવેત્તા જોઇએ. એ કારણથી દુનિયામાં થોડી જ રૂપકગ્રંથીઓ સારી નિવડેલી છે, અને દોષ રહિત હોવું એ તો મહા દુર્લભ છે. કવિશિરોમણિ પ્રેમાનંદ પણ ‘વિવેક વણઝારા’ માં કેટલેક ઠેકાણે લથડી ગયો છે, પણ રસભાગ એનો આબાદ હોવાથી તે સાધારણ વાંચનારના લહ્યામાં આવતું નથી. રૂપકગ્રંથનું પહેલું ખોખું શાંત અવલોકન અને બારીક તોલનશક્તિની જ સહાયતાથી ઘડાય છે, એમાં પછીથી રસકલ્પના આવી તેમાં જીવ મુકે છે, ત્યારે તે મૂર્તિ તેજોમય થઈ રહે છે. ગમે એવાં રૂપાળાં પણ નિર્જીવ મુડદા કરતાં કાંઈક બદશીકલ પણ આરોગ્યતા ને તેજીથી ભરપૂર એક ચહેરો ઘણો વધારે મનોહર લાગે છે તેમ જ આ મહારૂપકનું પણ છે. જો એમાં રસરૂપી જીવ નથી તો તત્ત્વજ્ઞાને આપેલાં હાડપાંસળાં કેવળ મિથ્યા અને કંટાળો ઉપજાવનારાં છે. એ જ કારણથી ‘જીવરાજની મુસાફરી’ માં તત્ત્વજ્ઞાનની ચોટ સઘળે ઠેકાણે આબાદ છે, તોપણ તે કોઈ પણ કવિતાના ભોગીને વાંચવી ગમતી નથી. એ કરતાં ‘હુન્નરખાનની ચઢાઇ’ જેમાં મહારૂપકની છાયા જ માત્ર છે તે પણ તે બહુ રસિક લાગે છે.’ ‘રંગ પૂરીને ઘટતાં વર્ણનથી આ રૂપકને (બુદ્ધિ અને રૂઢિની કથાને ) કેટલું રસિક કરવામાં આવ્યું છે તે જાણવાને માટે અમે એ ચોપડી જ વાંચવાની ભલામણ કરીએ છીએ.’ આ પુસ્તકની ‘ભાષા અત્યંત રૂઢ, સરળ, બહુધા શુદ્ધ અને રસભરી છે. રસની સાથે એ ચોપડી વાંચવાથી ડગલે ડગલે બોધ ને વિચાર કરવાનું મળે એવી છે. ***એ સઘળાએ વાંચવાજોગ છે એમ તો......અમારે કહેવાની જરૂર જ નથી.’*[]

અમારા સ્વ. મિત્ર કેશવલાલ નાનપણમાંથી જ ગુજરાતી સાહિત્યના ભક્ત હતા અને તેમને લખવાનો પરિચય હતો. છેક નાનપણમાં ગુજરાતી લખીને જ જીંદગી ગાળવી એવા ઉદ્દેશથી એઓ મુંબાઈ જઈ રહ્યા હતા.  ઉત્સાહી તરૂણ અવસ્થામાં સંસારની મુશ્કેલીઓનો ખ્યાલ આવી શકતો નથી. આ અરસામાં જ એમણે ‘ગુજરાત અને કાઠિયાવાડ દેશની વાર્ત્તાઓ’ માં કેટલીક વાતો લખી હતી. છેવટે એઓ પાછા આવી અભ્યાસમાં જોડાયા હતા. ઉદ્યોગ, ખંત અને પ્રમાણિકપણે પોતાનો વકીલાતનો ધંધો કરતાં એમણે ગુજરાતી સાહિત્યમાં આવું સુંદર પુસ્તક ઉમેર્યું છે, એને સારૂ એમને ધન્યવાદ ઘટે છે. કેટલાંક વર્ષ ઉપર રૂપકગ્રંથીનો બીજો એક ગ્રંથ ગુજરાતી સાહિત્યમાં ઉમેરાયો છે. ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીના સંબંધવાળા રા. જીવનલાલ અમરશી‘ધર્મજીરાવનું કુટુંબ અથવા વડોદરામાં મહારાજા મલ્હારરાવની કારકીર્દીનાં સ્હાડાત્રણ વર્ષ’ નામના રૂપકનું મરાઠીમાંથી દેશભક્ત નામના વર્ત્તમાનપત્રની ભેટ તરીકે ભાષાન્તર કર્યું છે. આ રૂપકનો આશય સ્પષ્ટ છે. મલ્હારરાવ ગાદીએ આવ્યા પછી દામોદરપંતરૂપી વિષય સંગમાં રહેતાં ધર્મ (ધર્માજીરાવ) અધિકારભ્રષ્ટ થયો; ધર્મની પત્ની સુમતિ, પુત્ર સદ્‌ગુણ અને કન્યા નીતિની દુર્દશા થઇ. ધર્મની મા સુબુદ્ધિને પથારી વશ કરી. આના પરિણામે મલ્હારરાવ પદભ્રષ્ટ થયો. સર. ટી. માધવરાવે સુબુદ્ધિને સચેતન કરી, ધર્મને પાછો આણ્યો અને તેનું તેમ જ સદ્‌ગુણ અને નીતિનું રક્ષણ કર્યું. ગાયકવાડી રાજ્ય થાળે પડ્યું. આવાં અર્થવચ્છદ નામો આપીને આ રૂપકગ્રંથી ગુંથાઇ છે. ભાષાન્તરકર્તાએ સરળ ભાષામાં મઝા પડે એવું આ પુસ્તક બનાવ્યું છે. જોકે એક બે જગાએ રૂપકમાં કાંઇ ન્યુનતા આવે છે પણ તે મૂળ ગ્રંથની જે છે. ભાષામાં મરાઠી રૂઢ પ્રયોગો વખતે નજરે પડે છે. બુદ્ધિ અને રૂઢિની કથા જેવી તો નહિ જ પણ એક રસિલી નવલકથાની આ રૂપકગ્રંથથી ગુજરાતી સાહિત્યમાં વૃદ્ધિ થઈ છે.

જેમ સંસાર સુધારાની ભાવનાને લીધે કેટલીક નવલકથા લખાઈ છે, તેમ રાષ્ટ્રીય ભાવનાને લીધે પણ નવલકથાઓ ગુજરાતી સાહિત્યમાં ઉમેરાઈ છે. આવા ઉદ્દેશથી લખાયલી કથાઓમાં રા. ઇચ્છારામ દેસાઈકૃત ‘હિંદ અને બ્રિટાનિયા’ મુખ્ય છે. ચાલીશેક વર્ષ પહેલાં ભાવનગરમાં ‘મનોરંજક રત્ન’ નામનું માસિક નીકળતું હતું. સુરતમાં રહેનાર એક  યુરોપિયન ગૃહસ્થ જેમણે મુસલમાની ધર્મ અંગિકાર કરીને મુરાદઅલ્લિ બેગ એવું નામ ધારણ કર્યું હતું તેમણે પોતાની છટાદાર ભાષામાં ‘માઉટન ટોપ’ નામે એક લેખ લખ્યો હતો. ગમે તે કારણથી આ વિષય લખાતો બંધ પડ્યો અને મુરાદઅલ્લિબેગના મૃત્યુને લીધે તે સદાને માટે અધુરો જ રહ્યો. આ લેખના વિસ્તાર રૂપી આ નવલકથા લખાઈ છે. એ પુસ્તકનો વિષય, તેની સંકલના અને તેની ગ્રંથી એવા પ્રકારની છે કે કોઈ પણ દેશાનુરાગી પુરૂષના ચિત્તને તે પ્રફુલિત કર્યા વિના રહે એમ નથી. વર્ણન આપવામાં ગ્રંથકારે જે શક્તિ વાપરી છે તે સારી છે, તેમ જ લખવામાં તેના આવેશ અને તેના ભાવ એવા જોશભેર ઉછળે છે કે આપણે ઘણી વાર તેમાં તણાઈ આપણા પોતાના નિશ્ચયસ્થાનથી પ્રચ્યુત થઈએ છીએ. લેખકની આ ખૂબી છે, ને તેમાં સ્વતંત્રતાનું છેવટનું લાંબું ભાષણ એક સારા લખાણનો નમુનો છે. એમાં આપેલા વિચારો એવી શાણી દીર્ઘદૃષ્ટિના છે કે તે રાજભક્તને પણ તેટલું જ આનંદદાયક થઈ પડવાનો સંભવ જણાય છે. આ પુસ્તક લોર્ડ રીપન જેવા ઇંગ્લંડના ખરેખરા રાજ્યસ્થંભ અને હિંદમાં ત્રાતારૂપે સર્વત્ર પુજાયેલા ધર્મવીરને અર્પણ કરવામાં આવ્યું છે. એમનું શુભ નામ જેમ આ ગ્રંથને શોભા આપે છે તેમ જ એ ગ્રંથ તે નામને પણ છાજતા અને શોભા આપતા વિષય ઉપર જ સુંદર છટાથી લખાયો છપાયો છે. ‘ગોડ્ સેવ ધી ક્વિન્’ એ ઇંગ્લંડના રાજગીતનું ગુજરાતી ભાષાન્તર કરવાનું રાસ્તગોફતારના અધિપતિ જાણીતા લખનાર મી. કાબરાજીને સરકાર તરફથી સોંપાયું હતું. એમણે ભાષાન્તર કરીને બહાર પાડતાં તેના ઉપર ઘણા આક્ષેપ થયા હતા. ગુજરાતી પ્રજા તરફથી આવું ભાષાન્તર કરવાનો મી. કાબરાજીનો અધિકાર ચરચાયો. ‘ગુજરાતી’ પત્રે આ ચરચા ઉઠાવીને તેમાં ખૂબ ભાગ લીધો હતો. આને લીધે ઉભય પક્ષનાં દિલ ખાટાં થયાં હતાં. તેવા વખતમાં ‘હિંદ અને બ્રિટાનિયા’ બહાર પડવાથી રાસ્તગોફતારે એ પુસ્તકને રાજદ્રોહી કહીને હુમલો કર્યો હતો. ગુજરાતીના એડીટર–તંત્રીને ચગદી મારવાનો સબળ પ્રયત્ન થયો હતો. આ પુસ્તકનું વાર્ત્તિક ‘ગુજરાત શાળાપત્ર’ માં લખવા બદલ સ્વ. નવલરામ  પણ કેટલીક વિટંબણામાં આવી પડ્યા હતા. કેળવણી ખાતાનાજ કેટલાક દ્વેશી દેશી અમલદારોએ આ બાબતમાં બળતામાં ઘી હોમ્યું હતું. પણ આખરે સત્ય તર્યું અને ‘હિંદ ને બ્રિટાનિયા’ રાજદ્રોહી પુસ્તક નથી એમ ઠર્યું હતું.

રા. છગનલાલ હરિલાલ પંડ્યા‘કાદમ્બરી’ નો અનુવાદ કરીને ગુજરાતી ભાષાના ટુંકા ગ્રંથભંડોળમાં અગત્યનો વધારો કર્યો છે. એ મૂળ ગ્રંથનો સંસ્કૃતમાં કર્ત્તા બાણપંડિત છે; એણે પોતાના કાવ્યમાં શોધી શોધીને એટલા બધા અલંકાર ભર્યા છે કે હવે પછીના કવિને નવું એક પણ ઉપમાન ઉપમેય મળવું મુશ્કેલ થઈ પડ્યું છે. એ ઉપરથી વિદ્વાન વર્ગમાં એક કહેવત ચાલે છે કે वाणोच्छिष्टंजगतसर्वम् એટલે દુનિયામાં બીજા કવિયોમાં જે જે અલંકાર હોય તે બાણના ઉચ્છિષ્ટ એટલે તેના ગ્રંથમાં વપરાયલા જ હોય.

આ ગ્રંથ રસચાતુર્ય શૈલીનો એક સર્વોત્તમ જ નહિ, પણ અનુપમ નમુનો છે. એની જગતમાં જોડી જ નથી. જેમ દુનિયામાં તાજમહેલ, ઈજીપ્તના પિરામીડ, અને ચીનનો કોટ તેમ આ ‘કાદમ્બરી’ ગ્રંથ તે સાક્ષર વિષયમાં એક્કો જ, અનુપમ ને જેનો વિચાર વાંચ્યા વિના બંધાઈ જ શકે નહિ એવો એક ગ્રંથ છે.

આ ભાષાન્તર અસાધારણ કાળજી, સમજ, તથા ચતુરાઈથી કરેલું જણાય છે. કાદમ્બરીની ગુંથણી સંક્ષિપ્ત અને ડગલે ડગલે શબ્દાલંકારથી ભરપૂર હોવાને લીધે એનું ભાષાન્તર કરવું બહુ જ મુશ્કેલી અને સંસ્કૃત સાથે નિકટ સંબંધ ધરાવનારી આપણી પ્રાકૃત ભાષાઓ સિવાય બીજીઓમાં તો તે થવું જ અશક્ય. તે છતાં આ ભાષાન્તર તો ગુજરાતી વિદ્વાનને હર્ષથી વાંચવા યોગ્ય થયું છે, તે આ ભાષાન્તરકારની અત્યંત કાળજી તથા ચતુરાઈનું જ ફળ છે. ભાષા સર્વત્ર પ્રૌઢ, શુદ્ધ અને રૂઢ પણ છે. ભાઈ છગનલાલે પોતાના અથાગ શ્રમના ફળ તરીકે ગુજરાતી સાહિત્યમાં અપૂર્વ ગ્રંથનો ઉમેરો કર્યો છે. પાટણના કવિ શ્રી ભાલણનો રચેલો આ ગ્રંથનો અનુવાદ પદ્યાત્મક છે અને ઘણો ઉત્તમ છે. એની સંશોધિત  આવૃત્તિ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી સાક્ષર શ્રી. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ પાસે કહડાવનાર છે. આ સમર્થ ગ્રંથથી કાદમ્બરી અને ભાલણ બન્નેનો રસ અનુભવવાની અમુલ્ય તક ગુજરાતી વાંચનારી પ્રજાને મળશે.

કાદમ્બરી પર વાર્ત્તિક લખતાં સ્વ. નવલરામજીએ લખનારાઓને ચેતવણી આપી હતી કે જો જો એ શૈલીનું અનુસરણ કરશો નહિ. છતાં એનાં અનુસરણ થયાં છે. દોલતરામ પંડ્યાની ‘કુસુમાવલિ’ આ કોટીમાં આવે છે.

સંસ્કૃતમાંથી ‘દશકુમાર’ ચરિત્ર અને ‘બૃહત્કથાસાગર’ નાં સુંદર ભાષાન્તરો થયાં છે. અરેબિયન નાઈટસનાં ભાષાન્તર બે જૂદા જૂદા ગૃહસ્થો તરફથી થયાં છે. ઘણાં વર્ષો ઉપર કોઇ પારસી ગૃહસ્થે પારસી ગુજરાતીમાં એક ભાષાન્તર બહાર પાડ્યું હતું. ગુજરાતી પ્રેસે પોતાનું ભાષાંતર સુંદર આકારમાં પ્રગટ કર્યું છે. એમાં ભાષામાં ઘણી ભૂલો ઘુસી ગઇ છે. સંસ્કૃત શબ્દોની ટંકશાળમાંથી ખરા સિક્કા ન પડતાં વગળવાળા અને બેડોળ શબ્દરૂપી સિક્કાઓ બહાર પડ્યા છે; છતાં રા. ઇચ્છારામનાં પુસ્તક વાંચવા લાયક અને બે ઘડી આનંદ ઉપજાવે એવાં થયાં છે.

છુપી પોલીસની બાહોશી વર્ણવતી નવલકથાઓ હાલ ઇંગ્લંડમાં ઘણી નીકળે છે. આપણા લોકોમાં પણ એ વાંચન તરફ વલણ થયું છે. ‘સોનેરી ટોળી’, ‘પંદર લાખપર પાણી’, ‘વિધવા લીરૂજ’ વગેરે જથાબંધ પુસ્તકો આ કોટીનાં થાય છે.

માસિકોમાં અને વર્ત્તમાનપત્રોમાં કથાઓ પ્રસિદ્ધ થાય છે, અને એમની તરફથી પ્રતિ વર્ષે ભેટ દાખલ નવલકથાઓ નીકળે છે, આ ઉદ્દેશે પણ નવી નવલકથાઓ પ્રગટ થાય છે.

ગુજરાતી ભાષાના નવલકથાના સાહિત્યમાં શ્રેષ્ટ પદ્વીએ પહોંચેલી અને એ સાહિત્યના અને સદ્‌ગત ગોવર્ધનરામ ત્રિપાઠીના કીર્તિસ્થંભ રૂપ નવલકથા તે એમની રચેલી ‘સરસ્વતીચંદ્ર’ છે. આ સાઠીના પાછલા ભાગમાં પ્રગટ થઇને પ્રજામાં ઘણી જ વંચાઈ અને ચરચાઈ છે. આમ હોવાથી એની રચના સંબંધી બોલવું નિરર્થક છે. એ વાર્ત્તા ચાર જૂદાં જૂદાં પુસ્તકોમાં કેટલાંક વર્ષને આંતરે આંતરે બહાર પડી છે. કુશળતા ભર્યું નવલકથાસ્વરૂપ પ્રથમ ભાગમાં છે. બીજા ભાગમાં હિંદુ ગૃહસંસારનું સાદું યથાસ્થિત અને રસભર્યું ચિત્ર છે. ત્રીજા ભાગમાં દેશી રાજ્ય, રાષ્ટ્રીય ઉદય સાથે તેનો સંબંધ, તેમાં રચાતાં અને ભજવાતાં કાવત્રાં વગેરેનો ભાગ ઘણો અને મૂળ કથાભાગ થોડો અને ચોથામાં અનેક વિષય ઉપરના ગ્રંથકર્ત્તાના મહાન્ વિચારનો સંગ્રહ છે. આ નવલકથા ભાષામાં અને સાહિત્યમાં કેટલું ભારે બળ પ્રવર્ત્તાવે છે તે ‘સરસ્વતિચંદ્ર’ને જે જયઘોષથી ગુજરાતી વાંચનાર વર્ગે વધાવી લીધો છે તે ઉપરથી જણાય છે. સરસ્વતિચંદ્ર, કુમુદસુંદરી, કુસુમસુંદરી, ગુણસુંદરી, વિદ્યાચતુર, બુદ્ધિધન વગેરે પાત્રોનાં ચિત્ર હાલના કાળમાં વિચાર અને ભાવનાના બંધારણમાં ચર્ચાનાં અને ઉદાહરણનાં સાધન થઇ પડ્યાં છે. અનેક અનુકરણોમાં તેની પડેલી છાપ ઉપરથી નવલકથાના સાહિત્યને તેનાથી કેવું પ્રેરકબળ મળ્યું છે તે બતાવી આપે છે. ‘સુંદર અને વિદ્યાનંદ’, ‘વિક્રમની વીસમી સદી’ વગેરેમાં આ પુસ્તકની છાપ દૃષ્ટિગોચર થાય છે. સરસ્વતિચંદ્રનાં પાત્રનાં નામ ઉપરથી કેટલાંક છોકરાંના નામ ધરાધરી પડ્યાં છે. આ પુસ્તકની અસર હજી ચાલુ રહેશે એમ ભાસ થાય છે.

મુસલમાન અને પારસી લેખકો ઇંગ્રેજીપરથી માત્ર ભાષાન્તર કરવાને બદલે નવીન કથા રચવાના પ્રયાસમાં પણ જોડાયા છે એ શુભ ચિન્હ છે. મી. કરીમઅલ્લિ નાનજીઆણીનું 'દુનિયાં દર્પણ' શુદ્ધ ગુજરાતીમાં લખાએલું છે. મુસલમાન ગ્રંથકારો તો કોઈ કાળે પણ શુદ્ધ ગુજરાતીની વિરુદ્ધ હતા જ નહિ. કેટલાક મુસલમાન ગૃહસ્થો દલપતશૈલીની કવિતા લખનાર તરીકે જાણીતા છે. અમે ભુલતા ન હોઈએ તો મ્હેતાજી મી. નનામીયાં એમાંના એક છે. આ ગૃહસ્થોનો ગુજરાતી સાહિત્યવૃદ્ધિ કરવાનો યત્ન આદરણીય છે. પારશી લેખકોમાં શુદ્ધ ગુજરાતીની અગત્ય સમજાઈ છે અને ઘણા પારસી ગૃહસ્થો શુદ્ધ લખવાનો યત્ન કરી રહ્યા છે. નવલકથા તરફ આ લખનારાઓનું ખાસ વલણ પરિણામે ગુજરાતી સાહિત્યને બહુ લાભકારક નિવડશે. આપણા સંસારજીવનમાં કૌતુકમય વિચિત્રતા ઓછી છે. એમ. રા. રમણભાઈ પોતાના એક ભાષણમાં કહે છે એ અમને વિચારતાં ખરૂં લાગે છે. એથી અમને સ્વ. નવલરામની સાથે થયેલ એક વાર્તાપ્રસંગ યાદ આવે છે. નવલકથા અગર નાટક વિષે વાત કરતાં એમણે કહેલું કે આપણામાં નવલકથા અગર નાટકમાં લખવા જેવી પ્રેમકથા અને પ્રેમપ્રસંગ થતા નથી. આપણી રૂઢિને લઈને બાળલગ્નના માઠા ચાલને પરિણામે પ્રેમ એ શું એ સમજવા જેટલી ઉમ્મર પહેલાં તો લાકડે માંકડું જોડાઈ જાય છે. પ્રેમની ભુખ જણાયા પહેલાં તો બાળાવરનો સંસાર આરંભાઈ ચૂક્યો હોય છે. જીંદગી સુધી અને આપણા ધર્મ પ્રમાણે તો જીંદગી પછી પણ સાથી તરીકે જે વ્યક્તિ નિર્માણ થઈ હોય છે તેની પસંદગી જ કરવાની રહેતી નથી. અને પસંદગી કરી શકે એટલું વય જ પ્રાપ્ત થયું હતું નથી. આથી ઉચ્ચ મનોવિકારો અને ભાવનાઓ જન્મ જ પામતી નથી. પ્રેમપ્રસંગ આવે એવા આપણા જનમંડળના રિવાજ જ નથી. માત્ર રેતીના રણમાં લીલાછમ ભાગ જેવું એક જ સ્થળ જણાય છે; અને તે વિધવાવિવાહનું છે. ઉમ્મર યોગ્ય થઈ હોય તો પ્રેમપ્રસંગ મળી શકે અને પ્રેમકેલીઓ એવાં નાયક નાયકાની વર્ણવાય. એમનું કહેવું અમને સર્વશઃ ખરૂં જણાય છે. આપણી પ્રજા ગરીબ છે. તેથી આપણા જીવનમાં અદ્‌ભુતતા ઉદ્‌ભવતી નથી. વળી આપણું જીવન ચોતરફ રૂઢિના બંધનમાં સંકડાયલું હોવાથી કંટાળો ઉત્પન્ન થાય એવું એકસરખું છે. આ બધાં કારણો નવલકથાના સાહિત્યના ઉદ્દ્‌ભવમાં અંતરાયરૂપ થઈ પડે છે. આપણા સંસારજીવનમાં જૂદી જૂદી ભાવનાઓ ઉલ્લાસ પામશે અને વિસ્તાર પામશે ત્યારે હૃદયના વિકાસની સાથે ગૌણ રૂપે પણ અસ્તિત્વમાં રહેલી ખાસ શક્તિઓ પણ ખીલી નીકળશે.

(૪) વિનોદ, બોધ, પરિહાસ, તદ્યા હાસ્યરસ ( હ્યુમર):—

વિનોદ ઉપજાવે એવી વાતો, રમુજી ટુચકા, હાજરજવાબી, અને શિખામણનાં વાક્યો વગેરેની ઘણી ચોપડીઓ આ સાઠીમાં પ્રગટ થઈ છે. આવી રચનામાં સુચિન્હ એ છે કે તેમાં અનીતિનો અંશ જણાતો નથી. બેશક આ પુસ્તકોમાં નવી કલ્પના દેખાતી નથી અને જે છે તે બહુધા ફારસી અને ઇંગ્રેજીમાંથી ભાષાન્તર રૂપે લીધેલું છે. કેટલાંક પુસ્તકો તો ખરેખાત આનંદ ઉપજાવે એવાં છે.

આ જાતનાં પુસ્તકોનો ઘણો વધારો પારસી લેખકોએ કર્યો છે. ગુલીવરની મુસાફરીનાં ત્રણ ચાર ભાષાન્તર થયાં છે. કોઈમાં એક તો કોઇમાં ચારે મુસાફરીઓના તરજુમા છે. પ્રસિદ્ધ ‘ડોન ક્વિઝો’ નું ‘મહેરમસ્તની મુસાફરી’ એ નામથી ભાષાન્તર થયું છે. ડિકન્સના પ્રસિદ્ધ ને લોકપ્રિય ‘પિક્વિક પેપર્સ’ ની છાયા કોઈ પારસી ગૃહસ્થ તરફથી બહાર પડી છે. તેમજ સ્વ. રતીલાલ બ્રીજલાલ મજમુદાર, બેરીસ્ટર એટ–લો એમણે બેરન મંચોઝનનું ભાષાન્તર ‘સાહસ સંગ્રહ’ નામથી કર્યું છે. ગપ્પો તરીકે તો એમાંની વાર્ત્તાઓ એવી રમુજી અને ગમ્મત કરાવનારી છે કે નવરાશની વખતે થઈ આવતા કંટાળાને હશી ગાળવાનો શોખ રાખનારને તે ઘણી ઉપયોગી થાય એમ છે. આ પુસ્તકની ભાષા શુદ્ધ અને સરળ છે. આ વિભાગમાંના પારસી ગૃહસ્થોએ લખેલાં પુસ્તકોની ભાષાને માટે બોલવાની જરૂર નથી.

‘રમુજે દિલ પસંદ,’ પાદશાહ અને લઉવાની વાતોથી ભરપૂર છે. ‘હાજર જવાબી પ્રધાનની વારતા,’ ‘રમુજે દિલઆરામ’ વગેરે ઘણાં પુસ્તકો આ કોટીમાં આવે છે.

કેટલાંક વર્ષ ઉપર સુરતવાળા સ્વ. મંછારામ ઘહેલાભાઇએ લોકોમાં ચાલતી ને જાણીતી વાતોને ચતુરાઈથી સાંકળી ને ‘મૂરખો’ નામની એક સળંગ વાત બનાવી હતી. આ પુસ્તક પ્રગટ થયું ત્યારે બહુ વંચાયું હતું.

કેટલાંક વર્ષો ઉપર જાણીતા પારસી લખનાર મી. મર્ઝબાન તરફથી ‘કૌતક સંગ્રહ’ નામે સુંદર સચિત્ર પુસ્તક બહાર પડ્યું હતું. આ પુસ્તકમાં ચિત્રો પણ હાસ્યજનક છે. મત માગવા ગયેલો ઉમેદવાર ઘરધણીને ખૂશ કરવાને તેની બદસુરતીના નમુના જેવી બુચી–છોકરી–ને વાહ શું રૂપાળી બુચી છે કહી ગીલી ગીલી કરે છે તે જોઈને સુમડા જેવાને પણ હસવું આવ્યા વગર રહે નહિ ! હોડીવાળાએ ‘જોજોરે ભાઈ પુલનો  થાંભલો આવ્યોરે ભાઈ’ કહીને કરેલી ચેતવણીને, કાંઈ જોવા જેવું આવ્યું જાણીને જોવાનું ડોકું બહાર કાઢનાર ગામડીઆને માથામાં વાગતાં એના મોંમાંથી ઝરેલાં ફુલ દરેક વાંચનારને હસાવ્યા વગર રહે જ નહિ ! આ કોટીનાં પુસ્તકોમાં શ્રેષ્ટ આ પુસ્તકમાંની કેટલીક વાતો વાંચનારને પેટ પકડીને હસાવે એવી છે. કૌતક સંગ્રહના અનુસરણ રૂ૫ ‘કૌતક માળા અને બોધ વચન’ નામે પુસ્તક લિમડીના એક વાણીઆ ગૃહસ્થે પ્રસિદ્ધ કર્યું હતું. પણ વાણીઆ અને પારસીના ટિખળી સ્વભાવમાં જેટલો અંતર હોય એટલો અંતર આ બન્ને પુસ્તકોમાં છે. આર્યસમાજીસ્ટો તરફથી ‘સ્વર્ગમાં સબજેક્ટસ્ કમિટિ નામની નાની ચોપડી બહુ રમુજી, અને હિંદુ દેવોનું પાદરીઓ કરે છે એવા ઉપહાસથી ભરેલી છે. કેટલાંક ઇંગ્રેજી વર્ત્તમાન પત્રોમાં રમુજી ટુચકા નિયમિત આપવામાં આવે છે. બહુધા આવા ટુચકાનાં ભાષાન્તરવાળું ‘હસાહસ’ નામનું ચોપાનીયું પણ નીકળ્યું હતું.

હ્યુમર–પરિહાસના સાહિત્યનો ઉદય મૂળ ગ્રીક ભાષામાં થયો હતો. લેટીન ભાષામાં એ સાહિત્ય વધારે ખિલ્યું હતું. ઇંગ્રેજીમાં સ્વિફ્ટ, સ્ટીલ, ગોલ્ડસ્મિથ, સર્વેન્ટિસ્, થાકરે અને ડિકન્સ વગેરે ઘણા સમર્થ લખનારા એવું સાહિત્ય લખી ગયા છે પરંતુ સર્વોપરી પદ તો એડીસનનું જ છે. કોઈ પણ અત્યાચારને, દુરાચારને કે રીતરસમને સુધારવાના હેતુથી તેનું હાસ્યોત્પાદક રીતે વર્ણન કરતાં તેની અસર સચોટ થાય છે. આમ કરવામાં જેનો પરિહાસ કરતા હોઈએ તેની તરફ દયા ભાવના તેમ જ તેને સુધારવાનો ઉચ્ચ આશય મનમાં હોવો જ જોઈએ. માંહોમાંહેના દ્વેષ, વૈર વગેરે લાગણીઓ ભળવાથી એવું સાહિત્ય ઉતરતી પંક્તિનું બને છે, નિરસ થાય છે અને પરિણામે એવું સાહિત્ય જ અપ્રિય થઈ પડે છે. લખનાર પોતાના હૃદયની વૈર આદિ બધી લાગણીઓ કાંઈ બધા વાંચનારના હૃદયમાં ઉત્પન્ન કરી શકતો નથી.

આપણી ભાષામાં પરિહાસના સાહિત્યની ખોટ છે અને એવું સાહિત્ય ઉપજાવવાના હેતુથી ‘ભદ્રંભદ્ર’ નામે પુસ્તક લખાયું હતું. પરંતુ તેમાં એ આશય સાંગોપાંગ સચવાયો હોય એમ જણાતું નથી. અમને તો  એ પુસ્તકના બે ભાગ પડી જતા લાગે છે. પ્રથમ ભાગમાં અમુક બાબત સુધી અમને એ સારા હ્યુમરનો–પરિહાસનો નમુનો જણાય છે. પાછળનામાં જાણે હેતુ તેમ જ તે બર લાવવાની રીત બધી ખપી ગઈ હોય એમ એના રસની ક્ષતિ થાય છે. કોઈ પણ અમુક વ્યક્તિનું ઉપહાસ કરવાને એ પુસ્તક લખાયું છે એમ અમે માની શકતા નથી. આવા ગ્રંથોમાં સહજ અને છે તેમ અમુક ભાગ વખતે અમુક વ્યક્તિને લાગુ પડી જાય છે અને એ વ્યક્તિ પોતાની ક્ષતિ પોતાને માલમ હોવાથી આ મારે માટે લખ્યું–કહ્યું વગેરે માની લે એ સ્વાભાવિક છે. પરિહાસના ગ્રંથમાં અતિશયોક્તિ જરૂરની છે, અને આ પુસ્તકમાં જરૂર કરતાં પણ વધારે અતિશયોક્તિ છે. આવી અતિશયોક્તિને લીધે એ પુસ્તક કોઈ પણ એક વ્યક્તિને લાગુ પડતું જણાતું નથી. સ્વ. મણિલાલે પણ એક વખત લખ્યું હતું કે ‘એ પુસ્તક કોઈને પણ લાગુ ન પડે અને તેથી કશી અસર ન કરે, એવું લગભગ થઈ રહ્યું છે.’ છતાં આ પુસ્તક પ્રગટ થયું ત્યારે વિવેક વીસરાવનારો ખળભળાટ થઈ રહ્યો હતો.

ખરાં મર્મવાળાં હાસ્યરસનો આ સાઠીમાં થયેલા સાહિત્યમાં અભાવ છે. પ્રેમાનંદના મામેરામાં છે તેવો મર્માળો હાસ્યરસ બીજે ક્યાંઈ એ જડતો નથી. કવીશ્વર દલપતરામના ‘વેનચરિત્ર’ માં કેટલીક જગાએ આવા રસની ઝાંખી થાય છે. જો કે એ પ્રેમાનંદ જેવો શુદ્ધ અને સચોટ નથી પણ આનંદજનક છે. દીલગીરી છે કે કોઈ પણ લખનારે એનું અનુસરણ કર્યું નથી. જનસ્વભાવનું બહોળુ જ્ઞાન, લોકનાં અંતરની અને તેના અન્ય વ્યાપારોની ખરી પરીક્ષા અને તેની સાથે પોતાને લાગે તેવું બરાબર ચિત્ર આલેખવાની શક્તિ એ બધું હોય તો જ આવો હાસ્યરસ ઉત્પન્ન કરી શકાય. ‘જ્ઞાન સાથે અજ્ઞાન, મહાન સાથે ક્ષુદ્ર, હર્ષ સાથે શોક, ગાંભીર્ય, સાથે લઘુતા, વગેરેનાં મિશ્રણોની વિષમતાથી હૃદયને મુદિત કરવાનાં સ્થાનો–પ્રસંગો જાણવાની શક્તિ એમાં રહેલી છે. એવા ઉંચા હાસ્યરસને અભાવે જ અશ્લીલ કલ્પનાઓ, અનીતિમય વાર્તાઓ, રૂપકો અને મશ્કરીઓ પ્રવર્ત્તે છે.’ અશ્લીલતાનું ઉદાહરણ કવિ રણછોડલાલ ગલુરામની ‘કાવ્ય સુધા’ ના એક કાવ્યમાં સ્થાયી થઈને રહ્યું છે. આ હાસ્યરસ તરફ ગુજરાતી સાહિત્યમાં વલણ નથી તે ઉત્પન્ન થવાની ઘણી જરૂર છે.


  1. ગુ. શા. પત્ર.
  2. * ગુ. શા. પત્ર.