સાસુવહુની લઢાઈ/પ્રકરણ ૧૧
← પ્રકરણ ૧૦ | સાસુવહુની લઢાઈ પ્રકરણ ૧૧ મહિપતરામ રૂપરામ નીલકંઠ ૧૮૬૬ |
પ્રકરણ ૧૨ → |
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો. |
ચંદાગવરીએ ફકીરની કીર્તિ બહુ સાંભળી હતી. ઘણાને મોહોડે એણે સાંભળ્યું હતું કે એનું તીર તાક્યું લાગે છે. જેની કોઈને આશા નહીં એવી એક સ્ત્રીને સીમંત આણી આપ્યું છે, ગામે ગામ જ્યાં ગયો ત્યાં એણે વાંઝીઆને ઘેર પારણા બંધાવ્યાં છે, ને બીજા કાંઈ કાંઈ અચંબા કર્યા છે. માટે તેની કને ગયાનું મન તો બહુ, ને ધણી વચમાં આડો પડ્યો. કેટલાક વખત સુધી તો છાનુ જ્યાં કીધું. એક બે વાર સુંદરને પણ જોડે લઈ ગઈ. ફકીર સુંદરને કહે હું તારા વરને તારે વસ કરી આપું. અહીંથી પાંચ ગાઉપર જમલાપીરનું થાનક છે ત્યાં મારી જોડે આવો તો તમારું કામ થાય, એક દિવસનું કામ છે, બપોરે જઈએ તો સાંજે પાછા અવાય.
જેઠાણી દેરાણી વિચાર કરવા લાગ્યાં કે એ કેમ થાય. ચંદા કહે હું મારામાં ભૂત આણી ધુણું ને મારા વરને રેવાજી નારાયણબળી સારવા કાઢું. સુંદર કહે મને તો એવા ફતવા કરતાં નથી આવડતા. તમારું કામ પહેલાં કરો ને પછી મારૂં ગરીબનું થઈ રહેશે. ચંદા કહે તમે માતા ધુણાવો. સુંદર કહે ના, બળ્યું મને રાંડને એ ન આવડે.
બે ત્રણ દિવસ ન ગયા એટલામાં ચંદાગવરીને ભૂત આવ્યું. આ વેળા એવું જબરું ભૂત આવ્યું કે આગળ કદી એવું આવ્યું નહતું. ચોટલો છુટો મુક્યો, જીણી ચુનાની ગોળી વતી ડોળા લાલચોળ કર્યા, ને ધુણવા મંડી. વીજીઆનંદ ભુવાને બોલાવી લાવ્યો. ભુવો આવી જેવો એની પથારી આગળ બેઠો કે એક તમાચો વરને ને એક ભુવાને જોરથી ચોડ્યો. એ ભુવાથી કાંઈ વળ્યું નહીં, ને બીજા બે આવ્યા તે પણ ડાંખલા વગાડી થાક્યા ને વ્યર્થ મહેનત કરી પાછા ગયા. છેલ્લે ભૂતને વાચા થઈ કે તમે એ સઘળી તસદી મને મિથ્યા આપો છો. વીજીઆનંદ રેવાજી જઈ નારાયણબળી સારે તો મારો મોક્ષ થાય; પછી હરવરસે એક ત્રિપંડી રસાવજો ને પાંચ બ્રાહ્મણ જમાડજો. આ કબુલ કરો તો હું જાઉં. હું ચંદાની વડસાસુ છું. ચંદાની મા ને સાસુ બને તેને પગે લાગ્યાં ને માગી લીધું કે જાઓ માજી એ પ્રમાણે કરાવીશું. સાસુ કહે આ હાથમાં જળ લઈ હું નિયમ લઉં છું કે મારો વીજીઆનંદ રેવાજી જઈ સારીને આવશે ત્યાર કેડે હું દુધ ખાઈશ.
ભૂત તો ગયું. પણ વીજીઆનંદે એવી જુગતી લડાવી કે જવું તો વહુને લઈ જવી. ચંદા કહે ના એમ ના થાય. હું તો લાજીમરું. તમારા માબાપના જીવતાં છતાં આપણા બેથી એકલા ન જવાય, લોકમાં ખોટું કહેવાય. વીજીઆનંદ કહે ભલે ખોટું કહેવાશે તો કહેવાઓ પણ હું તને મારી સાથે તેડી જઈશ. જેમ તેમ કરતાં એમ ઠર્યું કે થોડા દીનમાં ભાદરવા સુદ ચોથની મોટી ગણપતી ચોથ આવે છે તે ઉજવાવી ૨૧ દહાડે દોરડા છોડીને જવું. અથવા તેમ ન બને તો દશેરા પછી જવું.
ચંદા હવે ચોથ ઉજવવાની તઈઆરી કરવા લાગી. સુંદરને કહે તમે એ ઉજવો. તે બાપડી કહે, “ગામમાં પેસવાનો હુકમ નહીં ને પટેલને ઘેર ઉનાં પાણી મુકાવો. એમ તે હોય. મારી જોડે પુરૂં બોલતાતો છે નહીં, ને મને ચોથ ઉજવાવે. નાગપાંચમે ઉજવવાનું કહેતાં મારું મોઢું થાક્યું. મારો તે અવતાર છે? વારૂં એતે ધુળ. જેમ તેમ દુખે પાપે દહાડા કાઢવા. ખરે કોઈ સમે કાળ ઘણો. ચડશે ત્યારે કુવામાં પડી આપઘાત કરીશ.” ચંદાએ તેને દિલાસો આપ્યો કે હવે સાંઈ સાહેબ તમારાં સઘળાં દુખ નીવારણ કરશે.
ચોથ નજીક આવવા લાગી તેમ ઘરમાં ધામધુમ વધતી ગઈ. ખડીના ગણપતી બનાવ્યા ને તેને સીંદુરે રંગ્યા, મસ ઘરેણાં ઘાલ્યાં. તેને સારૂ એક બેઠક બનાવી. હાંડી, તખતા, રૂપાનાં વાસણ આદિ સામાન લોકને ઘેરથી માગી આણ્યો. ચંદની બાંધી, વગેરેથી વીજીઆનંદે તો ગજાનંદનું મંદિર જોવા જેવું કરી મુક્યું, ને બડા ઠાઠમાઠથી ચોથ ઉજવાવી ચંદાના કોડ પુરા પાડ્યા. ગોળપાપડી, વાલ, દુધપૌવા, વગેરે કોરા જમણથી ગોરણીઓને તથા સગાંવહાલાંને જમાડ્યાં ને વાહવાહ થઈ રહી.
ચંદાને છોકરાં વગરનો સુનો સંસાર લાગે, ને કાંઈ ગમે નહીં. સુંદરને આશા હતી કે મોટી ગણપતી ચોથના વરતથી પોતાનું વિઘ્ન જશે, પણ કમ નસીબથી પેહેલે દિવસે અપશુકન થયા. દેરાણી જેઠાણી બંનેથી ઓચિંતો તેજ સાંજરે ચંદ્ર જોવાઈ ગયો. એ દોષ ટાળવાને અંધારૂ થતાં બેહુએ અગાશીમાં ચડી સામે બારણે એક ડોશી રહેતી તેને છાપરે પથરા ફેંક્યા, ને ડોશીની ગાળો ખાઈ મન વાળ્યું કે હવે આપણે માથે જુઠું આળ નહીં આવે.
૨૧ દિવસ સુધી બંને ગણપતીની પૂજા કરે, ને ચંદા. ગણપતીની વાત કહે તે સુણી સુંદરનું મન વ્યાકુળ થઈ જાય. એ વાત નીચે પ્રમાણે.
કોકણ દેશ નવરંગી વાડી, ત્યાં ઈશ્વર પારવતી સાથે સોગઠે સારે પાસે રમતાં હતાં, ત્યાં ફુલબડવો બ્રાહ્મણ આવ્યો. પારવતી બોલ્યાં કહે રે બ્રાહ્મણ કોણ હારશે ને કોણ જીતશે. બ્રાહ્મણ કહે હું શું જાણું. દેવ હારશે ને દેવ જીતશે. પારવતી કહે ફરી બોલ. બ્રાહ્મણ કહે ઈશ્વર જીતશે, પારવતી હારશે. પારવતીએ શાપ દીધો, ફટરે ભુંડા, ફટરે પાપી, કોડી કષ્ટી થઈને પડજે. ફુલબડવોતો આંબા ડાળે સરોવર પાળે માંસનો પીંડ થઇને પડ્યો. ત્યાં ગણેશનું દેહેરૂં હતું. બાઈ બેનીઓ દોરા દામણા કરતી હતી, ફુલબડવો કહે બાઈરે બેની એ શા વરત, એ શા મહાત્મ, મને કહોને હું કરૂં, જેણે મારો કોડ જાય, કીડા જાય. એક કહે ભારે મુવા તું તારા કીડા કહાડ્યાં કર, તું તારી પીડા ભોગવ્યા કર. બીજી કહે કહોને, કહે તેને કહ્યાનું ફળ, સાંભળે તેને સાંભળ્યાનું ફળ કરે તેને કર્યાનું ફળ. ત્રીજી કહે વારૂ તો. અજવાળો પખવાડો આવે, ભર્યો માસ ભાદરવો આવે, ચોથ ભેસપતવારનો દહાડો આવે, તેને દહાડે એકવિસ સેરે, એકવિસ ગાંઠે, ધુપીવાસી પીળીપ્રતિષ્ઠિ, દોરો બાંધીએ; એકવિસ દહાડા નદીએ (કે તળાવે) નાહાતાં આવીએ; એકવિસ દ્રોના અંકોડા સિદ્ધિવિનાયકને ચડાવતાં આવીએ; એકવિસ આખાચોખા ચડાવીએ, સીંદુરે સેવંત્રે પૂજા કરીએ; એમ કરતાં વરતનો છેલ્લો દહાડો આવે, તેને દહાડે એકવિસ લાડું કરીએ, દશ ખાઈએ, દશ ધર્મે દઈએ, એક સિદ્ધિવિનાયકને નૈવેદ દઈએ.” ફુલબડવો કહે વારૂ તો.
“એમ કરતાં અજવાળો પખવાડો આવ્યો ભર્યોમાસ ભાદરવો આવ્યો, ચોથ ભેસપતવારનો દહાડો આવ્યો. તેને દહાડે ફલબડવે તો નાહી ધોઈ એકવિસ સેરે, એકવિસ ગાંઠે, ધુપી વાસી પીળીપ્રતિષ્ટિ, દોરો બાંધ્યો. પછી ૨૧ દહાડા નદીએ નાહાતો આવે; ર૧ દ્રોના અંકોડા ગણપતીને ચડાવતો આવે; ૨૧ આખા ચોખા ચડાવે; સીંદુરે સેવંત્રે પૂજા કરે. એમ કરતાં વરતનો છેલો દહાડો આવ્યો, તેને દહાડે ફુલબડવો ચિંતામાં સુતો કે હું તે લાડુ ક્યાંથી કરીશ. ગણેશે સાણું (સપ્નું) દીધું મારી મઢી પાછળ બીલાં છે તે લાવજે. બીલાં લેવા જાય છે તો ગળ્યા ચોપડ્યા લાડુ થઈ રહ્યા છે. તેમાંથી દશ ખાધા, દશ ધર્મે દીધા, એક સિદ્ધિવિનાયકને નૈવેદ દઈ ખાઈ પાણી પીને બેઠો હતો. એવામાં ઈશ્વર પારવતીનો રથ જતો હતો. પારવતી કહેવા લાગ્યાં. ઈશ્વર ઈશ્વર રથ રાખો. ઈશ્વર કહે અરે પારવતી વનને વિષે કંઈ આવશે ને કંઈ જશે. પારવતી કહે પેલો શાપ્યો છે તેને જોતી આવું.
એમ કહીને જોવા ગયાં. ફુલબડવો તો બેઠો કલોલ કરે છે, જાંગમાં થાપડ મારે છે, ડુંડ પંપાળે છે, પારવતી જઈને ઊભાં રહ્યાં ત્યારે ફુલબડવાને હસવું આવ્યું, પારવતીને રીસ ચડી; હાંરે બાવા હું તને શાપ્યો કરીને જોવા આવી ત્યારે તને હસવું આવેજતો. ફુલબડવો કહે ના માતા હું તમને નથી હસતો, હસુ છું વરતના મહાત્મને, જે કીધા વરતને ત્રુઠાં તરત. પારવતી કહે એવડા વરતને એવડા મહાત્મ તે શાં છે મને કહોને હું કરૂં, જેણે મારા સ્વામીકુમાર ગયા છે તે આવે. ફુલબડવો કહે સિદ્ધિવિનાયકનાં વરત કરો તેમ આવે. પારવતી કહે સિદ્ધિવિનાયકના વરત તે કેમ કરિયે. ફુલબડવો કહે અજવાળો પખવાડો આવે, ભર્યોમાસ ભાદરવો આવે, ચોથ ભેસપતવારનો દહાડો આવે, તેને દહાડે ૨૧ સેરે ર૧ ગાંઠે, ઈત્યાદિ; પારવતી કહે વારૂ તો. એમ કરતાં અજવાળો પખવાડો આવ્યો ભર્યો માસ ભાદરવો આવ્યો, ચોથ ભેસપતવારનો દહાડો આવ્યો. તેને દહાડે પારવતીએ નાહી ધોઈ ર૧ સેરે, ૨૧ ગાંઠે, ધુપીવાસી પીળીપ્રતિષ્ટિ, દોરો બાંધ્યો. પછી ર૧ દહાડા નદીએ નહાતાં આવે. ૨૧ દ્રોના અંકોડા સિદ્ધિવિનાયકને ચઢાવતાં આવે, ૨૧ આખા ચોખા ચડાવે, સીંદુરે સેવંત્રે પૂજા કરે, પારવતી કહાણી કહે ઈશ્વર હુંકારો દે, વનમાંથી અંકોડા લાવી ચડાવે. એમ કરતાં વરતનો છેલ્લો દહાડો આવ્યો, ૨૧ લાડુ કર્યા, દશ ખાધા, દશ ધર્મે દીધા, એક સિદ્ધિવિનાયકને નૈવેદ કીધું; ખાઈ પાણી પીને બેઠાં છે. સ્વામિકુમાર સાંઢે ચડ્યા, ફાટા ટુટા ગીંગોડા વળગ્યા ભુલા ટુલા મોહો આગળ આવી ઉભા રહ્યા, ત્યારે પારવતીને ખખડાવીને હસવું આવ્યું, સ્વામિકુમારને રીસ ચડી; હાંરે બાવા તમને હસવું આવેજતો, કાં ન આવે, પુત્રની કેડ ન કરી, કબાડ, ન કરી, ખોળ્યા નહીં, ખંખોળ્યા નહીં, જોયા નહીં જોયા નહીં, ભુલાટુલા મોહો આગળ આવી ઊભા રહ્યા ત્યારે તમને હસવું આવેતો. પારવતી કહે નારે પુત્ર હું તમને નથી હસતી, હસુ છું વરતના મહાત્મને, કીધાં વરત ત્રુઠ્યા તરત.
સ્વામિકુમાર કહે એવડા વરત ને એવડા મહાત્મ શાં છે, મને કહોને હું કરૂં જેણે મારા બાળ મીત્ર આવે. પારવતી કહે સિદ્ધિવિનાયકના વરત કરો તેમ આવે. સ્વામીકુમાર કહે સિદ્ધિવિનાયકના વરત કેમ કરિએ. પારવતી કહે અજવાળો પખવાડો આવે, ઈત્યાદિ. સ્વામીકુમાર કહે વારૂતો. પછી અજવાળો પખવાડો આવ્યો, ભર્યો માસ ભાદરવો આવ્યો, ચોથ ભેસપતવારનો દહાડો આવ્યો તેને દહાડે સ્વામીકુમારે નાહી ધોઈ ૨૧ શેરે, ઈત્યાદિ. એમ કરતાં વરતનો છેલ્લો દહાડો આવ્યો ૨૧ લાડુ કર્યા દશ ખાધા, દશ ધર્મે દીધા, એક ગણેશને નૈવેદ કર્યું. ખાઈ પાણી પીને બેઠા છે, એટલે બાળમિત્ર બળદે ચડ્યા, ફાટાટુટા ગીંગોડા વળગ્યા ભુલાટુલા મોહો આગળ આવી ઉભા રહ્યા, ત્યારે સ્વામિકુમારને ખખડાવીને હસવું આવ્યું, ને બાળમિત્રને રીશ ચડી. બાળમિત્ર કહે હાંરે બાવા મિત્રની કેડ ન કીધી, કબાડ ન કીધી, ખોળ્યા નહીં, ખંખોળ્યા નહીં. ભુલાટુલા મોહો આગળ આવી ઉભા રહ્યા ત્યારે તમને હસવું આવેજતો. સ્વામિકુમાર કહે ના મિત્ર હું તમને નથી હસતો, હસું છું વરતના મહાત્મને. બાળમિત્ર કહે એવડા વરત એવડા મહાત્મ શાં છે મને કહોને હું કહું, જેણે મારું રાજ ગયું છે તે આવે. સ્વામિકુમાર કહે સિદ્ધિવિનાયકનાં વરત કરો તેમ આવે. બાળમિત્ર પુછે. સિદ્ધિવિનાયકના વરત કેમ કરીએ ? સ્વામિકુમાર કહે અજવાળો પખવાડો આવે ઇત્યાદિ. એમ કરતાં અજવાળો પખવાડો આવ્યો, ભર્યો માસ ભાદરવો આવ્યો, ચોથ ભેંસપતવારનો દહાડો આવ્યો તેને દહાડે બાળમિત્ર ઇત્યાદિ. ખાઈ પાણીપીને બેઠા છે ત્યારે બાળમિત્ર કહેવા લાગ્યા ચાલો ધાઈએ ધુપીએ (ટુંડિયે) તો પામીએ, માગ્યા વગર મા ના પીરસે, ચાલો આપણે ઉદ્યમ કરીએ. ચાલ્યા ચાલ્યા જાય છે એક માળીની બોડી બુડી વાડી હતી તેમાં જઇને સુતા. વાડી તો ફળીને ફુલી ગઈ. અઢારે વનસ્પતિયે ફુલી છે; વા વાસીદાં કરે છે, પવન પાણી ભરે છે, સખી સાથીઆ પુરે છે, લાછ વરોળે છે, લક્ષ્મી દીવા કરે છે, રેન ખટકે છે, મોર કળા કરે છે, એવું સૌ થઈ રહ્યું છે. ગોવાળીઆ ગાય ચારતા હતા, ચાલોરે માળીને વધામણી જઈએ. ભાઇ માળી તારી વાડી સુવર્ણ ફુલે ફુલી છે. માળી કહેવા લાગ્યો તને હસવા રમવા કોઈ ના મળ્યો હું જ મળ્યો, હવણાં હું સુકાં સલીઆં વિણીને આવ્યો છું, ફળે ક્યાંથી ને ફુલે ક્યાંથી. પેલો કહેવા લાગ્યો ખરૂં હોય તો મારી સોને જીભ ઘડાવજે નહીંતર વાઢી લેજે. માળી તો છુટી ચાલે જોવા ગયો. જોય તો ખરે અઢારે વનસપતિયો ફલી છે, રેન ખટે છે, મોર કળા કરે છે પવન પાણી ભરે છે ઇત્યાદિ. એવું સહુ થઈ રહ્યું છે. જાય છે તો બે પુરૂષ સુતા છે, મોગરાને છોડે માથું છે, ચાંપાને છોડે પગ છે. માળી જઈ પગે લાગ્યો. કોણ છો, કોણ નહીં, દેવછો, દાનવ છો, ગણ છો, ગાધ્રવ છો, ભૂત છો, પ્રેત છો. તે બે જણા કહે નારે બાવા દેવો નથી ને દાનવો નથી, ગણો નથી ને ગંધ્રવો નથી, ભૂત નથી ને પ્રેત નથી, વાટના વટેસર છીએ, ગમેતો સુવા દે, ગમે તો ઉઠાડી મુક. માળી કહે ના મહારાજ તમને કેમ ઉઠાડી મુકું, તમે આવે મારી વાડી ફળીફુલી થઈ. માળીએ તો બે ધર્મના લાડુ આપ્યા, કરવડો ભરી પાણી આપ્યું. પેલાએ તો લાડુ ખાધા પાણી પીધું. ચાલ્યા ચાલ્યા જાય છે. ત્યાંતો ગામનો રાજા દીવી થતો હતો. હાથણીની સુઢમાં કળસ આપ્યો. આણીપાસ ઠાકોર, ઠકરાઈ, દીવાન, દેસાઈ, પટેલ, કારકુન, સંધા મોહો આગળ આવી ઉભા રહ્યા. ત્યારે હાથીએ દીલમોડી ડાળ તોડી, ચાલી ચાલી ભાગળ બહાર ગઈ; બાળમિત્રના માથા ઉપર કળશ ઢોળ્યો. અરે બાવા વાટના વટેસરને કળશ શો, ફરી ઢોળો. ફરી તેના ઉપરને તેના ઉપર ઢોળ્યો. વારૂ તો, બાળમિત્રને રાજ આપ્યું, સ્વામિકુમારને પ્રધાનવટી આપી. રાજ કરતાં ઘણાક દહાડા થયા. ચોમાસાના દહાડા આવ્યા રાજાને તો તાઢ વાઈ. જાઓરે બાણ ગુલામો સગડી લાવો. સગડી કીધી. રાજા રાણી તાપવા બેઠાં. રાણી કહેવા લાગ્યા, મહારા કડાં કંઠી સુનાનાં સાંકળા, વેઢ વિંટિ અનંતગાંઠ તેમાં ધોળો દોરો શો. રાણીએ તો ટચક દઇને તોડી નાંખ્યો. રાજા કહે ફઠ ભુંડી ફટ પાપણી એણે હું કુર પામ્યો, કપુર પામ્યો, ગયુ રાજ પામ્યો, દુધ લાવો રે ગોળી પીજીએ. રાજાએ વેહેલાં વેહેલાં દુધમાં ચોળીને દોરડો પીધો. રાણી બાળ, રાણી કાળ, રાણી મારી આંખ લાવ. રાણીને તો નફર લઈ જાય છે; ઝોળો થતાં મોહોળો થાય, શરદરુતુના તડકા. રાણીને પગે ઝળઝળા ફોલ્લા ઉઠવા માંડ્યાં, અટલ જંગલમાં ઉભાં રાખ્યાં. માબાપના થાનના દુધ નથી પીધાં એટલા તમારાં દહી દુધ ખાધાં છે, તમને કેમ મરાય, તમે તમારો જીવ જીવાય ત્યાં જાઓ. વાઘ વરૂની આંખ, સસા સીયાળની આંખ રાજાના પગતળે મુકી; રાજાએ કચરી નાંખી. રાણીતો ભરડાની ઝુંપડીમાં ગયાં. ભરડો તો ભીક્ષા લેવા ગયો હતો. આખું આપતાં ત્યાં ફડસ આપી, ફડ આપતાં ત્યાં કકડો આપ્યો, કકડો આપતાં ત્યાં હુંકારો દીધો. ભરડોતો આકળો ને દુકળો ઘેર આવ્યો. ઘેર આવીને ઝુંપડી ઠોકી. અરે બાવા આજતો મને ભીક્ષાએ ના જડી, ને મારી ઝુંપડીએ નથી ઉઘડતી, કોણ છે કોણ નહીં. દૈવ છે, દાનવ છે, ગણ છે, ગંધ્રવ છે, ભૂત છે, પ્રેત છે, ડાકણ છે, સાકણ છે, સ્ત્રી હશે તો બેટી કરીશ, પુરૂશ હશે તો બેટો કરીશ.
નારે બાવા દેવ નથી, દાનવ નથી, ગણ નથી, ગંધ્રવ નથી, ભૂત નથી, પ્રેત નથી, ડાકેણ નથી, સાકેણ નથી, એમ કરી બાર ઉઘડ્યાં. બાપજી બાપજી હું તો તમારે ઘેર પરોણી આવી. ભરડો કહે આવી તો બાર વરસે આવી, રૂડી ભીક્ષા તું ખાજે, ભૂંડી ભીક્ષા હું ખાઇશ; મારે ઘેર બીજોરૂં થયું, છડો સાથીઓ કરી મુકજે, સરોવર ઘડો ભરી મુકજે, પાત્રી વીણી મુકજે, હું ભીક્ષા લેવા જાઉં છું. રાણી પાણી લેવા જાય તો સરોવર સુકાઈ જાય. પાટલા ધોવા બેસે તો કાગડા ચાંચ મારી જાય, ફુલ લેવા જાય તો ભમરા ચટકાવે, સાવરણી લેવા જાય તો સાપ ફંફવાડે, છાણ લેવા જાય તો કીડા ખદખદે, પેલી તો બેશી રહી. ભરડો તો ભીક્ષા લઈ આવ્યો. દીકરી દીકરી તુંતો કોઈ દીકરી નથી વેરણ છે, તેં તો કંઈ કરી નથી મુક્યું. રાણી કહેવા લાગ્યાં બાપજી હું શું કરું મને તો કંઈ આવું આવું થાય છે. ભરડો કહે લાવ પેલાં પાનાં લાવ; પાનાં. લેવા જાય છે તો કાળીનાગ ફંફાડે છે. ભરડે ઉઠી કરી અમીની છાંટ નાંખી, પાના કાઢ્યાં, એક કહાડ્યું, બે કાઢ્યાં, દશ કાઢ્યાં, વીશ કાઢ્યાં, એકવીશમે પાને વિનાયક બાપજી અફરાટા થઇને બેઠા છે. દીકરી દીકરી તને તો નાના દેવ નથી રૂઠ્યા, મોટા દેવ રૂઠ્યા છે, તેના વરત કરો, રાણી કહે તેનાં વરત તે કેમ કરીએ. ભરડો કહે અજવાળો પખવાડો આવે, ઇત્યાદિ. એમ કરતાં શ્રાદ્ધપક્ષના દહાડા આવ્યા. ભરડો ભીક્ષા લઈ આવે, ખીર લાડુ ને દુડકાં (તુરી) પાતરવડી, રાયતાં, મરી, તીખાં, તમતમાં, વઘાર્યા તુઘાર્યા. રાણી ભરડો ખાઈ જમે ને ઢાંકી મુકે. વધે એટલું રાણી કહાણી કહીને શીરાવે. એમ કરતાં વરતનો છેલ્લો દહાડો આવ્યો. રાણી કહેવા લાગ્યાં બાપજી બાપજી આજ તો મારે વરતનો છેલ્લો દહાડો છે, કોઈની કોરી ભીક્ષા લાવજો. ભરડો કહે વારૂતો. ભરડો કહે આજ મારી દીકરીને વરતનું છેલ્લું દહાડું છે, કોરી ભીક્ષા આપજો. કોઈએ સુપડું ભરી ઘઉં આપ્યા, પાકેલું (તપેલું) ભરી ગોળ આપ્યો, તામડી (વટલોઈ) ભરી ઘી આપ્યું. ભરડો તો આલસને દુલસ કરતો ઘેર આવ્યો. દીકરી દીકરી સામી આવજે, વીણીચુંટી બે એકવિસ લાડુ કરજે. વારૂતો. રાણીએતો વીણીચુંટી બે એકવિશ લાડુ કીધા, દશ ખાધા દશ ધરમે દીધા, એક સિદ્ધિવિનાયકને નૈવેદ દઈ ખાઈ પાણી પીને બેઠાં હતાં. એટલે ગામનો રાજા શીકારે ચડ્યો. રાજાને તો તરસ લાગી. જાઓરે બાગગુલામો પાણી લાવો. અરે મહારાજ અટલ જંગલમાં તે પાણી ક્યાંથી, જુવો પેલા કાગડા કળકળે છે ત્યાંથી લાવો. ત્યાં પેલાએ ઝૂંપડી ઠોકી. રાણી કહેવા લાગ્યાં બાપજી બાપજી આ તો ઝૂંપડી ઠોકે છે. ભરડો કહે દીકરી બે ધરમના લાડુ આપો, કરવડોભરી પાણી આપો; રાણીએતો લાડુ આપ્યા, પાણી આપ્યું. રાજાએ તો લાડુ ખાધા પાણી પીધું. રાજાને તો રાણી સાંભર્યાં, આતો રાણીના હાથનો લાડુ ને રાણીના હાથમાં પાણી. રાજાએતો ખાટકી તેડાવ્યા. મેં કદાસ રીસે કહ્યું, તમે કેમ ખરે મારી આવ્યા. નારે મહારાજ મારો નહીં તો કહીએ. વાઘ વરૂની આંખ, સસા શીઆળની આંખ તમારા પગ તળે મુકી તમે તો કચરી નાંખી, રાણીતો ભરડાની ઝુંપડીમાં ગયાં. ફાટું સરખું પટોળું ને રાણી સરખી બેઠી છે. સામા ઘરમાં કોણ છે, સામા ઘરમાં ભરડો છે, ભરડાને તો પાલખી ગઈ. ફળ ના ખાધું ને પસાયતુ ન ખાધું, સીમને શેરડે ના જાઉં, મારે શું રાજાનું તેડું. ધ્રુજતો કાંપતો જાય છે. બેસણું આપ્યું ઢળી પડ્યો, પાન આપ્યું પાગડીમાં ખોશ્યું, ચુનો આપ્યો ચાટી ગયો, ફુલ આપ્યું ફાકી ગયો, કાથો આપ્યો કાનમાં ઘાલ્યો ધ્રુજવાને કાંપવા લાગ્યો. રાજા કહે ભાઈરે ભરડા ધ્રુજીશ મા ને કાંપીશ મા, તારે ઘેર મારી રાણી છે તેને મોકલજે. શે અપરાધે કાઢી મુકી, શે અપરાધે લેવા આવ્યો, ભરડે વિચાર્યું, હસતાંએ પરોણો ને રોતાએ પરોણો, રાજા આવ્યો છે તે લઈ જશે. ચાલો હું સરોવર ધોતી ધોતો આવું, ચાર કરણી કાંપ લેતો આવું. રાજાજીને ત્યાં નોતરૂં કરતો આવું. ભરડો કહે આજ મારે ઘેર સરવ કોઈ જમવા આવજો. રાજાના પ્રધાન હસવા લાગ્યા હાથીનો પગ ના માય એવડી ઝૂંપડી છે તેમાં તે ક્યાં જઈને બેસશે. રાજા કહે આપણી રાણી વરસ દહાડો રહ્યાં તેથી જઈને જમી આવીશું. એક સટકાવી ધોલ્યા અવાજ, થયા, એક સટકાવી કામ દુરઘા દુજે છે, બળદની કુલર કોશણાય છે, હાથીના અડદાળાં દળાય છે, એક સટકાવી રાજાને તેલ ચોળાય છે, એક સટકાવી રાજા રાણી કટકદળ લશ્કર સૌએ ખાધું પીધું ને તેટલું ને તેટલું. ભરડો ચાર કડીઆ લાવ્યો. એકમાં ચુંથાં પુંથાં ઘાલ્યાં, એકમાં ઢબલાં ઘાલ્યાં. એકમાં કપાસીઆ ઘાલ્યા, એકમાં ઘેંસ છાસના ઘાડવાં ઘાલ્યાં; ચારો કંડીઆ વેહલે બાંધ્યા. ભરડો કહેવા લાગ્યો દીકરી દીકરી ભુલીચુટી શેરડે લાગજે, વહેલી આવજે, રાજા તસકો તોડતો ઉભી ના રહેતી. રાણી કહે વારૂસતો. રાજા રાણી વેહેલમાં બેઠાં. ચાલ્યાં ચાલ્યાં જાય છે, રાણીને તો વાણો (પગમાં પેરવાની જોડી) સાંભર્યો. જાઓરે બાણ ગુલામો વાણો લાવો. વાણો લેવા જાય છે તો ડોસો પડ્યો ખવળે છે, કાગડા સીત વીણે છે, કુતરા અસાણાં ચાટે છે. વાણો લીધા પછી સુનાનો ઠામલો હતો તેઓ ટળ્યો. રાણીને કહેશો મા રાણી દોહેલાં થશે, લખેશ્વરીના તેડાં આવ્યાં ને મોકલ્યાં; રાજાના પ્રધાન હસવા લાગ્યા, કાંઈ તમારા પીએરની સુખડી હોય તો કહાડો. રાણી કહે નારે બાવા મારો ભરડો બાપ સુખડી કહાંથી કરે, ચાલો પેલું છે તે કાઢી નાખો, રાજા દેખશેતો ઠીંસરાં કરશે. ચુંથા પુથા જોય છે તો ચીર પટોળાં થઈ રહ્યાં; ઢબકળાં જોવા જાય છે તો ગળ્યા ચોપડ્યા લાડુ થઈ રહ્યા; કપાસીઆ જોવા જાય છે તો મોતીના હાર થઈ રહ્યા, ઘેસ છાસના ઘાડવા જોવા જાય છે તો શાળના કુર, સથરાં દહીં, આદું બીલી. એવું સૌ થઈ રહ્યું છે. રાજા રાણી કટકદળ લશ્કર સર્વે ખાધું પીધું ને તેટલું ને તેટલું. એમ કરતા ગામનુ પાદર આવ્યું. રાણી કહેવા લાગ્યાં મારે ગામમાં પેસવું નથી, ગામમાં પેસતાં ગામશાળાની બાધા છે. રાજાએ પ્રધાનને તેડી પડો વજડાવ્યો જે આજ રાજાને ઘેર સરવ કોઈ જંબા આવજો. ભાગળ બહાર દેહેરા દીધા છે, ગામ ગામના લોક જમી જમીને જાય છે. સાંજ પડી રાજાએ ખબર લેવડાવી જુવો રાણી ભુખ્યાં તરસ્યા છે ? હા મહારાજ રાણી ભુખ્યાં, રાણી તરશ્યાં. રાણીનેતો કહાણી વીસરી. રાજાએ પ્રધાનને તેડી પડો વજડાવ્યો જે આટલી વેળા કોઈ ભૂખ્યું, કોઈ તરશ્યું છે ! વલવલતી વહુ બહાર નિકળી, મારાં બાઇજી ભુખ્યાં તરશ્યાં. ડોસી કહે છે વહુ રે તુંતો વહુ ન કહીએ વેરણ કહીએ, તમનેતો કહાણી કહેવાનું પડવું એમને તો અમારું પડ્યું. ભાભાજીને રામરામ કહેવડાવે છે; દીકરા દેશાંતર ગયા છે; દીકરી દુઆળી થઈ છે, વહુવારૂ પીએર ગઈ છે, તારી રાણીની કહાણી કોણ સાંભળે ? છ માસ વારાનું કાપડું લાવ્યા, સળી સરખી જુવાર લાવ્યા, સળ્યું સરખું સોપારી લાવ્યા. ડોસીનેતો અગલી બગલી કરીને લઈ ગયા. રાણી કહાણી કહે, ડોકરડી હુંકારો દે. એક હુંકારે અણકલી, બીજે હુંકારે ઠણકલી, ત્રીજે હુંકારે સોળ વરસની સુંદરી થઈ. પાંચ દાણા ફીટી પાંચ મોતી થયાં; મંદિર માળી, ગોખ જાળી, અવાસ કૈલાસ. ડોસીને ત્યાં જડીઆ જડે છે; ઘડીએ ઘડે છે, ભાભાજી દોહીત્ર પુત્ર ભણાવે છે; દીકરા વહાણ પુરીને આવ્યા છે; દીકરીની છળીઆળી છુટી છે; જમાઈ ઝુવાર કરી જાય છે; વહુવારૂને રણજણ વેહેલ જાય. છે; એવું સૌ થઈ રહ્યું છે. ડોસી તો વમાસતી વમાસતી ઘેર ગઈ. મેં રાણીની કહાણી સાંભળી મારી ઝૂંપડી હતી તેઓ ટળી. વલવલતી વહુ બહાર નીકળી, આવો બાઈજી આપણાં ઘરને આપણાબાર, આપણે રાણી ત્રુઠી કે રાણીની કહાણી ત્રુઠી. ડોસીએ મોતીની થાળ ભરી, ઉપર ફોફળ બીજોરું મુક્યું, વાજતે ગાજતે રાણીને વધાવવા ગયાં. રાજા રાણી મહેલમાં સોગઠે રમતાં હતાં. રાણી મોહોલમાંથી હેઠાં ઉતર્યા. તહીં તરફડીને રાજ બેઠા, કોઈ લુટવા લાગવા મળ્યા છો ? ના માહારાજ તમને લુટવા લાગવા કેમ મળીયે ? તમારી કહાણી સાંભળીને તમને વધાવવા આવ્યા છીએ. રાણી કહે મને શું વધાવો છો, વધાવો રૂડા સિદ્ધિવિનાયકને, જેણે સીધાં કાજ કીધાં. પહેલા ત્રુઠા ફુલ બડવાને, પછી ત્રુઠા ઇશ્વર પારવતીને, પછી ત્રુઠા સ્વામિકુમારને, પછી ત્રુઠા બાળમિત્રને, પછી ત્રુઠારાજાને, પછી ત્રુઠા રાણીને, પછી ત્રુઠા ડોકરડીને, પછી ત્રુઠા છોકરડીને. સિદ્ધિવિનાયક ત્રુઠા શું દે ? ધન દે, ધાન દે, પુત્ર સંતાન દે, કુંવારે વર દે, ન ઘરાંને ઘર દે, આંધળાને આંખ દે, પાંગળાને પગ દે, કોઠીએ કણ દે, પેટીએ ધન છે જંબા થાળી, પહેરવા ફાળી, ગાંઠે રોકડું, જંબા ચોપડ્યું, ધમધમતું ગાણું, ઝૂલતું પારણું, એવી શ્રી સિધિવિનાયકની રાણી, હોઢે પહેરે જરીની સાડી, કંઠે કરે કાવલો હાર, નિત્ય કરે મોતી શણગાર, ટાટલા પ્રમાણે ટોટી, આમળા પ્રમાણે મોતી, હીંસે ધોળે, વહુવર હોળે, પડપૌત્ર વહુ રાંદીને પીસે, (પીરસે) એવું સૌ આંખે દીસે. જે સિદ્ધિવિનાયક બાપજી તેને રૂઠીને ત્રુઠા તેવા સહુને અમથા ત્રુઠજો.”
એ વાત ૨૧ દિવસલગી ચંદા સવારે જમ્યા પહેલાં ગણપતી આગળ બેસીને કહે ને સુંદર સાંભળે.૧.[૧] હુંકારો પુરતી જાય ને મનમાં કહે “ઓ ગણેશ બાપજી, આ બધાનું દુખ ટાળ્યું ને મારૂં નહીં શું ટાળો? વાત સાંભળીને ઉઠતી વેળા ગણપતીને પગે લાગેને કહે, મહારાજ મુજ ગરીબ ઉપર દયા કરો, મારો બેલી તમારા વિના બીજું કોઈ નથી.” એમ બોલતાં વખતે તેની આંખોમાંથી આંશું પડતાં. પરંતુ ગણપતી ત્રુઠાના ચિન્હ કાંઈ જણાયાં નહીં. દહાડે દહાડે કામ બગડતું જાય. વીજીઆનંદ ચંદાને કહે કહે કર્યા કરે કે ગણપતીના દોરા છૂટે કે બે જણ રેવાજી જઈ આવીએ. ચંદા કહે ના તમે એકલા જાવો હું નહીં આવું. બાપડી સુંદરની નિંદા મા બેનને મોહોડે સાંભળી સાંભળીને હરિનંદનુ મન તેના ઉપરથી છેક ઉતરી ગયું; તે એને કાળ જેવી દેખે, ને જેમ બીલાડી ઊંદરને મારવાને તાકતી ફરે તેમ તે સુંદરને બજોડવાને લાગ જોયા કરે. તેનું ચિત પરનારી ઉપર ગયું હતું. એને એક બડી ધુતારી સોનારણ મળી હતી, એની માને એ વાતની ખબર પડી નહતી પણ સુંદરના જાણવામાં આવ્યું હતું. સુંદરનું ઘરેણું મગાવવાનો પ્રયત્ન તે કરતી હતી.
- ↑ ૧.આવી નિરાધાર, હસવા જેવી, ગાંડાઈ ભરેલી, કેવળ જુઠી વાતને સાચી માનનારા અને તે કહેવામાં અને સાંભળવામાં પુણ્ય અને ફળ છે એવું સમજનારા મુર્ખ માણસો આ દેશમાં છે એ દલગીરીની વાત છે.