← પ્રકરણ ૧૧ સાસુવહુની લઢાઈ
પ્રકરણ ૧૨
મહિપતરામ રૂપરામ નીલકંઠ
૧૮૬૬
પ્રકરણ ૧૩ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.



પ્રકરણ ૧૨ મું.

એકવિસ દહાડા પુરા થએ ગણેશની આગળ દોરા છોડ્યા, લાડુનું નૈવેદ ધરાવ્યું ને વિસરજન કર્યા.૧.[] દશ લાડુ બ્રાહ્મણને આપ્યા ને દશ ખાઈ પાણી પીને ચંદા અને સુંદર આશામાં બેઠાં છે કે, જેમ ફુલબડવાદીને ત્રુઠા તેમ ગણપતી અમને પણ ત્રુઠશે. તે જ રાત્રે ચંદાને વરજોડે મસ કચાટ થઈ. વીજીઆનંદના સાંભળવામાં આવ્યું હતું કે તે હજી ફકીરની પાસે છાની જાય છે; એ વાતનો કાંઈક પત્તો તેને તે દિવસે હાથ લાગ્યો હતો.

સુંદરના વરનું મન તો ગણપતીએ સુધાર્યું હોય તેવું જણાયું. પોતાના ઓરડામાં આવ્યો તેવો જ સુંદરના મોઢામાં એળચીઓ મુકી, પોતાની પાસે હીંચકે બેસાડી મીઠી વાતો કરીને એક બે ગરબા ગવડાવ્યા. પતિવૃત્તા સુંદરને એ સ્વર્ગના સુખ જેવું ભાસ્યું. દિવસે ગણપતીને માટે દેહેરે દર્ષણ કરવા ગઈ હતી તેથી કેટલુંક ઘરેણું ઘાલ્યું હતું તે સાથે હુંગી ગઈ, હરખમાં કહાડવું ભુલી ગઈ. મધરાતનો સમો થયો ને તે ભરનિદ્રામાં હતી તેવામાં હરિનંદ ઉઠ્યો ને તેના પગે રૂ ૨૦૦)ના રૂપાના સાંકળાં હતાં તે હળવે રહીને કાઢ્યાં, ને દુપટામાં વીંટાળી, માથે પાઘડી મુકી, અંગવસ્ત્ર ઓઢી લીધું ને ખખડાટ ન થાય તેમ બારણાં ઉઘાડ્યાં, બહારથી તાળું વાસી પોતાની રાખને ઘેર જવા નીકળ્યો. ચૌટામાં ચોકીદારે અટકાવ્યો, પીછોડીમાંનાં સાંકળાં છોડાવ્યાં. ઘભરાયો, ને ખરો જવાબ દેવાય નહીં, તેથી જમાદારના કાલાવાલા કરવા લાગ્યો. જમાદારે બેમાંનું એક સાંકળું લઇને જવા દીધો.

રાખે પુછ્યું એક કેમ લાવ્યા. હરિનંદ કહે ચોકીવાળાએ મને સપડાવ્યો ને બીજું પડાવી લીધું. રાખ કહે રાતે ચોરીને શાને લાવ્યા, તમે તે મુછાળા મરદ કે પુંછાળા બળદ, હરિનંદ હસીને કહે જેમ મોઢે આવ્યું તેમ બોલો ને મશકરીઓ કરો કોઈ પુછનાર છે, વારૂ તમારી મહેરબાની તો છે. રાખ કહે ખરૂં જ કહું છું તો, તમે ધણી છો, તમારે બાયડથી છાના રાત્રે સીદ લાવવું પડે, પણ નાગરી જો મારે લાત ને આઘા નાખે. હરિનંદ કહે ના તે બીચારી ગરીબ છે, જેમ કહું તેમ કરે એવી છે. રાખ કહે તેમ હશે, પણ ઘરેણું ના


  1. ૧. અજ્ઞાની માણસો એમ ધારે છે કે ધાતુ, પાષાણ, માટી વગેરેની મૂર્તિમાં દેવને પેસવાનું કહીએ (એટલે આવાહન કરીએ કે તેમાં પેસે, અને તેમાંથી નીકળી જવાનું કહીએ (વિસરજન કરીએ એટલે નીકળી જાય. દેવને બોલાવે ત્યારે આવે ને કાઢી મુકે ત્યારે બીચારા જાય !!
આપે. હરીનંદ કહે ના આપે તો હાડકાં ભાગી નાંખું, તાકાત શી કે સામું ચું કે ચાં કરે. મારો ધાક એવો છે કે જરા ડોળા કાઢું તો થરથરે. રાખ કહે એકવાર પારખું તો જુવો, એના કાનની પાનડી કાલે લાવજો, પણ ખરે ખરૂં કહીને લાવજો, છેતરીને લાવો તેમાં કાંઈ માલ નહીં.

રાખની મતલબ હરીનંદને સુંદર વચ્ચે જેમ વિરોધ વધે તેમ વધારવો એ હતી; કે પછી હરીનંદ પોતાની જાળમાંથી નિકળી ના જાય. હરિનંદ તેના ઉપર એવો મોહીત થઈ ગયો હતો કે ગુલામની પેઠે તેના હુકમમાં રહેતો; એક માસમાં તેણીએ તેને છેક આંધળો કરી નાખ્યો હતો; આંખે આંધળો નહીં પણ હઈએ આંધળો કર્યો હતો. એ ભરજુવાનીમાં હતો, ને મા વહુ જોડે અણબનાવ કરાવતી હતી, તેથી જે સુખ પોતાના ઘરમાં ધર્મશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર પ્રમાણે ભોગવાતું નહોતું ને પરઘેર ભોગવતાં શિખ્યો. એમાં વાંક કહોનો ?

બે ઘડી રાત રહી તે વારે પાછો ઘેર આવ્યો ને પોતાની પથારીમાં સુઈ ગયો. પ્રભાત થતાં સુંદર જાગી જોય છે તો પગમાં સાંકળાં મળે નહીં. બધે જોઈ વળી પણ કાંઈ ભાળ લાગી નહીં, બાપડીનું મોહો ઉતરી ગયું. ને રોવા લાગી. સાસુ કહે એ બધા ઢોંગ, કાંઈ પાડી આવી હશે; નણંદ મુખ મરડીને હળવે રહીને બોલી કે કોઈને આપી આવી હશે. આડોશી પાડોશી અજબ થવા લાગ્યાં કે ખાતર પડેલું નથી, બારણાં બંધ હતાં ને પગેથી સાંકળાં કોણ કાઢી લઈ જાય ! એક કહે જેના પર અવદશા આવી પડે છે તેના પર સદાવડી પડે છે, સાસુ ઘડી જંપવા દેતી નથી, રોજ ઘરમાં કલેશ. બીજી કહે વર પાધરો હોય તેને બધું પાધરું, વર સારો હોય તો સાસુ શું કરે ? કદાપિ વરેજ સાંકળાં ઉઠાવ્યાં હશે. એણે પેલી રાખી છે તે જાણે છે કે ની ! મારી બાપડી બેનને એ સુંદરના જેવું દુખ છે, કાઢી મુકે છે, ઘરેણાં ઉતારી લે છે, મારે છે, શું કહીએ બા ગાંઠ પડી તે પડી. ત્રીજી કહે કરમમાં એવું લખેલું ત્યારે જ ભુંડા મનીશ. જોડે સંબંધ થયો કે ની; આ જુવોને મારી માસીની દીકરી નિત્ય બીચારી રોતી ઘેર આવે છે; આગળથી જાણ્યું હોત તો છોડીને કુંવારી રાખત પણ એને ઘેર ના પરણાવત, જાણીને કોણ કુવામાં પડે ? ચોથી કહે એમ તો કહેશોજમાં, આપણા લોક મુઆ આંધળા છે. આ મારા ફઈજીએ જાણી જોઈને છોડીને કુવામાં નાંખી છે તો; દીવાળીએ કહી વહુને સુખે બેસવા દીધી છે ? એની બે વહુનો સંતાપ આખું ગામ જાણે છે, તોએ ત્રીજી દીધી. પાંચમી કહે કરમાધરમી તો ખરૂં, મારી દીકરી તો સુખી છે, એની સાસુના જેટલાં લાડ તો હુંએ નથી લડાવતી. એટલામાં સુંદરની સાસુ આવીને કહે જોયું આ નાની વહુ એ પગનાં સાંકળાં ખોયાં. કોણ જાણે ક્યાં પાડ્યાં હશે ને કહે છે હું તો પહેરીને સુતી હતી; પહેરીને સુતી હોય ત્યારે ક્યાં જાય બેન, કહો બેન ! મારા ઘરમાં કંકાસ વગરનો એકે દહાડો જતો નથી, હું તો મરું તો છૂટું. અમારી નાતમાં ચાલ હોય કેની તો કાલે હરિનંદને બીજી પરણાવું. એક પડોશણ કહે ખરૂંબા હું રોજ સાંભળું છું, તમે અસલના વખતનાં ભોળાં બઇરાં તેમાં સાંખો, અમારાથી તો છાના ન રહેવાય; બંને વહુવારૂને શો તોર છે જો; આ કલજુગની વહુવારૂ મોટાંની મરજાદા ના પાળે; નાની કરતાં વડી વહુ જરા સારી છે, ખરું કેની અનપુર્ણા બા ?

અનપુર્ણા કહે વડી નાનીના કરતાં ચઢે પણ ઉતરે નહીં મારીને હાથે ન ધોય એવી છે. શું કહું બેન મારા ભોગ છે. મારા વીજીઆને તો મીણનો કરી નાંખ્યો છે; કોણ જાણે શું કરી મુક્યું છે કે તે એના વિના બીજા કોઈને દેખતો જ નથી; ચંદા ગમે એમ બોલે ને કરે, મને ભાંડે મારી કમળાને ભાંડે ને નજરમાં આવે તેમ સ્વછંદે ચાલે પણ વીજીઓ એને કાંઈ કહેનાર નહીં. આપણે કહીએ તે તો એના મનમાં વસેજ નહીં, હું કહું તે ખોટું ને વહુ કહે તે ખરું કાયર થઈને મેં તો એનું નામ દેવું મુક્યું. કામ જેટલું બોલવું વધારે કહેવું જ નહીં. હમણાં મુવો એક ફકીર આવ્યો છે તેની કને દીકરા લેવા જાય છે, કરમમાં નહીં હોય તો ફકીર ક્યાંથી આપવાનો છે. વીજીને તે પાલવતું નથી તેથી જરા હાલતો અણબનાવ છે. બંને વહુનો એક્કો છે. હરિનંદ ઘણુંએ કરે છે પણ એ સંપ તોડી શકતો નથી. એ છઈઓ મારી આમન્યા કદી લોપતો નથી.

સાંકળાં ગયાની વાત ગામમાં બધાએ જાણી. પેલો હવાલદાર ડરવા લાગ્યો કે રખેને થાણદાર જાણશે તો મારી કમબખતી છે. રાત્રે હરિનંદે સુંદરને કહ્યું શાને નકામી રડે છે, મારાં હતાં ને મેં લીધાં. મશકરી હશે એમ જાણી સુંદર બોલી વા વા ! આટલી બધીવાર મશકરી લાવો ક્યાં છે. હરિનંદ કહે તારી પાંદડી આપે તો સાંકળા આપું. સુંદર કહે પાંદડીનું શું કામ છે. હરિનંદ કહે, મારે કોઈને આપવી છે. સુંદર કહે કોને પેલી રાંડ મારી શોક વેરણ હમણાં કરી છે તેને ? હરિનંદ કહે રાંડ તે બધાની તારે શી ભાંજગડ. બસે રૂપીઆના સાંકળા જોઈતા હોય તો સો રૂપીઆની પાંદડી લાવ. સુંદર કહે લાવો મારાં સાંકળો દેખાડો. પહેલાં સાંકળા આપો. હરિનંદ કહે રાંડ એવો હું કાચો નથી તો, આજ પાંદડી આપે તો કાલે સાંકળાં લાવી આપું. સુંદર કહે ઠીક એટલે મારા સાંકળાંને પાંદડી બંને જાય, કાલે ન આપો તો પછી શું કરું. હરિનંદ કહે રોઈને રહેજે, તારો માલ તો છે નહીં, તારા બાપનો નથી, મારો માલ છે તે હું લઈશ. સુંદર કહે તમારો ક્યાંથી આવ્યો, એતો મારા પલ્લાનો, હું મરું તારે એ પલ્લું તમારૂં થાય, જીવું છું ત્યાં સુધી તો કોઈથીએ એનું નામ ના દેવાય. હરિનંદ કહે પલ્લું મારે બાપે કર્યું છે, રાંડ તારા બાપે નથી કર્યું. સુંદર કહે નાગરી નાત્યની રીત પ્રમાણે કર્યું છે, બધા કરે છે તેમ તમારા બાપે કર્યું છે; હજી બીજી વધારે ગાળો દો, નાગર બ્રાહ્મણમાં તમારા જેવા થોડા જ હશે, બીજી હલકી જ્ઞાતિઓમાં એવી ગાળો ભાંડે છે, આપણામાં તો હું તમારે મોઢેજ સાંભળું છું. હરિનંદ કહે ટક ટક કરતી છાની રહે, વધારે બકવા કરીશ તો માર ખાઈશ, ન ગમતો હોઉં તો બીજો કર, લે રાંડ જા મારી રજા છે, પણ ઘરેણું લાવ. સુંદર કહે મારી નાંખો પણ મારું ઘરેણું આપનાર નથી. હરિનંદ કહે ઠીક છે રાંડ ચંડાળ, વંત્રી, વેશ્યા, જો તારી કહેવી મઝા થાય છે, તે દેખાડું છું. સુંદર કહે ગરીબડી મળી છું તેમાં બધું ચાલે છે, બીજી હરામી મળી હોય તો ખબર પડત. હરિનંદ કહે હેં રાંડ હું જીવતાં ગરીબડી છે કેમ ! એમ કહી બેચાર લાતો મારી અફરાટો સુઈ હુંગી ગયોય રડતાં રડતાં મધરાતે થાકી ત્યારે સુંદર પણ સુતી. એવી બુનિયાત હતી કે આંખમાં જળની ધારા વહી જતી હતી પરંતુ ઘાંટો કહાડીને રોતી નહોતી, ને મોહોએ વાળતી નહોતી. નઠારી સ્ત્રી હોય તો રાગડા કાઢી એને માટે સ્વરથી રૂવે કે આખી શેરીને જગાડે. સુંદરના મનમાં એમ હતું કે લોક ફજેતી જુવે તે સારું નહીં, હોય ઘર છે લઢાઈએ થાય. તેણે પોતાના મન સાથે તે રાત્રે નક્કી કર્યું કે હવે વધારે દુખ પડશે તો કુવે પડી આપઘાત કરીશ. એ જાણતી નહોતી કે એના પરિતાપનો છેડો પાસે છે.

બીજી સવારે દુષ્ટ હરિનંદે વિચાર્યું કે પાંદડી મળી નહીં ને આબરૂ ગઈ, હવે રાખને ઘેર શે મોઢે જાઉં ? માટે એક ઉપાય કરૂં; આ રાંડને (સુંદરને) કાંઈ બહાનુ જડેતો એવી ગુંદીગુંદીને માર મારૂં કે નરમેઘેશ થઈ જાય, પછી હું જે કહીશ તે કરશે. માર એ ચૌદમું રતન છે, માટે તે બધુંને કર સીધું, હવે તો એજ વાત બીજો ઉપાય નથી, એ સંખણી સમજાવી સમજે એવી નથી. એવો ઠરાવ કરી બપોરે જમીને ચાકરીએ ગયો ખરો, પણ ત્યાં એનું મન કામમાં લાગે નહીં. માથું બહુ દુખે છે એવું મિશ કરી પાંચ વાગે ઘેર આવ્યો. ઘરમાં જુવે છે તો રોહોણ મચી રહ્યું છે.

એ ને એનો ભાઈ જમીને બહાર ગયા પછી ઘરમાં બઇરાં જમ્યાં. ચંદાએ ને સુંદરે ચુલાઅબોટ કર્યો, વાસણ અજવાળ્યાં ને પછી તળાવે પાણી ભરવા ગયાં. મોડાસાનો થાણદાર એટલે મામલતદાર હસનખાં પઠાણ શીકાર ખેલીને પાછાં આવતાં ત્યાંના તળાવના નિરમળ પાણીએ હાથ મોહ ધોઈ પવનની લહેર ખાતો ઊભો હતો. દેરાણી જેઠાણીએ તેને જોયો ને મનમાં નિશાસા મેલ્યા. ચંદા કહે વારૂ આપણને એવા અકરમી મુઢ જેવા માટી કેમ મળ્યા હશે, સુંદર ઉત્તર કર્યો કે આપણી ભીક્ષુકની નાતમાં એ પઠાણના જેવા તે ક્યાંથી મળે, તમે ઘેલું ઘેલું શું બોલો છો ? ચંદા કહે હું એ થાણદર જેવા નથી કહેતી, પણ જુવોને આપણા જેવડી ગામમાં બીજી ઘણીએ સ્ત્રી છે, પણ કોઈને આપણા જેવા નઠારા વર છે ? સુંદર કહે તેમને તો કાંઈએ દુખ નથી, સાંઇને ઘેર જવાની ના કહે છે એટલું જ કે ની, ને મારે માથેતો દુખનાં ઝાડ ઉગ્યાં છે, મેં તો તળાવમાં કે કુવે પડી મરવું ધાર્યું છે, મારૂ ભવિષ્ય એજ છે. ચંદા કહે એવી નાદાની કરી ના બેસશો, ફકીરે તમારે સારૂ પણ ઉપાય કરવાનું કહ્યું છે, તે એવો કે પાર પડ્યા વિના રહે નહીં. તે કહે છે કે અહીંથી પાંચ ગાઉ પર જમલા પીરનું સ્થાનક છે ત્યાં ચલો ને એક રાત રોહો, ત્યાં તાવીત (રાખડી) કરી આપશે ને પીરનો પ્યાલો પાશે. હુંતો જવાની છું પછી જે થનાર હોય તે થાઓ. નદીએ નાહાવા જવાનું નામ દઈ જઈશ, ને પછી કહીશ હુંતો, ડુબી હતી તે લીલકંઠ મહાદેવના બાવાએ કાઢી, પેટમાંથી પાણી ઓકાવ્યું, ને ઓસડ કર્યું ત્યારે શુધ આવી, મારાથી હીંડાય એવું નહોતું તેથી બાવાએ રાત રાખી. સુંદર કહે બાવાને જઈશ ને પુછશે ત્યારે ? ચંદા કહે હું તેને આગળથી રૂપીઆ બે રૂપીઆ આપીશ એટલે એમજ કહેશે; તમે પણ ચાલો મારી ગત તે તમારી ગત, ખીચડી જોડે લેતાં જઇશું. સુંદર કહે ના બળ્યું, મને તો તમારા જેવાં સ્ત્રી ચરીત્ર નથી આવડતો હું તો પકડાઈ જાઉં. મારે સારૂ ફકીર આપે તે તમે લેતાં આવજો. ચંદા કહે તેમ તો ના થાય, સાંઇએ મને કહ્યું છે કે તમારા બેનું કામ એવું વિકટ છે કે પીર સાહેબને રૂબરૂ પગે લાગ્યા વિના મંત્ર કળે નહીં. સુંદર કહે સાંજે પાછો અવાય એવું હોય તો આવું. ચંદા કહે વારૂ તેમ.

એ વાતો કરતાં ઘેર આવી દશ શેર ઘઉં દળવાના હતા તે લઈ બેઠી. દળતાં દળતાં ચંદાએ સુંદરને પુછ્યું કે સાંકળની કાંઈ શોધ લાગી કે, ગયાં તે ગયાં. સુંદર કહે ઘરના મનીસે ઉડાવ્યાં હોય તે ક્યાંથી જડે ને કોને કહીએ, મારા કરમનો વાંક બેન. ચંદા કહે મને સમજણ ન પડી, શું આપણા ઘરનાએ કોઈએ ઓળવ્યાં છે ? સુંદર કહે જવાદો ને એ વાત મને ના પુછો. ચંદા કહે ના પણ કહોતો ખરાં. સુંદર કહે પેલી રાંડ પેટબળી મંછી સોનારણ મારી વેરણ થઈ લાગી છે તેને આપી આવ્યા; મારા જેવું દુખી જગતમાં કોઈ નહીં હોય, મારે મોઢે તો એમ કહ્યું પછી ખરૂં ખોટું પરમેશ્વર જાણે. ચંદા કહે તમે સાસુજીને કહોને સુંદર કહે કેમ જાણીએ તેને ખબર નહીં હોય; એ ટંટા કરાવે છે તેથી જ પરનારી પર ચીત લાગ્યું છે કેની.

એમની સાસુ અનપુણા આ બધી વાત પાછલા ઓરડામાં રહી છાનીમાની સાંભળતી હતી. સુંદરના મુખમાંથી આ છેલ્લા બોલ જેવા નિકળ્યા તેવીજ, જેમ અંધારા ખુણામાં સંતાયલી બિલાડી દાવમાં આવેલા ઊંદરને ઝડપી લેવા પડે તેમ, તે વહુવારૂ ઉપર પડી. પરસાલમાં જોવા જેવું થઈ રહ્યું. જેમણે સાસુવહુના મોટા ઝઘડા જોયા નથી તેમના ધ્યાનમાં આ બનાવનો પુરો વિચાર આવી શકશે નહીં. દળવું દળવાને ઠેકાણે રહ્યું; શોર બકોર એટલો થયો કે આડોશી પાડોશીથી ઘર ભરાઈ ગયું, ને કુતરાં આવી લોટ ચાટવા મંડ્યાં પણ કોઈ તેમને હાંકે નહીં. અનપુણાએ દેરાણી જેઠાણી ઉપર ગાળનો વરસાદ વરસાવ્યો, તમારા ભાઈ મરે રાંડો, વેશ્યાઓ, તમે બંને મારી વેરણ છો, મને જરાએ ઝંપવા દેતા નથી, મારા દીકરાને એકે વશીકરણ કર્યું છે, ને બીજીએ ચોર ઠેરવ્યો, મને જોડે સામેલ કરી, હા હું ચોરટી, હવે આ ઘડપણમાં ધુળ પડી, વહુવારૂને મોઢે એ સાંભળવું તે કરતાં મરી ક્યાં ન ગઈ, વગેરે અનેક મેણાં તુણાં સાંભળતાં પેટનો પીતો ઉછલે એવા બોલ ઉપરા ઉપરીને મોટે સાદે કહેવા લાગી; લાંબા હાથ કરી આંખના ડોળા ફેરવતી જાય; વળી રોતી જાય, ને માથાં કુટે. બંને વહુઓએ પણ સામા જવાબ વાળવામાં કસ મુકી નહીં. સુંદર ગાભરી થઈ ગઈ પણ ચંદાને સાસુના જેટલું જ શૂર ચડ્યું. સાસુ એવી જબરી હતી કે બંનેને પુરી પડી. ડોસીએ ગજબ કર્યો. વચમાં પડી બીજી બાઈડીઓ લડાઈ પતાવવા જાય પણ તેમનું કોણ સાંભળે ? વહુઓને છાની રાખે કે સાસુ ગાજી ઉઠે; સાસુ જરા બોલતી થાકે કે વહુઓ બોલે. જેમ તેમ કરતાં એ પાછલાંને એક ઘરડી પડોશણે ચુપ રાખ્યાં, પણ ડોસી કેમ કરી માને નહીં. એવામાં એની દીકરી કમળા આવી એટલે ડોસીના દિલમાં નવું શૂર છુટ્યું, ને આવરી રહે નહીં. કુવાનું દોરડું લાવી તેનો ગાળો પોતાના ગળામાં નાંખ્યો ને મરવા તયાર થઈ. કમળાએ તે ફાંસો લઈ વેગળે નાંખ્યો. ડોસીએ પાછો લીધો. સુંદર ડરી ગઈ. ચંદા મોહો વાળવા લાગી. કમળા તેમને ભાંડવા મંડી. લોક જોવા મળ્યું તેમાંનું કોઈ વહુઓનો વાંક કાઢે ને કોઈ સાસુનો વાંક કાઢે. આ જીભ જુદ્ધ ખૂબ મચ્યું છે, ને મુખરૂપી તોપોમાંથી ગરમ ગરમ શબ્દો રૂપી ગોળા છુટ્યા જાય છે, આંસુ રૂપી રૂધીર વહી રહ્યું છે, ઘરનાં બારણાં ઉઘાડાં છે, પરસાળમાં ઘંટી આગળ બંને વહુઓ છે, સામી ભીંત કને સાસુ નણંદ બેઠાં છે, પરસાળ લોકથી ભરાએલી છે, ને હો હો થઈ રહી છે, એવામાં હરિનંદ આવી પહોંચ્યો.

ઘરમાં પેઠા પહેલાં એને ઝઘડાની ખબર થઈ હતી, તેથી ક્રોધનો ભર્યો આવ્યો, ને પોતાની વહુને બે લાતો મારી કહે ઉઠ રાંડ છીનાળ ઉઠ ચાલ. સુંદર ઉઠીએ નહીં ને જવાબ દીધો નહીં. હરિનંદે પાંખોટી પકડીને સીડી ગમ ઘસડી. સુંદર ઉઠીને મેડીએ ગઈ, પાછળથી હડસેલા મારતો હરિનંદ ગયો, ને તેને પોતાના સુવાના ઓરડામાં ઘાલી. ત્યાં એક વાંસની લાકડી પડી હતી તે વખતે ખૂબ જુડી. સુંદરને વાંસે સોળ ઉઠ્યા. એક લાકડી લમણામાં લાગી ને ત્યાંથી લોહી ઝરવા લાગ્યું, સુંદરથી ખમાય નહીં. “મારી નાંખે છે રે મારી નાંખે છે.” એમ બુમ પાડે પણ નીચેની ગરબડાટમાં કોણ સાંભળે. હરિનંદ વધારે વધારે મારે. લાકડી ભાગી ગઈ ત્યારે થાપટો ઉપરા ઉપરી ચોડવા લાગ્યો, ને મોઢે કહે રાંડ તું આજ જીવતી રહે તો ફરીને પાંદડી પહેરેને એવું કરવા પામે કેને, આજ તને મારી નાંખું. આજ નહીં મરે તો કાલે કે પરમ દહાડે; એ નક્કિ જાણજે હવે તારે જીવવું નથી.

એમ માળપર ચાલે છે એટલામાં વીજીઆનંદ આવ્યો. તેણે લોકને ઘરમથી ધમકાવી બહાર કાઢયાં. ચંદાને બેચાર લપટો મારી કહે છાની રહે રાંડ નહી તો માથે ભાગી નાંખીશ. મા બેનને પણ ધમકાવી બોલતાં બંધ રહેવાને કહ્યું. પણ તેને કોઈ બદે નહીં. ચંદાને કહે ઉપર જા. ચંદા કહે ના હું તો કુવામાં પડવા જાઉં છું. એમ કહી કૂવા ભણી ગઈ. વીજીઆનંદ પકડી પાછી આ ને ચંદા તણાઈ તણાઈને તેણી મેર જાય. વિજીઆનંદને ગુસ્સો આવ્યો કે : તે જે દોરડે વતી મા પોતાનો ફાંસો ઘાલવા બેઠી હતી તે લઈ ચંદાને થામના સાથે સજડ બાંધીને કહ્યું જોઉં હવે તું શી રીતે કુવે પડવા જાઉં છું. ચંદાતો પોકે પોક મૂકી રોય. અણપુણા કહે હવે મારો દીકરો ખરો. તે સાંભળી તે તેને મારવા ધસ્યો, પણ કમળાએ મધ્યે આવી માને બચાવી લીધી.

એવામાં સગાંવહાલાં ટંટો પતાવવા આવ્યાં. નાનો કસબો તેથી બધાને ખબર પડી ગઈ. તેમણે ચંદાને છોડી. સુંદરની બુમો સાંભળી બે ત્રણ જણા ઉપર ચડી ગયા ને હરિનંદને બાથમાં ઝાલી હેઠળ આણ્યો. સુંદરમાં તો કાંઈ હોસ રહ્યા નહીં. હરિનંદ નીચે ગયો તે વખતે ત્યાં તે પડી હતી ત્યાંથી ઉઠવા જેટલી પણ ગતિ તેમાં રહી નહોતી; એટલો બધો માર એના પર પડ્યો. વેદનાએ કરી રોવું એટલું આવે કે માય નહીં.

બુઢા રમાનંદ પંડ્યા બહાર ગયા હતા તે આ વાત સાંભળી દોડતા ઘેર આવ્યા, ને અનપુણાને પુછ્યું કે એ શું હતું. ડોશી કહે હતી તમારી મોકાણ. તમને કાંઈ ઘરની ખબર છે; ભાંગ મસ પીવી ને છીંકણીના ખોભા નાકમાં ભરવા એટલું જાણો છો. આ તમારો વીજીઓ મને મારવા મંડ્યો, એ તે દીકરો કે શત્રુ, એના કરતાં પથર જણ્યો હોત તો ઠીક; આ સંખણી વહુઓએ મને સેંકડો લોક દેખતાં ગાળે ગાળે ધોઈ નાંખી, એથી હું વાંઝણી હોત કે મારાં છઇ કુંવારા હોત તો સારૂં. આ તમારામાં કાંઈ માલ નહીં ત્યારે જ મારે માથે આટલાં દુ:ખ પડે છે, ને ઘરની લાજ જાય છે કેની. બળી તમારી અકલ. મને તો ભગવાન મોત આપે તો સારું. રમાનંદ બોલવા જાય કે કમળા કહે બાપા તમે તમારે ઠામે જઈ બેસો. મા બળી રહેલી છે તેને વધારે બાળો ના, તમારામાં ઢંગ હોય તો ઘરની આવી ફજેતી થાય. બીજા સગાં પણ સમાધાન કરવાને વચમાં બોલતાં જાય. એવામાં બારણે ચંદાની મા ને માશી, બે જુંગા જેવા ભાઈ, ને મામા, ચંદાની વારે ચઢી લડવા આવ્યા. સુંદરની મદદે આવે એવું કોઈ નહતું.

રમાનંદ, વિજીઆનંદ, હરિનંદ, અનપુણા, કમળા, ને જે બીજાં સગાં ઘરમાં હતાં તે બધાં બહાર ઓટલે આવ્યાં, ને સામસામી ગાળો ચાલી. લોક જોવા મળી ગયા. વરવાઢ એટલા જોરથી ચાલી કે કાને પડ્યું સંભળાય નહીં. ગાળાગાળી પરથી મારામારી પર આવ્યા. બીચારા રમાનંદની મોટી ડુંડમાં વગર લેવે દેવચંદાના મામાએ મુક્કીઓ લગાવી; તે બાપડાનુ ધોતીયું નિકળી ગયું, ને ફેં ફેં થઈ ગયો. હરિનંદને ચંદાના ભાઈએ ખૂબ ઠોક્યો, ને વીજીઆનંદ પણ કોરો રહ્યો નહીં. બઈરાં પણ એક એકના લટીઆં પીખવાની તઈઆરી પર હતાં, એટલામાં લોકે વચમાં પડી બંને પક્ષવાળાને છુટા કર્યા. ચંદાની માએ ખુબ કુટ્યું, ને કહે મારે મારી દીકરીને એને ઘેર રહેવા દેવી નથી. જમાઈ મુવો ને એ રાંડી એમ ગણી મારી દીકરીને હું પાળીશ. વીજીઆનંદ કહે જો આજ એને લઈ જાય તો જીવતાં સુધી ફરીને મારા ઘરમાં ના ઘાલું. બંને પક્ષના સમાન મિત્રોએ મળી ચંદાના પીએરિયાંને સમજાવ્યાં કે દીકરી બાપને ઘેર સોમણ રૂની તળાઈએ સુવે ને પકવાન જમે તેનાં કરતાં સાસરે ભોંયે સુવે ને સુકા રોટલા ખાય તે સારું હોય સંસાર છે, ટંટોએ થાય; વગેરે ઘણીક રીતે વિનવી પાછાં ઘેર મોકલ્યાં.

ચંદા ને સુંદરે રાત્રે વાળું કર્યું નહીં કમળાએ દશમી (દુધે બાંધેલી રોટલી) ને સાક કરી પોતાના બે ભાઈઓને તથા માબાપને ઘણીક આજીજીએ ખવડાવ્યું. એ બધાં એ કામમાં નીચે હતાં તેવામાં સુંદરની પાસે ચંદા ગઈ ને તેને રોતી રાખી પોતાને દોરડાના બંધનથી ચામડી જે જે ઠેકાણે સુણી હતી તે દેખાડી. સુંદર કહે મારો વાંસો જુવો, મારું માથું, હાથ, પગ, જ્યાં જોવું હોય ત્યાં જુવો ત્યારે તમને ખબર પડશે. ચંદાએ તે જોયું કે પોતાનું દુખતો જાણે વિસારી ગઈ, ને બોલી હાય હાયરે મા આ મારનાર તે મુવો રાક્ષસ કે દઈત. એના કરતાં તો કસાઈ પણ સારો. વગેરે કહી તેને જરા શાંત કરીને બોલી મેં તમને આજ બપોરે રસ્તામાં જે વાત કહી હતી તે કર્યા વિના છૂટકો નથી, બીજો એકે ઉપાય નથી. સુંદર કહે હું તો તેમ ન કરું. ચંદા કહે જુવો સમજો, મારૂં કહ્યું માનો. રોજો દુર નથી, ને સુરજ આથમ્યા. પહેલાં ત્યાંથી પાછાં અવાશે એવું ફકીર કહ્યું છે એમ કહી તેની કને હા કહેવડાવી. બેહુએ વિચારી ઠેરવ્યું કે કાલે જમીને ચુલા અબોટ વગેરેથી ઝટ પરવારીને લુગડાંનો ગાંસડો લઈ બપોરે નદીએ ધોવા જવાને બહાને ફકીરને મુકામે જવું, ને ત્યાંથી તેની જોડે જમલાપીરને સ્થાનકે જવું.

બીજે દહાડે કામથી વેહેલાં ફારક થઈ બંને જણીઓ ધોવાના લુગડાનો ગાંસડો લઈ નીકળ્યાં. સુંદરે થોડી આનાકાની કરી ત્યારે ચંદાએ કહ્યું ધણી મારી નાંખશે કે તમે હાથે જીવ કાઢશો, માટે છેલ્લોવેલો ઉપાય તો કરી જુવો. સુંદર કહે ઠીક છે. આડે અવળે રસ્તે થઈ સાંઇને ઘેર પાછલે બારણેથી પેઠાં. સાંઈને અત્યંત આનંદ થયો. બેહને દીલાસો આપ્યો ને વાગ્યું હતું ત્યાં મળીઆગરૂ ને ચંદન ચોપડી તાડેક કરી. પછી બંનેને કોઈ ઓળખે નહીં માટે સુરવાળ, પેહેરન વગેરે મુસલમાની વેશ પહેરાવ્યો, પોતાના એક દોસ્તની વહેલ મંગાવી તેમાં તેમને બેસાડ્યાં, ને પોતાના ટટુ ઉપર સ્વાર થઈ ત્રણે જણ રવાના થયાં.