← પ્રકરણ ૩ સાસુવહુની લઢાઈ
પ્રકરણ ૪
મહિપતરામ રૂપરામ નીલકંઠ
૧૮૬૬
પ્રકરણ ૫ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.



પ્રકરણ ૪ થું.

તેજ રાત્રે ઘેર જતાં (ગંગાશંકરથી છુટા પડ્યા પછી) હરિનંદે એક બાયડીને રસ્તામાં રોતી જોઈ. તેની આસપાસ ટોળું મળ્યું હતું. “ઓ મારી મારે મને મારી નાખીરે ! એ રાંડની શિખવણીથી એ મુવા દઈતે મને મારીરે ! બાપ બહુ દુખે છે ! એ દીકરો ફાટી મરે રે, એને માતાજી ખાય ! હાય હાય હવે હું કોના ઘરમાં જઈશ ! મને અરધી રાતે ઘરમાંથી કાઢી !” તેનો એક પડોશી તેને સમજાવીને પોતાના ઘરમાં લઈ જતો હતો, લોક તેના છોકરાનો તથા વહુનો ધિક્કાર કરતા હતા. એ રોનારી ઘાંચણ હતી. હરિનંદના મનપર ગંગાશંકરે જે અસર કરી હતી તે એના વિલાપથી નબળી પડી ગઈ.

તોપણ તે દહાડાથી ધણી ધણીઆણીને વધારે બનવા લાગ્યું. પોતાનો પાસો સવળો પડતો જોઈ સુંદર અચરત પામતી. સ્વામીની દ્રષ્ટિ અગાઉ જેટલી કરડી નથી, તે જરા વહાલ દેખાડે છે, ને હેતથી બોલાવે છે એવો અનુભવ થતાં બહુ હરખાઈને તેણીએ અંબાજીમાં ઘીનો દીવો કર્યો. એવો લાગ ફરીને હાથ આવવો કઠણ છે એવું જાણી તેણીએ વરને રાજી કરવાને પોતાથી થયું તેટલું કર્યું. જે સુખ શાન્તી ભોગવવાનો સ્વભાવિક, પરમેશ્વરથી મળેલો, વર વહુનો હક છે તેમાંનાં થોડાંકનો સ્વાદ એઓએ છાનો છાનો ચાખવા માંડ્યો.

પણ ચાર દહાડાનું ચાંદરણું ને પાછી અંધારી રાત. હરિનંદનું મન દ્રઢ નહતું, તેથી મા થોડા માસમાં ફેરવી શકી. વળી નાથની માનીતી થવાની વાત જાહેર કરવામાં તથા સાસુજીની જુલમી હકુમતમાંથી છુટવાને સુંદર વહુએ ઉતાવળ કરી કામ બગાડ્યું. એનું સુભાગ્ય અણચણોથી ઢાંક્યું રહ્યું નહીં. તે ભુંડી પણ ચપળ નારીએ હરિનંદની ચાલમાં જે ફેર પડ્યો હતો તે વરતી કાઢ્યો, ને પોતાની દુષ્ટ ગોઠવણો કરવા માંડી.

સુંદરની નણંદ માથે આવી હતી તેવામાં સાસુએ એક ઢોંગ ઉડાવ્યો. હરિનંદને સાંજરે ઘેર આવવાની વેળા થઈ તે વારે તે થર થર ધ્રુજવા લાગી ને બે ગોદડાં ઓઢીને પરશાળમાં છપરખાટ હતી તેપર સુઈ ગઈ. ત્યાર પહેલાં પા ઘડીપર સુંદર કોઈ સગાને ઘેર મીઠું પાણી લેવા ગઈ હતી. હરિનંદ આવ્યો તેવો માની કને જઈ બેઠો ને ખબર પુછી. ગોદડામાંથી મોહો કાઢી હાંફતી હાંફતી તે બોલી બેટા તું ને તારો ભાઈ જમીને બપોરે ગયા પછી ઘડી બેએક થઈને મને ટાઢ આવી. ટાઢ તો ટાઢ કે એવી મને આજલગી કોઈ દહાડો આવી નથી, જોને હજી ધ્રુજું છું. ટાઢ ઉપર તાવ કકડીને આવ્યો. માથું તેમ દુખે, પગ તેમ ચુંથાય, ને પાણીની તરસ તો કહે મારૂં કામ, ગળે ગળું મળી જાય. એમ કહેતી જાય ને આંખમાંથી આંસુ પાડતી જાય. હરિનંદ કહે રડે છે શાને છાની રહે માડી, હોય દેહ છે. મા કહે દીકરા હું આ દુખને નથી રોતી મારા કરમને રોઉં છું. આટલા આખા ઘરમાં મનીસ પણ આવી વખતે મને પાણી પાનાર સરખું કોઈ પાસે મળે નહીં, કમળી અળગી બેઠી છે. એ જઈને (પાડોશણ) ઈછાને બોલાવી લાવી તેણે આ દેગડી ભરી પાણી આપ્યું ત્યારે પીધું. તે બાપડી કેટલીબધી વાર મારી પાસે બેઠી; માંથુ ચાંપ્યું, ધુપેલ ઘસ્યું ને હમણાં જ ગઈ. થોડે દૂર કમળા બેઠી હતી તેની આંખમાંથી પણ ડળક ડળક આંસુ પડવા માંડ્યાં. હરિનંદે બેહેનને પૂછ્યું કે ભાભી ને એ બંને ક્યાં ગયાં. કમળા કહે એ બેનો એક સંપ છે. બીજાના ઘરમાં દેરાણી જેઠાણીને જરાએ ન બને, ને આપણે ઘેર એથી ઉલટું છે, ત્યારે માને આટલી વિપતી પડે છે. માટે આવી વેદના થાય છે તે નજરે જોય છે પણ પુછતાં નથી કે શું થયું છે. બપોરનાં બે જોડે ગયાં છે તે હજી આવ્યાં નથી. તારી વહુ લાલા કાકાને ટાંકેથી પાણી લાવવાને બહાને ગઈ છે, ને મોટી ભાભી તો પીએર ગઈ છે, એની મા માંદાં થયાં છે, શું કાંઈ એ રાંડ માંદી નથી. પીએરને નામે કોણ જાણે ક્યાં ભમતી હશે. મોટાભાઈ તો એને કાંઈ કહે નહીં, એટલે તે બાને શાની ગણગારે.

એવામાં વીજીઆનંદ આવ્યો, ને છપરખાટની સોડે માંચી હતી તે પર બેઠો. એનું મોહો ક્રોધાંત જોઈ પેલાં વાત કરતાં બંધ થઈ ગયાં. જરાવાર બેસી તે બોલ્યાં. “એ રાંડને મારી નાંખું, એ વાત શી મારા મનમાં કેટલાંક દહાડાથી શક હતો, પણ આજે મારી ખાતરી થઈ.”

કમળાએ જાણ્યું કે હું બોલી તે એણે બારણા પછાડીથી સાંભળ્યું તે પર ગુસ્સે થયો છે. તે ઉઠી ગભરાતી આઘી બેઠીકે રખેને મારે. હરિનંદને પણ તેવીજ ભ્રાંતી પડી, તેપરથી તેણે કહ્યું જુવોને બેન રજસ્વાળામાં છે, ને માને લોઢું ધીક્યું હોય તેવો તાવ આવ્યો છે, માથું મસ દુખે છે, તાંટીઆ ચુથાય છે, પણ ઘરમાં કોઈ મળે નહીં.

વીજીયાનંદ કહે શુંદરભાભી ક્યાં ગયાં છે તેની મને ખબર નથી, પણ એને તો મેં હમણાં જ પેલા ફકીરના તકિયામાંથી નિકળતી જોઈ. મારી સાસુ જોડે હતી. આપણે બ્રાહ્મણે મુસલમાનના ફકીરની પાસે કહેવું જવું. મેં સાંભળ્યું હતું કે એ ત્યાં જાય છે, પણ મારે મોઢે નામુકર જતી હતી તે આજ પકડી; આજ રાંડને મારી નજરે ફકીરના તકિયામાંથી નિસરતી દીઠી. એની રાંડ મા એને ભમાવે છે, ને બગાડે છે. છોકરાં જોઈએ છીએ માટે કેટલા દોરા ને ચીઠીઓ કરાવી છે, પારવિનાની બાધા રાખી છે; પથ્થર એટલા દેવ કરી ચુકી; જે ધુતારો આવે છે તે પૈસા લઈ જાય છે; હું તો કાયર થયો છું મા. પેલો સાળો ભુવો ભૂત કાઢવા આવવા લાગ્યો છે ત્યારથી એ લત પડી છે.

હરિનંદે પૂછ્યું મોટાભાઈ, ચૌટામાં જુમામસીદની પડોસમાં તકિયો છે તેમાં ભાભી ગયાંતાં ? એમાં કોઈ નવો ફકીર આવ્યો છે એ બહુ લુચ્ચો કહેવાય છે. રૂપેરંગે કાંઈ સારો નથી, ને સારેવાને નથી, પણ બોલવાની છટા જબરી છે. એ સાળો ઘણાં બઈરાંને છેત્રે છે. એ બધી વાતે પુરો છે. સારા ઘરની સ્ત્રીઓએ એની કને ન જવું જોઈએ.

વીજીઆનંદ કહે ખરૂં, જોઉંતો ખરો હવે બીજીવાર છે ત્યાં કેમ જાય છે. ફરીને જાયતો પગ વાઢી નાખું.

તો એ સાંભળી ડોસી ગોદડામાંથી માથું બહાર કાઢી મોહો મરડી બોલવા જતી હતી એવામાં સુંદર પાણી લઈને આવી તેથી છાની રહી.

પાણીઆરા પર ગાગર ને ઘડો જેવાં મુક્યાં કે હરિનંદ પાછળથી જઇને થડાથડ ટપલા ને લાતો મારવા મંડી ગયો. વિજીઆનંદે આવી ઝાલી લીધો ને દૂર ખસેડ્યો. આવડું આકળાપણું શું, તે કહે, મારા જેવી પ્રપંચી મળી હોત તો તું કોણ જાણે શું કરત. હરિનંદ કહે એ વાત શી ! વીજીઆનંદ કહે વારૂં વારૂં જાણ્યું, જા તારું કામ કર; ચાલ જઈ લુગડાં ઉતારીએ. બંને ભાઈ મેડીએ ચડ્યા પછી કમળા નણંદ મોટું મોહો ચડાવી તબડકો કરી બોલ્યાં “ભાભી આતે વાર શી, જુવો તમે ક્યારનાં ગયાંતાં, હું અભડાએલી છું ને ઘરમાં બીજું કોઈ નથી તે તમે જોઈને ગયાંતાં !” સુંદરે રીસમાં ઉત્તર આપ્યો કે એમ લડાવી નો મારીએ, જુઠું ભરાવીને. શી વાર થઈ ? ચાર ઘડીએ નથી થઈ, હમણાં ગઈ હતી, અંબામાશી ઓટલે બેઠાં હતાં તેમણે અધઘડી બેસાડી એટલી વાર થઈ.” નણંદ બોલી, અંબામાશીએ તો નહીંને પેલી તમારી અંબાગવરી આખા દેશનો ઉતાર છે તેણે બેસાડ્યાં હશે. સુંદર કહે શાને મારી અંબાબેનને વગોવો છો, "પોતાનાં હોય તેને કહીએ, પારકાને ના કહીએ.” એટલે ગોદડામાંથી સાસુજી બોલ્યાં, “ઓહો આતે શો મરડાટ !' એવામાં વીજીઆનંદે આવી એ શબ્દજુધ અટકાવ્યું.

આ શરૂઆત થઈ તે દહાડે દહાડે વધતી ગઈ, અને તેનાં પરિણામ અત્યંત શોકકારક થયાં. કુપાત્ર સાસુ ને નણંદ બિચારી સુંદરને એક દિવસ જંપવા ન દે. અંદરનો ખરો ભેદ પારખવાની પોંચ હરિનંદમાં નહતી. ડોસી તાવનો ઢોંગ કરીને હોડીપોડીને ધ્રુજતી સુતી ને સુંદર બપોરની બારણે ગઈ એમ તેને જુઠું સમજાવ્યું તેની જરાએ તજવીજ કરી હોત તો સત્ય અસત્ય માલમ પડત. એમ ન કરતાં તેણે કપટી માબેનના કહેવા પર ભરોસો રાખી સ્વપત્નીની વાત જરાએ સાંભળી નહીં. ત્રણ દહાડા સુધી તો તેની સાથે ભાષણ જ ન કર્યું. પછી બોલ્યા વગર તો ચાલ્યું નહીં, પણ એ બોલવામાં ધુલ પડી સમજવું, એના કરતાં ન બોલતો હોત તો સારું. મીઠું વચન તો એકે કહે નહીં, હરરોજ તેને ને તેની મુએલી માને મનમાં આવે તેવી ગાળો ભાંડે, ને છાસને વારે તેનાં હાડકાં ભાગે. ગંગાશંકરની શિખામણની વાત સાંભળીને રાતે આવતો હતો તે વેળા તેણે જે ઘાંચણને માર્ગમાં રડતાં કકલતાં જોઈ હતી તેનો દીકરો એના શેઠના ઘરનો ઘાંચી થયો હતો. એક વખત હરિનંદને તેની સાથે મળવું થયું એની મા જોડે લઢાઈની વાત પુછી તે પરથી ઘાંચીએ કહ્યું, એ લઢાઈ કરાવતી હતી, તે બાયડીને મેં કાઢી મુકી છે. પહેલાં તો મને માનો વાંક લાગતો હતો, પણ પછીથી જણાયું કે તે બીચારી કાંઈ બોલતી નહોતી. એ રાંડ બાયડી એને હેરાન હેરાન કરતી હતી. હરિનંદે એ પરથી વિચાર્યું કે જગતમાં વહુ માત્ર ખરાબ ને સાસુને દુભનાર છે. એ વાત તેણે તેના ભાઈ આગળ કરી. ભાઈએ કહ્યું મારો મત એ છેકે બધી વાતમાં એમ હોતું નથી, કોઈને ઘેર સાસુનો વાંક હોય છે ને કોઈને ઘેર વહુનો વાંક હોય છે એટલું જ નહીં પણ ઘણું કરીને વહુ કરતાં સાસુ વધારે અપરાધી હોય છે. મેં કહેવત નથી સાંભળી કે 'સાસુ ભાગે તે ઠીકરાં ને વહુ ભાગે તે કલેડાં'. સ્ત્રી ભુંડી હોય ને વર તેને વસ પુરો હોય, એટલો કે બીલકુલ તેના કહ્યામાં રહે, ને ઘરનો ખરચ ચલાવતો હોય ત્યારે સાસુને દુખ પડે છે; પણ તેમ કોઈને જ હોય છે. બેત્રણ છોકરાંનો બાપ થાય ત્યાં સુધી ઘણું કરીને પુત્ર માના તેજમાં અંજાયો રહે છે, કેમ કે તેણે તેને ઉછેરી મોટો કરેલો ને લાડ લડાવેલાં; એની મા દુષ્ટ હોય તો વહુવારૂને મેણે મેણે ટુંપી નાખે છે, ને અનેક યુક્તિએ પીડે છે. એ દમવામાં નણંદ પણ મળેલી હોય છે. વખતે વહુને ખાવા લગી નથી આપતાં, અથાણુ, શાક, પાપડ, ઘી, વગેરે પોતે ખાય, ને તેને ફક્ત સુકું ધાન કે રોટલા તેલ ચોપડી આપે, વગેરે ઘણીક રીતે હેરાન કરે, જુઠાં આળ ચડાવે ને વગોવે. કેટલીક વહુ સામી થાય છે, ને કેટલીક જાણે મુનીવરત લઈ બેસે છે. તે એ વાત સાંભળી તો હશે, એ ખરી નહીં હોય પણ લોકમાં ચાલે છે કે દમડીની રાઈ સારૂ વરવાડ થઈ તે પરથી વહુને એની સાસુએ બે દહાડા જમાડી નહીં, ત્યારે ત્રીજે દહાડે તેણે રોટલીઓ ચોરી ખાધી તે પરથી તેને (વહુને) કુવામાં નાંખી.

'દમડીકી રાઈ, સાસુ વહુની લડાઈ;
આધી રોટી ચોરાઈ, ખુણે બેઠકર ખાઈ;
સાસુ મારવા ધાઈ, વરે કુવામાં ગીરાઈ.”

હરિનંદ હસ્યો ને કહ્યું એ કોઈ મશકરાએ જોડ્યું છે. મા, જનેતા, જેણે આપણને આ ભૂમિપર જન્મ આપ્યો ને મહાકષ્ટ વેઠી મોટા કર્યા તે પહેલીને પછી વહુ. મા બીજી લાવી શકાય છે ? વહુ તો એક મરે ને બીજી આવે. આપણી નાગરની નાતમાં પૈસા ખરચવા પડે છે; આ સાઠોદરા, વીસનગરા, ઔદીચાદિઓમાં તો ઉંચકુળ હોય તો ઉલટી સામી પૈસા લાવે છે. વહુ આપણી દાશી છે, લુંડી છે, ગુલામડી છે, એ મુરખી કોણ થાય છે. હવે જોઉ તું તારી વહુને ફકીરને તકીએ જતી કેમ અટકાવે છે ! હું મારીને બેસ કહું તો બેસે ને ઉઠ કહું તો ઉઠે, પાણી પી કહું તો પીએ ને ના કહું તો ના પીએ. મરદ તે અમે. એમ એમ કહી મૂંછ ઉપર હાથ ફેરવ્યો, ને બોલ્યો મારા કહ્યા વગર એનાથી ડગલું ભરાય શું !! એ જુસ્સા ભરેલા બોલથી વીજીઆનંદને મનમાં માઠું લાગ્યું.