સાસુવહુની લઢાઈ/પ્રકરણ ૫
← પ્રકરણ ૪ | સાસુવહુની લઢાઈ પ્રકરણ ૫ મહિપતરામ રૂપરામ નીલકંઠ ૧૮૬૬ |
પ્રકરણ ૬ → |
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો. |
ચંદાની નાની બહેન તારાગવરીની અઘરણી આવી તેથી તેના મનની દાહાજમાં વધારો થયો. મોહોડેતો હરખ દેખાડે પણ અંદરથી તેનો જીવ વધારે બળવા લાગ્યો. માની જણી બેન માટે તારા ઉપર તેને અદેખાઈ આવી નહિ, પણ મોટી રહી જાય અને નાનીની અઘરણી આવે ત્યારે બીચારી મોટીનો મુરખ બઇરાં ઉપહાસ કરે છે તેથી ચંદાને સંતાપ થયો. એ પ્રસંગે પીએરીઆ ગીતો ગાય છે. તે તેણે સીખવા માંડ્યાં. સીમંતને થોડા દિવસ રહ્યા ત્યારે તારાને હાથે પગે મેંદી ચોપડી, વાડી ભરી, અને શણગારવા માંડી. ઘરેણાં પહેરી તારાગવરી સગાંવહાલાંને ત્યાં મોહો દેખાડવા જાય ને ચંદા તેની જોડે રીત પ્રમાણે ફરે, પણ મનમાં હીજરાય.
ધેણ*[૧] શણગરાઈને પાછલે પહોરે સાસરે જાય અને સાસરાની બાયડીઓ ધારા પ્રમાણે ગીતો ગાય ને ધણરાણી ગાદી તકીએ બેસીને સાંભળે. એ ગીતોમાં કેટલાંક નઠારાં છે. સુધરેલા લોકને ન સોભે એવા હલકા શબ્દોમાં વેહેવાઈ પક્ષની અરસ પરસ મશકરી કરવાનાં છે, અને કેટલાકમાં તો અનીતી છે. નાગર સ્ત્રીઓ હજી કેવી અધમ અવસ્થામાં છે તે તેમનાં ગીતો દર્ષાવે છે. એ ગીતો બીજી બધી વાતોમાં ગવાય છે. પાંચમે માસે રાખડી બાંધે છે. રાખડીના ગીતમાં ભુડું કાંઈ નથી. ગુજરાતી લોકની એક ખાસિયત એ પરથી જણાય છે. હિંદુસ્તાની કહેવત છે કે 'બડબડી બાતાં બગલમે ઈંટાં', તેવો ગુજરાતના લોકનો સ્વભાવ છે. એમનાં ગીતોમાં જુઠી બડાઈનો પાર નથી. રાખડીનાં ગીતો- “લંકાઘઢ વાહાણ પુરાવીએ તાંહાંથી સુનારે અણાવો; વેગલે રાખડી ઘડાવીએ, ધેણને જમણરે હાથરે. હડમજઘઢ વાહાણ પુરાવીએ, તાહીંથી હીરારે અણાવો; વેગલે. સિઘડઘઢ વહાણ પુરાવીએ તાહાંથી મોતીરે અણાવો.” ગીત બીજું. “નણદર, નણદર, નણદુલી, નણદી દેશ પરદેશ. અમદાવાદ વેહેલ મોકલાવીએ, તાંહાંથી ગંગાબેન તેડાવો, તેની પાસે રાખડી બંધાવીએ ધણને જમણેરે હાથે | પહેલડા પહોરનો રણકલો, પીયુડો વણચૌટે જાય; વણ ચૌટે સુખડી નીપજે પીયુ લાવે, ધણ ખાય. બીજા પોહોરનો રણકલો, પીયુડો વણચૌટે જાય; વણ ચૌટે કેળાં નીપજે ઈત્યાદી.” એ રાખડીનાં ગીત સુરતી છે,ને સુરતમાં બધી વાતોમાં ગવાય છે.
- ↑ *અમદાવાદમાં જે નારીનું અઘરણી હોય તેને ધન કહે છે બાળાબેનની ગીતની ચોપડી પરથી જણાય છે. ચરોતર – સુરત વગેરેમાં ધેણ કહે છે.
“ફાગણમાસે વસંતના દહાડા, ઘરમાં વહુવારૂએ માંડ્યારે રાડા. ચંદન ઘસી ઘસી વાલેરે ગોળી, આવે રે ગુસાંઇડો ને ખેલે હોળી. આજે ગોરીને ગુંસાઇડોરે ત્રીઠો, ધેણને ચુડલેરે અમીરસ મીઠો. ધેણ કહેતીરે હુંતો ફટક ફુટડલી, નણદ દેરાણીએ લીધી મારી પુઠડલી. ધેણ કહેતીરે હું તો કાંઇનવ જાણું, ટચલી આંગળીએ નાવલો નચાવું. ધેણ કહેતીરે હું તો કાંઈ નવ જાણું, ચાલતા ગાડાનું પૈડું રે તાણું. ધેણ કહેતીરે મને વાનારે ગોળા, વાનેરે ગોળે ભરાવ્યા ખોળા. ધેણ કહેતી મને વાની અરજ, વાનીરે અરજે કરાવ્યા ખરચ. નહિ દહાડી, નહિ મુછ, નહિ રે નિમાળા, એશું કીધું મારા રવીનારાયણ બાળા. હું શું કરૂ રે ધુતારીના ચાળા. ધેણના નાવલીઆ ધેણને અંન ન ભાવે. સુતારે સુખડીઆને રવીનારાયણ જગાડે. હાંરે હાંરે સુખડીઆ તું મોડાંતીનો ભાઈ, સુખડી લાવજે સોડમાં સાહી, રખે જાણે મારા મણીનારાયણ ભાઈ; મુજને વગોવશેને તુજને ધબોવશે; મુજને વગોવશે તે ઘરમાં રહી, તુજને ધબોવશેરે બારણે જઈ. ધેણના નાવલીઆ ધેણને પાન ન ભાવે, સુતારેતબોળીને રવીનારાયણ જગાડે. હાંરે હાંરે તંબોળી તું મોડાંતીનો કાકો, પાનનાં બીડલાંતે વાળી વાળી આપો. રખે જાણે મારા હરીનારાયણ મામા ઈત્યાદી.
હાથ કાંસકડીને ખસવટે નાડાં, માથુ ગુંથાવવા ધેણ ચાલ્યાં. ધેણનુરે માથું કોઈ ગુંથી ન જાણે, ગુંથાવી ન જાણે, ગુંથે મારા મણીનારયણની રાણી. મણીનારાયણની રાણી છબીલીવહુ ઠકરાણી, તેણે મારી ધેણ શણગારી. પાટણ દેશના પટીઆંરે પાડ્યાં, નાડાં ઘાલ્યાંરે નડીઆદી.
છાંડ્યાં છુડ્યાં પકવાન તે કાંહાં ગયાં વહુરે; આવ્યાં હતાં પીએરીઆં તે ખાઈ ગયાં સહુરે. ફાટાં ટુટાં મસોતાં તે કાંહાં ગયાં વહુરે; આવ્યાં હતાં પીએરીઆં તે પહેરીગયાં સહુ. ખાળ કુંડીનાં પાણી તે કાંહાં ગયાં વહુરે; આવ્યાં હતાં પીએરી તે પી ગયાં સહુ. ઇત્યાદી.
સુનાના ટાચકડા ને હીરલાની દોરી, હું તમને પુછું મારી મોડાંતીરે ગોરી, તમારી રે સાસુજીએ શી સાધર પુરી.*[૧] ઉનાં ઉનાં ખાજાં ને ઉતરતી જલેબી, તેરે ખાઈ ધેણ ઓરડે સુતાં. રાતના ચાર પહોર ધસમસ ઘોર્યા; સાસુના જાયા
- ↑ * બાળાબેન કૃત અમદાવાદનાં ગીતોની ચોપડીમાં આ ગીતમાં પાઠ ફેર છે, “ગોરા ગોરા પાંચાને ગોરી કળાઓરે, હું તમને પૂછું મારી ધન વહુ ગોરી રે.” બીજો જુજ ફેર છે.
દક્ષણ દેસથી ચાંદોરે આવ્યો. રાજનગરમાં ગવાયોરે.
એરે ચાંદલીઆના ઝાકમ ઝોળા, લોની મોડાંતી મુખ રોળારે.
જ્યારે રે રવિનારાયણ જાઈયા, એની માડીએ માંડ્યા જાગરે.
ધરણીએ પગ દઈ જાઈઆ, નીછટે વધેર્યાં નાળરે,
પાણી સાથે દુધડે*[૧] નવડાવીઆ, તો ચોખા સાથે મોતીડે વધાવ્યા રે.
ભમર પારણીએ પોહોરાડીઆ, શાલ દુશાલા ઓરાડ્યારે.
અવાસે પાલણીઆ બંધાવીઆ, હીંચોળે તે ઉજમ માસીરે.
જોશીને જનોઈ પહેરાવી, વિપ્રને દીધાં દાનરે.
બેનરે કોકા દઈવળ્યાં, મહીઆરીએ પાડ્યાં નામરે.
જ્યારે મોડાંતી જાઈ, એની માંડીએ છાંડ્યા જાગરે.
ચુલે પગ દઈ જાઈ, દાતરડે વધેર્યાં નાળરે.
પાણી સાથે મુતરે નવડાવીઆં, ચોખા સાથે ઈએળે વધાવીયાં રે.
ટુટી ખાટલીએ પોરાડીઆં, ફાટાં મસોતાં ઓરાડ્યાં રે.
અગાસે પાલણીઆં બંધાવીઆં, હીંચોળે તે સઘળા કાગરે.
- ↑ *નવરાવીઆ એમ ડ ને બદલે ૨ થાય છે. સુરતમાં ધવડાવુંને અમદાવાદમાં ધવરાવવુ, ખવડાવવુંને ખવરાવવું, ઈત્યાદી. આ પુસ્તકમાં એવો ફેર જણાય તે વાંચનાર સંભાળી લેશે.
કુતરી કોકા દઈ વળ્યાં, બિલાડીએ પાડ્યાં નામ રે.
જોશીના જનોઈ તોડાવીઆં, મહીઆરીનાં વાઢ્યાં નાકરે.
મોતીરામ ગોલાનું ઘર પુછીને જાજો, મનસુખરામ, જોઈતારામ,
બે બેઠા ઘંટીએરે. એક કહે જાડુંને એક કહે જીણું, વચમાં પડ્યું છે થુલું.
પાછું ફરીને તમે જુવો રે મોડાંતી, તમારી માડીની આંખમાં પડવું છે ફુલું.
છાયલામાં છાયલું, રૂપીઆમાં પાયલું, ખીરોદક ખસમસીઆંરે,
ધેણનારે સસરા વેહેવારીઆ, ઘેર પડે ટંકશાળશે. ચીરરે હોર્યાંને
પટોળાં રે હોર્યાં, રૂપીઆનો આવ્યો ઘેર લાભરે. છાયલામાં છાયલું.
ધેણનારે બાપ દેવાળીઆરે, ઘેર પડે હડતાલ રે. પાડારે મુડ્યા,
ને ભેંસજ મુડી, નીમાળાનો આવ્યો ઘેર લાભરે.
એની માડીએ પાણીડાં મોકલીરે, એ ધેણરાણી.*[૧]
એને વાટે તે તડકલા લાગશેરે, એ છે ધેણ રાણી.
એનો મોતીરામ બાપ તે ચીથરાં વીણશેરે, એ છે ધેણરાણી.
હમારા સુરજ નારાયણ તે ચંદરવા બંધાવશેરે, એછે ધેણરાણી.
એની માડીએ પાણીડાં મોકલીરે, એછે ધેણરાણી.
એને વાટે તે કાંકરા ખુચશેરે, એ છે ધેણરાણી.
એનો ભાઈ તે કાંકરા વીણશેરે, એછે ધેણરાણી.
હમારા મણીનારાયણ કાચ ઢળાવશેરે, એછે ધેણરાણી.
એની માડીએ પાણીડાં મોકલીરે, એ છે ધેણરાણી.
એને વાટમાં દાજણાં દાજોરે, એ છે ધેણરાણી.
એના મામા તે મોજડી લાવશેરે, એ છે ધેણરાણી.
ધેણના મામાજી*[૨] છાંટણાં છંટાવશેરે, એ છે ધેણરાણી. ઈત્યાદિ
મેડીએ બેઠાં શુણો સારંગ ધેણ. વહુવરના વચન શુણજો.
વહુવર માગે છે ઝળ હળ મોડ, જો સંપત હોય તો દેજો.
થોડામાંયે થોડેરાં કરજો, વહુવરના કોડ પુરજો.
લંકાંઘઢ થતાં સોનારે અણાવો, વેગલે મોડ ઘડાવો.
હડમચગઢ થકી હીરારે અણાવો, વેગળે મોડ જડાવો.
સીંધડઘઢ થકાં મોતીરે અણાવો, વેગળે મોડ પ્રોવડાવો.
કોણેરે ઘડીઓને કોણેરે જડીઓ, કોણ ઝવેરીએ પ્રોયો.
મનસુખરામે ઘડીઓ, ને જોઈતારામે જડીઓ, અમથારામ
ઝવેરીએ પ્રોયો. કાંહાં બેસી ઘડીઓને કહાં બેસી જડીઓ, કાંહાં બેસી
પરોવીઓરે.
આગલે બાર ઘડીઓ ને પાછલે બાર જડીઓ, ચોકમાં મોડ પરોવીઓ. એરે સોનીડાને પીરસો રે બાંટ, મોડ ઘડેરે જેમ ઘાટ. એરે સોનીડાને પીરસોરે થુલી મોડ ઘડેરે જેમ ફુલી. એરે સોનીડાને પીરસો દુધકુર, મોડ લાવે જેમ ઉગતે સુર. એને મોડે બત્રીસ ભમરી, મોડ સોહે તે રાજા ચમરી. મોડ પહેરીને ધેણ પાટે બેઠાં, ગોતરજને મન ગોઠ્યાં. ગોતરજને મન ગોઠ્યારે સારંગ ધેણ, મોડ મારી મોડાતીને સોહીએ. મોડ પહેરી ધેણ આવેને જાય, સાસુ રળીઆત થાય. સાસુજી રળીયાત થાય તે સારંગ ધેણ, માસીજીને હરખ ન માય. ઇત્યાદિ.
હાથ જારીને ખભે ઘાટડીરે, ધેણ જુવે છે સસરાજીની વાટડી. કાં ધેણના સસરાજી નાસંતા ફરોરે, તમારે દ્રામ ખરચ્યા વના નહિ ચાલે. હાથ જારીને ખભે ઘાટડીરે, ધેણ જુવે સાસુજીની વાટડીરે. કાં ધેણના સાસુજી નાસંતા ફરોરે, તમારે ખોળારે ભર્યા વના નહિ ચાલે. નણંદને રાખડી બાંધ્યા વના નહિ ચાલે, દીએરને બુસેટ માર્યા વના નહિ ચાલે ઈત્યાદિ.
પેહેરો લાડકડી ધેણ કાંચળી રે, તેમને ઈશ્વર પારવતીએ મોકલી; સીવણ સીવણ ઘુઘરી, ધેણ હઈઅડલે હસતી રે પુતળી. ઈત્યાદિ.
બેન સેરડીએ સાંચરીઆં, જોવા મળીઆ લોક બેન, જેઠડીઆં.
બેનનો હાર હીરે જડ્યો, બેનનો મોડ મોતીએ મડ્યો બેનનો અંબોડો ફુલે ભર્યો બેન જેઠડીઆં.
બેન તમારે પેરણે લાવું આછાં સાળુ રે; બેન જેઠડીઆં.
બેન તમારાં પીઅરીઆં જે બોલે તે સારૂંરે, બેન જેઠડીઆં.
બેન તમારે સાળુડે મુકાવું કસબી કોરરે, બેન જેઠડીઆં.
બેન તમારા સાસરીયાં દીસે જેવાં ચોરરે, બેન જેઠડીઆં.
બેન તમારે બેસણીએ લાવું સાંગા માંચીરે, બેન જેઠડીઆં.
બેન તમારા સાસરીઆં દિસે જેવાં ઘાંચીરે, બેન જેઠડીઆં
બેન તમારા બાપજી ખરચે નાણાં થોકરે (રોકરે) બેન જેઠડીઆં.
બેન તમારા સાસરીઆં જે બોલે તે ફોકરે. બેન જેઠડીઆં ઈત્યાદિ.
સીમંતમાં ગવાતાં ગીતોના આ નમુના છે; એવાં બીજાં પણ છે. વળી એ પ્રસંગે ગુજરાતના સર્વોત્તમ કવિ પ્રેમાનંદ કૃત્ત, હાસ્ય, કરુણા, અને અદભૂત રસોનું ભરેલું નરસી મહેતાનું મામેરૂ ગાવામાં આવે છે. એ પ્રમાણે ગમત કરવામાં સાર અસારનો કાંઈ વિચાર રાખવો અવશ્ય છે. જુઠી મોટોઈ અને જુઠાં વખાણ માણસને મીઠાં લાગે છે, પણ તેઓ વખતે મીઠાઈમાં સંતાડેલાં વિષ જેવાં થઈ પડે છે. ભાટ ચારણો મુર્ખ ઠાકોરો અને રાજાઓને બનાવે છે તેમ આપણી નારીઓ પંડે પોતાને બનાવે છે. નાના મોતીની રાખડી દોઢ બે રૂપીઆની, અને ખોટાં મોતીનો કે માગી લાવીને મોડ કરાવે, ઘર વેચીને કે દેવું કરી વરો કરે, લુગડાં ભાડે લાવે, ઘરેણાં માગી લાવે તો એ ગીતોમાં ખોટી પતરાજીના પાર નહિ. છાણાં થાપે અને છાણ વિણે પાણીનાં બેડાં લાવતાં અને લોટ દળતાં આંકોસીઆં ઉચાં આવે તેને રાણી કહે; ધેણના બાપ અને સસરાની કમાઈ એટલી હોય કે ઘરમાં વરસ દહાડાનો દાણો ભરવો મુશ્કેલ પડે, લેણદાર રોજ બારણા ઠોકે અને ગીતોમાં તેઓને લખેસરી અને કરોડપતી બનાવે. એશા ઢોંગ !! ખેર, એવા મીથ્યા અભિમાનથી, એવા જુઠ ભાષણથી આપણી રસીલી સ્ત્રીઓ રાજી થાય છે તો તેમને થવા દો; તેમને એવાં ગીતો ગાવા દો. પણ જ્યાં તેમનું બોલવું તે પાળી શકે એવું હોય, જ્યાં તેમનાં ગીતો પ્રમાણે તેઓ વર્તી શકે ત્યાં તેઓ તેમ વર્તે તો આપણા દેશની બાપડી વહુવારુઓ સુખી થાય. ગીતમાં કહે છે તેથી અર્ધ કે ચોથે હીસ્સે સાસુ નણંદો કરે તો કેટલાં બધાં દુખ ઓછાં થાય ! ગીતોમાં વહુને જુઠું લડાવે છે, ને ઘરમાં સુખે ખાવા ન દે, બેસવા ન દે, સુવા ન દે, ને દહાડો રાત દમે. ઉનાં ઉનાં ખાજાં ને ઉતરતી જલેબીની સાધર સાસુએ ગીતમાં પુરી. ઓહો શી ગપ ! ગર્ભ રહ્યાં પછી કોઈ દિવસે સુખે જમવા નહિ દીધી હોય તો અઘરણી આવ્યાં પહેલાંની શી વાત કરવી ! સુથરાં દાળભાત, સાખ, કહડી, અને ઘીએ ચોપડી રોટલીની વાસ્તવીક સાધર પુરોતો બસ છે, ને વધારે મળે તો દુધને ખાંડ મુકો. ધેણની મા તો પોતાના ગજા પ્રમાણે ભારે વાઈ દીકરીને જે ભાવે તે ખવડાવે છે. કેટલીક ચંડાળ સાસુઓ એવી હોય છે કે બીચારી ધેણને પીએર જવા ન દે, અને પોતે તેની યોગ્ય સંભાળ ન લે. ગોળા જેવડું પેટ થયું હોય તો એ આખો દહાડો કામ કરાવી તેના ડુચા કહાડે; તેની જોડે મેણાં ટુણાંનો તો પાર નહિ. પણ એવી મુંડી સાસુનાં ગીત સાંભળીને અજાણ્યું માણસ કહેશે વાહરે સાસુજી વાહ ! તને ધન છે કે તું પારકી જણી વહુવારૂ ઉપર આટલું હેત, આટલી માયા રાખે છે ! વહુવારૂ એ પ્રમાણે પંડે પીડા સોસે છે, અને નઠારી સાસુનું સીખી પોતાનો વારો સાસુ થવાનો આવે ત્યારે તેવીજ થાય છે.
"લીલડા ગજીની કોથલી મારીરે ધેણન ના સસરાજીએ હરખે સીવાડી, ધેણની સાસુજીએ ભરતે ભરાવી, ધેણની નણંદે ઘુઘરી મુકાવી, ધેણના સ્વામીજીએ રૂપીએ ભરાવી,” વરસમાં એક કાપડું કરાવે નહિ એવાં સાસરીયાં ઘણાં છે. કાંચળીને સાલ્લો બાપને ઘેરથી લાવે ત્યારે વહુવારૂ પહેરે, ને ગીતમાં જુઠાં લાડ. ભોજાઈનું હોય તો લઈ લે એવી નણંદ તે કોથળીએ ઘુઘરી કેમ મુકાવી આપે ?
સોએ સીતેર સીમંતમાં ધેણનો ધણી બાળક હોય છે ? શાળે ભણતો હોય છે. નાના છોકરામાં રમતો હોય છે, કમાણી તેને હોતી નથી, બાપની ઉપર તેનો સઘળો આધાર હોય છે, માની સોડમાં ભરાઈને બેસે છે.અને તેની સીખવણી પ્રમાણે ચાલે છે. જાતે વીચાર કે તજવીજ કરવાની તેનામાં શક્તિ નથી હોતી. તો કોથળી રૂપીએ ક્યાંથી લાવીને ભરે ? શક્તિ હોય ને કદાપિ ભરે તો તેની માના ગુસ્સાનો પાર નહિ.
"ધેણ ભૂખ્યાં અંન ન ભાવે, ધેણને સુતાં સમણાં આવે.
ધેણ બેઠાં પીયુની પાસે, બેઠાં પાસે ને વળગ્યાં વાતે.
વાતો કરતાં તે રાડેલાગ્યાં, પીયુડા અંગુઠી ઘડાવો.
કહોતો ગોરી લકાંઘઢ વાહાણ પુરાવું, તાહાંથી સોનાંરે અણાવું; તેની અંગુઠી ઘડાવું. કોહોતો ગોરી હીડમચઘઢ વાહાણ પુરાવું, તાંહાંથી હીરારે અણાવું; તેની અંગુઠી જડાવું. કોહોતો ગોરી સીંઘઢ વાહાણ પુરાવું, તાંહાંથી મોતીરે અણાવું, તેની અંગુઠી પ્રોવડાવું. અંગુઠી આવી માજમ રાતે, મોડાંતીએ પહેરી સપરભાતે. અંગુઠી પહેરીને દાતણ કરવા બેઠી, તાહાં ગંગાબેન નણંદીએ દીઠી. ભાભી અંગુઠી ક્યાંથી લાવી, એણે કોણેને ઘડાવી, કોણેને જડાવી, કોણને પ્રોવડાવી. એતો મારી માડીએ ઘડાવી, એતો મારી ફોઈએ જડાવી, એતો મારા વીરાએ પ્રોવડાવી, એતો મારી ભાભી મોસાળામાં લાવી. જુઠીરે ભાભી જુઠડીઆં સાનેરે બોલો, એતો મારા બાપજીના દ્રામ, છાનાં મારા વીરાજીનાં કામ. માથા પાછળ ફેરવીને મોડા આગળ આણી જેમ તેમ કરીને બાપની ઈજત વધારી.”
જુવો આ ગીતમાં કેવું મજાનું હાશ્ય છે. ઘણું કરીને નાનકડો પીયુ હોય છે, તેની જોડે સાસુ નણંદે પ્રીતી થવા દીધી હોય તો બે ઘડી મીઠી વાતો કરે કેની ! પીયુની પંડની કમાઈ નથી, બાપને નાણે છાનામાના વહુને વીંટી કરાવી આપે છે ને બડાઈ કેટલી કરે છે. અંગુઠીને સારૂ વાહાણ ભરીને સોનું, હીરા અને મોતી મંગાવવાનાં છે, ને પાસેતો પાઈ મળે નહિ. બાળ લગ્નને લીધે એવું ઘણાને બને છે. રૂઢી એવી નઠારી, એવી બેવકુફી ભરેલી દેશમાં પડી છે કે વહુને લાજને લીધે જુઠું બોલવું પડે છે, ને તે જુઠાણને નણંદ લડાવે છે, અને ભાભીનાં પીએરીઓની ફજેતી કરે છે.
- મેડી દાદર થકી ઉતરી ગોરીરે. પહેરોને ચીર ચંપાવર્ણી ચોળીરે.
- ગોરીરે તારેને કેટલો માસરે, પેહેલોરે માસને બીજો અપવાસરે.
- અંન ન ભાવે ને નીંદ્રા ન આવે, ખોળે બેસાડી પીયુડો પુછે છે વાતરે.*[૧]
ખોળે બેસાડી પીયુડો પુછે વાત ! એ દિવસ, ઓ ભગવાન ! મારા દેશીઓને ક્યારે દેખાડીશ ! આ દેશની જવાન નારીઓને એ સુખ ક્યારે મળશે ? એ થવામાં અડચણો એટલી છે કે થોડાં વરસમાં એ જોવાની આશા રાખી શકાતી નથી એવું સુખ થોડાં જોડાં જ ભોગવી શકે છે, તેનું કારણ બાળલગ્ન વગેરેની માઠી રૂઢીઓ છે. એ વિનાશકારી રૂઢીઓ છે ત્યાં સુધી એવું કેમ બની શકે ? ઘણીક વખતે વર એટલો નાનો હોય છે કે વહુને ખોળામાં બેસાડે તો પડે ચગદાઈ મરે. સ્ત્રીની અઘરણી આવે ત્યારે નાનો નાવલીઓ નિશાળે ભણતો હોય, એકે પઈ કમાતો નહોય, તેવો રઝળતો બાપડો શું કરી શકે ? પોતાની બાયડીની સંભાળ તે શી રીતે લઈ શકે. માબેન આગળ એવી નાદાન ને એવી નાદાર અવસ્થામાં તેનું શું ચાલે ?
ઘણાંક ગીતોમાં અતિ હલકી જાતની મશકરી છે. ફટાણાં નાગાં ગીતોના જેવાં બધાં નઠારાં નથી, તોપણ સુધરેલી, સુનીતિવાન, સુબોધ પામેલી નાગર જેવી ઉંચી વર્ણની સ્ત્રીઓને ગાવા જોગ તેઓ નથી. તમે ફટાણાં મુકી દીધા તો એને પણ છોડી દો. જેઓ ફટાણાં ગાય છે તેઓને તમારું દષ્ટાંત આપી સીખામણ દઈએ છીએ કે જુઓ, એ સુધરેલી સ્ત્રીઓ પોતાના કુળને, પોતાની નાતજાતને, માબાપને, સસરાને અને સ્વામીને ફટાણાં ગાઈ નીચું જોવડાવતાં નથી. આ અઘરણીનાં ગીતોથી તમને, તમારા પીઅરને, અને સાસરીને એબ લાગે છે, માટે એ નિન્દીત ગીતો ન ગાશો. ગુસાંઈ જોડે ધેણને હોળી ખેલાવી એ ફટાણું ગીત છે. વેહેવાઈને સામ સામા ઘાંચી, ગોલા, મોચી, ભંગીઆ, દેવાળીઆ ચોર વગેરે અપમાન ભરેલા શબ્દો લગાડવા એ સારૂં નહિ. એવું બોલવું એ નીચપણાનું લક્ષણ છે. સર્વે જ્ઞાતી વાળાએ આ બાબત ઘટતો બંદોબસ્ત કરવો જોઈએ. નઠારાં ગીતોથી નઠારી અસર થાય છે. એવાં ગીતોથી દુરાચારનો વધારો થાય છે. માટે ગીતો સુધારવાં જોઈએ.
- ↑ બાળાબેન કૃત ગીતનો સંગ્રહ