સાહિત્યને ઓવારેથી/છોટમ : એક ઉપેક્ષિત ભક્તકવિ

← વર્તમાન ગુજરાતને કવિ નર્મદનો વારસો સાહિત્યને ઓવારેથી
છોટમ : એક ઉપેક્ષિત ભક્તકવિ
શંકરલાલ શાસ્ત્રી
વ્રજલાલ શાત્રી : એક સમર્થ સાક્ષર →


છોટમ: એક ઉપેક્ષિત ભક્તકવિ

સવી ઓગણીસમી સદીનો પૂર્વાર્ધ ગુજરાતી સાહિત્ય માટે એક સ્મરણીય સીમાચિહ્ન સરખો છે; કારણકે આ પૂર્વાર્ધ સમાપ્ત થયો તે અરસામાં જ આપણો ફક્કડ ને રસિક કવિ દયારામ ઈ. સ. ૧૮૫૩માં અવસાન પામ્યો. આ કવિના અંત સાથે જ પ્રાયઃ ગુજરાતી ધાર્મિક સાહિત્યનો પણ અસ્ત થયો. ઈસવી ઓગણીસમી સદીનો ઉત્તરાર્ધ આવ્યો, ને કૈં કૈં નવીનતાઓ લેતો આવ્યો. નવા વિચારો, નવાં દૃષ્ટિબિંદુઓ, નવી અભિલાષાઓ. અને નવી સિદ્ધિઓ તેણે રજુ કર્યાં. અંગ્રેજી સત્તાના આગમને ધીમે ધીમે રાજ્યતંત્રમાં અને માનવજીવનની મહત્તામાં ભારે પલટો આપ્યો હતો: સંસ્કૃતિ બદલાતી હતી, ને પ્રાચીન વિદ્યા ઓસરતી હતી. આ બધા વિષયની અસર ગુજરાતી સાહિત્ય ઉપર પણ સ્વાભાવિક રીતે જ થઈ. અને તેથી દયારામના અવસાન સાથે ગુજરાતી સાહિત્યે પણ નવો રાહ સ્વીકાર્યો. ધાર્મિક સાહિત્ય તરફની અભિરુચિ ને તત્ત્વનિષ્ઠ દૃષ્ટિ ક્ષીણ થતી ગઈ. પ્રજાજીવન મોહક રંગે રંગાવા લાગ્યું; અને પ્રાચીનતા અદીઠ થતી લાગી. નર્મદ જેવા સંદેશવાહકે નવયુગની નેકી પોકારતા હવે સ્વલ્પ સમયમાં જ પ્રગટ થનારા હતા.

પણ નવયુગની ઐહિક ભાવના ધાર્મિક સાહિત્યને એકદમ પરાસ્ત કરી શકી નહિ; કારણકે પ્રાચીન અને અર્વાચીન માટે, પૂર્વ અને પશ્ચિમ માટે આ સંક્રાતિ-કાળ હતો. નવયુગ હજુ ડગુમગુ પગ માંડતો હતો, અને પ્રાચીન ભાવના પરાભવ પામતી મંદ ગતિએ પીછેહઠ કરતી હતી. કવિ દયારામ ગયો, પણ પાછળ ધર્મ, જ્ઞાન અને ભક્તિનું વિસ્તીર્ણ સાહિત્ય મૂકતો ગયો. ગુજરાતનું ભક્તિઘેલું કવિત્વ તેથી દયારામના અવસાન પછી યે બે ત્રણ દાયકા સુધી તેના ભક્તો ને મુમુક્ષુઓ દ્વારા પોતાનું અસ્તિત્વ ટકાવવા સમર્થ નિવડ્યું.

ઈ. સ. ૧૮૧રમાં અર્થાત્ સં. ૧૮૬૮માં જન્મેલા ભક્તકવિ છોટમનો કાવ્યપ્રવાહ કવિ દયારામના અવસાન જેટલો મોડો ઉત્પન્ન થયો જણાય છે; અને તેથી જ આ લેખના વાચકને ઉપરનો પ્રસ્તાવ ખરેખર પ્રસ્તુત લાગશે.

ચિરકાળ સુધી છોટમ સાહિત્યમાં ઉપેક્ષાપાત્ર જ રહ્યા છે, અને વિવેચકના હાથે અન્યાય પામ્યા છે. સંસારઘેલા સ્વજનો પણ આ સંતાનવિહોણા કવિની કદર કરી શક્યા નહિ ! પણ જગત્ કાંઈ તેવું છેક નગુણું ન્હોતું. વતનવાસીઓએ અને જ્ઞાતિજનોએ ભલે તેમની પરવા ન કરી, પણ ગુર્જર પ્રજા આ કવિની કવેલા બોલ ઝીલી લેતી. આપણા સાહિત્યના ઇતિહાસમાં ક્યાંયે છોટમનો નામનિર્દેશ નથી, અને તેમની સાહિત્યસેવાનો ઉલ્લેખ નથી! વિશેષમાં, આવી ઉપેક્ષા માટે કવિનો એકાંતપ્રિય ને આત્મદર્શી, વિનયશીલ અને વીતરાગ સ્વભાવ પણ જવાબદાર તો છે જ; અને તેમાં ગ્રામનિવાસ તથા કૌટુંબિક પરિસ્થિતિએ પણ સૂર મિલાવ્યા. આ બધાં કારણોને લીધે છોટમ દીર્ધકાળ અછતા જેવા જ રહ્યા. છતાંયે કબૂલ કરવું પડે કે ભક્તિપ્રિય જનસમુદાય તેમને શોધી કાઢતો, તેમના કાવ્યપ્રવાહને ઝીલતો ને ભાવથી સત્કારતો. કેવળ ચરોતરમાં કે વડોદરા પ્રાંતમાં જ નહિ, પણ સારા ગુજરાત-કાઠીઆવાડમાં ધીમે ધીમે કવિનાં કેટલાંક પદ ને ભજનો લોકાદર પામી વ્યાપક અને કંઠસ્થ થતાં હતાં. સાહિત્યના સમાલોચકોની અતિ ઘોર ઉપેક્ષા આગળ કવિ છોટમની વાણીને મળેલો આવો વ્યાપક સત્કાર જ આ લેખકનું આજે પરમ આશ્વાસન બને છે.

કવિ છોટમ સાઠોદરા નાગર જ્ઞાતિમાં વડોદરા રાજ્યના પેટલાદ તાલુકામાં મલાતજ નામે ગામમાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ કાલીદાસ સુખરામ અને માતાનું નામ ઉમીયાલક્ષ્મી. સમર્થ સાક્ષર વ્રજલાલ કાલીદાસ શાસ્ત્રી તે આ છોટમના – છોટાલાલના–જ કનિષ્ઠ ભાઈ થાય. છોટમે નાનપણમાં ગામડી નિશાળે ભણતર પૂરૂં કરી થોડો સંસ્કૃતનો અભ્યાસ પણ કરી લીધો. ચાર ભાઈઓમાં તેઓ સૌથી વડિલ હતા, છતાં સ્વેચ્છાએ આજીવન બ્રહ્મચારી જ રહ્યા. પુખ્ત ઉંમરે તેમણે થોડો સમય તલાટીની નોકરી સ્વીકારી, પણ તેમનું મન તો આવી સાંસારિક પ્રવૃત્તિની પાર અન્ય કોઈ વસ્તુને જ ઝંખી રહ્યું હતું. તેથી નોકરી છોડી તેઓ વ્રજલાલની સાથે એક વખત કાર્તિકી પૂર્ણિમાના યાત્રાપ્રસંગે નર્મદાકિનારે ગયા; અને ત્યાં થોડે દૂર જંગલમાં જતાં તેમને આત્મતેજથી ઓપતા, ને તાડપત્ર ઉપર લખાયેલો આધ્યાત્મિક ગ્રંથ વાંચતા એક સિદ્ધ પુરુષનો, પુરુષોત્તમ સરખા ગુરુનો મેળાપ થયો. આ મહાત્માએ અંતે છોટમને ‘રૂડા ગ્રંથ રચી, પાખંડીના પંથ ખંડવાની’ શીખ આપી. બંને ભાઈઓ પછી સ્વગૃહે પાછા ફર્યા. આ પ્રસંગ પછીથી છોટમની આધ્યાત્મિક વૃત્તિ સતેજ થઈ, મન સંસારનાં બંધનથી મુક્ત બન્યું, અને ભક્તિ-જ્ઞાનની ઊર્મિઓ ઉછળી. આમ છોટમ પોતાના સહજ સંસ્કારબળે, ગુરુકૃપાએ અને પ્રભુપ્રસાદે સંસારી મટી વીતરાગ બન્યા. આત્મજ્ઞાનના ઘેરા સાદ તેમને આમંત્રવા લાગ્યા, અને અંતર્નાદ તેમને અમુંઝાવી રહ્યો. તેથી તેઓ સાધુ ને સાત્ત્વિક બન્યા, અને ત્યાગ તથા તપનું શરણ શોધવા લાગ્યા. કવિ છોટમનું સ્થૂલ જીવન આથી એકરંગી ને સાદું નિવડ્યું; નહિ અટપટું, કે નહિ વિવિધતાભર્યું. અંતર્મુખી દ્રષ્ટિને લીધે તેઓ કુટુંબના મટી વિશ્વના થયા, અને સંસારી મટી સાચા ભક્ત અને જ્ઞાની કવિ બન્યા. આમ તેમનો કાવ્યપ્રવાહ આત્મજ્ઞાન રૂપે વ્યક્ત થયો.

અતિ પ્રબળ અને સર્વવ્યાપી આત્મવૃત્તિએ તેમને માનવીની મહત્તા અને માનવજીવનનું રહસ્ય સમજાવ્યું. ત્યારથી તેમણે તપ આદર્યું, અને અધ્યયન આરભ્યું; યોગ આચર્યો અને જ્ઞાન- અનુભવ સાથે કાળક્રમે સંસારનાં સર્વ સોનેરી આવરણ ખસી ગયાં, ને તેમને સત્યનાં દર્શન થયાં. પછી તો આ દૃષ્ટાને સંપ્રદાયો ને પંથો પ્રગતિરોધક વાડાઓ સમા લાગ્યા, અને કંઠીઓ તથા ટીલાં–ટપકાં દંભભર્યા દેખાયાં. જગતની જંજાળો તેમને નિરર્થક ભાર સમાન ભાસી, તથા દ્વૈતવાદ અને નાસ્તિકવાદ દેવયુક્ત જણાયા. તેમણે સર્વતઃ દૃષ્ટિ ફેંકી તો જણાયા એના એ જ તુચ્છ જીવનકલહ, એ જ રાગદ્વેષ, ને એ જ મિથ્યાભિમાન. મંદિરો તેમને અનીતિનાં ધામ લાગ્યાં, અને કહેવાતા ગુરુઓ પાખંડી કે પાષાણ સમા ભાસ્યા. અંતે જ્ઞાન-પિપાસુનો અંતરાત્મા કકળી ઉઠ્યો, અને તેથી હૃદયની ઊર્મિઓ વાણી વડે વ્યક્ત થઈ. આમ તેમણે કાવ્યો રચ્યાં ને આખ્યાનો કવ્યાં, જનસમુદાયને જાગૃત કરવા, સનાતન શ્રેય શિખવવા, માનવજીવની મહત્તા ગાવા, સંસારીઓને શીખ દેવા અને પરમાત્મા સાથે ઐક્ય અનુભવવા.

આ ભક્તિપ્રિય અને જ્ઞાનવાંછુ કવિની દ્રષ્ટિ પરંપરાગત રૂઢિઓ ને જડ મર્યાદાઓથી મુક્ત હતી. કનિષ્ઠ ભાઈ વ્રજલાલ સંસ્કૃતના પંડિત અને શાસ્ત્રના વેત્તા હતા. તેમની સ્હાયથી અને આત્મવર્ચસથી કવિ છોટમ એક પંથ સ્થાપી શક્યા હોત, કંઠીઓ બંધાવી શક્યા હોત, અને સત્તા, સંપત્તિ તથા કીર્તિ કમાઈ શક્યા હોત; પણ ‘કંઠી બાંધે વંઠી અકલ શુદ્ધ ના કરી’ એમ ગાનાર કવિ આ રીતે પોતાનું અણમોલ જીવન કલુષિત કરે તેવા ન્હોતા. તેમણે એકાંત સેવ્યો ને યોગ સાધ્યો, પણ સ્વજનોનો ત્યાગ કરીને નહિ; તેઓ વીતરાગ બન્યા, પણ સંન્યાસ સ્વીકારીને નહિ; અને તેઓએ આત્મતત્ત્વ ઓળખ્યું, પણ સ્વગૃહ તજીને નહિ. તેમની સાત્વિક અને સંયમી, નિશ્ચલ અને નિક્ષેપ મનોવૃત્તિને કંઠીઓની, કૌપીનની, વાસનાની કે સંન્યાસની આવશ્યકતા ન લાગી; કારણકે તેમને સાચો રાહ મળ્યો હતો.

છોટમની વાણી તેથી પ્રાયઃ ધર્મ, નીતિ ને તત્ત્વજ્ઞાનના જ વિષયોને સ્પર્શે છે, જો કે તેમાં ક્વચિત્ સંસારના ઉલ્લાસના કે ઊંચી વાર્તાકલાના અંશો નજરે પડે છે. ભારતદેશ ત્યારે તેના પ્રાંતે પ્રાંતે ધર્માભિમુખ અને તત્વનિષ્ઠ હતો. પ્રાચીન કાળથી યે જગતભરનું સાહિત્ય મુખ્યત્વે ધાર્મિકતામાંથી જ ઉદ્દભવ્યું છે. ગુજરાતી કવિતાને પણ તેની બાલ્યાવસ્થામાં આવી ધર્મપ્રવૃત્તિએ જ હિંચોળી છે, હાલરડાં ગાયાં છે, ને હૈયાના હેતે ઉછેરી છે. નરસિંહ મહેતાથી આરંભીને કવિ દયારામ સુધીનો કાળ મુખ્યત્વે ધાર્મિક સાહિત્યથી જ વિશિષ્ટ બન્યો છે. પદ્મનાભ, ભાલણ કે શામળ વગેરે આમાં વિરલ અપવાદ જેવા છે. કવિ છોટમે પણ આમ આ જ પ્રાચીન માર્ગે કાવ્યસ્રોત વ્હેતો મૂક્યો. ઉપનિષદ્, મનુસ્મૃતિ, પુરાણ, આખ્યાનો ને લોકકથાઓ, તથા ભક્તકવિ નરસિંહ મહેતાનાં કાવ્યો: આ બધાંએ છોટમવાણી માટે વિષયની ભૂમિકા તૈયાર કરી. તેથી કવિ છોટમનું વક્તવ્ય વિશદ બને છે, અંતરની ઊર્મિઓ ઉછળે છે, ને વાણી વહ્યા જાય છે. તેઓ કહેતા કે: “બારી સામું જોઉં છું, એટલે જેની જરૂર હોય તે ચાલ્યું આવે છે.”

તેમનાં કાવ્યોમાં ધર્મ, નીતિ અને તત્ત્વજ્ઞાન ઉપરાંત, દામ્પત્યજીવનનાં, દેવકથાનાં, પૌરાણિક માન્યતાઓનાં તથા વેદાન્ત અને ઇતર દર્શનોનાં તત્ત્વ છે. સં. ૧૯૨૧માં રચાયેલો તેમનો ‘શિવવિવાહ’ રસપ્રદ ને કલાયુક્ત છે; અને તાદૃશતા તથા સપ્રમાણતાનો સમન્વય સાધે છે. તેનું વસ્તુ વાચકને કવિકુલ- ગુરુ કાલીદાસના કુમારસંભવની યાદ આપે છે. એકંદરે આ કૃતિ ધર્મ કે તત્ત્વજ્ઞાનથી સ્વતંત્ર છે, ને તારકાસુર વધના ઉદાત્ત હેતુ માટે દામ્પત્યજીવનની પ્રતિષ્ઠા કરે છે. પછી કાળના પરિવર્તન સાથે છોટમનો કાવ્યપ્રવાહે પલટાતો જાય છે. રૂપે અને ગુણે તેમની કવિતા હવેથી વિશિષ્ટતા દાખવે છે. સંસારીઓની જીવનકથામાં કે દેવોની દામ્પત્યલીલામાં તે વળી શું ગાવાનું હોય ? જગતની ક્ષણભંગુરતા ને માનવજીવનની અસ્થિરતા કવિદ્રષ્ટિને વધુ ઝોક આપે છે. હવે ‘નારારેશમનું આખ્યાન’ રચાય છે, બોધપ્રધાન વૃત્તિથી ને જ્ઞાનના વિષયાન્તરથી આ આખ્યાનમાં સંભવિત વાસ્તવિકતાવાળી ચોરની કથા છે, ને સંસારનું નિરૂપણ છે; મનોહર દ્રષ્ટાંતો છે, ને રસપ્રદ પ્રસંગો છે; આકર્ષક વાર્તાપ્રવાહ છે, ને સ્વતંત્ર સ્ત્રીનું આલેખન છે. છતાં કહેવું જોઈએ કે આ બધાં તો નીતિબોધના પ્રધાન હેતુ આગળ ગૌણ લાગે છે. જ્ઞાન આપવાનું કે બોધ કરવાનો એક્કેય પ્રસંગ કવિ જતો કરતા નથી. તેનું વસ્તુ તો, કવિ પોતે જેમ કહે છે તેમ, બારમા સૈકામાં થયેલા વસ્તુપાલના સમયનું છે. સં. ૧૯૨૩માં લખાયેલું ‘ધુંધુંમાર આખ્યાન’ પણ ધર્મ અને નીતિ- બોધનો જ અંતિમ ઉદ્દેશ સિદ્ધ કરે છે. સં. ૧૯૨૬માં ‘ચંદ્રચરિત્ર’ પણ પાપ–પુણ્યની, સ્વર્ગ–નરકની, અને ઈશ્વરવાદની જ ચર્ચા કરે છે. સં. ૧૯૨૫નું ‘પ્રહ્‌લાદ આખ્યાન’ પણ બોધ તરફ જ મીટ માંડે છે, ને તેના પ્રસંગો માત્ર આત્મજ્ઞાનને જ અવકાશ આપે છે. સં. ૧૯૨૮ના વર્ષમાં કવિ માર્કંડેય પુરાણનો આશ્રય લે છે, અને આ ઉપરથી તેઓ ‘મદાલશા આખ્યાન’ અને ‘જડમુનિનું આખ્યાન’, એમ બે કૃતિઓ રચે છે. બંનેમાં શ્રદ્ધા, વ્રત, ઇત્યાદિનું નિરૂપણ છે; અને તેમની વાર્તાની પર થઈને આપણે અવલોકીએ તો આત્મજ્ઞાન એ જ તેમનું અંતિમ ધ્યેય જણાય છે.

પછી તો કેટકેટલી કૃતિઓ રચાય છે ? વર્ણાશ્રમધર્મ, ભક્તિ ને ગુરુમહિમા ગાતો તથા આત્મજ્ઞાન ભાખતો ‘ધર્મસિદ્ધિ ગ્રંથ’ કવિએ પોતાના માનીતા ભક્ત બકોર માટે સંવાદ રૂપે લખ્યો છે. જ્ઞાન અને નીતિ ઉપદેશતું ‘ચિત્રભાનુ આખ્યાન’, મહારૂપક સરખું ‘મનજીભાઈનું આખ્યાન’, અને દેહરચનાનું વિવરણ કરતું ‘પંચીકરણ’: આવી કૃતિઓથી આરંભીને સં. ૧૯૩૬માં રચાયલા ને જીવસ્વરૂ૫ સ્ફુટ કરતા ‘હંસઉપનિષદ્ સાર’ ઉપર આપણે આવી પહોંચીએ. આ પહેલાં ને પછીયે છુટક છુટક પદો ને ભજનો, ગુજરાતીમાં ને હિંદીમાં કવિ રચતા જ રહે છે. વૃદ્ધાવસ્થા આવતાં કવિનાં અંગ શિથિલ થાય છે, ને તેથી વ્યક્ત વાણી કરતાં અવ્યક્ત બ્રહ્મ તરફ જ કવિદ્રષ્ટિ વધુ સજ્જ રહે છે. સં. ૧૯૩૬ પછી પાંચ વર્ષે કવિ આ નશ્વર દેહનો ત્યાગ કરે છે. અને પરબ્રહ્મને પામે છે.

છોટમનો કવનકાળ સ્હેજે આમ દોઢ બે દાયકા લંબાયો છે. કવિતા તેમને મન આત્માને ઉન્નત કરવાનું ને હૃદયભાવોને વ્યક્ત કરવાનું સાધન જ હતું. તેમનાં કાવ્યો મુખ્યત્વે માત્રાબંધ કે લયબંધમાં જ રચાયાં છે. દોહરા, ચોપાઈ, કુંડળીઓ, છપ્પો, ઝૂલણા અને ઢાળ ઇત્યાદિ જ તેમાં દેખા દે છે. છતાં તેમાં ક્વચિત્ ભુજંગપ્રયાત, તો ક્વચિત્ ગઝલની રચના પણ નજરે પડે છે. કવિની ભાષા સરળ, પ્રવાહી ને વેગવંતી છે; શૈલી મનોહર અને પ્રસાદયુક્ત છે, તથા પ્રસંગ આવ્યે શબ્દચિત્રો ઉત્પન્ન કરે તેવી સમર્થ છે. છોટમની વાણીમાં ભલે નરસિંહની મસ્તી કે દયારામનું લાલિત્ય ન હોય; પણ તેમાં અખાની કઠિનતા કે ભોજાભગતનો જગત તરફનો કટાક્ષયુક્ત તિરસ્કાર તો નથી જ. છોટમની ભાષા એકંદરે તો બળવતી ને સંયમી છે; તે વક્તવ્યને સ્ફુટ કરે છે, અને ધારેલું નિશાન પાડે છે. વિશેષમાં, છોટમનાં કાવ્યો પંથ કે સંપ્રદાયની સંકુચિત મનોદશાથી સર્વથા મુક્ત છે. આદ્ય શંકરાચાર્યનું કેવલાદ્વૈત એ જ કવિનો માનીતો સિદ્ધાંત છે, અને વેદાન્ત એ જ તેમનું પરમ દર્શન છે. તેમનામાં મતાંધ દ્રષ્ટિ કે ઝનુની વૃત્તિ નથી; કારણ કે કવિ સ્થૂલ નહિ પણ સૂક્ષ્મના પૂજારી છે, અને રૂઢિ કરતાં શુદ્ધિના સારા હીમાયતી છે.

કવિ છોટમની લાંબી કૃતિઓ ને છુટક કાવ્યોનું સમગ્ર અવલોકન કરતાં કહેવું પડે કે કવિની વાણી તત્ત્વજ્ઞાનના બોધ અર્થે અલંકારો પણ યોજી શકે છે. ‘સૂર્ય’, ‘ઉલૂક’, ‘મૃગ’, ‘ખેતર’ વગેરે ઉપમાનો વડે કવિ ઉચિત અલંકારો યોજે છે. વિશેષમાં, તેમાં પ્રાસ, અનુપ્રાસ ને અંતર્પ્રાસ પણ છે. તેમનાં વર્ણનો પ્રકૃતિને પણ નિરૂપે છે, અને તેમનાં કેટલાંક આખ્યાનો વાસ્તવ દ્રષ્ટિ પણ દર્શાવે છે. કવિનું દર્શન એકંદરે તો આત્મજ્ઞાન વિશે હોઈને પરલોકવાદને જ છણે છે; છતાં તેમાં ઇહલોકનું વાસ્તવ ચિત્ર પણ નિરૂપાયું છે. કેવળ કલ્પના, કે પારલૌકિકતા જ કવિ હૃદયને આવરી લેતાં નથી; અને તેથી જ ઉચ્ચ વ્યોમમાં વિહરતા કવિ નીચે ધરતી ઉપરના સંસારને ય નિહાળે છે. ઊંચે ઉડતાં ઉડતાંય તેઓ સંસારીઓના કુલને અવગણ્યા વિના જ તેમને સીધો બોધ આપે છે; અને સન્માર્ગે વાળે છે.

છોટમની વાણી પ્રાયઃ સ્વતંત્ર ને સર્જનશીલ છે; કારણ કે તેને સંપ્રદાયોની સીમાઓ નથી, ને ખંડન કરતાં મંડન વધારે માનીતું છે. છતાં સત્યની સ્થાપના કાજે કે કેવલાદ્વૈતના પ્રતિપાદન માટે ક્વચિત્ તેને ઇતર દર્શન અને સંપ્રદાયોનું ખંડન કરવું પડે છે. કવિની વાણી ગુરુના આદેશ પ્રમાણે ‘પાખંડીના પંથને ખંડે છે,’ દ્વૈતવાદને પરાસ્ત કરે છે, ને વેદાંતના સિદ્ધાંતનું–કેવલાદ્વૈતનું જ–સમર્થન કરે છે. આવા હેતુથી જ કવિ ચાર્વાકમતની, સાંખ્યવાદની, તથા વૈષ્ણવાદિ વર્તમાન સંપ્રદાયોની ત્રુટિઓ દર્શાવી તેમના મતોને વખોડી કાઢે છે. પણ આવું ખંડન તો તે યુગના પ્રચલિત ધાર્મિક પ્રવાહના સામના રૂપે જ છે. મુખ્યત્વે તો છોટમ શુદ્ધ ભક્તિમાં, બ્રહ્મજ્ઞાનમાં ને ઉત્તમ રચનામાં જ રાચે છે; કારણ કે તેઓ રાગદ્વેષ–રહિત છે, અને સંસારીઓના સ્વાર્થથી પર છે.

અને હવે આપણે કવિ છોટમનાં પ્રકીર્ણપદો ને ભાવયુક્ત ભજનો ઉપર આવીએ. કવિએ લાંબી કૃતિઓ ને છુટક પદો ‘છોટમકૃત કાવ્યસંગ્રહ’ તથા ‘છોટમની વાણી’ના ગ્રંથો રૂપે પ્રસિદ્ધિ પામી આજે સર્વસુલભ થયાં છે. તેમની કેટલીક વાણી હજુયે અપ્રગટ રહી છે, પણ જે પ્રગટ થઈ છે તે ય છોટમની કવિત્વશક્તિનો ખ્યાલ આપવા અતિ સમર્થ છે. તેમનાં કેટલાંક પદ તો અગાઉ કહ્યું છે તેમ બહુ લોકપ્રિય નિવડ્યાં છે, વ્યાપક બન્યાં છે; ને કંઠસ્થ થયાં છે.

કવિના મનશ્ચક્ષુને ઐહિક જગતની પારનું સર્વોત્તમ સત્ય લાધે છે, અને અદ્‌ભુત દર્શન થાય છે. આવા લોકોત્તર દર્શનથી કવિને મનુષ્યકાયા ‘નગરી‘’, ‘તંબુરો’ કે ‘ખેતર’ જેવી, ‘કાશી’ કે ‘કુંજગલી’ જેવી લાગે છે. જીવ તેમને ‘હંસ’, ‘ભમરો’ કે ‘વેપારી વાણીઆ’ જેવો જણાય છે, અને મન તે ‘મૃગ’ કે ‘રાજા’ રૂપે દેખાય છે. તેમનાં પદોને પણ ધર્મ, નીતિ ને તત્ત્વજ્ઞાન જ વિષય પૂરો પાડે છે. કવિની આર્ષદ્રષ્ટિને જીવ–પરમાત્માની એકતા, સૃષ્ટિનું સર્જન અને અંત, સંસારના પતંગરંગ, દેહની નશ્વરતા અને સદ્‌ગુરુની મહત્તા સમજાય છે. આમ આત્મમંથન, ગુરુ–આદેશ અને પ્રભુપ્રસાદમાંથી તેમની ત્રિસ્રોતસ્‌ ભાગીરથી–ત્રણ પ્રવાહવાળી ગંગા–ઉદ્‌ભવે છે.

આ ત્રણ પ્રવાહ વિષે હવે જરા વિચાર કરીએ. છોટમનાં કેટલાંક પદો તો આત્માને–જીવન–ઉદ્દેશીને પહેલા પુરૂષમાં જ આત્મોદ્‌ગાર રૂપે રચાયાં છે; તો કેટલાંક વળી પ્રત્યક્ષ સંબોધન રૂપે બીજા પુરુષમાં લખાયાં છે. ત્રીજા પુરુષમાં પરોક્ષ રીતે બોધ આપવા રચાયેલાં પદો–ને આખ્યાનો પણ-આ કાવ્યગંગાનો ત્રીજો ફાંટો છે. આમ આત્મોદ્‌ગાર, પ્રત્યક્ષ સંબોધનો કે પરોક્ષ નિરૂપણ જ પ્રાયઃ કવિવાણીનાં વિવિધ સ્વરૂપ રજુ કરે છે. આમાંનાં પ્રથમ બેમાં, આત્મોદ્‌ગાર અને સંબોધનોમાં, તો કવિ જ્ઞાન–મસ્ત થાય છે, શૈલી બળ અને પ્રભુતા દાખવે છે, તથા ભાષા પ્રવાહી ને હૃદયસ્પર્શી બને છે. કવિનાં પરલક્ષી કાવ્યો જેવાં આખ્યાનોનો ને પરોક્ષ નિરૂપણ કરતાં પદોનો ત્રીજો પ્રવાહ પણ આત્મલક્ષિત્વનું જ રહસ્ય દાખવે છે. કવિની કેટલીક ભક્તિવિષયક પ્રાર્થનાઓ ખૂબ ભાવવાહી છે; પણ અંતે કવિને મન તો ભક્તિ એક પગથીઉં જ છે; તેમનું અંતિમ ધ્યેય તો આત્મજ્ઞાન જ છે.

કવિની વાણી તે કાંઈ પ્રદીપ્ત કલ્પનાનું પરિણામ નથી, પણ સ્વાનુભવનો નિચોડ છે. તેઓ પોતે જ અનુભવી અને જ્ઞાનીનો ભેદ બતાવતાં કહે છે કે:—

“ભૂચર ભૂમિ ઉપર ફરે, ઉડે ખેચર આકાશ;
કવિજન કહે દીઠી સાંભળી, કરી વાણીવિલાસ.
વિશ્વ થકી આઘા વહે, એવા અનુભવી કોય;
ઉત્પત્તિ સ્થિતિ પ્રલયની, આપે સમજણ સોય.
અનુભવી કવિ સરખા ગણે, એ તો મૂઢ અજાણ;
આકાશ આઘેરી વારતા, કહે કવિજન કોણ !”
(પ્રહ્‌લાદ આખ્યાન)

તેમનાં કેટલાંક જાણીતાં કે નોંધપાત્ર કાવ્યોનો નીચે પ્રમાણે નિર્દેશ થઈ શકે:—

‘તારું ખેતર હરણાં ખાય રે’, ‘કાયા છે તો નિશદિન કર્‌ય સમરણ કરતારનુંરે’, ‘તું તો ન્યારો રહીને ખેલે છે નારાયણા રે’, ‘વાંકા શું ચાલો છોરે’, ‘કંઠી બાંધે વંઠી અકલ’, ‘કાયાવાડી કરી કરતારે’, ‘હું હું ને શોધી કાઠો’, ‘ચિત્ત ચતુર સુજાણ’, ‘તરવેણી તીરથ રે તારા તનમાં’, ‘તું તો તારૂં આપ વિસારિ’, ‘સત્ય નહિ તે ધર્મ જ શાનો ?’, અને ‘જીરે શું રે ઉંઘે છે અજ્ઞાનમાં’ ઇત્યાદિ તેમનાં ખૂબ પ્રચલિત, લોકપ્રિય ને કંઠસ્થ પદો છે. આ ઉપરાંત બીજા કેટલાંક સારાં પદો આ પ્રમાણે ગણાવી શકાયઃ ‘ધર્મ વિચારો રે ધર થકી’, ‘બે પંખીડે તનતરુવર પર વાસ કર્યો છે. આવી’, ‘કાયારૂપી નગરી રે’, ‘હંસા હોળી રમે છે’, ‘વીતી ગઈ રાત’ વગેરે ઉચ્ચતર આધ્યાત્મિક જીવનને નિરૂપે છે, અને આત્મજ્ઞાનની ઉલ્લાસમય મસ્તી દર્શાવે છે.

છોટમ ઉપર પદ્યરચનાના પ્રકાર પરત્વે તો કેવળ નરસિંહ મહેતાની કે પ્રેમાનંદ–શામળની જ નહિ, પણ કવિ દયારામનીયે ગાઢ અસર થઈ જણાય છે. કવિ દયારામે વાપરેલા કેટલાય પ્રચલિત ને પ્રિય રાગોને છોટમે પણ કાવ્ય માટે યોજ્યા છે; અને આ લલિત કવિની માફક છોટમે પણ હિંદી ભાષામાં છુટક કાવ્યો રચ્યાં છે. આવાં હિંદી કાવ્યમાં ‘દેખો દેખો રે આ ઘટકો’, ‘ઋતુરાજ વસંત હિ આયો’, ‘ફકીરી લે ફિરે કોઈ પિયારે’, ‘તેરે ઘટમેં સરજનહાર’, વગેરે ચિત્તાકર્ષક છે.*[] એકંદરે તો, નીતિબોધ આપતું ‘ધર્મ વિચારો રે ધર થકી’, ઉપનિષદ્-ભાવના પ્રગટાવતું ‘બે પંખીડે તનતરુવર પર વાસ કર્યો છે આવી’, અને માયાવાદને સમજાવતું ‘એ જ સકલ રેનકા સપના’, (હિંદી): આ પદો ખૂબ કીમતી ને ચિરસ્થાયી નિવડે તેવાં છે.

આમ કવિ છોટમની વાણી આધ્યાત્મિક ને ધાર્મિક હેતુથી જ રચાયેલી છે. તેમાં સંસારના રંગ ક્વચિત્ વિલસે છે, પણ બહુધા તો તે અપાર્થિવ કે પારલૌકિક જ બને છે. તેમાં વિચારોની, શબ્દોની, દ્રષ્ટાંતોની કે અલંકારોની પુનરુક્તિ છે. પણ કવિનો ઉદ્દેશ ને સંસારઘેલા પ્રાકૃત જનોનું અજ્ઞાન ધ્યાનમાં લેતાં આ પુનરુક્તિ આપણને અનુચિત નહિ, પણ આવશ્યક લાગશે.

છોટમ, પહેલાં કહ્યું છે તેમ, આધ્યાત્મિક વૃત્તિવાળા ભક્તજનોમાં ખાસ જાણીતા હતા; અને તેથી તેમને ગુરુ તરીકે પૂજ્ય ભાવે નિરખનાર કેટલાક શિષ્યો પણ હતા. તેમાંના કેટલાક નિકટ સહવાસમાં રહેનાર હતા, તો અન્ય વળી તેમને પરોક્ષ રીતે જ ગુરુ તરીકે પૂજતા ને તેમની વાણી ગાતા હતા. પણ ગુરુને મન તો આવા શિષ્યો વિષે અંગત રાગ કે સ્વાર્થબુદ્ધિ હતી જ નહિ ! આત્માના ઉદ્ધાર કાજે માર્ગ શોધતું ને બોધ યાચતું જે કોઈ આવે તેને માટે છોટમ મહારાજનાં દ્વાર અને હૃદય હંમેશાં ખૂલ્લાં હતાં. આવા શિષ્યોમાં દ્વિજ ગિરજાશંકર, સ્થાનિક પાટીદાર ગૃહસ્થ બકોરદાસ, મરઘાભાઈ પટેલ, પરપ્રાંતવાસી સેવાદાસ, અને અમદાવાદમાં કાંકરીઆ તળાવ પાસે ‘છોટમ ગુફા’ બાંધી રહેનાર સ્વામી શ્રી વાસુદેવાનંદતીર્થજી: આટલા તો આજે જાણીતા છે. વિશેષમાં ગામ તળના, અને આજુબાજુના પ્રદેશના કેટલાયે લોકો કવિની વાણી કંઠસ્થ કરતા ને લલકારતા, તથા ક્વચિત્ તેમની સેવા કરી જ્ઞાન લાભ મેળવતા.

શ્રી. મુનશી ‘ગુજરાત એન્ડ ઇટ્સ લિટ્‌રેચર’ નામે તેમના વિદ્વત્તાભર્યા ગ્રંથમાં અખા કવિ ઉપરના વિવેચનમાં તેના જેવા મધ્યકાલીન કવિઓની પરલોવાદી કવિતા પ્રત્યે સૂગાય છે, ને તેની ‘પારલૌકિકતાની કથાને’ (Gospel of Other-worldliness) વખોડે છે. જે કવિતામાં સંસારીઓની જીવનકથા ન હોય, જેમાં રસ ને ઉલ્લાસ ન હોય, જેમાં પ્રતિદિન અનુભવાતા માનવહૃદયના સહજ ભાવો ને ઉછળતી ઉર્મિઓ ન હોય, અને જેમાં દેહની નશ્વરતા, જગતની અસ્થિરતા, સંસારના વિરાગ, પરલોક તરફનો પ્રેમ, અને મરણોત્તર દશા જ નિરૂપાયાં હોય, તેવી કવિતા માટે શ્રી. મુનશી ઊંડો ખેદ દર્શાવે છે; કારણ કે તેમને ઇહ જીવન જ વાસ્તવિક ને સંગીન સત્ય લાગે છે. પણ તેમનું આ મંતવ્ય કેવળ દ્રષ્ટિભેદનું જ પરિણામ છે. પહેલાંના કવિઓની જીવન તરફની દ્રષ્ટિ ને જીવનસાફલ્યની ભાવના ત્યારે આજનાથી તદ્દન ભિન્ન હતાં. તે યુગનાં પ્રેરક બળોને ધ્યાનમાં લેતાં જણાશે કે અખાની, બ્રહ્માનંદની, ધીરાની, અને છોટમ વગેરેની કવિતામાં બ્રહ્મરસની ભરતી છે, ઘન ચિત્ આનંદ છે, ને બ્રહ્મૈક્ય માણતી ઉલ્લાસભરી મસ્તી છે. આ ધર્મમૂલક કવિતામાં આવેલાં સ્વર્ગ-નરકનાં ને પાપ-પુણ્યનાં વર્ણનો, તથા તેની નૈરાશ્યભરી નિષ્કામ વૃત્તિ માટે શ્રી. મુનશી પોતાના વિવેચનમાં વિષાદ દર્શાવે છે. પણ આવો વિષાદ તે યુગપરિવર્તનનો જ પ્રતાપ છે. ધાર્મિક સાહિત્યના સ્રષ્ટાઓનાં મૂલ્ય તેમની જ યુગતુલાએ અંકાવાં જોઈએ, નહિ કે વર્તમાન યુગની તુલાથી. વિશેષમાં, ધાર્મિક કવિતામાં આવતાં ઉલ્લાસ– રહિત, ભયપ્રેરક કે નૈરાશ્યપૂર્ણ વર્ણનોને અતિશયોક્તિભર્યા અર્થવાદ તરીકે સાહિત્યવિવેચક ઘટાવી શકે છે. કારણકે આ ધાર્મિક સાહિત્યનું અંતિમ ધ્યેય તો માનવજીવનને ધન્ય બનાવતો બ્રહ્મનો આનંદ છે; નહિ કે ભય, નિરાશા કે વૈકલવ્ય. વળી, સદીઓ થયાં ભારતવાસીઓનું વલણ પ્રાંતેપ્રાંતે ભક્તિ–જ્ઞાન તરફ જ હતું; અને આજે પણ ભારતવર્ષ તેના ઉચ્ચ તત્ત્વજ્ઞાન માટે જગતભરમાં જાણીતું છે. તો પછી પ્રજા–જીવનમાં વ્યાપી રહેલી તત્ત્વનિષ્ઠ વૃત્તિ તેના કવિઓના કવનમાં ઉતરે તેમાં શાને આશ્ચર્ય કે ખેદ થવો જોઈએ ? તુલનાત્મક ને ઐતિહાસિક દ્રષ્ટિવાળા વિદ્વાન્ વિવેચક કદીયે પક્ષપાતયુક્ત વલણ વડે ન્યાયને કલુષિત થવા ન દે. અને ઉપર જણાવેલા કવિઓનાં કાવ્યોમાં પણ શ્રી. મુનશીની ઉલ્લાસપૂર્ણ દ્રષ્ટિને પસંદ પડે તેવું કેટલુંક તો હોય છે જ ને ?

સંક્ષેપમાં, છોટમ કવિ થયા ત્યારે તેમનો માનીતો ધાર્મિક સાહિત્યનો યુગ તેના છેલ્લા શ્વાસ લેતો હતો. છોટમે તેને કાવ્ય-અંજલિ વડે સજીવન કરવા પ્રયત્ન કર્યો, પણ વસ્તુતઃ તો દયારામના અવસાન પછી આવા સાહિત્યનો અસ્ત જ થતો હતો. નવયુગની ઉષા કવિ છોટમને ઉલાસપૂર્ણ કે ઉદાત્ત ન લાગી, પણ ઝાંખી ને ક્લેશકર જણાઈ. તેથી તેમણે પોતાની સાચી લાગણીઓને પ્રતિભાબળે શબ્દ-દેહ દીધા, અને તે પણ તદ્દન નિષ્કામ વૃત્તિથી ને કલ્યાણકારી ભાવનાથી. પરિણામે, સંક્રાતિકાળમાં જન્મેલા આ કવિ ને તેમની વાણી ચિરકાળ ઉપેક્ષિત જ રહ્યાં; તથા સાહિત્યના વિવેચકો ને અભ્યાસીઓને હાથે તેમને અન્યાય થયો ! ખરી વાત તો એ છે કે કવિ છોટમ ગુજરાતના ધાર્મિક સાહિત્યમાં ઊંચું સ્થાન ધરાવે છે, અને ‘છોટમ વાણી’ ના ગ્રંથ પ્રગટ થયા પછીથી આજે હવે, તે ધાર્મિક સાહિત્ય સર્જનારા કવિઓમાં તેમની ગણતરી ન કરવી તે કેવળ ક્રૂર ઉપેક્ષા કે અભ્યાસની ઉણપ છે. કવિ છોટમને આજે આ લેખરૂપી નમ્ર અર્થ આપી લેખક એક કુટુંબઋણ જ અદા કરે છે. આવા અર્થમાં કોઈને કદાચ સ્વજનની અનુચિત શ્લાઘા કે કુટુંબની અહંભાવભરી કીર્તિગાથા જણાય તે સંભવિત છે. પણ કુટુંબીજનનાં,–અને તેય આવા પુણ્યશાળી મહાત્માનાં–ગૌરવ ગાતાં કોણ થાકે? વાચકને તેમાં અતિશયોક્તિ કે અસ્મિતા જણાય તો આ લેખક માટે તે સ્વાભાવિક હોઇને ક્ષમ્ય છે. અંતમાં, કેવળ આ લેખકનાં જ નહિ, પણ અખિલ ગુજરાતનાં–તેના સાહિત્યપ્રિય જનોનાં ને જ્ઞાનપ્રિય ભક્તિનાં–અજ્ઞાનનાં આવરણ દૂર કરતા ને આત્મોન્નતિનો સાચો રાહ દર્શાવતા, આ ભક્ત ને જ્ઞાની, ત્યાગી ને તપસ્વી, મહાત્મા ને મુમુક્ષુ કવિ છોટમને અનેકાનેક નમ્ર વંદન હો !


  1. *આ બધાં ને પહેલાં જણાવેલાં પદો વાચકને ‘સસ્તું સાહિત્ય–વર્ધક કાર્યાલય’ તરફથી પ્રસિદ્ધ થયેલી ‘છોટમવાણી’ના પહેલા ગ્રંથમાં તેની અનુક્રમણિકા ઉપરથી જડી આવશે.—કર્તા