સાહિત્યને ઓવારેથી/વ્રજલાલ શાત્રી : એક સમર્થ સાક્ષર

← છોટમ : એક ઉપેક્ષિત ભક્તકવિ સાહિત્યને ઓવારેથી
વ્રજલાલ શાત્રી : એક સમર્થ સાક્ષર
શંકરલાલ શાસ્ત્રી
કલાપી–જીવન અને કેકારવ →


વ્રજલાલ શાસ્ત્રી : એક સમર્થ સાક્ષર

સવી ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં જ્યારે ઇંગ્રેજી અમલ સાથે ભારતવર્ષમાં આયાત થયેલી પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રાચીન આર્યસંસ્કૃતિ ઉપર આક્રમણ કરી ગોકળગાયની ગતિએ આગળ વધતી હતી, ત્યારે ગુજરાતમાં યે ધર્મ અને સાહિત્ય, સમાજ અને રાજકારણ, સૌ પરિવર્તન પામી નવા સ્વરૂપો સરજાતાં હતાં. જૂની રૂઢિઓ અને જૂની માન્યતાઓ પદભ્રષ્ટ થઈને ધીમે ધીમે પશ્ચિમના નવા વિચારો અને પદ્ધતિઓને માર્ગ આપતી હતી. એવા સંક્રાંતિયુગમાં ગુજરાતે જે મહાન પુરુષોને જન્મ આપ્યો, તેમની જાહેર સેવાઓએ ગુજરાતના ઘડતરમાં કીમતી ફાળો આપ્યો છે. કવિ દલપતરામ, ભોળાનાથ સારાભાઈ, મહીપતરામ રૂપરામ, રણછોડલાલ છોટાલાલ, દાદાભાઈ નવરોજજી, સ્વામી દયાનંદ અને કવિ નર્મદાશંકર ઈ. સ. ૧૮૨૦ થી ઈ. સ. ૧૮૩૩ સુધીમાં જન્મેલા આ સપ્તકે ભવિષ્યમાં ધર્મ, સમાજ, સાહિત્ય અને રાજકારણની ચારે દિશાઓને ઉજાળી. આવા આ સંક્રાન્તિ-કાળમાં જ વ્રજલાલ કાલીદાસ શાસ્ત્રીનો જન્મ વડોદરા રાજ્યના પેટલાદ તાલુકાના મલાતજ ગામમાં ઈ. સ. ૧૮રપમાં થયો હતો.

તેઓ જ્ઞાતિએ સાઠોદરા નાગર હતા. તેમણે નાનપણમાં વતનની ગામઠી કેળવણી પૂરી કરી, અને આગળ વધવા પેટલાદ, ડભોઈ, વડોદરા, ડાકોર, નાંદોલ, ચાણોદ-કન્યાળી વગેરે સ્થળોએ જઈને સંસ્કૃતનો અભ્યાસ કર્યો. આ મેધાવી વિદ્યાર્થીની મહેચ્છા કાળબળે પ્રોદ્દીપ્ત થતી ગઈ, અને વિદ્યાના દૃઢ સંસ્કાર આપબળે જ વિકાસ પામ્યા, શિનોરમાં રંગીલાલ મહારાજ પાસે થોડો વખત તેમણે ન્યાયનું અધ્યયન કર્યું, તે અન્યત્ર વળી વ્યાકરણની વિદ્યા જાણી, વેદની ઋચાઓ ઓળખી, અને વેદાન્તનું રહસ્ય પ્રીછ્યું. કુટિલ વ્યવહારથી અનભિજ્ઞ રહેતા આ યુવકે અનેકમુખી વિદ્યાને જ વિમુક્તિ માની, અને સરસ્વતી- સેવામાં જ જીવનસાફલ્ય જોયું. વિત્તૈષણા ન કચડી શકી તેની વિદ્યારુચિને, અને સંસારજાળ ન બાંધી શકી તેની પ્રજ્ઞાને.

મ્હોંએ શીતળાનાં ચાઠાં, મધ્યમ પ્રમાણનું પુષ્ટ અને કદાવર શરીર; સાદાં વસ્ત્ર: અંગરખું, ધોતીયું, દક્ષિણી પાઘડી, ખભે શાલ કે અંગવસ્ત્ર; પગે જાડા જોડા; આંખો કે કપાળમાં ખાસ તરી આવે બુદ્ધિમત્તા કે વિદ્વત્તાનું તેજ નહિ; સામાન્ય જનને પહેલી નજરે તે તેઓ છેક પ્રાકૃત પુરુષ જ લાગે. આકૃતિ અહીં ગુણોની સૂચક નહિ, પણ તેમને ગુપ્ત રાખનાર જવનિકા જેવી હતી. આટલું શબ્દચિત્ર વાચકના મનશ્ચક્ષુ આગળ શાસ્ત્રીજીને પ્રત્યક્ષ કરવા માટે પૂરતું છે.

વિનય, સરલતા ને શરમાળપણું શાસ્ત્રીના સ્વભાવનાં મુખ્ય લક્ષણો હતાં. વિદ્યા અને વ્યાવહારિકતા એ પણ કુટુંબનો વારસો હતા, અને ચાર ભાઈઓએ યથારુચિ તે વહેંચી લીધો. મોટાભાઈ છોટાલાલ તે ગુજરાતી સાહિત્યમાં કવિ છોટમ તરીકે સુવિખ્યાત છે, અને તેમની સાહિત્યસેવાનાં મૂલ્ય અગાઉ આંકવામાં આવ્યાં છે જ. બીજા ભાઈ હિરાલાલ જ્યોતિષશાસ્ત્રના પંડિત હતા, અને ત્રીજા ભાઇ શંભુલાલ વ્યવહારકુશળ હતા. સૌથી કનિષ્ટ વ્રજલાલે શાસ્ત્રીય વિદ્વતાને પોતાનું જીવનવ્યસન બનાવ્યું, અને સ્વપરાક્રમે ‘શાસ્ત્રી’ની નવી ઉપાધિ મેળવી તેને સાર્થક કરી. આ ભાઈઓનાં માતપિતાની વિગતો માટે વાચકે કવિ છોટમ ઉપરનો લેખ જોઈ લેવા વિનંતિ છે.

ઇ. સ. ૧૮૬૫ના અરસામાં શાસ્ત્રીજીએ આજીવિકા માટે કુબેર સંપ્રદાયના ધર્મોપદેશકનું પદ સ્વીકાર્યું, પણ અન્ય સંપ્રદાયના ખંડન વડે કુબેરપંથનું સમર્થન કરવાનું તેમને કહેવામાં આવતાં, આ સ્વતંત્ર ને સત્યપ્રિય સજ્જને તે પદનો ત્યાગ કર્યો. ત્યાર પછી તેઓ અમદાવાદના જૈનમંદિરમાં શિક્ષાગુરુ તરીકે નિમાયા, અને તેથી તેમની વિદ્વત્તાને અનન્ય વેગ મળ્યો. જૈન ધર્મના શિક્ષણને અંગે તેમણે પ્રાકૃત, અર્ધમાગધી અને અપભ્રંશ સાથે પરિચય સાધ્યો; અને સંસ્કૃત, પાલી તથા જૂની ગુજરાતીના જ્ઞાનમાં પણ પોતે ખૂબ વધારો કર્યો. જૈનભંડારોએ કૈં કૈં પ્રાચીન પુસ્તકો તેમને હસ્તગત કર્યાં, અને જૈન સમાજે તેમની વિદ્વત્તાને ખૂબ જાણીતી કરી. થોડા સમયમાં જ અમદાવાદની ‘ધર્મસભા’ના મંત્રી અને ‘ધર્મપ્રકાશ’ નામે માસિકના તંત્રીની જવાબદારીઓ તેઓ સંભાળતા થયા. અમદાવાદના આ સાહિત્યતીર્થે તેમને કૈં કૈં મિત્રો આપ્યા, ને કૈં કૈં પંડિતોની જાણ કરી. પંડ્યા દોલતરામ, શુકદેવ શાસ્ત્રી, દો. ભાઉ દાજી અને મણિશંકર કીકાણીઃ સૌ વ્રજલાલને દૂરથી પણ અમદાવાદના એક સર્મથ સાક્ષર તરીકે ઓળખતા થયા. તળ અમદાવાદની તથા નડિઆદની અનેક જાણીતી વ્યક્તિઓ સાથે તેમને અંગત મૈત્રી બંધાઈ. ભોળાનાથ સારાભાઈ, રણછોડભાઈ ઉદયરામ, જનાર્દન સખારામ ગાડગીલ, મનસુખરામ સૂર્યરામ, અને હરિદાસ વિહારિદાસ: આવા કેટકેટલાય પ્રતિષ્ઠિત મહાજન સાથે ત્યારે શાસ્ત્રીજીને વિશેષ પરિચય થયો.

કવિ દલપતરામ પછી, ઇ. સ. ૧૮૬૫ ના ડીસેમ્બરથી તે ઇ. સ. ૧૮૬૮ના માર્ચ સુધી શાસ્ત્રીજી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના એસિ. સેક્રેટરી તથા ‘બુદ્ધિપ્રકાશ’ના તંત્રી હતા. ‘બુદ્ધિપ્રકાશ’ ત્યારે ગુજરાતના અનેકવિધ ઘડતરમાં બહુ ઉચ્ચ ને કીમતી સ્થાન ભોગવતું હતું. સૌથી જૂના અને આજે પણ જીવંત રહેલા આ સામયિકને વ્રજલાલે પણ પોતાની વિશિષ્ટ શક્તિઓથી લોકોપકારક બનાવવાનો નિર્ધાર કર્યો. કવિ દલપતરામની સરળ, સભારંજની અને ચતુરાઈભરેલી કવિત્વશક્તિની ખોટ તેમણે પોતાના વિદ્વતાભરેલા નિબંધોથી, લોકરુચિને દોરે તેવાં સરળ કાવ્યો ને લેખોથી, અને પોતાના વડિલ બંધુ છોટાલાલની પદ્યરચનાઓથી સારી રીતે પૂરી. સંક્ષેપમાં, બુદ્ધિપ્રકાશના લગભગ અઢી વર્ષના તંત્રીપદેથી તે યુગનાં પ્રેરક બળો ધ્યાનમાં લેઇને શાસ્ત્રીજીએ કરેલી સાહિત્યસેવા આજે પણ સ્મરણીય ને નોંધપાત્ર છે.

ઇ સ. ૧૮૭૬માં વડોદરાની ‘વર્નાક્યુલર કોલેજ ઓફ સાયન્સ’માં તેમણે સંસ્કૃત અધ્યાપકનું સ્થાન સ્વીકાર્યું; અને શિક્ષણના વાહન તરીકે મરાઠી ભાષાની જરૂર પડતાં તે પણ જાણી લીધી. દી. બ. મણિભાઈ જસભાઈ, રા.બ. હરગોવિંદદાસ કાંટાવાળા, ડો. હરિલાલ ધ્રુવ વગેરે સાથે અહીં તેમને ગાઢ સંબંધ બંધાયો; અને તે સૌ શાસ્ત્રીજીની અગાધ વિદ્વત્તાને માન આપતા થયા. વડોદરા સરકારે પણ તેમની આ અસાધારણ વિદ્વત્તાનો શાલજોટાની ભેટ આપી સ્વીકાર કર્યો, અને શાસ્ત્રીજી આમ રાજમાન્ય તેમ જ લોકમાન્ય બન્યા. પણ તેમના સરળ ને સત્યપ્રિય સ્વભાવને લીધે તેઓ સ્વલ્પ સમયમાં જ ત્યારે વડોદરામાં પ્રસરી રહેલી દક્ષિણી–ગુજરાતીઓની ઝેરી ઈર્ષાના ભોગ થઈ પડ્યા, અને તેમણે વડોદરા છોડ્યું. ઇ. સ. ૧૮૭૯ માં ફરીથી તેઓ અમદાવાદ આવ્યા, અને ‘ટ્રેનીંગ કોલેજ’માં સંસ્કૃતના અધ્યાપક તરીકે રહ્યા; સાથે સાથે તેઓ ફરીથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના એસિ. સેક્રેટરી બન્યા, અને કોષ રચવાનું કાર્ય પણ તેમણે સ્વીકાર્યું. ત્યારે તેઓ ‘હોપ વાચનમાળા કમિટી’ના સભાસદ બન્યા, પણ સિદ્ધાંતના મતભેદને કારણે ટુંક સમયમાં જ રાજીનામું આપ્યું એમ કહેવાય છે. અંતે શારીરિક સંપત્તિ ક્ષીણ થવાથી, અને કૌટુંબિક કારણોને લીધે તેઓ ઇ. સ. ૧૮૮૧ના નવેમ્બરમાં મલાતજ આવી વસ્યા, અને ઇ. સ. ૧૮૯૩ના ડીસેમ્બરમાં તેમનો દેહ પડ્યો ત્યાં સુધી તેઓ મલાતજમાં જ રહીને કૈંક ગ્રંથો રચતા, કૈંક લેખ લખતા, કૈંક વિદ્વાનોનો પત્રવ્યવહારથી સંપર્ક સાધતા, ને કૈંક પંડિતોની શંકાઓ નિવારતા; મલાતજમાં જ પાઠશાળા ચલાવતા, અને સાથે સાથે આત્મકલ્યાણ માટે તત્ત્વજ્ઞાનના ગ્રંથો પણ વાંચતા.

આ સરળ અને સ્વમાનશીલ વિદ્વાન નરમાં હૃદયની ઉદારતા હતી, અને વિચારની વિશાળતા હતી. તેમનામાં ધાર્મિકતા હતી, પણ ધર્માંધતા ન્હોતી. ધાર્મિકતા અને ધર્માંધતા વચ્ચે તેઓ તલસ્પર્શી વિવેક કરી જાણતા. તેથી તે ધર્માંધતા તરફ વિરોધ દર્શાવવા સારસાના કુબેરપંથની તથા અમદાવાદના જૈનમંદિરની નોકરીમાંથી તેમણે રાજીનામું આપ્યું, અને જૈનભંડારનાં પુસ્તકોને પવિત્ર જૈનગ્રંથ માનવાની ભૂલ ન કરતાં, તેમાંથી મળી આવેલાં ભાલણની કાદંબરી જેવાં પુસ્તકોને બહાર આણ્યાં. જૈનસૂરિ હેમચંદ્રનું વચન ધર્મના વિષયમાં ભલે ન સ્વીકારાય; પણ વ્યાકરણની ચર્ચામાં તો હૈમવ્યાકરણને ય પ્રમાણભૂત ગણવું જોઈએ, એવો આ પરધર્મ–સહિષ્ણુ નરનો આગ્રહ હતો. મૂર્તિપૂજાનો વિરોધ કરતા ને સનાતનીઓની ખફગી વહોરતા આર્ય સમાજના સંસ્થાપક સ્વામી દયાનંદ સાથે પણ શાસ્ત્રીજી સાહિત્ય અને શાસ્ત્રોની ખુલ્લા દિલથી વાતો કરતા; અને સ્વામીજીની પ્રેરણાથી જ પોતે ‘વૈશેષિક તર્કસાર’ રચ્યો તેમ તેની પ્રસ્તાવનામાં શાસ્ત્રીજી જણાવે છે. ‘હોપ બુક કમિટી’ તરફથી ખ્રિસ્તિ ધર્મના સિદ્ધાંતોને પોષે તેવા ને હિંદુ ધર્મના મૂળ સિદ્ધાંતો ઉપર ઘા કરે તેવા પાઠ રચવાનું કામ તેમને સોંપવામાં આવ્યું, ત્યારે તેમણે ત્યાંથી સ્વમાન ખાતર રાજીનામું આપ્યું. ક્વચિત્ કવિ દલપતરામ અને રા. બ. હરગોવિંદદાસ કાંટાવાળા સાથે પણ મતભેદ પડતાં તેઓ કોઇનાયે તેજમાં તણાયા વિના પોતાનાં મંતવ્યો દલીલો સાથે જાહેર કરતા. આવી હૃદય–ઉદારતા, ધર્મસહિષ્ણુતા ને સ્વમાન-અંકિત નિખાલસતા તે વખતના પંડિતમાં અતિ વિરલ હતી. વળી, શાસ્ત્રીજીમાં અણુમાત્ર પણ ફુલણજીપણું નહોતું. સદ્‌ગત નરસિંહરાવભાઈએ પણ કહ્યું છે કેઃ “શાસ્ત્રીની નિતાન્ત સરલ મૂર્તિ, સદ્‌ભાવભરેલું હૃદય અને એના જ્ઞાનનાં સ્થાયિ ફળ, એ મારા મુકુરમાં ચિર–સ્થાપિત ચિર–પ્રતિબિંબિત રહ્યાં છે, અને રહેશે.”

શાસ્ત્રીજી ઇંગ્રેજી કેળવણી પામેલાઓમાં ભલે વિનીત ગણાતા હશે, પણ તેમનો જમાનો જોતાં તે વખતના શાસ્ત્રીઓમાં તેઓ અગ્રણી સુધારક અને ઉદ્દામવાદી હતા, તેમ તેમના વિચારો, કાર્યો ને કૃતિઓ ઉપરથી જણાય છે. તેમણે તે યુગના રૂઢિ-ભક્ત શાસ્ત્રીઓની સંકુચિત દૃષ્ટિ-દીવાલોને ભેદી નવયુગની ઉષા નિહાળી હતી; અને તે સમાજહિત તથા ગુજરાતી સાહિત્યમાં સક્રિય રસ લેતા થયા હતા. કવિ નર્મદનો ઉદ્દામ પંથ તેમને અસ્વીકાર્ય હતો, પણ કવિ દલપતરામના ધીમા સુધારાને તેઓ સહર્ષ સન્માનતા. દેશના હુન્નરઉદ્યોગની પ્રગતિ, પરદેશગમન, ભૂતપ્રેતના પ્રચલિત વહેમનું નિકંદન, રોવાકૂટવા જેવા દુષ્ટ રિવાજોનો ત્યાગ, સ્ત્રીકેળવણ ને ઈંગ્રેજી કેળવણીની અગત્ય, બાળલગ્નનો પ્રતિબંધઃ આવાં કેટકેટલાં યે તત્ત્વોને શાસ્ત્રીજી સહૃદય ટેકો આપતા. ભૂતદયા, પરોપકાર, ઈશ્વરશ્રદ્ધા વગેરે ઉપર પણ તેમણે કાવ્યો ને લેખો દ્વારા ઘણું ઘણું લખ્યું હતું, ને તે આચરણમાં પણ મૂક્યું હતું.

શાસ્ત્રીજી જેવા પાણીદાર રત્નને પારખીને તેને ઝડપી લેવામાં વર્નાક્યુલર સોસાયટીએ બહુ બુદ્ધિમત્તા અને કદરદાની દાખવ્યાં હતાં. ‘બુદ્ધિપ્રકાશ’ ઉપરાંત તેમણે ‘ધર્મપ્રકાશ’ અને ‘સ્વદેશહિતેચ્છુ’ નામે સામયિકનું પણ તંત્રીપદ સ્વીકાર્યું હતું. વિશેષમાં, તેઓ ‘શાળાપત્ર,’ ‘બુદ્ધિવર્ધક,’ ‘ચંદ્ર,’ ‘નાગરઉદય,’ ‘કેળવણી,’ વગેરે માસિકામાં પણ વિદ્વત્તાભર્યા લેખો લખી મોકલતા. વિમળપ્રબંધ, વસ્તુપાલચરિત્ર, ઉદીચ્ય-ઉત્પત્તિ અને કામંદકીય નીતિસાર જેવા ઉપર અતિમૂલ્યવાન લેખો પણ તેમણે લખ્યા છે, તથા છુટક છુટક સંસ્કૃત શ્લોકો ને પરચુરણ ગુજરાતી ગરબીઓ પણ રચી છે.

શાસ્ત્રીજીની વિદ્વદા સર્વદેશીય હોઈને વિવિધ પ્રદેશોમાં વિચરતી. તે વખતનો સામાન્ય લેખકવર્ગ અને મનસુખરામભાઈ જેવા પાશ્ચાત્ય કેળવણનો લાભ પામનાર વિદ્વાનો પણ ગુજરાતી ભાષામાં શક્ય હોય ત્યાં સુધી સંસ્કૃત શબ્દો જ, ને તે પણ સંસ્કૃત શૈલીથી જ, વાપરવાની તીવ્ર અભિલાષા ધરાવતા; ત્યારે શાસ્ત્રીજી સંસ્કૃતના ઊંડા અભ્યાસી હોવા છતાં ગુજરાતી ભાષામાં સરળ ને સ્હેલા ત‌દ્‌ભવ શબ્દો કે પ્રચલિત હોય તેવા સંસ્કૃત શબ્દ જ વાપરતા. સંસ્કૃત માટે ભારે શોખ હોવા છતાંય પોતાની માતૃભાષા તરફ આવો નિ:સીમ પ્રેમ ભાગ્યે જ તે કાળના કોઈ શાસ્ત્રીમાં જોવામાં આવતો.

શાસ્ત્રીજીના લેખો ને કૃતિઓના વિદ્વદ્‌ભોગ અને લોકભોગ્ય એમ બે વિભાગ પાડી શકાય. તેમના કેટલાક નિબંધો, લેખો ને કાવ્યો સરળ ને સુગમ શૈલીમાં લખાયાં છે, ત્યારે ‘ગુજરાતી ભાષાનો ઈતિહાસ,’ ‘ઉત્સર્ગમાળા’ અને ‘વૈશેષિક તર્કસાર’ જેવા ગ્રંથો સરળ શૈલીમાં લખાયેલા હોવા છતાં તેમના શાસ્ત્રીય વિષયને લીધે આપોઆપ જ સંસ્કૃત શબ્દોનો આશ્રય લે છે. આમ શાસ્ત્રીજીની શૈલી વિષય પ્રમાણે સરળ કે કઠિન બનતી. ધર્મ, ભાષા, વેદ, વેદાન્ત, ઇતિહાસ, ભૂગોળ, ભૂસ્તર-વિદ્યા, છંદશાસ્ત્ર અને કેળવણી જેવા કેટલાય વિષયોને તેમણે પોતાની કલમમાં ઉતારવાની હામ ભીડી હતી; અને શિલ્પ જેવા જે વિષયો પોતે ન જાણતા હોય તેમાં પોતાનું અજ્ઞાન પણ તેઓ કબૂલ કરતા. આવી નિખાલસતા અને સચ્ચાઈ આજે કેટલા લેખકોમાં હોય છે?

ત્યારે શહેરમાં ભલે અંગ્રેજી વિદ્યાએ પ્રવેશ કર્યો હોય, પણ ગામડાંમાં તો કેળવણીની જૂની પ્રથા જ ચાલુ હતી. ગુજરાતમાં ત્યારે વિદ્વત્તા હતી, પણ આર્યોના સંસ્કારવાળી, ઇસ્લામ ને ઉર્દુથી થોડી રંગાયેલી; છતાં ખ્રિસ્તિ ધર્મથી કે ઇંગ્રેજી વિદ્યાથી તે નિર્લિપ્ત જ. ત્યારે ગામઠી નિશાળ હતી. ખેડુતનો છોકરો માંડમાંડ લખતાં વાંચતાં શિખતો, ને બોડા અક્ષરની સહી કરી જાણતો. વણિકપુત્ર નામુંઠામું શિખતો, ને પછી દુકાને વળગતો. રજપુત, ધારાળા અને અન્ય પછાત કોમોની કેળવણી વિષે તો પૂછવું જ શું? આ સ્થિતિમાં બ્રાહ્મણવર્ગ જ સંસ્કૃત વિદ્યાનો ને આર્યસંસ્કૃતિનો ઇજારદાર હોય તેમ તેની સુવાસ ગામડે ગામડે ફેલાવતો. બ્રાહ્મણોમાં ય તે વખતનો શાસ્ત્રી વર્ગ ઉર્દુ ફારસીને ઉવેખી, અને પ્રાકૃત અપભ્રંશને અવગણી, માત્ર સંસ્કૃતમાં જ લીન રહેતો; અને આ જ્ઞાનબળે જ તે લોકાદર પામતો. પ્રાચીન, ગહન અને પવિત્ર સંસ્કૃતભાષા આગળ ત્યારે ગુજરાતી, મરાઠી જેવી દેશી ભાષાઓ પણ હિસાબમાં ન્હોતી. ઉર્દુ અને ઇંગ્રેજી તે યુગના શાસ્ત્રીવર્ગને મ્લેચ્છોની ભાષા લાગતી, સંસ્કૃત તે દેવવાણી ગણાતી, અને અન્ય જીવંત ભાષાઓ અપૂર્ણ કે અશુદ્ધ મનાતી. આવી વિષમ પરિસ્થિતિમાં તે યુગના શાસ્ત્રીવર્ગ દ્વારા સંસ્કૃત સાહિત્યની ગંગાને ગુજરાતી ભાષાભૂમિ ઉપર ઉતારવી, ને તેને લોકપ્રિય બનાવવી, એ તો માત્ર કલ્પના જ હતી.

વિશેષમાં, ત્યારે પ્રાંતે પ્રાંતની અને ધર્મે ધર્મની ઉત્કટ અસ્મિતા હતી. ગુજરાતી અને દક્ષિણી શાસ્ત્રીઓના વૈર અને વૈમનસ્યથી ભરેલા સંકુચિત વાડા હતા. તે બંનેની શુદ્ધ સ્પર્ધાથી સંસ્કૃત સાહિત્ય વિશેષ સમૃદ્ધ થાત, પણ તે સ્પર્ધા તો ઈર્ષાની ઉધઈથી ખવાઈ ગઈ હતી; ને તેથી સંસ્કૃતની ઉત્તમ પ્રગતિ પણ રૂંધાઈ ગઈ હતી. ત્યારે જૂનવાણી યુગ ઓસરતો હતો, ને નવ યુગની ઉષા ફૂટતી હતી. આ સંક્રાન્તિકાળમાં વ્રજલાલ શાસ્ત્રીએ બંને યુગનાં શુભ તત્ત્વો સમન્વય કર્યો; તથા બંનેનાં અપથ્ય તત્ત્વો સામે ટક્કર ઝીલી, અથવા તો તેમનાથી અળગા રહ્યા. તેથી જ તેમણે નર્મદના સુધારાને સાથ ન આપતાં દલપતરામનો રાહ સ્વીકાર્યો; અને ખોટા વ્હેમ કે દુષ્ટ રિવાજને સખત નિંદવા છતાં તેમણે કદી મદિરાપાન કે વિધવાવિવાહને ટેકો ના આપ્યો.

અને હવે આપણે શાસ્ત્રીજીની કૃતિઓ ઉપર આવીએ. સંખ્યાબંધ સામયિકોમાં તેમણે લખેલા છૂટાછવાયા લેખો બાદ કરતાં, તેમનાં મુખ્ય પુસ્તકો નીચે પ્રમાણે છેઃ

પ્રસિદ્ધ કૃતિઓ:–ગુજરાતી ભાષાનો ઇતિહાસ, ઉત્સર્ગમાળા, રસગંગા, ચંદ્રહાસ આખ્યાન, ધાતુસંગ્રહ, મુક્તામાળા, વૈશેષિક તર્કસાર, ગુર્જરભાષાપ્રકાશ, અને બ્રહ્મસૂત્રાર્થદીપક.

ઉક્તિસંગ્રહ, વિશ્વપ્રબોધ, નાગરપુરાવૃત્ત અને ગુજરાતના રાજાઓનાં જીવનચરિત્ર (સંસ્કૃતમાં): આટલી તેમની અપ્રસિદ્ધ કૃતિઓ છે.

પ્રસિદ્ધ કૃતિઓ પૈકી પ્રથમ ત્રણ ગુજરાત વર્નાક્યુલર સાસાયટીએ ઇ. સ. ૧૮૬૬, ૧૮૭૦ અને ૧૯૩૪માં પ્રગટ કરી છે; ‘વૈશેષિક તર્કસાર’ જૂનાગઢ રાજ્ય તરફથી ઇ. સ. ૧૮૯૮માં પ્રસિદ્ધ થયો, અને ‘ગુર્જરભાષા પ્રકાશ’ તથા ‘બ્રહ્મસૂત્રાર્થદીપક’ કડકે કડકે ‘ચંદ્રમાસિક’માં છપાયાં હતાં.

આ બધી કૃતિઓમાંથી કોઇએ જો શાસ્ત્રીજીની સાહિત્ય-સેવાને અમર બનાવી હોય તો તેમનાં ‘ગુજરાતી ભાષાનો ઇતિહાસ’ અને ‘ઉત્સર્ગમાળા’ નામે બે લઘુ પુસ્તકો છે. કર્તાના કીર્તિસ્તંભ સરિખડાં આ બે પુસ્તકોએ ગુજરાતી ભાષાશાસ્ત્રનું એક નવીન જ ક્ષેત્ર ઉઘાડ્યું છે, અને કેટલાય અભ્યાસીઓની પ્રમાણભૂત પ્રશંસા પ્રાપ્ત કરી છે. ડો. ભંડારકર જેવા ત્રિખંડી વિદ્વાને પણ પોતાના ભાષાશાસ્ત્ર ઉપરના પુસ્તકમાં શાસ્ત્રીજીને ગુજરાતી ભાષાના આદ્યમાર્ગદર્શક તરીકે ગણાવ્યા છે. કવિ દલપતરામ પણ આ કૃતિઓના વિદ્વાન્ કર્તાને તેમના ‘અભ્યાસ અને તર્કશક્તિ’ માટે અભિનંદન આપે છે. કવિ નર્મદ પણ ભાષાશાસ્ત્રના પ્રદેશમાં શાસ્ત્રીજીના અભિપ્રાયને પ્રમાણભૂત માને છે. ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’ના લેખક પણ ભાષા-શાસ્ત્રવિષયના અભ્યાસ તરફ પહેલ વહેલી અભિરુચિ ઉત્પન્ન કરવાનું ભાન આ વિદ્વાન શાસ્ત્રીને જ આપે છે. સદ્‌ગત નરસિંહરાવભાઈએ પણ શાસ્ત્રીજીના આ બે લઘુ ગ્રંથોને “પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતીના અભ્યાસના સાગરમાં નાવ ખેડનારાઓને દીવાદાંડીઓનું કાર્ય સારનારા” તરીકે ગણાવી શાસ્ત્રીજીની ‘અસાધારણ વિદ્વત્તા’ને સ્વીકાર કર્યો છે; અને દી. બ. કૃષ્ણલાલ ઝવેરી સાહેબે પણ શાસ્ત્રીજીને ‘ગુજરાતી ભાષાશાસ્ત્રનું ખાત મુહૂર્ત કરનાર’ તરીકે વર્ણવ્યા છે. તો હવે આ પુસ્તકના વિષય અને હેતુ વિષે જરા અંગુલિનિર્દેશ કરી લેઉં.

શાસ્ત્રીજીના યુગમાં કેટલાક વિદ્વાન તરફથી એવો મત ફેલાવવામાં આવ્યો કે ગુજરાતી ભાષામાં સૈકાઓ થયાં કાંઈ પણ ફેરફાર થયો નથી; અને સંસ્કૃતમાંથી તે ઉતરી આવી નથી,પણ ઉલટું ગુજરાતી કે પ્રાકૃતમાંથી સંસ્કૃત ભાષા જન્મી છે. આજે પણ આવી માન્યતા ધરાવનારાઓ હોય છે, તો પછી ભાષાશાસ્ત્ર જેવો વિષય જ ગુજરાતી વાઙ્‌મયમાં ન હોય ત્યારે તો આ માન્યતાને વિશેષ પુષ્ટિ મળવાનો સંભવ હતો. આવા સમયે શાસ્ત્રીજીએ આ માન્યતાનો સબળ સામનો ‘ગુજરાતી ભાષાનો ઇતિહાસ’ નામે નિબંધ લખીને કર્યો. અંગ્રેજી ભાષાના જ્ઞાન વિના પણ તેમની વિશાળ દ્રષ્ટિને માલમ પડ્યું હતું કે ‘ભાષાઓના ઇતિહાસ ઉપરથી માણસોના ઈતિહાસ જણાઈ આવે છે, ને તેથી માણસોનો ઇતિહાસ જાણનારા પુરુષોએ ભાષાઓને ઇતિહાસ પણ જાણવો જોઈએ.” ઇંગ્રેજી જ્ઞાનથી પોતે વંચિત હોવા છતાં તેમણે આ નિબંધ લખી પ્રશંસાપાત્ર વિદ્વત્તા દર્શાવી છે; અને છતાં તેમાં ક્વચિત્ સંભવિત ‘અજ્ઞાનદોષ’ કે ‘મતિભ્રમ’ માટે તેમણે વિદ્વાનોની ક્ષમા યાચી છે. આ નાનકડા નિબંધમાં આર્યોના ઈતિહાસથી આરંભ કરી, ને સંસ્કૃતભાષાનું શીઘ્ર અવલોકન કરી, તેમાંથી તેમણે પ્રાકૃત, શૌરસેની, માગધી, પૈશાચી, અને અપભ્રંશ સમયોચિત ઉદ્‌ભવ ઉદાહરણો આપી સાબીત કર્યો છે. હૈમવ્યાકરણ તરફ જૈનાચાર્યની કૃતિ તરીકે સૂગ રાખ્યા વિના તેનો તેમણે નિઃસંકોચ ઉગયોગ કર્યો છે, અને ગુજરાતી ભાષાના ઘડતરમાં દેશ્ય શબ્દોનો તથા ફારસી ને ઈંગ્રેજી ભાષાનો ફાળો પણ ધ્યાનમાં લીધો છે. આ પુસ્તકની રચના માટે તેમણે જૂના રાસાઓ વાંચ્યા, પ્રાચીન હાથપ્રતો જોઈ, ખવાઈ જતા દસ્તાવેજો ઉકેલ્યા, ને માણભૂત વ્યાકરણ ગ્રંથ નિરખ્યા. તેથી તેઓ ગુજરાતીનો ઉદ્‌ગમ અને વિકાસ યથાક્રમ બતાવી શક્યા; અને જૂની ગુજરાતી જૈનોની જૂદી ભાષા નથી, પણ વર્તમાન ગુજરાતીની જ પુરોયાયી છે એમ સચોટ દલીલો ને અનેક ઉદાહરણોથી સિદ્ધ કરી શક્યા.

ચાર વર્ષ પછી ‘ઉત્સર્ગમાળા’ પ્રગટ થઈ, અને તેના કર્તાના શાસ્ત્રીય જ્ઞાનનો પ્રકાશ વધુ ફેલાયો. શાસ્ત્રીજીએ ૧૯૧ ઉત્સર્ગો– સામાન્ય નિયમો– રચી ભાષાના વિવિધ અંશોનો ભાષાશાસ્ત્રની દ્રષ્ટિએ નિર્ણય કર્યો, અને ‘શબ્દોની ટંકશાળ’ ખોલી. પ્રથમ પુસ્તક લખતી વખતે ગુજરાતી ભાષાશાસ્ત્રના આદ્ય લેખક તરીકે તેમનામાં જે નમ્રતા હતી તે અહીં દ્રષ્ટિગોચર ન થતાં, પોતાની અગાધ વિદ્વત્તાનો તેમણે આત્મશ્રદ્ધાથી ઉલ્લેખ કર્યો છે, કે જેથી તે વિષય ઉપર વિરોધપક્ષ વજૂદ વગરની, પ્રમાણહીન અને બાલિશ દલીલો ન કરે. ‘ઉત્સર્ગમાળા’ની પ્રસ્તાવનામાં જ યોગ્ય ગૌરવ દાખવી કર્તા જણાવે છે કે “મેં સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણના ઘણા ગ્રંથો જાણ્યા છે; અને ગુજર આદિ ભરતખંડના ઘણાં દેશની ભાષાઓના ગ્રંથો જોયા છે. માટે મારા લખેલા ઉપર કોઈ દોષારોપ કરે તો તેણે પ્રથમ પોતાની છત તપાસીને કરવો. વાંચનાર પોતે વિદ્વાન હશે, તો તે આ નિબંધને વખાણશે.”

આમ વ્રજલાલ શાસ્ત્રીએ ભાષાશાસ્ત્ર વિષયનાં આ બે લઘુ પુસ્તક દ્વારા સપ્રમાણ સિદ્ધ કર્યું કે ગુજરાતી ભાષામાં પણ કાળબળે ને પ્રસંગવશાત્ ફેરફાર થતો જ રહ્યો છે; ને તે રીતે વિરુદ્ધ મતનું ખંડન કીધું. તેમણે સંસ્કૃતની પ્રાચીનતા જોઈ પ્રાકૃત-અપભ્રંશનાં સ્વરૂપ નિરખ્યાં, અને જૂની ગુજરાતીના શબ્દદેહ દીઠા; તથા આ બધા ઉપરથી એક સુસંબદ્ધ ક્રમ યોજી સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી ને વર્તમાન ગુજરાતી, એવા પાંચ પ્રસ્તાવ નક્કી કર્યા. પોતે સંસ્કૃતના સમર્થ વિદ્વાન હોવા છતાં તેમણે ગુજરાતી જેવી દેશી ભાષાને આમ ઐતિહાસિક ને ગૌરવવંતું સ્થાન અપાવ્યું. હાલ ગુજરાતી ભાષાશાસ્ત્ર તેના વિખ્યાત વિશારદોના હાથે ખૂબ પ્રગતિ સાધી શક્યું છે, પણ તેની વર્તમાન ઇમારત શાસ્ત્રીજીએ નાખેલા પાયાને જ આભારી છે, એ સત્ય હકીકત આજે પણ સર્વસ્વીકાર્ય છે.

બાકીની પ્રસિદ્ધ કૃતિઓમાં ‘ધાતુસંગ્રહ’ —ઈંગ્રેજ વિદ્વાન ટેલરની સ્હાયથી લખાયેલો આ ગ્રંથ–શાસ્ત્રીજીના ભાષાશાસ્ત્ર- વિષયક સ્વાધ્યાયનું જ પરિપક્વ ફળ છે. તે ભાષાવતરણ સંબંધી વાચકને વિશેષ જ્ઞાન આપે છે, અને ભાષાશાસ્ત્રના અભ્યાસને વધુ સરળ અને રસપ્રદ બનાવે છે. ‘વૈશેષિક તસાર’ સ્વામી દયાનંદની પ્રેરણાથી લખાયેલો ને તર્કની ઉપયોગિતા સિદ્ધ કરનારો એક શાસ્ત્રીય ગ્રંથ છે. પદાર્થનું જ્ઞાન એ આ પુસ્તકનું મુખ્ય પ્રયોજન છે, અને બાલ-અભ્યાસીઓની સગવડ ખાતર કેટલીયે શાસ્ત્રીય કઠિનતા તજી દઈ તેમણે વિષયને સુવ્યવસ્થિત સ્વરૂપે ને સરળ શૈલીએ સમજાવ્યો છે. આપણું ‘ષડ્દર્શન’ ઉપર ગુજરાતી ભાષામાં અનુવાદ કે મૌલિક કૃતિ રૂપે લખાયલાં અલ્પસંખ્યક પુસ્તકમાં આ ‘વૈશેષિક તર્કસાર’ વિશિષ્ટ અને કીમતી ઉમેરો કરે છે. તેમનું છેલ્લું પ્રગટ થયેલું ‘રસગંગા’ નામે પુસ્તક રસશાસ્ત્રને રસપ્રદ રીતે નિરૂપે છે. તેમાં રસ, ભાવ, વિભાવ, અનુભાવ વગેરેના શાસ્ત્રીય વિભાગ પાડી યથાવકાશ તે બધાને મનોરંજક ઉદાહરણ રૂપી શ્લોકો વડે તેમણે વધુ સ્ફુટ કર્યા છે. બાળવિદ્યાર્થીઓને જ નજર આગળ રાખી, સરળ ને વ્યવસ્થિત રીતે રચાયેલું આ લઘુ પુસ્તક આજે મુંબઈ યુનિવર્સિટીનું પણ બી. એ. ના ગુજરાતી વિષયના ‘ઓનર્સ’ ના અભ્યાસક્રમ માટે મમતાપાત્ર બન્યું છે.

શાસ્ત્રીજીને રાજનીતિકુશળ અને વ્યવહારવિચક્ષણ, સત્તાધારી અને સાહિત્યપ્રિય મિત્રો હતા; અને તે બધામાં તેઓ માનનીય સ્થાન પામતા. છતાં શાસ્ત્રીજીની તો પ્રધાન અને ગૌણ, બાહ્ય અને આંતર પ્રવૃત્તિ કેવળ સાહિત્યસેવા જ રહી. વિદ્યાવ્યાસંગને જ સર્વસ્વ માનનાર આ સાક્ષર રાજનીતિના રંગથી કે વ્યવહારની કુટિલ નીતિથી સર્વદા મુક્ત જ રહ્યા. તેમનો સરળ ને સ્વમાનપ્રિય સ્વભાવ, તેમનું ‘સદ્‌ભાવભરેલું હૃદય’ અને તેમનું સ્પષ્ટ સત્યવાદિત્વ તેમને ઇતર પ્રવૃત્તિઓમાંથી રોકી કેવળ સરસ્વતીભક્તિ ને સાહિત્યસેવા તરફ દૃઢ ખેંચી રાખતાં હતાં

સંક્ષેપમાં, શાસ્ત્રીજી ગુજરાતીના આદ્ય ભાષાશાસ્ત્રી હતા, તે યુગના શાસ્ત્રીઓમાં ઉદ્દામવાદી અગ્રણી હતા, મહાન વૈયાકરણ હતા, કવિ હતા, પત્રકાર હતા, સારા ' કેળવણીકાર હતા, સૂક્ષ્મદર્શી સંશોધક હતા, સરળ ગદ્યલેખક હતા, ને ભારે તત્ત્વવેત્તા હતા; અને છેક જ સૂત્રાત્મક રીતે કહીએ તો એક સમર્થ સાક્ષર હતા. તેમણે ગદ્ય અને પદ્ય લખી સમાજ અને સાહિત્યને વેગ આપ્યો, ગુજરાતની સંસ્કૃત વિદ્વત્તાને ગૌરવવંતી કરી, અને ગુજરાતી ભાષાશાસ્ત્રને મહિમાવંતું કર્યું. છતાંયે તેમની શરમાળ પ્રકૃતિને લીધે કે પોતાની ગુણજ્ઞતાની ઉણપે ગુજરાતની જનતાએ તેમની સુયોગ્ય કદર કરી નથી, અને ગુજરાતી સાહિત્યે તેમની સારસ્વત સેવાની મુક્ત કંઠે પ્રશંસા ઉચ્ચારી નથી. પત્રકાર, શાસ્ત્રકાર, કેળવણીકાર અને સાહિત્યકારઃ આમ ચતુર્વિધ સ્વરૂપે તેમણે તેમની સર્વોત્તમ શક્તિઓ પ્રગટાવી છે. એવા આ ગુજરાતના પ્રતિષ્ઠિત પુત્રને આજે ય પ્રશંસાનાં પરિમલભર્યા પુષ્પો અર્પવામાં નથી કોઈ અનુચિત કુટુંબશ્લાઘા કે નથી કોઈ પ્રોદ્દીપ્ત અયુક્તિ. ગુજરાતી સાહિત્યમાં મંદમંદ પ્રકાશતા અને ચિરકાળ ઉપેક્ષાપાત્ર બનેલા આ તેજે–ઘડ્યા તારકને અનેકાનેક નમ્ર અંજલિઓ આપીને જ આપણે કૃતકૃત્યતા અનુભવીએ.*[૧]




  1. * પ્રસ્તુત ‘અર્ધ્ય’ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી પ્રસિદ્ધ થયેલી વ્રજલાલ શાસ્ત્રી રચિત ‘રસગંગા’ની પ્રસ્તાવનામાં સંપાદક તરીકે આ લેખકે ‘વ્રજલાલ શાસ્ત્રીનું ક્ષર અને અક્ષર જીવન’ નામે જે વિસ્તૃત લેખ આપ્યો છે તે ઉપરથી અહીં સંક્ષેપમાં તૈયાર કરવામાં આવ્યો છે. વધુ વિગતો માટે ‘રસગંગા’ની પ્રસ્તાવનામાં આપેલો મૂળ લેખ જોવા જ વાચકને વિનંતિ છે.—કર્તા