સાહિત્યને ઓવારેથી/કલાપી–જીવન અને કેકારવ
← વ્રજલાલ શાત્રી : એક સમર્થ સાક્ષર | સાહિત્યને ઓવારેથી કલાપી–જીવન અને કેકારવ શંકરલાલ શાસ્ત્રી |
રંગભૂમિ–ઉદ્ધારક રણછોડભાઈ → |
કલાપી–જીવન અને ‘કેકારવ’
ગુજરાતનું પ્રજાજીવન ઈસ્વી ઓગણીસમી સદીના છેલ્લા ચરણમાં ઇંગ્રેજી સાહિત્ય અને પાશ્ચાત્ય સંસ્કૃતિના સમાગમમાં આવી સુધારાની તનમનાટ દાખવતું હતું, ત્યારે ગુજરાતી સાહિત્ય પણ ભક્તિ, જ્ઞાન, અને સંપ્રદાયનો સાથ તજી નર્મદ-દલપતરામે અને નવલરામ તથા ગોવર્ધનરામે પાડેલા તદ્દન નવા ચાશથી આકર્ષક બનતું જતું હતું. ગુજરાતનો વાચકવર્ગ ત્યારે નરસિંહરાવભાઈનાં નવીન પ્રકૃતિકાવ્યોથી મુગ્ધ થતો હતો; અને કેટલાક વિદ્વાનો સંસ્કૃત ને ઉર્દૂ સાહિત્યના મહાસાગરનાં રત્નોને ગુર્જરસાહિત્યને કિનારે લાવવા પ્રયત્ન કરતા હતા. આ સંયોગોમાં, ‘સુરતાની વાડીના મીઠા મોરલા’, મણિલાલના શિષ્ય, કાન્તના મિત્ર અને ગોવર્ધનરામના પૂજક એ રાજવી સુરસિંહજીનો– ઇ. સ. ૧૮૭૪માં જન્મેલા એ કવિ કલાપીનો–ત્યારે સંસ્કારસમય અને કેળવણીકાળ પસાર થતો હતો. આ નવજુવાન રાજવી કવિના મનમાં ત્યારે કૈં કૈં તરંગો ઉદ્ભવતા હતા, અને હૃદયમાં કોઈ અનેરી ઉર્મિઓ ઉછળતી હતી. યુગનાં પ્રેરક બળોએ, સંસ્કારે, સહવાસે અને સંયોગોએ રાજલક્ષ્મીના આ પ્રણયીને સરસ્વતીપુત્ર થવા પ્રેર્યો. દીલના દર્દે, હૃદયની કોમળતાએ, પ્રકૃતિપૂજક ભાવનાએ, સૌંદર્યવાહી દ્રષ્ટિએ, અને સમભાવશીલ સ્વભાવેઃ સૌએ મળી તેને સ્વામીનાથ મિટાવી પ્રીતમ બનાવ્યો, સત્તાધારી મિટાવી સામાન્ય માનવી કર્યો, અને રાજપુત્ર મિટાવી સ્નેહી-કવિ સર્જ્યો.
અન્ય દેશી યુવરાજની માફક કલાપીએ પણ રાજકોટની ‘રાજકુમાર કોલેજમાં’ કેળવણી લીધી; પણ તેટલાથી તેને સંતોષ ન થયો. એ પૂર્વજન્મના સંસ્કારી અને રસિક આત્માએ પોતાની તરસ છીપાવવા કેટલાયે સાક્ષરો કે સાહિત્યકારોને નિજ મંદિરે નિમંત્ર્યા, અને તેમને ગુરુ, સલાહકાર કે મિત્ર બનાવ્યા. સાહિત્યના આનંદને જ સર્વસ્વ માનતા યુવાન કલાપીએ ગુજરાતી, ઈંગ્રેજી ને સંસ્કૃતના ઉત્તમ ગ્રંથોનો ત્વરાથી અભ્યાસ આદર્યો. આ પ્રજાપ્રિય રાજવીનું હૃદય પ્રથમથી જ ઉદાત્ત ભાવનાઓ અને કોમળ લાગણીઓથી ભરપુર હતું, અને તેમાં તેના ગૃહજીવનના કરુણ પ્રસંગે પૂર્તિ પૂરી તેની પાસે કૈંક ધોધમાર કાવ્ય-પ્રવાહ વહેવરાવ્યો. ‘ભાયાતો–ગરાસીઆઓ એ વિદ્યાના ઓરમાણ પુત્રો છે,’ એમ કહેનાર આ રાજકુમારે નિજ જીવનને સાહિત્યપરાયણ જ બનાવ્યું. કુમાર અવસ્થામાં સાહિત્યના હરકોઈ અભ્યાસીને, તે પોતે સાચા કવિત્વના ભાવોથી પ્રેરાયો હોય કે નહિ તો પણ,–કંઈક ભાવવાહી કે કૃત્રિમ ગમે તેવું–કાવ્ય લખવાની, ને તે માટે ઊર્મિલ પ્રયત્ન કરવાની મહેચ્છા સ્ફુરે છે; અને કલાપી કૈં આ સામાન્ય નિયમને અપવાદરૂપ ન્હોતો. વિશેષમાં, હરકોઈ વિદ્યાર્થીને ય જો પ્રાસયુક્ત પદ્ય રચવાનું મન થાય તો પછી કરુણ ગૃહજીવનવાળાને હેતાળ હૈયાના ભર્તાને કવિતા લખવાનું મન થાય,–બલ્કે તેના હાથે કવિતા આપોઆપ લખાઈ જાય, અને તેનું પરમ વિશ્રાંતિ સ્થાન બને તેમાં શું આશ્ચર્ય !
સુરસિંહજી રાજવી તરીકે લાઠીમાં અને કાઠીઆવાડમાં જાણીતા હતા; પણ ભાવવાહી કાવ્યોના સર્જક તરીકે ગુજરાત ભરમાં, બલ્કે બૃહદ્ ગુજરાતમાં જે ખૂબ વિખ્યાત થયા ને વખણાયા. સાહિત્યની ભાવનાઓ અને જીવનની વાસ્તવિકતાઓ કલાપીમાં સંવાદી રીતે ભેગી વણાઈ ગઈ હતી, અને તે બંનેએ મળીને જ કલાપી પાસે કાવ્યઝરણું વહેવરાવ્યું છે. સાહિત્ય એક અને જીવન છેક અન્ય, ભાવનાઓ અમુક અને વાસ્તવિકતાઓ નિરાળી, આવી વિસંવાદિતા કે અસંબદ્ધતા કલાપીમાં બહુધા ન્હોતી. તેથી કવિનાં કાવ્યોને સમજવા માટે કવિહૃદયને જાણવાની જેટલી જરૂર છે તેટલી જ જરૂર કવિજીવનને નિરખવાની છે. તેના સ્નેહ–સંસાર અને સાહિત્ય–જીવન અનુસાર જ તેની કાવ્યસરિતા વહી રહી છે. તે પ્રથમ આ કાવ્ય–પ્રવાહનું પ્રત્યેક વર્ષ પ્રમાણે વિહંગાવોકન કરી પછી તેના વેગ અને રંગ નિરખીએ.
‘કલાપીનો કેકારવ’ની પાંચમી આવૃત્તિમાં ઈ. સ. [૧] ૧૮૯૨ના ઓક્ટોબરથી લખાયેલાં કાવ્યો નજરે પડે છે. ઓક્ટોબરથી તે આ વર્ષના અંત સુધીમાં કલાપીએ બહુ થોડાં જ કાવ્યો લખ્યાં જણાય છે. ત્યાર પહેલાં પણ તેણે કવિતા લખવાના છુટા છવાયા પ્રયત્નો તો કર્યા જ હશે. પણ અઢાર વર્ષની ઉંમરે બહુ સારાં કાવ્યો તો ક્યાંથી રચાય, ને વાચક તેની આશા પણ કેમ રાખે? પ્રેમ, મધુકર, પુષ્પ વગેરે ઉપર ગઝલો લખી કલાપીએ ત્યારે કવિતા લખ્યાનો સંતોષ માન્યો છે. પણ આ વર્ષે રચાયેલાં કાવ્યોમાં ‘એક પ્રેમ અને કેલિસ્મરણ’ એ બે જ કંઈક લક્ષમાં લેવા યોગ્ય છે.
ઈ. સ. ૧૮૯૩ના વર્ષમાં હરિલાલ ધ્રુવના કાવ્યની છાયાવાળું ‘વનમાં એક પ્રભાત’, અને નરસિંહરાવના ‘ચંદા’ નામે કાવ્યની સ્પષ્ટ છાપવાળું ‘કમલિની' સુપ્રસિદ્ધ કાવ્ય છે. કલાપી હવે ઈંગ્રેજી સાહિત્યથી યે આકર્ષાય છે; ને ‘શેલી’, ‘ટોમસ વુડ’ અને ‘ટેનીસન’ જેવા અંગ્રેજ કવિઓ પણ તેને આમંત્રે છે. ‘પ્રેમ અને મૃત્યુ’, ‘પ્રેમ અને શ્રદ્ધા’, ‘ચંચલ પ્રેમસુખ’ આદિ આનાં ઉચિત ઉદાહરણો છે. કલાપીનો આ અનુવાદ–શોખ કે ભાષાંતર–ભક્તિ આગળ ઉપર પણ ચાલુ જ રહે છે.
‘મૃત્યુ’ ‘મ્હારું કબૂતર’ ‘જ્યાં તું ત્યાં હું’, અને ‘પાન્થપંખીડું’ વગેરે ઇ. સ. ૧૮૯૪ના વર્ષનાં નોંધપાત્ર કાવ્યો છે. પણ આ વર્ષનું ઉત્તમ કાવ્ય તે ‘કુદરત અને મનુષ્ય’ નામે છે. આ કાવ્યથી આપણને એમ લાગે છે કે કવિતા રચવાના–બનાવવાના–મોહમાંથી મુક્ત થઈ કલાપી હવે ધીમે ધીમે સાચા કવિત્વનાં અમૃતમય ફોરાંથી છંટાતો જાય છે. તેનાં શરૂઆતનાં કાવ્યોમાં ઠેરઠેર કૃત્રિમતા, ક્લિષ્ટતા, અસ્પષ્ટતા વગેરે દોષો તરી આવે છે. માત્ર લખવાનો તનમનાટ સંતોષાવા ખાતર લખાયેલાં, કંઈક લખવું એવી ઉમેદ બર લાવવાના હેતુથી લખાયેલાં, જાણે કે વિષયને અભાવે તાણીતુસીને લાંબાં કરેલાં કાવ્યોની અવસ્થામાંથી મુક્ત થઈ કલાપી હવે કવિતા-દેવીના મંદિરના સાચા માર્ગે વળે છે. આ કાવ્ય પહેલાં જો કે કેટલાંક સારાં કાવ્ય લખાયાં છે, છતાં કલાપીને ઉચ્ચ કોટિના કવિનું સ્થાન અપાવી શકે તેવા કાવ્યોમાંનું પ્રથમ તો આ જ કાવ્ય છે. પણ એટલું તો કહેવું જોઈએ કે આ કાવ્યના પ્રકૃતિદર્શન માટે કલાપી ઈંગ્રેજ કવિ વર્ડઝ્વર્થનો ઋણી છે. કવિનો પ્રકૃતિપ્રેમ આ કાવ્યથી જ આરંભ પામી આગળ ઉપર ક્રમિક વિકાસ પામતો જાય છે. ‘પાન્થ પંખીડું’ પણ કલાપીએ કાશ્મીરના પ્રવાસ ઉપરથી જ લખેલું છે. ગત વર્ષ જે કલાપીને અનુવાદનું હતું, તો આ વર્ષ તેને માટે કુદરત તરફ નિઃસીમ અનુરાગનું કહી શકાય.
ઇ. સ. ૧૮૯૫નાં કાવ્યોમાં ‘સારસી’ ‘ગ્રામ્યમાતા’ અને ‘બિલ્વમંગળ’ અગ્ર સ્થાન પામે છે. ‘સારસી’ જો ભાવને અનુરૂપ પદોવૈવિધ્ય માટે નોંધપાત્ર છે, તો છેલ્લાં બે કાવ્યો કલાપીની લોકિસાહિત્ય તરફની અભિરુચિ વ્યક્ત કરતાં હોઈને તે રીતે વિશિષ્ટ છે. જો કે પ્રેમ ઉપર કેટલીક કવિતાઓ ને ગઝલો પણ જતા વર્ષે લખાઈ છે, છતાં એકંદરે તો આ વર્ષ ઉપર ગણાવ્યાં એવાં પરલક્ષી કાવ્યોના ફાલ માટે જ કીમતી કહી શકાય. આ સર્વાનુભવરસિક કે પરલક્ષી કાવ્યોમાં પણ પ્રાયઃ કવિના આત્મ-લક્ષિત્વના જ સ્પષ્ટ એાળા પડે છે. આત્મોદ્ગાર, કોમળ ભાવો ને ઉછળતી ઊર્મિઓઃ આ બધાં પરર્વે તો કલાપીનાં પરલક્ષી કાવ્યો પણ આત્મલક્ષી કાવ્યોથી ઘણી વખત અભિન્ન જેવાં જ જણાય છે.
હવે પછીનાં બે વર્ષ કલાપી માટે બહુ જ ભારે નિવડે છે. પ્રેમનો વ્યાધિ અને ગૃહજીવનનો કલહ તેને ચોતરફ ઘેરી વળે છે, શોભના તરફનો સ્નેહ તેને પ્રેમ–નીતિના વિચારવમળમાં રાખે છે, અને તર્ક–વિતર્કના ચકડોળે ચઢાવે છે. તેની સાથેના કાવ્યનો અભિલાષ જટિલ પ્રશ્ન બની કલાપીના હૃદયમાં અકથ્ય અમુંઝણ ઉપજાવે છે. લોકલાજની પરવા, જાહેર નિંદાનો ભય, રાજવીપદની ઉચ્ચતા, અને દૂભાતી રમાઃ સૌ તેના મગજને અને અંતરને વ્યથિત કરે છે. હૃદયના આ જ ભાવ, જીવનના આ જ રંગ કવિનાં હવે પછીનાં ઘણાં ખરાં કાવ્યોમાં પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે જણાઈ આવે છે. ઇ. સ. ૧૮૯૬ માં ‘કન્યા અને ક્રૌંચ’, ‘ક્ષમા’, ‘વૃદ્ધ ટેલીયો’ અને ‘વિધવા બ્હેન બાબાંને’ બાબાને’ વગેરે કાવ્યો કલાપીની કોમળ લાગણીનાં જ પ્રતીક બને છે; જ્યારે ‘મનુષ્ય અને કુદરત,’‘વ્હાલીને નિમંત્રણ,’ ‘એક ચંડોળ,’ ‘અતિ મોડું’ ઇત્યાદિ કાવ્યો કવિહૃદયમાં ચાલી રહેલી પ્રેમની ગડમથલ સૂચવે છે. પણ આ વર્ષનું સૌથી વધુ લક્ષમાં લેવા લાયક કાવ્ય તો ‘હૃદયત્રિપુટી’ છે. શોભના તરફના સ્નેહમાંથી ઉદ્ભવતું પ્રીતિ અને નીતિનું જે દ્વંદ્વ યુદ્ધ આ પ્રણયી રાજવીના અંતરમાં ચાલી રહ્યું હતું, તેનો જ કૈંક વાસ્તવિક અને કૈંક કાલ્પનિક વૃત્તાંત કવિ આ કાવ્યમાં આપે છે, ને આ રીતે એ તુમુલ તોફાનને શમાવવા મથે છે. અંતે તે કહે છે કે:—
“મ્હાલ્યાં ત્રણે હૃદય એક જ સ્વપ્ન માંહી,
સાથે મળી જ્યમ મળે દરિએ નદી બે.”
આ કથામાં પ્રેમની ઝંખના છે, ને કાલ્પનિક સૃષ્ટિ છે; તેથી પ્રેમ અને કલ્પનાના પ્રોજ્જ્વળ રંગોમાં વાસ્તવિકતાના અંશો ક્યાંય ઢંકાઈ જાય છે.
વિશેષમાં, આ વર્ષ ‘ભરત’, ‘એક આગીઓને,’ ‘એક ઘા,’ ‘રખોપીઆને’ વગેરે, મનુષ્યેતર પ્રાણીઓ તરફ કવિની કોમળ અનુકંપા દર્શાવતાં કાવ્યો પણ આપે છે. આમ ગૂઢ પ્રેમદર્દ, ગૃહજીવનના કોમળ ભાવો, અને ભૂતદયાઃ આ ત્રણ આ વર્ષના કલાપીસર્જનનાં મુખ્ય લક્ષણો છે.
પ્રેમના આ આંતરવિગ્રહ વખતે કલાપીની કાવ્યસરિતા ઇ. સ. ૧૮૯૭ માં વધારે વેગથી વહે છે. રાગ અને ત્યાગ, સૌન્દર્ય અને સંગીત, આશા અને નિરાશાનાં કવિહૃદયમાં વમળ સતત ચાલુ જ રહે છે. ‘વીણાનો મૃગ’ અને ‘અસ્વસ્થ ગૃહિણી’ એ સૌન્દર્યદર્શી, સંગીતપ્રેમી અને કોમળ હૃદયવાળા કવિની અસ્વસ્થતા જ પૂરવાર કરે છે. ભરતીએ ચઢેલા કવિના પ્રેમસાગરના ઘૂઘવાટા પાછા ચાલું જ રહે છે અને એના ગર્જનના પડઘા કેટલાંયે આત્મલક્ષી પ્રેમ–કાવ્યોમાં સંભળાય છે. ‘ઈશ્કનો બન્દો,’ ‘હું ત્હારો હતો,’ ‘ઇશ્ક–બિમારી,’ ‘તે મુખ.’ ‘તારાં આંસુ’ વગેરે કેટલાંયે કાવ્યોમાં આ એક જ ભાવ ઉભરાઈ ઉભરાઈને આગળ વધે છે અને ક્વચિત્ તેમાં ‘જન્મદિવસ’ ‘રુરુદિષા,’ ‘પરવાર્યો’ ઇત્યાદિ નિરાશાના રંગ પૂરે છે. પ્રેમના તોફાને ચઢેલું કવિહૃદય તેથી ક્રમશઃ નિરાશ ને નીરસ બનતું જાય છે. આવી નિરાશામાં તે કહે છે કે—
“બે ચાર જન્મદિવસ વહી કાલ જાશે,
ને મૃત્યુની જલદ પાંખ સમીપ થાશે.” (જન્મદિવસ)
આ વર્ષ કલાપી માટે પ્રેમની પરાકાષ્ટાનું હોઈને તેનાં સર્વાનુભવરસિક કાવ્યોનું મૂળ પણ તેની હૃદયવ્યથા જ છે. આ સમયમાં તેના લાગણીવશ હૃદયને શોભના માટે શું શું લાગતું હતું તે તેણે કાન્તને તા. ૨૬–૧૨–૯૭ના રોજ લખેલા પત્ર ઉપરથી સમજાય છે. તેમાં કલાપી લખે છે કે:–“મારે માટે સહેવાનું રહ્યું છે, તે બહુ લાગતું નથી…… જે બાળા કોઈ વખતે મ્હારી શિષ્યા હતી, કોઈ વખતે પ્રિયા હતી, તેના આત્માનો વિકાસક્રમ શી રીતે ચાલે છે, તે જોવાની અને તેમાં કંઈ મદદ કરવાની, તેને મારી સાથે દોરી જવાની મ્હારી બધી આશાઓ તુટી પડી છે, એ બહુ લાગે છે. તે બીમારી શી રીતે સહન કરી શકશે?…… કદાચ મને શાન્તિ મળશે પણ ખરી. પણ જ્યાં હું ઊભો હોઉં ત્યાં તે ન હોય, જ્યાં તે હોય ત્યાંથી એક તસુ પણ ઉપર લેવાને મ્હારી પાસે કશું સાધન પણ ન મળે, અરે તે નિરંતર સળગતી જ રહે, એ તો મ્હને ગમે ત્યારે ય કેમ લાગ્યા વિના રહેશે ?” આ પંક્તિઓ કલાપીની હદયવ્યથા વ્યક્ત કરવા પૂરતી છે.
‘હમીરજી ગોહેલ’ નામે અપૂર્ણ રહેલું મહાકાવ્ય પણ આ વર્ષે જ રચાયું હતું.
પ્રતિકૂળ સંયોગો પલટાય છે, કેટલાંક હૃદયો બદલાય છે, ને અંતરાયો તે અનુકૂળતાઓમાં પરિણમે છે. કલાપીને અંતે શોભના મળે છે, જાહેર રીતે ને સર્વસંમતિથી; નહિ સત્તાથી કે નહિ જુલમથી. ઇ. સ. ૧૮૯૮નું વર્ષ કવિ માટે પ્રેમપ્રાપ્તિનું નિવડે છે; અને તેથી હૃદયના તુમુલ તોફાનનો, અને ધોધમાર કાવ્યપ્રવાહનો જલદી અંત આવે છે. ‘કેકારવ’માં કાવ્યરચનાનો દિવસ આપતાં કાવ્યોની મોડામાં મોડી તારીખ ૪–૬–૯૮ની છે. ત્યાર પછીથી તે કવિના અવસાન સુધીમાં રચાયેલાં, છતાં રચના–દિનના નિર્દેશ વિનાનાં કાવ્યો સંખ્યા તેમજ ગુણવત્તામાં અતિ અલ્પને સામાન્ય છે; અને ‘કેકારવ’માં આવાં કાવ્યો માત્ર થોડાંક પૃષ્ઠ જેટલી જગા રોકે છે, તે જ હકીકત કવિના કાવ્યઝરણાનો મંદ વેગ અને અંત બતાવવા માટે બસ છે. ઇ. સ. ૧૮૯૮ના જુલાઈની ૧૧મી તારીખે કલાપીએ શોભના સાથે લગ્ન કર્યું. તેથી તેને પરમ શાંતિ મળી, અને જીવનમાં પરિવર્તન થયું. આ પહેલાં તો તેના હૃદયમાં પ્રેમ ને મૃત્યુ, આશા ને નિરાશા, બેહિશ્ત ને જહન્નમ પરત્વે ભયંકર તોફાન મચી રહ્યું હતું. તા. ૪–૬–૯૮ સુધીમાં લખાયેલાં કાવ્યો ‘નિદ્રાને’, ‘જીવનહાનિ’, ‘ઉત્સુક હૃદય’, ‘પ્રિયાને પ્રાર્થના’, ‘દીલને દિલાસો’ આદિ કવિના પ્રેમદર્દના જ પુરાવા છે. ‘ઉત્સુક હૃદય’નું કાવ્ય તો કલાપીનો હૃદયપલટો–તેના જીવનનું પરિવર્તન–તેની લાખો નિરાશામાં પણ પ્રગટ થતું પ્રકાશમય આશાકિરણ જ બતાવે છે. શોભના સાથેના લગ્નના આગલે જ દિવસે આ કાવ્ય રચાયું છે, ને તેથી તે કવિહૃદયના પલટાતા ભાવ દર્શાવે છે. કવિ એમાંથી પરમ આશ્વાસન મેળવે છે; ને આનંદભર્યા આવેશમાં તે અહીં એકાએક બોલી ઊઠે છે કે:—
“ગઈ છે ચિંતા સૌ, અનુકૂળ વિધિયે થઈ રહ્યા,
અમારાં ભાવીને, વણકર વિધાતા વણી રહ્યો !
પ્રભુએ, વ્હાલાંએ, જગત્ પરના લોક સઘળે
દીધો નિર્મી તેનો, મધુર કર મારા કર સહે.”
ઇ.સ. ૧૮૯૮ના ઉત્તરાર્ધથી કવિના અવસાન સુધીમાં રચાયેલાં થોડાંક કાવ્યો પ્રેમપ્રાપ્તિના કાળમાં જ લખાયેલાં કહી શકાય. ‘સનમને’, અને ‘આપની યાદી’ એ બે જ ગઝલો આમાં ધ્યાનપાત્ર છે. ઈ. સ. ૧૯૦૦માં કવિજીવનના અંત સાથે આ કાવ્યપ્રવાહ પણ કાયમનો અલોપ થાય છે. સ્નેહી સુરસિંહજી–એ રાજવી કવિ–સદાનો ગયો, અને પાછળ રહ્યો સૌરભભર્યો એ કલાપીનો કેકારવ.
કલાપીનાં કાવ્યોના મુખ્યત્વે આપણે ચાર પ્રકાર પાડી શકીયેઃ (૧) સ્વાનુભવરસિક કે આત્મલક્ષી કાવ્યો (૨) સર્વાનુભવરસિક કે પરલક્ષી કાવ્યો (૩) અનુવાદો ને (૪) ગઝલો. આ પ્રકારો આપણને સ્થૂલ દ્રષ્ટિએ વિવિધ લાગે છે, પણ વસ્તુતઃ તો તે બધા કવિના એકરૂપી આત્મલક્ષિત્વના જ સમાન સૂત્રમાં પરોવાયેલા છે. કવિહૃદયનો સૌથી વધુ બળવાન અને પ્રભાવશાળી ભાવ તો કેવળ પ્રેમ જ છે, અને એ પ્રેમના જ વિવિધ રંગ કલાપીની કવિતામાં વિલસે છે. ક્વચિત્ તે અતિ પ્રોજ્જ્વળ હોય છે; ક્વચિત્ તો સૌમ્ય, તે ક્વચિત્ તે ઝાંખા, ક્વચિત્ તે આંખને આંજી નાખે તેવા, તો ક્વચિત્ નેત્રને શીતળ અને આનંદકારી નિવડે તેવા હોય છે. અથવા સ્પષ્ટ રીતે કહીએ તો એ પ્રેમ બહુધા તો સ્થૂલ મસ્ત શૃંગાર રૂપે દેખાય છે, કોઈક વખત તે ગૃહજીવનના કોમળભાવ દાખવે છે, તો ક્વચિત્ માનવજાતિ તરફના સદ્ભાવનું સ્વરૂપ લે છે. કોઈક વખત તે ભૂતદયા રૂપે રજુ થાય છે, કોઈક વાર તે પ્રભુને પ્રિયા–માશુક–માની દિવ્ય આકર્ષણ બને છે, અને કોઈક વખત વળી તે પ્રકૃતિનાં પૂજન કરતા દૃઢ અનુરાગમાં પરિણમે છે. એ દિવ્ય આકર્ષણ કવિની કેટલીક ગઝલોનો વિષય બને છે, અને એ પ્રકૃતિપૂજન તેની કેટલીયે આત્મલક્ષી અને બહુધા અનુવાદ રૂપે રચાયેલી કવિતાનું નિમિત્તકારણ બને છે. પ્રકૃતિ તે કવિને મન ઇંગ્રેજ કવિ વર્ડઝવર્થની માફક પ્રેરક ને શાસક બને છે. તેની સૌંદર્યદ્રષ્ટિ ઉપર પૂજ્યભાવ પ્રેરતું આ પ્રકૃતિ–દર્શન પ્રચુર અસર કરે છે, અને અંતે આ અસર પ્રેમપટમાં જ એક બળવાન તંતુ તરીકે ભેગી વણાઈ જાય છે. કવિનાં પરલક્ષી કાવ્યોમાં પણ આ પ્રેમ જ વિવિધ સ્વરૂપે ઓતપ્રોત થયેલો છે. તેમાં ક્વચિત્ ગૃહજીવનના જ કોમળ ભાવો છે. ક્વચિત્ માનવસદ્ભાવ છે, તો ક્વચિત્ ભૂતદયા છે. આ પરલક્ષી કાવ્યોના દોષનિરૂપણ માટે લેખકે ન્યાયી વિવેચક થવું જોઈએ, પણ આવી કડક વિવેચકવૃત્તિ આજે ‘અર્ધ્ય’ આપવાના પ્રસંગે તેને માટે અનુચિત છે. પ્રસ્તુત લેખનો હેતુ આવી કવિતાના ગુણદોષ ચર્ચવા કરતાં, કલાપીના જીવનને અને તદનુરૂપ વહેતા કવનને સમજીને ગુણપ્રધાન દ્રષ્ટિએ તેનાં યોગ્ય મૂલ્ય આંકવાનો છે; અને આ હેતુ તેનાં આત્મલક્ષી કાવ્યોમાં ખાસ સિદ્ધ થાય તેમ જણાય છે.
કલાપીનું જીવન મુખ્યત્વે સ્થૂલ મસ્ત પ્રેમના કલહમાં જ વ્યતીત થતું હોવાથી તેને હંમેશાં કોમળ લાગણીના પ્રસંગોની જ ઝાંખી થયા કરે છે. આ લાગણીના આવેશમાં કવિની કલમ ઘસડાતી જાય છે, અને તે કલાદ્રષ્ટિને કે વિવેકશક્તિને વિસારે પાડે છે. તેના હૃદયસ્થ ભાવોને વ્યક્ત કરવા શબ્દો જાણે કે ખૂટી જાય છે. કવિ વર્ડઝ્વર્થની કોયલની જેમ કલાપીની દ્રષ્ટિ પણ વળી વળીને ધરતી તરફ જ ઢળે છે; અને તેના તરફ તે અનુકંપા દર્શાવે છે. કલાપીનાં કાવ્યોને યોગ્ય રીતે સમજવા માટે વાચકે પ્રથમ તેના લાગણીવશ કોમળ હૃદયને પરખવું રહ્યું. આ હૃદયગિરિમાંથી ઉદ્ભવતા લાગણીના ધોધમાર પ્રવાહને કલાપી નિરંકુશ રીતે યથેચ્છ વહેતો મૂકે છે, અને તેમાં તે ભાવનાશીલ યુવકોને તરબોળ કરી મૂકે છે. તેના શબ્દો એટલા તો સરલ અને સ્પષ્ટ છે, તેની ભાષા એટલી પ્રવાહી ને સુંદર છે, અને તેના ભાવ એટલા હૃદયસ્પર્શી ને કોમળ છે કે વાચકવર્ગ તેની નાજુક ને લીસી કાવ્ય–દોરી ઉપરથી સરળ રીતે નીચે સરકી જાય છે. આ બધું તેના હૃદયમાં ચાલી રહેલા પ્રેમ–કલહનું જ પરિણામ છે.
પ્રેમના આ તુમુલ તોફાનમાં કલાપીને સમગ્ર જગત નિષ્ઠુર અને વિસંવાદી લાગે છે. વિશ્વ માત્ર તેને અનુકંપા–વિહીન અને રસ–શૂન્ય લાગે છે. તે કહે છે કે:—
“નથી નથી મુજ તત્ત્વો વિશ્વથી મેળ લેતાં,
હૃદય મમ ઘડાયું અન્ય કો વિશ્વ માટે.” (વૈરાગ્ય)
XXX
“દરદદીલની વાતોને એ ન છે સૂણનાર કો;
XXX
જગત સઘળું અક્કેકાની અસાર મુસાફરી.”(એક ચંડોળને)
અને શોભનાને ખાતર તેને કેટ–કેટલું લાગી આવે છે ? તે કહે છે:—
“હું તો બળીશ; બળતાં ઈનસાફ થાશે !
તું શું નહિ કુદરતે કદી ન્યાય પામે !
XXX
ટૂંકાં જ છે જીવિત ને દુઃખભાર મ્હોટા,
ને મૃત્યુની પછી કશો રસસ્વાદ ના ના !” (ત્યજાયલીને)
“ભેટો બને નવ બને પ્રભુ જાણનારો,
કિન્તુ મિલાપ નકી આખર એક સ્થાને !”
“બે ચાર જન્મદિવસો કાલ વહી જશે, અને મૃત્યુની જલદ પાંખ સમીપ થશે.” “પ્રીતિ અંતે મરણ અથવા ક્રૂરતા કે નિરાશા” જ કવિહૃદય અનુભવે છે. હૃદયમાંથી ઉલ્લાસ જતો રહેતાં “જીવનબાગ સૂકાય છે.” જગત્ છેક નિષ્ઠુર જણાય છે, અને પ્રભુ ને પ્રકતિ પાસે કવિ પોતાના હૃદય માટે ન્યાય માગે છે. કવિ કેવળ નિરાશ ને નિરાધાર બને છે. તેના છેલ્લા શ્વાસ વહે છે, જીવનની વસંત પાનખરમાં પલટાતી જાય છે; અને “મૃત્યુ તણા પડઘા શ્રવણે સૂણાય છે.” કવિજીવન આમ ગાઢ અંધકારમાં લપેટાતું જાય છે; તેને નથી કોઈ દિશા સૂઝતી કે નથી કોઈ પ્રકાશ—કિરણ મળતું. આવી વિષમ પળે પ્રકૃતિદર્શનમાં જ કવિને કાંઈ આશ્વાસન મળે છે. પ્રકૃતિના ભિન્ન ઉચ્ચતર અંશો કવિ માટે જગતની જડતા હઠાવે છે, અને પ્રકૃતિનો સમભાવ તેને આશ્વાસન દેતો ચૈતન્ય અર્પે છે. કલાપીનું કુદરત તરફનું વલણ જાણવામાં આ જ સમજ આપણને ખૂબ ઉપયોગી થાય છે.
કલાપી તે સ્નેહી હતો કે કવિ એ પ્રશ્ન ઉપર આજ સુધીમાં ઘણો ઉહાપોહ થયો છે; પણ વસ્તુતઃ તે ‘કવિ’ ને ‘સ્નેહી’ એ બે શબ્દો કાંઈ વિરોધાત્મક નથી. કવિ તે સ્નેહી હોઈ શકે એ જેમ સાચું છે. તેમ સ્નેહી તે કવિ હોઈ શકે તે પણ સત્ય છે. સ્વ. કાન્ત કહે છે કે “જો ‘જેની દ્વારા કવિતા ઉતરી શકે તે કવિ,’ એ વ્યાખ્યા સ્વીકારીએ તો બેશક કલાપી સૌરાષ્ટ્રના એક ઉચ્ચસ્થિત કવિ છે. પણ ‘કવિતા રસમાં જે નિમગ્ન હોય તે કવિ,’ એ વ્યાખ્યા સ્વીકારતાં કલાપીને એ વર્ગમાં મૂકી શકાય તેમ નથી.” કવિતાનું ઉત્પાદક મૂળ તે નિરતિશય લાગણી છે; અને આવી પ્રચુર લાગણીઓ કલાપી ચમત્કારિક રીતે વ્યક્ત કરે છે. આ રીતે કલાપીના કવિત્વનો સ્વીકાર કરવામાં જરાયે વાંધો નથી; પરંતુ ‘સ્નેહી’ અને ‘કવિ’ એ શબ્દોથી કલાપીજીવનના બે ભિન્ન વિભાગ પાડવા તેમાં સાચી પરખશક્તિ નથી. સત્ય વસ્તુ તો એ છે કે કલાપી સ્નેહી હતા માટે જ કવિ થઈ શક્યા; અને ગૂઢ કવિ હતા તેથી જ સારા સ્નેહી બની શક્યા.
કલાપીનાં કાર્યોને કાળાનુક્રમે વિચારતાં જણાય છે કે તેના હૃદયનો સ્નેહ કુદરતના કમનીય દર્શનમાંથી ઉદ્ભવતા ભાવ સાથે સંવાદી રીતે ભળી ગયો છે. અનેકશઃ કવિજીવનને નિરાશાની ખીણમાં પડતું બચાવી લેઈ કુદરતનાં અવનવાં તત્ત્વો તેના સ્થૂલ પ્રેમને નિર્મળ બનાવી વધુ સ્થિર ને વ્યાપક કરે છે. પ્રેમ અને પ્રકૃતિપૂજન આમ કવિહૃદય ઉપર ચિરકાળ પ્રભુત્વ ભોગવે છે, અને તેમાં આશાનિરાશાના રંગ ભેળવે છે.
સ્થૂલ વિલાસને ઝંખતો કવિનો સ્નેહ ક્રૂર જગતના હાથે ક્ષણ ભર પરાભવ પામે છે, અને નિરાશાને વરે છે. અંતે એ નિરાશા કવિને ચિંતન–મંથનને માર્ગે દોરી જાય છે, અને તેથી તેનો પ્રેમ ‘માયિક’ મટી ‘અનલક્કક’ ને સ્વીકાર કરે છે. આ ભિન્ન સંયોગોમાં યે કલાપીને ઇશ્ક લાધે છે, માશુક મળે છે, અને અનલ–હક્કનો અનુભવ થાય છે. પણ આ પ્રેમ કોઈ ઉચ્ચ પ્રકારનો હતો, દૈવી ને પાવન હતો. તેની પ્રબળ ને અનિવાર્ય અસર અનુભવતાં કવિ આખા વિશ્વને પ્રેમથી જ છલોછલ ભરેલું દેખે છે. મસ્ત બની તે કહે છે કે:
“જો ઈશ્ક ના તો શું ખુદા ? આલમ કરી તો યે ભલે,
જો ઈશ્ક ના તો શું જહાં ? એને ખુદાએ શું કરે ?
XXX
એ ઈશ્કની લાલી મહીં લાખો ખુદા ઘેલા બન્યા,
એ લાખમાંના એક પણ જુદાજ કૈં ઘેલા હમે ?”
(ઇશ્કનો બન્દો)
આમ કલાપીની ગઝલો માધુર્ય, ઊર્મિ, મસ્તી, નિરાશા, સ્થૂલ અને દિવ્યપ્રેમ: આ બધાં તત્ત્વોથી અંકિત છે. તેમાં વ્યક્ત થતી કવિની ઘેલછા ને આવેશ તેના જીવનને અને કવનને પારદર્શક અને કમનીય બનાવે છે.
કલાપી એ યુવાન કવિ હતો, ને યુવાનોનો જ માનીતો કવિ બન્યો. તેની કવિતામાં હૃદયની નિખાલસતા છે, ભાવની કોમળતા છે, અર્થની સ્પષ્ટતા છે, સુંદર શબ્દચિત્રો છે, ને ભાષાની પ્રવાહિતા છે, જે હૈયે તે હોઠે, અને તે જ કલમે : એ તેનો સ્વયં–સ્વીકૃત સિદ્ધાંત છે. કાન્તના શબ્દોમાં કહીએ તો “કલાપીનો કેકારવામાં મધુરતા છે, મૃદુતા છે, સરલતા છે, ઉદારતા છે, કહો કે પ્રભુતા છે… તેના હૃદયમાંથી કવિતા વહે છે… તેની કલા સ્વાભાવિક, કુદરતી છે…… (ને) જીવનની હોઇને વધારે સ્થાયી છે.” સ્નેહસાગરમાં પ્રપાત પામેલા આ સુરસિંહની વાણીમાંથી કોમળ ભાવ, ને સ્વાર્પણ માટે ય સામર્થ્ય દાખવે તેવો પ્રેમ જ નિતાન્ત નિતર્યા કરે છે. ‘કરૂણ હૃદયના સરલ, સ્પષ્ટ, સ્વાભાવિક સાહજિક ઉદ્ગારો” જ તેમાં પ્રાયઃ ભરેલા છે. કલાપીમાં “વાર્તારસ, વર્ણન છટા, કુદરતી પિછાન અને શબ્દની સરળ સરતી મિલાવટના જેવા ગુણોથી લાગણીનું શબ્દમય અવતરણ સફળ બની જાય છે, અને તેથી આધુનિક વાચકો તેના પર ફીદા ફીદા થઈ જાય છે.” ક્ષમા, ઉદારતા, સંગીતશોખ ઇત્યાદિ જેવાં ઉદાત્ત તત્ત્વો, છંદોનું વૈવિધ્ય ને શબ્દોનું પ્રભુત્વ તેમાં કેટલાંક કાવ્યોને કાન્ત ને કોમળ પદાવલી અર્પે છે, અને વાચકને મંત્રમુગ્ધ જ કરે છે. કવિ ન્હાનાલાલ કહે છે કે:– “કેકારવ એટલી કલાપીના અન્તરોદ્ગારની ગીતાવલી.” કલાપીની આ મધુર કેકાના ત્યારે સમગ્ર ગુજરાતમાં પડઘા પડતા. બે દશકા ઉપર એવો પણ એક સમય હતો કે જ્યારે દરેક સાહિત્યપ્રિય યુવક ‘કેકારવ’ને જ ઝંખતો અને તેની ભાવવાહી પંક્તિઓ કંઠસ્થ કરતો. કલાપીહૃદયના સ્વયંભૂ સરળ ઉદ્ગારો તેમની કોમળતાથીઆંસુના રંગથી–વધુ આકર્ષક બને છે, અને તેની કરુણતા જ વાચકને આહ્લાદ અર્પે છે. કરુણતા એ જ કલાપીની કવિતાનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ સત્ત્વ છે, અને તેથી જ તે ‘આંસુ પાડી અને પડાવી શકે છે.’
આમ આ યુવાન રાજવી–કવિ જીવન ને કવનનો સમન્વય સાધતો ગયો, અને અલ્પ આયુષ્યમાં કે સાહિત્યમાં પોતાનું અમર સ્થાન મૂકતો ગયે. તેણે હૃદયના કોમળ ભાવોનો ધોધમાર કાવ્યપ્રવાહ વહેવરાવ્યો; તેણે માનવજીવનની ઉદાત્તતા ગાઈ; તેણે પ્રકૃતિનાં પૂજન કવ્યાં, અને દિવ્યપ્રેમને શબ્દ–દેહ દીધા. તેની મસ્ત નિરંકુશ વાણી, તેની નિતાન્ત નિખાલસતા, તેનું વિરલ આત્મસમર્પણ અને તેને ભાષાપ્રભુત્વ: સૌએ મળી તેને ‘કવિપદ’થી નવાજ્યો, અને કીર્તિના શિખરે સ્થાપ્યો. તેની આ કવિતાના પાછળથી અનેક પ્રશંસકો જાગ્યા. જે રાજવી હતો અને કવિ હતો, તે કલાપીને શિષ્યોએ ગુરુભાવે સત્કાર્યો અને સન્માન્યો. અંતે એ પૂજામાં કલ્પનાના રંગ ભળ્યા, ને અતિશયોક્તિનું મિશ્રણ થયું. પરિણામે, કલાપી માનવી મટ્યો, ને દૈવી મનાયો; આત્મૈક્ય સાધતો યોગી ગણાયો. સ્વ. ‘મસ્ત’ અને ‘સાગર’ જેવા કવિઓએ લાગણીના આવેશમાં સત્ય સાહિત્યદ્રષ્ટિને વિસારી કલાપીને અન્યથા નિહાળ્યો. તેથી તેમણે પોતાના આ ગુરુદેવને અસંખ્ય પરિમલભર્યાં પ્રશંસા–પુષ્પોથી દાબી દીધો, ને સાહિત્યક્ષેત્રમાં અદીઠ જેવો કર્યો. કલાપી ત્યારથી તત્ત્વજ્ઞાની ગણાયો, ને ‘અનલહક્ક’નો સાક્ષાત્કાર કરતો ઉત્તમ ઓલીયો મનાયો. આ અનુચિત ગૌરવભાવે, આ અયોગ્ય પ્રશંસાએ અંતે તો કલાપીને અન્યાય જ કર્યો. તેના ભક્તો જેમ વધતા ગયા, તેમ તેના નિંદકોમાં ય ભરતી થતી ગઈ. નમ્ર અને નિખાલસ આ કલાપી વિષે તેના અકાળ અવસાન પછી પ્રશંસકો ને વિરોધીઓ વચ્ચે મતભેદના પ્રબળ સૂર પ્રવર્ત્યા. આ સંજોગોમાં, કલાપીને ન મળ્યો સાચો ન્યાય, કે ‘કેકારવ’ને ન લાધ્યાં યથોચિત મૂલ્ય. સાચી ન્યાયવૃત્તિ અને સૌન્દર્યદર્શી વિવેચકશક્તિ, બંને બાજુએ રહ્યાં; અને તેથી કલાપી ને તેની કવિતા, ઉભય સાચા સ્થાનથી વંચિત રહ્યાં.
કલાપીની કવિતામાં ગુણની જમા બાજુ છે, તેમ દોષોની ઉધાર બાજુ પણ છે. તે કાંઈ અદ્ભુત ક્રાન્તદર્શી નથી, કે કવિકુલગુરુ નથી. ભાવ પરત્વે, ભાષા પરત્વે ને કલા પરત્વે તેની કવિતામાં કેટકેટલાયે દોષો ગણાવી શકાય તેમ છે. પણ આવું દોષનિરૂપણ તે કાંઈ પ્રસ્તુત લેખનો વિષય નથી. છતાં. તેની કવિતા વિષે કલાપીનું જ વક્તવ્ય ને તેનો પોતાનો જ પરોક્ષ અભિપ્રાય આ દિશામાં આપણને સાચું માર્ગદર્શન કરાવે છે:
“તે અશ્રુઝરણું જ શોણિત સમું તે કાવ્યમાં છે ભર્યું.”
(પાન્થ પંખીડું)
“દુનીયામાં સદા વીતે તેની આ મુજ વાત છે;
કલા છે ના, નવું છે ના, રસીલુંય નહિ કશું.”
(વૃદ્ધ ટેલીયો)
“મારી ગરીબ કાવતા બસ કાંઈ રોતી.” (જીવનહાનિ)
કાન્ત ઉપરના પત્રોમાં પણ કલાપી કબૂલ કરે છે કે:— જેવો વિચાર આવ્યો તેવો ફેંકી દેવાની ટેવ પડી ગઈ છે”; … “મારી કવિતાને હું કવિતા કહેતો નથી. હું કવિ છું એવું હું માની શક્યો નથી, x x x મને વિચારો ગોઠવતાં આવડતું નથી. મારા જીવનમાં કલા નથી, માત્ર લાગણીઓ છે. અને મારી કવિતા પણ તેવી જ છે. હું જે કાંઈ લખું તે મને જ આનંદ આપી શકે તેવું ય થતું નથી.
કલાપીના આ એકરારમાં કોઈને વિશિષ્ટાત્માનો વિનય કે મહાત્માનું મિતભાષિત્વ લાગે તે સંભવિત છે. પણ નિષ્પક્ષપાત વિવેચકને તો કલાપીના પોતાની કવિતા વિશેના આ પરોક્ષ કે પ્રત્યક્ષ ઉદ્ગાર સત્યપ્રાય અને સમીચીન જણાશે.
કલાપીની કવિતાનું હાર્દ સમજવા અને તેનાં સાચાં મૂલ્ય આંકવા વાચકમાં સમભાવશીલ હૃદય જોઈએ ને તેના સંયોગોની પરખ જોઇએ. અનેક પત્નીત્વથી અંકાયેલું કવિનું ઉચ્ચ રાજવીપદ, તેનું કરુણ ગૃહજીવન, તેનું અશ્રુ–ભીનું કોમળ હૃદય ને તેનું યુવાન વય : આ બધાંને લક્ષમાં લેવાથી જ કલાપીની કવિતાને સાચો ન્યાય આપી શકાશે. વળી, કલાપીના અવસાન પછી કાન્તના હાથે તૈયાર થયેલા તેના ‘કેકારવ’માં કવિનાં બધાં જ કાવ્યો–સુલભ થયાં તેટલાં બધાં જ–પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે, અને કવિત્વના શૈશવકાળે આરંભદશામાં જ લખાયેલાં તુચ્છ કે હીન કાવ્યોને ઉચ્ચ કાવ્યોમાંથી જુદાં પાડી તેમને અપ્રગટ રાખવામાં આવ્યાં નથી તે હકીકત પણ ખૂબ ધ્યાનમાં લેવા જેવી છે. વાચક જો આ બધી વિગતોને ઉવેખે અને વિવેચક જો તે અવગણે, તો તેથી કલાપીના કવિત્વની સાચી કસોટી નહિ થઈ શકે. કવિ ન્હાનાલાલ કહે છે તેમ “માત્ર છવ્વીસ વર્ષની વયમાં, અને તે પણ એક રાજવીએ કેકારવ ગાયો છે, એ ઇતિહાસ સ્મરણમાં સાંભરી આવે છે, ત્યારે ત્યારે તો સાનંદાશ્ચર્યની ભરતી જ ઉભરાઈ રહે છે.” કલાપી પોતે પણ વાચક પાસે આવી સહૃદય સહાનુભૂતિ માગી જ લે છે ને ?
“વિના અશ્રુ જોશે, જન દુઃખ જનો જ્યાં સુધી અરે !
કવિતાના ભોક્તા, સુખમય રસીલા નહિ બને !”
(કુદરત અને મનુષ્ય)
આમ કલાપીજીવનને અને તેના કવિત્વને યોગ્ય રીતે સમજવા માટે જેમ વીરપૂજા કે ગુરુભક્તિ એ સાચું હોકાયંત્ર નથી, તેમ કવિ તરફ તિરસ્કાર કે અવગણના રાખવી તે પણ સાચું દૃષ્ટિબિંદુ નથી. કલાપીએ તેની ભરજુવાનીના મંથનકાળમાં કે જ્યારે વિચારો પુખ્ત કે પરિપક્વ નથી હોતા, ત્યારે આવી કવિતાનો પ્રબળ ધોધ વહેવરાવ્યો તે જ અતિ અગત્યનું છે. ગુજરાતનું કાવ્યસાહિત્ય જ્યારે જૂના જમાનામાંથી નવયુગમાં સંક્રાંત થતું હતું, ત્યારે આ સંક્રાતિ–કાળે કલાપીએ પોતાના ‘કેકારવ’થી સાહિત્યમાં સુંદર ફાળો આપ્યો.
કલાપીની કવિતાના વિશિષ્ટ ગુણો જો આપણે ફરીથી સંક્ષેપમાં ગણાવીએ, તો કહેવું પડે કે કાન્તની કલાની નહિ પણ તેની કરુણતાની, દયારામના પદલાલિત્યની નહિ પણ તેની પ્રેમ–ભક્તિની, પ્રેમાનંદની રસ–સંક્રાંતિની નહિ પણ તેની ચિત્રશક્તિની, ન્હાનાલાલની કલ્પનાની નહિ પણ તેમની વિશદતાની, ખબરદારની વીરતાની નહિ પણ તેમની મધુર કોમળતાની, અને બોટાદકરની રસિકતાની નહિ પણ તેના ગૃહજીવનના સુંદર ભાવોની કલાપીમાં વત્તી ઓછી ઝાંખી થાય છે તો ખરી જ !
અંતમાં, કલાપીને કાવ્યગિરિના ઉન્નત શિખરે બેસાડવો, કે તે ગિરિની માત્ર તળેટીએ જ તેને રાહ જોતો ઉભો રાખવો, એ બંને સરખું જ અન્યાયભરેલું છે. તેનાં સારાં કે ખોટાં, પ્રારંભનાં કે પછીનાં, અંગત કે સર્વસામાન્યઃ આ સૌ કાવ્યો તેના ‘કેકારવ’માં સંગૃહીત થયાં હોવાથી જ તેને કદાચ અન્યાય થવાનો યે સંભવ છે. પણ તેની નાની ઉંમર, ગુજરાતી કાવ્ય–સાહિત્યની દરિદ્રતા, કલાપીની કેટલીક સુંદર કવિતાઓ ને ગઝલો, અને કાવ્યક્ષેત્રની મર્યાદા: આટલા મુદ્દાઓ જો ધ્યાનમાં રખાય, તો વાચક કલાપીને બીજા વર્ગના ગુર્જર કવિઓમાં બહુ ઊંચું સ્થાન આપવા પ્રેરાશે. ‘કલાપી વિશેષ જીવ્યો હોત…તો’ એ ‘જો’ ને ‘તો’ની કલ્પના આજે નિરર્થક છે. તેનાં વર્તમાન કાવ્યો ઉપરથી જ જો આપણે યોગ્ય અભિપ્રાય આપીએ તો એટલું તો કહેવું જ પડશે કે કલાપી કવિ કરતાં સ્નેહી વધારે છે, સર્વાનુભવરસિક કરતાં સ્વાનુભવરસિક વધારે છે, કામી કરતાં શૃંગારી વધારે છે, સંસારી કરતાં સાધુ વધારે છે, રાજવી કરતાં વૈરાગી વધારે છે, વ્યાવહારિક કરતાં ભાવનાશીલ વધારે છે, ને શૂરવીર કરતાં રોનાર વધારે છે. મધુર કેકા ટહુકતા એ કલાપીને, યુવાન રાજવી–કવિને સાહિત્યપ્રિય અને રસિક જનનાં નમ્ર વંદના હો–વંદન હો !
- ↑ ૧ અને હવે પછી આ પુસ્તકનો જ્યાં જ્યાં ઉલ્લેખ હોય કે તેમાંથી અવતરણ હોય ત્યાં તેની પાંચમી આવૃત્તિ જ સમજવા વાચકને વિનંતિ છે.