કલાપીનો કેકારવ/કન્યા અને ક્રૌંચ
← છેલ્લી સલામ | કલાપીનો કેકારવ કન્યા અને ક્રૌંચ કલાપી |
પુત્રીમરણથી હસતો પિતા → |
કન્યા અને ક્રૌંચ
ખળખળ વહે વ્હેળું ગાતું ધ્વનિ મધુરા જહીં
ફરફર સરે વાયુ ધીમે લતા તરુ ઝૂલવી;
રુચિર વનમાં તેવે જ્યારે ડૂબે રવિ પશ્ચિમે,
કિરણ કુમળાં પીળી પીળી પ્રભા રૂડી પાથરે!
વિટપ વિટપે વૃક્ષોની ત્યાં વિહંગ કૂદી રહ્યાં,
મધુર ગીતડાં ગાઈ ભોળાં નવી પ્રીતિ બાંધતાં;
ચિર સમય ઓ પક્ષી વ્હાલાં! રહો તમ જોડલાં!
ચિર સમય સૌ પાંખે પાંખો રહો દૃઢ જોડતાં!
પણ વળી તહીં દૈવી મીઠા સ્વરો કંઈ આવતા,
રમણીય પ્રભાની લાલીમાં મળી સહ રેલતાઃ
પરભૃત સમા કંઠે આવા સુનિર્જન સ્થાનમાં,
મૃદુ મૃદુ વીણા સાથે ગાતી સુકોમળ કન્યકા!
ક્રૌંચી એક ફરે પાસે કન્યાને પ્રિય તે હતી;
ફરે છે તે, ચણે છે, ને ખોળામાં વળી બેસતી.
વદનકમલે કન્યાના છે હજુ અનભિજ્ઞતા,
દુઃખ નથી સહ્યાં સંસારી કે ન કૈં જ કઠોરતા;
પણ સુખભરી બાલ્યાવસ્થા વહી ગઈ છે, અને
મધુસમય શી યુવા તેના શરીર પરે ઝૂમે!
ન કિન્તુ પુષ્પો સૌ મધુસમયમાં પૂર્ણ ખીલતાં,
ખીલેલાં પુષ્પો એ નવ સહુ મળે કંટક વિના;
વસન્તે ના આવે અનિલલહરી શીતલ સદા,
બધાં માધુર્યો ના મધુસમયમાં સાથ મળતાં!
(?)
ખીલતી કળી આ – તે પાસે કો’ મધુપ હતો ભમ્યો,
ભમી ઊડી ગયો? ના, એ ચોંટ્યો દિલે રસ લૂંટવા;
નજર પણ ત્યાં લાગી લાગી નવું કંઈ લાધતાં,
નયન શીખતાં હાસ્યો તે તો સબાષ્પ બની ગયાં!
ને એ દંશ રહી ગયો ખટકતો હૈયા પરે હેતનો,
તેના કોમલ ઝેરથી જગતની ઝેરી હવા એ થઈ,
વીણાના સ્વરમાં અને અધરના ઉચ્ચાર ને કંપમાં
જ્યાં ત્યાં અંગ પરે અને નસ મહીં એ ઝેર વ્યાપી ગયું!
વસન્તે વાયુની જરૂર લહરી ઉષ્ણ વહતી,
ખીલેલાં પુષ્પો કૈં જરદ કરી નાખી વિહરતી;
અરે! આ લ્હેરી કો કરી ગઈ જરી સ્પર્શ કળીને,
કદી ખીલે ત્હોયે મરણવત્ તે ઝિંદગી બને!
પણ લહરી આ આશા આપી ગઈ હસતી વહી,
નજર હતી જે વૃક્ષે પુષ્પે લઈ દૂર તે ગઈ;
હૃદય ઊલટ્યું ! વેળા મીઠી ગઈ પલટી અરે!
પણ ન સમજે હૈયું! તેમાં વિકાર થયેલ તે!
***
વર્ષો કૈંકથી એકલી વન મહીં કન્યા સદા આવતી,
સાથે પુષ્પ લઈ ઘણાં નિજ ગૃહે પાછી જતી હર્ષથી;
આનન્દે ભર મસ્ત નાદ કરતી વીણા અહીં સર્વદા,
કંઠેથી પણ એ જ જાદુ ઝરતું એકાન્ત આ સ્થાનમાં!
મીઠી ધૂન મચેલી એક દિવસે જ્યારે હતી ગાનની,
પૂર્વે લાલ ઊગ્યો હતો રવિ અને ચોમેર લાલી હતી;
પક્ષી કોઈની ચીસ ત્યાં દુઃખભરી કન્યા સુણીને ઊઠી;
મૂકી બીન શીલા પરે ત્વરિત તે પહોંચી કિનારે ઊભી.
વ્હેળામાં જલ નૃત્યથી ઊછળીને ચાલ્યું જતું ત્યાં હતું,
કોઈ ક્રૌંચી પડી હતી જલ કને તીરે ઘવાઈ, પ્રભુ!
સામે ભીલ તહીં નિશાચર સમો ઊભો હતો ઘાતકી,
ક્રૌંચોનું યૂથ અભ્રમાં ઊડી ઊડી ચીસો હતું પાડતું!
એ કન્યાના મુખ ઉપરથી આંસુની ધાર વ્હેતી,
તે પારધિ કુતૂહલ વતી જોઈ કન્યા રહ્યો’તો;
એ બન્ને ને તડફડતી એ કુંજની છાય લાંબી,
ધીમે વ્હેતા સલિલ ઉપરે ધ્રૂજતી છે છવાઈ!
મચ્યું છે યુદ્ધ બ્રહ્માંડે, દેવ દાનવનું સદા;
હણે છે કોઈ તો કોઈ રક્ષાનું કરનાર છે!
ચાલ્યો ભીલ ગયો વને મૂકી દઈ એ ક્રૌંચ કન્યા કને,
કન્યા તે પર સિંચતી જલ અને જોઈ રહી’તી દુઃખે;
ત્યાં કોઈ નરની પડી જલ મહીં છાયા પછાડીથી ને
જોઈ આકૃતિ ભવ્ય સુન્દર જરા ઝંખાઈ કન્યા ગઈ!
(?)
પણ ક્ષણ મહીં ગાલે ઓષ્ઠે રતાશ ભરાઈ, ને
વળી ક્ષણ મહીં તે ચ્હેરામાં ફિકાશ ફરી વળી;
હૃદયપડદા ફૂલી જાતા, તૂટી ધડકી જતા,
કર ધ્રૂજી જતા - સ્વેદે ભીના - પડી ગઈ ક્રૌંચી ત્યાં!
નયન તિરછાં પેલાનાં એ નિહાળી રહ્યાં હતાં,
પરવશ કરી કન્યાને એ થતો પરનો હતો;
પરવશ થવું વ્હાલું શાને યુવાન દિલે હશે?
પરવશ થઈ રોવું શાને યુવાન દિલો ચહે?
શું જાણે કે પરવશ થઈ આસું છે વ્હોરવાનાં?
શું જાણે કે હૃદય ધરતાં ઘા જ છે લાગવાના?
આ સંસારે પ્રથમ પ્રીતિએ કોણ જાણી શક્યું છે,
કે પ્રીતિનું રુધિર સઘળું ઉષ્ણ અશ્રુ તણું છે?
‘શ્રમ આવો જવા દેને, ધોઉં હું તુજ ક્રૌંચને’
બેઠો પાસે વદી એવું, ને પક્ષી કરમાં લીધું,
નયન રસિલાં ગોષ્ઠી મીઠી ચલાવી રહ્યાં હતાં,
હૃદય ધડકે–તે ભાવો એ ઉરો સમજ્યાં હતાં;
ગભરુ ઉભયે મુગ્ધ પ્રેમી વદી પણ ના શકે,
કર કર વતી ચાંપી દેવા ન ધૃષ્ટ બની શકે.
પરન્તુ પ્રીતિમાં શરમ ટકી તે ક્યાં સુધી રહે?
તુફાની સિન્ધુની ભરતી અટકી તે ક્યમ શકે?
ચડેલાં ઉફાળે કુદરત તણે જ્યાં ઉર વહે,
વહે વ્હેતાં એ તો, જગતપ્રતિબન્ધે ન અટકે.
વહ્યાં વહેતાં એ ને શપથ પણ લીધા પ્રણયના,
હતું હૈયામાં તે ઠલવી પણ ચૂક્યાં કુસુમડાં;
ક્ષણો બે વીતી ને અધર અધરે એ દઈ ચૂક્યાં,
કુમારાં બન્ને એ દિલ હજુ કુમારાં પણ હતાં.
બગાડી દેવાને પ્રણયરસની દૈવી સરિતા,
વિકારો સંસારી જરી પણ અડ્યા ત્યાં નવ હતા,
હતાં અર્પી દેતાં હૃદય કુમળાં માર્દવભર્યાં,
હતી એ ઇચ્છાને જગત તૃણ શું અન્ય ગણતાં.
વાતો કૈંક થઈ અને જિગરનાં ખુલ્લાં પડો એ થયાં,
તેમાંથી અતિ દિવ્ય કો’ રસ તણાં ફોરાં ઊડી ત્યાં રહ્યાં;
તે આત્માદ્વય એકમેક થઈને ઊંચે રહ્યા ઉડતા,
ઊડી પૂર્ણ અભેદના ઝળકતા આનન્દકેન્દ્રે ગયા.
ન લાગે કૈં વેળા પ્રણયી પ્રણયીથી મળી જતાં,
રહે ના કૈં ભીતિ રતિરસ તણું ઐક્ય બનતાં;
ભલે પ્રીતિ પ્હેલાં પરિચય કદિ લેશ નવ હો,
ભલે પ્હેલી દૃષ્ટિ પ્રણય કરવાનો સમય હો.
અપેક્ષા પ્રેમીલું હૃદય ન પરીક્ષા તણી કરે,
વિના શંકા ક્યાંથી જરી પણ પરીક્ષા થઈ શકે?
અને કોઈ ડાહ્યાં કરી કરી કસોટી પ્રીતિ કરે,
અરે! ત્હોયે તેમાં બહુ જન બિચારાં રડી મરે.
પ્રણયી રસિલાં! ઝુકાવ્યું તો ભલે તમ વ્હાણ આ,
બહુ બહુ ડૂબ્યાં ને તો ભોળાં તમે તરી ઊતર્યાં;
જગત હસશે, રોશો વ્હાલાં અને મરશો દુઃખે,
પણ પ્રણયના લ્હાવા લેવા સુમાર્ગ જ આ જ છે.
ધીમે ધીમે પણ રવિ હવે વ્યોમની મધ્ય આવ્યો,
ન્હાનાં મ્હોટાં શુક લપી જઈ છાયમાં આવી બેઠાં;
કોઈ ક્યાં એ જરી નવ હલે કોઈ ક્યાંએ ન બોલે,
ને આવે જે ધ્વનિ લઘુ બધા શાન્તિનું રાજ્ય સ્થાપે.
પ્રિયતમ કરે ટેકો લેતી અને હસતી જરા
ગભરુ સરખી થાકી જેવી ઊઠી સુખી કન્યકા;
ઊછળી ઊછળી જ્વાલામુખી શમે જ્યમ શાન્તિએ,
ત્યમ દિલ નવા પ્રેમે ઘૂમી અચેષ્ટ સમું બને.
પેલી ક્રૌંચી હવે જરા દુઃખ થકી નિવૃત્તિ પામી હતી,
તેને લેઈ યુવાન ઊઠી કરમાં તેની પ્રિયા ધરી;
બોલ્યો, ‘રે પ્રિય! રે સખી! તુજ થકી હા! દૂર જાવું થશે?
કિન્તુ હું દશ દિનમાં ફરી પ્રિયે આવી મળું તુજને!’
આપતાં કોલ આ કિન્તુ કમ્પારી છૂટી અંગમાં;
શંકા કાંઈ હતી હૈયે, છુપાવી પણ તે દીધી.
જુદું કેમ થવાય ના સમજતી કન્યા બિચારી હતી;
જુદાઈ કદિ આવશે ત્યમ વળી તે ધારતી ના હતી;
હૈયું તો પિગળી ગયું નયનમાં અશ્રુ ભરાયાં અરે!
જાણે જીવ ઊડી જશે ફડફડી હૈયું ચીરાઈ જશે!
રજા ના દેવાયે, ‘પ્રિયતમ રહો!’ ના કહી શકે,
ગળે બાઝી બાઝી હઠ પણ કશો ના કરી શકે;
બનેલાં રાતાં એ નયન રડતાં માત્ર વદતાં :–
“ત્વરા આવી શાને? પ્રિયતમ! ભલે જા રહી જરા.”
અને આવી આજ્ઞા પ્રણયી કદિ લોપી ક્યમ શકે?
તહીં બન્ને બેઠાં પણ સુખ હવે ના કંઈ મળે;
ઝઝૂમે જ્યાં પાસે વિકટ દુ:ખ શિરે વિરહનું,
તહીં સ્વપ્નું એ ના કદિ મળી શકે લેશ સુખનું.
વળી યત્ને ના ના સુખ તણી પ્રતિભા ઊઠી શકે,
બલાત્કારે પાછી મધુર ગત વેળા નવ મળે;
પળો નિર્માયેલી સુખ દુઃખ તણી ના ફરી શકે,
કદી સિન્ધુમાં ના ભરતી ચડતી ઓટ વખતે.
આવતાં કષ્ટની કિન્તુ તૈયારી કરી એ શક્યાં,
પંપાળી પ્રેમથી હૈયાં, ઓછો ભાર કરી શક્યાં.
પણ વખત એ આવી પહોંચ્યો થવા વિખૂટાં તણો,
ટમટમી રહ્યાં નેત્રે અશ્રુ, દિલે દ્રવતાં રહ્યાં
હૃદય હૃદયે ચંપાયાં ને છૂટાં થઈ એ ગયાં,
પ્રણયી નયનો છેલ્લી છેલ્લી સલામ કરી ચૂક્યાં.
અરે એ કન્યાનાં મગજ દિલ આત્મા લઈ ગયો,
રહ્યું ખાલી ખોખું ઉદધિ દુઃખનામાં ઉછળતું;
ન મૂર્છા આવી કે મરણ નવ આવ્યું સુખભર્યું,
નિસાસો ના આવે, નયન થકી ના અશ્રુ ખરતું.
ઊંડું ઊંડું હૃદય ઉતરી કાંઈ વિચારતું’તું,
વીતી વેળા પરથી પડ સૌ ખેંચી નિહાળતું’તું.
પૂરાયું એ પણ જગતનું પિંજરૂં તોડી નાખ્યું,
પૂરાયું એ પણ નવ હતું કેદનું કષ્ટ જાણ્યું.
દૃષ્ટિ કન્યા તણી ત્યાં એ પડે છે ક્રૌંચી ઉપરે,
ખોળા માહીં લઈ તેને, ધીમેથી કર ફેરવે.
બને છે દર્દ કૈં ઓછું દર્દીને દર્દી લાધતાં;
ભાગી કો’ દર્દમાં થાતાં પોતાનું દર્દ જાય છે.
કન્યા બોલી, ‘પ્રિય વિરહિણી ક્રૌંચડી બાપડી રે!
મ્હારાથી તું વધુ દુઃખી નકી કાંઈ આશા વિના છે;
“ઊડી ચાલ્યો તુજ પ્રિય અને વાયદો કૈં ન આપ્યો,
“આશા રાખી જીવિત તુજ તું ધારજે ત્હોય, વ્હાલી!
“આશામાં છે દિવસ દશ આ ગાળવા માત્ર મ્હારે,
“ત્હોયે શંકા મમ હૃદયમાં કાંઈની કાંઈ આવે;
“પ્રીતિવાળું બીકણ દિલ આ વિઘ્ન કલ્પે હજારો,
“રે! આશાથી કઠિન વિધિએ વિઘ્નની બીક જોડી!”
ઊઠી ધીમે નિજ ગૃહ ગઈ ક્રૌંચની સાથ કન્યા,
થાકેલા એ દિલ પર ધરી હસ્ત સૂઈ ગઈ ત્યાં;
આવી નિદ્રા મગજ દિલનું દર્દ સૌ દૂર કીધું,
ગ્લાનિના સૌ વિખરી પડદા મ્હોં પરે સ્મિત આવ્યું.
ક્રૌંચે તેની સખી પર ધરી ડોક લાંબી સુખેથી,
નિદ્રા જેવી સુખદ મધુરી શાંતિ આવાહતી’તી;
નિદ્રા લેજો: મધુર નકી છે ઊંઘવું જાગવાથી,
જો છે મૃત્યુ મધુર વધુ આ વિશ્વમાં જીવવાથી.
ઊઠીને પણ એ ગઈ વન મહીં પ્રેમી મળ્યો જ્યાં હતો,
નિદ્રા ઊડી ગઈ અને નવ પડ્યું કૈં ચેન તેને ગૃહે;
સાથે ક્રૌંચી લઈ ગઈ પ્રિય થઈ તે તો દયાથી હતી,
લીધું બીન હતું વળી હૃદયના ભાવો બજાવા તહીં.
નિત્યે આમ જ આવતી વન મહીં આશાભરી કન્યકા,
સંધ્યાએ દિન એક પૂર્ણ બનતાં આનન્દ તેને થતો;
બીજે કોઈ સ્થલે જરી હૃદય એ વિશ્રાન્તિ ના પામતું,
બીજે કોઈ સ્થલે ન અશ્રુ પડતું આશાભર્યા પ્રેમનું.
મળ્યું જ્યાં પ્રેમી તે સ્થલ પ્રિય બને છે પ્રણયીને,
ભરાયું જ્યાં હર્ષે જિગર ફરી યાચે સુખ તહીં;
ખરે વૃક્ષો વેલી સમદુઃખિત ત્યાં સૌ જડ દીસે,
તહીં હોનારાંની ઉપર અનુકમ્પા સહુ ધરે!
સ્મૃતિનાં બીબાં ત્યાં હૃદય પર ચોક્ખાં પડી શકે,
અને મીઠી મીઠી સ્મૃતિ વિરહીનું તો જીવિત છે;
કદી સંતોષી ના સ્મૃતિ થકી પરન્તુ દિલ બને,
અરે! તેને ખેંચી હૃદય ધડકીને તૂટી પડે!
***
ખીલતી કળીને ભોગી ભૃંગે કહ્યા દિન આજ છે,
પ્રિયતમ તણો ભેટો થાવા વકી પ્રિય આજ છે;
દિવસ સઘળો આશા માંહીં ક્ષણો ગણતાં ગયો,
રવિ પણ ગયો, ન ના ત્હોયે પતિ નજરે પડ્યો!
તૃણ જરી હલે, વાયુ વાયે, ઊડે શુક કોઈ એ,
ધ્વનિ જરી થતાં હૈયું ભોળું અરે! ધડકી રહે;
“નકી નકી જ એમ વ્હાલો મ્હારો.” વદી ઊઠીને જુવે,
કંઈ નવ અરે! જોતાં બેસે, વળી ઊઠીને ફરે!
કંઈ પણ થતાં એવું હાવાં ઊઠે નવ બાપડી,
પણ “જરૂર છે વ્હાલો આ તો” નકી ત્યમ ધારતી.
મૃગનયનને મીંચી ક્યારે થઈ ચૂપ બેસતી,
“નયન પ્રિયથી ચંપાશે આ,” નકી ત્યમ માનતી.
નિચોવી અશ્રુને હૃદય નિજ કૈં ખાલી કરવા,
પછી વીણા લીધી રુદનમય તે નાદ કરવા;
ન ખાળી ધારા એ નયન પરથી પૂર વહતી,
ન કમ્પી છાતી કે અધર ફરક્યા ના દુઃખ વતી.
પ્રભુ ! રોવું દેજે દરદમય ભોળાં જિગરને,
નકી રોવું એ તો તુજ હૃદયની આશિષ દીસે;
ચિતારાનાં ચિત્રે કવિત કવિનાં ને ધ્વનિ મહીં,
પ્રતિભાની લ્હેરો દરદમય મીઠું રુદન છે!
ભગિની ઓ કન્યા ! ફરી ફરી ભલે તું ફરી રડે,
ભલે ખાલી હૈયું રડી રડી રડીને તુજ કરે;
મહા કષ્ટો સાથે રુદન પણ આપે પ્રભુ તને,
અને હૈયું ત્હારૂં રુદન વતી એ સાફ કરજે!
પણ હૃદયમાં રોતાં રોતાં નવીન થયું કશું,
પ્રિયતમ તણી છાયા જેવું પડ્યું નજરે કશું;
ઊડતી ઊડતી છાયા આવી ગઈ ઊડતી વહી,
નવ સ્મિત હતું ચ્હેરામાં વા હતું સુખ ના જરી!
કહી ગઈ અરે! આવું, કે એ કહ્યું ત્યમ ધારતી;
“દશ દિવસ વીત્યા, આવ્યો! હવે મળવું નથી!”
શરદી વતી એ કન્યા કમ્પી અતિ દુઃખમાં લવી :-
“દશ દિવસ વીત્યા, આવ્યો, હવે મળવું નથી!”
પડી એ બાપડી બાલા ધ્રૂજતી ધરણી પરે;
ગયા બે તાર તૂટી ને વીણા કરથી પડી,
***
એ વેળા એ તન ત્યજી ગયો પ્રેમી કન્યા તણો એ,
કો’ શત્રુના કર વતી થયો શીશનો છેદ રે રે!
મૃત્યુ આવ્યું, પ્રિય નવ મળી, હોંશ પૂરી થઈ ના,
‘વ્હાલી, હું આ...’ જીવ ઊડી ગયો એટલું બોલતામાં.
શંકા મૃત્યુની આ હતી હૃદયમાં જ્યારે પ્રિયાની કને
બોલ્યો, “હું દશ દિનમાં ફરી, પ્રિયે! આવી મળું તુજને;”
કોઈ ગામ પરે ચડાઈ કરીને તે દિ’ જવાનું હતું,
ને એ પ્રેમ તણું રુધિર સઘળું ત્યાં અર્પવાનું હતું!
અર્પાયાં શિર ઝિંદગી રુધિર એ શોણિતની નીકમાં,
તેને પ્રેમ અને છબી પ્રિય તણી ને હર્ષ હૈયે હતાં;
યુદ્ધે બાહુ મચ્યો હતો પ્રલય શો સંહારમાં શત્રુના,
ઉન્હા લોહી તણી હતી નિકળતી શેડો સહુ અંગમાં!
તેમાં ઈન્દ્રધનુ રૂડું ચળકતું સૂર્યે પૂરેલું હતું,
તેમાં છાપ પડી હતી હૃદયના ઔદાર્ય ને શૌર્યની;
વીંઝાતાં વળી ખડ્ગ એ રુધિરની શેડો મહીંથી હતાં,
મ્હોં કૈં ભૂમિ પરે પડેલ શબનાં ધોવાઈ જાતાં હતાં.
શૂરા ત્યાં સુખથી પ્રહાર કરતા ને હર્ષથી ઝીલતા,
શૂરા હર્ષથી મૃત્યુના મુખ મહીં જાતા અને આવતા;
આ મૃત્યુ, બસ આ જ મૃત્યુ, જન સૌ ! જેથી ડરો છો તમે!
આ શૂરા, વળી આ જ શૌર્ય, જન સૌ ! જેને વખાણો તમે!
વખાણો ચાહો છો, વળી ક્યમ ડરો છો મરણથી?
ત્હમારા લોહીથી વળી ક્યમ કરો સ્નાન સુખથી?
બનો છો આ ભોળાં જન વતી ડરીને ખૂની તમે,
અરે! વીરો શૂરા! હૃદય તમ તો બીકણ ખરે!
ધરા માટે કાપી શિર જન તણાં તું ક્યમ શક્યો?
ધરા માટે પ્રેમી! વિસરી તુજ વ્હાલી ક્યમ શક્યો?
પડી છે મૂર્ચ્છામાં તુજ પ્રિયતમા બાપડી અરે!
અરે! તેના હૈયા ઉપર ખરડાયું રુધિર છે!
“દશ દિવસ આ વીત્યા, આવ્યો ! હવે મળવું નથી!”
લવી ઊઠી વળી કન્યા બોલી, “અરે! મળવું નથી!”
સ્મૃતિ નવ ખસે એ શબ્દોની, ડરે દિલ બાપડું,
નવ વળી શકે માની સાચો પ્રહાર પડેલ તે.
હરિ હરિ અરે! છૂપા ઘા આ ઘટે કરવા તને?
પ્રણયી દિલને વિના દોષે ઘટે હણવાં તને?
કદી કંઈ હશે દોષો ત્હોયે ક્ષમા નવ શું ઘટે?
તુજ સખત આ શિક્ષાથી રે! વિધિ! શુભ શું થશે?
ઢુંઢે છે પ્રિયને વૃથા રખડતી આશા વિના બાપડી,
આશા મેળવવા ફરી હૃદયને પ્રેરે વૃથા બાપડી;
આશા જો ગઈ ને પડી જિગરમાં કૈં ફાળ પ્રેમી વિષે;
ચોંટી તો ઉખડે નહીં ફિકર એ યત્નો હજારો વડે.
આશાનો તન્તુ ત્હોયે ના, તૂટી છેક પડ્યો હતો;
આશામાં ને નિરાશામાં, ઝિંદગી લટકી રહી!
આવી રીતે દિન પછી દિનો કષ્ટના કૈંક વીત્યા,
રીબાતું ને હૃદય ઝરતું ત્હોય તૂટી પડે ના;
થાકેલી એ ભટકતી ઘણું ક્રૌંચને સાથ લેઈ,
નિશાની એ પ્રિય તણી ગણી જોઈ તે રોઈ રહેતી!
આશા મીઠી કટુ થઈ હવે ત્હોય છોડી ન છૂટે,
જૂઠી તેને મગજ સમજે ત્હોય હૈયું ન છોડે;
આશા એ તો મધુર કડવો અંશ છે ઝિંદગીનો,
છેદાયે ના જીવિત સુધી એ છેદતાં જીવ જાતો!
રોતાં રોતાં રવિઉદયથી અસ્ત તેના નિહાળ્યા,
રોતાં રોતાં શશીઉદય ને અસ્ત તેના ય જોયા;
સ્પર્શ્યો જેને પ્રણયતણખો આમ તે ઝૂરવાનું!
સર્વાંગે આ અનલભડકે આમ આ દાઝવાનું!
ગમે તે વેળાએ જન કદિ અહીંથી નિકળતું,
કટુ કારી તેનું રુદન સુણીને તે અટકતું,
અને ઉઠી કન્યા પૂછતી પ્રિયનું નામ લઈને
'કહીં દીઠો તેને?' જરૂર મળતું ઉત્તર 'નહીં'!
વળી રોતી ગાતી ભમતી હિજરાઈ ગળી જતી,
પડી છાની જોતી નભ પર જતી વાદળી વળી;
ઉઘાડાં નેત્રોથી કદી વળી કશું ના નિરખતી,
મહા અન્ધારામાં ઉતરી ઉતરીને અટકતી.
સૂતી એક દિને હતી દુઃખ તણા અંધારામાં આમ એ,
તે છાયા તરતી હતી મગજમાં ચોંટી હતી દૃષ્ટિએ;
બીજું કો દિલ સ્નેહના દુઃખ વતી ત્યાં ધૂંધવાતું હતું,
કન્યાએ પણ ભાન એ હૃદયનું કૈં એ રહ્યું ના હતું.
કપાતું રેંસાતું વિરહી દિલ એ ક્રૌંચડી તણું,
દિલાસો કે આશા વગર જીવતું એ ગરીબડું;
દયા કન્યાની એ ઉપર હતી તો તેથી પણ શું?
ઈલાજોનું તેને પણ નવ હતું સાધન કશું.
વિના શક્તિ ઇલાજોની દયા તો દુઃખ માત્ર છે;
દયાનાં અશ્રુમાં ત્હોયે ઊંડી કાંઈ મીઠાશ છે!
જ્યારે કન્યા હૃદય સરસી ચાંપતી ક્રૌંચાને આ,
ત્યારે કોઈ મધુર રસમાં ઝૂલતાં આર્દ્ર હૈયાં;
થંડી કાંઈ વ્રણ પર થતી ઔષધિ એ દયાથી,
ને ખોળામાં સુખમય બની ક્રૌંચી તો સૂઈ જાતી,
હવે કન્યા આ'વો તુજ લ્હાવો લઈ શકે,
દયાની શાન્તિ એ અરરર નહિ રહેશે તુજ કને;
કરી લે તૈયારી દુઃખમય થવાની ભગિનિ રે!
નિશાની છેલ્લી એ તુજ સુખ તણી આ ઉડી જશે!
વાગે છે તે પાંખ આકાશે તે ક્રૌંચો ઉડતી દિસે;
ક્રોંચકી એક તેમાંની આ નીચે ઉતરી પડે.
ઝડપથી ઉડી કન્યાની ત્યાં ચડી ગઈ ક્રૌંચી એ,
હૃદયે હૃદયે બન્ને ક્રૌંચો દબાવી નીચે પડે;
દૃઢ દૃઢ અતિ લાંબી ડોકે પડી ગઈ ગ્રન્થિ છે.
ફડ ફડ થતી પાંખો પ્હોળી નીચે લડી આફળે.
ઝબકી ઉઠીને કન્યા તેને નિહાળતી ગાભરી,
પણ તુરત એ પ્રેમી જોડી તહીં પગમાં પડી;
નવ પછી હલી પાંખો ભૂરી, સ્ફુરી નવ છાતી વા,
જરી રુધિરનાં બન્ને નાકે ટીપાં દિસતાં હતાં.
ચકર ફરીને તેને ક્રૌંચો સ્વમાર્ગ ઉડી ગઈ,
કલકલ થતા એ ટોળામાં હશે દિલ સૌ દુઃખી;
સુખ દુઃખ ભલે જે હો તે હો! સુખી મરનાર છે!
મરણ સુખમાં વીત્યું તો શી પછી દરકાર છે?
કન્યાથી આ હૃદય ભરતું દેખતાં મિષ્ટ લ્હાણું,
અંગો ન્હાનાં શિથિલ બનતાં ત્યાં જ બેસી જવાયું;
વીણા લેવા ફરી કર મહીં કાંઈ સામર્થ્ય આવ્યું,
ને હૈયાથી રુદનમય આ ગાન મીઠું ગવાયું :-
'અરે વ્હાલા! મ્હારી ગરદન પરે ખડ્ગ ધરીને
'ઉપાડી લે શાને? જખમ ક્યમ કારી નવ કરે?
'ઉગામી અન્ધારે અસિ મુજ પરે તું ક્યમ શકે?
'ઉગામે તો શાને વધ નવ સુખેથી કરી શકે?
અરે! હું જાણું છું, વિરહ પ્રણયીનું મરણ છે,
'વળી જાણ્યું છે, કે મરણ વિરહીને સુખદ છે;
'અરે! કિન્તુ આશા મરણ વચમાં છે પડ ખરે,
'મને તે કાં સોંપી? મરણ નવ સોંપ્યું ક્યમ મને?
'મળ્યાથી મૃત્યુ છે! તુજ મરણ જાણ્યે મરણ છે!
અરે! એ જાણ્યાથી વધુ દુઃખદ આશા જરૂર છે;
'સુખી તું છે જાણી મુજ દુઃખ સુખેથી ત્યજીશ હું,
અરેરે! હું ધારૂં તુજ સુખ જ માટે જીવિત છું.
'નહીં બોલું, વ્હાલા! ક્યમ દશ દિને તું નવ મળ્યો?
'રખે તેને માટે તુજ મુખ છુપાવી દૂર રહ્યો!
'અરે! એ આશાના, પ્રિયતમ! નકી વ્હેમ સઘળા!
'ઠગાઉં છું ભોળી દૂષિત નવ હો તું, પ્રિય સખા!
'દુ:ખી થાનારૂં છે દુઃખકર થનારાથી સુખિયું,
'અને ઓ વ્હાલા! હું દુઃખકર નથી ને સુખી જ છું;
'છતાં હું જાણું કે દુઃખ દઈ મને તું સુખી બન્યો,
'મરૂં તો સંતોષે! સુખી બહુ તને ઈશ્વર કરો!
'કહે પ્રજ્ઞો કે પ્રણય ના કરશો વ્યક્તિ સહ કો-
'ઘટે બ્રહ્માંડોના પ્રતિ જીવ પરે પ્રેમ સરખો;
'વળી ગુણો સાથે અનુભવી કહે પ્રેમ કરવા,
'બધાં વારે વ્યક્તિ સહ પ્રીતિ કરી કેદ પડવા.
'ગુરુ લાધ્યો આવો અનુભવી તને શું? પ્રિય સખે!
'કહ્યું સાચું તેણે, મમ અનુભવે તેમ જ કહે!
'તને સ્વસ્તિ! સ્વસ્તિ! પ્રણય તુજ તેવો ખિલવજે,
'બધામાં હું એ તો મુજ હૃદયને ના વિસરજે.
'ભલે એ સત્તાથી સહુ જીવનું કલ્યાણ કરજે,
'ભલે આ હૈયાનો બલિ વત ગણી ભોગ કરજે;
'મને શિખાવા તે પણ કદિ તું યત્ન કરજે,
'શીખી હું જે શીખી! શીખીશ નહિ બીજું કદિ હવે!
'રહી ઉડી જાવા તુજ સહ ન તાકાત મુજમાં,
'નથી ઇચ્છાશક્તિ પકડી તુજને કેદ કરવા;
'તને જે વ્હાલું તે ચિર સમય વ્હાલું તુજ રહે,
'અરે અસ્તુ! અસ્તુ! પ્રિય મુજ દિલે તો મરણ છે.
કદી ત્હારા માર્ગે ભટકત, સખે! હું તુજ સહે,
'અરેરે! તેથી એ તુજ જગતનું શું શુભ થતે?
'કદી મ્હારાથી કૈં શુભ થઈ ગયું ત્હોય પણ શું?
'અને ત્હારા હાથે બહુ શુભ થશે ત્હોય પણ શું?
'ગયા અન્ધારામાં જગત ત્યજી મ્હોટા સહુ અરે!
'અને એ કીર્તિ એ અમુક સમયે ઉડી જ જશે;
'સખે! એ કાર્યોની અસર પણ રહે છે અમર શું?
'અરે વ્હાલા! તે જો અમર કદિ હો ત્હોય પણ શું!
'સખે! ચૂરા થાશે જગત રવિ તારા સહુ અરે!
'બધા યત્નોની ત્યાં અસર સઘળી વ્યર્થ બનશે,
'સખે! શું તો મ્હારૂં સુખમય નથી કેદ પડવું?
'અરે! તું ભોળો ને જરૂર બહુ ભોળો તુજ ગુરુ!
'અરે! એ આશાના, પ્રિયતમ! નકી વ્હેમ સઘળા,
'નકી તેં તો છોડ્યું મમ કમનસીબે જગત આ!
'ભલે જે હો તે હો મરણ પણ મ્હારૂં તુરત હો!
'મને જે વ્હાલું તે મરણ સુધી વ્હાલું મુજ રહો!'
પણ હૃદયમાં ગાતાં ગાતાં નવીન થયું કશું;
પ્રિયતમ તણી એ છાયા શું પડ્યું નજરે કશું;
ઉડતી ઉડતી છાયા આવી ગઈ ઉડતી વહી;
સ્મિતભર હતું મ્હોં ને અંગો દિસે ભર હર્ષથી.
કહી ગઈ અહા! આવું કે એ કહ્યું ત્યમ ધારતી :-
'પ્રિય, પ્રિય અહો! ઝીલી લે આ હવે દિલ હર્ષથી!'
શરદી વતી એ કન્યા કમ્પી અતિ સુખમાં લવી :-
'પ્રિય, પ્રિય અહો! ઝીલી લે આ હવે દિલ હર્ષથી!'
પડી એ ધ્રૂજતી બાલા, વેલી શી ધરણી પરે;
વીણા નીચે પડી તૂટી, કન્યા ઇચ્છતી તે બની!
૧૫-૧-૧૮૯૬