કલાપીનો કેકારવ/પુત્રીમરણથી હસતો પિતા

← કન્યા અને ક્રૌંચ કલાપીનો કેકારવ
પુત્રીમરણથી હસતો પિતા
કલાપી
બેકદરદાની →
છંદ=શિખરિણી


પુત્રીમરણથી હસતો પિતા

ભલે રોતાં લોકો, હૃદય મમ તો આજ હસશે,
હવે શું કમાવું કરચલી પડેલા અધરને ?
બહુ ધોવાયા છે રુદન વતી આ ગાલ ઘરડા,
અને લીંટ મ્હોટા દુ:ખ વતી પડ્યા છે જિગરમાં.

અરે ! એ લીટા એ દુ:ખ વતી પુરાઇ સહુ ગયાં,
વહે અશ્રુ વ્હેવા જરી પણ નથી માર્ગ દિલમાં,
અરે ! આ હૈયાની ઉપર વળી વહ્નિ વરસતો,
હવે તો સૂકાવી હૃદયજલ પોતે બૂઝી ગયો.

અહો ! વ્હાલી બાપુ ! મરણ તુજ આજે થઇ ગયું,
નિરાશાનું લ્હાણું સુખમય મને એ દઇ ગયું,
ગયું તે લાંબું જીવિત મુજ બાકી નહિ હશે,
હશે ત્હોય છો હો, કરીશ સઘળું પૂર્ણ હસીને.

અરે ! રોવું એ તો જરૂર નબળાઈ જ સઘળી,
અશ્રદ્ધા એ પૂરી કુદરત તણાં કાર્ય પરની;
રડે એ તો સ્વાર્થી, જરૂર હસનારો જ પ્રણયી,
ન સ્વાર્થો મ્હારે તો નવ રડી બનું હું મતલબી.

ગયો ત્હારો ભાઈ રુદન કરતાં છોડી અમને,
હતી તું તો ન્હાની હસતી શબ સામું નિરખીને,
છતાં ચ્હેરો ત્હારો રુદન કરતાં જોઈ અમને,
જરા ઝંખાયો ને ખડખડી હસી તું ફરી અરે !

ન ત્હારી માતાનો જખમ કદી રૂઝ્યો જિગરનો;
છતાં છુપાવા એ કરતી બહુ યત્નો મુજ થકી;
ન રોવાતું હુંથી, “રુદન વતી થાશે દુ:ખી પ્રિયા,”
અરે ! એવું ધારી ખમખમી રહેતું હૃદય આ.

પરાણે શે આવે રુદનમય હૈયે સ્મિત ભલા ?
હસ્યાથી એ છુપું પ્રણયી થકી હૈયું ક્યમ રહે ?

કશું કો દી છાનું પ્રિય થકી ન જ્યાં હોય દિલનું,
તહીં પ્રેમી ક્યાંથી જરી પણ શકે વેશ ભજવી.

પ્રિયાના હૈયાનું દરદ સઘળું હું સમજતો,
અને આ હૈયાનું સમજતી પ્રિયા કષ્ટ સઘળું;
નથી છાનું હુંથી નિજ દરદ તે એ સમજતી,
નથી છાનું તેથી દરદ મુજ તે હું સમજતો.

છતાં બોલી તેનો ભરમ નવ ભાંગ્યો કદિ અરે !
અચમ્બો પામું છું પ્રણયથી બન્યું એ ક્યમ હશે ?
કહે છે લોકો, કે દુ:ખકથનથી તો સુખ મળે,
અરે ! તો તે શાન્તિ પણ ન કદિ કાં મેળવી એમ ?

ઉમેરો કૈં થાશે રુદન વતી પ્રેમી હૃદયમાં
અમે એ ભીતિથી સમજણ છતાં ચૂપ જ રહ્યા;
અમે સાથે રહેતાં ગુમસુમ કલાકો કંઇ જતા,
પરાણે શોધીને વિષય પછી કૈં વાત કરતાં,

અરે ! આવી રીતે દિવસ બહુ લાંબા ગત થયા,
ગયા ન્હોતા ઝાઝા પણ બહુ ગયા એમ દિસતા;
ઉદાસી એ આવ્યા દુ:ખી દિવસ વર્ષાૠતુ તણા;
અને ઘેરાયેલું ઘન વતી રહેતું નભ સદા.

મચેલું અન્ધારૂં અતિ અતિ હતું એક દિવસે,
પડે ધારા તેથી જલમય બન્યું’તું જગત ને,
બહુ પાસે આવી ગડગડ થતી વાદળી ફરે,
અહો ! ગોળા મ્હોટા નભ ઉપરથી શું રડી પડે !

તને છાતી સાથે દબાવી મમ બેઠી પ્રિય હતી,
અને હું બેઠો’તો મુજ કર મહીં પુસ્તક લઈ;
હતી થંડી તેથી શગડી બળતી’તી ગરમ ત્યાં,
અને અંગારાની પ્રસરી હતી લાલી તુજ મુખે.

ઉઠી ઓચિન્તી ત્યાં શયનગૃહમાં એ જતી રહી,
ગઇ તે શાને તે તુરત સમજ્યો હું મન મહીં,
ગયો હું એ ઉઠી શયન પર એ જ્યાં પડી હતી,
અને દીઠી તેને રુદન કરતી ને હિબકતી.

ઉપાડી વ્હાલીને હૃદય સરસી ચાંપી કુમળી,
અને રોવા દીધી સુખમય બની જ્યાં સુધી હતી;
મને તો રોવાનું હૃદય ગળતાં ભાન ન હતું;
છતાં એ રોઇને હૃદય મમ ખાલી થઈ ગયું.

અરે! જેને માટે બહુ દુ:ખ સહ્યું તે થઇ ગયું,
થયું ને તે સાથે દુ:ખ પણ બધું એ ઉડી ગયું;
પછી ઢોળી પ્રીતિ ગત કુસુમની તું ઉપર, ને
ગયેલાને ભૂલી તુજ પર ધરી આશ સઘળી.

પછી બાપુ અશ્રુ ફરી કદિ ભરાયાં ન હૃદયે,
પ્રભુ જાણે કેવાં સુખમય બન્યા’તા ફરી અમે;
પછી વર્ષા મ્હાણી તુજ સહ અને એ પ્રિય સહે,
સુખે ચમ્બી લેતાં ફરી વળી શીખ્યા’તાં આધરને.

હતા કિન્તુ આવા દિવસ બહુ થોડા તકદિરે,
બહુ થોડા તો ના પણ સુખથી થોડા બહુ દિસે;
પછી લેવાયું એ પ્રિય શરીર ઝીણા જ્વર વડે,
અહો! આજે કાલે હૃદય સમજ્યું કે સુખ થશે.

મનાયું ના હુંથી સુપરત થશે તું જ મુજ કરે,
અને માતા ત્હારી જગત ત્યજીને સ્વર્ગ વસશે;
મનાયું ના તે તો પણ બની જતાં માનવું પડ્યું,
અને સોંપાયેલું ધન પણ ગયું આજ સઘળું.

ગઇ એ ત્યારે તું, પ્રિય! મરણ શું તે સમજતી,
“નહીં માતા પાછી કદી પણ મળે” એ સમજતી,
અને ત્હારૂં મ્હોં તો રડીરડી બન્યું લાલ સઘળું,
ન જોવા તે સામે જરી પણ હતી શક્તિ મુજમાં.

થયું મ્હારૂં તો જે અનુભવી બધા એ સમજશે,
કહું શું ? રે યાદી ઉચિત નવ એ લાવવી દિલે!
અરે! એ વેળાથી હૃદય સળઘું આ તુજ થયું,
છતાં માની ખામી કદિ પણ અરે ના પૂરી શક્યું.

ન રોતી તું ત્હોયે દિલ તુજ નિસાસાભર હતું,
અરે! એ વેળાથી ગરીબ તુજ મ્હોડું થઈ ગયું;

હતી તું એ શીખી દુ:ખ તુજ છુપાવા ગરીબડી,
છતાં ઊંડા છાના રમત કરતાં શ્વાસ મૂકતી.

નિસાસા લેતાં ને રમત કરતાં તું સૂઇ જતી,
અને ત્યારે ત્હારું રુદન કરતો મુખ નિરખી;
ખરે! બચ્ચાં પાસે રુદન કરવું પાતક ગણી,
અરેરે! ના ધોયું તુજ મુખ કદી મેં રુદનથી.

હવે તો તું વ્હાલી મુજ પ્રિય તણી થાપણ જતાં,
ઘટે ભૂલી જાવો દુ:ખમય ઇતિહાસ સઘળો;
કહે છે “પ્રીતિ” તે જગત પર તો રાગ જ બધો,
ખરી પ્રીતિમાં ના કદિ પણ રહે કષ્ટભડકો.

ભણ્યો તુંથી આજે પ્રણય કરવા આ જગતથી,
ત્યજી સ્વાર્થી અશ્રુ પિગળીશ દયાના રુદનથી;
અહીં ત્યાં સર્વેમાં અનુભવીશ હું પ્રેમમયતા,
વિના સ્વાર્થે ભાગી બનીશ સહુના હું રુદનમાં.

વહે સુસ્તી છોડી લૂછીશ જગનાં અશ્રુ સઘળાં,
બની અંગારો હું ભળી જઈશ દાવાનલ મહીં,
અરે! ઊંઘ્યો ઝાઝું, પણ થઈ પૂરી છે રજની આ,
નવા સૂર્યે પૂર્યું નવીન અજવાળું હૃદયમાં.

હવે જાણું છું કે પ્રતિ ગતિ તણી છે અસર, ને
બધાં બ્રહ્માંડોને અસર કરનારી પ્રતિ ગતિ,
ગમે તેવી ન્હાની કૃતિ અસર વિના નવ રહે,
ગમે તેવું ન્હાનું જન શુભ બહુ એ કરી શકે.

જરા ફેંક્યે ખૂણે અગર વચમાં કોઇ પથરો,
વહે કુંડાળું તે ઉદધિ સઘળામાં નકી નકી;
ભલે ના દેખાયે, પણ અસર તેની જરૂર છે,
મહા તેવી રીતે જનકૃતિ તણી એ અસર છે.

નકી માનું છું કે અસર વાળી સર્વે અમર છે,
ન એ બ્રહ્માંડોના પ્રલય બનતાં એ કદી ખસે;
રહેશે જે તત્વો અતિ અતિ અતિ સૂક્ષ્મ જગનાં,
રહેશે તેમાં એ અરસ સઘળી સૂક્ષ્મ બનીને.

અરે! આવું છે તો રડીશ નહિ હું તો કદિ હવે,
હવે ના કમ્પાવું કરચલી પડેલા અધરને;
હવે તો જ્યાં સુધી મમ જીવિતનું તેલ બળશે,
અરે! ત્યાં સુધી હું ઘૂમીશ પ્રીતિદાવાનલ મહીં!

૫-૨-૧૮૯૬