← પુત્રીમરણથી હસતો પિતા કલાપીનો કેકારવ
બેકદરદાની
કલાપી
માફી →


બેકદરદાની

બેકદરની બેકદર હું કૈં કદર ન કરી શક્યો,
બેકદરના વસ્લમાં હું બેકદર માર્યો ગયો!

કદરદાનીની કદર જે તે કદરદાની ખરી,
બેકદરદાની નકી છે બેકદરથી ઈશ્ક તો!

જૂઠી લ્યાકતને નમી કુરનિશ હજારો મેં કરી,
તાજિમ ન માશૂકે લીધી! મોહતાજ હું તે કાં બન્યો!

સુખ ન મહોબતનાં કહ્યાં તે ઝિદ્દ્ મહબૂબે ગણી,
તકદીર! રે બરબાદ કીધી યારીની એ ગુફ્તગો!

નઝર દિલ મેં આ જર્યું તેને ય બસ રિશ્વત ગણી,
ફરમાન રુખ્સતનું મળ્યું, ત્હોય કાં ઉભો રહ્યો!

મુનાસિબ આ દિલ ઉપર તેને હતું થાવું ફિદા!
બરદાસ્ત કૈં એવી થશે ઇતબારમાં હું એ રહ્યો!

આ મુલાયમ દિલ અરે કાતર મૂકીને કાતર્યું,
તેનેય ન્યામત માનીને આજીજી હું કરતો રહ્યો!

અફસોસ! છી ઝુલ્મી તણા ઇકબાલમાં કૈં રોશની
નહિ તો અહો! નાહક ફિસાદે હું ફસાઈ કાં પડ્યો!

શયતાન લેવા ઇશ્કની ગેબી બલાનું ક્યાં ચડ્યું?
કૈં ખાતરી કીધા વિના એ આતશે હું ક્યાં પડ્યો?

મોજૂદ છે ગુલ લાખ આ ગુલઝારમાં જ્યાં ખાર ના,
મોજૂદ આ દર ગુલ ઉપર ચોંટી રહી તે માખીઓ!

મ્હારી તલાશે તો મને આ ખાર કાં લાધ્યો ખુદા?
વળી શી રહી ખૂબસૂરતી તેની અણી ઉપર અહો!

મેં કૈં જ શંકા ના કરી યા કંઈ તસલ્લી ના થઈ,
મળી માહિતી મુજને હવે 'બાતલ જહાંથી હું થયો'!

મ્હારી સિફારીશ ખુદ જિગર મહબૂબનું કરતું હતું,
આહ તેની એ તરફ થઈ સખ્ત એ દિલદાર તો!

મ્હારા જિગરખૂનનો કરીને હોજ તેમાં નાહી તે,
ને તે હમામે હું વળી જાદૂથી ખેંચાઈ પડ્યો!

ત્યાં શું કર્યું? ત્યાં શું થયું? તેનું ન ભાન કશું રહ્યું!
ત્યાંથી શિતાબી નિકળી ગાફિલ હું ગાંડો થયો!

કૌવત ગયું ને મર્ઝ ચોંટ્યો! ગઈ સનમ તો દૂર દૂર!
આ નેક દિલ ફટકી ગયું! તેનો હિમાયતી કોણ કો?

દે શુક્ર ઓ વાલી ખુદા! ગમખાર બેગાના પરે,
તેને સમાલી લે, બન્યો દરવેશ તે તો ઇશ્કનો!

બેકદરના યારને ના છે સનમ, ના છે ખુદા,
વા ના ઇબારત દર્દનું કૈં તાન ગાવાને અહો!

તો ઠીક છે, તું ઠીક છે, તું પાંખડી ઘેલાઈની,
ઓઢી તને મૂંગો રહી રોતો રહું હું એકલો!

રોવું થયું હાસિલ છે આ ખૂનને ટીપે ટીપે,
હસતી ભલે એ બેકદર! હું બેકદર રોતો ભલો!

૯-૨-૯૬