કલાપીનો કેકારવ/વિધવા બ્હેન બાબાંને
← પ્રિયા કવિતાને | કલાપીનો કેકારવ વિધવા બ્હેન બાબાંને કલાપી |
એક કળીને → |
મંદાક્રાંતા |
વિધવા બ્હેન બાબાંને
વ્હાલી બાબાં! સહન કરવું એ ય છે એક લ્હાણું!
મ્હાણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું!
મૃત્યુ થાતાં રટન કરવું ઇષ્ટનું એ ય લ્હાણું!
આશા રાખી મરણ પછી ને જીવવું એ ય લ્હાણું!
સંબન્ધીના મરણ પછી ના સર્વ સંબન્ધ તૂટે,
બ્હેની! આંહી વિરહ જ ખરો ચિર સંબન્ધ ભાસે;
તે પ્રેમી જે પ્રણયમયતા જોઈ મ્હાણે વિયોગે,
મીઠું કિન્તુ ક્ષણિક જ નકી સ્વપ્ન સંયોગ તો છે.
છે વૈવિધ્ય વધુ વિમલતા, બ્હેન! સૌભાગ્ય કૈં;
છે ભક્તિમાં વધુ વિમલતા, બ્હેન! શૃંગારથી કૈં;
બાબાં ત્હારા મૃદુ હ્રદયને ઓપ વૈધવ્ય આપી,
ઊંચે ઊંચે તુજ દિલ જશે લેઈ ધીમે ઉપાડી.
ના બોલું આ તુજ હ્રદયનાં અશ્રુ હું લૂછવાને,
શાને લૂછું હ્રદયશુચિતા આંસુડાં દાખવે જે?
વ્હાલી બાબાં! કુદરતકૃતિ સર્વદા હેતુવાળી,
ઇચ્છે દેવા અનુભવ પ્રભુ સર્વને સર્વ વ્હાલી!
બાપુ! આ સૌ સુખ દુઃખ તણી વેઠ નાખી નથી કૈં,
આ તો બોજો કુદરત તણો માત્ર કલ્યાણકારી;
આ પ્હાડો જે પથિક સહુને આવતા માર્ગમાં ત્યાં
ચક્ષુવાળાં શ્રમિત ન બને કિન્તુ સૌન્દર્ય જોતાં.
આ કુંડાળું કુદરત તણું કોઈ કોઈ જોઈ શકે, તો
ના ના જોશે કંઈ વિષમતા કિન્તુ સીધાઈ લીસી;
ટૂંકી દૃષ્ટિ જનહ્રદયની અલ્પ ખંડો જ જોતી,
ને તેથી આ સુઘડ સરણી દિસતી ડાઘવાળી.
બાબાં! જોને નયન ભરીને આંસુથી એક વાર!
બાબાં! જોને સુપ્રભ રચના વિશ્વની એક વાર!
વ્હાલા સાથે નિરખતી હતી આજ જો એકલી તું,
બાબાં! ખુલ્લું હ્રદય કરી જો, એ જ ઇચ્છયું હરિનું.
જોને, બાપુ! તુજ જિગરનો મિત્ર તો ત્યાં વિલાસે,
ત્હારો ચ્હેરો ગત હ્રદય એ ત્યાં ય ઊભું વિમાસે!
એ રેલાયું ઉદધિ સઘળે કિન્તુ તું બિન્દુ તેનું,
આડું આવ્યું પડ નયનને ત્હોય એ વારિ ત્હારૂં.
બ્હેની! આવાં પડ પછી પડો આવતાં જાય આડાં,
અન્તે ગાઢાં પડ ચીરી દઈ પાર જાતાં સહુ ત્યાં;
તું ને મ્હારી પ્રિય સખી ત્યજી હું ય જાઉં કદાપિ,
એવું એ કૈં શુભ જ કરવા ઈશ ઇચ્છે કદાપિ.
રે! તો સાથે તમ હ્રદયનાં ગાળજો અશ્રુ બન્ને,
જે બાકી તે ભણી લઈ તમે આવજો સાથ બન્ને;
બાબાં! તું એ શીખીશ ફરી આ પાઠ ઔદાર્યનો, ને
મ્હારી ભોળી પ્રિય અબુધને દોરજે આ જ માર્ગે.
૩-૫-'૯૬