← નદીને સિન્ધુનું નિમન્ત્રણ કલાપીનો કેકારવ
વૃદ્ધ ટેલિયો
કલાપી
ગુનેહગાર →
ઈગ્રેજ કવિ વર્ડ્ઝવર્થના એક કાવ્ય પરથી


વૃદ્ધ ટેલિયો*[]

પડી'તી ડાંગ લાંબી ત્યાં ડોસાના પગ આગળે,
બેઠો'તો માર્ગની પાસે શિલા એક પરે નમી,

કનેના એક ખંડેરે દૃષ્ટિ સ્નિગ્ધ હતી ઢળી;
શ્વેત એ પાંપણો નીચે છુપાં અશ્રુ ભર્યા હતાં,

જરા ધ્રુજે છે નમી શીર્ષ નીચે,
કપાસના પોલ સમું દેસે તે;
દુ:ખે દિસે છે જરી ઓષ્ઠ દાબ્યા,
દુ:ખોની રેષામય ગાલ ભાસે.

ચિતાની અગ્નિજ્વાલામાં દીધો છે પગ એક, ને
બીજો તે જો ઉપાડે તો અન્ત ત્યાં સહુ કષ્ટનો.

હું ત્યાં ગયો હ્રદય ખેદિત કાંઇ થાતાં
અશ્રુ દુ:ખી નિરખતાં હ્રદયે ભરાયાં;
તે જોઇને દુ:ખી ન રાક્ષસ કોણ થાય ? -
અશ્રુ વહે જનઉરે જન જોઈ દર્દી.

પૂછ્યું 'ભાઇ ! કહીં'નો તું ? કહીં ને કેમ જાય છે ?
"ઘટે ના આપવો આવો. શ્રમ આ પદને હવે."

વિચારોથી જાગી મુજ તરફ જોયું જરી હસી,
અહો! કેવું મીઠું હ્રદય દુખિયાં એ હસી શકે !
પરંતુ એ હાસ્યે મમ હ્રદયને તો દુ:ખ દીધું !
મને તો રે ! લાગ્યું સ્મિત નહીં પરંતુ રુદન એ !

અને એવું એવું રુદન સરખું હાસ્ય કરતી,
બધાં વૃક્ષોમાંએ રુદન સરખું હાસ્ય ભરતી,
ગઈ વ્હેતી ધીમે અનિલલહરી કો સુસવતી,
અને ડોસો એને શ્રવણ દઈ જાણે નિરખતો !

બોલ્યો ધીમે, 'અરે બાપુ ! દુ:ખીનાં દુ:ખ કાં પુછો ?
'ન જાણે તે ન જાણે છે, વાતોથી દુ;ખીનાં દુ:ખો.'

તહીં હું તો બેઠો દુ:ખી દિલ તણી વાત સુણવા,
કહ્યું, 'બોલો! બોલો તમ હ્રદયની વાત સઘળી;
'દયા જોકે છેદી દુ:ખી દિલ તણાં ના દુ:ખ શકે,
'નકી પંપાળીને જિગર હલકાં તો કરી શકે.'

ગાલે કરચલી કમ્પી ને જોઇ મુજ મ્હો રહ્યો;
હું તેના વૃદ્ધ હૈયાના રક્તને સુણતો હતો.

ટટ્ટાર એ થઈ પછી ક્ષણ એક વીત્યે,
તે ડાંગને પગથી રેડવી આમ બોલ્યો:
'રે બાપુ! તું જરૂર સાંભળશે દુ:ખો શું?
'શું વૃદ્ધ આ હ્રદયને નિરખી શકીશ?

'થોડા વર્ષો પર બહુ હશે કાળચક્રો ફર્યાં ના,
'તાજી આશા તુજ હ્રદયની, રક્ત તાજું હજુ આ;
'હું તો, ભાઇ! મરણ પર છું આંખ રાખી રખેલો,
'મ્હારા મ્હોંની કરચલી બધી જીર્ણ વાતો ગણે કૈં.

'જૂની વાતો, મગજ ઘરડું, હોય શું સ્વાદ તેમાં ?
'મૃત્યુ જેવું નીરસ સઘળું લાગશે, ભાઈ ! એ તો!
'તહારી દૃષ્ટિ ઝળહળ થતા ભાવિમાં બાપુ! ચોંટી,
'મ્હારી દૃષ્ટિ ગત સમયના ગાઢ કિલ્લા ઉખેળે.

'બહુ વેળા દુ:ખો સ્હેતાં ફાટી આ દિલ છે ગયું;
'ભલે ત્હોયે પડો ગાઢાં ઉખેળું તુજ પાસ હું.'

છૂટા ન શબ્દો પણ એ થતા'તા,
ખંડેરમાં એ નયનો ફરે હજુ;
મ્હારી ય ત્યાં દૃષ્ટિ જરાક સ્તંભી,
એ સ્થાન કૈં ગમ્ભીર ભાસતું હતું.

તૂટેલ જુના ગૃહની નિશાની,
ગાઢાં તરુ, નાજુક એક વ્હેળું;
ભાસ્યું મને સ્થાનક ભૂતનું એ,
કે છૂપવા ઠોઠ નિશાળિયાનું,

ટટ્ટાર કિન્તુ થઈ એ ક્ષણમાં ફરીથી
નિ:શ્વાસ એક લઈ દીર્ઘ મને કહ્યું આ :-
'રે મહેરબાન! નકી મૃત્યુ ભલાનું વ્હેલું:
'ને શુષ્કને સળગવા બહુ કાલ લાંબો!

'આ નેત્ર કૈં નિરખતાં અહીં આસપાસ,
'જેનું કશું નયન જોઇ શકે ન તહારાં;
'આ સ્થાનમાં સમયના પલટા કંઇ છે,
'રે! સ્થૂલ ભૂમિ પણ કૈં પલટા સહેતી!

'રે ભાઈ! આખર બધાંય મરી જવાનાં,
'લેતું ન મૃત્યુ વળી આપણ એકલાંને!
'જે જે પદાર્થ પર પ્રેમ જનો કરે છે,
'તે તે પદાર્થ પણ તે જન સાથ જાતા!

'તે વ્હાલની અગર ચીજ ફરી જતી સૌ,
'વીતેલની પ્રીતિ તણું ફરતું બધું એ;
'હા! તુર્ત સુન્દર સહુ ય કુરૂપ થાતું!
'વીતેલની રહી શકે ન નિશાની એ કો!

"બાલાં' કરી મુજ હતી ભાગિની સમી કો!
'તેનું જ આ ગૃહ, અહો! મુજ આશરો કો!
'મ્હારો જ ના : પણ ગરીબ સહુયનો આ
'તૂટી પડ્યો કંઇક વર્ષથી આશરો છે.

'એ બ્હેન! બ્હેન હતી ના મુજને જહાંમાં,
'એ બ્હેન! કિન્તુ મુજને પ્રભુએ ધરી'તી,
'મ્હારા પડોશ મહીં પુષ્પ હતું ખીલ્યું એ,
'પંપાળવા હ્રદયને જ હતું ઉગેલું,

'એનું હશે મુખ નહીં બહુ બોલ બોલ્યું,
'થોડા જ શબ્દ પણ બિન્દુ બધાં સુધાનાં,
'એ શાન્ત આદ્ર ભગિની સરખી નિગાહે
'કોને કર્યું નવ હશે ઉપકાર ગાતું ?

'મ્હારા પછી જગતમાં જનમી હતી એ,
'પાછી જતાં મગર પ્હેલ કરી જ ચાલી;
'મ્હારે ગૃહે બચપણે રમનાર બ્હેની
'આંહીં હતી, તહીંય બાલક એ હજુ છે.

'મ્હારા ગૃહે! સમય એ પણ યાદ આવે!
'બાલાં તણું પ્રિય હતું મુજ ઝૂપડું એ;
'એનું અને મુજ હતું ગૃહ સાંકળેલું
'કો પ્રેમથી વળી સમાન અનુભવોથી.

'માતા મને ત્યજી ગઈ મુજ જન્મ થાતાં,
'એ દૂધ વત્સલ ન પામી શકેલ હું છું;
'બોજો પડ્યો મુજ પિતાશિર એ વહીને
'થાકી ગયેલ ઉર મૃત્યુ મહીં વિરામ્યું.

'બાલાં તણા વડીલ બન્ધુ સહે રહ્યો હું,
'એનાં ય માત વળી તાત રહ્યાં હતાં ના;
'કેવાં હતાં હ્રદય એ કુમળાં બનેલાં!
'કેવાં સદા મધુર સ્વપ્ન મહીં રહેલાં!

જે સર્વને જગતમાં નવ તે મને છે'!
જે ના મને વળી તને ય રહ્યું નહીં એ'!

'એવી જ નિત્ય કંઇ વાત અમે કરીને
'ના જાણતાં હ્રદયમાં ગળતું હતું શું!

જે અન્યને જગતમાં નવ તે મને છે'!
'એ લાગણી ઉપર વિશ્વ બધું ફરે આ;

'એ લાગણી નરકસ્વર્ગ તણી જનેતા;
'ને એ વતી જ અમ ઉર ઢળ્યાં પ્રભુમાં.

'પછી તો ભાઈની સાથે કાપવા કાષ્ટ હું જતો,
'ઉપયોગી થયો માની ઉપાધિ કરતો હતો.

'વસન્તના એક દિને રૂપાળે
'પ્રભાતકાળે વનમાં હતો હું;
'ભલો અમારો નૃપ અશ્વ સાથે
'કને જ દીઠો ફરતો તહીં મેં.

'મને જોઇ ઉભો રાજા, દયાથી મુજને કહ્યું :-
'સુખી છે કે ? ગુજારો તું કરે છે તુજ શી રીતે ?'

'કહી સહુ મેં મુજ વાત તેને,
'જરા વિચારી નૃપ આમ બોલ્યો :-
'મહેલમાં આજ જ આવજે તું,
'દઈશ હું નોકરી બાગમાં ત્યાં.'

'ગયો બ્હેન કને દોડી, કહી વાત કુદી કુદી;
'ભાઈની લઈને આજ્ઞા, જોડાયો મુજ બાગથી.

'તહીં બગીચે નૃપ આવતો સદા,
'મને હસીને કંઈ પૂછતો સદા;
'ભણાવતો ગમ્મતમાં મને કંઈ,
'અને પછી પુસ્તક કાંઈ આપતો.

'સોંપેલ તે મુજ તરુ જલ પાઈ પોષી
'ચિત્રો નિહાળી મમ પુસ્તક વાંચતો હું;
'ને ખેલતો ભ્રમરથી ફુલડાં ઉછાળી,
'રે! એમ કૈંક દિવસો સુખના ગયા ત્યાં.

'અરે! જે છાયામાં કમનસીબ પક્ષી જઈ વસે,
'તરુ એ તે સૂકે, ગહન ગતિ એવી હરિ તણી!

'ઉડી જાતાં છાયા ગરીબ કંઇ પંખી રડવડે,
'અહીં સંસારે એ બહુ વખત કૈં માલૂમ પડે !

'ગઈ સ્વર્ગે ભલી રાણી, અમ્બાનો અવતાર એ,
'પ્રિયાની પાછળે ઓહો ! ઝૂરી ઝૂરી ગયો નૃપે.

'ખાવા ધાતાં તરુ સહુ મને, ચેન ના ક્યાંય થાતું,
'હું તો ન્હાસી સમય મળતાં બ્હેનની પાસ જાતો;
'રે રે ! મ્હારા નવીન નૃપની ક્રૂર છાતી હતી કૈં,
'ના બીજાનાં સુખદુ:ખ તણું ભાન તેને હતું કૈં.

'પેટને કાજ હું તો ત્યાં ગુજારો કરતો હતો,
'અરેરે ! બન્ધુ એ ત્યાં તો ઓચિન્તો ગુજરી ગયો.

'એ આત્માને પ્રભુ સુખ સદા આપજો સ્વર્ગ માંહીં,
'એ માટે કૈં રુદન કરવું યોગ્ય ના, ભાઇ ! હાવાં;
'કિન્તુ પેલું વદન કુમળું આંખની પાસ આવે,
'આ ડોસાનાં બહુ ય વખતે આંસુડાં ખેરવે છે.

'કેવં કુણું રમત કરતાં જોઇ રહેતું નભે તે!
'ઓહો! પેલું ગગન જહીંથી ભાવિ સર્વે ઘડાતાં!
'જાણે પૂછે નયન મુજને, 'ભાઇ તે ત્યાં હશે શું!'
'મીઠી દ્રષ્ટિ જલભર સદા વિસરે કેમ એ તો?

'ત્હોયે એનું વદન હસતું કોઇ દ્હાડે હવે તો!
'જાણે કોઇ ચમન રચતું હાસ્ય એ હોય ના શું ?
'જાણે આંહીં પ્રણય સહ કો શાન્તિ ફેલાવવાને
'એ હૈયામાં પ્રભુકર વતી પૂતળી કો ઘડતી!

'એ હૈયું તો કુદરત તણા નાદનો દિવ્ય તાર!
'કેવું મીઠું રસમય અને આર્દ્ર કેવું સુરીલું!
'હું તો, રે રે! બહુ ય વખતે માનતો ને કહેતો,
'તું નિર્માઇ જરૂર સુખડાં અર્પવા - પામવાને'!

'પછી તો બેક વર્ષોમાં લગ્ન બહેન તણાં થયાં,
'સુખી છે એ, સદા એવું સાંભળી સુખી હું હતો.

'તોયે બ્હેન સિધાવી તે દિવસથી ના અન્ન ભાવ્યું મને,
'આ સંસાર તણી દિશા ય સઘળી જાણે મને ઘૂરકે;

'માતા તાત તણાં ખરાં મરણ એ તે દી ફરીથી થયાં,
'મોજાં અશ્રુ તણાં કટુ ઉદધિનાં તે વખ્તથી છે ઢળ્યાં.

'અરેરે! હર્ષની લ્હેરી સંકોચાતી વહે નકી!
'અરેરે! કષ્ટની રેલો વધે છે કાલ આજથી!

'હતો પડ્યો હું દિન એક દર્દમાં,
તહીં અમારો નૃપ આવીને ઊભો;
'પ્રણામ દેવા નવ ભાન કૈં હતું,
'ઊભો રહ્યો એ, સૂઇ તો રહ્યો જ હું.

'મારી લાતો મને બોલ્યો, 'ચાલ્યો જા શઠ! બહાર તું';
'આજીજી મેં કરી, કિન્તુ બ્હેરી સત્તા જ એ હતી!
'હવે તો એ નૃપે આજે બિચારો પદભ્રષ્ટ છે;
'ભલો એ છે હવે તો એ કાલના ક્રમમાં પડી.

'ગમે તે અલ્પની સામે, ગમે તે દુષ્ટની ભણી,
'કૃતધ્ની ને મહા પાપી તિરસ્કારની દૃષ્ટિ છે.

'ગયો ગૃહે હું બની ભૂત જેવો,
'મને પડોશી સહુ પોષતાં'તાં;
'ગરીબ કિન્તુ સહુ બાપડાં એ,
'ગરીબને પોષી શકે કહીંથી?

'હતી ન સત્તા હ્રદયે શરીરે,
'ન કાર્ય હું; કૈં કરતો હતો વા;
'અન્તે રડી એક દિને બહુ એ,
'વેચી દીધું એ ગૃહ તાતનું મેં.

'પુત્રી ને ગૃહને નાણે જેવારો ન થયો કદી,
'પિતૃની ને પ્રભુની કૈં દૃષ્ટિ તીખી તહીં નકી.

'અંતે રહ્યું ન મુજ પાસ કશું ય, ભાઇ!
'એ જન્મભૂમિ ત્યજવા દિન પાસ આવ્યો;
'બહોળું હતું જગત ત્યાં હક કૈં ન મ્હારો,
'શ્રીમાન એ તમ સમા સમજી શકે ના.

'રે! સાઠ વર્ષ દિન તે ઉપરે ફર્યાં છે,
'હું ટેલ તે દિવસથી દઈને ભમું છું;

'પ્હેલો જ આદર મળ્યો મુજ બ્હેનઘેરે,
'રે ભાઇ! બ્હેન મુજ એ જ બિચારી બાલાં.

'સહેવાનું સહી નાખ્યું, બાકી આજ નહીં કશું;
'કપાતું આયુ કષ્ટોથી, મ્હારું તો દીર્ઘ છે થયું.

'હશે ભાઇ! હશે ભાઇ! દુ:ખી હું નવ લેશ છું,
'જીવતાં હું નથી થાક્યો, મોતથી ય નહીં ડરૂં.'

અહીં સુધી વાત કરી વિરામ્યો,
કિન્તુ હતું એ ઉર કાંઇ ભારેં;
કહ્યું ફરી મેં, 'હજુ કાંઇ પૂછું,
'એ બ્હેનનું આ ઘર કેમ આવું ?'

ડોસો જરા વ્હાલભર્યું હસીને,
મ્હારા ભણી શાન્ત નિહાળી ર્-હેતાં;
બોલ્યો જરા એ ઠપકા સમું કૈં,
કેવું પરન્તુ મધુરૂં હતું એ!

'જીજ્ઞાસા કાજા દર્દીની વાતો ના સુણવી ઘટે;
'ઇચ્છા એવી મરેલાંમાં રાખતાં ઠપકો ઘટે.

'કોઇનાં એ દુ:ખોમા યોગ્ય ના સુખ પામવું;
'મરેલાં તો પ્રભુનાં છે તેનું માન જ રાખવું.

'પરન્તુ આપણે સર્વે જાણતાં ય નકી જ કે,
'દર્દીનાં દર્દની વાતે આપણું મિત્ર કો વસે.

'દર્દથી જે મળે તે કૈં દર્દની વાતથી મળે,
'દર્દોની કો કથામાં તો દર્શનો પ્રભુનાં જડે.

'દુનિયામાં સદા વીતે તેની આ મુજ વાત છે,
'કલા છે ના, નવું છે, ના રસીલું યે નહીં કશું.

'સુણો, કહું ભાઇ! હવે ન થોભું,
'અહીં હતું એ જ સુખી કુટુમ્બ;
'બાલાં તણા એ પતિ સાથ હું તો,
'થોડું રહ્યો કિન્તુ બનેલ મિત્ર.

'ઉધોગની એ પ્રતિમા હતો, ને
'ર્-હેતો બધો દિવસ ખેતરોમાં;
'સન્ધ્યા થતાં ટેકરીએ ચડી આ,
'ગમ્ભીર સૂર્યાસ્ત સદા ય જોતો.

'હતું સદા એ મુખ હાસ્ય માંહીં,
'પ્રભાતકાલે નિરખ્યા સમું એ;

'હતું ભરેલું ગૃહ અન્નથી આ,
'ને વૃક્ષ આ દાડિમથી ઝુકેલાં.

'રહી થોડા દિનો ત્યાં હું યાત્રાએ ફરવા ગયો;
'બહુ ઘુમી બહુ વર્ષો પાછો ત્યાં ન ફર્યો હતો.

'દુકાળ મ્હોટો મરકી સહે ત્યાં,
'હતો પડેલો ત્રણ વર્ષ પૂરાં;
'છત્રીશ તેને વરસો થયાં છે,
'હશે તમોને સ્મરણે નહીં એ.

'બધાં હતાં ખેતર છેક સૂકાં
'કુવા મહીં એ જલ ના રહ્યું'તુ;
'શહેરો બધાં તો શબના ઢગોથી,
'રોતાં હતાં દર્દ શ્મશાન જેવાં.

'વળી ઉઠી કાબુલમાં લડાઇ,
'ગમ્યું પ્રભુને સઘળું હતું એ;
'શ્રીમાન કૈં યાચક થઈ ગયા, ને
ભૂખે મરી કૈંક ગયાં ગરીબો.

હું ઝૂંપડાં કૈંક ભમી ભમીને,
'પુરૂં કદી અન્ન ન પામતો'તો;
'તૂટેલ વસ્ત્રો ય હતાં ન ત્યારે,
'એ સખ્ત કાળે મરતાં બચ્યો છું.

'હમેશનાં શોખ તણા પદાર્થો
'બાલાં બધાં દૂર કરી કરીને;
'આશા મહીં એ દિવસો ગણન્તી,
'હર્ષે હતી આ ગૃહમાં રહેલી.

'પરંન્તુ તોફાન બીજે ઉન્હાળે,
'આવી પડ્યું બહેન પરે નવું કૈં.
'એનો પતિ સખ્ત જ્વરે ઝલાઈ,
'પડ્યો રહ્યો માસ કંઈ બિછાને.

'ઉઠ્યો ફરી : માલુમ ત્યાં પડ્યું, કે
'હતું રહ્યું કૈં જ ગૃહે ન બાકી -

'તોફાન માટે ઘરડાં થતાં વા,
'રાખ્યું હતું કોસિર કૈં, કરી જે.

'વળી વધ્યું બાલક એક ત્યારે
'કાંઇ વધારે તકલીફ દેવા;
'શ્રીમાનનાં ઇચ્છિત બાલકો તો
'ગરીબને દર્દ સમાં બને છે.

'પંખી ચુગે ટેકરીઓ ભમીને
'દાણા પડ્યા છે વિખરાઈ આંહીં;
'તેવાં જ ટોળાં કણબી તણાં કૈં
'અહીં તહીં પેટ ભરી રહ્યાં'તાં.

'પરન્તુ જેનું ગૃહ પૂર્ણતામાં
'ભર્યું હતું આજ સુધી સદા એ,
'ના જ્યાં હતી ભાવિ તણી ય ચિન્તા,
'અસહ્ય તેને પલટો થયો આ.

'પટેલદ્વારે ઉભી સુસ્ત આ તો
'આનન્દ દેનાર દુવા ય ગાતો;
'જૂનો હવે હર્ષ ન કિન્તુ પામી
'ચાલ્યો જતો ખેતરમાં ભમન્તો.

'ઊંડા કુવામાં નવ કોસ ખેડી
નાસી જતો ગામ મહીં કદી તો;
'ટૂંકા હતા જે દિવસો ઉન્હાળે
'બન્યા હતા દીર્ઘ હવે શિયાળે.

'તેના હવે હર્ષ બધા ય ડૂબી
'હૈયા મહીં ના રસ પૂરતા'તા;
'ટેવાયલું હર્ષ મહીં રહેવા
'તે હર્ષ જાતાં અરધું મરે છે.

'રીસાળ ધીમે ઉર એ થતું'તું,
'કઠોરતા બાલક સાથ આવી :
રમાડતો બાલકને કદી તો
'તેમાંય કૈં ક્રૂર જ ભાસતું'તુ.

'એ બાપડાં બાલકનાં મુખોને
'બાલાં બિચારી શકતી ન જોઇ;
'તેણે મને આમ રડી કહ્યું'તું :-
' 'એ' હાસ્ય જોઇ મરતી જળી 'હું' !'

અહીં સુધી કહી પાછો ડોસો એ અટક્યો જરા,
બાગનાં વૃક્ષની સામે જોઇ શાન્ત વધ્યો ફરી:

'અહીં મધ્યાહ્ને આ જગત સઘળું ગાઢ સુખમાં
'દિસે લેતું ઝોકાં, સહુ ગમ બધું શાન્ત સરખું;
'દિસે છે અત્યારે જગત પર આરામની ઘડી,
'અને ના સૂતું તે રમણીય બધું હર્ષમય છે.

'અહીં જન્તુટોળાં ગણ ગણ ઉડે વૃક્ષવિટપે
'બધાં એ શાન્તિથી મધુર સુરીલો મેળ રચતાં,
'અરે! ત્યારે કાં આ ગમગીન રહે વૃદ્ધ નયનો?
'ઘટે ના આ દેવાં રુદન કરવા આપણ ઉરો.

'ઘટે વ્હોરી લેવી નહિ જ નબળાઇ જન તણી
'ગયાં સ્વર્ગે તેનાં દરદ બહુ જૂનાં સ્મરી સ્મરી;
'મરેલાંનાં સત્યો મરણ સુધી ના ના મળી શકે,
'અને રાહો જોવી વધુ પણ કશું ના થઈ શકે.

'પ્રભુના આરામો ઉપર નયનો બન્ધ કરતાં
'ઘટે ન્હાની વાતો ઉપર નવ આંસુ ટપકવાં;
'અહીં ઘોળી કાંઈ દુ:ખમય વિચારો હ્રદયમાં
'અરેરે! શાને કૈં દખલ કરવી આ કુદરતે?

'અંજલિ ગમગીનીની સદા એ અરપ્યા થકી
'પ્રભુની પામવા પ્રીતિ બિન્દુ હર્ષ તણું વધુ."

એ બોલ એ વૃદ્ધ મુખે ગભીરી
કૈં શાન્તિ, કૈં હર્ષ સ્ફુરાવતા'તા;
એવું હતું કૈં નરમાશવાળું
ચહેરા મહીં એ વિલસી રહેલું.

ભૂલી ઘડી વાત ગયો જ હું એ
કૈં વાત બીજી જ કરી ઘડીક;

એ વૃદ્ધ મ્હોંને નિરખી રહેતાં
તૃપ્તિ નવી કૈં ઉર પામતું આ.

એ બાઈની વાત પરન્તુ તુર્ત
જાગી ઉઠી આ ઉરમાં ફરીથી;
સ્નેહી તણી વાત ન હોય જાણે
તેવો થયો હું સુણવા અધીરો.

વિનન્તી મેં કરી તેથી, ડોસાએ સ્મિત મિષ્ટથી
રામનું નામ લઈને, વાત તુર્ત શરૂ કરી:-

'એવી રીતે આ દિવસો સુધી એ
'બાલાં હતી શાન્તિ મહીં રહી જ્યાં,
'તે આ ગૃહે તે સમયે ફરીથી
'હું દૂર દેશો થકી આવતો'તો.

'આ વૃક્ષને દૂર થકી નિહાળી
'આનન્દ ના આ ઉરમાં સમાતો;
'ઉતાવળે મેં પગલાં ભરીને
'ધીમે લઈ આ ખડકી ઉઘાડી.

પરન્તુ એ બ્હેન કને ઉભો તો
'એ તો રહી ચૂપ જ જોઇ હુંને!
'મ્હોં ફેરવી દેઈ પછી નિમાણું
'રોઈ પડી બાપડી એ અરેરે!

'બેસી ગઈ એ મુજ પાદ પાસે,
'શું આ થતું'તું, સમજ્યો નહીં હું;
'ઊઠી પછી આખર નામ મ્હારૂં
'કેવું કંઇ બોલી હતી અધૂરું!

'જાણે હતાં એ ઉરમાં હજારો
'દર્દો ભરેલાં ન સહાય એવાં;
'જાણે હતું કોઇ ન પાસ એને
'એવાં દુ:ખોમાં કંઇ વાત ક્હેવા.

'એ નેત્રનો સ્નેહ દુ:ખે જળેલો.
'પ્હાડો સમી આફતથી ગળેલો;

'એ દૃષ્ટિ સાથે મુજ કાળજામાં
'ચોટી જતો'તો વણખા સમો કૈં.

'હૈયા મહીં કૈં ડુસકાં ભર્યાં'તાં,
'ઘડીક તો બોલી શકી ન એ કૈં;
'દેઈ શક્યો હું પણ ના દિલાસો,
'મને ય ના ભાન રહ્યું કશું એ.

'એનો પતિ ક્યાંહીં હતો દીઠો મેં?
'એવું મને આખર સ્પષ્ટ પૂછ્યું!
'આશ્વર્ય ને બીક મહીં ગળ્યો હું,
'શક્તિ હતી ઉત્તર આપવા ના.

'કિન્તુ પછી સ્પષ્ટ વિશેષ બોલી,
'કે એ હતો ન્હાસી ગયેલ ક્યાંએ;
'તેને ન બે માસ હતા થયેલા,
'સૂનું થયું આ ગૃહ ત્યારથી છે.

'રોતાં દિનો બે દુ:ખમાં ગયા, ને
'ત્રીજે પ્રભાતે હજુ ઊઠતી'તી,
'ત્યાં કોથળી એક કને જ દીઠી,
'જાણે ધરી એ જ ગયેલ હોય!

'એ ઊઠતાં વેંત જ હાથ આવી,
'જેમાં હતું કાંઇ સુવર્ણ રાખ્યું,
'એ કોથળી લેઈ મને બતાવી,
'બાલાં ફરી રોઈ અને કહ્યું આ :-

એ જોઈને ધ્રુજ મને વછૂટી,
સાચું જ મ્હારા ઉરમાં વસ્યું કૈં;
સન્ધ્યા સુધી તો પણ હું અધીરી
રહી અને એ જ સુણ્યું પછી મેં.

કહી ગયા'તા મુજને કહેવા
તે કોઇએ આવી મને કહ્યું, કે
જ્યાં થાય છે કાબુલમાં લડાઈ
ત્યાં એ નવા લશ્કર સાથ ચાલ્યા.

' 'છેલ્લી ય મ્હારી પણ ભેટ લેવા
' 'કઠિન હૈયું ન કરી શક્યા એ,
' 'મને ગયા એમ જ એ ત્યજીને,
' 'કાંઈ પછી ના ખબરે મળ્યા છે.

' 'એને હશે બીક ઉરે, અરેરે !
' 'કે હું ય લેઈ મુજ બાલકોને !
' 'એની સહે ઉજ્ર્ કરી જઈને
' 'પહાડો મહીં ક્યાંઈ મરી જઈશ.'

'કહ્યું મને અશ્રુ ભરી ભરી સૌ
'એ અશ્રુ માંહીં જ રહી વિરામી;
'ચીરા બધા એ ઉરના નિહાળી
'ત્રોફાઈ મ્હારૂં ઉર આ જતું'તું.

'હું તો ન નેત્રે ઉંચકી શક્યો આ,
'દાબ્યાં હતાં અશ્રુ કઠોર યત્ને;
'કિન્તુ પછી શાંત થયો સુણીને
'આશાની વાતો કંઈ એ જ મ્હોંથી.

'થોડી જ વેળા મહીં ત્યાં વધારે
'વિચાર આશામય કૈં ઉઠ્યા'તા;
'શ્રદ્ધાલુ બાઈ ચડી એ વિચારે
'હર્ષાશ્રુમાં ડૂબતી દિસતી'તી.

'જૂદાં પડ્યાં તુર્ત અમે પછી તો,
'એ તો રહી ત્યાં ગૃહકાર્યમાં કૈં;
'મને હજુ પૂર્ણ જ સાંભરે છે,
'આવી હતી વાડ સુધી અહીં એ.

'ને હું જતાં દૂર ફરી પુકારી
'આનન્દથી આશિષ આપતી'તી;
'કેવી થઈ'તી સુખણી ફરી એ
'જ્યારે બની એ જલપૂર્ણ નેત્રે!

'વસન્તના એ દિવસો હતા, ને
'હું તો ગયો દૂર ફરી ભમન્તો

'છાયા મહીં ને તડકા મહીં એ
'કૈં એકલા આ પગ ચાલતા'તા.

'ક્યારે થતાં'તાં ઝરણાં સખાઓ,
'ક્યાં ઝાંઝવાંઓ રણ અર્પતાં'તાં;
'મ્હારા વિચારો સુખ કે દુ:ખોમાં
'પ્રસંગ સાથે ફરતા હતા કૈં,

'જ્યારે થયાં પૂર્ણ દુકાળયુદ્ધો,
'જ્યારે નવા મેઘ ચડ્યા અકાશે,
'ત્યારે ફરી આ ગૃહની ભણી હું
'કૈં માસ વીત્યા પછી આવતો'તો.

'નીલં હતાં ઘાસ નવાં જ ફૂટ્યાં,
'તાજાં બની કૈં ઝરણાં ફૂટ્યાં,
ગાતી હતી વાંસળીઓ ફરીથી,
'આશ્ચર્ય જેવી દુનિયા બની'તી.

'દ્વારે ઉભી અન્દર મેં નિહાળ્યું,
'બાલાં હતી ના ગૃહમાં જણાયું;
'ત્યારે હતો પથ્થર બાગનો આ,
'બેઠો તહીં રાહ નિહાળતો હું.

'ગુચ્છા ફુલોની લટકી રહ્યાં'તા,
'લતા હતી વૃક્ષ પરે ચડેલી;
'કિન્તુ બધા ચોક પરે અહીં ત્યાં
'કુતેલી ને દર્ભ હતાં ઉગેલાં.

'એ સ્વચ્છતા ખોઈ હતી બગીચે,
'ચૂકેલ પર્ણો વિખરી પડ્યાં'તાં;
'ત્યાં ડોકિયાં કાંકિડીઓ કરીને
'આનન્દથી ચોગમ દોડતી'તી.

'હોલો સુખે ઘૂઘવતો હતો ત્યા
'મોળો કરી એ નળિયાં મહીંથી;
'જે પુષ્પ સંભાળથી ઉગતાં, તે
'ઢળ્યાં હતાં સૌ કરમાઈ નીચે.

'ઘેટાં તણી ઊન કમાડ પાસે
'ચોંટી રહી'તી વળી ઉડતી'તી;
'ત્યાં છેક એ ઊમર પાસ બેસી
' 'લેતાં વિસામો નકી રાત્રિએ તે.

'બાલાનું એ બાલક ઓરડીમાં
'રોતું હતું ચીસ કરી કરીને;
'વાયુ સમું બૂમ કરી બિચારૂં
'પોતાની મેળે થઈ શાન્ત સૂતું.

'બેઠો ઘડી ને ફરતો ઘડી હું,
'ઉદાસ કિન્તુ સહુ ભાસતું'તું;
'ગમી તણી છાય હજાર હયે
'છાઈ અને યત્નથી ના જતી'તી.

'મ્હારો તહીં કોઇ પિછાનવાળો
'મ્હારી કને આવી ઘડીક ઊભો;
'બાલાં તણી વાત કરી કહ્યું, કે
'એ તો હવે કૈં રઝળ્યા કરે છે.

'ઉદાસ ચિન્તામય કાળજાથી
'કલાક બે ચાર તહીં જ બેઠો;
'સન્ધ્યા ઢળી, રાત્રિ પડી જતાં એ
'બાલાં તણાં ના પગલાં સુણ્યાં મેં.

'અન્ધાર જ્યારે સહુ પાસ વ્યાપ્યો,
'અન્તે દીઠી આવતી બાઈને મેં;
'રે રે ફર્યું એ મુખડું હતું કૈં
'ને એ હતાં ગાત્ર સૂકેલ સર્વે.

'જોઇ મને તુર્ત જ પાસ આવી,
'લાગી મને દ્વારા ઉઘાડી કહેવા :-
'રોકાઈ ર્-હેવું તુજને પડ્યું કૈં
'રે ભાઈ! તે તું કરજે ક્ષમા હો!

'પરન્તુ હું તો બહુ એ દિનોથી
'અહીં તહીં કૈં ભટક્યા કરૂં છું;

'ને એટલું તો સમજું ય છું, કે
' 'શોધું સદા તે નહિ લાધવાનું.'

'મ્હારી કને વાળુ પછી બિછાવી
'અશ્રુ બલે સર્વ ગળી કહ્યું, કે :
' 'હું દૂરનાં ખેતરમાં ભમું છું,
' 'પાછી ફરૂં તે પ્રભુની કૃપા છે.

' 'આ મ્હોં પરે જોઇ રહ્યો દુ:ખે તું,
' ' ખરે જ છે કારણ દૃષ્ટિને એ;
' 'મ્હારૂં ગયું છે બદલાઈ હૈયું
' 'ભમી બધો કાળ ગુમાવતાં આ.

' 'આ બાપડા બાલકને, અરેરે
' 'રોઈ હશે મેં નુકશાન કીધું;
' 'બેભાનને માફ પ્રભુ કરે છે,
' 'મ્હારો ય છે દોષ નહીં બહુ તો.

' 'રોતાં સૂઉં ને રડતાં ઉઠું છું,
' 'તે આ પશુડું નિરખી રહે છે;
' 'આ તો વહે અશ્રુ સદા ય જાણે
' 'હું આ બની અન્ય શરીર જેવી !

' 'લાગે મને હું ન મરીશ કો દી,
' 'જીવીશ તો હું પ્રભુ પાસ માગી
' 'જે જોઉં તે જોઇ બધુંય ર્-હેવા
' 'છાતી હવે વજ્રની પામવાને.'

* * *



'સાહેબ, એને નિરખો તો તો
'જાણું નકી ભૂલી કદી ન જાશો;
'એ વાત આજે ય તરી નગાહે
'ભાલા સમી ખૂંચી રહે મને તો.

'મ્હારી દિસે વાતે બહુ જ લાંબી,
'થાક્યા હશો એ સુણતાં કદાચ;
'એ બાઈ કિન્તુ બહુ વાર મ્હારા
'હૈયા મહીં ભૂત સમી ઉઠે છે.

'એની ભલાઈ વિસરી શકું ના,
'રોતાં ય કો દી અટકી શકું ના;
'ઓચિન્તી એ બ્હેન સદા ય હૈયે
'સ્વપ્ના સમી આવી રડ્યા કરે છે.

'હા! જોઇ જો એ મુખને શકો, તો
'પછી તમે ના હસશો કદી એ;
એ નેત્ર તો નિત્ય ઢળેલ રહેતાં
'સૂકેલ કે અશ્રુ થકી ભરેલાં.

'અને મને પીરસતી હતી એ,
'ત્યારે ય જોતી મુજ મ્હોં ભણી ના:
'કૈં પૂછતાં ઉત્તર આપતી, તો
'કેવો દુ:ખી દાહભર્યો અવાજ!

'રૂંધાયલું ચિત્ત બધું હતું એ,
'કો એક અશ્રુમય તાન માંહીં,
'આ વિશ્વના બાહ્ય પદાર્થ સર્વે
'જેને દિસે સુસ્ત સ્મશાન જેવા,

'નિ:શ્વાસ એ નાખતી'તી બિચારી,
'કિન્તુ દિસે ના ઉરની ગતિ એ;
'નિ:શ્વાસ કો સાંભળતો હતો, તો
'ના જાણતો કેમ કહીંથી આવ્યો ?!

             * * *
'પ્રભાતકાલે મુજ ડાંગ લેઈ
'બાલાં તણી માગી રજા, અને મેં
'એ બાપડા બાલકને ઉપાડી
'ચુમ્બી લીધી એક કપાલ માથે.

'બાલાં બિચારી નિરખી રહી એ
'ને નેત્રમાં નીર ભરાઈ આવ્યાં;
'ખેલ્યા સમું બાલકને કંઈક
'મેં આપતાં બિન્દુ ખરી પડ્યાં એ.

'આશિષ એને દઈને જતો'તો
'આભારમાં એ શિર કૈં નમ્યું'તું;

'આશા ય દેવા હજુ હું ઉભો'તો,
'તેને હતી જે ઉપયોગની ના.

         * * *
'પાછો ફર્યો હું ગૃહની ભણી આ
'થોડા દિનો આંહીં તહીં ભમીને;
'ના જાણતા કૈં જ વધુ હતી એ,
'હતી છતાં શોધ મહીં ભમન્તી.

ક્યાં એ હશે એ જીવતો હજી તો
'ના જાણતી કે જીવતો હશે એ,
'એ જો હશે ક્યાંય મરી ગયેલો,
'ના જાણતી કે ગુજરી ગયો છે.

'એ પૂર અશ્રુ તણું ખાળતાં તો
'જેવી હતી તેવી જ ભાસતી એ;
'જોઇ છતાં એ ગૃહને ન હું કાં
'જાણી શકું પૂર્ણ જ ફેરફાર ?!

'વાડી તણું જંગલ એ બન્યું'તું
'દહાડે ય મેંઢાં ચરતાં હતાં ત્યાં;
'ત્યાં દિવસે ઘૂવડ શાન્ત બેસી
'એ અન્ધ નેત્રો ચમકાવતું'તું.

'દૌર્બલ્યની એ ગૃહમાં નિશાની
'ગઈ હતી સૌ પથરાઈ જ્યાં ત્યાં;
'વ્યવસ્થ કાંઇ જ રહ્યું હતું ના,
'ને છો બધી ઊંદર ખોદતા'તા

'એનો પતિ ડાંગ ખૂણા મહીં જે
'જ્યાં રાખતો ત્યાં જ હતી પડેલી;
'જે ખીંટીએ પાઘડી ટાંગતો તે
'ટીંગાયલી ત્યાં જ હતી રહેલી.

'શીખ્યું હતું બાલક મા કનેથી
'નિ:શ્વાસ લેવા રમતાં સૂતાં વા;
'એનાં હતાં અંગ ગળેલ સર્વે
'ને દી બધો એ કરતું રડ્યા કૈં.

'એને શિરે હસ્ત ધરી વદી, એ-
' 'આશા મને બાલકની નથી આ;
' 'એનાં પિતાને નિરખી શકે એ-
' 'એવું પ્રભુએ નિરમ્યું દિસે ના.

' 'એ કાજ હુંએ જીવવા ન ઇચ્છું,
' 'નસીબ સૌનું સહુ સાથ, બાપુ!
' 'હું તો હવે ભાઈ ! મરી જઈશ
' 'થોડા દિનોમાં : સુખી એ વિચારે.

' 'આનો વડો ભાઈ ! પટેલ પાસે
' 'વાડી મહીં નોકરીએ રહ્યો છે;
' 'દાદા દયા એ પર પૂર્ણ રાખે,
' 'આનું ય કૈં એમ થઈ રહેશે.

' 'માતા વિના ઉછરતું બિચારૂં
' 'રોવા જ તે જીવ ધરી રહે છે;
' 'એવું ય આ કાજ હશે લખેલું
' 'વાતો વધુ તો પ્રભુ જાણનારો.'

'વર્ષાઋતુમાં ફરી આ ગૃહે હું
'આવ્યો હતો : છેલ્લી જ વાર એ તો;
'ભીની હતી છો, નળિયાં હતાં ના,
'તૂટી પડી થાંભલીઓ હતી કૈં.

'સ્વર્ગ ગયું બાલક એ હતું, ને
'બાલાં મને આમ કહી રડી'તી :-
' 'એ તો ગયું, હું સુખણી થઈ છું,
' 'હવે મને ના પરવા કશાની.

' 'એની ય શોધે ન હવે જતી હું,
' 'કો દી છતાં આ મન ના રહે છે;
' 'કોશો ઘણા કો દી ભમી વળું છું,
' 'ને મોતની રાહ સદા ય જોતી.'

'કહી કહી કૈં અટકી જતી એ,
'ઘેલાં દૃગો સજ્જડ ચોટી ર્-હેતાં;

'એ જોઇને હું ડરતો હતો કૈં
'ને અશ્રુ ખાળ્યાં ય રહી શક્યાં ના.

'તેણે કહ્યું આમ હસી લુખું કૈં,
'છેલ્લા જ એ શબ્દ સુણ્યા હતાં મેં :-
' 'તું ભાઈ ! જે કૈં સમજી ડરે છે,
' 'તેમાં જ મ્હારી સહુ આશ હાવાં.

' 'ઘેલાં થઈને દુખિયાં મરે છે,
' 'ઘેલાઈ ને મોત દવા પ્રભુની;
' 'હવે ફરી આપણ ભેટશું ના,
' 'હાવાં સુણું મૃત્યુ તણા અવાજ.'

          * * *
'એ તો બિચારી દશ વર્ષ આમ
'ઝૂરી, અહો ! એ દશ વર્ષ પૂરાં;
'કેવા હશે એ ભડકા દુ:ખોના ?!
'તોબા પ્રભુ ! એની કળા જ ન્યારી !

'રડી રડી ઘેલી સમી ભમન્તી,
'ઝલાઈ અન્તે શરદી વતી એ;
'છેલ્લી હતી આ ગૃહની નિશાની
'તે એ ઋતુમાં પ્રભુ પાસ ચાલી.

'એનો પતિ જ્યારથી ન્હાસી ચાલ્યો,
'સમારવું આ ગૃહ જાણતું ના;
'અને અહીં ધૂલ મહીં ભળી તે
'આજે જુઓ તેમ પડી રહ્યું છે.'

મ્હારાં થયાં ગળગળા નયનો : કહ્યું મેં,
'ચાલો ગૃહે મુજ અને તહીં શાન્તિમાં ર્-હો.'
'તેણે કહ્યું, 'શ્રમ હવે ઉતરી ગયો છે,
'આ ડાંગ લેઈ ફરી ચાલીશ હું અગાડી.

'બહુ વર્ષો ભમી કાઢ્યાં, હવે ટેવ ફરે નહીં;
'સુખી રહેજો.' કહી એ તો અગાડી ચાલતો થયો !

અત્યારે એ મુખ નયનની આગળે એ તરે છે,
ઓહો ! કેવું દુ:ખમય છતાં શાન્તિમાં વાસ એનો !
રે ! અત્યારે પગ ડગુડગુ ચાલતા એ હશે શું !
કે કૈલાસે પ્રભુપદ કને શાન્તિમાં મ્હાલતા શું !

જ્યાં હો ત્યાં હો! પણ સુખી હશે શાન્ત આત્મા નકી એ,
જ્યાં હો ત્યાં હો ! પણ હ્રદય કૈં બોધ દેતું હશે એ;
શ્રીમાનોને ગરીબ દિલની વારતા શીખવીને,
જ્યાં હો ત્યાં હો ! પણ પ્રભુ કને દોરતું કૈં હશે એ.

૨૯-૪-’૯૬

  1. ઈગ્રેજ કવિ વર્ડ્ઝવર્થના એક કાવ્ય પરથી