← વૃદ્ધ ટેલિયો કલાપીનો કેકારવ
ગુનેહગાર
કલાપી
ડોલરની કળીને →


ગુનેહગાર

દાવો:
'ગુનેહગારે કદમ તારે ઝુકાવ્યું શિર છે દિલબર!
'અરે! ખંજર દીધું કરમાં છતાં ના ઘા હજુ કાં કર?

'ગુનાહ પર શી રહમ? માશૂક! કતલ કર એ હુકમ હકનો!
'ડરે તો દે મને ખંજર, ઝબેહ આ દિલ કરૂં હું તો.

'ઉગામે ના, ન ફેંકી દે! ન થા ગુલ, યા ન થા કાંટો!
'ન માફી દે, જખમ ના દે! રડી શું આમ આંસુ દે?

'દયા છે તો ન કાં પ્રીતિ? ન કૈં તો શું ન ઇન્ સાફે?
'અરેરે! ક્રૂર માયાળુ! મને ઇન્ સાફ કે દિલ દે.

'ન છે કૈં વસ્લનો દાવો! કતલ કર એ મને લ્હાવો!
'અદલ કર યા ફઝલ કર તું, કંઈ તો ફેંસલો દેવો!'

ઉત્તર:
'કરૂં શું હું? અયે ઝાલિમ! અરે! ત્હારૂં જ આ ખંજર!
'ખરે દિલ આ હુલાવ્યું તે અહોહો! આ જ ખંજર!

'અરેરે! દર્દ એ, દિલબર! હું જાણું છું, હું જાણું છું!
'વળી ત્હારી જ આ ગરદન જહીં હું બાઝતી હરદમ!

'કતલ થઈ છું! કતલ કરીને કતલ ફરી થાઉં શું? દિલબર!
'અરે! જો હોંશ એવી તો કતલ કર, આ રહ્યું ખંજર!

'વળી ખંજર શે ફેંકી દઉં? હતું તે એક દિન સીને!
'પડે નીચે બને ટુકડા! ગયો છે તું! ન ખોઉં તે!

'ભલા ઇન્સાફ શું આપું? અરે આ દિલ છે આપ્યું!
'મગર રે! એ જિગર ત્હારૂં ગયું તે શી રીતે રાખું?'

યાચના:
'અરે! તો આમ શું ઉભી સદા ર્ હેશે લઈ ખંજર?
'કદમમાં મોત માગું તે નહીં શું આપશે દિલબર?

'નહીં તડફું, ડરે છે કાં? તું દે કાતિલ કે બોસા!
'હવા આ વાય છે બીજી! ગયો દિલબર મળે ના ના!

'જિગર આ ફાટશે, માશૂક! અને તું દેખશે ચીરા!
'રહેવા દે તું જોવું એ! જિગર ત્હારૂં કરી લેને!"

સ્વીકાર:
'ભલે તો લે મુખે ચુમ્બી! તને હું આવ ભેટું છું!
'મગર અફસોસ! દિલ આ તો નહીં ભેટે નહીં ભેટે.'

ભેટ:
'અહાહા! શી ખુમારી છે મને આવી ય આ ભેટે!
'વફા છું, તો પછી, માશૂક! જિગર પણ ભેટ એ લેશે.'

૩૦-૪-૧૮૯૬