સાહિત્યને ઓવારેથી/શ્રી. કેશવલાલ ધ્રુવ : વિદ્યાર્થી જીવન

← રંગભૂમિ–ઉદ્ધારક રણછોડભાઈ સાહિત્યને ઓવારેથી
શ્રી. કેશવલાલ ધ્રુવ : વિદ્યાર્થી જીવન
શંકરલાલ શાસ્ત્રી
શ્રી. કેશવલાલ ધ્રુવ : સાહિત્ય-જીવન (૧) →


શ્રી. કેશવલાલ ધ્રુવ : વિદ્યાર્થી–જીવન

ર્ધી સદીથીએ અધિક સમય સુધી સરસ્વતીની સ્થિર અને સંગીન સેવા કરતાં કરતાં પૂજ્ય કેશવલાલભાઈએ કૈં કૈં અવલોક્યું છે અને કૈં કૈં અનુભવ્યું છે. અનેક દાયકાઓ સુધી સાહિત્યનાં તિલક કરતાં કરતાં તેમનાં ત્રેપન નહિ પણ પોણોસો વર્ષ આજ પસાર થયાં છે, અને સવ અંગ શિથિલ થયાં છે; પણ તેમનું મન એક યુવાન કરતાં ય મજબુત છે. સાહિત્યને જ સર્વસ્વ માનનાર અને શબ્દબ્રહ્મને જ સાચું બ્રહ્મ માનનાર દી. બ. કેશવલાલભાઈની અને નરસિંહરાવભાઈની વિશિષ્ટ ને વિદ્વત્તાયુક્ત સાહિત્યસેવાની યકિંચિત્‌ પણ કદર કરી ગુજરાતી સાહિત્યરસિક જનતાએ પોતાની ગુણજ્ઞતા દાખવી છે. આ પરિસ્થિતિમાં કેશવલાલભાઈ વિષે ગુરુ–અર્ધ્ય રૂપે હું કાંઈ પણ ના લખું તો કેવળ કર્તવ્યભ્રષ્ટ જ ગણાઉં, અને તેથી તેમના સાહિત્ય–જીવનનું ઘડતર આલેખવાનો મારો આ અલ્પ પ્રયાસ અસ્થાને નહિ ગણાય એમ આશા છે. લેખ વિશેષ લાંબો થઈ જાય તે ભયથી આજે તો આ ઘડતરને વિદ્યાર્થીજીવનની રેખાઓથી મર્યાદિત કરી બાકીનું વળી ભાવિ ઉપર જ મુલતવી રાખું છું.

આજથી પોણોસો વર્ષ ઉપરનાં સાહિત્યપોષક બળો અને સંયોગોનો સ્વલ્પ વિચાર કરવો તે આ પ્રસ્તુત વિષ્ય માટે આવશ્યક છે. ત્યારે ગુજરાતી સાહિત્ય આટલું યે વિસ્તીર્ણ કે સમૃદ્ધ ન્હોતું. સુસ્થાપિત થયેલા બ્રિટિશ અમલની છત્રછાયા નીચે તે અવનવાં તત્ત્વોથી પોષણ મેળવતું હતું. સાહિત્યનું આ વૃક્ષ તેની શૈશવ અવસ્થા વટાવી વિદ્વત્તા, વિવિધતા અને ગહનતાનાં અભિનવ પુષ્પોને પ્રદર્શિત કરતું, અને કોઈ મધુર ફળોની આગાહી આપતું. આટઆટલા દાયકા પછી પણ આ આગાહી આજે સાચી પડી છે ખરી કે ?

ઈસવી ઓગણીસમી સદીના ઉત્તરાર્ધને અનેક વિશિષ્ટ લક્ષણોથી અંકિત કરતા નર્મદ–દલપત યુગનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. ઇંગ્રેજી ભાષાએ, યુરોપના સાહિત્યે અને પશ્ચિમની સંસ્કૃતિએ ભારતવર્ષને નવીન દર્શન કરાવ્યું. ગુજરાત પણ આ દર્શનના બળે નવચેતન વાંછતું થયું. રાજકારણ, ધર્મ, સમાજ અને સાહિત્ય બધાંયે સંક્રાન્તિ–કાળનાં સત્ત્વોને સત્કારવા લાગ્યાં. તેના નવજુવાનો યે ગુજરાતી સાહિત્ય પત્રે અને પુષ્પે, શાખાએ અને ઉપશાખાએ મનોહર બને તેવી મહેચ્છા સેવતા થયા. હરિલાલ ધ્રુવ, નરસિંહરાવ, છગનલાલ પંડ્યા, ને મણિલાલ દ્વિવેદીઃ એવા એવા અનેક યુવકો આંતર અને બાહ્ય પ્રેરક બળોથી ગુજરાતના વાઙ્‌મયને વિશિષ્ટ અને વિવિધ રીતે પ્રોજ્જ્વળ કરવાનાં મહાસ્વપ્ન માણતા થયા. અને પછી તો આ સ્વપ્નદૃષ્ટાઓએ અવનવા તનમનાટ અને અપૂર્વ ખંતથી ગુજરાતી સાહિત્યમાં જે કાંઈ કીમતી ફાળો આપ્યો છે, તે આજે પણ આપણા સાહિત્યના ઇતિહાસમાં ગૌરવનો વિષય થઈ પડે તેવો છે. આ સંયોગોમાં સંસ્કૃત સાહિત્યની ભાગીરથીને ગુજરાતી ભાષા–ભૂમિ ઉપર ઉતારવાના પ્રયત્ન થયા, ઇંગ્રેજી કાવ્યસુંદરીને ગુજરાતનાં ભાવભર્યાં સન્માન મળ્યાં, અને નાટકો અને નવલકથાઓનું અવનવું પ્રસ્થાન થયું.

ત્યારે અમદાવાદથી બાર ગાઉ દૂર મોસાળ બહિયેલમાં રેવાબાની કુખ દીપાવનાર કેશવલાલભાઈ ઇ. સ. ૧૮૫૯માં પહેલવહેલા જગતનો પ્રકાશ પામે છે. તેમને બે વડિલ ભાઈઓ છે, વચટ ભાઈ ગુજરી જાય છે, અને હરિ–કેશવની જોડી જ સાહિત્યસેવા દ્વારા કુટુંબના અને કુળના દીપક બનવા અનેક શરદોનો સામનો કરે છે.

ધ્રુવકુટુંબ મૂળ તો ગોધરામાં વસતું. પોતાની અટકને યથાર્થ ગૌરવની પરાકાષ્ટાએ પહોંચાડતા કેશવલાલભાઈના પ્રપિતામહ ભાઈચંદ તે વાડાશિનોરના દીવાન હતા. પણ ખટપટના કારણે ગોધરામાં વિષથી તેમનું મરણ થયું. તેથી પિતામહ મહતબરાય અસહાય અવસ્થામાં આવી પડ્યા. ગોધરામાં ધ્રુવ કુટુંબની ભાગતી હતી. વતન થોડું, અને તે વિશાળ કુટુંબ–વાડીમાં વહેંચાઈ જઈ બહુ થોડું બની જતું. આ સંયોગોમાં કુશળ અને કુનેહબાજ હર્ષદરાય પોતાના પિતા મહતબરાયને લઈ અમદાવાદ આવ્યા, રેવન્યુ ખાતામાં જોડાયા, સરકારી નોકરીથી કુટુંબ શોભા વધારી, અને નાગરડી મેળવવાને ગાગરડી ભરવા જેવા મુશ્કેલ સમયમાં પણ અમદાવાદી નાતીલાઓની નજરે પરદેશી લાગતા આ પાણીદાર સજ્જન પચ્ચીસ વર્ષની વયે ગૃહસ્થાશ્રમની દીક્ષા પામ્યા.

બાળક કેશવલાલ છએક વર્ષના થયા ત્યાં સુધી તો પિતાની સાથે તેમની નોકરીને અંગે વિરમગામ તથા ઓરપાડમાં રહે છે; અને મહેસુલી ખાતાના મોભાદાર મનાતા અમલદારના પુત્ર તરીકે અનેકનાં લાડ ને માન ભેગવે છે. તેવામાં જ થોડા સમય પછી પિતાની અમદાવાદમાં મામલતદાર તરીકે બદલી થાય છે, અને તેથી કેશવલાલ અને મોટાભાઈ હરિલાલને અમદાવાદમાં જ સ્થાયી અભ્યાસ કરવાની અનુકૂળતા મળે છે.

ત્યારે કાંઈ આજના જેવી સરકારી કે મ્યુનીસીપાલીટીની નિશાળો ન્હોતી. ભવિષ્યમાં અનેકને એમ. એ. ની પદવી પ્રાપ્ત કરાવવામાં નિમિત્તભૂત થનાર આ ચપળ બટુક ખાડીઆમાં આવેલ જયા મહેતાની ગામઠી નિશાળે અભ્યાસનો આરંભ કરે છે, જ્યાં સોટીનો સ્વાદ વિદ્યાપ્રાપ્તિ માટે આવશ્યક મનાય છે. ત્યાંથી પછી આ બાળ વિદ્યાર્થી પહેલા નંબરની ગુજરાતી શાળામાં દાખલ થઈ ચાર ધોરણનો ગુજરાતી અભ્યાસ પૂરો કરે છે.

મિડલ સ્કૂલના અભ્યાસકાળમાં, પાછળથી માસ્તર તરીકે જાણીતા થયેલા અચરતલાલ તે કેશવલાલના સહાધ્યાયી બને છે. ઇંગ્રેજી ત્રીજા ધોરણથી શ્રીયુત ડાહ્યાભાઈ દેરાસરી પણ તેમની સાથે થાય છે. આટલી કિશોર અવસ્થામાં સ્નેહસંબંધ બાંધતા એ બટુકોની મૈત્રી ભવિષ્યમાં તો અનેકગણી વૃદ્ધિ પામી ઉભય પક્ષે સાચા સૌહૃદનું સ્થાન લે છે.

હાઈસ્કૂલમાં લલ્લુભાઈ પ્રાણવલ્લભદાસ, દી. બ. અંબાલાલ સાકરલાલ અને કવિ દલપતરામ પાસેથી કેશવલાલ અનુક્રમે ગદ્યલેખન, સંસ્કૃત સાહિત્ય અને પિંગળનું જ્ઞાન પામે છે. મોટાભાઈ હરિલાલ પણ બધો વખત માર્ગદર્શકની હૂંફ આપે છે, અભ્યાસમાં તેમજ રમતમાં; અને લઘુ બંઘુ તેમને પગલે પગલે વિચરે છે. શાંત, શરમાળ કેશવલાલ અમદાવાદને આંગણે રમાતી મરદાની રમતો તરફ ઉપેક્ષા દાખવે છે, અને માત્ર લખોટી કે પતંગની સાદી રમતોમાં જ આનંદ માણે છે. મોટાભાઈને જ ચીલે ચાલનાર આ કિશોર આમ મરદાની રમતોથી ગાજતા ખાડીઆમાં પણ પોતાનું શાંત અને ભિન્ન વર્તન દાખવે છે. પણ ઉભરાતો ઉત્સાહ અને અતિશય ત્વરાનાં લક્ષણવાળા હરિલાલ કાંઈ એમ શાંત બેસી રહે ખરા ? ભાવનાશાળી સમોવડીઆ મિત્રોની સ્હાયથી તેઓ એક ‘સત્યમાર્ગદર્શક સભા’ સ્થાપે છે. તેમાં કોઇક વાર મૌખિક ઈનામી હરિફાઈ પણ થાય છે. ક્વચિત્‌ કેશવલાલ પણ તેમાં શરમાળ વદને અને શ્રદ્ધારહિત હૃદયે ભાગ લે છે. સભા તરફથી નાટ્યપ્રયોગો પણ ભજવાતા. આવા પ્રસંગો આ પટુ વિદ્યાર્થીમાં નાટ્ય પ્રતિ અભિરુચિનાં બીજ વાવે છે, કે જે આગળ ઉપર પાંગરે ને પ્રફુલ્લે છે.

કાલક્રમે હરિલાલ નાનાભાઈને અનેકવિધ પ્રેરણા આપે છે: સંસ્કૃતના સ્વાધ્યાયમાં, ગુજરાતીના અભ્યાસમાં અને સંશોધનના કાર્યમાં મોટાભાઈના પ્રોત્સાહનથી કેશવલાલમાં આ બધા તરફ રુચિ થાય છે એટલું જ નહિ, પણ નાની પગલીઓએ કે વિરાટ ડગલે તે બધાં ક્ષેત્રોમાં વિચરવાને તેમને દૃઢ અભિલાષ સ્ફુરે છે.

તેવામાં, ઝળહળતી પ્રતિભાવાળા, અને વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા એક સંન્યાસી અમદાવાદને આંગણે પધારે છે. તેના મુખે વિદ્વત્તાની રેખાઓ છે, તેના ભાલે આત્મતેજ ઝગે છે, તેના દેહમાં કેસરીની ભયાનકતા છે; પણ તેના સકળ વ્યક્તિત્વમાં તો માર્દવ ને અમીથી રંગાયેલી સંન્યાસની જ ભાવનાઓ છે. સ્વામી દયાનંદનાં વિદ્વત્તાભર્યાં વ્યાખ્યાનો અનેકના હૃદયગઢ સર કરે છે; તેની સચોટ દલીલો અનેક અપથ્ય તત્ત્વોને દાબે છે. તેના શબ્દોમાં ક્વચિત્‌ જાદુ ઝરતું, ક્વચિત્‌ અમૃત રેલાતું, ને ક્વચિત્‌ સિંહગર્જના સંભળાતી. કુમાર કેશવલાલ પણ સ્વામીજીને સાંભળી મંત્રમુગ્ધ થાય છે, તેના હૃદયમાં તનમનાટ જાગે છે, ને તેના આત્માને નવું દર્શન લાધે છે. દેશભક્તિ, ધર્મ, વૈદિક સાહિત્ય અને સમાજસુધારા ઉપરનો આ સંન્યાસીનો વાણીપ્રવાહ શ્રોતાઓને તે તે વિષયમાં વિસ્મયવશ કરે છે. તેમને હદયસ્પર્શી વાગ્‌વિભવ સહૃદય જનોને તાક્યું તીર મારી કંઈને કઈ સેવા આદરવાની તમન્ના પ્રગટાવે છે. ત્યારથી આ ચપળ વિદ્યાર્થી પોતાને માટે સમાજ અને ધર્મની રેખાઓ દોરે છે, અને સાહિત્યની સીમાઓ આંકી તેને સમૃદ્ધ કરવાના બળવત્તર સંકલ્પ સેવે છે.

ઈશ્વરદત્ત શક્તિ, ખંત અને એકાગ્રતાથી સજ્જ થયેલ આ વિચક્ષણ અને વિલક્ષણ વિદ્યાર્થી ઉપર ઈનામો અને શિષ્યવૃત્તિઓનો અનેક વખત કલશ ઢોળાય છે. અમદાવાદમાં દી. બ. અંબાલાલભાઈ પછી ગીમી સાહેબ હાઈસ્કૂલમાં હેડમાસ્તર નિમાયા. વ્હેમી સ્વભાવને લીધે તેઓ નાગર વિદ્યાર્થીઓ સાથે અથડામણમાં આવી પડે છે. બંને પક્ષો બચ્ચે વૈમનસ્ય વધતું જ જાય છે. અંતે અંબાલાલભાઈ સમાધાન કરાવી આપે છે. સાક્ષર કેશવલાલભાઈ આજે પણ આ પ્રસંગ વિનોદયુક્ત આનંદથી યાદ કરે છે.

ઇ. સ. ૧૮૭૬ ની સાલમાં મેટ્રિકની પરીક્ષા પાસ કરી, શાળાનાં અનેક મીઠાં સ્મરણો સંગ્રહતા કેશવલાલ હાઈસ્કૂલના વિદ્યાર્થી જીવનનું પ્રજ્જ્વળ પ્રકરણ પૂરૂં કરે છે.

અને તેમના કોલેજ–જીવન ઉપર આવું, ત્યાર પહેલાં એક આવશ્યક વાતનો હું ઉલ્લેખ કરી લેઉં. તે યુગમાં ઉપનયન પ્રસંગે બટુકનો વિવાહ કરવામાં સમાવર્તન સંસ્કારની સાર્થકતા અને કુળની મોટાઈ મનાતી. ચજ્ઞોપવીત પામવું તે લગ્ન માટેની લાયકાત સિદ્ધ કરવા સમાન હતું. કેટલાક વર તો ઘોડીઆમાંથી અને ક્વચિત્ તો માતાના ઉદરમાંથી જ ઝડપાતા. આમ ઉપનયન સંસ્કાર તે વિવાહનો એક વિધિયુક્ત પરવાનો મનાતો. દામ્પત્યની દેવી અમલદારના આ ચપળ બટુક તરફ પણ પ્રસન્નતાભર્યો પક્ષપાત દાખવે છે; અને અગીઆરમે વર્ષે, ઉપનયન વિધિ પછી બે વર્ષમાં જ, કેશવલાલ ગૃહસ્થના–સંસારીના–સંસ્કાર પામે છે. આમ પ્રભુતામાં પગલાં માંડતા આ યુવક ચતુરલક્ષ્મીના સહવાસથી વિશેષ ચતુરાઈ મેળવે છે.

ત્યારે અમદાવાદમાં પણ કલાના ધામ સરખી કોલેજ સ્થપાઈ ન્હોતી. ત્યાંના વતનીઓને પણ મહાવિદ્યાલયના અભ્યાસ માટે મુંબઈ જવું પડતું. એટલા દૂર સ્થળે જવાના પ્રતિકૂલ સંયોગોમાં પણ ઉચ્ચ ઇંગ્રેજી કેળવણીનાં કિરણ ઝીલવાની અમદાવાદના કેટલાયે વિદ્યાર્થીઓ આતુરતા દાખવે છે. કેશવલાલભાઈ પણ મુંબઈ જઈ ભાયખલે આવેલી એલ્ફિન્સ્ટન કોલેજમાં દાખલ થાય છે. નરસિંહરાવ પણ ત્યાં મળી આવે છે. કોલેજીઅન કેશવલાલ અવનવાં સ્વપ્નો સેવતા, વિદ્વત્તાના ઉચ્ચ આદર્શો રચતા, કોલેજની અધિષ્ઠાત્રી દેવીને પૂજ્યભાવે નિરખે છે, અને નમન કરે છે. તેઓ કોલેજના છાત્રાલયમાં નિવાસ કરે છે, અને કાઠિઆવાડી–અમદાવાદીઓની ક્લબમાં જોડાઈ વતન તરફની પ્રેમભરી વફાદારી વ્યક્ત કરે છે. મણિલાલ દ્વિવેદી અને કમળાશંકરભાઈ પણ ત્યાં જ નજરે પડે છે. દ્વિવેદી ચરોતરી–ભરૂચીઓની ક્લબમાં જોડાઈ પ્રાંતીય પક્ષપાત દર્શાવે છે, જ્યારે ત્રિવેદી અભ્યાસમાં એક બે વર્ષ આગળ છે, અને કોલેજ છાત્રાલયની સુરતી ક્લબમાં સ્વયંપાકી બનીને નાગરના સ્વધર્મનું ગૌરવ સાચવે છે. છગનલાલ પંડ્યા, શ્રીધર ભંડારકર અને બીજા અનેક ભાવિ વિદ્વાનો આ એક જ સંસ્થાનું છત્ર સ્વીકારતા, સહકાર ને સંખ્યામાં વૃદ્ધિ કરતા નજીકના જ ખંડોમાં રહે છે. બે વર્ષ પાછળ ભણતા અપ્રગટ વિજ્ઞાનશાસ્ત્રી ત્રિભોવનદાસ ગજ્જર, અને અવ્યક્ત ધારાશાસ્ત્રી ચિમનલાલ સેતલવાડ પણ કેશવલાલને પોતાની માંદગીના કારણે આગળ ઉપર એ જ વિદ્યામંદિરમાં મળી આવે છે. ગજ્જરને ધ્રુવના સ્વભાવનાં મૈત્રીપોષક સમાન તત્ત્વો ખૂબ ગમે છે; અને કાયદામાં નિષ્ણાત થનાર સેતલવાડ ત્યારે આ ભાવી સાક્ષર સાથે સંસ્કૃત વાંચી મિત્રબંધનને બળવાન બનાવે છે.

ભાવી ‘સુદર્શનકાર’ તેમના વિશાળ અને ગહન વાચનથી પુસ્તકના પર્વતશૃંગે વિરાજતા લાગે છે. દીપ ને તપનાં તેજથી રાત્રિને સવિશેષ શોભા અર્પતા, કલાકો સુધી શશાંકનું સખ્ય સાધતા, વિકસતી વિદ્વત્તાથી પોતાના ખંડને વિભૂષિત કરતા અને સૌ સાથીઓનાં ઈર્ષ્યાભર્યા માનને પાત્ર બનતા મણિલાલ મિત્રવૃંદમાં મણિ જેવા ઝળહળી રહે છે. તેઓ પ્રસ્તુત વિષય ઉપરનાં બધાં જ પુસ્તકો વાંચી તેનો સત્વભર્યો રસ સંગ્રહે છે, અને આવા તલસ્પર્શી અભ્યાસથી ભવિષ્યની સમૃદ્ધ વિદ્વત્તાની ઈમારત ચણે છે. અભ્યાસના પ્રદેશમાં દુર્ધર્ષ અને દુરારાધ્ય દેવ સમા મણિલાલને જોઈ ઘણા મિત્રોનાં મસ્તક તેમના તરફ માનથી નમે છે. મોંઘા આરામની ધન્ય પળોમાં દ્વિવેદીને ધ્રુવની મૈત્રી રુચે છે, અને બંને કોઈ કોઈ વખત કલાકો સુધી સાથે શેતરંજ રમે છે. ખંતીલા કેશવલાલને મણિલાલનું અભ્યાસમય વાતાવરણ અગમ્ય રમણીય લાગે છે, અને તે વાતાવરણ તેમને સંસ્કૃતના અભ્યાસ માટે વિશેષ વિહ્‌વળ બનાવે છે. મણિલાલ, કેશવલાલ, નરસિંહરાવ, ત્રણે એફ. ઇ. એ. માં પાસ થાય છે, અને શિષ્યવૃત્તિઓ પામે છે. સંસ્કૃતમાં નરસિંહરાવ પ્રથમ આવે છે.

વિદ્વત્તા કે વિચક્ષણતા કાંઈ કેવળ કોલેજની એકધારી ફત્તેહથી કે ઊંચા વર્ગની જ્વલંત કારકિર્દી જ નથી મપાતી. સરસ્વતી કેશવલાલભાઈથી વિમુખતા તો નહિ, પણ ઉપેક્ષા દાખવતી હોય તેમ મંદવાડથી તેમને મ્હાત કરે છે, અને બબ્બે વખત તેમને પરીક્ષાની પ્રસન્નતાથી વંચિત રાખે છે. કોલેજના અભ્યાસકાળમાં કેવળ સંસ્કૃત કે ગણિતમાં જ નહિ, પણ ઇંગ્રેજીમાં યે આ યુવક પોતાની નિપુણતા દાખવે છે. દેશભક્તિ ઉપર ગૌરવભરી ઇંગ્રેજી ભાષામાં નિબંધ લખી પ્રોફેસર બેરેટ સાહેબને તેઓ આશ્ચર્યમુગ્ધ કરે છે, અને તેમના મુખેથી સહૃદય પ્રશંસા પામે છે.

માંદગીને લીધે બી. એ. ની પદવી પ્રાપ્ત કરવાનું ધ્રુવનું સ્વપ્ન સફળ નથી થતું. ઇ. સ. ૧૮૮૧માં કેશવલાલ અમદાવાદની પી. આર. ટ્રેનિંગ કોલેજમાં વગર પદવીએ ગુરુકૃપાથી શિક્ષકનું સ્થાન મેળવે છે. ડો. ભંડારકર એક ટુંકો છતાં, સબળ ભલામણપત્ર આપે છે. ગુરુ લખી આપે છે કે: “મી. ધ્રુવ સંસ્કૃતનું ઘણું સારૂં અને શુદ્ધ જ્ઞાન ધરાવે છે.” (Mr. Dhruva possesses a very good and accurate knowledge of Sanskrit.) ગણિતનો મુખ્ય વિષય લઈને બી.એ. ની પદવી મેળવવાના ઉમેદવારને–આ સમર્થ શિષ્યને–એ સુવિખ્યાત ગુરુ આવું સરસ પ્રમાણપત્ર આપી શિક્ષણપ્રદેશમાં ગુરુપદવી અપાવે છે.

અંતે ઇ. સ. ૧૮૮રમાં યુનિવર્સિટી આ શિથિલ પ્રકૃતિવાળા વિદ્યાર્થી ઉપર મહેર કરે છે. તેની અમીનજરથી કેશવલાલભાઈ બી. એ. ની પરીક્ષા બીજા વર્ગમાં ઉત્તીર્ણ કરે છે, અને જીવન–ભરના વિદ્યા–અર્થી આમ પ્રથમ આશ્રમનું વેદવિહિત વિદ્યાર્થીજીવન સમાપ્ત કરે છે.

પછી તો મોટાભાઈને સાક્ષરજીવનમાં ભાગીદાર થવાના ને સરસવતીના મંદિરે અક્ષત ચઢાવવાના કે દીવો પૂરવાના મનોહર મનોરથ વધુ પ્રદીપ્ત થઈ તેમને આત્મમંથનને માર્ગે પ્રેરે છે; અને ભીષણ નિશ્ચય તથા અદમ્ય ઉત્સાહ તેમના સૂક્ષ્મ હૃદયતાર ઝણઝણાવે છે. પણ આ મનોરથને તેઓ મહેરામણની માઝાઓ અર્પે છે. અંગ્રેજ મહાકવિ મિલ્ટને જીવનભરમાં ઉતારેલું મહાસત્ય ધ્રુવના એ સકલ સાહિત્યવિષયક અભિલાષોને એક જ સૂત્રમાં પરોવી લે છે. આ રહ્યું તે સાહિત્યકારનું માનીતું મનનીય વાક્ય: “Labour and intense study I take to be my portion in this life” શ્રમ અને સ્વાધ્યાય તે આ સાહિત્યસેવકના જીવનભર મૂર્તિમંત સાથી બને છે. ચિંતન, નિદિધ્યાસન અને સૂક્ષ્મ સંશોધન તેમનાં વાક્યોને પટ આપી આપીને મહામૂલ્યવાન બનાવે છે. આ મનોરથ, આ નિશ્ચય અને આ દૃષ્ટિનો ત્રિવેણીસંગમ કરતા કેશવલાલભાઈ પછી સંસારમાં ઝુકાવે છે; અને સદ્ધર હોકાયંત્રના પ્રતાપે તેમની કિસ્તી નથી ડોલતી, કે નથી દિશાભ્રમનો ભોગ બનતી. વ્યક્તિગત પ્રેરક બળો તેમને શાંતિપ્રિય ને કલહભીરુ, એકાકી ને અજાતશત્રુ બનાવી ભવિષ્યમાં કંઈ કંઈ અનુકુળતાઓ આપે છે, અને કંઈ કંઈ વિષમતાઓમાં મૂકે છે; પણ એમનું જીવનનાવ અથડાયા વિના કે ભાંગ્યા વિના ધારેલા બંદરે પહોંચે છે.

એ નાવના જળમાર્ગો, સફરો, સંકટો અને સગવડો તો આપણે હવે પછી વિલોકીશું. હમણાં તો બે શબ્દોના સૂચનથી જ હું સમાપ્ત કરીશ.

જીવનભર સાહિત્યક્ષેત્રમાં મહારથી તરીકે ઘૂમતા આ સાહિત્યસેવકનાં પળેપળનાં ચિંતન અને મનોમંથન નોંધવા હજુ ગુજરાતમાં કોઈ બોસ્વેલ નથી પાક્યો. ડૉ૦ જ્હોન્સનના અહર્નિશ પાદ સેવતા આ પટ્ટશિષ્યનો સાહિત્યકાર પ્રતિનો પૂજ્યભાવ આજે અમદાવાદના ને સમગ્ર ગુજરાતના સાહિત્યપ્રિય નવયુવકોમાં નથી જણાતો. મુંબઈ યુનિવર્સિટીએ પદ્યરચના પર ભાષણો કરાવી ધ્રુવ સાહેબનો જ્ઞાનનિધિ જાહેરમાં મૂક્યો, પણ આ મહાવિદ્વાનને કોઈ માનદ પદવી અર્પી હજુ તેણે કૃતકૃત્યતા કે ગુણજ્ઞતા તો નથી જ દાખવી. કેશવલાલભાઈ શબ્દ–કોષના સૂક્ષ્મ રચયિતા છે, વ્યાકરણના વિશિષ્ટ અભ્યાસી છે, અને પ્રેમાનંદ વિષે ભર્યો ભર્યો ભંડાર છે. આપણી સાહિત્ય સંસ્થાઓ આ મૂક સાહિત્યસેવક પાસે તેમની શરમાળ પ્રકૃતિ છોડાવી તેમની વિદ્વત્તાખાણને સવિશેષ ખોદાવી શકી નથી. એક શાંત અને સમર્થ, વૃદ્ધ અને સમૃદ્ધ સાહિત્યકાર પ્રતિ આપણા સાહિત્યપ્રિય યુવકોની, આપણી વિશાળ વિદ્યાપીઠની અને જાહેર સાહિત્ય સંસ્થાઓની આ કેવી કદરદાની અને મનોવૃત્તિ છે ?

ગુર્જર સાહિત્યના એવા આ પરમ ભક્તરાજને તેમનો આ નમ્ર શિષ્ય તેમનાં પોણોસો વર્ષના સમાપ્તિ સમયે, વિશુદ્ધ ભાવે અનેકાનેક વંદન કરી કૃતાર્થ થાય છે.*[]


  1. * આ લેખની ઘણી હકીકતો મને રૂબરૂ પૂરી પાડવા માટે શ્રીયુત કેશવલાલભાઈનો હું અત્યંત ઋણી છું.–કર્તા
    તેમના ખેદજનક અવસાનની પ્રથમ ખંડમાં નોંધ લેવામાં આવી છે જ.–કર્તા (બીજીઆવત્તિ)