સાહિત્યને ઓવારેથી/શ્રી. કેશવલાલ ધ્રુવ : સાહિત્ય-જીવન (૧)

← શ્રી. કેશવલાલ ધ્રુવ : વિદ્યાર્થી જીવન સાહિત્યને ઓવારેથી
શ્રી. કેશવલાલ ધ્રુવ : સાહિત્ય-જીવન (૧)
શંકરલાલ શાસ્ત્રી
શ્રી. કેશવલાલ ધ્રુવ : સાહિત્ય-જીવન (ર) →


શ્રી. કેશવલાલ ધ્રુવ: સાહિત્ય–જીવન
(૧)

સ્વી સન ૧૮૮૨માં બી. એ. ની પદવી લઈ કેશવલાલભાઈ મુંબઈની શારદમાતની વિદાય લે છે, અને સ્થૂલ દૃષ્ટિએ જગતે જાણેલું વિદ્યાર્થીજીવન પૂરૂં કરે છે. એમના વિદ્યાર્થીજીવનના ઘડતરમાં મેં જણાવ્યું છે તેમ, માર્ગદર્શક મોટાભાઈના સતત સહવાસથી, સ્વામી દયાનંદના અસામાન્ય શબ્દજાદુથી અને ડૉ. ભાંડારકર જેવા ગુરુઓની પ્રેરણાથી તેમના હૃદયનો ગૂઢ અભિલાષ કાળક્રમે ભીષણ સંકલ્પના સ્વાંગ સજે છે. પછી તો એક રમણીય કલ્પના તેમના મનચક્ષુ આગળ અવનવાં દૃશ્યો રજુ કરે છે. સંસ્કૃત સાહિત્ય, સંશોધન, ભાષાશાસ્ત્ર, છંદશાસ્ત્ર, ગુર્જર પ્રાચીન સાહિત્ય: બધાં ય મળી તેમના મનોરાજ્યની મર્યાદા આંકે છે; અને દૂરદૂર વિવેચન, વ્યાકરણ, કાવ્ય વગેરે તે મર્યાદાઓને વિસ્તારવા મથતાં હોય તેમ તેમને દૃષ્ટિગોચર થાય છે. બસ, ત્યારથી આ ગંભીર અને પ્રતિભાશાળી નવજુવાન સરસ્વતીના એક અને અટલ પૂજારી બને છે. તેઓ સાહિત્ય સાથે એકતા સાધે છે અને સમાજસુધારો, ધર્મ તથા રાજકારણને ઉવેખી ધ્રુવની નિશ્ચલતાથી પોતાના નક્કી કરેલા ક્ષેત્રમાં જ સર્વ શક્તિઓ સમર્પે છે. સતત શ્રમ, અખૂટ ઉત્સાહ, અવિરત તપ અને નિશ્ચલ ધ્યેય શું ન સાધી શકે ?

પ્રથમ તો આ નવીન પદવીધરને ‘મુગ્ધાવબોધ’ અને ‘મુદ્રારાક્ષસ’ આકર્ષે છે. પછી જયદેવ અને અમરુ, ભાસ અને ભાલણ એમ કેટલાયને તે શબ્દદેહ નિરખવા તલસે છે. ભાષાશાસ્ત્રની ભીતરમાં નજર નાખી તે પ્રાકૃત અપભ્રંશનાં ગર્ભદ્વાર નિહાળે છે, અને વૈદિક સાહિત્યમાંથી દૂરદૂર વિચરતી દૃષ્ટિએ પ્રકાશના પરમાણુઓ શોધે છે. તેમને હૈયે કંઈ કંઈ કોડ છે: સાહિત્યનો વિવિધ વિકાસ સાધવાના, સંશોધનથી તેને સમૃદ્ધ બનાવવાના, ઉચ્ચ વિવેચનથી તેને વિશિષ્ટ કરવાના, વ્યાકરણથી તેને વિશુદ્ધ કરવાના, ભાષાશાસ્ત્રથી ગુજરાતીનો ભૂતકાળ જાણવાના અને છંદોના અભ્યાસથી પિંગળશાસ્ત્રના ધોરી પ્રવાહ નિરખવાના. પણ આ બધું એકલે હાથે કેમ થાય ? ત્રણ ત્રણ શતકનાં ભગવાન ભરદ્વાજને ઈન્દ્રે આયુષ્ય દીધાં, ત્યારે ય વેદજ્ઞાનના પર્વત સરખા રાશિમાંથી તેઓ એક મૂઠી જ ભરી શક્યા હતા; અને જો ચોથા શતકનું આયુષ્ય મળે તો હજુય પોતે અનન્ત વેદો પાછળ જ મચ્યા રહેશે, એવો તેમણે મનોરથ વ્યક્ત કર્યો હતો. એ અમાપ જ્ઞાન, એ મર્યાદિત માનવજીવન અને એ માનવજીવનના અનન્ત અમર્યાદિત મનોરથો નિષ્કામ કર્તવ્ય એ જ કાર્યસિદ્ધિની એક કૂંચી છે; આ જ્ઞાન કેશવલાલભાઈને તેમના અભિમત માર્ગે જતાં નવીન બળ અને ધૈર્ય આપ્યું.

આ સાહિત્યસેવકની વિદ્વત્તાનાં યોગ્ય મૂલ્ય અંકાય તે હેતુથી સ્હેજ વિષયાન્તર કરીને પણ અહીં એક વાત જણાવી લઉં. ગુજરાતની વેપારપ્રધાન વૃત્તિઓ અને વર્તમાન સંક્રાન્તિયુગની વિશિષ્ટતાઓ તેના સાહિત્યભક્તોને યોગ્ય ઉત્તેજન નથી આપ્યું એટલું જ નહિ, પણ તેમના તરફ અધિક અંશે તટસ્થ ઉપેક્ષા જ દાખવી છે. આવી ઉપેક્ષાવૃત્તિએ ગુજરાતી સાહિત્યનો વિકાસ અવરોધ્યો છે, તેના કવિઓ ને લેખકોને ક્વચિત્‌ રોટી વિના ટળવળતા રાખ્યા છે, તે ક્વચિત્‌ તેના સમર્થ સાક્ષરોને તેમના પોતાના જ આપબળ ઉપર છોડી દઈને એકલા અટુલા રહેવા દીધા છે; અને આમ ગુજરાતી વાઙ્‌મય ઘરકૂકડી સ્ત્રીની માફક ઘણુંખરૂં ગુજરાતની ચાર સીમાઓમાં જ પૂરી રાખ્યું છે. લક્ષ્મીનંદનોની અમીનજર વિના અને સદ્ધર સાહિત્ય સંસ્થાઓના સહકાર વિના ગુજરાતી સરસ્વતીનાં વહેણ તેથી ભારતવર્ષના પરપ્રાંતમાં ન જતાં ગુજરાતમાં જ થંભી ગયાં છે; અને હવે તે સરસ્વતીનાં જળ પોતાના જ પ્રદેશની સાહિત્યપ્રિય જનતાની તૃષ્ણા સંપૂર્ણ છિપાવી શકતાં નથી.

કેશવલાલભાઈને ય સાહિત્યનાં આ સામાન્ય બંધનો ને પ્રતિકૂળતાઓ ધ્યાનમાં રાખવાનાં જ હતાં. પણ નીચાણમાં વહેતાં જળને અને અભિમત સંકલ્પની સિદ્ધિ માટે નિશ્ચયાત્મક બનેલા મનને કોણ રોકી શકે ? પરાક્રમશૂરાથી તે કાંઈ પ્રારંભશૂરા બનીને જ સંતોષ સેવાય નહિ. સરસ્વતીના આ અહર્નિશ જાગૃત ભક્ત સ્વાધ્યાય ચાલુ રાખે છે, અને અનેકવિધ મુશ્કેલીઓ કે પ્રલોભનોને મહાત કરી આગળ માર્ગ કાપે છે. તેમના ઉદ્યોગને સીમા નથી, તેમની કાર્યશક્તિને બંધન નથી, ને તેમના ધૈર્યને હદ નથી. ક્યાંએ અધીરાઈ નહિ, ઉતાવળ નહિ, છીછરાપણું નહિ. સ્વાધ્યાય, સંશોધનવૃત્તિ અને સંગીનતા: એ બધાંનો ત્રિવેણીસંગમ સાધતા આ સાહિત્યભક્તની ભક્તિ અખંડિત રાખવાને એક જ જ્વલંત અભિલાષ, એક જ ભીષણ નિશ્ચય બસ હતો.

વિદ્યાપીઠની પદવી લીધી તે જ વર્ષમાં ‘મુગ્ધાવબોધમૌક્તિક’ નામે વ્યાકરણનો ગ્રંથ મોટાભાઈ પ્રસિદ્ધ કરે છે. ‘મુગ્ધાવબોધ–મૌક્તિક’ કે ‘મુગ્ધાવબોધ–ઔક્તિક’, શુદ્ધ નામ કયું ? પ્રસિદ્ધકર્તાએ તેને ‘મૌક્તિક’ માન્યું. કેશવલાલભાઈ માનપૂર્વક મોટાભાઈથી જુદા પડી એક લેખ દ્વારા સ્વતંત્ર મત દાખવે છે. અને ‘મુગ્ધાવબોધ–ઔક્તિક’નાં મૂલ્ય આંકી તેના સંપાદકની ત્રુટિઓ સમજાવે છે. વ્યાકરણ સંસ્કૃતનું છે, ને ઉદાહરણો જૂની ગુજરાતીનાં છે, એ શ્રી. નરસિંહરાવભાઈએ પ્રગટ કરેલા મત સાથે ધ્રુવસાહેબ મળતા થાય છે. પોતાના લેખમાં, સંદિગ્ધ પ્રશ્નોને કેશવલાલભાઈ અણિશુદ્ધ છણે છે, મોટાભાઈના ઉતાવળિયા અને અપરિપકક્વ વિચારોની ક્ષતિ દર્શાવે છે, અને એક સૂક્ષ્મ સંશોધનદૃષ્ટિએ ‘મુગ્ધાવબોધ’ને પંડિત હેમચંદ્રની ‘અષ્ટાધ્યાયી’ સાથે સળંગ સંબંધ બેસાડે છે.

આ જ વર્ષમાં એટલે ઇ. સ. ૧૮૮રમાં વિશાખદત્તનું ‘મુદ્રારાક્ષસ’ તેમને અદ્ભુત રીતે આકર્ષે છે. તેના સૂક્ષ્મ અભ્યાસથી તેમને અનેક હકીકતો નવીન સ્વરૂપે દેખાય છે. તેમની પારદર્શક દૃષ્ટિ કેટલાક કૂટ પ્રશ્નોનું મંથન કરી તેમાંનું નવનીત તારવી લે છે. તેમાંથી ‘મુદ્રારાક્ષસના મલયો’ અને ‘મુદ્રારાક્ષસના કર્તા વિશાખદત્તનો સમય’ એ એ ગહન વિદ્વત્તાયુકત લેખો ઇંગ્રેજીમાં તૈયાર થાય છે. એક ભારતવર્ષના ‘ઇંડિયન એન્ટિક્વેરી’ માં પ્રસિદ્ધ થાય છે; અને બીજો ઓસ્ટિયાના ‘વિયેના ઓરીએન્ટલ જર્નલ’માં. એકથી સ્વદેશે અને બીજાથી પરખંડે તેઓ આમ પોતાની સાક્ષરતા સિદ્ધ કરે છે.

એ નિબંધ લખાયો ત્યારે પહેલાં મલય પ્રદેશ દક્ષિણમાં આવ્યો એમ મનાતું હતું. તત્કાલીન વિદ્વાન તેલંગ પણ આ જ મતનું સમર્થન કરતા હતા. કેશવલાલભાઈ તેમના લઘુ લેખથી આ પ્રચલિત મતને પરાસ્ત કરે છે, અને પુરવાર કરે છે કે મલય તે દક્ષિણમાં નહિ પણ નેપાલની પશ્ચિમમાં આવ્યું.

‘વિશાખદત્તનો સમય’ લખી આ ઊગતા વિદ્વાન પૂર્વ અને પશ્ચિમના પંડિતોનો સામનો કરે છે. વિશાખદત્ત બારમા સૈકામાં થયો એમ વિલ્સનનો મત હતો. સ્વ. તેલંગની કાળગણનાએ તેને આઠમા સૈકામાં મૂક્યો હતો. ‘મુદ્રારાક્ષસ’ નો કર્તા તો આઠમા સૈકાથીયે પહેલાં છઠ્ઠા કે સાતમા સૈકામાં થઈ ગયો, એમ ધ્રુવસાહેબ પુરાવાથી સિદ્ધ કરે છે, અને પોતાનું વિશિષ્ટ વર્ચસ્ દાખવી પંડિતોની પ્રશંસા પામે છે.

ઇંગ્રેજી જેવી વિદેશી ભાષામાં તેમણે જીવનભર આ બે જ લેખો લખ્યા છે. પણ આ બે લઘુ લેખો વડે વિદ્વદ્‌કીર્તિ તેમને વરી ચૂકી હતી. માતૃભાષાનું અભિમાન તેમને પરભાષામાં લખવા ભાગ્યે જ પ્રેરે છે, અને આ દૃઢ વૃત્તિને લીધે તેમણે મુંબઈ યુનિવર્સિટિએ નિયત કરેલાં પદ્યરચના ઉપરના ભાષણો પણ ગુજરાતીમાં જ આપ્યાં છે.

આવી સંગીન ભૂમિકા પછી ‘મુદ્રારાક્ષસ’ તેમના સ્વાધ્યાયનું કેન્દ્ર બને છે. શૃંગાર રસની ઊણપથી નાટ્યસાહિત્યમાં નવીન ભાત પાડતું આ નાટક તેનાં ઉચ્ચ કલાવિધાન, તથા ત્વરિત કાર્યગતિના કારણે આ નવજુવાનને અકથ્ય આકર્ષણથી ને વધુ નિકટતાથી નિમન્ત્રે છે; અને યુગબળો તેમાં સાથ આપે છે.

ત્યારે તો ભાષાંતરનેનો જ ખાસ યુગ હતો. ગુજરાતને સંસ્કૃત અને ઇંગ્રેજી સાહિત્યની ઉત્કૃષ્ટ સંપત્તિનો ભોક્તા બનાવવાની તે યુગના સમર્થ સાહિત્યકારોને પણ સ્વયંભૂ ઈચ્છા થતી. રણછોડભાઈ, મણિલાલ દ્વિવેદી, બાલાશંકર: બધાય ભાષાંતરના પ્રદેશમાં પણ ઘૂમતા જણાય છે. તેથી કેશવલાલભાઈને પણ આવાં ભાષાંતર ઉપર કલમ ચલાવી સાહિત્યસેવા કરવાને અભિલાષ સ્ફુરે છે. યુગનાં પ્રેરક બળો અને આવો અભિલાષ તેમની પાસે તરતજ ‘મુદ્રારાક્ષસ’ના સમસ્લોકી ભાષાંતરનો નિર્ણય કરાવે છે.

આ સંસ્કૃતનાટક મોટાભાઈ હરિલાલ કોલેજમાં પાઠયપુસ્તક તરીકે ભણેલા; તેથી સ્વાભાવિક રીતે જ લઘુબંધુને પણ તે વાંચવાની વૃત્તિ થઈ હતી. ‘મુદ્રારાક્ષસ’ તે વખતે પણ ગુજરાતીમાં ઉતારવામાં તો આવ્યું જ હતું. ભાવનગરના દીવાન સાહેબ સામલદાસના જમાઈ સવાઈલાલે તેનું ભાષાંતર કર્યું છે, પણ તે સમશ્લોકી નથી. તેલંગવાળી ‘મુદ્રારાક્ષસ’ ની આવૃત્તિનો પણ કેશવલાલભાઈ ઘણો લાભ લે છે, પણ તેના પાઠઠોની પસંદગીમાં પોતે એકમત નથી થઈ શકતા. કેટલાક જુદા જ પાઠ આધારપૂર્વક તેઓ રજુ કરે છે, અને આખાયે નાટકનું સમશ્લોકી ભાષાંતર ઇ. સ. ૧૮૮૬ માં કડકે કડકે ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રસિદ્ધ કરે છે. આ પુસ્તક તે તેમના સંગીન અભ્યાસનું પ્રથમ પુષ્પ છે. પૂજ્ય ભંડારકરનું ગુરુઋણ ફેડવા, કેશવલાલભાઈ સંસ્કૃત આર્યાની બે લીટી લખી આ કૃતિ તે ત્રિખંડી વિદ્વાનને અર્પણ કરે છે, અને પોતાનો ભકિતક્તિભાવ દાખવે છે.

કાળક્રમને અવગણીને પણ ‘મુદ્રારાક્ષસ’ વિષે ધ્રુવસાહેબે આદરેલી પ્રવૃત્તિઓનો સળંગ ઇતિહાસ જાણવો તે આવશ્યક અને મનોરંજક છે; અને તેથી જ ‘મેળની મુદ્રિકા’ની વિગતો હું રજૂ કરું છું, વિશેષમાં, સંસ્કૃત ‘મુદ્રારાક્ષસ’ની પ્રચલિત આવૃત્તિઓના ભ્રષ્ટ, લુપ્ત, અસંબદ્ધ પાઠો અને પ્રક્ષિપ્ત ભાગો તેમના મનમાં એક નવો જ વિચાર સ્ફુરાવે છે. ‘મેળની મુદ્રિકા’ તે પોતે સ્વીકારેલા પાઠો કે સંશોધેલી સંસ્કૃત આવૃત્તિ પ્રમાણે જ ગુજરાતીમાં અવતારવામાં આવી હતી; પણ પોતે પસંદ કરેલા પાઠો કે સ્વીકારેલી શુદ્ધિઓ જાહેરમાં મૂક્યા વિના તે ભાષાંતરની કૃતિનાં સાચાં મૂલ્ય કોણ પિછાને ? આ ઉપરથી જ તેમનામાં ‘મુદ્રારાક્ષસ’ની સંશોધેલી આવૃત્તિ પ્રસિદ્ધ કરવાના અભિલાષ જાગે છે. પાઠોના નિર્ણય અને શુદ્ધિ માટે તેઓ ‘મુદ્રારાક્ષસ’ની પચાસેક જુદી જુદી પ્રત જુએ છે, ને વિવિધ પાઠો નોંધી લઈ અભ્યાસપૂર્ણ દૃષ્ટિએ તેમનાં તુલનાત્મક મૂલ્ય નક્કી કરે છે. ઉતાવળ ને અધીરાઈના આ યુગમાં તો આવું કાર્ય ‘ખોદવો ડુંગર ને કાઢવો ઉંદર’ જેવું કોઈકને લાગે. વર્ષો સુધીના આ શ્રમભર્યો પ્રયત્નો પછી કેશવલાલભાઈ સંસ્કૃત ‘મુદ્રારાક્ષસ’ની પ્રથમ આવૃત્તિ ઈ. સ. ૧૯૦૦માં પ્રસિદ્ધ કરે છે. મહારાષ્ટ્રના ‘ઈન્દુપ્રકાશ’માં તેની પ્રશંસાયુક્ત સમાલોચના આવે છે, અને મુંબઇનું અઠવાડિક ‘ગુજરાતી’ અનુકૂળ અભિપ્રાય આપી તેની સગર્વ નોંધ લે છે.

આયુર્વેદાચાર્ય ભાખે છે કે સુવર્ણાદિ ભસ્મો અનેકાનેક પટ દેવાથી જ વિશેષ ચમત્કારિક નિવડે છે. જેમ પટ વધે તેમ તે ભસ્મનાં મૂલ્ય પણ વધે. કેશવલાલભાઈ કુશળ વૈદની માફક પોતાનાં પુસ્તકોને પટ દેવાનો પ્રયોગ કરી તેમને મહામૂલ્યવાન બનાવે છે. કોઈને આવા ફેરફારો અયોગ્ય અને અનિષ્ટ લાગે તો નિરુપાય ! સત્ય તો ગમે તેટલું મોડું પણ ઉચ્ચારી શકાય છે. પોતાની ત્રુટિઓ, સ્ખલનો, અપૂર્ણતાઓને શા માટે દૂર ન કરવી ? ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણો, એ ન્યાયે ધ્રુવસાહેબના એકજ પુસ્તકની ભિન્નભિન્ન આવૃત્તિઓમાં અવનવા સુધારાવધારા અને ફેરફાર હોય છે જ; અને આવી વિચારસરણીથી જ સંસ્કૃત ‘મુદ્વારાક્ષસ’ની બીજી આવૃત્તિ તેના વિશિષ્ટ સ્વરૂપે અસ્તિત્વમાં આવે છે.

સંસ્કૃત ‘મુદ્રારાક્ષસ’ની પ્રથમ આવૃત્તિ પ્રસિદ્ધ થઈ તેવામાં જર્મન પંડિત હીલેબ્રાન્ટ આ જ નાટકની સંશોધિત આવૃત્તિ તૈયાર કરવાના હેતુથી વિશેષ સામગ્રી મેળવવા હિંદુસ્તાનમાં આવે છે. પ્રાંતે પ્રાંતમાં પરિભ્રમણ કરી તેની જુદી જુદી હાથપ્રતો એકઠી કરવાનો તેમનો અભિલાષ છે. આ કારણે પૂનામાં તેઓ સંસ્કૃતના સુવિખ્યાત સાક્ષર ડો. ભાંડારકરને મળે છે. પ્રેમાળ ગુરુ શિષ્ય ધ્રુવે સંશોધેલી સંસ્કૃત ‘મુદ્રારાક્ષસ’ની પ્રથમ આવૃત્તિથી પરિચિત છે; અને આ પ્રસંગે તેમણે કરેલી સૂચનાથી જ કેશવલાલભાઈ પોતાની આવૃત્તિની એક પ્રત હીલેબ્રાન્ટ માટે ડો. ભંડારકરને મોકલી આપે છે. આ જર્મન પંડિત પછી સારા ભારતવર્ષમાં–નેપાલ સુદ્ધાં–ભ્રમણ કરી ‘મુદ્રારાક્ષસ’ની પચાસેક હાથપ્રતો ભેગી કરે છે, ને તે બધીની મદદથી પોતે એક નવી આવૃત્તિ પ્રગટાવે છે. તેમાંથી કેશવલાલભાઈને સંશોધનદૃષ્ટિએ નવો પ્રકાશ પાડનારાં પુષ્કળ સાધનો મળી આવે છે. પોતાની આવૃત્તિમાં યોજેલા કલ્પિત પાઠમાંથી લગભગ ત્રીજા ભાગના ખરા પડ્યા છે, એમ હીલેબ્રાન્ટની આવૃત્તિની ઉપરથી તેમને પ્રતીતિ થાય છે. તેવામાં જ પૂનાના પ્રોફેસર બેલ્વેલ્‌કરની સૂચનાથી ત્યાંના અગ્રગણ્ય પ્રકાશક સરદેસાઈ કેશવલાલભાઈ પાસે સંસ્કૃત ‘મુદ્રારાક્ષસ’ની બીજી આવૃત્તિની માગણી કરે છે. આવો પ્રસંગ આપણા ગુર્જર સાક્ષરને નવી આવૃત્તિ તૈયાર કરવાની પ્રેરણા આપે છે. તેઓ જર્મન પંડિતની આવૃત્તિનો સંપૂર્ણ લાભ લે છે, ને સ્વતંત્ર બુદ્ધિએ તેમાં કેટલાય સુધારા સૂચવે છે. પટ પામેલી આ દ્વીતીય આવૃત્તિ મહારાષ્ટ્રમાં પણ માન મેળવે છે, ને પ્રમાણભૂત ગણાઈ ત્યાંના વિદ્વાનોની મુક્તકંઠે પ્રશંસા પામે છે. પરપ્રાંતમાં યે, ને તે પણ સંસ્કૃત પુસ્તક સંબંધી સંસ્કૃતપ્રિય મહારાષ્ટ્રમાં જ પોતાની વિદ્વતાનો વિજયડંકો વગડાવનાર ગુજરાતીઓ આજે પણ કેટલા વિરલ છે ? આ પુસ્તકનાં પ્રામાણ્ય ને પ્રશંસા મ્હૈસૂરની વિદ્યાપીઠને પણ આકર્ષે છે, ને ત્યાં તેનો પાઠ્યપુસ્તક તરીકે સ્વીકાર થાય છે.

‘મુદ્રારાક્ષસ’ની ગુજરાતી અને સંસ્કૃત આવૃત્તિઓ તૈયાર કરવામાં વચ્ચે વચ્ચે સમયનાં કેટલાંય અંતર પડ્યાં હતાં. એવા અંતરે અંતરે બીજી કૃતિઓ પણ હાથ ધરવામાં આવતી. ધ્રુવસાહેબનું ‘અમરુશતક’ આવા જ સંયોગોમાં ગુજરાતી કાયા પામ્યું છે. મૂળ તો તે સંસ્કૃતમાં ‘કાવ્યમાલા સીરીઝ’ તરફથી પ્રસિદ્ધ થયેલું. તેની છએક ટીકાઓ પણ જાહેરમાં આવી છે; પણ તેમાં વૈરાગ્ય અને શૃંગાર બંનેના અર્થ છે, એ માન્યતા ધરાવતી આમાંની કેટલીક ટીકાઓ તો નિરર્થક જ છે; છતાં ‘કાવ્યમાલા સીરીઝ’માં આવેલી ટીકા તથા શ્રી. છગનલાલ વિદ્યારામ રાવળે મોકલેલી ટીકાનો શ્રીયુત કેશવલાલભાઈ સ્વાધ્યાય માટે સંપૂર્ણ ઉપયોગ કરે છે, અને પાઠ તથા અર્થ નક્કી કરી ઈ. સ. ૧૮૯૩માં તેને ગુજરાતી શબ્દદેહ અર્પે છે. આ પ્રથમ આવૃત્તિ તેઓ સંસ્કૃત આર્યા લખી કચ્છના મહારાવને માનપૂર્વક અર્પણ કરે છે, અને તે રીતે કચ્છનાં મીઠાં સ્મરણોને મહિમા અર્પે છે. આ ભાષાંતરથી કેશવલાલભાઈ અમરુને ગુજરાતીમાં અમર કરે છે; પોતાની ઉચ્ચ રસિકતા ને ગહન વિદ્વત્તાની ગુજરાતી સાહિત્યપ્રિય જનતાને સવિશેષ જાણ કરે છે; અને એકંદરે ગુજરાતના દામ્પત્યજીવનને તેમાંનાં ભાવપૂર્ણ ચિત્રોથી ચકિત કરે છે.

વળી, ‘ગીતગોવિંદ’ના કર્તા કેશવલાલભાઈને વર્ષોથી આકર્ષી રહ્યા છે. પોતે ઈંગ્રેજી ત્રીજા ધોરણમાં હતા ત્યારે મોટાભાઈના મુખેથી તેની પ્રશંસા સાંભળેલી જ હતી. કોઈ જૂનાં પુસ્તકો વેચનારને ત્યાંથી હરિલાલભાઈને ‘ગીતગોવિંદ’ ની શિલાછાપની ચિત્રવાળી એક જૂની આવૃત્તિ મળી આવી હતી. બટુક કેશવલાલ ઉપર ત્યારે પણ જયદેવે ભૂરકી નાખી હતી. અર્થ ન સમજાય છતાં આ ચપળ વિદ્યાર્થીને તેનાં સંગીત અને શબ્દાલંકારને કારણે ‘ગીતગોવિંદ’ વારંવાર વાંચવામાં ખૂબ રસ પડતો.

વર્ષો ઉપરનાં જયદેવનાં એ સમર્થ જાદુ કાંઈ છેક અફળ જાય ખરાં કે ? એક અવનવો પ્રસંગ ‘ગીતગોવિંદ’ના આકર્ષણમાં નવીન જ ભાત પાડે છે. કેશવલાલ વિદ્યાર્થી અવસ્થામાં જ વ્રજલાલ શાસ્ત્રી કૃત ‘ગુજરાતી ભાષાનો ઇતિહાસ’ વાંચે છે, અને ‘ગીતગોવિંદ’ ઉપર જૂની ગુજરાતીમાં કરેલી ટીકાનો તેમાં પ્રસિદ્ધ થયેલો નમુનો આ નવજુવાનનું જયદેવ તરફનું માન વિશેષ જાગૃત કરે છે. પછી તો કોલેજકાળમાં આ કોડીલા ભાષાંતરકાર ‘ગીતગોવિંદ’ને ગુજરાતી શબ્દદેહ આપવા ઈચ્છે છે. ઈ. સ. ૧૮૭૭ થી ઇ. સ. ૧૮૮૩ સુધીમાં તેઓ ‘ગીતગોવિંદ’ની ચોવીસે અષ્ટપદીઓનું દેશી રાગોમાં ભાષાંતર કરે છે. પણ શ્લોકો હજુ બાકી છે. આ દરમ્યાન ‘ક્લાન્ત’ કવિ બાળાશંકર પાસેથી ‘ગીતગોવિંદ’નું એક હિંદી ભાષાંતર કેશવલાલભાઈને મળી આવે છે. આ હિંદી ભાષાંતર પ્રખ્યાત રાયચંદ કવિનું છે; પણ તે કઠિન અને સંસ્કૃતમય છે. આપણા ખંતીલા સાહિત્યભક્તને આથી સંતોષ નથી થતો.

પણ ‘ગીતગોવિંદ’ના ભાષાંતર ઉપરની વિચારસરણી આટલેથી જ વિરમતી નથી. તેનું પોતે દેશી રાગોમાં કરેલું ભાષાંતર પ્રસિદ્ધિ પામે ત્યાર પહેલાં હજુ કેટલીયે સૂક્ષ્મ વિચારણાની તે અપેક્ષા રાખે છે, એમ કેશવલાલભાઈને લાગ્યા જ કરે છે. ઈ. સ. ૧૮૮૭ થી દોઢેક વરસ સુધી તેઓ કચ્છમાં આલ્ફ્રેડ હાઇસ્કૂલના હેડમાસ્તરના હોદ્દા ઉપર છે. ત્યાં શાળાના ઈનામમેળાવડાનો વાર્ષિક સમારંભ નજીક આવે છે, અને કચ્છના મહારાવ પોતે પણ આ અવસરે પધારનાર છે. આ પ્રસંગ માત્ર શાળાના સંચાલકોને પ્રેરણા ને ઉત્સાહ અર્પે છે, અને એ વિદ્યારસિક રાજવીના રંજનાર્થે પ્રસંગને સાવશેષ શોભાવવાના તેના હેડમાસ્તરમાં પણ કઈ કંઈ અભિલાષ જાગે છે.

ફરીથી જયદેવ અગોપ રહી તેમના આગળ ગુંજે છે: “મારા ‘ગીતગોવિંદ’થી વધુ માધુર્ય અને વધુ રસિકતા તમને ક્યાં મળશે ? તેનાથી જે ન રીઝે તે અરસિક જ ગણાય.” આ અદ્‌ભુત સ્વરોથી તેમને નવીન દર્શન લાધે છે. કેશવલાલભાઈ તરત જ पश्यसि दिशी दिशी रहसि भवन्तम् । એ પંક્તિથી શરૂ થતી અષ્ટપદીને સમશ્લોકી ગુજરાતીમાં ઉતારે છે, અને સમારંભપ્રસંગે તે વડે સર્વ શ્રોતાજનોને જયદેવે કવેલા ભક્તિરસના ભોક્તા બનાવે છે. પ્રસંગ પુરવાર કરે છે કે ‘ગીતગોવિંદ’ને સમશ્લોકી ગુજરાતીમાં ઉતારાય તો જ તેના કર્તાને પૂરો ન્યાય મળે, અને મૂળનું માધુર્ય અક્ષત રહે. ‘અમરુશતક’નું સમશ્લોકી ભાષાંતર કરવા કેશવલાલભાઈ સમર્થ થયા હતા, તે પછી ‘ગીતગોવિંદ’ને ભિન્ન દેશી રાગોમાં ઉતારવાનું દૌર્બલ્ય કેમ દૂર ના કરવું ? આ વિચાર માત્ર તેમને વિશેષ પ્રેરણા આપે છે. પાંચ છ વર્ષમાં ધીમે ધીમે ‘ગીતગોવિંદ’ ગુજરાતી ભાષાના નવા સમશ્લોકી સ્વાંગ સર્જે છે. આ નવું ભાષાંતર કડકે કડકે ‘કૃષ્ણમહોદય’ માસિકમાં છપાય છે, અને તંત્રી બાળાશંકર ભાષાંતરકાર તરફની પોતાની પ્રસન્નતાના પ્રતીક રૂપે દસેક છાપેલી પ્રતો કેશવલાલભાઈને મોકલી આપે છે.

પણ આ ભાષાંતર કરવામાં શી રીતે સફળતા મળે ? તેમાં કયું કલાકૌશલ્ય જોઇએ ? ભાષાંતરકલા એ કાંઈ દરેક અભ્યાસીનો ઈજારો નથી, કે પ્રાકૃત જનોની સર્વસામાન્ય સંપત્તિ નથી. ભાષાંતર કેવળ શબ્દોના પલટાથી નથી થતું, કે ભાષાના ફેરફારથી નથી નીપજતું. શબ્દોના પર્યાય ખડકવાથી કે કેવળ સમશ્લોકી સ્વરૂપ આપવાથી જ જો પ્રાસાદિક ભાષાંતરો થતાં હોત, તો કેશવલાલભાઈ જેવાને સમર્થ ભાષાંતરકાર તરીકે આવાં ભવ્ય માન આપવાનું આપણને કારણ ન હોત. ઉત્તમ ભાષાંતરનું કાર્ય એ કાંઈ સહેલું ને શ્રમવિહોણું સામાન્ય કાર્ય નથી. તેમાં કોઈ કોઈ વખતે એક વાક્ય કે એક પંક્તિ પાછળ કલાકોના કલાકો, ને દિવસોના દિવસો ગાળો ત્હોયે સંતોષ ન થાય. વિજય વાંછતા ભાષાંતરકારે મૂળ કર્તાને સંપૂર્ણ સમજવો જોઈએ, તેનાં સમયબળોને લક્ષમાં લેવાં જોઈએ, તેના જીવનપ્રસંગોને નિરખવા જોઈએ, ને તેની કૃતિનું હાર્દ જાણવું જોઈએ. ભાષાંતરકારને મૂળ લેખકની મર્યાદાનાં બંધન છે, અને છતાંયે તેને વિવેકથી વધુ સૂક્ષ્મ દૃષ્ટિ વાપરવી પડે છે. મૂળ કર્તા સાથે સંપૂર્ણ એક્તા સાધી, ભાષાંતરકાર સ્વભાષામાં તેનો સંપૂર્ણ પ્રતિનિધિ બને છે; પણ તે પ્રતિનિધિત્વ કેવળ શબ્દોનું નહિ, પણ ભાવનું છે; ભાષાનું નહિ, પણ રસનું છે. ભાષાંતરકારને મૂળ લેખકનાં બંધનો સ્વીકારીને પણ સ્વભાષાની મર્યાદાઓ, ખૂબીઓ અને વિશિષ્ટતાઓ ધ્યાનમાં રાખવાની હોય છે. તાદાત્મ્ય, રસસંક્રાતિ અને પાઠશુદ્ધિની ત્રણ પાંદડીવાળાં બીલીપત્રથી જ તે તેના મહાદેવની ઉપાસના કરે છે. એકાગ્રતા ને ભક્તિ વિનાનું ભાષાંતર તે જીવત ને પ્રાસાદિક નહિ, પણ કેવળ શુષ્ક ને રસવિહોણું થાય છે.

ભાષાંતરના આ આદર્શ કેશવલાલભાઈને પણ માર્ગદર્શક થાય છે. મૂળના શબ્દને નહિ, પણ ભાવને તેઓ અનુસરે છે. શબ્દે શબ્દથી નહિ, પણ મૂળ કૃતિના હાર્દને નિરખતાં નિરખતાં તેઓ આગળ ચાલે છે. જેમ મૂળ કવિ સરળ અને પ્રતિભાસંપન્ન, તેમ તેને પરભાષામાં ઉતારવાનું કાર્ય વધુ કઠિન થાય છે. જેમ મૂળ લેખક વધુ કૃત્રિમ, જેમ તેનામાં શબ્દાલંકાર ને ઝડઝમક વિશેષ, તેમ તેનું ભાષાંતર વધુ સહેલાઈથી થાય. મૂળ લેખકની વિશિષ્ટતા પ્રમાણે આ માર્ગદર્શક ને મૂળભૂત સિદ્ધાંતોમાં કવચિત્ ફેરફાર પણ થાય છે. જેમકે ‘મેળની મુદ્રિકા’માં ભાષાંતરકારે તેના માધુર્ય તરફ ન જતાં તેની કાર્યસંગતિ (unity of action) ઉપર જ વિશેષ ધ્યાન આપ્યું હતું. ‘પરાક્રમની પ્રસાદી’ ઉપર હું આવીશ, ત્યારે આ વિષય ઉપર વધુ વિવેચન કરીશ. હાલ તો પ્રસ્તુત વિષય ઉપર જ પાછો આવું છું.

‘ગીતગોવિદ’ના ભાષાંતરમાં પણ કેશવલાલભાઈ મૂળ કવિને જ વળગી રહે છે. જયદેવ જો ગુજરાતી જાણતો હોત, તો જેવું તે ‘ગીતગોવિંદ’ રચત, તેવું જ ‘ગીતગોવિંદ’ ગુજરાતીમાં ઉતારવાના આપણા કેશવલાલભાઈને કોડ છે. શબ્દાલંકાર નહિ, પણ રસસંક્રાન્તિ તરફ જ તેઓ મીટ માંડે છે. મૂળ કૃતિને જ માર્ગદર્શક માનવા છતાં તેઓ સ્વભાષાને વફાદાર રહે છે, અને એ રીતે જ પોતાના ભાષાંતરને તેઓ ભાવવાહી ને પ્રાસાદિક બનાવે છે. ‘ગીતગોવિંદ’નું માધુર્ય અને તેનું ભક્તિહાર્દ આમ ગુજરાતીમાં તેઓ સચોટ ઉતારે છે. તેથી જયદેવ વધુ જયવંતો બને છે, ને ભાષાંતરકાર વધુ ભક્તિમાન થાય છે.

સ્થળસંકોચ અને સપ્રમાણતા મને આટલેથી અટકવાના આદેશ આપે છે, ત્હોયે થોભતાં થોભતાં બે બોલ કહી નાખું. પોણોસો વર્ષનું આયુષ્ય વટાવી ગયેલા આ સમર્થ સાહિત્યભક્તને, આ ભાવવાહી ભાષાંતરકારને ભરપુર ભક્તિભાવે અને પ્રણતશિરે હું પ્રણામ દાખવું છું. અંતમાં, તેમનો શબ્દદેહ વધુ વર્ચસ્‌ દાખવે, તેમની લેખિની તેમના સકલ જ્ઞાનભંડાર ખૂલ્લા કરે, અને તેમનાં દીર્ઘ આયુષ્ય અને દૃઢ સાહિત્યસેવા ગુજરાતી સાહિત્યને વધુ ઉપકારક થાય એમ આજે જગત્‌પિતાને પ્રાર્થીને વિરમું છું.