સાહિત્યને ઓવારેથી/શ્રી. કેશવલાલ ધ્રુવ : સાહિત્ય-જીવન (ર)

← શ્રી. કેશવલાલ ધ્રુવ : સાહિત્ય-જીવન (૧) સાહિત્યને ઓવારેથી
શ્રી. કેશવલાલ ધ્રુવ : સાહિત્ય-જીવન (ર)
શંકરલાલ શાસ્ત્રી
શ્રી. મોતીભાઈ અમીન : માનવતાની નજરે →


શ્રી. કેશવલાલ ધ્રુવ: સાહિત્ય–જીવન
(૨)

ધીરાઈ, આવેગ અને અસ્થિરતાથી અંકાયેલા આ યુગમાં તલસ્પર્શી અભ્યાસ કે ગહન વિદ્વત્તા તરફ ગુજરાતી સાહિત્ય આલમની અરુચિ નહિ, તો ઉપેક્ષા તો વધતી જ જાય છે. અર્ધી સદીથી વધુ સમય સુધી એકાગ્ર ચિત્તે સાહિત્યસેવા કરવાને આજકાલ કેટલા ગુજરાતીઓ ભાગ્યશાળી થતા હશે ? ને તે પણ સતત, સંગીન અને શ્રદ્ધાયુક્ત સાહિત્યસેવા કરનાર તો બહુ વિરલ જ. સર્જનાત્મક સાહિત્ય તો શીઘ્ર ફળ આપે, તેના સર્જકના પ્રયત્નો સ્પષ્ટ રીતે પ્રશંસાપાત્ર થાય, અને તેને તાત્કાલિક પ્રસિદ્ધિ તથા કીર્તિયે મળે. પણ આદર્શ ભાષાંતરકારને, સમર્થ વિદ્વાન ભાષાશાસ્ત્રીને કે સૂક્ષ્મદર્શી સંશોધકને તો કેટકેટલી ધીરજ રાખવી પડે છે ? તેના પ્રયત્નો ઉતાવળે ફળતા નથી, ને તેની કલમ તેને તરત કીર્તિ આપતી નથી. એ તો ગાળે છે વર્ષોનાં વર્ષો શાંત મૂક સ્વાધ્યાયમાં, સમુદ્ર જેવા ઊંડા ચિંતનમાં, અને એકાકી આત્મમંથનમાં.

કેશવલાલભાઈ અને તેમના સમવયસ્ક–પણ હાલ સદ્‌ગત નરસિંહરાવભાઈ, બંનેની સંગીન, નિશ્ચલ અને સુદીર્ઘ સાહિત્ય સેવા તથા અગાધ સાક્ષરતા માટે ગુજરાત યોગ્ય ગૌરવ લઈ શકે તેમ છે. નરસિંહરાવભાઈની સાહિત્યસેવાનાં મૂલ્ય આંકવાનો સમય તો પાકી ગયો છે, એટલે વહેલી મોડી તેમની વિદ્વત્તાની કિંમત હવે અંકાશે જ. પણ કેશવલાલભાઈની વિદ્વતાની યે આજે આપણને કેટ–કેટલી પરખ છે ? આ સમર્થ સાક્ષર અને અનન્ય અનુવાદકે તેમના સાહિત્ય જીવનના દીર્ઘ, અકુંઠિત પ્રવાસમાં કેટલીયે કડવી મીઠી અનુભવી હશે, કંઈ કંઈ પ્રલોભનો જતાં કર્યાં હશે, અગણિત અંગત સુખસગવડોનો ભોગ આપ્યો હશે, ને અકથ્ય અંતરાયોનો શ્રદ્ધાયુક્ત હૃદયે સબળ સામનો કર્યો હશે. કેટલાકને તેમની સાહિત્યસેવાઓ લોકભોગ્ય ભલે ના લાગે, ને વિશાળ સ્વતંત્ર સર્જનથી વિશિષ્ટ બનેલી ભલે ને જણાય; ત્હોયે તે અવિરત સેવાઓ મૂલ્યવાન તો છે જ. તેમણે કંઈ કંઈ નવીન માર્ગો દાખવ્યા છે, અવનવી ગહનતા સાધી છે, અને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ અને શોભાવંતું કરીને ભારતવર્ષમાં તેમજ પરખંડમાં પણ ગુજરાતીને મહિમાવંતી કરી છે. ગુજરાત જો ખરેખર સાહિત્યપ્રિય અને ગુણપૂજક હોત તો આવા સાક્ષરોને નામે કોઈ નવી સંસ્થા–સાહિત્યની કે પુરાતત્ત્વની સ્થપાઈ હોત; કાં તો તેમના સહકારથી કોઈ સાહિત્યસંસ્થાએ ગુજરાતી વાઙ્‌મયનો સર્વતોમુખી વિશેષ વિકાસ સાધવાની યોજના ઘડી તેને અમલમાં મૂકી હોત; અથવા તો છેવટે તેણે આવા સાહિત્યસેવકોને સંપૂર્ણ અપનાવી લેઈ તેમના સકલ વિદ્વતાભંડાર ખૂલ્લા મૂકાવ્યા હોત. પણ વેપારપ્રધાન ગુજરાતના સાહિત્યપ્રેમને આટલી કોટિએ પહોંચતાં હજુ કેટલોય સમય જશે.

આવા વૃદ્ધ સરસ્વતીપુત્રની ‘અડગ ને અનન્ય વાઙ્‌મય સેવા’નો પાક ઉતારવાનો ‘ઊર્મિ’ના તંત્રીઓએ સ્તુત્ય ને સંગીન પ્રયાસ આરંભ્યો હતો. આ સામાયિકના તંત્રીપદેથી પ્રો. ડોલરરાય માંકડે પરિશ્રમયુક્ત પ્રયત્નો વડે પૂ. કેશવલાલભાઈની સેવાઓને સ્પષ્ટ ને સંક્ષિપ્ત સ્વરૂપે સાહિત્યપ્રિય જનતા આગળ  રજુ કરી વિદ્વાનોને અર્ધ્ય આપવાની સાચી પ્રણાલિકા પાડી છે. કવિશ્રી ન્હાનાલાલ જણાવે છે તેમ, રાજા ને પ્રજા: ઉભયના પ્રીતિપાત્ર આ સાક્ષરવર્યની વિદ્વત્તા ‘સરકાર–સન્મનાયેલી’ અને ‘પ્રજા–પ્રમાણાયેલી’ છે. તેવા આ પરમ સરસ્વતીભકત ધ્રુવસાહેબની સાહિત્યસેવા ઉપર આછી અધૂરી નજર નાખી હું વિશેષ કૃતકૃત્યતા અનુભવું છું.

વળી મૂળ વિષય ઉપર આવું ત્યાર પહેલાં એક અપ્રસ્તુત પણ આવશ્યક સૂચન હું જરા કરી લેઉં. અંગ્રેજી સાહિત્યમાં તો તેના વાઙ્‌મય સેવકો (Men of Letters) ઉપર પૃથક્ પૃથક્ પુસ્તક પ્રસિદ્ધ થાય છે. તેવા દરેક પુસ્તકમાં તે તે સેવકનું ક્ષર–અક્ષર જીવન, તેનું ઘડતર, તેનું મનોમંથન, તેની કૃતિઓ, લેખો અને તેમનાં મૂલ્ય, આ બધાનું રસપ્રદ નિરૂપણ હોય છે. ગુજરાતી સાહિત્યમાં કવિ નર્મદાશંકર, નવલરામ, ગોવર્ધનરામ, નંદશંકર, ને ભોગીન્દ્રરાવ વગેરે સાહિત્યભક્તોનાં પુસ્તકો રૂપે સાહિત્યની દૃષ્ટિએ જીવનચરિત્રો લખવાના ઓછાવત્તા પ્રયત્નો થયા છે. પણ આવાં જીવનચરિત્રો કેટલાં અલ્પ અને મર્યાદિત છે ? પહેલાં મેં એક વખત કહ્યું છે, તે જ ફરીથી રજુ કરૂં છું; બોસ્વેલે જેમ ઇંગ્રેજી સાહિત્યના વિશિષ્ટ સેવક છે. ડો. જ્હોનસનના સતત ચરણ સેવી અખૂટ શ્રદ્ધાથી તેના જીવનની રહેણીકરણીની અને મનોમંથનની સર્વ વિગતો ટપકાવી લીધી, તેમ આજે આપણે આ અગ્રગણ્ય સરસ્વતીપુત્રના સતત સાનિધ્યમાં રહી, તેમનાં પળેપળનાં ચિંતન અને મંથન કદી નોંધી લેવાના પ્રયાસ થયા છે ખરા ?

અગાઉ ‘ગીતગોવિંદ’ના ભાષાંતર સુધી પૂ. કેશવલાલભાઈની સાહિત્યપ્રવૃત્તિની મેં નોંધ લીધી છે; આજે ત્યાંથી આગળ ચાલી કાળક્રમે તેમનાં અન્ય પુસ્તકો ઉપર આવું છું; અને તેમાંયે સ્થળસંકોચના કારણે આ લેખમાં તો ‘પરાક્રમની પ્રસાદી’ જ મુખ્ય વિષય બનશે.

અમરુ ને જયદેવના અભ્યાસીને હવે કવિકુલગુરુ આકર્ષે છે. કાલીદાસના સાહિત્યસરોવરમાં સ્નાન કર્યા વિના સાચો સાહિત્યસેવક સંતોષ પામે ખરો ? પણ કાલીદાસ એટલે તો કવિશિરોમણિ. તેના સાહિત્યજળમાં ડૂબકી મારી તેના પ્રવાહને ગુજરાતી ભાષાભૂમિ ઉપર ઉતારવો તે અતિ કઠિન કાર્ય લાગે છે. અંતે પરિસ્થિતિ ધ્રુવસાહેબને પ્રેરણા આપે છે, મિત્રો તેમને પ્રેત્સાહન દે છે, અને મન સંકલ્પ કરે છે. પણ એ કવિવરની રસભરી બાનીના ભોક્તા ગુજરાતને બનાવવા માટે ક્યાંથી પ્રારંભ કરવો ને શી રીતે કરવો ? કેશવલાલભાઈને મન ભાષાંતર એ કેવળ શબ્દપલટો નથી, કે શબ્દકોષથી સાધ્ય થતું વેઠનું કાર્ય નથી. વિશેષમાં, સંસ્કૃત કવિઓની કૃતિને સમર્થ ને સફળ રીતે સ્વભાષાના સ્વાંગ સજાવવામાં જ તેમનું કર્તવ્ય સમાપ્ત થતું નથી. સ્વભાષામાં આ ભાષાંતરના કલાકોવિદને વધારવાં છે મૂળ કવિના શબ્દદેહનાં સૌન્દર્ય, તેને રક્ષવાં છે ભાવનાં રહસ્ય, અને સાચવવી છે છન્દની સુયોગ્ય મનોહરતા. પણ આટલાથીયે તેમના કર્તવ્યને અવધ નથી આવતી. કાલિદાસ જેવા સંસ્કૃત સાહિત્યના કેટલા નાના મોટા સેવકો વિસ્મરણના મહા વાદળ પાછળ છુપાઈ ગયા છે, કે અંધકારની ખીણમાં અદીઠ બન્યા છે. સંસ્કૃત સાહિત્યના વિષમ અરણ્યમાં કાંઈ પગથી મળે, કે પગદંડો જડે તો આગળ વધાય. કાલીદાસની કવિત્વશક્તિ પાંગરી ને પ્રફુલ્લી ક્યાં, ક્યારે અને ક્યા પ્રકારે ? તેનો મનોવિકાસ શી રીતે આપવો ? તેના પુસ્તકોની આનુપૂર્વી શી રીતે જાણવી? તેની અમર કૃતિઓનાં શુદ્ધ સનાતન સ્વરૂપ શી રીતે નિરખવાં ? તેના શબ્દદેહને તેના સ્થૂલદેહ સાથે શું સંબંધ હશે ? આ બધું સંપૂર્ણ જાણવાની કે નિશ્ચિત સ્વરૂપે નિરખવાના કેશવલાલભાઈને કોડ થાય છે. કર્તવ્યપરાયણતા ને જિજ્ઞાસા ભાષાંતરકારને સંશોધક અને પંડિત થવા પ્રેરે છે. પહાડ જેવી એ બધી મુશ્કેલીઓ અને વિંંધ્ય જેમ વધતા જતા તેમના અભિલાષો; બંનેનો મેળ કેમ ખાય ? અંતે સંયોગો તેમને આત્મમંથનનના માર્ગે વાળે છે.

રઘુવંશ અને કુમારસંભવ એ તો મહાકાવ્યો રહ્યાં. સર્ગસર્ગના વ્યાપક છંદ, વિશાળ વસ્તુ, ઉચ્ચ ભાવ, લોકોત્તર પ્રસંગો, બૃહદ્ વિચારમાળા અને તેના પ્રોજ્જ્વલ તથા ઐતિહાસિક અંશો; આમનાં યોગ્ય મૂલ્ય આંકવાનું કાર્ય કેશવલાલભાઈને વધુ કઠિન લાગે છે. “ના, ના, ત્યારે મહાકાવ્ય તો નહિ જ. “મુદ્રારાક્ષસ’ને લીધે નાટકનો માર્ગ તો જાણીતો છે; લાવ ત્યારે નાટક તરફ જ વળુ; એમ હૃદય શીખ દે છે, ને મન સાખ પૂરે છે. સંદિગ્ધ વિષયોમાં તે કાલીદાસે કવ્યું છે તેમ, અંતઃકરણને જ પૂછવું રહ્યું ને ?

‘ત્યારે માલવિકાગ્નિમિત્ર લેઉં ? આ પણ નહિ; તેના બીજા અંકમાં તો સંગીતના પારિભાષિક શબ્દો આવે છે, ઇતિહાસ તેની પશ્ચાદભૂમિ હોવાથી તેના ઐતિહાસિક અંશો નક્કી કરવા પડે; અને છતાંયે તે વિક્રમોર્વશીય જેટલું ઊર્મિપ્રધાન નહિ, ને શકુંતલા જેટલું ઉદાત્ત કે સર્વાંસુંદર નહિ. તો પછી માલવિકાગ્નિમિત્ર શા સારું ? ત્યારે શું શાકુંતલ લેવું ? શાકુંતલ તે પોતે જ ખૂબ લાંબું; ને તેમાં તેની ત્રણ ભિન્ન ભિન્ન વાચનાઓ રહી કે જે મેળવવી પણ મુશ્કેલ થઈ પડે. વિશેષમાં શાકુંતલાના હૃદયસ્પર્શી અનુપમ ભાવ જે સ્વભાષામાં સફળ. રીતે સંક્રાન્તિ ના થાય તે એ સાહિત્યસ્વામીને અન્યાય કર્યાનું ઘોર પાપ લાગે, અને હું તે વળી ક્યાં ભાષાંતરમાં ખૂબ કુશળ છું ? આમ શાકુંતલ તેમનો સંકલ્પવિષય મટી જાય છે, ને તેમના કાર્યપ્રદેશમાંથી જરા દૂર થાય છે.

સંકલ્પોને સિદ્ધ કરવા હોય તો પ્રારંભશૂરા ન થતાં પોતાનું બળ માપીને જ યથાશક્તિ આરંભ કરવો જોઈએ ને ? કાલીદાસનાં નાટકોમાં તો ત્યારે બાકી રહ્યું વિક્રમોર્વશીય; નાનું યે ખરૂં, ને જાણીતું એ ખરૂં; કારણ કે કોલેજમાં એસ. પી. પંડિતવાળી આવૃત્તિ પોતે વાંચેલી છે. વળી નિર્ણયસાગરની સંસ્કૃત ટીકા પણ વિશેષ માર્ગદર્શક થાય તેમ છે. પણ ચોથા અંકમાં અપભ્રંશમાં થયેલો કેટલોક વધારો તેમના અભ્યાસની આકરી કસોટી કરે તેવું લાગે છે.‘કંઈ નહિ, પહેલી આવૃત્તિમાં આ વધારાને પડતો મૂકીશું’, એમ નિશ્ચય કરે છે, અને અંતે ‘વિક્રમોર્વશીય’ જ તેમનું આકર્ષક ધ્યેય બને છે.

કાલીદાસ જેવા ઋજુ, મનોહર અને ભવ્ય કવિની કૃતિને અન્ય ભાષામાં ઉતારવાનું કાર્ય કેટલું કઠિન છે, તે તો અનુભવીને જ સમજાય. કરુણ કે અદ્‌ભુત રસના મનોહર પ્રસંગો, હૃદયને ઉજાળે તેવા ઉદાત્ત ભાવે, ને પ્રકૃતિનાં સર્વાંગસુંદર દૃશ્યો–અને તે પણ વૈદર્ભી શૈલીના કવિનાં–ગુજરાતીમાં સફળતાથી ઉતારવા માટે કેટલો અભ્યાસ અને કેટલું તાદાત્મ્ય તથા ભાષાપ્રાવીણ્ય જોઈએ.

વિદ્વાનોને સંતોષ ના વળે ત્યાં સુધી પોતાના પ્રયત્નો અપૂર્ણ જ માનનાર આ ભાષાંતરકાર પોતાના કાર્યમાં કેટલાક નિયમોને માર્ગદર્શક બનાવે છે. પ્રારંભમાં ભાવવાહી ન બને તે શબ્દાનુસારી ભાષાંતર કરવું. મૂળ કર્તાની ભાષા અને શૈલીનાં લક્ષણો સમજવાં, ફરતા બબ્બે સૈકાના પુરોયાયી અને અનુગામી કવિઓનો અભ્યાસ કરવો, અને કાલીદાસ ઋજુ માર્ગનો કવિ હોવાથી ન સમજાય ત્યાં પોતે ફેરફાર ના કરવો. આવા મનોરથ તેમની ભાષાંતરકલાની ભાવનાને વધુ ઉત્તેજિત કરે છે.

ઇ. સ. ૧૮૯૬નું વર્ષ કુટુંબી ભાવનાના કોડવાળા કેશવલાલભાઈની કસોટી કરે તેવું નિવડે છે. દુઃખનાં વાદળ તેમના જીવનને ઘેરી લે છે, અને તેમની સહનશક્તિ અને સાહિત્યસેવાને તાવે છે. ચતુરલક્ષ્મીનું સૂતિકાજ્વરથી થયેલું અકાળ અવસાન તેમના રસોજ્જવલ સંસાર પ્રદેશને ઝાંખો બનાવે છે. વડિલ બંધુ હરિલાલના સ્વર્ગવાસથી તેઓ માર્ગદર્શક મુરબ્બી ગુમાવે છે; અને મામાનું મરણ મોસાળ પક્ષે મધુર છાય આપતું શિરછત્ર ઝડપી લે છે. વિધિના આવા કૂર પ્રહારોથી હતાશ થયેલા જનો સામાન્યતઃ તત્ત્વજ્ઞાનનું શરણ શોધે છે, ને આશ્વાસન મેળવે છે. પણ આપણા ઉગતા સાહિત્યકારને તો આ દારુણ સંયોગોમાં સમગ્ર જીવન સાહિત્યના રંગોથી જ રંગવું છે, જગતનો નાથ શિરે જે ગુજારે તે સહ્યે જ છુટકો, એમ માની તેઓ ઈશ્વરમાં શ્રદ્ધા ટકાવે છે. પરિણામે હૃદય વિદારતા દુઃખપ્રસંગોમાં પણ તેઓ સરસ્વતીની ભક્તિમાં જ લીન રહે છે, અને સાહિત્ય અને સ્વાધ્યાય તરફ સર્વ શક્તિઓ વાળી મનને હળવું કરે છે. આવા ચિરસ્મણીય વર્ષમાં ‘પરાક્રમની પ્રસાદી’ કેશવલાલભાઈના પરાક્રમની જ પ્રસાદી હોય તેમ પ્રકટ થાય છે. અને સરસ્વતી દેવીને અપાતા અનુત્તમ અર્ધ્યો એકનો ઉમેરો કરે છે. વાસ્તવિકતા અને આદર્શજીવનનાં અમાપ અંતરને દૃષ્ટિમાં સમાવી દેતા, માર્ગમાં આવતા ગાઢ તિમિરને નિશ્ચલ સારસ્વત જ્યોથી વિદારતા આ ભાવનાશાળી ભાષાંતરકાર અડગ હિંમતથી જીવનના વિષમ પંથ કાપે છે, અને વાસ્તવિક જગતની સર્વ ચિંતાઓ અપાર્થિવ સત્તાધારીને સોંપે છે.

આવી ભાવના અને વિષમ સંજોગોથી અંકિત થતું ‘પરાક્રમની પ્રસાદી’ ગુજરાતી શબ્દદેહે દૃષ્ટિગોચર થાય છે, અને ‘વિક્રમોર્વશીય’ના બે ગુજરાતી ભાષાંતરોની સંખ્યામાં ઉમેરો કરે છે. રણછોડભાઈ અને કીલાભાઈનાં ભાષાંતરો ત્યારે પ્રસિદ્ધિ પામી ચૂક્યાં છે. કીલાભાઈની આવૃત્તિ તો ‘ગુજરાતી’ સાપ્તાહિકે ખરીદી લીધી છે. આ પરિસ્થિતિમાં ‘વનમાળી’ રૂપે અદીઠ રહેતા ‘કેશવ’ શ્રીયુત હિંમતલાલ અંજારીઆને ‘પરાક્રમની પ્રસાદી’ના પ્રકાશક બનાવે છે, અને આ રીતે પોતાની કાર્યસફળતા વિષેની આશંકા અને અશ્રદ્ધાને ગુપ્ત રાખે છે. સર્જક જેમ સ્વકૃતિનો યે સમાલોચક બની શકે, તેમ તરત જ પછી નિષ્પક્ષપાતપણે ‘વનમાળી’ પોતાની અને કીલાભાઇની ભાષાંતરકૃતિનું ‘વસંત'માં અવલોકન કરે છે, ને બંનેના ગુણાવગુણ પારખે છે. તેથી ‘ગુજરાતી’ કોપાયમાન થાય છે, કૃષ્ણલાલ ગોવિંદરામ દેવાશ્રયીના ઉત્તેજનથી તે વિશેષ ઉશ્કેરાય છે, ‘વનમાળી’ની વિરુદ્ધ વિનયરહિત વાણી વાપરે છે, કેશવલાલભાઇની સખત ખબર લે છે, અને અનુવાદકને સમાલોચક થતો રોકે તેવા કૈં કૈં આક્ષેપો મૂકે છે. પણ આવી અપ્રિય ઘટનાઓને આટલેથી જ અટકાવવી જોઇએ ને ?

આમ અદીઠ રહેવામાં નિર્ભય અને નિખાલસ સમાલોચના નિમંત્રવાનોજ ભાષાંતરકર્તાનો હેતુ હતો; કૈંક અંશે સીધા પ્રહાર નહિ ઝીલવાનો, અથવા તો આત્મવિશ્વાસની ઊણપ સંતાડવાનો ય હોય. પણ લોકમત એ ન્યાયમંદિર નથી, ને તેથી તેનાં મંતવ્યો પણ ન્યાયાધીશોના ચૂકાદાની જેમ પ્રમાણભૂત આવા કારણે, આજે પણ ક્વચિત્ ‘વનમાળી’ને આ કાર્યના કોઈ હેતુઓ શોધે છે અને કારણો કલ્પે છે.

‘પરાક્રમની પ્રસાદી’ની આવૃત્તિની વિશિષ્ટતાઓ આવતા પહેલાં તેના ભાવિ વિષે પણ સહેજ ઉલ્લેખ કરી લેઉં. પ્રથમ આવૃત્તિ પ્રસિદ્ધ કર્યા બાદ ભાષાંતરકર્તા મદ્રાસ તરફથી પ્રસિદ્ધ થયેલી વિક્રમોર્વશીયની વિવિધ પાઠફેર આવૃત્તિ મંગાવે છે, સત્ય અને સુસંગત પાઠો નક્કી કરી કૃતિને વિશુદ્ધ બનાવે છે, અને તે બધાનો લાભ ‘પરાક્રમની પ્રસાદી’ની બીજી આવૃત્તિને પણ આપે છે. હવે ભાષાંતરકાર ગુપ્તતાની બુકાની દૂર કરે છે; અને ‘વસંત’ના વિદ્વાન વિવેચકો તેમની આ બીજી આવૃત્તિને સમર્થ અને સ્તુતિયુક્ત સમાલોચનાઓથી વધાવી લે છે. આ રીતે ‘પરાક્રમની પ્રસાદી’ વધુ દૈદીપ્યવાન અને યશોદાયી બને છે.

વિક્રમોર્વશીયનું ભાષાંતરકાર્ય કેશવલાલભાઈને પ્રશ્નોના અભ્યાસી બનાવે છે. કાલીદાસનાં બધાં નાટકો તથા કાવ્યોના વાચનથી આ સંશોધનપ્રિય ને સત્યશોધક સાહિત્યભક્તને સંતોષ નથી થતો. કાલીદાસનો કાળનિર્ણય અને તેનાં સજનનાં તુલનાત્મક મૂલ્ય આંકવા તેઓ બંધ દ્વાર ઠોકે છે, અને અશ્વઘોષ જેવા કવિઓ સાથે જીવંત સંપર્ક સાધે છે. પણ જ્ઞાનનું અમૃત પીતાં કયો આદર્શ વિદ્યાર્થી આવું કરે ? સંસ્કૃત કવિઓની આનુપૂર્વી નકકી કરવા આ સારૂં સાહિત્યસેવક અનેક ક્રાન્તદર્શીઓ અને નાટ્યકારો સાથે સંબંધ બાંધે છે. વિશાખદત્ત, હર્ષ અને ભવભૂતિ: આ બધાય તેથી સ્નેહી સુહૃદ બને છે. આમ સ્થૂલ જગતમાં ભાગ્યે જ કોઇની  ગાઢ મૈત્રી બાંધતા આ એકાંતપ્રિય સાહિત્યસેવક સન્માન્ય સરસ્વતીપુત્રોનું સાન્નિધ્ય સેવે છે, તેમના ચરણ ઉપાસે છે, તેમના હૈયાની વાત સાંભળે છે, તેમનાં વીતકો જાણે છે, તેમના અનુભવો લક્ષમાં લે છે, અને તેમની ભાવનાઓ, વિશિષ્ટતાઓ ને ત્રુટિઓ સમજે છે. અંતે, તે બધાના પ્રસાદ્‌થી તેમને એક જાદુઈ દંડ લાધે છે.

ગણિતશાસ્ત્રીના જેટલી ધીરજ, કુશળતા ને ચોકસાઈથી પ્રમાણભૂત બનતી વૃત્તોના વપરાટની કસોટી (metrical test) એ ખરેખર તેમની જાદુઈ સંપત્તિ છે. મંત્ર ભણી આ જાદુઈ દંડ ઠોકે કે ગમે તેવો સંસ્કૃત કે ગુજરાતી કવિ તેમની સમક્ષ હાજર થવો જ જોઈએ, એવી આ જાદુગરને તેના દંડમાં દૃઢ શ્રદ્ધા છે. બિચારા પ્રાકૃત જનો તો કેવળ આશ્ચર્યમુગ્ધ થાય છે. તેમને નથી લાધતાં એ જાદુઈ દંડનાં રહસ્ય, કે નથી સમજાતો તેનો દુર્ગમ પ્રભાવ. અદ્ભુત અને અપ્રતિમ લાગતો આ દંડ થોડી અન્ય સામગ્રીના બળે પ્રથમ કવિ ભાસને દેખાડે છે, અને છેલ્લા અશ્વઘોષને હાજર કરે છે.

પણ આ તો બધું પ્રસ્તાવનાની જ વાતને લાગુ પડે. ભાષાંતરના મુખ્ય કાર્યમાં તો કેશવલાલભાઈએ તેથીયે વધુ ઉત્સાહભર્યો શ્રમ ઉઠાવ્યો છે. મૂળ પુસ્તકમાંથી કેટલાયે ભ્રષ્ટ, નષ્ટ, પ્રક્ષિપ્ત કે ઉચ્છિન્ન પાઠ તેઓ શોધી કાઢે છે, અને સંશોધનના અગ્નિમાં સમગ્ર વિક્રમોવર્શીયને તપાવી તેને વિશેષ વિશુદ્ધ બનાવે છે. ક્વચિત્ સંવાદની ઉલટસુલટ થયેલી લીટીઓને તે સરખી કરે છે, ક્વચિત્ ગદ્ય બની ગયેલી પંક્તિઓને પદ્યમાં મૂકે છે, ક્વચિત્ પ્રક્ષિપ્ત ભાગોને શોધી કાઢી દૂર હઠાવે છે, અને ક્વચિત્ ભાષાંતરને મૂળ કૃતિથી યે વધુ કમનીય બનાવે છે.

આજ કાલ કેશવલાલભાઈ વિરુદ્ધ કલ્પિત પાઠ અને મૂળ કૃતિ તરફ વફાદારીની ઊણપ વિષે કેટલાયે વિવિધ સૂર સંભળાય છે. પણ ધ્રુવસાહેબનું દૃષ્ટિબિંદુ સમજાય તો આ આક્ષેપ આપોઆપ દૂર થઈ જાય. કલ્પિત પાઠોમાંથી યે કેટલાયને ઘણી વખત નવાં સાધનોએ કે નવી હાથપ્રતોએ સાચા જ ઠરાવ્યા છે. પૂર્વાપર સંબંધ જોઈને કુશળતાથી રસગ્રાહી દૃષ્ટિએ પાઠ કલ્પીને, ખૂટતો અંકોડો મેળવી દેવો, એ રચનાત્મક કાર્ય પુષ્કળ પરિશ્રમવાળું છે. નવો પાઠ કલ્પો કે ના કલ્પો, પણ જૂના અયોગ્ય પાઠને કે ખૂટતા શબ્દોને એમને એમ તો કેમ રખાય ? અને બીજો આક્ષેપ છે મૂળ કર્તા તરફની વફાદારીનો ભંગ. મૂળમાંયે ન હોય તેવી વિશિષ્ટતાઓ, ન હોય તેવી ખૂબીઓ ભાષાંતરમાં લાવવી, ને કર્તાને મૂળ કૃતિમાં હોય તેથીયે વધુ દીપાવવો, તે કેટલાયે સાહિત્યપ્રિય સજ્જનોને અરુચિકર લાગતું હશે. પણ તેવાઓને જો ભાષાંતર માટે ધ્રુવસાહેબે સ્વીકારેલા સિદ્ધાંત સમજાય તો તેમનો અસંતોષ આપો આપ દૂર થઈ જાય.

ગત લેખમાં મેં જણાવ્યું છે તેમ તાદાત્મ્ય, રસસંક્રાંતિ અને પાઠશુદ્ધિની ત્રણ પાંદડીઓવાળાં બીલીપત્રથી જ કેશવલાલભાઈ તેમના આરાધ્ય દેવને ઉપાસે છે, ને તે રીતે ભાષાંતરને જીવંત તથા રસિક બનાવે છે. આજે વળી, ભાષાંતરવિષયક તેમના આદર્શો હજુ વધુ સ્ફુટ કરી તેમની સ્થિતિ સ્પષ્ટ કરી લેઉં.

ભાષાંતર કેવળ મૂળ કૃતિને અન્ય ભાષામાં ઉતારવાનું, અર્થાત મૂળ કૃતિનો વેશપલટો સાધવાનું જ કાર્ય નથી. મૂળ કર્તા જો ગુજરાતી જાણતા હોત તો જેવી કૃતિ તે રચત, તેવીજ કૃતિ ગુજરાતીમાં આપવાની આ ભાવિક ભાષાંતરકાર ઉમેદ રાખે છે એટલુંજ નહિ, પણ અનુભવ મળે, મહાવરો વધે, કલમ પાકટ થાય, ભાષા ઉપર પ્રભુત્વ આવે, તેમ તેમ મૂળ લેખક પણ પોતાની કેટલીયે ક્ષતિઓ દૂર કરત; અને છતાંયે કોઈ ખામીઓ તો તેની જાણ બહાર પણ રહી જાય. કેશવલાલભાઈ ભાષાંતર વખતે આ બધુંય ધ્યાનમાં લે છે.

સાચો ભાષાંતરકાર અર્થાત્ આદર્શ અનુવાદક એ પૂર્વજની ઊણપોની ઊંડી કૂઈમાં ડૂબવા નથી ઈચ્છતો; મૂળ લેખકનું આંધળું અનુકરણ કરી તે કૃતકૃત્યતા નથી જાણતો, કે તેની સર્જનશક્તિથી સ્વબુદ્ધિને છેક કુંઠિત નથી કરતો. તેને મન ભાષાંતર એ કાર્ય નથી, પણ કલા છે. તેનું કર્તવ્યભાન તેને કલાકારની દૃષ્ટિ અર્પે છે, અને મૂળમાં જે જે ઉણપ હોય કે ડાઘ હોય તે તે બધા દૂર કરવાને અને મૂળને વધુ દીપાવવાને પ્રેરે છે. સમર્થ ભાષાંતરકાર તો કેમેરા વડે એક છબીમાંથી બીજી છબી નથી પાડતો. તેને તો એક ચિત્ર ઉપરથી પીંછી વડે પોતાના પ્રાણ રેડી તેવું જ બીજું આબેહુબ ને અધિક સુંદર ચિત્ર ઉપજાવવું રહે છે. કેશવલાલભાઈ પણ આ જ આદર્શો ધ્યાનમાં રાખી સંસ્કૃત કૃતિઓને ગુજરાતીમાં ઉતારે છે તે પછી તેમની કૃતિઓને ભાષાંતર શાને કહેવું ? વસ્તુતઃ તો તેમનાં ભાષાંતરો તે ભાષાંતરો નથી, પણ કલાથી વધુ દીપતી મૂળની છાયા છે. આ દિશામાં તેઓ કવિ ભાલણને પોતાનો માર્ગદર્શક ગુરુ માને છે. બાણભટની ગદ્યાત્મક અને કવિત્વમય કાદંબરીને ગુજરાતી પદોમાં એ પાટણના કવિએ જેમ કુશળતાથી અને કલાથી ઉતારી અને તેને વધુ શોભાવી. તેમ ધ્રુવસાહેબ વફાદારીના ભોગે પણ કલાની દૃષ્ટિ સેવતાં સેવતાં મૂળની ઊણપો દૂર કરી તેને વધુ ઓજસ્‌વંતી બનાવે છે. ભાવવાહી ભાલણના આવા ભવ્ય ભક્તના ભાષાંતરકલાના આદર્શો ખરેખર પ્રશંસાપાત્ર જ છે ને ?

 ઈ. સ. ૧૯૦૦ માં ઇંગ્રેજી નોંધ સાથે પ્રસિદ્ધ થયેલી ‘મુદ્રારાક્ષસ’ની સંસ્કૃત આવૃત્તિ વિષેનો સવિસ્તર ઉલ્લેખ પહેલાંના લેખમાં કર્યો છે જ, એટલે અહીં તેની પુનરુક્તિની જરૂર નથી.

આમ ગુજરાતના આ વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ સાક્ષરની ઓગણીસમી સદીના અંત સુધીની સાહિત્યસેવાના ધોરી માર્ગે તેના માર્ગસૂચક પત્થરો નિરખતાં નિરખતાં આપણે દડમજલ કૂચ કરી છે. સાહિત્યસેવાનો પ્રદેશ કેટલો આહ્લાદક કે શ્રમજનક ને કેટલો સપાટ કે ખાડાટેકરાવાળો છે, એ બધું આપણી ઉતાવળી ને ઉડતી નઝરના કારણે કે આપણી નિરીક્ષણશક્તિના અભાવે હાલ આપણે નક્કી કરી શક્યા નથી. પણ ભાવિમાં વધુ ચોકસાઈ ને ચીવટથી વિચરતો અને બારીક નઝરે નિહાળતો કોઈ મુસાફર આ વિશાળ પ્રદેશનાં મૂલ્ય આંકી તેનાં સૌન્દર્ય સમજાવે, એ અભિલાષ અસ્થાને નથી.

અંતમાં, દૂર આવેલા કચ્છના પ્રદેશમાં કેશવલાલભાઈ સરસ્વતી સેવાનું પ્રેરક વાતાવરણ પ્રાપ્ત કરે છે, ને ત્યાંના મહારાવના રાજકુંવરના અધ્યાપક તરીકેની મુખ્ય પ્રવૃત્તિમાંથીયે વખત મેળવી તેમની ચિરસ્મરણીય કૃતિઓ આપે છે. લગભગ ચાર દાયકાના આયુષ્યમાં તો આ જ્ઞાનવૃદ્ધ સાહિત્યભક્ત પરપ્રાંતમાંયે ગુજરાતને પોતાની સંસ્કૃત વિદ્વતા વડે ગૌરવવંતી કરે છે, અને સંસ્કૃત સાહિત્યના મીઠા રસથાળ રુચિકર સ્વરૂપે ગુજરાતી વાચકને પીરસે છે. તેમ કરતાં કરતાં તેમને સૂક્ષ્મ સંશોધક થવું પડે છે, ને વિદ્વાન વિવેચક બનવું પડે છે. અર્ધી સદી સુધી સતત અને મૂલ્યવાન સાહિત્યસેવા કરતા આ વૃદ્ધ સરસ્વતીપુત્રને હજું કંઈ કંઈ આપવાના કોડ છે. દેવોના વૈદરાજ અશ્વિનો આ દેવીપુત્રને અખૂટ સ્વાસ્થ્ય આપો, અને તેમની શક્તિઓ અપ્રતિહત રાખો ! આપણે પણ તેમને આદરભર્યા નમસ્કાર કરતાં ઈચ્છીએ કે ‘સો શરદ જીવો’ એ શ્રુતિના આશીર્વાદ તેમના વિષે અક્ષરશઃ સત્ય ઠરો*[] !




  1. * આ સાહિત્ય–જીવન ઉપરના બંને લેખોની ઘણી વિગતો પૂ. કેશવલાલભાઈ એ પોતેજ મને પૂરી પાડી છે, અને તે માટે હું તેમનો ઋણી છું.–કર્તા