સાહિત્યને ઓવારેથી/શ્રી. મોતીભાઈ ન. અમીન

← સાહિત્ય પરિષદ સાહિત્યને ઓવારેથી
શ્રી. મોતીભાઈ ન. અમીન
શંકરલાલ શાસ્ત્રી
નરસિંહ મહેતો : આદિ ભક્તકવિ →


શ્રી. મોતીભાઈ ન. અમીન

‘પ્રસ્થાન' ને પાને દી. બ. નર્મદાશંકરભાઈનું છેલ્લું રેખાચિત્ર આપ્યા પછી આજે લગભગ ત્રણ વર્ષે વળી ‘સાહિત્યને ઓવારે’થી નિરખવાની બળવાન અને પ્રોદ્દીપ્ત ભાવના આ લેખનું નિમિત્તકારણ બને છે. પ્રસ્તુત લેખનો વિષય બનનાર શ્રી. મોતીભાઈ અમીન કોઈ લબ્ધપ્રતિષ્ઠ લેખક નથી, કોઈ કીર્તિવંતા કવિ નથી, કે કોઈ સુવિખ્યાત સાહિત્યકાર નથી; તો પછી સાહિત્યને ઓવારેથી નિરખનારની દૃષ્ટિ–મર્યાદામાં આવવાનો તેમને અધિકાર શો છે, એવી કુતૂહલયુક્ત શંકા ઘણા વાચકોનાં વિચારશીલ માનસને પણ મૂંઝવી નાખે તે સંભવિત છે. આવા અધિકારનો અમીન સાહેબે કોઈ દિવસ હક્કદાવો નથી કર્યો તે તેમનું સૌજન્ય છે; પણ ‘સાહિત્યના ઓવારે’થી નિરખતાં સામે કિનારે દૃષ્ટિગોચર થતા સરસ્વતી–મંદિરમાં તેઓ કોઇ અસામાન્ય અને વિશિષ્ટ સ્થાન ભોગવે છે તે નિર્વિવાદ છે.

સાહિત્યજળમાં તેમણે ભાગ્યે જ ડૂબકીઓ મારી છે. તેઓ સરસ્વતી દેવીનું સતત સાન્નિધ્ય સેવતા અધિકૃત પૂજારી નથી, કે પ્રસંગવશાત્‌ સરસ્વતીની પૂજાર્થે આવી ચપટી ચોખા મૂકી જનાર શ્રદ્ધાળુ યાત્રાળુ નથી; પણ તેઓ અહર્નિશ જાગૃત સરસ્વતીમંદિરના દ્વારપાળ તો છે જ. આવા ચકોર ને વફાદાર દ્વારપાળ વિના સરસ્વતીના ધામમાં કેટલાયે અનિષ્ટો વધ્યાં હોત, ને કેટલોય અંધકાર વ્યાપ્યો હોત. વડોદરા રાજ્યની પુસ્તકાલય પ્રવૃત્તિના મુખ્ય સંચાલકના પદેથી તેમણે કૈં કઈ ઉગતા લેખકોને ઉત્તેજન આપ્યું છે, તે કૈં કૈં પ્રતિષ્ઠિત સાહિત્યસેવકોને ‘ભગ્નમનોરથ’ થતા અટકાવ્યા છે. આવી વિવિધ હકીકત જાણનાર જન જ આ દ્વારપાળનાં યથાયોગ્ય મૂલ્ય આંકી શકે. વળી, શ્રી. મોતીભાઈએ લોકસેવાની ભાવનાથી પ્રેરાઈને નિર્મળ લેખો દ્વારા અજાણતાં યે સ્વલ્પ સાહિત્યસેવા તો કરી છે જ. આમ તેઓ સાહિત્યસેવા અને લોકસેવાને જોડી દેનાર સેતુ સમાન છે. સાહિત્યકાર અને લોકસેવક, બંનેનું ધ્યેય જનતાને ઊર્ધ્વગામી કરવાનું છે. ‘સાહિત્ય પોતે પણ સંસારપ્રશ્નોની જ પર્યેષણા છે.’ અંગ્રેજ કવિ મેથ્યુ એરનોલ્ડ પણ કાવ્યને ‘જીવનની સમીક્ષા’ કહે છે. આપણા માનનીય મોતીભાઈએ સાહિત્ય વડે અને પ્રત્યક્ષ અનુભવથી માનવ જીવનના જટિલ પ્રશ્નોની વિચારણા કરી છે, અને સાહિત્યના આદર્શોને શબ્દથી નહિ, પણ કાર્યથી પ્રજાની અનેકવિધ ઉન્નતિનું નિમિત્તકારણ બનાવ્યા છે. આવાં સબળ કારણો જ શ્રીયુત મોતીભાઈને–નજીકના સાહિત્યજળમાં સ્નાન કરતા નહિ, પણ સામે કિનારે ક્ષિતિજ આગળ આવેલા સરસ્વતીમંદિરનાં પગથીઆં ઉપર દ્વારપાળ તરીકે ઉભા રહેતા મોતીભાઈને–ઓવારેથી અવલોકતા આ લેખકની દૃષ્ટિમર્યાદામાં લાવે છે, ને આ લેખમાળાનો મણકો બનાવે છે.

શ્રીયુત મોતીભાઈની બાલ્યાવસ્થા વખતે દેશમાં કોઈક અવનવું વાતાવરણ પ્રસરતું હતું. વિવિધ પ્રદેશોમાં વિચરતા વીર નર્મદની વિરહાક ત્યારે સમગ્ર ગુજરાતમાં સંભળાતી હતી. ગુજરાત ત્યારે ધર્મમાં, સમાજમાં, સાહિત્યમાં ને રાજકારણમાં નવીન જાગૃતિ દાખવતું હતું. બ્રિટિશ અમલ સુસ્થાપિત થયા પછી ઇંગ્રેજી સંસ્કૃતિ ને ઇંગ્રેજી સાહિત્યનાં બલિષ્ટ તત્ત્વો સૌને આંજી દેતાં હતાં. સુધારા અને પ્રગતિના સૂરો હવામાં ગુંજતા હતા. રચનાત્મક કે ખંડનાત્મક, ગમે તે પ્રકારે ગુજરાત તે વખતની નિશ્રેતન પરિસ્થતિમાંથી મુક્ત થઈ પ્રગતિમાન થવા ઇચ્છતું હતું. નર્મદ આવ્યો ને ગયો; સુધારક ને ઉચ્છેદક થયો, અને જરા પ્રત્યાઘાતી પણ બન્યો. પછી ગોવર્ધનરામની સાહિત્યગાથા શરૂ થઈ ગઈ. અર્વાચીન યુગના પુરાણ સરિખડા એ સરસ્વતીચંદ્રમાં ગોવર્ધનરામે પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિને પરખી બંનેને સંવાદી કરવા પ્રયત્ન આદર્યો. વિચ્છેદ કે રચના, વિનાશ કે વિચારણ, ખંડન કે સુધારો: આવા વિવિધ તર્કવિતર્કો પ્રાકૃત જનોનાં હૃદયને હચમચાવતા. ગુજરાત ત્યારે નિષ્ક્રિયતા, નિર્માલ્યતા ને નિરાશાની ગાઢ નિદ્રા તજી આંખો ચોળતું ધીમે ધીમે જાગૃત થતું હતું–તેના નર્મદ, દલપત, અને ગોવર્ધનરામથી; તેના દાદાભાઈ, દયાનંદ અને ભોળાનાથથી.

નવીન વાતાવરણ આમ સૌને આમંત્રતું, મુગ્ધ કરતું સર્વત્ર વ્યાપક બનતું હતું. અપૂર્વ વિચાર સૌને આંજી દેતા ને વિહ્‌વળ કરતા હતા. તંદ્રા અને સુષુપ્તિ તે જાગૃતિ અને પ્રવૃત્તિને માર્ગ આપતી હતી. અનુકૂળ ક્ષેત્રમાં નવાં વિચાર–બીજો વિકાસ પામી વૃક્ષ રૂપે સુંદર ફૂલ અને ફળની આશા આપતાં હતાં.

આવા નવીન યુગના આરંભે આપણા મૂંગા સેવક મોતીભાઈ નરસિંહભાઈ અમીનનો દરબાર ગોપાળદાસથી વિખ્યાત બનેલા વસોમાં જન્મ થયો. વડોદરા રાજ્યના પેટલાદ તાલુકાનું આ ગામ નડિઆદથી ૮–૯ માઈલ દૂર છે, અને ગુજરાતના ચરોતર નામે ફળદ્રુપ પ્રદેશમાં આવેલું છે. નડિઆદ જેમ તેની પાટીદાર કોમના દેસાઈ કુળનાં ખાનદાન કુટુંબોથી જાણીતું છે, તેમ વસો પણ તેના અમીનોથી સુવિખ્યાત છે. જો કે આવી દેસાઈગીરી ને અમીનગીરીનો અતિરેક પણ થતો જાય છે, છતાં આ કુટુંબના સંસ્કાર ને ખાનદાની હજુ સારા પ્રમાણમાં ટકી રહ્યાં છે. આપણા મોતીભાઈ સાહેબ પણ વસોના આવા એક અમીન કુટુંબના જ નબીરા છે.

શરમાળ ને શાંત, મૂગા અને મિતભાષી શ્રી. મોતીભાઈ અતિશય નિરાભિમાની હોઈને આ જમાનાના જાહેરખબરીઆ જશને હંમેશાં ધૂતકારે છે. આવા લેખો કે રેખાચિત્રો દ્વારા જાહેર કીર્તિ તેમને શોધતી ને પજવતી આવે તો તેમને જરાયે પસંદ નથી. તેમના ઘડતરના નિરૂપણ માટે અને તેમના જીવનના સીમાચિહ્‌ન સરખા મહત્ત્વના પ્રસંગોના જ્ઞાન માટે, તેમના સ્થૂલ અને સૂક્ષ્મ જીવનની કેટલીયે ઐતિહાસિક અને ઝીણવટભરી વિગતો સ્હેજે આવશ્યક છે. આ લેખકે આવી વિગતો મેળવવા આજ સુધીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રયત્નો અનેકવાર કર્યા છે. પણ એ દૃઢ સંકલ્પવાળા માનવીને જીતવાનું અશકય થઈ પડ્યું છે, ને તેથી કેટલીયે બારીક વિગતો અપ્રાપ્ય જ રહી છે. છતાં સદ્ભાગ્યે આ રેખાચિત્રમાં અમીન સાહેબ સાથેના મારા પ્રસંગો ને સંસ્મરણો આધારભૂત થાય તેમ છે. બે દાયકાથી તેમનું સેવાપરાયણ જીવન મારા જેવા સેંકડો યુવકો અવલોકતા આવ્યા છે; ને આવું અવલોકન પણ આ કાર્યમાં ભારે સહાયક બની આશ્વાસન દે છે.

હિંદુસ્થાનમાં ગાંધીજીના આગમન પછી અહિંસક વિચારો ને સેવાના આદર્શો ગુજરાતમાં પણ ઘર કરતા થયા છે. હજારો યુવકો ત્યારે પ્રેરણાને પ્રબોધિની મૂર્તિ સરખા મહાત્માજીને કાયાથી, મનથી ને વાણીથી વિચારતા ને તેથી મુગ્ધ થતા હતા. નાનકડા ચરોતરમાં પણ આ રાષ્ટ્રીયને સામાજિક જાગૃતિના પડઘા પડતા હતા. આવા જાગૃતિકાળની યે પહેલાં આપણા અમીન સાહેબનું હૃદય મર્યાદિત માર્ગે સેવાપરાયણ બન્યું હતું; ને તેથી જ ચરોતરના અસંખ્ય બાળવિદ્યાર્થીઓ ઉપર ગાંધીયુગના આરંભે શ્રી. અમીનની સેવાભાવના કોઈ અકલ્પ્ય ને અનુપમ વાતાવરણ જમાવતી હતી. આ કર્મવીરે કેળવણી ખાતાના ગ્રેજ્યુએટ શિક્ષક તરીકે પોતાની કારકિર્દીનો આરંભ કર્યો, ને શિક્ષણના પ્રદેશે આ ઉત્સાહી યુવકને સ્વાભાવિક રીતે જ છાત્રાલય ને પુસ્તકાલયમાં પણ રસ લેતા કર્યા. પેટલાદનું બોર્ડિંગ હાઉસ ને પુસ્તકાલય આજે પણ શ્રી. અમીન સાહેબનું કેટલુંયે ઋણી છે. નોકરીને તેમણે કોઈ દિવસ ન માની રસવિહીન વેઠ કે ન દીઠો તેમાં શુષ્ક કર્તવ્યભાર; ને તેથી જ નોકરીનાં બંધન તેમને કોઈ દિવસ ન અટકાવી શક્યાં, કે ન મુંઝવી શક્યાં. નોકરીના શોખે તેમને કદીયે આળસુ ને આરામપ્રિય ન બનાવ્યા, ને નોકરીની સત્તાએ તેમને કદી તોછડા કે તુંડમિજાજી ન કર્યા. પુસ્તકાલયના અધિકારીપદેથી વડોદરા રાજ્યની નોકરીમાં તેમને જાહેર સેવાના પરમાણુ લાધ્યા, ને લોકોન્નતિનાં દર્શન થયાં. સાદા ને સરળ, નીડર અને નિખાલસ, શાંત અને સત્યપ્રિય, મૂક અને મિતભાષી મોતીભાઈ સાહેબ નોકરી દરમ્યાન અને વર્તમાન નિવૃત્તિસમયે સેવાભાવનામાં ને સેવાકાર્યમાં આજે પણ એકધારી રીતે અટલ અને અવિચળ રહ્યા છે.

વડોદરાના શ્રીમંત સયાજીરાવ મહારાજા સાહેબે તેમની રૈયત માટે જે અનેક કલ્યાણકારી પ્રવૃત્તિઓ પોતાના આખાય રાજ્યમાં વ્યાપક કરી છે, તેમાંની બે સૌથી પ્રશંસાપાત્ર છે: સમગ્ર રાજ્યમાં વ્યાપક બનેલી (૧) ફરજીઆત કેળવણી, અને (૨) પુસ્તકાલય પ્રવૃતિ. પ્રથમ નિરક્ષરતા નિવારવા માટે આવશ્યક છે, તો બીજી તે પ્રાપ્ત કરેલા અક્ષરજ્ઞાનને ટકાવવા માટે ઉપયોગી છે. શ્રીમંત મહારાજા સાહેબે વડોદરા રાજ્યમાં આવી પુસ્તકાલય પ્રવૃત્તિ વ્યવસ્થિત ખાતું ખોલી શરૂ કરી, ને અઢી દાયકા ઉપર શ્રી. અમીન શિક્ષણખાતામાંથી ત્યાં નિમાયા. પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રાણ સરખા શ્રી. મોતીભાઈએ તેમાં લોકોદ્ધારનાં બીજ દીઠાં ને સરસ્વતીની સેવા જોઈ. આમ પચીસ પચીસ વર્ષ સુધી રાજ્યની અને માતૃભૂમિની પુસ્તકાલય દ્વારા સંગીન સેવા કરતા કરતા વડોદરા રાજ્યના એસિ. ક્યુરેટરના પદેથી તેઓ આશરે બે વર્ષ ઉપર જ નિવૃત્ત થયા છે. આ મૂલ્યવાન સેવાને લીધે અમીન સાહેબને ચરોતરના ને તેથીયે વિશાળ પ્રદેશના મૂગા ને કાર્યાનિષ્ઠ, શાંત અને શરમાળ સેવક કહેવામાં નથી કોઈ અનીતિયુક્ત અસત્ય કે નથી કોઈ કલ્પનાજન્ય અતિશયોક્તિ.

વડોદરા રાજ્યની નોકરશાહીનાં બંધનો સ્વીકારીને, ને વડોદરા સરકાર સાથે વધુમાં વધુ સહકાર સાધીને શ્રી. મોતીભાઈએ કેટલીયે લોક–ઉપયોગી પ્રવૃત્તિઓને વેગ આપ્યો છે, કેટલાંય અનિષ્ટોને ક્ષીણ કર્યાં છે, કેટલીયે નવી ભાવનાઓને પોષી છે, ને કેટલાંયે જાહેરકાર્યોને વિશિષ્ટ ને વ્યાપક બનાવ્યાં છે. રાજકારણના પ્રબળ ઝંઝાવાતથી અંજાઈ તેમણે કદીયે રાજસેવકની મર્યાદા ઓળંગી નથી, અને લોકસેવા કરતાં તેમણે કદીયે રાજસેવકનું ગુલામી માનસ દાખવ્યું નથી. રાજકારણથી અલિપ્ત રહી ચરોતરનાં તે. વિશેષતઃ વડોદરા રાજ્યનાં અને રાજ્ય બહારનાં છાત્રાલય, પુસ્તકાલય, ઔષધાલય, હરિજનપ્રવૃત્તિ અને કેળવણી સંસ્થાઓને તેમણે ભગીરથ પ્રયત્ન અને પ્રફુલ્લ હૃદયે પોષી છે, પાંગરાવી છે, ને પગભર કરી છે. તેમણે વડોદરા રાજ્યની પુસ્તકાલય પ્રવૃત્તિને વેગવંતી કરી; ગ્રામ, કસબા ને પ્રાંત પુસ્તકાલયનું સંગઠન સાધ્યું; અને દીર્ધ દૃષ્ટિએ નાનાં નાનાં પુસ્તકાલયોને પણ ફરજીઆત બચતના નિયમથી સદ્ધર ને સહીસલામત બનાવ્યાં છે. પુસ્તક–વ્યવસ્થા વિષેના વિચારોએ તેમને આઠ હજાર ને ચાર હજાર પુસ્તકોની કર્તાવારી, નામવારી ને વિષયવારી વર્ગીકરણના નિમિત્ત બનાવ્યા; ને સંપૂર્ણ કાર્યનિષ્ઠાએ તેમને પુસ્તકાલયના સિદ્ધાંતો વિષે, પુસ્તકોના પ્રકાશન વિષે, ને પુસ્તકોની બાંધણી વિષે વિચાર કરતા કર્યા. વડોદરા સરકારની તાલુકા, પ્રાંત અને રાજ્યની, તથા સમગ્ર ગુજરાતની પુસ્તકાલય પરિષદ તે મોતીભાઈ સાહેબની જ વિશાળ યોજના ને અવરિત પ્રયત્નોનું પરિણામ કહી શકાય. તેમને પુસ્તકાલયપ્રવૃત્તિને આ રીતે ગુજરાત ભરમાં વ્યાપક ને આકર્ષક કરવી છે, પુસ્તકોના લેખકોની મુશ્કેલી દૂર કરવી છે, તે પ્રકાશકો તથા ગ્રંથવિક્રેતાઓ (બુકસેલર)ની ચૂસણનીતિ મિટાવવી છે. પુસ્તકાલયની પવિત્ર પ્રવૃત્તિના વિચારોથી જ તેમનું હૃદય જ્યાં ઉભરાતું હોય ત્યાં તેને લગતો કયો પ્રશ્ન અણચિંતવ્યો રહે ? વડોદરાનું પુસ્તકાલય સહાયક સહકારી મંડળ લિ. આવી ચિંતામાંથી જ ઉદ્‌ભવ્યું છે. આ મંડળ આજે વડોદરા રાજ્યનાં પુસ્તકાલયોની અને લેખક–પ્રકાશકોની પ્રમાણિક ને પ્રશસ્ય સેવા કરી રહ્યું છે; અને અમીન સાહેબ તેમની નિવૃત્તિ પછી તરતજ તેનું પ્રમુખપદ શોભાવી પ્રત્યક્ષ રીતે તેનું સુકાન સંભાળી રહ્યા છે.

વિદ્યાર્થીઓમાં ને વિદ્યાર્થીમાનસમાં શ્રી. મોતીભાઈને અજબ શ્રદ્ધા છે. સ્વજનની જેમ વિદ્યાર્થીઓને તેઓ બોલાવે છે, સ્હાય દે છે, માર્ગ દર્શાવે છે, ને હૈયાના હેતથી નવાજે છે. વિદ્યાર્થીઓ તરફનું વિશિષ્ટ વ્હાલ તેમને વિદ્યાર્થીજીવનના વિવિધ પ્રશ્નોની માર્મિક સમીક્ષા કરવા પ્રેરે છે. છાત્રાલય પ્રવૃત્તિ, ચરોતર વિદ્યાર્થી–સહાયક સહકારી મંડળી લિ., વડોદરા રામજી મંદિરનું ચરોતર વિદ્યાર્થી વસતિગૃહ, ચરોતર એજ્યુકેશન સોસાયટી તરફથી ચાલતું વિદ્યાર્થી–સહાયક સહકારી મંડળ, સ્વયંપાકી વિદ્યાર્થી છાત્રાલય, વિદ્યાર્થીપ્રવાસો ને વ્યાયામપ્રયોગો, વસો કેળવણી મંડળ અને તેની વિવિધ ગૌણ સંસ્થાઓ: આ અને આવી નાની મોટી કેટલીયે પ્રવૃત્તિઓ બહુધા વિદ્યાર્થીજીવનની સર્વદેશીય પ્રગતિ માટે ઉત્સુક રહેતા શ્રી. મોતીભાઈનાં મનોમંથન સાથેજ સંકળાયેલી છે.

અને ચરોતર એજ્યુકેશન સોસાયટી પોતે પણ શ્રી. મોતીભાઈ સાહેબની ચરોતર પ્રદેશની સેવાભાવનાનું જ મૂર્ત સ્વરૂપ છે ને ! પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે આ સોસાયટીનું હિત સાધવામાં, તેને માતબર કરવામાં, અને વિવિધ રીતે સવિશેષ ઉપયોગી બનાવવામાં તેમનો સદ્ધર ફાળો છે. પિતાના હેતથી આ સંસ્થાને તેમણે પાળી–પોષી છે, અને પ્રગતિના પંથે કૂચ કરતી બનાવી છે. ચરોતરની આ અગ્રગણ્ય સંસ્થા અને તેના કાર્યકર્તાઓને આજે પણ અતિકુશળ ને સુપ્રતિષ્ઠિત આગેવાનોની હૂંફ છે. મહાત્માજીએ પણ તેમની ઐતિહાસિકકૂચ વખતે શ્રી. ‘મોતીભાઈના ચરોતર’માંથી તે પસાર થતા હોવાનું કહ્યું હતું, તેમ આ લેખકને યાદ છે. સોસાયટીનું મુખપત્ર ‘ચરોતર’ તેના અગ્નજન્મા ‘જ્ઞાનપ્રચાર’નું જ ધ્યેય સાધતું સર્વત્ર તેની સુવાસ ફેલાવી રહ્યું છે. ‘ચરોતર’નો કોઈ પણ અંક વાંચતાં વાચકને આનો વિશિષ્ટ ખ્યાલ આવશે. કોઈ જાહેર ફંડ કે ન્યાસ, દાદાભાઇ વાચનાલય, વડોદરા રાજ્યનાં કસબા કે ગ્રામ પુસ્તકાલયો ને ગ્રામ ઔષધાલયો, કોઈ પરોપકારી કે દાનવીર સજ્જનનું જીવનચરિત્ર, કોઈ સેવાભાવથી ઓપતો લોકોપયોગી પ્રસંગ, સમાજના સુધારા, ખેતીવિષયક નોંધ, કેળવણી સંસ્થાઓનાં નિવેદન કે કોઈ અનુકરણીય સભાનો હેવાલ: કોઈ ને કોઈ પરત્વે અમીન સાહેબ લેખક તરીકે દેખા દેછે. આમ તેઓ ‘ચરોતર’ ની પ્રજાનું કલ્યાણ સાધવા સેવાભાવનાં બીજ સર્વત્ર વાવે છે. રાજકીય ક્ષેત્ર બાદ કરીને કહી શકાય કે ચરોતર એટલે શ્રી. મોતીભાઈ અમીન. પણ તેથી ઊલટું સમીકરણ સાચું નથી; કારણ કે શ્રી. મોતીભાઈ તો ચરોતરના નાનકડા પ્રદેશમાંથી ઊભરાઈ જઈને વિશાળ ગુજરાતમાં પણ નજરે પડે છે. વડોદરાનું ‘પુસ્તકાલય’ અને આણંદનાં ‘ચરોતર’ તથા ‘બાળમિત્ર’ નામે સામયિકો પણ અમીન સાહેબનું જ માર્ગદર્શન સ્વીકારી સમાન આદર્શો સાધે છે.

ગ્રામપુસ્તકાલયોના નિરીક્ષણ માટે શ્રી. મોતીભાઈ રાજ્યના ગામડે ગામડે ફરે છે. અમલદારશાહીનો ભપકો ફગાવી દેનાર આ ઉત્સાહી લોકસેવક ખડતલ જીવન ગાળે છે, પળેપળનો સદુપયોગ કરે છે, ને લોકજીવનનાં વિવિધ પાસાં નિરખે છે. ગામનું પુસ્તકાલય, ગામની નિશાળ, ગામની જાહેર સંસ્થાઓ, ગામના કૂવા, તળાવો, ચોતરા ને પરબડીઓ, ઔષધાલયો ને મંદિર, પછાત કોમોની સ્થિતિ ને હરિજનોની હાડમારીઓ: સૌ તેમની સંભાળ ને મમતાનો વિષય બને છે. સૌને તેઓ યથાશક્તિ સાથ દે છે, અને લોકજીવનને આમ પ્રગતિમાન કરે છે.

આવી અમલદારી ફરજ બજાવતાં, ને સરકારી રાહે કામ કરતાં પણ શ્રી. મોતીભાઈએ ભાગ્યેજ અમલદારી માનસ દાખવ્યું હોય. ક્યાંયે બોજારૂપ ન થતાં, નિરુપાયે જ તેઓ કોઈનું આતિથ્ય સ્વીકારતા; અને કામ સમેટ્યા પછી આગળ કૂચ કરતા. ગામડાંમાં પણ અમલદારી ન દાખવતાં સ્થાનિક પ્રગતિપ્રિય કાર્યકર્તાઓ ને કેળવાયેલા યુવકોમાં તેઓ વધુ શ્રદ્ધા ધરાવતા, ને તેમનેજ વિશ્વાસમાં લેઈ પોતે આરંભેલું કાર્ય આગળ ધપાવતા. તેથી તો આજે ચરોતર શું, ગુજરાત શું, ભારત દેશ શું કે પરદેશ શું: સર્વ સ્થળોએથી ચરોતરના સંખ્યાબંધ વિદ્યાર્થીઓ નોકરીધંધામાં સુવ્યવસ્થિત થયે આ સેવાપરાયણ અને માનનીય અમીન સાહેબનેનો પત્રો દ્વારા વધુને વધુ સક્રિય પરિચય સાધી રહ્યા છે.

શ્રી. મોતીભાઈની કાર્યપદ્ધતિ પણ વિલક્ષણ જ છે. માનસશાસ્ત્રના તેઓ અભ્યાસી છે, અને ચતુર નજરે અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગોની તુલના કરે છે. રજપુતોની આંધળાં કેસરીઆં કરવાની રીત કે ખતમ થતાં સુધી ઝઝુમવાની પદ્ધતિ તેમને માન્ય નથી. ખંડનમાં પરિણમતો કલહ તેમને અરુચિકર લાગે છે, પક્ષાપક્ષી તેમને પ્રિય નથી, ને ભાગલાથી તેઓ દૂર ભાગે છે. મનુષ્યસ્વભાવની નાડ પરખતા, શક્તિ પ્રમાણે જ કાર્ય ઉપાડતા તેઓ અનુકૂળ માર્ગ જ સ્વીકારે છે, ને શક્તિઓ વૃથા વેડફી ન નાખતાં તેમને વિશેષ કાર્યસાધક બનાવે છે. છતાં તેમનું ઉપાડેલું કાર્ય એટલું વિવિધ ને વિશાળ છે કે સામાન્ય મનુષ્ય તો આશ્ચર્ય જ પામે. તેઓ પોતે પણ કહે છે કે મારુ આરંભેલું કાર્ય હું આ જન્મમાં તો નહિ, પણ બે જન્મમાંય ભાગ્યે જ પૂરૂં કરી શકું. સાઠીએ પહોંચ્યા છતાં તેમની બુદ્ધિ નાઠી નથી, ને કાળનાં કરવતે તેમને આ ઉંમરે પણ નિરુત્સાહી નથી કર્યા. વૃદ્ધનો અનુભવ અને તરુણનો ઉત્સાહ દાખવતા આ લોકસેવક પોતાના કાર્ય માટે ગમે ત્યારેય ગમે તેટલો શારીરિક શ્રમ ઉઠાવવા તૈયાર જ હોય છે.

રાત્રે સાડાનવ વાગ્યે એક વખત તેમના વતન વસોમાં હું તેમના આમંત્રણને વશ થઈ મળવા ગયો. પણ અમીન સાહેબ તો ઘેર ન મળે ! લગભગ કલાક–દોઢ કલાક પછી તેઓ પેટલાદના એક કાર્યકર્તા સાથે ઘેર પાછા ફર્યા: અને વાતચીત ઉપરથી ખબર પડી કે તેઓ બંને એટલી મોડી રાત્રે પણ હરિજનશાળા અને રાત્રિશાળા જોવા તથા એક જાહેરસભામાં હાજરી આપવા રોકાયા હતા. છતાં સવારમાં પાંચ વાગે તેઓ ફરવા જવા માટે તૈયાર જ હતા ! યુવકો જ્યારે ઉનાળાની ગુલાબી ઉંઘ સેવતા હોય છે, ત્યારે આ વૃદ્ધ કાર્યકર જુવાનને શરમાવે તેવા ઉત્સાહથી સેવાકાર્યમાં કે સ્વકાર્યમાં આગળ કૂચ કરે છે.

સને ૧૯૨૭ના વર્ષમાં રેલસંકટ વખતની શ્રી. મોતીભાઈની સેવાઓ તોતે અતિ નોંધપાત્ર ને પ્રશંસાપાત્ર છે. રેલથી મૂર્છિત બનેલી પેટલાદ તાલુકાની પ્રજાને આશ્વાસન દેવા ને સ્હાય આપવા વડોદરા સરકારની સંમતિથી પોતે પેટલાદ તાલુકાના રેલ–વહીવટદાર બની ગયા. ગામડે ગામડે બબ્બે ત્રણ ત્રણ વખત ફરી રેલથી થયેલું નુકશાન, લોકોની જરૂરિઆત ને રાહતના માર્ગો જાણી લીધા; અને યથાશક્તિ સંગીન અને ઝડપી કાર્ય કરી બતાવ્યું. રેલ સંકટના નિવારણમાં તેમણે વડોદરા રાજ્યનો, પ્રાંતિક સમિતિનો, ઇતર જાહેર સંસ્થાઓનો ને ધનાઢ્ય વ્યકિતઓનો સહકાર મેળવી પ્રજાને બને તેટલી રાહત અપાવી હતી. છતાં એ દિવસોમાં પણ તેઓ પોતાનાં પ્રિય પુસ્તકાલયોને કે હરિજનોની હાડભારીઓને વિસર્યા ન હતા. ઠક્કર બાપા જેવા સુવિખ્યાત આજીવન સેવકને પેટલાદ તાલુકાનાં ગામડાંમાં પોતે ફેરવ્યા, તેમને કુદરતે કરેલા કરેલા નુકશાનનો અને લોકોના સંકટનો ખ્યાલ આપ્યો, તથા ‘સર્વન્ટ્‌સ ઓફ ઇન્ડીઆ સાયયટી’ની તેમની દ્વારા ઉત્તમમોતમ સક્રિય સહાનુભૂતિ મેળવી. આમ બીનરાજકીય ક્ષેત્રોમાં સદા–તૈયાર સ્વયંસેવક સરખા આજે પણ શ્રી. મોતીભાઈ ઉત્સાહથી ઊભા છે.

અને નાનકડું તેમનું વસો સદાય તેમને મન વ્હાલું વતન જ રહ્યું છે. અધિકારી હતા ત્યારે પણ સત્તાવાર, અર્ધસત્તાવાર કે બીનસત્તાવાર જે કાંઈ સેવા વસોની થઈ શકે, તે કરવાનું તેઓ કદી ચૂક્યા નથી. વસો આજે તેના આ પનોતા પુત્રને લીધે બાલમંદિર, સાર્વજનિક પુસ્તકાલય, બાળ પુસ્તકાલય, મહીલાપુસ્તકાલય, સ્વતંત્ર ઇંગ્રેજી હાઈસ્કુલ, હુન્નરઉદ્યોગ ને કારીગરીના વર્ગો: આ અને આવી અનેક સગવડો ભોગવી રહ્યું છે. આજે નિવૃત્તિના સમયમાં પણ આજ સ્થળ શ્રી. અમીન સાહેબની કાર્યભૂમિ બન્યું છે. વસો તેમને લીધે આજે પણ વધુ વર્ચસ્ દાખવે છે, અને વિશિષ્ટ ગૌરવ અનુભવે છે. વસોના કેળવણીના પ્રયોગો, કારીગરવર્ગો, અને વ્યાયામમંદિરો: સૌ આ પ્રેરણામૂર્તિના પ્રયત્નોને લીધે જ પ્રગતિમાન લાગે છે.

જાહેર સંસ્થાઓમાં ધનસંચય થવા દેવો એ અનેક અનર્થોનું મૂળ છે, એવો મત મહાત્માજીની માફક શ્રી. મોતીભાઈ પણ ધરાવે છે. એક જ વ્યક્તિ પાસે જો સાર્વજનિક નાણાં પડી રહે તો તેને દુરુપયોગ થવાનો સંભવ રહે છે, ને તેથી કરીને છેલ્લાં થોડાં વર્ષોથી આવાં નાણાંના હિસાબો છપાવીને જાહેરમાં મૂકવા માટે તેઓ એક વ્યવસ્થિત યોજનાને શ્રમભય પ્રયત્નો વડે પણ વ્યાપક અને સર્વસ્વીકાર્ય બનાવતા રહ્યા છે.

શ્રી. મોતીભાઈ કેળવણીના પ્રશ્નોમાં વર્ષોથી રસ લેતા આવ્યા છે, અને એક કેળવણીકારને શોભે તેવી રીતે તેના કેટલાયે કૂટ પ્રશ્નોનો પોતાની રીતે ઉકેલ શોધી લે છે. કેળવણીની તેમની કલ્પના ગાંધીજીના વિદ્યાપીઠના ચોકઠામાં બરાબર બંધ બેસે તેમ નથી. કેળવણીનું ધ્યેય ધન કરતાં વધુ ઉચ્ચ, અને રાષ્ટ્ર કરતાં વધુ વ્યાપક હોવું જોઈએ, એ સર્વકાલીન સત્ય તેમને પણ માન્ય છે. કેળવણીને વધુ કાર્યસાધક બનાવવા જતાં જો તે મોંઘી થઈ પડે તે તેનો તેમને જરાયે વાંધો નથી. સમાજવાદ ને સામ્યવાદની મોહક ભાવનાઓ તેમને આ સંબંધી ભાગ્યેજ આકર્ષી શકે છે. આધુનિક કેળવણી ગમે તેટલી ખરાબ હોય પણ વધુ સારી કેળવણીના અભાવે તે લેવી આવશ્યક છે, હુન્નરઉદ્યોગ, સંગીત તથા વ્યાયામને શક્ય હોય તેટલી હદે માધ્યમિક કેળવણીની સંસ્થાઓમાં સ્થાન આપવું, સહ–કેળવણી એ કાંઇ અનિષ્ઠ નથી, અસ્પૃશ્યતાના જ કારણે કોઈ મનુષ્ય ઉચ્ચ કેળવણીથી વંચિત રહેવો ન જોઈએ; આવાં કેટલાંયે દૃઢ મંતવ્યો આજે બેધડક તેઓ જાહેરમાં મૂકે છે. પણ સૌથી વધુ મહત્ત્વનો અને હાલ પણ ખૂબ ચર્ચાસ્પદ બનતો મુદ્દો તો વિદ્યાર્થીઓની શારીરિક શિક્ષાનો છે. નઠોર કે તોફાની, બેદરકાર ને રખડેલ વિદ્યાર્થીઓને પણ શારીરિક શિક્ષા તો ન જ કરવી, એવી તેમની દૃઢ માન્યતા છે; ને આ માન્યતાને તેઓ વસોની કેળવણી–સંસ્થાઓમાં આગ્રહથી અમલમાં મૂકાવે છે. અતિ તોફાની કે રખડેલ વિદ્યાર્થીઓને માનસશાસ્ત્રની રીતે શિક્ષકે પ્રેમથી જીતવા, તેમનું મિત્રમંડળ જાણવું, તેમના ઘરના વાતાવરણથી પારચિત થવું, તેમનાં માબાપનો સહકાર મેળવો; આ બધા ય તેમને સુધારવાના ઉપાયો છે. છતાંય જિ તેવો વિદ્યાર્થી ન સુધરે તો તે વિદ્યાર્થીને શાળામાંથી છુટો કરવો, પણ તેને શિક્ષા તો ન જ કરવી. આવા એકજ બાળક પાછળ શિક્ષકની ધીરજ અને બુદ્ધિ ખૂટી જાય ત્યાં સુધીના અંતિમ અખતરા કરવા તે જાહેર સંસ્થાઓને અતિ ખર્ચાળ થઈ પડે ને અન્ય વિદ્યાર્થીઓને અહિતકર્તા થઈ પડે. છતાં યે શિક્ષક તે પણ મનુષ્ય છે, અને અનાયાસે મનુષ્યસહજ ત્રુટિઓને વશ થાય છે, એ સત્ય તેમની જાણ બહાર નથી. ક્વચિત્‌ ક્રોધના આવેશમાં તે સંયમ વિસરે ને નિર્બળતાને વશ થઈ વિદ્યાર્થીને શિક્ષા કરે એવા વિરલ પ્રસંગોને પણ શ્રી. મોતીભાઈ પોતે કલ્પી શકે છે. મને તેમનો પોતાનો જ અનુભવ જણાવતાં તેમણે કહ્યું કે ‘આવા આવેશમાં કોઈ નિર્બળતાની અધન્ય પળે મેં મારા કુટુંબના બાળકને, ચિ. ભાણાભાઇને જ તમાચ મારી હતી; અને પછી મને ખૂબ પસ્તાવો થયો હતો. ગમે તેવા પ્રતિકૂળ સંયાગોમાં પણ બાળક કે વિદ્યાર્થીને શિક્ષા ન કરવી તે સિદ્ધાંતનું પાલન કેટલું કઠિન છે તે તેમને સ્વાનુભવથી જ સમજાયું છે; અને છતાંય તેઓ આ સિદ્ધાંતને સર્વસ્વીકાર્ય બનાવવા ને પળાવવા પ્રબળ ઈચ્છા ધરાવે છે.

સરકારી નોકર તરીકે શ્રી. મોતીભાઈનું જીવન સ્ફટિક જેવું પારદર્શક અને શરદઋતુના આકાશ જેવું સ્વચ્છ હતું. તેમના વિષે ખટપટ, પક્ષાપક્ષી કે અંગત અપ્રમાણિક લાભને ક્યાંયે સ્થાન જ ન હોય; અને તેથી જ વડોદરા રાજ્યના ઊંચી પાયરીના અમલદારો, નાયબ–દીવાન ને દીવાન સાહેબ, અને ખુદ મહારાજા સાહેબ સુદ્ધાંના તેઓ પ્રીતિપાત્ર અને વિશ્વાસપાત્ર હતા. સાચી વાતની ફરીઆદ તેઓ ઠેઠ હજુર કાઉન્સિલના વરિષ્ઠ અધિકારીઓ સુધી પહોંચાડી શકતા; ને કેળવણીના ક્ષેત્રમાં રાજ્યની ખામીઓ પણ પ્રકાશમાં લાવતા. પ્રજાનું હિત સાધવામાં રાજ્યનાં શાસનોની આંટીઘૂંટીથી ન ડરતાં સરળ માર્ગે કામ કરતા, ને મહારાજા સાહેબનો સ્તુત્ય ઉદ્દેશ પાર પાડતા. ઉદાહરણથી આ વક્તવ્યને હું જરા સ્ફુટ કરી લઉં ?

એક ગામડાની એ. વી. સ્કુલમાં એપ્રીલના પૂર્વાર્ધ સુધી પણ વાર્ષિક પરીક્ષા થઈ ન હતી. પાસેના શહેરની હાઈસ્કુલમાં નવા વર્ગો શરૂ થઈ ગયા હતા. એ. વી. સ્કુલના વિદ્યાર્થીઓનું હિત આમ રાજ્યના કેળવણી ખાતાની મંદગતિને લીધે સરકારી પરીક્ષાના અભાવે જોખમાતું હતું. પુસ્તકાલયના નિરીક્ષણ માટે આવેલા અમીન સાહેબથી આ કેમ સાંખ્યું જાય ? તેઓ રીતસર જો લખાણ કરે તો ગમે તેટલી ઉતાવળ કરવા છતાં કેટલોયે વિલંબ થઈ જાય ! વેકેશન ખાતે વતનમાં આવેલા ગામના જ એક પદવીધારી યુવકને–આ લેખકને–તેમણે આ ઇંગ્રેજી શાળાની (એ. વી. સ્કુલની) વાર્ષિક પરીક્ષા લેવા જણાવ્યું, ને કહ્યું કે, ‘હું જાતે જ આ સંબંધી વિદ્યાધિકારી સાહેબ સાથે ગોઠવણ કરી લઈશ, ને તમારી લીધેલી પરીક્ષાને કેળવણી ખાતાની સંમતિ અપાવીશ.’ અને બધું થયું પણ તેમજ. સ્વાર્થ વિનાની સાચી વાત રજુ કરતાં શ્રી. અમીન મોટામાં મોટા અધિકારી આગળ પણ નીડર અને નિખાલસ બને છે.

આમ આખું જીવન શ્રી. મોતીભાઈએ રાજસેવામાં અને લોકસેવામાં વ્યતીત કર્યું છે. શ્રમભર્યું ને સમાધાનપ્રિય જીવન ગાળી તેઓ રાજા અને પ્રજા ઉભયના માનીતા અને માનનીય બન્યા છે. નોકરી અને કુટુંબજીવનની અનેક વિટંબણાઓ વચ્ચે પણ તેમણે સેવાવ્રત ચાલુ રાખ્યું છે, ને ઉત્તમ પુસ્તકોને સતત સાન્નિધ્ય સેવતા મિત્રોનું સ્થાન આપ્યું છે. અસહકારના પ્રસંગે આ ચરોતરી પાટીદાર પાસેથી પાઘડી છીનવી લેઈ હંમેશાં તેમને ટોપી પહેરતા કર્યા છે; ને આ નવો પોપાક તેમના જેવા કટિબદ્ધ કાર્યકર્તાને અને સદાસજ્જ સ્વયંસેવકને અધિક શોભા આપે છે. વૃદ્ધાવસ્થામાં તેથી તેમની કાર્યવેલી વધુ પાંગરી અને પ્રફુલ્લીને અધિક પરિમળ પ્રસરાવે છે.

નાનકડું ચરોતર, ને તેથી એ નાનું વસો ગામ તેમની માનીતી કર્મભૂમિ છે. કાર્યની મર્યાદા આંકીને તેઓ કેળવણી ને પુસ્તકાલયો ઉપરાંત ખેતીવાડી અને સહકારી મંડળીઓમાં પણ રસ લે છે. ગ્રામજીવનની વિવિધ જરૂરીઆતને પહોંચી વળવા તેઓ તનતોડ પ્રયત્ન કરે છે. ગામડાની સામાજિક બદીઓ દૂર કરવાનો તેઓ બોધ આપે છે, પ્રેતભોજન અને ખર્ચાળ લગ્નપ્રસંગોને નિશ્ચયપૂર્વક નિંદે છે, કેળવણીને ઉત્તેજે છે, ખેતીવાડીનાં મહામૂલ્ય આંકે છે, વેઠને વખોડે છે, ને અમલદારશાહીને ઉવેખે છે. ગ્રામજનોનાં તન મન અને ધન સંબંધી સર્વદેશીય અભ્યુદય વાંછતા આ મૂગા કાર્યકર્તા અનુક્રમે ગામડાંનાં વ્યાયામમંદિરો અને ઔષધાલયો, તેમની કેળવણીસંસ્થાઓ અને પુસ્તકાલયો, તથા તેમની ધર્માદા સંસ્થાઓ અને સહકારી મંડળીઓ માટે અહર્નિશ જાગૃત રહેતા, ઉત્સાહી યુવક સમા આજે પણ સારાયે ચરોતરમાં વિચરવાની હોંશ ધરાવે છે. ‘ગ્રામલક્ષ્મી’ના અશ્વિનની માફક તેમને હૈયે ગામડે ગામડે ગ્રામલક્ષ્મી પધરાવવાના કોડ છે. પ્રખર સેવાભાવના, ચોક્કસ વિચારસરણી ને અદમ્ય ઉત્સાહનો ત્રિવેણીસંગમ તેમને અગ્રગણ્ય લોકસેવકની લાયકાત આપે છે; અને ચરોતર તેથી ખરેખરૂં–ભાષાશાસ્ત્રના કોવિદો ગમે તે કહે–ચારુતર બને છે. મહી અને વાત્રક નદી વચ્ચેનો આ પ્રદેશ જેમ તેના સંતસાધુઓથી ઊજળો છે, અને તેના સંસ્કારવાંછુ સજ્જનથી સહામણો છે, તેમજ તેના પ્રગતિપ્રિય કાર્યકર્તાઓથી તે કીર્તિવંતો છે.

રાજસેવક અને લોકસેવક બનતા અમીન સાહેબના સ્વભાવનાં સંવાદી તત્ત્વોની વારંવાર તે શી સ્તુતિ કરવી ? રાષ્ટ્રીય જાગૃતિના આ જમાનામાં રાજસેવકો જોતજોતામાં લોકોમાં અપ્રિય થઈ પડે છે; ને પ્રજાના સેવકો ક્ષણવારમાં જ સરકારની આંખમાં કણાની માફક ખૂંચે છે. આવા વિસંવાદના યુગમાં શ્રી. મોતીભાઈ રાજમાન્ય ને લોકમાન્ય થયા; અને શ્રી. મહારાજા સાહેબના કૃપાપાત્ર થવા છતાં ચરોતરી પ્રજાના અગ્રગણ્ય સેવક બન્યા, એ કાંઈ ઓછું શોભાસ્પદ નથી. ત્યારે ‘नृपतिजनपदानां दुर्लभः कार्यकर्ता’ (રાજા અને પ્રજા ઉભયના હિતસાધક કાર્યકર્તાઓ તો બહુ વિરલ હોય છે) એ પંક્તિનું સહેજે આપણને સ્મરણ થાય છે.

છતાં અંતમાં, બે અરુચિકર બોલ પણ લખવા પડે છે. ગુજરાતમાં વ્યવસ્થિત રીતે લોકહિત સાધતી જે કઈ થોડી સંસ્થાઓ છે, તેમાંથી કોઈ પણ સંસ્થા શ્રી. મોતીભાઈ જેવા અનુભવી લોકસેવક ને કાબેલ કેળવણીકારને અપનાવી લેવા, ને તેમની શક્તિઓને લોકહિત માટે વધુ વ્યાપક બનાવવા શું તૈયાર નથી ? પુસ્તકાલયપ્રવૃત્તિ પાછળ આખું જીવન ન્યોછાવર કરનાર આ કાર્યકર્તાની શક્તિઓનો સમગ્ર ગુજરાતની પુસ્તકાલય પ્રવૃત્તિ માટે કેમ લાભ નથી લેવાતો ? કે ગુજરાત તેના સાચા સેવક તરફ નગુણાપણું દાખવે છે ? વિશેષમાં, કેળવણી, છાત્રાલય, ગ્રામોદ્ધાર વગેરે કેટલાંયે ક્ષેત્રોમાં અમીન સાહેબનો કીમતી ને અનુભવપૂર્ણ સાથ મેળવી શકાય. કે પછી અમુક પક્ષ, પંથ, કે સંપ્રદાયની મ્હોર ન મળવાના કારણે આ લોકસેવકની શક્તિઓનો ઉત્કૃષ્ટ ઉપયોગ નથી થવાનો ? ગુજરાત હજુયે જો ચેતે ને શ્રી. અમીનને કોઈ રુચિકર સાર્વજનિક સેવાકાર્ય સોંપે, તો તેનો ઘણો લાભ થાય તેમ છે. જીવનભર લોકમાનસને પરખનાર અને જનતાની જરૂરીઆતો પિછાણનાર આ કાર્યકર્તાની શક્તિઓ શું મર્યાદિત પ્રદેશમાં જ પૂરાઈ રહેશે ?

અને અમીન સાહેબને ય શું કહેવું ? નવોઢા જેટલી શરમ સેવતા તેઓ સાઠ સાઠ વર્ષે પણ–જીવનની સંધ્યાના સમયે પણ–સંકોચ અને શરમ તજતા નથી; અને પેટલાદના, ચરોતરના, કે વડોદરા રાજ્યના સીમાડા વટાવી સમગ્ર ગુજરાતની નજરે ચઢતા નથી. આટલી ઉંમરે હવે વતનવ્હાલની સાંકડી મર્યાદાઓને શિથિલ કરી સારા યે ગુજરાતને તેઓ તેમના અનુભવોનો અને જ્ઞાનનો લાભ શાને ન આપે ? કે પછી શ્રી. મોતીભાઈનું લાક્ષણિક માનસ જ આવી વિશાળ અને વ્યાપક સેવાઓને તથા જાહેર નેતાગીરીને અનુકૂળ નથી ? ગમે તેમ હોય, પણ આજ સુધી તેમણે જે કાંઈ સંગીનસેવા કરી છે, તેટલાથી યે તેઓ આપણું બહુમાનના અને પ્રશંસાના અધિકારી બને છે.

આ રીતે વિવિધ પ્રદેશમાં સેવાની જ્યોત જ્વલંત રાખવા છતાં શ્રી. મોતીભાઈ મુખ્યત્વે તો કેળવણીકાર જ છે, એમ આજે તેમના નિવૃત્તિકાળના જાહેર કાર્ય ઉપરથી જણાઈ આવે છે. 'શિક્ષણસંસ્થાઓ–ભાગ ૧લો.’ ની તેમણે લખેલી પ્રસ્તાવના પણ પુરવાર કરે છે કે કેળવણીનું કાર્ય તેમને અતિ પ્રિય છે. કેળવણ તે તેમનું હૃદય છે, પુસ્તકાલયપ્રવૃત્તિ તે તેમના સમગ્ર વ્યકિતત્વમાં વ્યાપી રહેલો પ્રાણ છે, અને ઈતર પ્રવૃત્તિઓ તે તેમની ત્વચા સમાન છે. આવા અનુભવી કેળવણીકાર અને સમર્થ ગ્રંથપાલ ‘સાહિત્યને ઓવારેથી’ નિરખનારની નજરમાં ન આવે તે બને જ કેમ ?

આ રીતે તેમણે દેવી માનસીની જ સેવા કરી છે. સરસ્વતી કાંઈ પ્રત્યક્ષ કે પ્રગટ આરાધનાથી જ પ્રસન્ન થાય છે તેમ નથી, પહેલાં કહ્યું છે તેમ શ્રી. મોતીભાઈ જેવા સરસ્વતીમંદિરનાં પગથીઆં ઉપર ઊભા રહેનાર મૂગા દ્વારરક્ષક પણ અન્ય કોઈ જેટલી જ ગુપ્ત રીતે કીમતી સેવા કરે છે. દ્વારપાળ તરીકે પણ તેમણે એકનિષ્ઠાથી જ પોતાનું કાર્ય બજાવ્યું છે. આંગ્લકવિ મિલ્ટન તો કહે છે કે, પોતાના કર્તવ્યની રાહ જોતા ઉભા રહેનાર નોકર પણ માલીકની જ સેવા બજાવે છે. (‘They also serve who only stand and wait’) તો પછી અમીન સાહેબ જેવા ચકોર ને કાર્યપરાયણ દ્વારપાળ શાને સરસ્વતીના સેવક ન ગણાય ? શિક્ષણના મધ્યબિંદુમાં તેમની પુસ્તકાલય સેવા પણ અંતર્ગત થઈ જાય છે, અને એ મધ્યબિંદુમાંથી જ ત્રિજ્યા સમી તેમની જાહેર પ્રવૃત્તિઓ ઉદ્ભવી છે. આમ ભાવનાએ અને કાર્યે, વિચારથી અને વાણીથી, શ્રી. મોતીભાઈ મુખ્યત્વે તો સરસ્વતીના જ સેવક છે, અને તેને જ આરાધવા મથે છે. તો પછી, સાહિત્યનાં ઊંડાં જળમાં ભલે તે વિહરતા ન હોય, પણ તેના સામા કિનારા ઉપર ઊભા રહીને સૌ સાહિત્યપ્રિય સજ્જનોનું અને સરસ્વતીભક્તોનું તેઓ બશક ધ્યાન ખેંચી રહ્યા છે.

અંતમાં, અમીન સાહેબની સેવાઓ સમગ્ર ગુજરાતમાં વિસ્તરે અને પ્રજાનો સર્વદેશીય અભ્યુદય સાધવામાં કીમતી ફાળો આપે એમ આપણે ઈચ્છીએ. શ્રતિએ પાઠવેલા ‘શરદઃ શતં’ આયુષ્યના આશીર્વાદ ભોગવતા અને સુંદર સ્વાસ્ત્થ્ય માણતા તેઓ આપણી વચ્ચે દીર્ઘકાળ સેવાપરાયણ અને કર્તવ્યપ્રવૃત્ત રહે, તે જ તેમના અપરાધી બનેલા આ લેખકની નમ્ર વિભુવિનંતિ છે. ચિરાયુ રહો ચરોતરના આ માનનીય મોતીભાઈ સાહેબ, ને અમર રહો તેમની જ્વલંત સેવાભાવનાઓ. પુનઃ ઉચ્ચારીએ કે સમગ્ર ગુજરાત તેમનો લાભ લે, અને તેમની સેવાથી એક પગથીઉં ઊંચે ચઢે !*[૧]

  1. મોતીભાઈ અમીનના દુઃખદ અવસાનની અત્ર સખેદ નોંધ લેવામાં આવે છે. –કર્તા (બીજી આવૃત્તિ)