સાહિત્યને ઓવારેથી/સાહિત્ય પરિષદ
← ” ચંદ્રશંકર ન. પંડ્યા | સાહિત્યને ઓવારેથી સાહિત્ય પરિષદ શંકરલાલ શાસ્ત્રી |
શ્રી. મોતીભાઈ ન. અમીન → |
સાહિત્ય પરિષદ:
તેની સિદ્ધિઓ ને શક્યતાઓ
સાહિત્યને ઓવારેથી જોનારને સાહિત્યજળમાં સ્નાન કરનારાઓ જ દેખાય છે તેમ નથી; એ ઓવારેથી તો જડ અને ચેતન, સર્વ મૂર્ત પદાર્થો પણ દૃશ્યમાન થાય જ. ઓવારેથી ઊભા રહી દ્રષ્ટિ નાખનારને તો પોતાના ઓવારા ઉપરથી સામી પારના ઓવારા ઉપર આવેલાં અનેક દહેરાં ને દહેરીઓ પણ નજરે પડે છે. આમ પોતાને ઓવારેથી નિરખનાર આ લેખકને સામી પાર આવેલું એક વિશાળ અને મનોહર મંદિર વર્ષોથી દેખાયા જ કરે છે, અને વર્ષો સુધી તેને તેણે બહાર અને અંદરથી નિહાળ્યા કર્યું છે. સાહિત્યપરિષદના એ શાંત અને સુશોભિત મંદિરને સૂક્ષ્મ રીતે અવલોકીને, તે પોતાના સંસ્કાર અને સંસ્મરણોને તાજાં કરે છે, અને અવલોકન તથા મનોરથ સ્પષ્ટ કરે છે. ટૂંકમાં, એ મંદિરનો મહિમા વ્યક્ત કરવાને તથા તેનાં યથાયોગ્ય મૂલ્ય આંકવાને આજે તે શબ્દોનું શરણ શોધે છે.
સાહિત્યપરિષદના આ ભવ્ય મંદિરની સ્થાપના થયે પા સદી તો ક્યારની યે વહી ગઈ છે. મંદિરની અંદર મનશ્ચક્ષુને જ મૂર્ત થતી પરિષદની એક પ્રતિમા ત્યાં પધરાવવામાં આવી છે. સાહિત્યજળમાં સ્નાન કરીને શુદ્ધ થયેલાઓને જ ત્યાં પ્રવેશવાનો અધિકાર છે. ‘સ્વર્ગકામ પુરુષે યજ્ઞ કરવો’ એવું મીમાંસાશાસ્ત્રનું વિધિવાક્ય છે; તેમ સાહિત્યના સ્વર્ગવાંછુઓ સાહિત્યપરિષદની દેવીને ભક્તિયજ્ઞથી પ્રસન્ન કરવી જોઈએ, એ પણ આજનું ન ઉલ્લંઘી શકાય તેવું શાસન મનાય છે.
આ દેવીમંદિરનો યશ સમગ્ર ગુજરાતમાં વ્યાપી રહ્યો છે. કચ્છકાઠિયાવાડમાં પણ તેની કીર્તિ ફેલાઈ છે; બૃહદ્ ગુજરાતમાં યે તેની પ્રતિષ્ઠા પહોંચી ગઈ છે. ઠામઠામથી સાહિત્યજળના સ્પર્શથી શુદ્ધ થયેલા અનેક માનવીઓ ત્યાં ઊભરાયા છે. સાહિત્યના પ્રદેશમાં આ દેવીની પ્રચંડ હાક દૂર… સુદૂર પણ સંભળાય છે. ક્વચિત્ પ્રણત મુખે હાથ જોડતા યાત્રાળુઓ તેના મંદિરની મુલાકાતે આવે છે, તો ક્વચિત્ અનેક ભક્ત હૃદયો ત્યાં ઊભરાય છે. કેટલાક તો ત્યાં વર્ષો સુધી અગ્રગણ્ય પૂજારીનો અધિકાર પચાવી પડે છે, અને અન્યજનોને અવગણે છે. પ્રથમ હક્કના આ પૂજારીએ દેવીના ગર્ભદ્વારમાં તેનું સાન્નિધ્ય માણતા, ને પવિત્રતા દાખવતા નજરે ચઢે છે. અને પછી દેખાય છે કોઈમોટો માનવસમુદાય. શિર ઢાળતા, હાથ જોડતા કેટલાયે ત્યાં આંખો મીંચી ધ્યાનમાં લીન થાય છે; કોઈ ત્યાં ચપટી ચોખા મૂકે છે, કોઈ સ્તુતિ લલકારે છે, તો કોઈ વળી મૂક પ્રાર્થના કરે છે. અને આ ભવ્ય આડંબરમાં અમુક અમુક વર્ગ તરી આવી સૌનું ધ્યાન ખેંચે છે. સાહિત્યજળમાં સ્નાન કર્યા વિના, કેવળ તેનાં બે બિંદુઓથી શુદ્ધિનો આગ્રહ ધરાવનાર પણ આ મંદિરમાં દ્રષ્ટિએ પડે છે; તો અન્ય કોઈ વળી આવી શુદ્ધિ માત્રનેજ અવગણતા ને સુવર્ણસ્પર્શથી જ શુદ્ધિ સાધતા એક ખૂણામાં અગ્રિમ સ્થાન ભોગવી રહ્યા છે. ક્યાં મંદિરનું પાવન ને પ્રેરક આદર્શ વાતાવરણ ને ક્યાં આ પૂજારીઓ ને ભક્તજનોની અસ્મિતા !
અને આ મંદિર કેટકેટલાં વિશિષ્ટ લક્ષણો ધરાવે છે ! તેની કલ્પના સુંદર, તેના આદર્શો ઉચ્ચ, તેની ભાવના ભવ્ય, ને તેનાં સ્વપ્ન અસામાન્ય છે. મોટી પાઘડીઓ ને ફેંટાઓ, ટોપીઓ ને ટોપાઓ સૌ અહીં સાહિત્યપરિષદના નામે–તેનાથી અનેકગણી સત્તા ધરાવતી સામ્રાજ્ઞી સરસ્વતીને નામે–ટોળે મળે છે, તેઓ અહીં પૂજાના પ્રકારની અને અર્ધ્યનાં લક્ષણોની ચર્ચા કરે છે. પરિષદની ઉપાસનાના ઓઠા હેઠળ કોઈ અહંભાવ દાખવે છે, તો કોઈ આત્મગૌરવને ભજે છે, અને અન્યને અવગણે છે, પાડે છે, પછાડે છે. પૂજાની ચર્ચા કરતાં કરતાં વાદવિવાદ થાય છે, ને તે સાઠમારીનું સ્વરૂપ લે છે. પણ તેના ભક્તો અહિંસાવાદી ગુજરાતના કીર્તિસ્તંભો હોવાથી પાઘડીઓ ને ફેંટાઓ ઉછળતા થોભી જાય છે; ટોપીઓ ને ટોપાઓ અન્યોન્ય અથડાતાં અટકી જાય છે; અને લાકડીઓ ને ઉપાનો પણ અહિંસક રહે છે. આશાભર્યા અનેક તરુણો આ તીર્થધામમાં શ્રદ્ધાભર હૃદયે ઊમટે છે, અને આવાં સંકુચિત દૃશ્યો ને કલહો જોઈ કંપી ઊઠે છે. લઢનારા લઢે છે, ને શોક આ તરુણોને થાય છે; લાજ પરિપદની ઘટે છે, ને લોક તેને નિદે છે. કોનો વાંક ? ઊગતી જુવાનીનો ? કે અન્ય કોઈનો ?
આ દેવીની પ્રત્યે ભક્તિની ભરતી માત્ર બે ચાર વર્ષે જ આવે છે. ચાર દિવસ તે ચૈતન્ય દાખવતી, શાસન કરતી, પ્રેરણા અર્પતી જનસમુદાય ઉપર સત્તા ચલાવે છે. વર્ષના બાકીના દિવસોમાં તે અનહદ આરામ માણે છે; ને ચાર દિવસના કાર્યથી ચઢેલો થાક જાણે ઉતારે છે ! સાહિત્યપરિષદનું આ મંદિર જ એવા ગ્રહયોગમાં બંધાયું છે કે આજે ૨૫–૩૦ વર્ષ થયાં, ત્હોયે તેને નિત્ય નિત્ય તેના મંદિરે જનારા ઉપાસકો નથી મળતા, અને ભક્તજનો પ્રતિદિન તેનાં દર્શન માટે ટોળે નથી મળતા. તેના ૩–૪ તહેવારો બે ચાર વર્ષે આવે છે, અને ત્યારે તે મહિમાવંતી બને છે. વર્ષનો સરેરાસ લગભગ એક દિવસ ! આજે આ મંદિર નિસ્તેજ ને નિર્માલ્ય થતું જાય છે. તેની દેવીની કીર્તિ ઓસરતી જાય છે, ને તેની ભક્તમંડળી કમી થાય છે. દેવીના પ્રતાપ અને પરચા આજે મંદ થાય છે, અને સત્તાથી વંચિત થતી તે દીન હીન બને છે. કોઈ તેને નિપ્રાણ ધારે છે, કોઈ તેને મરણોન્મુખ કલ્પે છે, તો કોઈ તેને નિવાર્ય માને છે. નિષ્ક્રિયતા ને શૂન્યતા એ મંદિરના વાતાવરણમાં સભર ભરાતાં લાગે છે.
પરિષદને કોઈ ભેખધારી સામર્થ્યવાન પૂજારી નથી મળતો, તો પછી તેનો પ્રતાપ ક્યાંથી વિસ્તરે ? તેને કોઈ સાચા દીલના ભક્તજનો નથી જડતા, તો પછી તેની ખ્યાતિ શી રીતે ટકે ? દુર્ભાગી ને દયાપાત્ર દીસતી આ પરિષદ આજે સૌનું ધ્યાન ખેંચે છે, નહિ કે તેના યશ ઉચ્ચારવા માટે–પણ ટીકાના વજ્રપ્રહારો માટે, મર્મવેધી શબ્દબાણો માટે.
પણ આ સાહિત્યપરિષદને આમ અલંકારથી જ નવાજ્યા કરીએ, તો તેમાં તેને તથા આપણને અન્યાય થાય છે. તે મિત્રોની ને અમિત્રોની સંગમભૂમિ છે, વ્હાલેરાં ને વિરોધીઓનું મિલનસ્થાન છે. તેની જમા બાજુએ છે અમૂર્ત રહેલી ભાવનાઓ, કેટલાક પ્રતાપી પ્રમુખોનાં વિદ્વતાભર્યા ભાષણો, અસંખ્ય નિબંધો, થોડાંક પ્રકાશનો, સ્વલ્પ માર્ગદર્શન અને નર્મદની નોંધપાત્ર શતાબ્દી જયંતી. વિશેષમાં દેખાય છે તેના અધુરા કે અફળ રહેલા, શબ્દસુંદર ને સિદ્ધિવિહોણા અગણિત ઠરાવો, લોક–સાહિત્યના જલસાઓ અને કલાપીમંદિર જેવાં નિષ્પ્રાણ અને નિર્માલ્ય તત્ત્વોનો ઠઠારો. તેની ઉધાર બાજુ આજે અનેકને અનંત લાગે છે, તેની વિપુલ પ્રશંસા આજે અસહ્ય બને છે, ને તેની હયાતી માત્ર જ કેટલાકને અક્ષમ્ય લાગે છે. વર્ષોજૂની અને વરેણ્ય વર્ચસનો દાવો દાખવતી એ પરિષદ આજે આપણે કેટલાં માનની ને પ્રશંસાની અધિકારિણી છે ? દ્વિજની જેમ તે બબ્બે જન્મો ધરાવતી થઈ: સાહિત્યપરિષદ, અને સાહિત્યપરિષદ સંમેલન રૂપે. ત્હોયે તેનામાં ન આવ્યું દ્વિજત્વ; ન લાધ્યા તેને દ્વિજના સંસ્કાર કે ન મળી દ્વિજની પ્રેરક પાંખો. કેટલાકને મન તો તે હાડપિંજર સમી, વર્ષોથી હડધૂત થતી જ હસ્તી ધરાવે છે. ગરીબ બિચારી એ સાહિત્યપરિષદ !
પરિષદના સૂત્રધારો, સલાહકારો ને સહાયકો સ્વભાવિક જ સવાલ પૂછે છે કે પરિષદે શું કર્યું નથી, ને શું કરવું જોઈએ ? હવામાં સૂર સંભળાય છે કે પરિષદે કરવા જેવું કાંઇ જ કર્યું નથી, ને જે કર્યું છે તે મહામૂલ્યવંતું નથી. સૂક્ષ્મ ને સર્વગ્રાહી વિચાર કરતાં તેની ઘોર કર્તવ્યક્ષતિ કેટલાયને આજે દીવા જેવી સ્પષ્ટ જણાય છે.
૧ ત્યારે શું પરિષદની આ કર્તવ્યક્ષતિની ફરિયાદો રજૂ કરવી ? ત્રીસ ત્રીસ વર્ષો સુધી તેણે પોતાની યશોગાથાઓ ગાયા કરી, છતાં તેનાથી ન અપાયો એક શબ્દકોષ કે જ્ઞાનકોષ, કે ન થઈ શક્યો જોડણીનો આખરી ઉકેલ. એકલે હાથે વીર નર્મદે કોષ રચ્યો, ને ‘ગરવી ગુજરાત’ ને અર્પણ કર્યો. કેવી નિઃસ્વાર્થ ને મૂલ્યવાન સેવા ! વર્ષો વિત્યાં; વ્યક્તિઓ, પ્રકાશકો, વર્નાક્યુલર સોસાયટી ને ગુજરાત વિદ્યાપીઠ સમી સંસ્થાઓ યથાશક્તિ નવા કોષ તૈયાર કરે છે, ને જોડાણની એકતા સાધવા મથે છે, ત્યારે સાહિત્યપરિષદની અસ્મિતા શું આમ વંધ્યા જ રહી ? પૂનાના વિદ્વાન કેતકરે ગુજરાતી જ્ઞાનકોષ આપવાના અભિલાષ દાખવ્યા, ને તે માટે આ મહારાષ્ટ્રીય કોષકારે ગુજરાતના સાક્ષરો ને સાહિત્યકારોનો સહકાર મેળવ્યો; ભાસિક પત્રિકા આરંભી, ને કાર્યનું મંગળાચરણ કર્યું. છતાં યે પરિષદે આ દિશામાં ન કરી કોઈ સંગીન પ્રવૃત્તિ, કે ન ધરી કોઈ વ્યવસ્થિત યોજના. નિરાળી ને નિદ્રાશીલ પરિષદ આમ પરપ્રાંતીય વિદ્વાનની, પ્રેરણાથી યે ન હાલી કે ન જાગી ! તો પછી એક પ્રમાણભૂત વ્યાકરણગ્રંથના કે અભ્યાસીઓનો માર્ગ સરળ કરે તેવા અધ્યયનગ્રંથોના (Reference Books) પ્રકાશનની તો વાત જ શી કરવી !
૨ અને પરિષદ્, તારા ગુજરાતનો કવિતાપ્રદેશ તો જો. નાનાં કાવ્યો ને નાનકડા કવિઓ ! એક દાયકાથી આ પ્રદેશ વધુ ફળદ્રુપ બની રહ્યો છે. કોયલડીનાં ગીત કે વસંતને વધામણાં વિસારે પડે છે, અને પ્રજાજીવનની વાસ્તવિકતાઓ ને પીડિતોની હાયવરાળ આગળ આવે છે. આ સત્ય હકીકત સંતોષજનક છે, તો યે કાળને કાંઠે તો આજના તરુણ કવિઓ વામનો ને વેંતિયાઓ દીસે છે. જાગૃતિયુગનો સર્જનાર, નવઉત્થાનની પ્રેરણા પાનાર, લોકજીવનને ઉજાળનાર, ગાઢ તિમિરમાંથી જ્યોતિના પંથે દોરનાર, એક જ ચિનગારીથી સમગ્ર ગુજરાતને પ્રકાશમય કરનાર ‘મહાનલ’ સરખો મહાકવિ આજે ગુજરાતમાં ક્યાં છે ? નાના કવિઓમાં આજે કવિ ન્હાનાલાલ ‘નાના’ છતાં મોટા બની ગુજરાતનું પાણી સાચવે છે, ને મહાકાવ્યો સમાં નાટકોથી ને અદ્ભુતસુંદર કવનોથી કાવ્યપ્રદેશની સરસતા ટકાવે છે. મહાભારત અને રામાયણ સમાં વિપુલ વીરકાવ્યો બાજુએ રાખીએ, તો યે રઘુવંશ ને કુમારસંભવ જેવાં ય મહાકાવ્યો ગુજરાતમાં ક્યાં છે ને કેટલાં છે ? કિસાનો ને કારીગરોનું ડિંડિમ પીટાવતાં, ગુજરાત, તને ભાવિના સંદેશવાહક સમા પ્રેરક અને સર્વજિત્ મહાકવિનાં દર્શન ક્યારે થશે ? આવો કવિ તો ઈશ્વરની કૃપા વિના ન મળે; પરિષદ તેમાં શું કરે ? આવા મહાકવિને જન્માવવવાને અનુકૂળ સંયોગો ને અનુરૂપ ભૂમિકા તૈયાર કરવામાં પરિષદ ઘણો ઘણો ફાળો આપી શકે. અને આજે તો વર્તમાન નાના કવિઓને યે આ વિત્તવિહેણી પરિષદ ઉત્તેજન આપે છે કે અપાવે છે ? એકલે હાથે ઓગણીસમી સદીના નર્મદે જે કર્યું ને વીસમી સદીના ન્હાનાલાલ જે કરે છે, તેને વેગ આપવા જેટલું યે જેજો સામર્થ્ય ન હોય, તો પરિષદ પછી કઈ પ્રગતિ કરવાની છે ?
૩ આજે નવલકથાઓ, નવલિકાઓ ને નાટકો યંત્રવેગે વધતાં જ જાય છે. તેમને દિશાસૂચન કે માર્ગદર્શન–કેવળ શબ્દોથી નહિ, પણ સર્વ શક્ય પ્રકારે–પરિષદ ન કરાવી શકે ? અને નિબંધ, જીવનચરિત્ર, પત્રલેખન, વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન: સાહિત્યપરિષદના પોષણની રાહ જુએ છે. આ શાખાઓને પુષ્ટ ને પ્રફુલ્લ કરવાનો તથા તેમને વિકસાવવાનો પરિષદે કદી વિચાર પણ કર્યો છે ? ‘ગુજરાતી ભાષાની અને સાહિત્યની સર્વ શાખાઓ સંરક્ષવી, વિકસાવવી, વિસ્તારવી ને ફેલાવવી,’ એ અગ્રભાવના પરિપદ ક્યારે મૂર્ત કરશે ?
૪ ‘ઇતિહાસની અભિવૃદ્ધિ’ માટે તથા તેના પ્રચાર માટે જે કોઈ વિશેષ કાર્યો કરવાની જરૂર માલૂમ પડે તે કરવાં, એમ તેના બંધારણના કલમ કહે છે. ગુજરાતનો પ્રાચીન ઈતિહાસ ઊજળો ને ગૌરવવંતો છે. તેમાં યે તેના સોલંકીવંશના સમયમાં (ઇ. સ. ૯૬૧–૧૨૦૦ ) તો ‘ગુર્જરી’ સત્તાનો સૂર્ય મધ્યાહ્ને હતો; અને ‘કુકકુટધ્વજધારી’ ને ‘બર્બરકજિસુષ્ણુ’ સિદ્ધરાજનો શાસનસમય (ઇ. સ. ૧૦૯૪–૧૧૪૩) તો ગુજરાતનો સુવર્ણયુગ કહી શકાય. ગુજરાત ત્યારે સ્વતંત્ર ને સત્તાશીલ હતું, સમૃદ્ધ અને સરસ્વતીભક્ત હતું. ત્યારની તેની જાહોજલાલી ને તેની વિદ્વત્તા કોઈ પ્રતિભાશાળી કવિને કલ્પનાની પાંખે ઊડતો કરી દે, કોઈ સમભાવશીલ ઇતિહાસકારને ગૌવરભીનો બનાવે, ને કોઈ સમર્થ પુરાવિદને હર્ષપ્રફુલ્લ કરે. ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં કોઈ પણ રાજવંશ માટે જો સૌથી વધુ વિપુલ ને વિશ્વાસપાત્ર સાધનો આજે મળતાં હોય તો તે સેલંકીવંશ માટે જ છે એમ ડો. બ્યુહ્લરે પણ કહ્યું છે. મુનિશ્રી જિનવિજયજીએ જાતઅનુભવથી જણાવ્યું છે કે “ગુજરાતની અમૂલ્ય ગ્રંથસંપત્તિ મહારાષ્ટ્રના પાટનગર પૂનામાં ‘ભંડારકર ઓરિએન્ટલ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ’ની ભીંતોથી ઘેરાયેલી કેદ પડી છે. પચીસેક હજાર જેટલી સંખ્યાવાળા એ મહાન ગ્રંથરાશિમાં લગભગ વીસહજાર ગ્રંથો ગુજરાતમાંથી ગયેલા છે ! ” આ હકીકત કેટલી શરમ ને ખિન્નતા ઉપજાવે છે ? ગુજરાત તેના ઇતિહાસ ને પુરાતત્ત્વ તરફ જે ઘોર ઉદાસીનતા દાખવે છે તેનો આ પુરાવો છે. ગુજરાતના ઇતિહાસના કણો એકઠા કરવાના પ્રયાસો પ્રેરણાબળે ગતિમાન થાય તે હેતુથી મુનિશ્રીએ ઐતિહાસિક પ્રકાશ ફેંકતા અનેક આધારગ્રંથોનું ભાષણ દ્વારા દિગ્દર્શન પણ કરાવ્યું છે. વીસમી સદીના ગુજરાતમાં જ્યાં થોડીશી વિદ્વત્તાથી વધુ વિખ્યાત થવાતું હોય, ત્યાં સ્વલ્પ સર્જન–પ્રકાશનથી સાહિત્યકાર બનાતું હોય, ત્યાં કઈ વ્યક્તિ કે કઈ સાહિત્યસંસ્થા આ દિશામાં શ્રમ લે ? આપણી સાહિત્યપરિષદનું પણ તેમ જ.
અને હજુયે એક વિશેષ વિગત જણાવી લઉં ? જરા સૌરાષ્ટ્ર તરફ નજર તો કરો; ને તેની પ્રાચીનતા, ભવ્યતા ને ભયાનકતા નિહાળો ! તેને ડુંગરે ડુંગરે રસકથાઓ છે, ને તેના સીમાડાઓ શૌર્યસોહામણા છે. તેનું પ્રત્યેક ગામડું કોઈ સંયુક્તાની પ્રેમકથાથી, કોઈ સાધુભક્તનાં સંસ્મરણોથી, કે કોઈ રુધિર ટપકતા વીરત્વથી ઉજ્જવલ બનેલું છે. કોઈ વીરની વાર્તા, કોઈ ‘સતીની શીલગાથા,’ કોઈ બહારવટિયાની પડકારકથા, કે કોઈ પાળિયા રૂપે અમરતાને વરેલા પાકૃત જનની પ્રશંસાથી આ કૃષ્ણની નિવાસભૂમિ અદ્ભુત લાગે છે. અર્વાચીન દયાનંદો ને ગાંધીઓ તથા મહામાત્યો ને મુત્સદ્દાઓ માટે આ મુલક આજે પણ મશહૂર છે. તેનાં જૂનાગઢ, સોમનાથપાટણ કે પોરબંદર જેવાં પ્રાચીન ને ઐતિહાસિક સ્થળો આજે સમગ્ર જગતમાં પણ અતિ વિરલ છે. સૌરાષ્ટ્રનો એ પ્રદેશ કેટકેટલા રાજવિપર્યયોનો, કેટકેટલી ધર્મક્રાંતિઓનો, ને કેટકેટલા ઐતિહાસિક ને અદ્ભુત પ્રસંગોનો સાક્ષી છે ? આજે પણ સંભવ છે કે તેમાંથી પ્રાચીનતાના મૂલ્યવાન કણ મળે, ને અવનવા પ્રકાશપરમાણુઓ લાધે. પણ કોને જોવું છે ને કોને જાણવું છે ? મહાન પૂર્વજોને ઉવેખીને, જાહોજલાલીભર્યો ભૂતકાળ ભૂલીને, અને પ્રાચ્યવિદ્યાનો પ્રેમ મિટાવીને, ગુજરાત તેનો વર્તમાનકાળ વિચારી શકશે નહિ, તેનું ઉજ્જવળ ભાવી ઘડી શકશે નહિ, ને સાંસ્કૃતિક એકતા સાચવી શકશે નહિ. આજના નવજુવાનો ક્રાન્તિના હિમાયતીઓ બની પુકારે છે કે પરિષદે હવે પ્રાચીનતા તરફ, તેના પ્રાચીન ઇતિહાસ ને સાહિત્ય તરફ નજર ન નાખવી, પણ પ્રશ્ન તો એ ઊઠે છે કે પરિષદે પહેલાં ય કદી આ પ્રદેશમાં નજર નાખી કોઈ સિદ્ધિ મેળવી છે ખરી ?
૫ વિત્ત પાછળ વલખાં મારતા, ને લક્ષ્મીની જ ઉપાસના કરતા ગુજરાતને કે તેની સાહિત્યપરિષદને વિશેષ વિચાર કરવાની યે ક્યાં કુરસદ છે ? તેના ભૂતપૂર્વ કવિઓ ને ગ્રંથકારોને છૂટક છૂટક કૃતિઓ સસ્તા મૂલ્ય મળે, તો અગણિત વિદ્યાર્થીઓને રાહત મળે, ને અસંખ્ય વાચકોને ઉત્તેજન મળે. આજે જો કોઈ કૃતિ જોઈતી હોય તો તે છૂટક મળવાનાં વલખાં છે; ને નિરુપાયે વિદ્યાર્થીગણને અને વાચક વર્ગને સમગ્ર સંગ્રહ ખરીદવો પડે છે, ‘Men of Letters Series’જેવી, તે તે કવિઓ ને લેખકોનાં પ્રસ્તાવના રૂપે જીવનચરિત્ર તથા દુર્બોધ શબ્દોની ટીપ્પણી આપતી સસ્તી ગ્રંથમાળા છપાય તો ગુજરાતના અક્ષરજ્ઞાનને અને સાહિત્યના વાતાવરણને કેટલો વેગ મળે ?
૬ વિશેષમાં, સ્વતંત્ર વિવેચનાના–યુગેયુગની, સદીએ સદીની, શાખાએ શાખાની, ને મહાકવિએ મહાકવિની સ્વતંત્ર સમાલોચના કરતા વિવેચનગ્રંથો ય ક્યાં છે ? પરિષદને પૂછીએ કે આજસુધીમાં તેં આ દિશામાં શું કર્યું છે ? આજનું આપણું વિવેચન કેટલું ગોળગોળ, અચોક્કસ ને અપૂર્ણ છે ? પ્રાચીન અલંકારશાસ્ત્રોના ગ્રંથોનો અને પશ્ચિમની પ્રમાણભૂત વિવેચનશાસ્ત્રની કૃતિઓનો સમન્વય કરી નવા વિવેચનશાસ્ત્રના ગ્રંથો રચાવા જોઈએ. વળી, સંસ્કૃત, ફારસી જેવી પ્રાચીન ભાષાઓની, અને જીવંત દેશી ભાષાઓની સુંદર કૃતિઓનાં ભાષાંતરો ને અનુવાદો પણ નિરર્થક કે નિષ્ફળ નથી હોતાં; અમુક પ્રમાણમાં તો તેઓ આવશ્યક ને આવકારપાત્ર છે.
૭ અને કેવળ કવિતા કે પ્રાચીનતા માટે જ નહિ, પણ સંસ્કૃતિની રક્ષા કાજે ય કદી સાહિત્યપરિષદે આપણાં અમર વિરકાવ્યો તરફ દૃષ્ટિપાત કર્યો છે ? રામાયણ ને મહાભારતના એ વિપુલ ગ્રંથોએ ભારતવર્ષ ઉપર જે અસર દાખવી છે ને જે ઉપકાર કર્યો છે, તે આજે પણ વિસરાય તેમ નથી. તેના વામીકિ ને વ્યાસ જેવા કવિઓએ કાલના કરાલ પંજામાંથી બચી જઈને, યુગેયુગે પ્રાતેપ્રાંતની જનતાને પ્રેરણા પાઈ છે, ને આર્યસંસ્કૃતિને સાચવી રાખી છે. મુનિશ્રી જિનવિજયજી સાચું જ કહે છે કે ‘એના જ આધારે પ્રજાજીવનનું નાવ વિકરાળ કાળસમુદ્રમાં અથડાતું પછડાતું પણ પોતાનું દિશાભાન ટકાવી શકે છે. આર્યપ્રજાની સંસ્કૃતિના સાચા રક્ષકો રામ કે યુધિષ્ઠિર નથી, પણ વાલ્મીકિ ને વેદવ્યાસ છે.’ આ વીરકાવ્યોમાંથી આજે પણ ભારતવર્ષના પ્રજાજીવનને પોષણ મળે છે. આજનાં સાહિત્ય, રંગભૂમિ, સમાજ, ધર્મ, સંસ્કૃતિ ને તત્ત્વજ્ઞાન : સૌમાં તેમના જ પડછંદા સંભળાય છે. કોઈ પણ સાહિત્યસંસ્થા આવી મોંઘી મૂડીને કેમ ઉવેખી શકે ? વેદ, ઉપનિષદ જેવા ઉચ્ચતમ ગ્રંથો કરતાં આ વીરકાવ્યોએ વધુ વ્યાપક અસર કરી છે. વેદ, ઉપનિષદોની અગત્ય ભલે હમણાં ધ્યાનમાં ન લેવાય; પણ પ્રેરણા, સંસ્કૃતિ ને જ્ઞાનના સંગમસ્થાન સરિખા રામાયણ મહાભારતનો અનાદર ભારતીય પ્રજાને અને ભારતીય સાહિત્યને અવશ્ય હાનિકર્તા જ થઈ પડશે.
૮ અમદાવાદની સાહિત્યપરિષદ વખતે કવિશ્રી નરસિંહરાવને ગાંધીજીએ જે ટકોર કરી હતી તે આજે પણ આવશ્યક લાગે છે. કોશિયાને ઉપયોગી થાય તેવું સાહિત્ય આજે ક્યાં છે ? કોસ ફેરવતો ખેડૂત લલકારી શકે, ટોપલા ઉપાડતી ને ઊચકતી મજૂરણ ગાઈ શકે, ઘંટી ફેરવતી ઘરરખુ ડોશીમા યે રેલાવી, શકે, ને સંચા સાથે જીવન જડી દેતો કારીગર પણ બુલંદ અવાજે બોલી શકે, તેવાં કાવ્યો આજે ગુજરાતી સાહિત્યમાં ક્યાં છે ? ને હોય તો યે કેટલાં વિરલ છે ? ‘લોકજીવનને સ્પર્શે ને પલટે તે જ ખરી ભાષા, ને ખરૂં સાહિત્ય,’ એમ પરિષદના એક પ્રમુખ ભાખી ગયા છે. કવિતા કેવળ ગગનગામી કલ્પના નથી, કે શિક્ષિતોને જ ઇજારે અપાયેલી વસ્તુ નથી. સાહિત્યપરિષદે આ નવા વાતાવરણને વેગ આપવા ને જાગૃતિનાં આદોલનોને વિસ્તારવા આજ સુધીમાં કશુંય કર્યું છે ખરૂં ? પણ આ સિદ્ધાંતનો અતિરેક હાનિકારક ન થાય તે માટે સાવચેતીના બે બોલની અત્રે જરૂર છે. આમવર્ગમાં વ્યાપક થાય ને પીડિતાને પ્રેરક બને તે જ સાચું સાહિત્ય; ને ઇતર બધું અનાવશ્યક ને અવગણનાપાત્ર છે: એવી માન્યતા જો ઊભી થાય તો તેને દાબી દેવા જેવી છે. સાહિત્ય ને જનરુચિના પ્રદેશ સંપૂર્ણતઃ સમાન કે એકરૂપ નથી. શુદ્ધ સાહિત્ય જનતાને પ્રેરે છે, પોષે છે ને પ્રફુલ્લ કરે છે. પણ જનરુચિ જો મલિન કે વિકૃત હોય તો સાહિત્ય કાંઈ તેની ખુશામત ન કરે અને પોતાનો આદર્શ ન તજે. લોકપ્રિયતાના ભોગે પણ સાહિત્યે સાચુંજ માર્ગદર્શન કરાવવું જોઈએ; કારણ કે સાહિત્યનું કામ કેવળ જનમનરંજન કરવાનું નથી, પણ લોકહૃદયને ઉજાળવાનું ને પ્રકાશને પંથે પાડવાનું છે. વિશેષમાં, મર્યાદિત વાચકોને જ ઉપયોગી થતું ને વિદ્વદ્ભોગ્ય તરીકે ઓળખાતું ઉચ્ચ સાહિત્ય તેની સંકુચિત સીમાઓને લીધે જ કાંઈ ઉપેક્ષાપાત્ર નથી. આવા સાહિત્ય વિષે કવિવર ટાગોર તેને વરાળનું રૂપક આપતાં કહે છે કે:
‘આપણા વિદ્વાનો જનસમાજનો અનુભવ મેળવી, નિરીક્ષણ અને ચિંતન દ્વારા, અભ્યાસ અને અધ્યયન કરીને જે કાંઈ સત્ત્વ ખેંચે છે, તે વરાળ જેવું સૂક્ષ્મ તત્ત્વ હોય છે. અને તે વરાળમાંથી પછી વાદળાં બંધાઈ તે પૃથ્વી પર પાછળથી વરસાદ રૂપે વરસે છે.’ આશા છે કે સાહિત્ય પરિષદના આગામી સંમેલનમાં આ દૃષ્ટિબિંદુ ધ્યાનમાં લેવાશે.
૯ ગુજરાતનું વ્યક્તિત્વ જેવું નિરાળું છે તેવું જ સાપેક્ષ છે. ગુજરાત કોઈ પ્રગતિ કરે તે ભારતવર્ષની સાંસ્કૃતિક એકતામાં પોતાનો ફાળો આપવા, ને સમગ્ર ભારતદેશને મહિમાવંતો કરવા. ઇતર પ્રાંતની સાહિત્યસંસ્થાઓ સાથે સહકાર સાધી તે તે પ્રાંતની વિશિષ્ટતાઓ જાણી, તેમાંથી શક્ય હોય તેટલી તેણે અપનાવવી જોઈએ. પરપ્રાંતો સાથે સમાનભૂમિનો સહકાર સાહિત્યની સર્વદેશીય પ્રગતિ સાધવા આજે ખૂબ આવશ્યક છે. બંગાળ, ઉત્તરહિંદુસ્તાન ને મહારાષ્ટ્ર ઇત્યાદિ પ્રાંતોનો સંસર્ગ ને સહકાર ઉવેખવાથી ગુજરાતી સાહિત્યનું નવસર્જન અધુરૂં જ રહેશે અને સાર્વત્રિક જાગૃતિ ઈચ્છતા ગુજરાતને આવું એકલપણું પાલવશે પણ નહિ. લાઠીના સાહિત્ય પરિષદ્ સંમેલનમાં ગુજરાતી સંસ્કૃતિના રક્ષણ અર્થે બૃહદ ગુજરાતમાં પ્રચારકાર્ય કરવા માટે રીતસર ઠરાવ કરવામાં આવ્યો હતો. પણ ઇતર પ્રાંતોના આવશ્યક સાહિત્ય–વિષયક સહકાર માટે પરિષદ કે તેનું સંમેલન ક્યારે જાગૃત થશે ? કેવળ ઠરાવોથી કે ‘હંસ’ જેવાં સામયિકોથી આ કાર્ય નહિ ઉકેલાય.
૧૦ અને નિરક્ષરતાના નિવારણની, ભાતૃભાષાના પ્રચારની, ગુજરાતી યુનિવર્સિટીની ઈત્યાદિ ઇત્યાદિની અનેક વાતો આજે કર્ણોપકર્ણ સંભળાય છે. પણ ગુજરાતમાં આજે આવાં કાર્યો માટે સંગઠન ને સંયુક્ત પ્રયાસો જ ક્યાં છે ? ગુજરાત કાંઈ નિવાર્ય નથી, તેનું સાહિત્ય સત્ત્વવિહોણું નથી, ને તેના સાહિત્યકારો નિસ્તેજ નથી, ગુજરાતી સાહિત્ય આજે તેના અપ્રતિમ ગાંધીજીથી, તેના ધ્રુવો ને દીવેટીઆથી, તેના ન્હાનાલાલ ને ખબરદારોથી, તેના મુનશી ને રમણલાલોથી, તેના કાલેલકર, ઠાકોર, પાઠક ને મેઘાણીથી પર પ્રાંતમાં એ ઉન્નત મુખે ઊભું રહે તેવું સમર્થ છે; પણ તેના સાહિત્યકારોના સંકુચિત વાડાઓ ને તેના ઉદ્દામ, ઉગ્ર ને એકલપંથી સાહિત્યકારો આજે તેમાં વિઘ્નરૂપ છે. નાના મુદ્દાઓ ઉપર, ને સૂક્ષ્મ મતભેદો ઉપર તેના સાક્ષરો આજે સાઠમારી જગાવે છે, તેના કવિઓ કલમ ખેંચે છે, ને તેના વિવેચકો વાગ્યુદ્ધો આરંભે છે, ત્યારે સાહિત્યપ્રદેશ ફળદ્રુપ ને રસકસવાળો શી રીતે બને ? પરિષદના બંધારણની કલમો જરા શિથિલ થાય, આત્મપ્રતિષ્ઠાના ઊંચા ખ્યાલ જરા નીચે આવે, વ્યક્તિ કરતાં સંસ્થાઓ મોટી મનાય, સંસ્થાઓ પોતે નિષ્પક્ષપાત ને ન્યાયી બને, અને ગુજરાતી સાહિત્યનું સાચું હિત સૌ સાહિત્યસેવકોને હૈયે વસે, તો ગુજરાતના ઉન્નત સાહિત્યનાં, લોકજાગૃતિનાં, વર્ચસ્વંતી વિદ્વત્તાનાં અને ગુજરાતી વિદ્યાપીઠનાં અનેક સ્વપ્ન શીઘ્ર સિદ્ધ થાય. સાહિત્ય પરિષદના કોઈ પણ પ્રમુખે આ વેરઝેર ને પક્ષાપક્ષી મિટાવવાના ને સક્રિય સહકાર સાધવાના આજ સુધીમાં શા પ્રયત્નો કર્યા ? પરિષદના આગામી સંમેલનના સમર્થ ને વિભૂતિવંતા પ્રમુખ આ દિશામાં ધ્યાન આપી સાહિત્યપ્રદેશના કલહો દૂર કરે, ભૂતકાળનાં વેરઝેર મિટાવે, ને કવિ ન્હાનાલાલ જેવા નીડર, અણનમ ને સમર્થ સાહિત્યસેવકની ફરિયાદ સાંભળી તેમને સંસ્થા તરફથી નિર્ભેળ ન્યાય આપે, એવું સૂચન શું અસ્થાને છે ? પણ સંયોગોની ગહનતા આજે કોણ ઉકેલી શકે ?
૧૧ હજુ એક ઉપયોગી વિષય છણવાનો બાકી રહે છે. સાહિત્ય લોકજીવનને સ્પર્શે છે ને પલટે છે એ સિદ્ધાંત સ્વીકારીએ, તો પછી દેશની વિરલ પળોમાં, તેના દુઃખની ઘડીએ લેખકો ને કવિઓનું સ્થાન ક્યાં ? ધરતીકંપમાં, રેલસંકટમાં, ખેડૂતના સર્વ આશાને ચૂર્ણ કરી નાખતા હિમસંકટમાં, અને અનાવૃષ્ટિના દુકાળમાં આપણું સાહિત્યભક્તો ક્યાં ગયા હોય છે ? સમગ્રદેશ જ્યારે રાષ્ટ્રીય જાગૃતિ માટે તૈયાર થતો હોય ને અહિંસક યુદ્ધના સૂરો દિગન્તમાં વ્યાપી જતા હોય, જ્યારે ચુનંદા સ્વયંસેવકો શુદ્ધ બલિદાન દેતા ‘માતની આઝાદી’ ગાતા હોય, જ્યારે શુદ્ધ અહિંસક યજ્ઞથી વિરોધીઓને જીતવાને, ને સ્વરાજ્ય ઘેર કરવાને પ્રાણ પાથરવાની મુખ્ય સેનાપતિ હાક દેતો હોય, ત્યારે આપણા કવિઓ ને લેખકે પ્રજાથી અતડા ને શાંત કેમ રહે ? જ્યારે ‘રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,’ ત્યારે આપણા સાહિત્યકારની ભાવનાઓ શું સૂકાઈ જતી હશે, કે તેમનાં હૃદય થીજી જતાં હશે ? કેળવણી, સાહિત્ય અને રાજકારણનો સાચો ને સ્થાયી સંબંધ કયો ? રાજકારણની વાંસળીએ સાહિત્યે નાચવું જોઈએ, કે સાહિત્યને સ્વતંત્ર ને વિશાળ હકુમત છે ખરી ? કવિઓ ને લેખકો યુદ્ધની, બલિદાનની, અને માનવતા દુઃખનિવારણની પળે નિર્લેપ તો ન જ રહી શકે. સાચો કવિ ને સાચો લેખક સમભાવશીલ હૃદય ને સૂક્ષ્મ અંતર્દર્શી વૃત્તિ ધરાવે છે. તે દેશનું દર્દ પ્રીછે છે, ને જનસમુદાય જગાડે છે. તે પ્રજાના દેહને નહિ પણ પ્રજાના હૃદયને તૈયાર કરે છે. તેના શરીર કરતાં તેના હૃદય વડે, તેની કલમમાંથી ટપકતી એ ઉજમાળી ભાવનાઓ વડે તે દેશની ને વિશ્વની વધુ સંગીન સેવાઓ બજાવે છે. વિશેષમાં, સાહિત્યનો હેતુ રાષ્ટ્ર કરતાં વધુ વ્યાપક ને ઉચ્ચ છે; કારણ કે જગતકલ્યાણ તે દેશહિત કરતાં યે મોઘેરૂં ને માનાર્હ છે. તે પછી સાહિત્યસેવક ઉપર અમુકજ ભાવનાઓને કે અમુક જ રુચિઓને ઘડવાની શિરજોરી કરવામાં કયું સાચું હિત સધાતું હશે ? છતાં સાહિત્યસેવક તે લોકજીવનથી, સામુદાયિક જાગૃતિથી પર ન રહી શકે, ને અતડાઈ ન દાખવી શકે; કારણ કે તે પોતે પણ રાષ્ટ્રનો, પ્રજાનો, માનવતાનો એક અંશ છે. વાસ્તવિક જગતના નિરીક્ષણ ને અનુભવમાંથી તેને સાચી દ્રષ્ટિ લાધે છે, ને સ્વકર્તવ્ય પ્રાપ્ત થાય છે. તો રાજકારણમાં રસ લઈ જેલ ભોગવનાર સાહિત્યસેવકોને સાહિત્યસંસ્થાઓએ જેલની વિદાય વખતે ને જેલમાંથી મુક્તિના પ્રસંગે અભિનંદન અર્પવાં જોઈએ, ને માનપત્રો દેવાં જોઈએ કે કેમ ? સાહિત્યપરિષદનું કર્તવ્ય જ્યાં જ્યાં તે સાહિત્ય વર્ચસ્ દેખે ત્યાં દોડી જઈ તેને પારખવાનું ને સન્માનવાનું છે, અને તેમ કરતાં પણ તેણે માનવતા–મિશ્રિત શુદ્ધ સાહિત્યદ્રષ્ટિ જ સેવવાની છે. આ દ્રષ્ટિ ઇતર પ્રશ્નોના રંગથી કે અન્ય વિચારણાના પાશથી વિકૃત થવી ન જોઇએ. રાષ્ટ્રભાવના ને સાહિત્યભાવના વચ્ચેનો વિશુદ્ધ સંબંધ જો સ્કુટ ને સુસ્થાપિત થાય તો સહકારીઓ ને અસહકારીઓ, સરકારી નોકરો ને પ્રજાસેવકો: સૌ સાહિત્યપ્રદેશમાં સાચા હૃદયથી કાર્ય કરવા સહકાર સાધે. આજે તો આપણી સાહિત્યસંસ્થાઓ ને સાહિત્ય પરિષદ પણ અંગત બાબતો ધ્યાનમાં લેતી થઈ ગઈ છે; અને વ્યકિતનાં વિત્ત, વર્ચસ્ કે વૈભવથી અંજાઈ તેને સન્માને છે, ને તેની ખુશામત કરે છે. આના વ્યક્તિગત ઉલ્લેખો આજે અસ્થાને છે. સાહિત્યપરિષદ સાહિત્યવીરને જ, સાહિત્યસેવકનાં જ વર્ચસ્ને સ્વીકારે, ને તેમ કરવામાં અન્ય દ્રષ્ટિબિંદુઓ ને ગણતરીઓ બાજુએ રાખે, તો જ સાચી પ્રગતિ થાય. આગામી સંમેલનના સમર્થ પ્રમુખ આ દિશામાં સાચું માર્ગદર્શન કરાવે એમ સહુ કોઈ ઈચ્છે છે.
૧૨ અંતમાં, રાષ્ટ્રીય જાગૃતિ પરત્વે ત્યાગ અને કુરબાનીથી સર્વ પ્રાંતોમાં અગ્રસ્થાન ભોગવનાર ગુજરાત સાહિત્યપ્રદેશમાં શાને પાછળ રહે ? ઈતિહાસની માહીતી, પુરાતત્ત્વનાં સંશોધન અને સ્થાનિક લોકજીવન, સ્થાનિક પુસ્તક પ્રકાશનો ને સ્થાનિક સંયોગો ઇત્યાદિની સંપૂર્ણ વિગતો મેળવવા માટે દરેક તાલુકામાં નહિ તો છેવટે જીલ્લા દીઠ સાહિત્યનાં કેન્દ્રો સ્થાપવા જોઈએ. ત્યારે જ સાહિત્ય લોકજીવનમાં વધુ વ્યાપક ને સાધક થશે. પ્રાંતિક સમિતિની માફક કોઈ વ્યવસ્થિત યોજનાથી જો સાચું પ્રચારકાર્ય થાય, તો સાહિત્યને કેટલી યે ઇષ્ટ સિદ્ધિઓ સાંપડે. મુનિશ્રી જિનવિજયજી જણાવે છે કે ‘બંગપ્રદેશમાં બંગ પ્રજાની જાતીય સંસ્કૃતિનાં અન્વેષણ, સંશોધનાદિ કાર્ય કરનારી પ્રાંત વાર જ નહિ, પણ જીલ્લા વાર સંસ્થાઓ, સમિતિઓ ને પત્રિકાઓ અસ્તિત્વમાં આવતી જાય છે, ત્યારે આપણે ત્યાં માત્ર સમ ખાવા માટે પણ કોઈ સંસ્થા કે પત્રિકા વિદ્યમાન નથી !’ સાહિત્યની ભાવના વિકસાવવા માટે પ્રથમ તો સાહિત્યસેવકોમાં કાર્ય કરવાની તીવ્ર તમન્ના જોઈએ. સાહિત્યપરિષદનું પ્રમુખપદ એ આજે તો ચાર દિવસ માટેનું પ્રતિષ્ઠા અને ગૌરવનું સ્થાન બન્યું છે. આ પ્રથા જો પલટો પામે, અને પ્રમુખ જો સંપૂર્ણ કર્તવ્યપરાયણ બને, તો તેણે સમગ્ર ગુજરાત કાઠિયાવાડમાં પોતાની હકુમત દરમ્યિાન સાહિત્યનાં આંદોલનોને વેગ આપવો જોઈએ, ને ગુજરાતી વાઙ્મયને વિસ્તારવાના અને વ્યાપક કરવાના સર્વ શક્ય પ્રયત્નો કરવા જોઇએ. શ્રમ વિના સિદ્ધિ નથી; અને આ વીસમી સદીમાં જાહેર કાર્યમાં ય વસુ વિના વિજય નથી. તેથી પ્રથમ તો ભારે ભંડોળ એકઠું કરી, સાહિત્યપરિષદે તેના સેવકો મારફતે પોતાની સિદ્ધિઓ ને શક્યતાઓનો પ્રજામાં વ્યાપક પ્રચાર કરવો જોઈએ. તેના મુખપત્ર સમું કોઈ સામયિક નિયમિત પ્રગટ થાય ને સાચા કાર્યકરો સહકાર અને સેવાની શુદ્ધભાવનાથી કર્તવ્ય બજાવે તો થોડા જ વર્ષોમાં ગુજરાત તેની સાહિત્યસિદ્ધિઓ માટે, અને તેની વિદ્વત્તા ને સંસ્કારસમૃદ્ધિ માટે ગૌરવ અનુભવતું સૌ પ્રાંતોમાં નિરાળી ભાત પાડે ! ગાંધીજીના ગુજરાતમાં સાચી સેવા કદી વિત્તસહાયથી વંચિત નથી રહી; અને સેવાપરાયણ નવજુવાનોની પણ ખામી નથી. માત્ર સાહિત્યોત્કર્ષના દ્રષ્ટિબિંદુની અને તેના સર્વોદય માટે આવશ્યક વ્યવસ્થિત પ્રયત્નોની જ જરૂર છે. ગુજરાતી સાહિત્ય ત્યારે સાઠમારીનું સ્થાને નહિ હોય, કે કેવળ આનંદપ્રાપ્તિનું સાધન નહિ હોય; પણ લોકજીવનની રગેરગમાં વ્યાપી જતું, તેને પ્રેરતું ને ઉજાળતું અપ્રત્તિમ સત્ત્વ હશે. ત્યારે સાહિત્યપરિષદ આટલી પામર, પંગુ ને પ્રત્યાઘાતી નહિ હોય, પણ પ્રજાનાં હૃદય ઉપર સામ્રાજ્ય ભોગવતી સમૃદ્ધ અને સન્માનપાત્ર સંસ્થા હશે. વિભાગીય પ્રમુખોની યોજના, શ્રી. કાલેલકર કહે છે તેમ, વહેલી મોડી તો આવશ્યક જ છે; પણ સાહિત્યનાં ઇતર વધુ અગત્યનાં કાર્યો જોતાં, ને તેની મર્યાદિત ભૂમિ જોતાં હાલ તે યોજનાને ભાવિ વિકાસયુગ ઉપર ભલે મુલતવી રખાય. આજે તો પરિષદ તેના બંધારણના હેતુ બર લાવે, અને બંધારણનાં બંધનોને શિથિલ કરી પોતાને વધુ વિશાળ અને પ્રગતિશીલ બનાવે એ જ આપણી ઈચ્છા હોય.
મહાનલ સમા જ્વલંત અને ભેખધારી પ્રમુખ માટે તેનો અદમ્ય ઉત્સાહ જોતાં આ શક્યતાઓ આજે અશક્ય નથી. રાષ્ટ્રીયતાના પ્રદેશમાં અને હરિજનપ્રવૃત્તિમાં, તેણે તેની કર્તવ્યપરાયણતાથી, વિશુદ્ધ વ્યક્તિત્વથી, ને જલદ સેવાભાવનાથી અનેરી ભાત પાડી છે; તો તે જ વ્યકિત સાહિત્યપ્રદેશે પણ શું ન સાધી શકે ? આશા છે કે પરિષદના આગામી સંમેલનના પ્રમુખપદેથી ગાંધીજી
સાહિત્યોત્કર્ષ તરફ જ પ્રધાન દૃષ્ટિ રાખે, ને પોતાના પ્રમુખપદ દરમ્યાન તેને જ ખૂબ અગત્ય આપી સાહિત્યભાવનાને વ્યાપક કરે, તો ગુજરાતી સાહિત્ય ને તેનું શિરછત્ર ગણાતી સાહિત્યપરિષદ તેથી વધુ તેજસ્વી બનશે. વીર નર્મદની ગરવી ગુજરાતને તેની સાહિત્યસિદ્ધિઓ માટે ગાંધીયુગની ભાવનાઓ સાંપડે, ને ગાંધીજી પોતે પ્રમુખ તરીકે મળે, તો પછી સાહિત્યની સુષુપ્તિ ટળે ને સર્વદેશીય પ્રગતિ થાય તેમાં શું આશ્ચર્ય છે ? ગુજરાતી સાહિત્યના સૂર જો હિંદી ભાષાના ડિંડિમમાં ડૂબી ન જાય ને સાહિત્ય જો રાજકારણનું રમકડું ના બને, તો આજના સંયોગો સર્વથા અનુકૂળ છે. સત્ય અને અહિંસાના એ પૂજારી ઉપર સરસ્વતીની અમીદ્રષ્ટિ ઊતરે તે ગુજરાતી સાહિત્યના અને તેની પરિષદના સર્વત્ર જયરંગ ગાજે, અને સાહિત્ય અપ્રતિમ જીવનભાવના તરીકે મૂર્ત બને. ગુજરાતી સાહિત્યનો સર્વાંગ અભ્યુદય ઇચ્છનારાઓ આજે સાહિત્યપરિષદના આગામી સંમેલનના એ વરાયલા પ્રમુખ તરફ આતુરતાથી મીટ માંડી રહ્યા છે; તો પછી સાબરમતીના સંત વિના અન્ય કોણ એ શક્યતાઓને મૂર્ત બનાવશે ?