સાહિત્યને ઓવારેથી/શ્રી. ચંદ્રશંકર ન. પંડ્યા
← શ્રી. રામનારાયણ વિ. પાઠક | સાહિત્યને ઓવારેથી શ્રી. ચંદ્રશંકર ન. પંડ્યા શંકરલાલ શાસ્ત્રી |
સાહિત્ય પરિષદ → |
શ્રી. ચંદ્રશંકર ન. પંડ્યા
સુપ્રસિદ્ધ સાહિત્યસેવાની તીર્થભૂમિ સમા નડિઆદમાં જન્મેલા, મુંબઈના વાતાવરણે રંગાયેલા, મુનશી કુટુંબમાં એક વખત મુરબ્બીપદ ભોગવતા, કવિ ન્હાનાલાલ આગળ નાના મિત્ર બનતા અને કેટલીક વખત સર પ્રભાશંકર પટ્ટણની પાંખમાં લપાતા એ ચંદ્રશંકર પંડ્યા. તેઓ નવીનતાના આશક છે, વિવિધતાના ભક્ત છે ને ગુણના પૂજારી છે. તેમનો સિદ્ધાંત તો આપવાનો અને લેવાનો. જ્યાં જાય ત્યાંના વાતાવરણથી તેઓ રંગાય અને બદલામાં પોતાનો રંગ દેવા પ્રયત્ન કરે. તેઓ પોતે કહે છે તેમાં લીંબુના રસ જેવો તેમનો સ્વભાવ ક્યાં નથી ભળી શકતો ? તેમની વેતસ્ વૃત્તિ, તેમનો સહજ આનંદ ને તેમની ગુણગ્રાહકતા તેમને ગમે ત્યાં પણ અમુંઝણ વિના સ્વસ્થ અને શાંત રાખી શકે છે.
પિતામહ મણિશંકર પંડ્યાના પ્રેરક વાતાવરણમાં છ બ્હેનોનો આ વીર જોતજોતામાં જ ઘરેલાડીલો ને નાતલાડીલો બન્યો, અને કુમાર અવસ્થામાં જ પ્રો. રમણલાલ યાજ્ઞિકના પિતા, –ચંદ્રશંકરના પોતાના જ ભાવિ વેવાઈ–કનૈયાલાલ યાજ્ઞિક, મનસુખરામ ત્રિપાઠી અને ગોવર્ધનરામે તેમને મહાભિલાષનાં જળપાન કરાવ્યાં. આ વિના બીજી એક વ્યક્તિની પણ અદીઠ અસર આપણા ચંદ્રશંકર ઉપર પડી. ઇ. સ. ૧૮૮૪માં તેમના પોતાના જન્મ પહેલાંજ સ્વ. છગનલાલ હરિભાઈ પંડ્યાનાં ભાવિ પુત્રી વસંતબા સાથે તેમનો ગર્ભવિવાહ થયેલો. આમ જન્મથી જ વિવાહિત હોવાનો હક્ક બાલક ચંદ્રશંકર ધરાવતા થયા. તેમને ચાનક દેવા ક્વચિત્ માતપિતા પણ આ બાળકને કહેતા: “તારા કરતાં તો તારી વહુ ઘણી હોંશીઆર છે.”
નડિઆદની નજીક આવેલાં ફૂલબાઈ માતા ઉપરની શ્રદ્ધાને ચંદ્રશંકરના જન્મનું નિમિત્તકારણ માની નાનપણમાં–અને કુટુંબમાં તથા ખાનગી મિત્રમંડળમાં તો જીવનભર–તેમને સૌ કોઈ ‘ફૂલીયો’ કહેતા. આ ફૂલીયાભાઈ નાનપણથી જ તેજસ્વી, તોફાની ને ટીખળી નાતમાં તેમજ ગામમાં ગણાવા લાગ્યા. એ તોફાન અને ટીખળ એવાં તો પ્રસિદ્ધિ પામ્યાં કે તેઓ ‘ફૂલીયા જમાદાર’ના નામથી ઓળખાવા લાગ્યા. સ્વ. ફૂલચંદ બાપુજી શાહ, અને શ્રી. પરધુભાઈ શર્માના સહાધ્યાયી ચંદ્રશંકર પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પણ વાચન, પઠન, નિબંધ કે વક્તૃત્વ માટે પ્રશંસા પામતા. હાઈસ્કૂલમાં સમર્થ સાક્ષર કમળાશંકર ત્રિવેદીના શિક્ષણનો પણ તેમને અનુપમ લાભ સંસ્કૃત પરત્વે મળેલો. કોલેજમાં પણ તેમના પ્રોફેસરો તેમના પ્રતિભાદર્શનને વખાણતા, અને તેમની વિચારસરણીને ‘તાઝગી–ભરી’ માનતા. બહુધા બહાઉદ્દીન કોલેજમાં જ ભણેલા આ ચાલાક કોલેજીઅનના શ્રી. અંબાલાલ જાની, સ્વ. નૃસિંહદાસ વિભાકર, પ્રો. કાન્તિલાલ પંડ્યા, અને શ્રી. જમનાદાસ માધવજી મહેતા જૂનાગઢમાં સમકાલીન વિદ્યાર્થીઓ હતા.
કોલેજના જુનીઅર બી. એ. વર્ગમાંથી જ અર્થાત્ ઈ. સ. ૧૯૦૫થી જ વસ્તુતઃ તેઓ ‘સમાલોચક’ના તંત્રી હતા, અને ‘સુમનસંચય’ વિભાગમાં સંસ્કૃત શ્લોકોનું ભાવકથન કે રસાસ્વાદન ‘તન્મય’ ઉપનામથી લખતા. ઇ. સ. ૧૯૦૬માં લોજીક અને ફીલોસોફી લઈને બી.એ. ની પરીક્ષા તેમણે પાસ કરી. બીજે જ વર્ષે તેમણે બે માનવંતા મુરબ્બીઓ, ગોવર્ધનરામ અને મનસુખરામ ત્રિપાઠી ગુમાવ્યા, અને તેથી પોતે એકલા પડ્યા હોય તેવો ખેદ અનુભવ્યો.
શ્રી. ચંદ્રશંકર એટલે વિવિધ વ્યક્તિઓનાં ને પચરંગી વાતાવરણના પ્રેરકબળોનો સમન્વય. ઇ. સ. ૧૯૦૫–૭માં પ્રાર્થના સમાજે તેમને આકર્ષ્યા, અને તેમને વક્તા થવાનું પ્રોત્સાહન આપ્યું. ઈ. સ. ૧૯૦૮માં સ્વદેશીની પ્રબળ પ્રવૃત્તિએ તેમને સ્વ. ત્રિભુવનદાસ ગજ્જરની પ્રેરણા ઝીલતા કર્યા, અને તેથી ઈ. સ. ૧૯૦૭થી ૧૯૧૧ સુધી તેમણે ગિરગામમાં ગજ્જરે સ્થાપેલી ‘ટેકનો–કેમીકલ લેબોરેટરી’માં એમ. એ. થવા માટે પ્રયોગ–કાર્ય કર્યું; પણ નાદુરસ્ત પ્રકૃતિએ તેમના મનના મનોરથ મનમાં જ રહેવા દીધા. આ દરમ્યાન તેમણે રાસાયણિક ઉદ્યોગો ઉપર લેખો ને ભાષણો ચાલુ રાખ્યાં. મુંબઈમાં ભરાયેલી બીજી સાહિત્યપરિષદમાં તેમણે “વૈજ્ઞાનિક અભ્યાસનાં સાધનોનો વિચાર” નામે ‘બહુ વખણાયેલો’ નિબંધ વાંચ્યો; અને રાજકોટની ત્રીજી સાહિત્ય પરિષદ વખતે તેમણે ‘યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં ગુજરાતીનું સ્થાન’ નામે એક વિચારણીય મુદ્દાવાળો નિબંધ રજુ કર્યો. ‘સમાલોચક’ના તેમના લેખોમાં સ્વ. ઉત્તમરામ ત્રિવેદીના મતે ‘ગૌરવ અને ઓજસ’ બંને હતાં. ઇ. સ. ૧૯૦૭થી ’૧૩ સુધી તેઓ અને શ્રી. અંબાલાલ જાની સમાલોચકનું તંત્રીકાર્ય સંભાળવા લાગ્યા. વિશેષમાં, ચંદ્રશંકર પોતે સુંદરીસુબોધ, વસંત, ગુજરાતી અને પ્રજાબંધુમાં પણ અવારનવાર લેખો આપતા. આ સમયમાં તેમણે ‘ધી યુનીઅન’ નામે એક સભાનું મંત્રીપદ પણ સ્વીકાર્યું. પાછળથી આ સંસ્થા ‘ગુર્જરસભા’માં પલટાઈ ગઈ, અને શ્રી. કનૈયાલાલ મુનશીનો સાથ મળતાં તેની પ્રવૃત્તિને ઘણો વેગ મળ્યો. શ્રી. રામનારાયણ પાઠક, શ્રી. મહાદેવભાઈ દેસાઈ, કીશોરલાલ મશરૂવાળા, નરહરિ પરીખ, સ્વામી આનંદ: સૌ આમાં સક્રિય ભાગ લેતા. શ્રી. ચંદ્રશંકર ત્યારે તેમના ગૌરવયુક્ત ગુજરાતી માટે વખણાતા. તેઓ વ્યક્તિમાંથી સમષ્ટિ થવા મથતા, ને અણુમાંથી વિરાટ બનવાના કોડ ધરાવતા. એક સમય એવો હતો કે એક્કેય સામયિક ચંદ્રશંકરના લેખવિહોણું ન્હોતું, ને એક્કય સંસ્થા તેમના ભાષણવિહોણી નહોતી. તેમનું ઘર અનેકનું સંકેતસ્થાન હતું. મોટા દેશનેતાથી માંડીને ઉગતા વિદ્યાર્થીઓ સુધી સૌનો તેમને ઘેર દાયરો મળતો. મહેમાનોની પણ ઠઠ જામતી; અને શ્રી. મુનશી તેમને ‘સંયુક્ત કુટુંબના પિતા’ તરીકે સંબોધતા. ઇ. સ. ૧૯૧૩માં, આ બધી પ્રવૃત્તિઓ સંભાળતાં સંભાળતાં તેઓ એલએલ. બી. થયા.
ઈ. સ. ૧૯૦૭થી ’૧૭ સુધીનો દશકો તે ચંદ્રશંકરભાઈ માટે જાહેરજીવનનો અને નિઃસ્વાર્થ સેવાનો સમય છે. આ દશકામાં તેઓ મુંબઈ ઈલાકામાં માનવંતા બન્યા, અને ગુજરાતભરમાં કીર્તિ કમાયા. રાજકીય જાહેરજીવન પરત્વે રાનડે, તેલંગ, બદરૂદ્દીન તૈયબજી ને દાદાભાઈ નવરોજજીએ તેમની ઉપર ખાસ અસર કરી એમ તેઓ કહે છે. પૂનાની ‘સર્વન્ટસ ઓફ ઈન્ડીઆ સોસાયટી’એ પણ તેમને આકર્ષ્યા, અને તેથી તેના આજીવન સભ્ય થયા વિના પણ સ્વ. ગોખલે અને દેવધરની પ્રેરણાથી તે સંસ્થા તરફથી હોલિકા સંમેલન, જુગારનિષેધ વગેરે પરત્વે તેમણે સામાજિક સુધારણાનું કાર્ય કરી બતાવ્યું.
સ્વામી વિવેકાનંદ, રામતીર્થ અને દયાનંદની પણ ચંદશંકરના જીવન ઉપર ભારે અસર થઈ છે. આર્યસમાજ તરફ શ્રી. પરધુભાઈની મૈત્રીને લીધે તેઓ વધુ આકર્ષાયા; અને તે રીતે તેમણે પંડિત ‘ગુરુદત્ત વિદ્યાર્થીનું જીવનચરિત્ર’ ગુજરાતીમાં આપ્યું. વળી ડો. એનિ બીસેન્ટવાળો થીયોસોફી પંથ તેની વિશુદ્ધિ અને ભ્રાતૃત્વના સંસ્કારને લીધે તેમને ખૂબ ગમી ગયો. સર્વધર્મ–સમન્વયના આ વાતાવરણમાં તેઓ એટલા બધા તો રસ લેતા થયા કે શ્રીમતી એનિ બીસેન્ટ સાથે ઈ. સ. ૧૯૧૪માં તેમના મહેમાન તરીકે અઙ્યાર (મદ્રાસ) પણ જઈ આવ્યા.
રાષ્ટ્રીય ક્ષેત્રમાં પણ શ્રી. ચંદ્રશંકર એક વખત અગ્રગણ્ય કાર્યકર્તા હતા. ઇ. સ. ૧૯૧૪ થી ’૧૬ સુધીમાં કોન્ગ્રેસની ગિરગામ જીલ્લા સમિતિના તેઓ મંત્રી હતા, અને મુંબઈની પ્રાંતિક મહાસભા સમિતિમાં પણ સહ–કાર્યકર્તા હતા. ઈ. સ. ૧૯૧૬–૧૭થી ડો. એનિ બીસેન્ટની ‘હોમરૂલ’ પ્રવૃત્તિએ તેમને અતિશય આકર્ષ્યા. ચંદ્રશંકરે તેમાં ઝંપલાવ્યું ને ઝડપી કાર્ય કર્યું. ત્યારે તેમનામાં યૌવનનો ઉત્સાહ હતો, હૃદયની સ્નેહાર્દ્રતા હતી, સેવાની તમન્ના હતી, તીવ્ર કાર્યનિષ્ઠા હતી, અને સંસ્કારપૂર્ણ સજ્જનતા હતી. ઈ. સ. ૧૯૧૬માં મુંબઈ પ્રાંતિક સંસારસુધારા પરિષદ ડો. પરાંજપેના પ્રમુખપદે ભરાઈ; અને ત્યારે ગાંધીજીથી સ્હેજે અંજાયા વિના શ્રી. પંડ્યાએ તેમની વિરુદ્ધ પણ માન અને મમતાભરી રીતે બોલવાની હિંમત અને નિખાલસતા દાખવી. આ યુગમાં તેઓ ‘સ્વરાજ્યગંગા ઘેરઘેર પહોંચાડનાર એક ભગીરથ’ મનાતા. ‘હૃદયે હૃદયે સ્વરાજ્યની દીપોત્સવી દેશમાં ઉજવવાના’ ત્યારે તેમને હૈયે કોડ હતા. સ્વરાજ્યના તે સૈનિક ગણાયા, સાહિત્યના સેવક મનાયા, વક્તા તરીકે વખણાયા, ને પત્રકાર તરીકે પંકાયા. જાહેરજીવનનાં અનેક ક્ષેત્રો તેઓ સફળતાથી સ્વલ્પ સમયમાં સર કરતા. ગામડે ગામડે ઘૂમીને હોમરૂલ પ્રવૃત્તિ ફેલાવવાનો તેમણે કાર્યક્રમ રચ્યો, અને મી. બી જી. હોર્નીમેન પણ તેમનો આમાં સાથ શોધવા લાગ્યા. શ્રી. ચંદ્રશંકર માટે આ ઉત્તમ કીર્તિકાળ હતો, ને પરમ પરાક્રમયુગ હતો. તેમની વાણી અનેક સ્થળે ઝીલાતી થઈ, અને તેમના લેખો શહેરોને ગામડાંમાં રસથી વંચાવા લાગ્યા. નાનકડા નડિઆદનો આ નાગર અને નાગરિક સહજ પ્રતિભા અને કુશાગ્ર બુદ્ધિબળે અનેકને ત્યારે મહાન અને માનનીય લાગ્યો પણ આ પછીનો ઈતિહાસ તે મંદતાનો, સ્થિરતાનો, પીછેહઠનો અને કરુણતાનો છે. કોણે આવું પરિવર્તન ઉપજાવ્યું ? કોણે આવા કાજળ–ઘેરા શ્યામ રંગો આવા તેજોમય જીવનમાં ઉત્પન્ન કર્યા ?
ચંદ્રશંકરભાઈનું આ નોંધપાત્ર ઘડતર ને આ પ્રતિષ્ઠિત જીવતર. યુગરંગ બદલાયા, અને તેમનું જાહેરજીવન સંકેલાતું ગયું. ઈ. સ. ૧૯૧૬માં પ્રથમ પત્ની વસંતબાનું અવસાન થયું, અને ઈ. સ. ૧૯૧૭માં પિતા પણ સ્વર્ગે સીધાવ્યા. ઇ. સ. ૧૯૧૮માં તેમને દમના દર્દની શરૂઆત થઈ; અને પછી તો મંચ ઉપર ‘સિંહની માફક છલંગ ભારી ભાષણ કરવા આવનાર આ અગ્રગણ્ય વક્તા’ શિથિલ અને પરવશ થવા લાગ્યા. લગભગ બબ્બે દાયકાથી તેઓ દમને ય દમ ભિડાવી રહ્યા છે. આ રોગનું તેમની ઉપર અનેકવાર આક્રમણ થતાં તેમની શારીરિક શક્તિઓ છિન્નભિન્ન થઈ ગઈ, જાહેર પ્રવૃત્તિઓ છેક ઠોકરાઈ ગઈ, અને દમનો રોગ જ તેમના સ્નેહીઓ અને મિત્રવર્ગમાં તથા સમગ્ર ગુજરાતમાં તેમના સંબંધી ખૂબ જાણીતો થયો. આ રોગ ક્વચિત્ તેમની ત્રુટિઓની ઢાલ બને છે, ક્વચિત્ તેમના અહંભાવનું આશ્રયસ્થાન થાય છે, ક્વચિત્ તેમની મહત્વાકાંક્ષાનો રાહુ મનાય છે ને ક્વચિત્ સ્નેહીઓની સાચી સહાનુભૂતિ પ્રગટાવે છે. પણ એ તો સત્ય જ છે કે દમના આક્રમણથી જ આ ગર્ભશ્રીમંત, પ્રતિભાશાળી તથા સેવાભાવી કાર્યકર્તા અને સાહિત્યસેવકની શારીરિક ને માનસિક શક્તિઓ ક્ષીણ થતી ગઈ; અને અકાળે તેમને પોતાનું જાહેરજીવન સંકુચિત કરી અંતે સંકેલી લેવું પડ્યું. જો ચંદ્રશંકરભાઈ આમ દમનો ભોગ ન બન્યા હોત તો રાજકારણ, સમાજસુધારો, સાહિત્ય તથા ધર્મના ક્ષેત્રોમાં તેમણે કેવી અને કેટલી આકર્ષક ભાત પાડી હોત ! પણ સત્ય વસ્તુસ્થિતિ સામે આમ કલ્પનાના ઘડા દોડાવવા તે નિરર્થક છે !
આમ ઈ. સ. ૧૯૧૮થી ચંદ્રશંકરભાઈનું જાહેરજીવન કરમાવા લાગ્યું અને સાર્વજનિક પ્રવૃત્તિઓ સાથે સાહિત્યસેવા પણ સુકાવા લાગી. પણ આ બધું કાંઈ એકદમ નથી બન્યું. મંદમંદ ગતિએ ક્રમશઃ આ સૌ બનતું ગયું છે. જાહેરજીવન અને લોકકીર્તિ ચંદ્રશંકરથી પરાઙ્મુખ થઈ પરવરતાં જણાય છે, અને રોગગ્રસ્ત આ સેવક આકર્ષણવશ બની અહંભાવથી તેમનો પીછો પકડે છે. રોગને લીધે તેમની કાયિક, વાચિક અને માનસિક શક્તિઓ જ્યારે ઓસરતી ગઈ ત્યારે પણ સેવાભાવના અને યશોવાંછા તો તેમની હતી તેવી ને તેવી જ રહી. અશક્તિમાન માનવી સમય ઓળખી કોઈ કાર્યમાંથી નિવૃત્ત થવા જેટલો સાધુ બને છે એમ શાણા સંસારીઓ કહે છે. રોગથી અશક્ત બનેલા ચંદ્રશંકરને આવા સાધુ બની જવાનો રાહ ન ગમ્યો; પણ શક્તિહીનતાએ તેમનામાં પરાક્રમનું ઝનૂન પ્રગટાવી તેમના અહંભાવને અને કીર્તિલોભને પોષણ આપ્યું. શક્તિથી વંચિત બનેલા પણ સેવા અને યશની ઝંખના કરતા પુરુષો જેમ આત્મભાન ભૂલે, વિવેકની મર્યાદા ઓળંગે અને અહંભાવમાં લપસી પડે, તેમ જ કૈંક શ્રી. ચંદ્રશંકરભાઈ માટે થયું છે. છેલ્લા દશકામાં જનતાને મુખે બહુ ચઢેલા તેમના જાહેરજીવન માટે આ જ વાજબી ખુલાસો છે. ગાંધીજી સાથેનો તેમનો પત્રવ્યવહાર પણ આજ દૃષ્ટિએ વિચારવો ઘટે છે.
અને શ્રી. ચંદ્રશંકરે તેમની સર્વશક્તિઓ અનેક ક્ષેત્રોમાં વેરાઈ જવા ન દેતાં એક જ ક્ષેત્રમાં, સાહિત્યપ્રદેશે કેન્દ્રિત કરી હોત તો પણ તેમની સેવા નોંધપાત્ર બનત. પણ આ તેમના સ્વભાવમાં જ નહિ. ‘સર્વ થાઉં અને સર્વ કરૂં’ એ ભાવ તેમને સર્વદા આવરી લે છે, અને તેથી તેમનામાં ક્યાંયે સ્થિરતા નથી જણાતી. સંસ્થાઓ ને મંડળો સ્થાપવાં, પોષવાં, ને વિકસાવવાં એ તેમને બહુ ગમે છે; ને તેથી શ્રી. મુનશી તેમને આવા કાર્ય માટે એક વખત ‘વરના બાપ’ કહીને બોલાવતા.
ઈ. સ. ૧૯૧૮માં દમના પ્રારંભ પછી યે ચંદ્રશંકરભાઈના શ્યામઘેરા થતા જીવનમાં પણ અનેક ઝળહળતાં તેજ-બિંદુઓ છે. છેલ્લા દાયકામાં જનતાએ તેમને અમુક ભાવથી જ નિરખ્યા છે ને ઓળખ્યા છે, અને તેમની ઊજળી બાજુથી તે અપરિચિત રહી છે. તેથી જ આ તેજ–બિંદુઓની સવિશેષ આવશ્યકતા ઊભી થાય છે. તેમનામાં હૃદયની ઉદારતા સાથે વિચારની વિશાળતા છે, નાગરની સમયજ્ઞતા સાથે નાગરિકની સંસ્કારિતા છે, વતનવ્હાલ સાથે વિશ્વગ્રાહી દર્શન છે, અને અન્યના માનીતા થવાની અને તેને પોતાનો કરી લેવા કે પ્રસન્ન રાખવા જેટલો તેમનામાં સદ્ભાવ ને સ્નેહ છે. પણ આજે તેમના આ બધા લાક્ષણિક ગુણો અણ–પ્રીછ્યા રહી સંયોગબળે અન્યથા ભાસે છે. દમ પહેલાં અને પછીયે જ્યારે જ્યારે તેઓ સ્વસ્થ હોય ત્યારે તેઓ શાંત રહી શકતા જ નહિ. તેમણે મનસુખરામની વિદ્વત્તા અને મુત્સદ્દીગીરી જોઈ છે, તેમને ગોવર્ધનરામની સાહિત્યસેવા અને સંસ્કારિતા સુપરિચિત છે, અને મણિલાલ દ્વિવેદીની આધ્યાત્મિકતા, કાદંબરી–ભાષાંતરકાર છગનલાલભાઈની રસિકતા ને ઝવેરીલાલ યાજ્ઞિકની રાજકારણ–પ્રીતિ પણ તેમને સુવિદિત છે. આમ તેમના વિવિધતાપ્રિય સ્વભાવે કયું ક્ષેત્ર અણદીઠ રાખ્યું છે ?
‘ગુજરાતી’ સાપ્તાહિકમાં તેઓ ગૌરવભરી રીતે લખે છે, ‘સમાલોચક’ સામયિકમાં શાંત રીતે સમીક્ષા કરે છે, અને ‘પ્રગતિ’માં લેખ આપી શ્રી. પરધુભાઈને પ્રસન્ન રાખે છે ! તેઓ પ્રાચીન તેમજ અર્વાચીન સાહિત્યને ઉડતી નજરથી નિરખે છે; તે નરસિંહ મહેતાને નમન કરે છે, મીરાંને માન આપે છે, પ્રેમાનંદને પૂજે છે, નર્મદની નોબત સૂણાવે છે, ગોવર્ધનરામનાં ગૌરવ ગાય છે, અને મણિલાલની મહત્તામાં રાચે છે. મોહમયી મુંબઈના વિવિધ રંગ તેમનામાં ઉતર્યા, ને તેઓ સર્વત્ર વિચારવા લાગ્યા. તેઓ સંસ્કૃત ભાષાના ભક્ત છે, સાહિત્યના શોખીન છે, વિજ્ઞાનના વેત્તા છે, તત્ત્વજ્ઞાનના વિદ્યાર્થી છે, સમાજસેવામાં રસ લે છે, ને રાજકારણને અપનાવે છે. તેઓ સંગીતને ચાહે છે, ચિત્રકલાથી પરિચિત છે, ને નૃત્યના પ્રશંસક છે. તેઓ સર્વક્ષેત્રોને અને સર્વ વિદ્યાર્થીઓને અપનાવવા પ્રયત્નશીલ છે, તેઓ સ્વામી દયાનંદની જયંતીમાં ભાગ લેઈ આર્યસમાજને આવકાર આપે છે. શંકરાચાર્ય ઉપર ભાષણ કરી તેઓ સનાતની બને છે, રામાનુજ અને વલ્લભાચાર્યને પણ વખાણે છે, અને શક્તિ સંપ્રદાયનેય ગુણભાવે સ્તવે છે. તેઓ સાહિત્યસેવકોનો સંપર્ક સાધે છે, રાષ્ટ્રનેતાઓને સન્માને છે, સરકારી અમલદારોનાં મન જીતે છે, સમાજસુધારકોમાં ભળે છે, વૃદ્ધોને વડિલભાવે વંદે છે, સમવયસ્કોને સખાભાવે સત્કારે છે, ને નાનેરા યુવકોને મિત્રભાવે ઉત્તેજે છે. તેઓ સાહિત્યસેવામાં સાહિત્યભક્ત બને છે, નાટ્યકારોમાં નાટ્યવિદ્ થાય છે ને કલાકારોમાં કલાવિદ્ બને છે.
તેમનામાં રાષ્ટ્રસેવકનો ઉત્સાહ છે, વીરનો જુસ્સો છે, ને સર્વવિદ્ બનવાની ઈચ્છા છે. શ્રી. મુનશીના તેઓ એક વખત સ્નેહાળ સખા અને માનનીય મિત્ર હતા. એકની મહત્વાકાંક્ષા ને શક્તિઓ વણપાંગરી રહી, અન્યની આજે પ્રફુલ્લ થઈ સમગ્ર ગુજરાતને, બલ્કે અખિલ હિંદને સુપરિચિત થઈ છે. સર્જનશીલ પ્રતિભાની ઉણપે કે સર્વદેશીય સ્વભાવને લીધે અથવા દમના કારણે ચંદ્રશંકરભાઈને ન એક્કેય ધ્યેય રહ્યું, કે ન એક્કે લક્ષ્યસિદ્ધિ થઈ. એ ગહનતાના અભાવે ને તલસ્પર્શી અભ્યાસની ઓછપે તેઓ ન બન્યા પ્રખર પંડિત કે સમર્થ સાહિત્યવાર, ને ન થયા વિખ્યાત વકીલ કે સુપ્રસિદ્ધ લોકસેવક; અને તેથી જ જનતા તેમના મિલનસાર સ્વભાવને અયોગ્ય અંતરાય ધારે છે, ગુણપૂજાને ખુશામત ગણે છે, ને શબ્દ–માધુર્યને માખણ માને છે. ગમે તે સભા હોય કે ગમે તે વિષય હોય, ત્યાં ને તે વિષય ઉપર ચંદ્રશંકરભાઈ આકર્ષક રીતે બોલી કે લખી શકે છે: આ જેટલું આશ્ચર્યકારક છે, તેટલું જ ખેદજનક છે. કારણકે તેથી તેમનું સ્વતંત્ર વ્યક્તિત્વ ક્યાંયે વ્યક્ત ન થયું, ને તેમણે ક્યાંયે નિરાળી ભાત ના પાડી. સર્વના થવા જતાં તેઓ પોતાના મટી ગયા ને પોતાપણું ગુમાવ્યું.
ચંદ્રશંકરભાઈ કવિ ન્હાનાલાલ સાથે સદ્ભાવ રાખે છે, પ્રો. ઠાકોરના સ્નેહી છે, ને નરસિંહરાવના પ્રીતિપાત્ર હતા. આમ કેટલાયે પરસ્પર વિરોધી સાહિત્યભક્તોનું તેઓ સંગમસ્થાન છે, અને તે પણ તેમની સહજ સ્નેહવૃત્તિ અને સહનશીલ સ્વભાવને લીધે. સાહિત્યના ક્ષેત્રે સાઠમારી મીટાવવા તેઓ એક વખત બોલેલા: “પરસ્પર ન લઢતાં સાહિત્યવીરો ને સાક્ષરો ભલે મને ભાંડે, પ્રહાર કરે; હું સર્વ સ્હેવા તૈયાર છું.” તેમની આ શહીદવૃત્તિ (martyrdom) માટે ‘કૌમુદી’માં શ્રી વિજયરયે તેમને ‘સાહિત્યક્ષેત્રના ઈશુ’ કહેલા.
શ્રી. ચંદ્રશંકર એટલે વિવિધતા, ગુણપૂજા અને રસિકતાનો ત્રિવેણીસંગમ. તેમની વિવિધતા તેમને સર્વત્ર વિચરાવે છે, તેમની ગુણપૂજા ઘણાયનાં વેરઝેર ઓગળાવી દે છે, ને તેમની રસિકતા તેમને સુંદરીઓના સંઘમાં એ લાડીલા ને માનીતા બનાવે છે. વિશાળ મન અને સ્નેહાર્દ્ર હૃદય શું શું ન સાધી શકે ? પણ ઢાલની બીજી બાજુયે છે. કેટલાયને મન તેમની વિવિધતા તે અસ્થિરતા લાગે છે, તેમની ગુણપૂજા તે ખુશામત મનાય છે, ને તેમની રસિકતા તે પ્રૌઢ જનોને ન શોભે તેવી ઉપહાસપાત્ર બાલિશતા સમી ભાસે છે. પણ આ મતે ય કાંઇ સંપૂર્ણ સાચો કે દોષવિહોણો નથી.
તેમનું ગુણદર્શન એક વખત પ્રશંસાપાત્ર અને પાવન હતું, આજે તે અન્યથા બન્યું છે. તેમની એ ગુણજ્ઞતાએ ને ગુણપૂજાએ જયશંકર સુંદરી ને બાપુલાલ નાયકની નાટ્યકલાને વધુ બહાર આણી, ચારણી સાહિત્યવાળા ઓધવજીભાઈ અને ગઢવી મેઘાનંદને વધુ પ્રકાશમાં આણ્યા, ને કિંજવડેકર શાસ્ત્રી સમા સમર્થ મીમાંસા–વિદ્વાનનો ગુજરાતને પરિચય કરાવ્યો. તેમની ગુણપૂજા કેવળ શબ્દની જ નહિ, પણ તન, મન અને ધનની પણ હતી. ઉદાર આતિથ્ય ને ખર્ચાળ આદરસત્કાર તેમના સ્નેહ સાથે સંકળાઈ જતાં, અને કેટલાયે મ્હેમાનો તેથી ઉપકારવશ બનતા.
ચંદ્રશંકરભાઈ લાંબી ફલંગે મુંબઈથી ગુજરાત અને કચ્છ–કાઠીઆવાડ સુધીનો પ્રવાસ ખેડે છે. માર્ગમાં સુરત, વડોદરા, નડિઆદ, અમદાવાદ, ભાવનગર વગેરે સ્થળોએ તેઓ સભાઓ યોજાવે છે, ને વ્યાખ્યાન કરે છે. તેઓ પ્રાચીનતાના પૂજારી છે, તેટલા જ અર્વાચીનતાના આશક છે. તેઓ વૃદ્ધ અને યુવકોના સેતુ બની બંનેને સહકાર આપે છે. તેમને સાહિત્યતીર્થ સમા વતન નડિઆદને ઉચ્ચ ને ઉજ્જવળ બનાવવું છે. તેઓ જ્યારે નડિઆદમાં હોય ત્યારે સભાઓ ભરાય, સંમેલનો થાય, સાહિત્યસભામાં જોમ આવે, ને જયંતીઓ ઉજવાય. તેમણે નડિઆદનો મહત્તાકાળ નિરખ્યો છે, ને તેથી જ તેઓ નડિઆદન ઊંચી ડોકે સ્થિર રાખવા ઈચ્છે છે. પણ તેમને આ કાર્યમાં સહકાર આપનાર કોણ ? સ્વ. ઈન્દ્રશંકર પંડ્યા, ક્વચિત્ પ્રો. કાન્તિલાલ પંડ્યા, તે ક્વચિત્ શ્રી. અંબાલાલ જાની, અને વિશેષમાં નડિઆદમાં જ વસતા કવિચિત્રકાર ફૂલચંદભાઈ, શ્રી. જયંતીલાલ મોરારજી, ‘મસ્તમયૂર’ અને એસ. એસ. ઠાકર. ચંદ્રશંકરભાઈની નડિઆદના શિષ્ટ વર્ગોમાં– સમાજમાં ને નાતમાં–આણ વર્તતી હોય તેમ ત્યાંનો નાગરિક વર્ગ તેમને પડતો બોલ ઝીલે છે, ને અપૂર્ણને પૂર્ણતાએ પહોંચાડે છે. તેમની પ્રેરણા અને પીઠબળ વિના નડિઆદમાં રાજકીય પરિષદ કે સાહિત્ય પરિષદ ભરાત કે કેમ તે સંદિગ્ધ સવાલ છે; ને આ પરિષદો વખતે નડિઆદના આતિથ્યે તેમાં શી મણા રાખી ? ત્યાંના દેસાઈકુટુંબે, ત્યાંની નાગરકોમે ને વણિક વર્ગે મ્હેમાનોને કેટકેટલાં ભાવભીનાં આતિથ્ય દીધાં ? ત્હોયે કહેવું જોઈએ કે શ્રી. ચન્દ્રશંકરની નડિઆદને સંપૂર્ણ પિછાન નથી; નહિતો નાનકડા નડિઆદમાં યે તેમની આગળ યુવાનોનો સંઘ ઉભરાતો હોય ને સ્વયંસેવકોની સેના ટોળે મળે.
અને આ ઉપરાંત શ્રી. ચંદ્રશંકરમાં કેટલાક વિશિષ્ટ અને પ્રશસ્ય ગુણો છે. ચંદ્રશંકર એટલે ઉભરાતો આનંદ અને મર્માળું હાસ્ય, પછી ભલે તેઓ સ્વજનોના સમુદાયમાં હોય કે મિત્રમંડળમાં હેય. કુટુંબમાં શોક હોય કે પ્રકૃતિ અસ્વસ્થ હોય. તો પણ તેમના મુખ ઉપર ભાગ્યેજ અપ્રસન્નતા કે ખિન્નતા હેય. આવા સ્વભાવને લીધે જ તેઓ વર્ષો થયાં દમનો પણ સામનો કરી શકે છે. વિશેષમાં તેઓ એક સંભાષણ–પટુ પુરુષ (conversationalist) છે. તેમની વાતચિતમાં કુનેહ, કુશળતા, માર્મિક હાસ્ય અને રસિકતા ઉભરાતી હોય છે. તેમની સાથે બે ઘડી વાતચિત કરવી એટલે આનંદમાં સંક્રાંત થવું, ને રસલ્હાણ લૂંટવી. તેઓ એક સુંદર પત્ર–લેખક (letter–writer) પણ છે. ‘મોતીના દાણા જેવા અક્ષરે’ અને કલાયુક્ત રીતે લખેલો તેમનો પત્ર ખૂબ ભાવવાહી નિવડે છે. આપણા ગુજરાતમાં આમ સુંદર અક્ષરથી, કલાયુક્ત, મુદ્દાસર તથા મધુર રીતે પત્રલેખન કરનારા વિરલ પુરુષોમાં શ્રી. ચંદ્રશંકરનું સ્થાન બેશક બહુ ઊંચું ગણી શકાય. તેઓ સાક્ષરમંડળમાં ભલે ‘ઉદ્બાહુ વામન’ લાગતા હોય, પણ યુવાનોના સંઘમાં તો તેઓ વિશાળ વટરાજ સમા શોભે છે. નડિઆદની સાચી નાગરી સંસ્કારિતા અને વિદ્વત્તાના તેઓ એકના એક બહુમાન્ય પ્રતિનિધિ હોય તેમ નડિઆદની નાગર કોમ પણ તેમના જેવાને લીધે વધુ વિખ્યાત બને છે. આવા અગ્રગણ્ય નડિઆદી, પ્રતિષ્ઠિત નાગર ને સ્નેહાર્દ્ર નાગરિકને કોણ વખાણે ?
‘સ્નેહ અને સેવા’ (Love and Serve) એ તેમનો મુખ્ય મુદ્રાલેખ છે. તેઓ કહે છે:–“હું નથી એવો સ્વાર્થી કે તમને એમ કહું કે ‘મ્હને ચાહો;’ એ તો તમારી મુનસફીનો સવાલ છે. પણ હું એટલી તો વિજ્ઞપ્તિ કરી શકું ને કે ‘મ્હને તો તમને સહુને ચ્હાવા દો ?’” બ્લેવેટ્સ્કી લોજમાં શ્રી. જ્યકરના પ્રમુખપદે ઉજવાયલા તેમના વનપ્રવેશ સમારંભ વખતના આ ઉદ્ગાર છે. સાહિત્યસેવા તેમજ સાર્વજનિકસેવા એ તેમની જંદગીનું ધ્યેય છે. વિવેચન તે તેમને મન ‘વાઙ્મય તપ’ છે; અને તેમાં કોઈનીયે અપ્રસન્નતા વહોરવી કે કોઈનું ય મન દૂભાવવું તેમને પસંદ જ નથી. શ્રીમદ્ ભગવદ્ગીતાના अनुद्वेगकरं वाक्यंના નિયમને તેઓ દૃઢતાથી પાળતા આવ્યા છે. વિવેચનક્ષેત્રમાં સદ્ગત નવલરામ તેમના આદર્શ છે. તેઓ એક ‘રાગદેશવિહીન’ પ્રચારક છે. દી. બ. કૃષ્ણલાલ ઝવેરીના મતે તેઓ પ્રથમ પંક્તિના લેખક, વક્તા ને કાર્યકર્તા છે, સ્વ. ઉત્તમામ ત્રિવેદી તેમને ‘સિદ્ધ વક્તા’ કહેતા, મનસુખરામ ત્રિપાઠી તેમના લખાણને સિદ્ધ સાક્ષરના જેવું ગણતા, અને આચાર્ય આનંદશંકર ધ્રુવ તેમને ‘વગર તૈયારીએ સારૂં બોલી શકનાર વક્તા’ તરીકે ઓળખે છે.
ચંદ્રશંકરભાઈ આમ વિવિધ સ્વરૂપે દેખાય છે. કાર્યકર્તા, વક્તા અને લેખક તરીકે જાહેર કાર્યકર્તા તરીકે તેમને માટે અગાઉ પૂરતું કહેવાઈ ગયું છે. વક્તા તરીકે તેમનામાં સચોટ ચિંતન, ચોક્કસ વિચારો, જોરદાર ભાષા, અને સમય તથા પ્રસંગને ઓળખવાની આવડત છે. વિષય પર તેમની દૃષ્ટિ અને રજુઆત તેમના અભ્યાસ કરતાં વધુ આકર્ષક હોય છે. તેઓ ભાષણ કરે છે ત્યારે અવાજ બુલંદ બને છે, વાણી મંદ ને ગંભીર વહે છે, ઉપાડ આકર્ષક ને રમુજી હોય છે, અને શૈલી છટાભરી ને મોહક બને છે. પ્રસ્તુત વિષય ઉપર મુદ્દાસર બોલતાં તેઓ પોતાના સિદ્ધ વક્તૃત્ત્વથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરે છે, અને પોતાના જ મતના બનાવી દે છે.
અને લેખક તરીકે પણ તેમની વિવિધતા ક્યાં ઓછી છે ? સાહિત્યને ઓવારેથી મુખ્યત્વે તો તેમને સાહિત્યસેવક તરીકે જ આ લેખકે નિરખવા રહ્યા, પણ ‘ઓવારેથી’ નિરખતાં નિરખતાં ચંદ્રશંકરના વ્યક્તિત્વનાં અનેક ઘડતરનાં અનેક અંગો પણ દૃષ્ટિમર્યાદામાં આવી ગયાં. તેઓ નિબંધકાર ને રેખાચિત્રકાર છે, કવિ અને વિવેચક છે, પત્રકાર અને નવલિકાકાર છે. તેમના લેખોમાં મનસુખરામની પાંડિત્યયુક્ત ભાષાની અને ગોવર્ધનરામની ‘બલવતી અને શિષ્ટ’ શૈલીની ઝાંખી થાય છે. તેમાં પ્રસાદ અને ઓજસ હોય છે, તથા માધુર્ય અને મનોહારિતા હોય છે. તેમનું લખાણ ‘સિદ્ધ સાક્ષરના જેવું’ લાગે છે; ને સહૃદયતા, ગુણગ્રાહિતા અને પ્રસન્નતાથી અંકિત હોય છે.
તેમની કવિતા મુખ્યત્વે પ્રચલિત રાગોમાં–દેશીમાં કે માત્રાબંધમાં–જ હોય છે, છતાં તે ‘પ્રસાદ અને માધુર્ય’ થી વાચકને મુગ્ધ કરે છે. પ્રભુશ્રદ્ધા, પ્રકૃતિપ્રેમ, સ્નેહભાવના અને રાષ્ટ્રભક્તિ તેના મુખ્ય વિષયો છે. તેમનાં પ્રખ્યાત સ્નેહગીતો ‘દંપતીજીવનનાં પ્રેરિત અને પ્રેરક’ છે. તેમનાં આ છૂટાંછવાયાં કાવ્યોનો ‘સ્નેહાંકુર’ અને ‘કાવ્યકુસુમાંજલિ’ નામે કૃતિઓમાં સંગ્રહ થયેલો છે. ‘એક રવિકિરણ પણ તેજઃપુંજ રવિ જેટલું જ ઉત્કૃષ્ટ છે’ એ માન્યતાએ તેમનાં અલ્પસંખ્યાંક કાવ્યો પણ બહુધા સાચા કવિત્વથી અંકિત છે. તેમાં દલપતરામની સરળતા ને પ્રવાહિતા છે, અને કલાપીની ભાવમયતા ને ઊર્મિલતા છે. તેમનાં સાદાં અને મીઠાં કાવ્યો ખરેખર મનોરંજક અને હૃદયસ્પર્શી છે, અને તેથી ખૂબ પ્રચાર પામે છે. ઇ. સ. ૧૯૩૦–’૩૨ના સત્યાગ્રહ સમયમાં તેમનાં કેટલાંક રાષ્ટ્રગીતો ખૂબ લોકાદર પામ્યાં હતાં, અને વ્યાપક રીતે કંઠસ્થ પણ થયાં હતાં.
પણ શ્રી. ચંદ્રશંકરના પોતાના મતે તો તેમની કલમ કાવ્ય કરતાં ગદ્યમાં વધારે તેજસ્વી છે. નિબંધ હોય કે વિવેચન હોય, તેમની શૈલી ગદ્યમાં ઠરેલ અને પ્રૌઢ, તથા સંસ્કારી અને સંયમવતી હોય છે. ક્વચિત્ તે ઉલ્લાસ અને ઉન્મેષ દર્શાવે છે, પણ ક્યારેય તે ઉન્માદ કે આવેશમાં તે નથી જ સરી પડતી, ‘સમાલોચક’માં અને અન્ય સામયિકોમાં તેમણે લખેલા લેખોમાંથી આજે પણ એક સારો લેખસંગ્રહ તૈયાર થઈ શકે. ધર્મ કે તત્ત્વજ્ઞાન, સાહિત્ય કે રાજકારણ: સૌ ઉપર તે મોહક રીતે લખી શકે છે. વેદ–મીમાંસા–પ્રચાર હોય કે સરસ્વતીચંદ્રસ્વાધ્યાય–સત્ર હોય, ગમે તે ઉપર અને ગમે ત્યારે તેઓ મુદ્દાસર લખી શકે છે. પત્રકાર ને રેખાચિત્રકાર તરીકે પણ તેઓ ઠીક ઠીક જાણીતા છે. નિબંધ અને વિવેચનમાં પણ ગહનતા અને ગુણગ્રાહિતાથી તેઓએ પોતાની કલમ આકર્ષક રીતે ચલાવેલી. પંડિત ગુરુદત્ત વિદ્યાર્થીનું જીવનચરિત્ર અને બીજા કેટલાક શાસ્ત્રીય લેખોદ્વારા તેમણે ગુજરાતી ભાષાને કેટલાયે પારિભાષિક અને સુયોગ્ય શબ્દો આપ્યા છે. મૂળ ‘બે પ્રેમકથાઓ’માંથી વિકાસ પામેલી ‘પાંચ પ્રેમકથાઓ’ તેમના જ વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. આ વાર્તાઓમાં પણ સાક્ષરતા, ધીરતા ને શિષ્ટતા જ નજરે પડે છે. ઉન્માદ, આવેશ કે તોફાન બહુ જ થોડાં; અને હોય ત્યાંયે મર્યાદિત અને સંયમયુક્ત, ભાષા પર તેમના ગદ્યલેખોનાં કેટલાંક લક્ષણો આ વાર્તાઓમાં યે આવે છે. ‘સર્જક રાજપુરુષ ગગા ઓઝા: એક અંજલિ’ અને આવા કેટલાક પ્રકીર્ણ લેખોની શૈલી પ્રમાણમાં વધુ વિશદ ને મનોરંજક લાગે છે.
આ તેમની સાહિત્યસેવાનો મુખ્ય સમુચ્ચય. તેમના જાહેરજીવનના રંગ પ્રમાણે તેમના લેખોના પણ રંગ બદલાતા ગયા છે. તેમનાં સ્નેહ ને સેવા, રસિકતા ને ગુણગ્રાહિતા ઇ. સ. ૧૯૧૮ સુધી અને ત્યાર પછીયે લગભગ દશકા સુધી મર્યાદિત ને પ્રશંસાપાત્ર હતાં, તેમના વ્યક્તિત્વમાં તેમજ લેખોમાં. પરપ્રશંસાનો અતિરેક નહિ, ગુણદર્શનમાં મર્યાદાભંગ નહિ, કલ્પનામાં સુરુચિનો ત્યાગ નહિ, અને આત્મશ્લાઘાનો ઉદ્ગાર નહિ. પણ પૂર્વે કહ્યું છે તેમ દમના રોગથી તેમની શક્તિઓ ક્ષીણ થવા લાગી, છતાં જાહેરજીવનનો શોખ અને યશવાંછા તો તેમનામાં હતાં તેનાં તે જ રહ્યાં. પરિણામે તેઓ વાણીથી, કલમથી અને કાર્યથી બંનેની પાછળ ઘસડાવા લાગ્યા. આજ લક્ષણ તેમના છેલ્લા દશકાની સર્વ પ્રવૃત્તિઓનું રહસ્ય બને છે.
સામાન્ય માનવી માત્રમાં અમુક ગુણો ઈશ્વરદત્ત હોય છે જ; તેના સામાન્ય ગુણોની કથા કરવી કે આખ્યાન રચવું તેમાં શું ઔચિત્ય હશે ને શી સાહિત્યસેવા હશે ? અસામાન્ય ને અનુકરણીય ગુણોનું દર્શન એ જ સાચું ગુણગ્રાહિત્વ છે; બાકી બીજું બધું તો અનુચિત પ્રશંસામાં, અતિશયોક્તિમાં કે ભાટાઈમાં સરી પડે છે. “હું તો સર્વ દેવોને નમસ્કાર કરીને કૃતકૃત્ય થનારો ગુણગ્રાહી વિવેચક છું,” એમ કહેનાર ચંદ્રશંકરભાઈએ સાચા દેવત્વને જ વખાણવાની વિવેકદૃષ્ટિ દાખવી હોત તો ? તેઓ ચતુરાઈથી આ હકીકત વેળાસર સમજી શક્યા હોત તો ? તેમના પરપ્રશંસાના મોહમાં કાળબળે પ્રચ્છન્ન અહંભાવ દેખાવા લાગ્યો, અને અહંભાવમાંથી દુરાગ્રહ ને સંકુચિત દૃષ્ટિ ઉદ્ભવ્યાં. ઔદાર્ય ઓસરતું ગયું, ને વિચાર વિશાળતા ઘટતી ગઈ. અંતે, નર્મદની, ગોવર્ધનરામની, ખબરદારની, ન્હાનાલાલની, અને એવા અનેકની જયંતીઓનું નિમિત્તકારણ બનનાર પોતે અસ્મિતાના કર્દમમાં કળી ગયા. તેમની અર્ધશતાબ્દીના વાતાવરણે વિરોધના સૂર જગાવ્યા, ને તેમનો ‘વન–પ્રવેશ’ તે પંડ્યાજીના ‘જંગલ–પ્રવેશ’ તરીકે ઉપહાસપાત્ર બન્યો. આથી તેમના સ્નેહીઓ સાશ્ચર્ય ખેદ અનુભવે છે, અને પ્રશંસકો વિષાદ–વિહ્વળ બને છે. એક વખતના ઉન્નત માનવીની આ પ્રત્યાઘાતી મનોદશા ! કેટલેક સ્થળે તેમને માન અપાયાં ને તેમની યશોગાથા રચાઈ. સંસ્કૃત ભાષામાં પણ તેમની પુષ્કળ પ્રશંસા થઈ. પણ બહુધા તો આ પ્રસંગે પ્રેક્ષકોમાં ગંભીરતા કરતાં તમાશા–વૃત્તિ વધુ બળવાન હતી. તેમના ‘વન–પ્રવેશ’નો આનંદ પ્રસંગ આમ વિરોધીઓના હાથે ‘વિવાદ-વિષથી ક્લુષિત’ થયો. જેવી તેમની ઈચ્છા અને પરમાત્માની પ્રેરણા !
“મોકલ મોકલ પ્રભુ કો વ્યક્તિ ગુજરાતી જગવાણી કરે,
મોકલ મોકલ કો એ જ્યોતિ જગત તિમિર તો તૂર્ત હરે,
સારસ્વત સન્દેશ એ મોકલ સૈકાં કેરી સુસ્તી હરે,
સ્થાન સ્થાનમાં સ્કુર્તિ સ્ફુર્તિ પ્રેરી પ્રેરી સજીવ કરે.
XXX
માતૃભાષા એવી કરશું જગમાંફરતી મદમાતી.”
ઉપરની પ્રેરક પંક્તિઓના સર્જક શ્રી. ચંદ્રશંકર તેમની શિથિલ પ્રકૃતિને લીધે અનેકધા ન વિચરતાં કેવળ સંગીન સાહિત્યસેવા ય કરી શક્યા હોત તો કેવું સરસ ! વારંવાર મહીનાઓ સુધી તેઓ ભાવ–ભીના ભાવનગરમાં પટ્ટણી સાહેબના મોંઘેરા મ્હેમાન કે રાજ–અતિથિ તરીકે રહ્યા, પણ છતાંયે ત્યાંના મર્હુમ મહારાજા ભાવસિંહજીનું જીવનચરિત્ર તેઓ ન આપી શક્યા; અને આ મુખ્ય કાર્ય ખોળંબે પડતાં જન–પ્રવાદનું પંખીરૂં તેમને માટે કૈં કૈં બોલવા લાગ્યું. અમદાવાદમાં સદ્ગત સર લલ્લુભાઈ આશારામ શાહનું જીવનચરિત્ર લખવા તેમના બંધુ શ્રી. મૂળચંદભાઇને ત્યાં તેઓ મ્હેમાન તરીકે રોકાયા, પણ ત્હોયે તે હેતુ બર ન આવી શક્યો. તબિઅત જોઈને જ તેમણે આ કાર્ય માથે લીધાં હોત, અથવા તો પ્રથમથી જ તે વિશે સ્પષ્ટ ઈનકાર કર્યો હોત તે તેઓ આપણા વધુ માનપાત્ર બનત. સત્યાગ્રહસમયે તેઓ મુંબઈના સરમુખત્યારોનાં રેખાચિત્રો ‘વીસમી સદી’ કે ‘બે ઘડી મોજ’માં પ્રસિદ્ધ કરવા લાગ્યા, ને તેમાં જનતાને અતિશયોક્તિ થતી લાગી. આવું એક રેખાચિત્ર ‘વીસમી સદી’માં તાજુંજ પ્રસિદ્ધ થયું હતું. અમદાવાદ, સાંકડી શેરીમાં આવેલી સાર્વજનિક લાયબ્રેરીમાં પ્રાતઃકાળે હું છાપું વાંચતો બેઠો હતો. એક ભાઈ તે સમયે આ રેખાચિત્ર વાંચતાં વાંચતાં પાસે થઈને જ પસાર થતા એક લારીવાળાને જોઈને, અન્ય વાચકને કહેવા લાગ્યા: “અરે, ચંદ્રશંકર તો આવતી કાલે આ લારીવાળાનું ય રેખાચિત્ર આપશે !” તેમના વિષેના લોકમતનો આ એક નમુનો છે; મારો અંગત અભિપ્રાય બાજુએ રહ્યો.
અને તેમની શૈલીમાં અતિશયોક્તિ ઉપરાંત અસ્મિતા પણ વધતી જ જાય છે. તેમની ભાષામાં અનુપ્રાસ માટે ઉભરાતો શોખ ઘણી વખત મધુરતા અને મનોહરતા સાધે છે, તો ક્વચિત્ તે પંડિતાઈ, કૃત્રિમતા કે કઠોરતાનો ભેગા થઇ પડે છે. ‘સરસ્વતીચંદ્ર–સ્વાધ્યાય–સત્ર,’ ‘પુરાણ–પારાયણ–પ્રારંભ,’ ‘પુષ્ટિમાર્ગીય પુસ્તકાલય–પ્રદર્શન’ પતાવીને, ઇત્યાદિ તેનાં સારાં ખોટાં ઉદાહરણો છે. સ્વાભાવિકતા ને સરલતાના ભોગે માધુર્ય સાધવાની આ મનોવૃત્તિ કેટલે અંશે પ્રશસ્ય હોઈ શકે ?
ગાંધીજીને ય તેમની ત્રુટિઓ માટે પડકાર દેનાર, ને તેમના ગુણોને પૂજ્યભાવ કે મર્માળા હાસ્ય વડે અલૌકિક ને આકર્ષક માનનાર ચંદ્રશંકરભાઈ સત્યાગ્રહ સમયે કેવળ રેખાચિત્રો ને થોડાંક કાવ્યોની સાહિત્યસેવાથી જ કેમ સંતુષ્ઠ રહ્યા હશે ? રાજકારણ માટેનો તેમનો રસ ત્યારે સાહિત્યમાં જ શું અંતર્ગત થઈ ગયો, ને તેને વ્યક્ત થવાના અન્ય માર્ગ જ ન મળ્યા ? લોકવાણી ભલે આવો સંશય ધરાવે, પણ તેમની શિથિલ પ્રકૃતિ જોતાં આ વિના અન્ય શું સંભવી શકે ? પણ એટલું તો ખરૂં જ કે દેશના સાર્વજનિક યજ્ઞમાં જ્યારે અનેક કીમતી આહુતિઓ અપાતી હોય ત્યારે તેમને માટે જીવનચરિત્રો લખવાનો કે સર પ્રભાશંકર સમા મુત્સદ્દી મંત્રીની મીઠી મૈત્રી સેવવાનો તો અવસર ન જ હોય ! પણ બીમારી એ કેટકેટલી પરવશતા, અમુંઝણ, અને હૃદયવ્યથા ઉત્પન્ન કરે છે, તેનો વાચક જો ખ્યાલ કરે તો આ રોગગ્રસ્ત માનવી તરફ તે સાચી સહાનુભૂતિ દાખવવા પ્રેરાશે, ને તેમને અન્યાય નહિ કરે. લોકમત એ હંમેશાં કાંઈ સાચું હોકાયંત્ર નથી, ને લોકવાણી તે કાંઈ ન્યાયમંદિરનો નિર્મળ ચૂકાદો નથી. ચંદ્રશંકરભાઈનો દમિયેલ દેહ, તેમની પરવશ સ્થિતિ ને તેમની કૌટુંબિક ચિંતાઓ ધ્યાનમાં લેતાં હરકોઈ સહૃદય માનવીને તેમના તરફ કેવળ અનુકંપા જ ઉપજે ! તેમનાં સંસ્કારી અને સંગીત–કુશળ પત્ની શ્રીમતી સુધા બ્હેન પણ પોતાના આ સૌભાગ્યચંદ્રને કેટલીયે સુધાથી હર્ષપ્રફુલ્લ રાખે છે. જગતમાં સુધાવિહોણો ચંદ્ર કેટલો નિસ્તેજ ને નિર્માલ્ય લાગે ?
અને દર્દથી ઘેરાયેલો અને દુઃખમાં ડૂબેલો પુરુષ શું શું અનિષ્ટ નથી કરતો ? એક વખતના ઉદાર યજમાનનું આજે અન્યની મહેમાનગીરી માણતાં સ્વમાન જોખમાય છે, ને તે વિષેની કિંવદન્તી ફેલાય છે. જાહેરજીવનમાં અનેકનાં આમંત્રણ મેળવનારને નડિઆદમાં સરસ્વતીચંદ્ર–સ્વાધ્યાય–સત્રના પ્રવચન–પ્રસંગે અનેક જણે પ્રમુખપદ લેવા ઈનકાર કરે છે; એક વખતના પ્રસિદ્ધ પત્રકાર અને પત્રકાર–મિત્રને હાથે વેદ–મીમાંસા–પ્રચાર–પ્રવૃત્તિ વિશે લખાયેલાં નિવેદનો વર્તમાનપત્રોમાં પ્રગટ પણ નથી થતાં; અને અનેક સાક્ષરોનો મમતાપત્ર બનેલો માનવી તે તે સાક્ષરોના હાથે જ ગૂઢ ઉપેક્ષા અને અનાદર પામે છે ! આવી અપ્રિય ઘટનાઓનાં ઉદાહરણો ઇષ્ટ નથી. આ બધી સમયની બલિહારી છે; ને વિધિનાં નહિ, પણ વ્યાધિનાં વિધાન છે !
શ્રીયુત પંડ્યા તેમની સ્વાભાવિક ‘પટુતા’ વડે હજુ એટલેથી યે ચેતે, અને દર્દનો આનંદથી સામનો કરવામાં તથા પ્રકૃતિ સુધારવામાં જ સર્વ શક્તિઓ કેન્દ્રિત કરે. એક વખતનો પાણીદાર ને પ્રતિભાશાલી પુરુષ રોગગ્રસ્ત બનતાં આજ અહંભાવી બનતો જાય છે, ને અશક્ત થતાં તેમની ભૂતપૂર્વ સેવા ને શક્તિઓથી અપરિચિત રહેલી જનતાના ઉપહાસને પાત્ર બને છે. તન, મન અને ધનથી ઘસાતા જતા ચંદ્રશંકરભાઈ આજે લોકસંઘના પ્રહારને કે પત્રકારોના પરિહાસને પાત્ર નછી. કેવળ અનુકંપા અને સંપૂર્ણ સહાનુભૂતિ જ બતાવી વાચક કૃતકૃત્ય બનશે. કેવી ભૂતપૂર્વ મહત્તા ને કેવી આધુનિક અધોગતિ ? પરમાત્મા તેમને તેમની સહજ શક્તિઓ પુનઃ સંપૂર્ણ પ્રગટાવવા જેટલું સુખદ સ્વાસ્થ્ય અને દીર્ઘ આયુષ્ય અર્પે ?❋[૧] પણ આ આશા વિધિની દુઃખદ ઘટના આગળ આજે નિષ્ફળ નિવડી છે.
- ↑ ❋ આ લેખની કેટલીક હકીકતો રૂબરૂ પૂરી પાડનાર ચંદ્રશંકરભાઈના અવસાનની આજે સખેદ નોંધ લેવી પડે છે. પ્રસ્તુત લેખની શાહી જ્યારે સુકાઈ પણ નથી, અને લેખ જ્યારે તાજો જ મુદ્રણયંત્ર ઉપર જવાની તૈયારીમાં છે, ત્યારે આ લેખનાયકના અવસાનના સમાચાર સાંભળી લેખક પણ એકાએક શોકગ્રસ્ત થાય છે, વિશેષે તો તેના પોતાના સદ્ગત સાથેના અંગત ગાઢ સ્નેહસંબંધને લીધે. ચંદ્રશંકરભાઈ પોતે આ લેખ વાંચશે, એમ મારી તીવ્ર ઇચ્છા હતી. પણ સર્વભક્ષક કાળની સત્તા આગળ આજે આ હવે અશક્ય બન્યું છે. લેખમાં, છેલ્લા વાક્યના ઉમેરા વિના, આ અવસાનપ્રસંગ પછી યે કોઈપણ જાતનો ફેરફાર કરવો મને જરૂરી નથી જણાયો; કારણકે લેખ ચંદ્રશંકરભાઈની હયાતીમાં જ લખાયો હોવા છતાં, વિવેક, સંયમ, સદ્ભાવ અને ગુણદર્શનનાં તત્ત્વોથી અંકિત થયેલો મને લાગે છે. તેથી પ્રસંગોચિત કે ઉપચારયુક્ત વધુ સહાનુભૂતિ દર્શાવ્યા વિના લેખને તેના સ્વાભાવિક સ્વરૂપે જ અત્ર પ્રસિદ્ધ કર્યો છે, અને આમ તેને ‘અર્ધ્ય’ના બીજા ખંડમાં ન ખસેડતાં તેના અસલ સ્વરૂપે ‘અવલોકન’માં જ રાખ્યો છે.—કર્તા