સાહિત્યને ઓવારેથી/શ્રી. રામનારાયણ વિ. પાઠક
← દી. બ. નર્મદાશંકર મહેતા | સાહિત્યને ઓવારેથી શ્રી. રામનારાયણ વિ. પાઠક શંકરલાલ શાસ્ત્રી |
શ્રી. ચંદ્રશંકર ન. પંડ્યા → |
શ્રી. રામનારાયણ વિ. પાઠક
સાહિત્ય–આલમની અમીરશાહીને ઉચ્છેદનાર અને સાહિત્યની ઝારશાહીનો પણ સામનો કરીને પ્રકાશમાં આવનાર એ રામનારાયણભાઈને કયો યુવાન વાચક નથી ઓળખતો ? સને ૧૯૨૦–૨૧માં અસહકારયુગે ગુજરાતને રામનારાયણભાઈ આપ્યા. વકીલાતને છોડી તેમણે સરસ્વતીનું શરણું શોધ્યું; અને વિદ્યાપીઠે તેમને પાળ્યા, પોષ્યા અને પ્રકાશમાં આણ્યા.
‘કાવ્યસમુચ્ચય’ એ તેમની સાહિત્યપ્રવૃત્તિનું તે યુગનું પ્રથમ મનોહર ફળ, અધ્યાપક રામનારાયણ વિદ્યાપીઠમાં વિવેચક તરીકે મિત્ર સમા શિષ્યો સાથે સમભાવે ચર્ચા કરતા; અને ત્યારથી માંડીને વકીલાત અને વનિતાનો સાથ છોડનાર એ રામનારાયણ ભાઈએ કવિતાદેવીનાં વિવિધ સ્વરૂપે દર્શન કર્યાં. તેમણે ન્યાયને નિરખ્યો, અલંકારને અપનાવ્યો, જૈન અને બૌદ્ધ ધર્મનો સમભાવે અભ્યાસ કર્યો, ‘યુગધર્મ’માં સાહિત્યનો યુગ–મહિમા ગાયો, અને આમ ધીમે ધીમે શાંત પણ સ્થિર ગતિએ સાહિત્યની ઘણી દિશાઓ આવરી લીધી. ટુંક સમયમાં જ તેઓ ભાષાશાસ્ત્રમાં રસ લેતા ને શબ્દકોશનાં સ્વપ્ન સેવતા થયા. ‘કાન્ત’ને તેમણે પોતાની મર્મગ્રાહી સમાલોચનાથી વધુ કમનીય બનાવ્યો; અને પ્રાચીન વિદ્યાનો અભ્યાસ કરી તેમણે ‘પુરાતત્ત્વ’માં પણ ફાળો આપવો શરૂ કર્યો. પણ તેટલાથી કાંઈ સંતોષ થાય ? તેમણે કાવ્યો અને વાર્તાઓ શરૂ કર્યાં, અને ગૂઢ રહેલી કેટલીયે ભાવનાઓને ભાષાબળે વ્યકત કરી. અધ્યાપક પાઠક ત્યારે સાહિત્યની જેમ વ્યવહારમાં પણ પોતાના મિષ્ટ વિનોદ અને મર્માળા હાસ્યથી વિદ્યાપીઠના કેટલાયે વિદ્યાર્થીમિત્રોને મુગ્ધ કરતા. કારણવશાત્ તેઓ વિદ્યાપીઠમાંથી છુટા થયા, પણ ત્હોયે તેમની વિદ્યાપીઠ તરફની મમતા તો એક ને અખંડિત જ રહી. અમદાવાદના કલાપ્રદર્શનથી કલારસિક જનતાને પણ રામનારાયણભાઇની કેટલીએ રસવૃત્તિઓ ને અનેરી શક્તિઓની જાણ થઈ; અને એકાંતપ્રિય આ અધ્યાપક પોતે જ એક પ્રદર્શનને વિષય થઈ પડ્યા. ત્યાર પછી તો તેમની ગુણપૂજાએ અને વિદ્વત્તાવર્ચસે કેટકેટલા સાહિત્યભક્તોને તેમની તરફ આકર્ષ્યા; ને શ્રી તથા સરસ્વતીના જેવો પરસ્પર વિરોધ રાખતા કેટલાયે સાહિત્યવીરો એકી સાથેજ રામનારાયણભાઈના પ્રશંસક બન્યા. તેવામાં જ ‘યુગધર્મ’ને યુગબળોએ ઝડપ્યું; અને તેની ખોટ શ્રી. પાઠકે ‘પ્રસ્થાન’થી પૂરી પાડી.
પણ આ બધી વિગતોનો અંત ક્યાં આવે ? સદા સરળ લેબાસમાં ફરનાર એ અધ્યાપક પાઠકને અનેક નાના મોટા કોલેજ–વિદ્યાર્થીઓ ગુરુ તરીકે–વડીલ તરીકે–અનહદ માન આપતા થયા. સાહિત્યસૃષ્ટિમાં અર્ધદગ્ધ પ્રયત્ન કરનાર બિચારા યુવકની જ્યારે ઉગતી આશાઓ વિદ્વત્તાના તેજથી ડારતા અને પ્રચંડ, મહાકાય લાગતા એ સાહિત્યસાક્ષરો આગળ ચૂર્ણ થતી લાગે ત્યારે સહેજે તેની નજર રામનારાયણભાઈ તરફ ઢળે. અધ્યાપક રામનારાયણ એટલે રાષ્ટ્રીયતા અને સાહિત્યપ્રવૃત્તિનું રસાળું સંમિશ્રણ. લોકસેવા ને સાહિત્યસેવા, રાષ્ટ્રસેવા ને સરસ્વતીસેવા એ બંનેને જીવનમાં તેમણે એકઠી વણ દીધી; અને આ ભાવનાઓથી જ રંગાઈ તેમણે સમગ્ર શક્તિઓ રાષ્ટ્રપોષક સાહિત્ય પાછળ ખર્ચી. ‘પ્રસ્થાન’ના તંત્રીપદે તેમની આકરી કસોટી કરી, અને તેમાં તેઓ વારંવાર ‘સ્વૈરવિહારી’ ને ‘દ્વિરેફ’, ‘રા.’ અને ‘રામનારાયણ’ની વિવિધ સંજ્ઞાએ લેખક તરીકે પ્રકાશતા. સાહિત્યપરિષદે અને ગુજરાત સાહિત્યસભાએ પણ તેમનું સાહિત્યવર્ચસ્ પિછાણ્યું; અને તે તેજ મુંબઈયુનિવર્સિટીને પણ પરીક્ષપદ માટે સ્વીકાર્ય થઈ પડ્યું. રામનારાયણભાઈ પુસ્તકાલય પ્રવત્તિના પણ તેટલા શોખીન; ને તેનાં કલ્યાણકારી તત્ત્વ તેમણે સોજીત્રાના પુસ્તકાલય સંમેલન વખતે જાહેર કર્યાં. આ બધી વિવિધ પ્રવૃત્તિઓને લીધે જનતાએ તેમને નડિઆદની સાહિત્યપરિષદ્ વખતે સાહિત્યવિભાગના પ્રમુખપદથી નવાજ્યા. અન્ય સાહિત્યવીરો જ્યારે વિદેશીય કે અવનવા ને ઝળહળતા દેશી પોષાકમાં સજ્જ થઈ સાહિત્યમંડપને દીપાવે, ત્યારે પણ પ્રમુખપદને વરેલા પાઠક તો સાદા ખાદીના પોષાકથી ત્યાં પોતાને નિરભિમાન વ્યક્તિત્વની નિરાળી ભાત પાડતા. કેટલાય જૂના યુવાન વિદ્યાર્થીઓની સાથે તેઓ ઘડીકમાં સસ્મિત મીઠો વાર્તાલાપ કરતા હોય, તો ઘડીકમાં તેઓ સાહિત્યની ઉમરાવશાહીના વાતાવરણમાં ફરતા હોય. સાહિત્યના આમવર્ગ અને ઉમરાવવર્ગના સેતુ જેવા અધ્યાપક પાઠક ત્યારે કેટકેટલાયનું હૃદય પારખતા અને મન સમજતા.
સાહિત્યવિભાગના સંમેલન વખતે શ્રી. પાઠકની લોકપ્રિયતા સહેજે જણાઈ આવી. ઇતિહાસ અને વિજ્ઞાનવિભાગના કરતાં સાહિત્યવિભાગમાં વધુ શ્રોતાઓ હતા; અને તે વિભાગની લોકશાહીનું (Democracy) તો પૂછવું જ શું ? દરેકને પોતાની દરખાસ્ત કે સુધારો મૂકવાની ને તે ઉપર ચર્ચા કરવાની સંપૂર્ણ તક મળતી; અને દરેકનું રામનારાયણભાઈ ધ્યાનપૂર્વક સાંભળી ઠરાવનું ચોક્કસ અને સર્વને સંતોષકારક સ્વરૂપ ઘડી કાઢી કામ આગળ ચલાવતા. પરિષદ્નો યુવકવર્ગ તો તેમને જ વધુ સન્માનતો. પણ આ બધાં સચિકર તત્ત્વો વચ્ચે પ્રમુખપદેથી રામનારાયણભાઈએ આપેલું શાસ્ત્રીય ભાષણ સામાન્ય શ્રોતાઓને તો નરી વિદ્વત્તાની નાદીરશાહીથી ભરપુર લાગ્યું.
રામનારાયણભાઈને યાસ્કનું નિરુક્ત ગમે, ભાષાશાસ્ત્રની નીરસ સૂક્ષ્મતાઓ પસંદ પડે, અને વ્યુત્પત્તિમાં પણ મઝા પડે; નવાં કાવ્યો વાંચે અને વિચારે, છતાંયે પ્રેમાનંદ અને દયારામ પણ તેમની નજર બહાર ન હતા. પ્રેમાનંદ ઉપર પોતાનો ઊંડો અભ્યાસ તેમણે વડોદરામાં વ્યક્ત કર્યો. અને કાવ્ય તો તેમના અભ્યાસનો ખાસ વિષય છે એમ તેમનાં જાહેર ભાષણો પણ પૂરવાર કરે છે. આમ આ સાહિત્યભક્તે શું બાકી રાખ્યું છે ?
રામનારાયણભાઈ એટણે સાહિત્યફકીર. જરૂરીઆત પૂરતું દ્રવ્યોપાર્જન કરી તેઓ સાહિત્યસેવામાં જ મશગુલ રહેતા; અને આવી સાહિત્યોપાસના તેમને કેવળ એક અપ્રાપ્ય ભાવના જ ન હતી. સાહિત્ય એ જીવનનો એક વિભાગ, ને રાષ્ટ્રસેવા એ જુદો વિભાગ, એમ તેમણે કદી જાણ્યું જ નથી. બારડોલીયુદ્ધની સમાપ્તિ પછી ત્યાં ખેડુતો તરફના પુરાવા એકઠા કરવામાં અને બીજાં રચનાત્મક કાર્યોમાં તેમનો સારો હિસ્સો હતો; અને આ રાષ્ટ્રસેવા કરતાં કરતાં જ તેમણે રાનીપરજની ભાષા, રીતરિવાજ, જીવનવ્યવસાય વગેરે ઉપર પ્રકાશ નાખે તેવો એક મનનીય લેખ લખ્યો. આમ સાહિત્યસેવામાં પણ રાષ્ટ્રસેવા એ જ તેમનું ધ્યેય હતું.
શ્રી. રામનારાયણભાઈની ‘દ્વિરેફની વાતો’ પ્રગટ થઈ, અને તેમની વિવિધ શક્તિઓ વ્યક્ત થતી ગઈ. વાર્તાલેખન તે તેમની ‘મુખ્ય પ્રવૃત્તિ’ કે ‘ઈષ્ટ પ્રવૃત્તિ’ નથી, ‘પણ માથે પડ્યું માણસ શું નથી કરતો ?’ સંસારનું અવલોકન, જનમાનસનું નિરૂપણ, વિવિધ રૂપે વ્યક્ત થતું મર્માળું કે સોપદંશ હાસ્ય સચોટ ને સંક્ષિપ્ત પાત્રાલેખન, અને વાર્તાની પોતાની સજીવતા તથા સહેતુકતા: આ સૌ ગુજરાતી નવલિકાસાહિત્યમાં અનોખી ભાત પાડે છે. ગંભીર અને એકલવાયા, સાદા અને સાધુ સમા લાગતા રામનારાયણભાઈમાં આટલી ને આવી રસિકતા, હાસ્યવૃત્તિ કે અવલોકનશક્તિ કોણ કલ્પી શકે ? તેઓ સમર્થ વિવેચક ને સુવિખ્યાત પત્રકાર છે; પુરાવિદ ને તર્કકોવિદ છે. તેઓ વિદ્યાર્થીપ્રિય અધ્યાપક ને ભૂતપૂર્વ વકીલ છે, સમાજચિંતક ને રાષ્ટ્રસેવક છે, કેળવણીકાર ને આલંકારિક છે, તથા નિબંધકાર ને ‘શેષ’–પદધારી કવિ છે. તેમના એકાકી જીવનમાં કેવાં વિવિધ સ્થળો ને કેવા વિવિધ ભાવો રસ પૂરતાં હશે ને હૃદયને આર્દ્ર કરતાં હશે ? વિશેષમાં, તેઓ સમર્થ વિચારક અને ધીર વક્તા છે. તેમની મૌલિકતા–વિચારની તેમજ લેખનની–સવત્ર ભાત પાડે તેવી હોય છે.
તેઓ અભ્યાસી અને અવલોકનકાર બંને છે. સાહિત્યસેવા અને જનસેવા ઉભયમાં તેઓ રાચે છે, ને સક્રિય સાથ આપે છે. તેઓ કેવળ વિદ્વાન જ નથી, પણ વિશિષ્ટ કાર્યકર્તા યે છે. ‘પ્રસ્થાન’ની પ્રગતિમાં અને લોકપ્રિયતામાં શ્રી. પાઠકનો મહામૂલ્યવાન ફાળો છે. ‘પ્રસ્થાન’ને તેમણે પોતે પ્રગટાવ્યું, પાંગરાવ્યું ને પ્રફુલ્લ કર્યું. તેમની ઘણીયે સાહિત્યશક્તિઓ ને વિચાર–વલણો આ સામયિક દ્વારાજ જનતાને જાહેર થયાં છે. વિશેષમાં, રાજકારણ, સમાજ, કેળવણી, ધર્મ ઈત્યાદિ ઉપરના તેમના લેખો ને ખાસ કરીને તે ‘સ્વૈરવિહાર’ માટે ગદ્ય–સાહિત્યમાં તેમનું સ્થાન ચિરકાળ ટકી રહેશે.
તેઓ ગાંધીજીના પરમભક્ત, પ્રશંસક ને અનુયાયી હતા, અને આજે પણ છે. રાષ્ટ્રના–માતૃભૂમિના–આહ્વાન સમયે સાહિત્યસુંદરી તેમને જેલમાં જતાં રોકી શકી નહિ. ‘મા’ની હાકલને માન આપવું તે પણ તેમને મન સાહિત્યસેવા જ હતી. તેમને સાહિત્યસેવા ગમે છે, કારણકે તેમને રાષ્ટ્રસેવા પ્રિય છે; અને આમ રાષ્ટ્રભક્તિના ઉત્તમ સાધન તરીકે જ સાહિત્ય તેમને આકર્ષે છે.
કોઈ ભરવાડણ કે મારવાડણ પોતાના બુલંદ અવાજે ગીત રેલાવતી જતી હોય, કે કોઈ ભિખારૂ મનોહર સ્વરે લોકગીત લલકારતું આવે, તો રામનારાયણભાઈ તે સાંભળીને લખી લેવામાં પણ સાહિત્યસેવા જ નીરખે છે; અને આમ ઘણીયે વાર કેટલુંક લોકસાહિત્ય ટપકાવી લે છે. આડંબર વિનાની મૂકસેવા એ જ તેમનું જીવનવ્રત છે.
એવા મહાત્માજીના મહાન પ્રશંસકે એ ગાંધીયુગની પ્રેરણા ઝીલી અને તેમને અનેકશઃ પ્રગટાવી. એ સંત તરફના પોતાના અમાપ આદરભાવને લીધે તેમણે કવિ ન્હાનાલાલ અને બીજા કેટલાય સાથેના સ્નેહસંબંધ જતા કર્યા; કારણકે મોટાઓની નિંદા કરનાર એકલા જ નહિ, પણ તે નિંદાને સાંભળનાર પણ પાપી બને છે એમ તેઓ સારી રીતે સમજતા. સંક્ષેપમાં, આ યુગનાં પાન કરી તેમણે સાહિત્ય રાષ્ટ્રહિત–ઉપકારક બનાવ્યું. તેવા આ, હમણાં જ ‘પ્રોફેસર’–પદ પામેલા, અને કરાંચીમાં સાહિત્યવિભાગના પ્રમુખ તરીકે ફરીથી ચૂંટાયેલા, વિચાર અને વર્તનની એકતા સેવતા, સાહિત્ય અને રાજકારણની ભિન્નતાના પડદા ચીરતા, સાદા છતાં યે જ્યોતિ–ભર્યા, ગંભીર છતાં યે માર્મિક હાસ્યવાળા સાહિત્યભક્તને આપણાં વંદન હો !