સાહિત્ય અને ચિંતન/ગુજરાતી સાહિત્યની ઉણપો

← કવિતા સાહિત્ય અને ચિંતન
ગુજરાતી સાહિત્યની ઉણપો
રમણલાલ દેસાઈ
નાટક →



ગુજરાતી સાહિત્યની ઉણપો

સાહિત્ય એ જ જીવનનું સાચું પ્રતિબિંબ હોય તો જેટલી ખામી જીવનમાં એટલી સાહિત્યમાં. આપણે આપણો વાંક ન કાઢીએ. આપણને ઘડનાર વાતાવરણને પ્રથમ દોષ જોઈ લઈએ. આપણને ગુજરાતીઓને ઘડનાર કયાં કુદરતી બળા હશે ?

ગુજરાતી ભાષાને ઘડનારી બે મુખ્ય શકિતઓ તે ઈતિહાસ અને ભૂગોળ.

ઈતિહાસની દષ્ટિએ ગુજરાતી જીવનમાં બે વિશિષ્ટતાઓ જોઈ શકાય છે :

૧ લગભગ તેરમી સદીના અંતથી તે વીસમી સદીના મધ્યભાગ સુધી ગુજરાતનું રાજકીય જીવન મુખ્યત્વે પરતંત્ર જ રહ્યું છે, અને જો કે ગુજરાતી સુલતાનોએ ગુજરાતનું સ્વાભિમાન સાચવના મથન કર્યું છે છતાં દોઢ બે સદીની ગુજરાતની મુસ્લિમ સ્વતંત્રતા પણ સોળમી સદીથી – એટલે અકબરના સમયથી–અસ્ત પામી ગઈ. નાનાં નાનાં રાજપૂત રાજ્યો અને ઠકરાતોનું સ્થાનિક સ્વાભિમાન અમુક અંશે ઉગ્ર હશે ખરું; પરંતુ એથી સમસ્ત ગુજરાતને વેગ આપતી કોઈ જોરદાર ઊર્મિ જાગ્રત ન થઈ. મરાઠા અને શીખ ઈતિહાસ જેવા સમસ્ત હિંદને આવરી લેવાની શક્તિ ધરાવતાં, ધાર્મિક, રાજકીય કે રાષ્ટ્રીય આંદોલનો ગુજરાતમાં જાગ્યાં નહિ અને પરિણામે ગુજરાતી ભાષામાં ઝોક, આઘાત, કઠોરતા, મર્દાનગીસૂચક ઉચ્ચારણને અંશત: અભાવ જોવામાં આવે છે. કાઠિયાવાડી લઢણમાં અમુક અંશે ઝોક છે ખરી, પરંતુ તે હિંદી કે ઇંગ્લીશ ભાષા સરખો નથી; અને જે છે તે ગુજરાતના વધતા જતા પરિચયે ઘસાતો જાય છે. શૂર પ્રજામાં જે ભાષાના ઉચ્ચારણનું જોર આવે તે ઉચ્ચારણનું જોર ગુજરાતી ભાષામાં નથી. અને ડોલનશૈલી તેમ જ સોનેટ અને ગુલબંકી જેવા પ્રયત્નો છતાંય ગુજરાતી ભાષાના ઉચ્ચારણોમાં પૂરું જોર હજી આવ્યું નથી. ઉચ્ચારણ એ સાહિત્યને મહત્તવને ભાગ છે. એટલે ઉચ્ચારણની શક્તિહીનતા ગુજરાતી સાહિત્યને પહેલે જ પગથિયે નડે છે, અને ભારે ઉણપ તરીકે લાગ્યા કરે છે. “શું શા પૈસા ચાર ” પૂરતો દુહો છેક અર્થહીન નથી એમ છાનું છાનું પણ આપણે સ્વીકારવું પડે. આમ ગુજરાત ઘડાયું ખરું, પરંતુ ઇતિહાસે એને બહુ બળ ન આપ્યું.

૨. ઈતિહાસ ઉપરાંત ભૂગોળ પણ ગુજરાતી સાહિત્યને ઘડે છે. ગુજરાતને વિસ્તૃત સમુદ્રકિનારો છે. અને પૂર્વ – પશ્ચિમની દુનિયા સાથે હિંદને સાંકળી લેવામાં ગુજરાતે મહત્વને ભાગ ભજવ્યો છે. એ દરિયાઈ વિસ્તારે દરિયાઈ સફરની અંશતઃ તાકાત ગુજરાતને આપી છે. છતાં ગુજરાતનાં વ્યાપાર અને ખેતીની આબાદીએ તેના શૌર્ય સાહસ ઉપર ઠંડક પાથરી દીધી છે. ગુજરાત એ મુખ્યત્વે દરિયાઈ કિનારે હોવા છતાં Britania Rules The waves એવું કદી ઉચ્ચારણ ગુજરાતે કર્યું નથી. તેની વૃત્તિ વ્યાપારી અને આંતર દેશીય-Cosmopolitan થઈ ગયેલી હોવાથી, તેમાં જોરદાર રાષ્ટ્ર ભાવના ઝળહળી ઉઠતી નથી, જોકે એ જ Cosmopolitan વૃત્તિઓ ગુજરાતને ગાંધી જેવી વિશ્વવંદ્ય વ્યક્તિ આપી છે. સાંકડું અને તથા જોરદાર અભિમાન કે દેશાભિમાન આ કારણે ગુજરાતમાં નથી અને તેથી તેના સાહિત્યમાં જોરદાર રાષ્ટ્રઅભિમાનનો પડઘો આપણે માગીએ એટલો પડયો નથી. ન્હાનાલાલનું દેશાભિમાન વેરાઈ જઈ હેગ કોન્ફરન્સની વિશ્વ ન્યાયમંદિરની ભાવના તરફ વળે છે. ગાંધીજીનો હિંદ-પ્રેમ ઉમાશંકરની “ વિશ્વશાંતિ” માં વ્યાપક બની જાય છે. દેશાભિમાનના પ્રથમ આવેશમાં નર્મદે “જય જય ગરવી ગુજરાત” ગાયું, છતાં બંગાળને ઉદ્દેશીને ગવાયેલું ‘વંદેમાતરમ્’ જેમ સમગ્ર હિંદનું ગીત થઈ પડયું તેમ ગુજરાતનું કોઈ દેશાભિમાની ગીત આખા હિંદને મોઢે ચઢી શકયું નથી. ગુજરાતી સાહિત્યમાં આમ ઉદાર વ્યાપકતા ખરી, આબાદીની છાપવાળા સંસ્કારો ખરા, અને ઉદારતાભરી કુમળાશ પણ ખરી; પરંતુ ઈતિહાસ અને ભૂગોળે મળી તેનામાં વીરત્વ સાથે વણી લીધેલું અને ઊંડી ઊર્મિ ઉછાળતું દેશાભિમાન ગાળી કાઢયું છે. આ બે ઉણપો ગુર્જર સાહિત્યમાં ખાસ દેખાઈ આવે છે.

૩ કદાચ આ જ કારણને લઈને એક ત્રીજી ઉણપ પણ ગુર્જર સાહિત્યની દેખાઈ આવશે. ગુજરાત પોતાની વિભૂતિઓને બહુ ઓળખાતું નથી. પરિણામે ટાગોર અને ઈકબાલ જેમ બંગાળ અને પંજાબ ઓળંગી જઈ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યા, તેમ ગુજરાતી સાહિત્યનો કોઈપણ અગ્રણી એવી ખ્યાતિ પામી શક્યો નથી. સંભવિત છે કે ગુજરાતી પ્રજની માફક ગુજરાતી સાહિત્યકારને વિશ્વવ્યાપક થવાની ઊંડી અને ક્રાંતિકારી લાલસા ન પણ હોય. એ લાલસાને એ અભાવ સારો કે ખોટો એ પ્રશ્ન બાજુએ મૂકીને આપણે તેની અસર તો જોઈ શકીએ જ છીએ કે ગુજરાતી સાહિત્ય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ભલે ન પામ્યું હોય, પરંતુ તે આંતરપ્રાંતીય ખ્યાતિની પણ વંચિત રહેલું છે. હિંદના બીજા કોઈપણ સાહિત્ય સાથે ઊભા રહેવાની આજના ગુજરાતી સાહિત્યમાં શક્તિ હોવા છતાં અન્ય પ્રાંતના સાહિત્ય જેટલી તેની હિંદમાં પ્રતિષ્ઠા તો નથી જ.

૪ ગુજરાતની આબોહવા તેમ જ ગુજરાતની અન્ય પ્રાંતો કરતાં સુખી અવસ્થા ગુજરાતી સાહિત્યને અભ્યાસના મહાઊંડાણમાં પહોંચવા દેતી નથી. ગુજરાતમાં અભ્યાસીઓ નથી એમ નહિ, ભગવાનલાલ ઇંદ્રજીએ પુરાતત્ત્વ સરખા વિશિષ્ટ અભ્યાસના પ્રદેશમાં આખા હિંદમાં પહેલ કરી એમ કહી શકાય. છતાં અન્ય પ્રાંતોના અભ્યાસની સરખામણીમાં ગુજરાતના પંડિતો અને અભ્યાસીઓને ભાગ્યે જ ઊભા રાખી શકાય–સંખ્યાની દષ્ટિએ અને ગુણની દષ્ટિએ. આમ ગુજરાતી સાહિત્યની ઉણપો જોવા જઈશું તો નીચેની ઉણપ દેખાઈ આવશે :

૧:–ભાષાના ઉચ્ચારણમાં પૂરતા બળનો અભાવ.
૨:-દેશાભિમાનનું છીછરાપણું અને દેશાભિમાનની પાર વેરાઈ જઈ નબળાં બની જતાં ઊર્મિ ઊંડાણો.
૩:–આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચવાની સાહિત્યની અશક્તિ.
૪:-અભ્યાસ માટેની શક્તિ, ખંત, ઊંડાણ અને ચીવટાઈનો અભાવ.