← સુભાષિતો:શ સુભાષિતો
સુભાષિતો:સ
-
સુભાષિતો:હ →


• સજ્જન વનવેલી ભલી, કરે ઝાડ-શું પ્રીત,
સૂકે પણ મૂકે નહિ, એ સજ્જનની રીત

• સબળાથી સૌ કોઈ બીએ, નબળાને જ નડાય,
વાઘ તણો માગે નહિ ભોગ ભવાની માય.

• સભા વિશે જઈ બેસવું, જ્યાં જેનો અધિકાર,
ઝાંઝર શોભે ચરણમાં, હૈયા ઉપર હાર.


• સર્વ દિવસ સરખા નથી, દુ:ખદાયક પણ કોઈ,
સુખ ભોગવીએ સર્વ તો દુ:ખ પણ લઈએ જોઈ.

• સર્વ રોગોના કષ્ટોમાં ઉત્તમ ઔષધ ઉપવાસ
ન હોઈ જેનું પેટ સાફ, તેને ભોજન આપે ત્રાસ

• સાચી પ્રીત શેવાળની જળ સૂકે સૂકાય રે
માંયલો હંસલો સ્વાર્થી જળ સૂકે ઊડી જાય

• સુખ-સમયમાં છકી નવ જવું; દુ:ખમાં ન હિંમત હારવી;
સુખ-દુ:ખ સદા ટકતાં નથી, એ નીતિ ઉર ઉતારવી.

• સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર,
જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર.

• સૂતેલ હોય તો બેઠો થઈ જજે, બેઠો ઊઠજે અધીર,
દૂરને મારગ પાંખ્યું વીંઝજે, છૂટ્યું આવે જેમ તીર.

• સૂર્ય-રશ્મિ-પંથમાં વાદળ ભલે વચ્ચે પડે,
ખીલતા ફૂલને કદીયે મ્લાન મેં દીઠું નથી.

• સેણ સગાયું કીજીએ, જેવી કુળની રીત,
સરખેસરખાં ગોતીએ, વેર, વેવાઈ ને પ્રીત


• સોરઠ મીઠી રાગણી, રાગ મીઠો મલ્હાર,
રણમાં મીઠી વીરડી, જંગ મીઠી તલવાર.