સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો/બહાવરવટીઆની મીમાંસા/અંગ્રેજો પર દાઝ

← વીરપૂજા સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો
બહાવરવટીઆની મીમાંસા - અંગ્રેજો પર દાઝ
ઝવેરચંદ મેઘાણી
બહારવટીઆનાં કાવ્યો →


અંગ્રેજો પર દાઝ

બહારવટીઆ માહેના ધણા ખરા, જેને અંગ્રેજ રાજસત્તા સાથે અથડાવું પડેલું છે, તેઓની મુરાદ હમેશાં ગોરા અમલદારો સાથે મુકાબલો કરવાની રહેતી. ગોરાને મ્હાત કરવામાં તેઓએ પોતાનું ગૌરવ માન્યું હતું : બાવાવાળાએ ગ્રાંટને ઝાલી ચાર મહિના રાખ્યો. (અને એ ઝાલવું સ્હેલુ નહિ થઈ પડ્યું હોય. 'હું હથીયાર વિનાનો હતો' એ કેપ્ટન ગ્રાંટની વાત [સો. બ. ભા. ૧ પા. ૫૩] ન માની શકાય તેવી છે. સૌરાષ્ટ્રને કિનારે ચાંચીઆને તારાજ કરવા આવેલો લશ્કરી ગોરો, દીવ-અમરેલી વચ્ચેની ઘોર ગીરને વટાવતી વેળા, જોગીદાસ બાવાવાળો વગેરેનાં બહારવટાં વિષે અજાણ્યો બની. હિંસક પ્રાણીઓની પણ ધાસ્તી વિના, એવા મારામારીના સમયમાં કેવળ એક કુમચીભેર જ ઘોડેસ્વાર બની ચાલ્યો આવે, એ વાત જ અસંભવિત છે. આજે શાંતિના યુગમાં પણ ભાગ્યે જ કોઈ અંગ્રેજ બચ્ચાની કમર અથવા ગજવું રીવાલ્વર વિનાનાં હશે, તો પછી તે યુગમાં શું ગોરો એટલો ગાફલ રહે? નક્કી ગ્રાંટને છતે હથીઆરે જ કાઠી લડવૈયાઓએ દબાવી દીધો હશે.) ચાંપરાજવાળાએ બાણીઆના ડુંગર પર એક લશ્કરી સાહેબને ફુંક્યો. વાઘેરોએ બેટ અને દ્વારકાની લડાઈમાં સોલ્જરોને કતલ કરવા ઉપરાંત માછરડા પર હેબટ લાટૂશને ઉડાવ્યા. વાલા નામોરીએ મરતાં મરતાં પોતાને ઝેર આપનાર ગૉર્ડનને ગોળીએ વીંધ્યો. જોગીદાસ ખુમાણને ઝાલવા પોલીટીકલ એજન્ટ બાર્ટન પોતે અમરેલી આવી ફોજ ગોઠવતો હતો એ છતાં ગોરાના પડકારથી કાઠી ડર્યો નહિ. કાદુની સ્કૉટ પર દાઝ : જુમલાને સૂટર ન મર્યાનો રહી ગએલ વસવસો : એ બધામા વ્યક્ત થતી, અંગ્રેજો પરની દાઝ આવા આવા દોહામાં ઉતરી :

ટોપી ને ત૨વા૨ ન૨ કોઇને નમે નહિ
સાહેબને મહિના ચાર બાંધી રાખ્યો તેં બાવલા!

ઘંટ ફરતો ઘણું દળવા કજ દાણા,
(એને)મ્હેાં બાંધીને માણા ! બેસારી રાખ્યો બાવલા !

વશ કીધો વેલણનો ધણી ગરમાં ઘંટને જે,
(એની) વાળા ! વલ્યાતે, બુંબું પૂગી બાવલા !

વીકે સરવૈયા વાઢીયા રણગેલા રજપૂત,
ભાણીયાને ડુંગર ભૂત સાહેબને સરજ્યો ચાંપરાજ !

માણેકે સીંચાડો માંડિયો ધધકે લોહીની ધાર,
સેાજીરની કીધી શેરડી, ઓર્યા ભડ ઓનાડ.

સોજીરને સોઝા કરી, વાઢે નર વંકા.
જોધો ધીંગાણે ઝૂઝણો (એના) દલ્લી લગ ડંકા.

૩૨

મૂળવે અંગ્રેજ મારીઆ, (એના) કાગળ પૂગા કાંચી,
અંતરમાં મઢ્યમ ઉદરકે, સૈયરૂં વાત સાચી ?

તારી જે પાછું તણા, વલ્યાતે કાગળ વંચાય,
(ત્યાં તો) મઢ્યું બંગલા માંય વાળે મોઢાં વાલીયા !

આ રીતે અંગ્રેજોની સત્તા સામે તેઓએ કશા પ્રભાવથી અંજાયા વગર મુકાબલો કરી દેખાડ્યો હતો. ગોરાને એણે કદિ પોતાનાથી ઉંચેરો, જોરાવર અથવા સાર્વભૌમ ગણ્યો નથી. ગોરાની ખોટી પ્રતિષ્ઠા લોકોના માનસ પર ન ઠસવા દેવામાં આ ઘટનાઓનો હિસ્સો છે.

શા માટે તેઓએ અંગ્રેજ સત્તા તરફ આટલી ઘૃણા પ્રદર્શિત કરી ? અંગ્રેજ સત્તા આહી બેસીને કાયદા અને વ્યવસ્થાનું સુદૃઢ શાસન ચલાવશે તો પોતાનું ગેરકાયદેસર સ્વચ્છંદી જીવન રૂંધાઇ જશે તે બ્હીકે ? કે અંગ્રેજ રાજસત્તા સૌરાષ્ટ્રના હિતને હાનિ પહોંચાડી કબજે કરી બેસશે તે ભયથી?

ઇતિહાસ વાગતાં આ૫ણને બે તારણો સૂઝે છે : ૧. અંગ્રેજો આવી મધ્યસ્થ સત્તા બની ન્યાય અપાવવા નહોતા આવ્યા, પણ ગાયકવાડ, ભાવનગર વગેરે મોટા રાજાની મદદે આવી એણે પોતાના સૈન્યબળ વડે નાના જમીનદારોને જેર કર્યા હતા. એ લોક–માન્યતા : દૃષ્ટાંત રૂપે જોગીદાસ ખુમાણ.

ર. ઇ. ઈં. કં. નો નિંદ્ય કારોબાર આખા હિન્દમા સુપ્રસિદ્ધ હતો. બહારના તીર્થયાત્રીઓ સૌરાષ્ટ્ર ઉતરી એની વાતો ફેલાવતા.

એ તિરસ્કાર અને તુચ્છકારથી જ પ્રેરાઈને વાઘેરોએ અંગ્રેજોને 'ચીંથડેજા પગેવારા : ચીંથરાના પગવાળા' કહ્યા હતા. અને વાઘેરોની પાસેથી મૂળ એના ઓખામંડળ આંચકી લેવામા મરાઠાઓને મદદ કરનાર પણ અંગ્રેજો જ હતા. એ વાતનો દંશ વાઘેરોને જેવો તેવો નહોતો.[૧]


  1. ** કીનકેઇડ : Outlaws of Kathiawar : પાનું ૩૫
    "He (Jodha manik) came, as his name indicates, from the Manik Stock that at one time ruled, Dwarka and Okha Mandal, before the Mahrattas, with British assistance, established themselves the rein”