સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો/બહાવરવટીઆની મીમાંસા/વીરપૂજા

← સૌરાષ્ટ્રના બહારવટીઆ સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો
બહાવરવટીઆની મીમાંસા - વીરપૂજા
ઝવેરચંદ મેઘાણી
અંગ્રેજો પર દાઝ →


બહારવટીઆની વીરપૂજા

સાચો બહારવટીઓ પોતાનામાં જેટલું વીરત્વ પ્રગટાવી શકતો તેટલો સામા શત્રુના વીરત્વને પણ સન્માન આપી શકતો હતો. મેાવર તો નર્યો લુંટારો હોવા છતાં પેલા પારકરના બહાદૂર વેપારી વાણીઆને એક તલવારે પોતાની આખી ટોળે સામે આવતો ભાળી ' રંગ તુને !' પોકારી વણલુંટ્યે ચાલ્યો ગયો: સામન્ડના બોલ પર ઇતબાર રાખી સરકારને શરણ થયો: વાઘેર બહારવટીઆ જોધામાણેકે એકલા દ્વારકા જઈ બાર્ટન સાહેબની સાથે આંખોની પણ ઓળખાણ વિના, કેવળ એના સંદેશા પર વિશ્વાસ ધરી મુલાકાત લીધી : અને મૂળુ માણેક એવેજ વિશ્વાસે હથીઆર છોડવા જતા ફસાઈ ગયો : શત્રુઓની ઉપર અાવો વિશ્વાસ મૂકવાની સાફદિલ હીંમત ભીરુ ચોરડાકુઓમાં નથી હોતી. દગાની દેહશત ન રાખે એવું વીરત્વ આ લોકોની છાતી નીચેથી અનેક વાર ડોકિયા કરી જતું. એના સર્વોત્તમ દૃષ્ટાંતનો કિસ્સો અાભપરા ડુંગર ઉપર એક આરબનો બની ગયો છે. વાઘેરોનો હલ્લો થતાં આખી ફોજ ભાગી તેમાંથી ફક્ત એક જ યુવાન આરબ 'હમ નહિ હટેગા ! નમક ખાયા !' કહી ઉભો રહે. એટલે એ વીરતા પર મુગ્ધ બની વાઘેરો એને રસ્તો દઈ દે : પણ પોતાના ધણીના સરંજામ પરથી આરબ મર્યા પહેલાં ખસવાની ના પાડે, એટલે બહારવટીઓ પણ એને એકને સામટા જણ જઈને મારવાની ના પાડે. આખો દાયરો બેસે. અક્કેક બહારવટીઓ એ આરબ સામે લડે, છેવટે આરબ પડે, અને બહારવટીઆ એની રીતસર મૈયત કાઢી દફનાવે: એ ઘટના એક નજરે જોનાર શત્રુ-સૈનિકને મુખથી કહેવાતી આવી છે. સ્કૉટ કૃત 'આઈવેન હો.' નામક નવલમાં રોબીનહુડ વિષે પણ આવી જ કથા આલેખાઈ છે.

ઇતિહાસ કે કલ્પના ?

આ બધી ઘટનાઓ વિલક્ષણ હોવાને કારણે અસંભવિત હોવાની પણ શંકા પડે. આ કિસ્સાઓ ક્યાંયે નોંધાયા નથી. બહારવટીઆની વિરોધી સત્તાઓને દફ્તરે તો એને સ્થાન જ ન સંભવે. સહજ છે કે એ દફતરો બહારવટીઆઓને હરામખોરો, લૂંટારાઓ, બળવાખોરો એવા શબ્દોમાં જ વર્ણવે ને બહારવટીઆની શામળી બાજુ રજુ કરી એને વધુ શામળી બનાવવાના પ્રયત્ન કરે. તેમ બીજી બાજુ લોકોને પણ પેાતાના સારાનરસા તમામ અનુભવો છુપાવવામાં જ પોતાની સલામતી લાગતી હોય. બહારવટીઆ સાથે પડેલા પ્રસંગો પકડાઈ જતાં વસ્તીને રાજસત્તાનો ખોફ વ્હોરવો પડતો; તેથી તેઓ પણ ચુપ રહ્યા હોય. ધીમે ધીમે સમય જતાં, રાજસત્તાનો ભય ઉતરી જતાં, લોકોમાં એ બહારવટીઆની ઘટનાઓ ઉખળવા લાગે છે. શિયાળુ રાત્રિઓની શગડીઓ એ કથાઓ વડે વધુ ઉષ્માવંત બની રહે છે, વાડીઓની વડઘટાઓ, ગામના ચોરાઓ, અને ડેલી દોઢીના દાયરાઓ એ નાની છુપાવેલી વાતો વડે વધુ પ્રદીપ્ત થઈ રહે છે. અને છતાં નામઠામ સંડોવ્યા વગર જ ઘણી વાતો મોઘમ ઉચ્ચારવી પડે છે. એમાં કાંઈક વીરત્વ ઉપરની માનબુદ્ધિથી પ્રેરાઈને, તેમજ કાંઈક કલ્પનાના રંગે રંગાઈને, કવિ કાવ્ય રચે તે પ્રમાણે પ્રજા ય આ બહારવટીઆની આસપાસ નૂતન ઘટનાઓ ગુંથી કાઢતી હશે. ઇંગ્લાંડના કેટલાએક ઇતિહાસકારો પણ એ મત ધરાવે છે. *[૧]રોબીનહુડની ઘણી ધટનાએ કપોલકલ્પિત હોવાનું કહેવાય છે. અથવા ઘણી ઘણી, ભિન્ન ભિન્ન સ્થળો તેમજ વ્યક્તિ પરત્વે બની ગએલી બોલાતી ધટનાઓનો સમુચ્ચય કરીને મેધધનુષના રંગસમુચ્ચય સરીખો એક બલવાન વીર ઘડ્યો હોવાનું પણ બોલાય છે. માનવી મરી ગયા પછી અમુક સમયે એના સ્મૃતિચિત્રમાં એવાં અવનવાં તેજ-છાયા પૂરવાની લોક–પ્રકૃતિ જગજાહેર છે. દાખલા તરીકે મોવર સંધવાણીએ એક સાહેબની મડમને ઉડાવી જઈ પોતાના રહેઠાણમાં બ્‍હેન કરી રાખીને છેવટે એક હજાર રૂપીઆનું કાપડું આપી સાહેબને પાછી સુપ્રત કરી, એ વાત સારી પેઠે પ્રચલિત છતાં, એના જ એક સંગાથી બહારવટીઆએ (એ જીવે છે) નિર્મૂલ કહી છે. (૫રંતુ એથી ઉલટું કાદુ ને જેકસનની, કાદુ ને હંફ્રીની મડમની વગેરે ઘટનાઓને સજ્જડ સાક્ષીપૂરાવા છે.)

આ કથાઓમાં એવું Picturesque-કલ્પના પ્રધાન તત્ત્વ કેટલું છે ને સત્ય કેટલું છે, તે નિર્ણય થવો મુશ્કેલ છે. કેવળ ચારણોની જ પાસેથી મળેલી આ કથાઓ નથી, પણ ચારણો, ભાટો, બહારવટીઆના સંગાથીઓ, પેાલીસખાતાંના જૂના અધિકારીઓ, અમુક બાહારવટીઆની સામે હાથોહાથ લડેલા ગીસ્તના માણસો વગેરે પાસેથી પૂછી પૂછી, બનતી મહેનતે સરખાવી સરખાવી એકઠી કરેલી આ ઘટનાઓ છે. બહારવટીઆના સંગાથમાં જેઓ બહારવટે નીકળેલા, તેવાઓમાંથી


  1. *“ Nothing would be more natural than thegradual clustering of tales round a hero. Robinhoodhimself is a good example of this. Some remarkableballads give expression to his dallying exploits andhairbreadth escapes. ”
પણ મળ્યા તેટલાના મુખબોલ ઝીલ્યા છે. તેમ છતાં કલ્પના

ના સંભારથી આ કથાઓ છેક જ મુક્ત હોવાની ખોળાધારી કોઈથી ન જ લેવાય. ઐતિહાસિક સામગ્રીઓના સંપાદક તરીકેની ફરજ અદા કરવા જતા એકપણ કલ્પિત fictitious-પાત્ર ન ઉમેરવાની ચિવ્વટ રખાઈ છે. પરંતુ ઘટના વર્ણવવા જતાં સંપાદક લેાકેાક્ત વૃત્તાંતને ચાહે તેટલો વફાદાર રહ્યો હોય છતાં એમાં એ પોતે પોતાના મન પર પડેલા રંગોની મિલાવટ કર્યા વિના રહી શકતો નથી. ખુદ પાત્ર સાથે એને તદ્દવૃત્તિ સાધવી જ પડે છે. પાત્રની ઐતિહાસિક પ્રકૃતિ તેમજ અન્ય આછી ઘાટી રેખાઓ પામી ગયા પછી એ વર્ણનની વિગતો તો પેાતે જ ઘણે ઘણે ઠેકાણે પૂરી લે છે. પોતે કથારૂપે કહેવા જતાં કથાની ઐતિહાસિક મર્યાદાને માન આપતો હોય છે, અને છતાં ઐતિહાસિક વસ્તુનું કેવળ 'રીપોર્ટીંગ' કરવાનું પણ એને પાલવતું નથી. આ બધી સંકડામણ વચ્ચે ઇતિહાસ ઉપર થોડો ઘણો વરખ ચડ્યા વિના રહી ન જ શકે. મુખપરંપરાએ ચાલી આવતી ઘટનાને એ રીતે અનેક ક૯૫ના-પુટો ને ભાવના-પુટો ચડ્યા જ હોય છે. જેમ સમય લાંબો જાય, તેમ તેમ એ પોપડાના થર વધુ જાડા થતા જાય છે.

પરંતુ આપણી આ ઘટનાઓ હજુ બહુ જુનીપુરાણી નથી. એને હજુ કેટલાક નજરોનજરના સાક્ષીઓ હોવાનો લાભ છે. એનું આલેખન પણ નવલકથાની નવસર્જક શૈલીએ અને વિગત પાત્ર કે સ્થલનાં બંધનોથી મુક્ત બીનજવાબદારીની રીતે નથી થયું. તેટલી તેની વિશ્વસનીયતા વધે છે. દરેકેદરેક ઘટનાવાર, સંપાદકને કેટલું વસ્તુ મૂળ મળેલું, અને તેમાં પોતે કેટલો ઘાટ પોતાની કલમ વડે આપ્યો છે, એ બતાવવું અત્રે ટુંકી જગ્યામાં વિકટ બને છે. પણ સંપાદક પોતે ખાત્રી આપે છે કે પાત્ર તેમજ પ્રસંગને માત્ર proper perspective માં મૂકી શકાય, તેટલી શબ્દ-યોજના યોજ્યા સિવાય એણે લગારે છુટ પેાતાની કલ્પનાને લેવા દીધી નથી. અને તેથી જ 'બહારવટાં ' વિષેના આ તુલનાત્મક લેખમા એ ઘટનાઓની સાક્ષી ટાંકવાનું ઉચિત ધાર્યું છે.