સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો/બહાવરવટીઆની મીમાંસા/વ્યાખ્યા

સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો
બહાવરવટીઆની મીમાંસા - વ્યાખ્યા
ઝવેરચંદ મેઘાણી
ગ્રેટ બ્રીટનના બહારવટીઆ →


બહારવટીઆની મીમાંસા

પોતાને અને રાજસત્તાને વાંધો પડવાથી કોઈ પણ મનુષ્ય એ રાજસત્તાની અવગણના કરી રાજ્ય બહારની વાટ (માર્ગ) પકડે, એનું નામ બહારવ(વા)ટીઓ. અંગ્રેજી ભાષામા એનો પર્યાય શબ્દ છે Outlaw : એટલે કે કાયદાકાનૂનના પ્રદેશની બહાર નીકળી જનાર, કાયદાને આધીન રહેવા ના પાડનાર અને તેને પરિણામે કાયદાના રક્ષણથી પણ વંચિત રહેનાર ઈસમ.

જૂના કાળમાં અને આ કાળમાં, આ દેશમાં તેમજ અન્ય દેશોમાં, શસ્ત્રધારી કે શસ્ત્રહીન, એવા અનેક બહારવટીઆ નીકળેલા છે. તેઓએ રાજસત્તાનાં શાસનને હંફાવીને પેાતાના અન્યાયનું નિવારણ મેળવવા અથવા તો પોતાના વેરનો બદલો લેવા સફળ કે નિષ્ફળ યત્નો કરેલા છે. અને અંગ્રેજ રાજ્યના 'ધારા'નો અમલ શરૂ થયા પછી 'બહારવટું' એ હિન્દી પીનલ કોડની કલમ ૧૨૧अ મા મુજબનો, વધુમાં વધુ ફાંસીની સજાને પાત્ર ગુન્હો ઠર્યો છે.

દેશદેશના ઇતિહાસમાં બહારવટીઆઓનાં પ્રકરણો અતિ આકર્ષક થઈ પડ્યાં છે. 'બહારવટાં'નું વાતાવરણ જ વિલક્ષણ હોય છે. એમાં ઘણા ઘણા પરસ્પરવિરોધી ભાવોનો સંગમ થાય છે. રાજાની આસપાસ વિક્રમ અને વૈભવનું, ઋષિની આસપાસ તપોવનની વિશુદ્ધ શાંતિનું, વિદ્વાનની આસપાસ રસિક વિદ્વતાનું, એમ છુટાંછુટા વાતાવરણો ગુંથાય છે. પણ બહારવટીઆની આસપાસ તો ભિક્ષુકતાની સાથે રાજત્વ, ઘાતકીપણા સાથે કરૂણા, લૂંટારૂપણાની સાથે ઔદાર્ય, સંકટોની સાથે સાથે ખુશાલી, અને છલકપટની સાથે નિર્ભય ખાનદાની : એવાં દ્વંદ્વો લાગી પડેલાં છે. ઘણી વાર તો પ્રજા કોઈ જગદ્વિજેતાનાં મહાન પરાક્રમો કરતાં બહારવટીઆના નાના નાવા વીરત્વમાં વધુ રસ લે છે. એની મોજીલી પ્રકૃતિના પ્રસંગો પર હાસ્ય વરસાવે છે. એનાં ઘાતકી કૃત્યો સાંભળીને, પોતાના કોઈ માનીતા આત્મજને ભૂલો કરી હોય એવે ભાવે શોચ અને ઉત્તાપ અનુભવે છે, એની તપશ્વર્યા ઉપર વારી જાય છે. એની વિ૫દ્‌ની વાત આવતાં દયા ખાય છે. એના દોષોને વિસરી જઇ એના પરમાણુ જેવડા ગુણોને પણ પર્વત જેવડા કરી માને છે, વીરત્વની ઘણી ઉચી કલ્પિત અથવા અર્ધકલ્પિત ઘટનાઓ એના નામની સાથે જોડી દે છે. સૈારાષ્ટ્ર દેશ એવા બહારવટાના પચરંગી લોક-ઇતિહાસે છલોછલ ભરેલો છે. પ્રથમ આપણે બહારવટાની મીમાંસામાં યુરોપની દૃષ્ટિ સમજીએ. પછી કાઠીઆવાડની વિપુલ કથાસામગ્રીમાં ઉતરીએ.